[પાછળ]
(૧)       

જળકમળ છાંડી જાને બાળા જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે, મને બાળ હત્યા લાગશે કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવિયો નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો મથુરા નગરીમાં જુગટુ રમતાં, નાગનું શીશ હું હારિયો રંગે રૂડો, રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો તારી માતાએ કેટલા જનમ્યાં, તેમાં તું અળખામણો મારી માતાએ બેઉ જનમ્યાં, તેમાં હું નટવર નાનડો જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરીઓ એટલું મારા નાગથી છાનું આપું, કરીને તુજને ચોરીઓ શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો ઉઠોને બળવંત કોઈ, બારણે બાળક આવિયો બેઉ બળિયા બાથે વળગિયા, શ્રીકૃષ્ણે કાળીનાગ નાથિયો સહસ્ત્ર ફેણાં ફુંફવે જેમ, ગગન ગાજે હાથિયો નાગણ સૌ વિલાપ કરે કે, નાગને બહુ દુઃખ આપશે મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે બેઉ કર જોડી વીનવે, સ્વામી! મૂકો અમારા કંથને અમે અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને થાળ ભરીને શગ મોતીડે, શ્રીકૃષ્ણને રે વધાવિયો નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો - નરસિંહ મહેતા

ક્લીક કરો અને સાંભળોઃ(૨)       

જાગને જાદવા જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે? ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે? રે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં કઢિયેલ દૂધ તે કોણ પીશે? હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો ભૂમિનો ભાર તે કોણ વહેશે? રે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા જમુનાને તીરે ગૌધણ ચરાવતાં મધુરીશી મોરલી કોણ વહાશે? ભણે નરસૈંયો તારા ગુણ ગાઈ રીઝિયે બૂડતાં બાંયડી કોણ સહાશે? રે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા - નરસિંહ મહેતા

ક્લીક કરો અને સાંભળોઃ(૩)       

અખિલ બ્રહ્માંડમાં અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે; વિવિધ રચના કરી અનેક રસ ચાખવા, શિવ થકી જીવ થયો એ જ આશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિષે ભેદ ન હોયે; ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ ગ્રંન્થે ગડબડ કરી, વાત ન ખરી કહી, જેહને જે ગમે તેને તે પૂજે; મન-વચન-કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂઝે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે; ભણે નરસૈંયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ - નરસિંહ મહેતા

ક્લીક કરો અને સાંભળોઃ(૪)       

ભુતલ ભક્તિ પદારથ મોટું ભુતલ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મ લોકમાં નાહીં રે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે. હરિના જન તો મુક્તિ ન માગે, જનમો જનમ અવતાર રે, નિત સેવા નિત કિર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે. ભરત ખંડ ભુતલમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે, ધન ધન રે એના માત પિતાને, સફળ કરી જેણે કાયા રે. ધન વૃંદાવન, ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે, અષ્ટ મહાસિદ્ધિ આંગણીયે ઉભી, મુક્તિ છે એમની દાસી રે. એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે, કંઈ એક જાણે પેલી વ્રજની ગોપી, ભણે નરસૈંયો જોગી રે. - નરસિંહ મહેતા

ક્લીક કરો અને સાંભળોઃ(૫)       

જે ગમે જગત ગુરુ જગદીશને જે ગમે જગત ગુરુ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે એક ઉદ્વેગ ધરવો જે ગમે જગત ગુરુ દેવ જગદીશને હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેર જોગી જોગેશ્વરા કો'ક જાણે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને નીપજે નરથી તો કોઈ ના રહે દુઃખી શત્રુ મારીને સૌ મિત્ર રાખે રાય ને રંક કોઇ દૃષ્ટે આવે નહિ ભવન પર ભવન પર છત્ર દાખે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને ઋતુલતા પત્ર ફળ ફૂલ આપે, યથા માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું તેહને તે સમે તે જ પહોંચે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને ગ્રંથે ગરબડ કરી, વાત ન કરી ખરી જેહને જે ગમે તેહને તે પૂજે મન કર્મ વચનથી આપ માની લહે સત્ય છે એ જ મન એમ સૂઝે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને સુખ સંસારી મિથ્યા કરી માનજો કૃષ્ણ વિના બીજું સર્વ કાચું જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું જે ગમે જગત ગુરુ દેવ જગદીશને - નરસિંહ મહેતા

ક્લીક કરો અને સાંભળોઃ(૬)        

ધ્યાન ધર હરિતણું ધ્યાન ધર હરિતણું, અલ્પમતિ આળસુ, જે થકી જન્મનાં સુખ થાયે; અવળ ધંધો કરે, અરથ કાંઈ નવ સરે, માયા દેખાડીને મૃત્યુ વહાયે. સકળ કલ્યાણ શ્રીકૃષ્ણના ચરણમાં, શરણ આવે સુખ પાર ન્હોયે; અવળ વેપાર તું, મેલ મિથ્યા કરી, કૃષ્ણનું નામ તું રાખ મોંએ. પટક માયા પરી, અટક ચરણે હરિ, વટક મા વાત સુણતાં જ સાચી; આશનું ભવન આકાશ સુધી રચ્યું, મૂઢ એ મૂળથી ભીંત કાચી. અંગ-જોબન ગયું, પલિત પિંજર થયું, તોય નથી લેતો શ્રીકૃષ્ણ કહેવું; ચેત રે ચેત, દિન ચાર છે લાભના, લીંબુ લહેકાવતાં રાજ લેવું. સરસ ગુણ હરિતણા, જે જનો અનુસર્યા, તે તણા સુજશ તો જગત બોલે; નરસૈંયા રંકને, પ્રીત પ્રભુ-શું ઘણી, અવર વેપાર નહીં ભજન તોલે. - નરસિંહ મહેતા

ક્લીક કરો અને સાંભળોઃ(૭)        

જ્યાં લગી આત્મા તત્વ જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, મનખા દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી. શુ થયું સ્નાન સંધ્યા ને પૂજા થકી, શું થયું ઘેર રહી દાન દીધે? શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે, શું થયું વાળ લુંચન કીધે? શું થયું જપ તપ તીરથ કીધા થકી, શું થયું માળ ગ્રહી નામ લીધે? શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી, શું થયું ગંગાજળ પાન કીધે? શું થયું વેદ વ્યાકરણ વાણી વદે, શું થયું રાગ ને રંગ માણ્યે? શું થયું ખટ દર્શન વેદ સેવ્યા થકી, શું થયું વરણના ભેદ આણ્યે? એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા, આતમારામ પરિબ્રહ્મ ન જોયો; ભણે નરસૈંયો તત્વદર્શન વિના, રત્ન-ચિંતામણિ જન્મ ખોયો. - નરસિંહ મહેતા

ક્લીક કરો અને સાંભળોઃ(૮)        

સુખદુઃખ મનમાં ન આણીએ સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં સુખદુઃખ મનમાં ન આણીએ. નળરાજા સરખો નર નહીં જેની દમયંતી રાણી અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી સુખદુઃખ મનમાં ન આણીએ. પાંચ પાંડવ સરખાં બાંધવા, જેને દ્રૌપદી રાણી બાર વરસ વન ભોગવ્યાં, નયને નિદ્રા ન આણી સુખદુઃખ મનમાં ન આણીએ. સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી સુખદુઃખ મનમાં ન આણીએ. રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી દશ મસ્તક છેદાઈ ગયાં, બધી લંકા લૂંટાણી સુખદુઃખ મનમાં ન આણીએ. હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, જેની તારામતી રાણી તેને વિપત્તિ બહુ રે પડી, ભર્યાં નીચ ઘેર પાણી સુખદુઃખ મનમાં ન આણીએ. શિવજી સરખા સતા નહીં, જેની પારવતી રાણી ભોળવાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી સુખદુઃખ મનમાં ન આણીએ. એ વિચારી હરિને ભજો, તે સહાય જ કરશે જુઓ આગે સહાય ઘણી કરી, તેથી અર્થ જ સરશે સુખદુઃખ મનમાં ન આણીએ. સર્વ કોઈને જ્યારે ભીડ પડી, સમર્યા અંતરયામી ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈંયાના સ્વામી સુખદુઃખ મનમાં ન આણીએ. - નરસિંહ મહેતા

ક્લીક કરો અને સાંભળોઃ(૯)       

એવા રે અમો એવા રે એવા રે અમો એવા રે એવા, તમે કહો છો વળી તેવા રે ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે જેનું મન જે સાથે બંધાણું, પહેલું હતું ઘર રાતું રે હવે થયું છે હરિરસ માતું, ઘેર ઘેર હીંડે છે ગાતું રે સઘળા સંસારમાં હું એક ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે તમારે મન માને તે કહેજો, નેહ લાગ્યો છે ઊંડો રે કરમ-ધરમની વાત છે જેટલી તે મુજને નવ ભાવે રે સઘળા પદારથ જે થકી પામ્યો, મારા પ્રભુની તોલે ન આવે રે હળવા કરમનો હું નરસૈંયો, મુજને તો વૈષ્ણવ વહાલા રે હરિજનથી જે અંતર કરશે, તેના ફોગટ ફેરા ઠાલાં રે - નરસિંહ મહેતા

ક્લીક કરો અને સાંભળોઃ ઓડિયો ક્લીપ સૌજન્યઃ ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન, અમદાવાદ(૧૦)       

નીરખને ગગનમાં નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું તે જ હું શબ્દ બોલે શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ, અહીંયા કો નથી કૃષ્ણ તોલ શ્યામ શોભા ઘણી, બુદ્ધિ ના શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી જડ ને ચૈતન્ય રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવન મૂળી ઝળહળ જ્યોત ઉદ્યોગ રવિકોટમાં, હેમની કોર જ્યાં નીસરે તોલે સચ્ચિદાનંદ આનંદ-ક્રીડા કરે, સોનાના પારણા માંહી ઝૂલે બત્તી વિણ, તેલ વિણ, સૂર્ય વિણ જો વળી, અચળ ઝળકે સદા અનળ દીવો નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો, વણજિહ્વાએ રસ સરસ પીવો અકળ અવિનાશી એ, નવ જ જાયે કળ્યો, અરધ-ઊરધની માંહે મહાલે નરસૈંયાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે - નરસિંહ મહેતા

ક્લીક કરો અને સાંભળોઃ(૧૧)       

ભોળી રે ભરવાડણ ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે ગિરિવરધારીને ઊપાડી, મટુકીમાં ઘાલી રે ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી શેરીએ શેરીએ સાદ પાડે, કોઈને લેવા મુરારિ રે નાથ-અનાથનાને વેચે, ચૌટા વચ્ચે આહિર નારી રે ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી વ્રજનારી પૂછે શું છે માંહી, મધુરી મોરલી વાગી રે મટુકી ઉતારીને જોતાં, મૂર્છા સૌને લાગી રે ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા, કૌતુક ઊભા પેખે રે ચૌદ લોકમાં ન માય તે, મટુકીમાં બેઠેલ દેખે રે ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી ભક્તજનોના ભાગ્યે વ્રજમાં, પ્રગટ્યા અંતરજામી રે દાસલડાને લાડ લડાવે, નરસૈંયાનો સ્વામી રે ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી - નરસિંહ મહેતા

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]