[પાછળ]
મનજી! મુસાફર રે!

મનજી!   મુસાફર રે!  ચલો નિજ દેશ ભણી!
મૂલક ઘણા જોયા રે!  મુસાફરી થઈ છે ઘણી!

સ્વપુર જવાનો પંથ આવ્યો છે, રખે ભૂલતા ભાઈ!
ફરીને મારગ મળવો છે નહીં, એવી તો છે અવળાઈ,
સમજીને ચાલો સીધા રે! ના જાશો ડાબા કે જમણી
મનજી!   મુસાફર રે!  ચલો નિજ દેશ ભણી!

વચ્ચે ફાંસીઆ વાટ મારવાને બેઠા છે બે ચાર
માટે વળાવિયા રાખો બેત્રણેક ત્યારે તેનો નહીં ભાર
મળ્યો છે એક ભેદુ રે! બતાવી ગતિ સહુ તે તણી
મનજી!   મુસાફર રે!  ચલો નિજ દેશ ભણી!

માલ વ્હોરો તો શેઠના નામનો, થાય ન કહીં અટકાવ
આપણો કરતાં જોખમ આવે ને ફાવે દાણીનો દાવ
એટલા સારું  રે!  ના  થાવું  વહોતરના  ધણી
મનજી!   મુસાફર રે!  ચલો નિજ દેશ ભણી!

જોજો, જગત થકી જાવું છે, કરજો સંભાળીને કામ
દાસ દયાને એમ ગમે છે –હાંવા જઈએ પોતાને ધામ
સૂઝે છે હાંવા એવું રે! અવધ થઈ છે આપણી
મનજી!   મુસાફર રે!  ચલો નિજ દેશ ભણી!

- દયારામ
[પાછળ]     [ટોચ]