[પાછળ]
(૧૨)
 મુખડાની માયા લાગી રે

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા

મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું
મન મારું રહ્યું ન્યારું રે
મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે

સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું
તેને તુચ્છ કરી ફરીએ રે
મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે

સંસારીનું સુખ કાચું, પરણી રંડાવું પાછું
તેવા ઘેર શીદ જઈએ રે
મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે

પરણું તો પ્રીતમ પ્યારો, રંડાપાનો ભો' ટાળ્યો
તેનાં તે ચરણે રહિયે રે
મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે

મીરાંબાઈ બલિહારિ, આશા મને એક તારી
હવે હું તો બડભાગી રે
મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે

- મીરાંબાઈ

ક્લીક કરો અને સાંભળોઃ


ઓડિયો સૌજન્યઃ 
ગિરીશ જે. મોદી, અટલાન્ટા, યુ.એસ.એ. સંપર્કઃ +1-678-826-4725 +1-404-418-5534


(૧૩)
મારો હંસલો નાનો

જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું

આરે કાયા રે હંસા, ડોલવાને લાગી રે
પડી ગયાં દાંત, માંયલી રેખું તો રહ્યું
મારો હંસલો ને દેવળ જૂનું તો થયું

તારે ને મારે હંસા પ્રીત્યું બંધાણી રે
ઊડી ગયો હંસ પીંજર પડી તો રહ્યું
મારો હંસલો ને દેવળ જૂનું તો થયું

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાં ગુણ
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં
મારો હંસલો ને દેવળ જૂનું તો થયું

- મીરાંબાઈ

ક્લીક કરો અને સાંભળોઃ


ઓડિયો સૌજન્યઃ 
ગિરીશ જે. મોદી, અટલાન્ટા, યુ.એસ.એ. સંપર્કઃ +1-678-826-4725 +1-404-418-5534


(૧૪)
રામ રમકડું જડિયું રે

રામ રમકડું જડિયું રે, રાણાજી, મને રામ રમકડું જડિયું

રૂમઝૂમ કરતું મારે મંદિરે પધાર્યું
નહિ કોઈના હાથે ઘડિયું રે, મને રામ રમકડું જડિયું

મોટા મોટા મુનિવર મથી મથી થાક્યા
કોઈ એક વિરલાને હાથે ચડિયું રે, મને રામ રમકડું જડિયું

સૂના શિખરના ઘાટથી ઉપર
અગમ અગોચર નામ પડિયું રે, મને રામ રમકડું જડિયું

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર
મન મારું શામળિયા સંગ જડિયું રે, મને રામ રમકડું જડિયું
 
- મીરાંબાઈ

ક્લીક કરો અને સાંભળોઃ


(૧૫)
નંદલાલ નહિ રે આવું

નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે
કામ છે, કામ છે, કામ છે રે
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે

આણી તીરે ગંગા ને પેલી તીરે જમુના
વચ્ચમાં ગોકુળિયું ગામ છે રે
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે

વનરા રે વનમાં રાસ રચ્યો છે
સો-સો ગોપીઓની વચ્ચે એક કહાન છે રે
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે

વનરા તે વનની કુંજગલીમાં
ઘેરઘેર ગોપીઓના ઠામ છે રે
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે

વનરા તે વનના મારગે જાતાં
દાણ આપવાની મુને ઘણી હામ છે રે
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે

બાઈ મીરાં રહે પ્રભુ ગિરધરનાં ગુણ
ચરણકમળમાં મુજ વિશ્રામ છે રે
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે

- મીરાંબાઈ

ક્લીક કરો અને સાંભળોઃ


(૧૬)
મને લાગી કટારી પ્રેમની

પ્રેમની, પ્રેમની, પ્રેમની રે             
            મુને લાગી કટારી પ્રેમની

જળ જમુનાનાં ભરવા ગયા'તાં         
હતી ગાગર માથે હેમની રે           
            મુને લાગી કટારી પ્રેમની

કાચે તે તાંતણે હરિજીએ બાંધી         
જેમ ખેંચે તેમ તેમની રે             
            મુને લાગી કટારી પ્રેમની

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર      
શામળી સૂરત શુભ એમની રે         
            મુને લાગી કટારી પ્રેમની

- મીરાંબાઈ

ક્લીક કરો અને સાંભળોઃ


(૧૭)
મુજ અબળાને મોટી મીરાત 

મુજ અબળાને મોટી મીરાત બાઈ શામળો ઘરેણું મારું સાચું રે

વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી હાર હરિનો મારે હૈયે રે
ચિત્તમાળા ચતુરભૂજ ચૂડલો શીદ સોની ઘેર જઈએ રે

ઝાંઝરિયાં જગજીવન કેરાં કૃષ્ણજી કલ્લાં ને રાંબી રે
વિંછુવા ઘૂઘરા રામ નારાયણના અણવટ અંતરજામી રે

પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી ત્રિકમ નામનું તાળું રે
કૂંચી કરાવું કરુણાનંદ કેરી તેમાં ઘરેણું મારું ઘાલું રે

સાસરવાસો સજીને બેઠી હવે નથી કંઈ કાચું રે
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર હરિને ચરણે જાચું રે

- મીરાંબાઈ

 ક્લીક કરો અને સાંભળોઃ 


(૧૮)
ઝેર તો પીધાં છે જાણી જાણી

ઝેર તો પીધા છે જાણી જાણી
મેવાડના રાણા, ઝેર તો પીધા છે જાણી જાણી

નથી રે પીધાં અણજાણી રે
મેવાડના રાણા, ઝેર તો પીધા છે જાણી જાણી

કોયલ ને કાગ રાણા, એક જ વરણાં રે
કડવી લાગે છે કાગવાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં છે જાણી જાણી

ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે
તેનાં બનાવ્યાં દૂધ પાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં છે જાણી જાણી

સંતો છે માતા રાણા, સંતો છે પિતા રે
સંતોની સંગે હું લોભાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં છે જાણી જાણી

સાધુડાના સંગ મીરાં છોડી દો
તમને બનાવું રાજરાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં છે જાણી જાણી

સાધુડાનો સંગ રાણા નહિ છૂટે અમથી રે
જનમોજનમની બંધાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં છે જાણી જાણી

મીરાં કહે પ્રભુ ગિરધર નાગર
તમને ભજીને હું વેચાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં છે જાણી જાણી

- મીરાંબાઈ

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]