[પાછળ] 

નારી નમણું ફૂલ

નારી નમણું ફૂલ જગતમાં નારી નમણું ફૂલ. સહજ સ્મિતે સૌંદર્ય પ્રસારી મહક મહીં મશગૂલ. નારી નમણું ફૂલ જગતમાં નારી નમણું ફૂલ. એ છે તો ઉદ્યાન જગતનાં આજ દીસે છે હસતાં, લક્ષ જીવન શાતા અનુભવતાં એને હૈયે વસતાં. મૂલવતાં મુલવાય ન કો'થી એનાં મોંઘાં મૂલ નારી નમણું ફૂલ જગતમાં નારી નમણું ફૂલ. શોણિત પાઈ પ્રફૂલ્લ રાખે નાના મોટા છોડ, કોમળ કાય છતાં રત એ તો સેવામાં તનતોડ. રડતું હૈયું, હસતી આંખો- ઉર એનું અણમૂલ નારી નમણું ફૂલ જગતમાં નારી નમણું ફૂલ.
-સુશીલા ઝવેરી
 [પાછળ]     [ટોચ]