[પાછળ] |
કોમ્પ્યુટર પર ગુજરાતી ટાઈપિંગ કેવી રીતે કરશો?
કોમ્પ્યુટર પર ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવાનું અગાઉ કરતાં હવે ઘણું સહેલું બની ગયું છે. માઈક્રોસોફ્ટના બધા સોફ્ટવેરમાં અને યુનિકોડ ફોન્ટને ટેકો આપતા હોય તેવા અન્ય કોઈ પણ સોફ્ટવેરમાં (જેમકે ઓપન ઓફિસ વગેરેમાં) ગુજરાતી ભાષા તદ્દન સહેલાઈથી વાપરી શકાય છે. તમે અત્યારે વાંચો છો એ ગુજરાતી વેબસાઈટ આખી માઈક્રોસોફ્ટના નોટપેડમાં ટાઈપ કરી ઈન્ટરનેટ પર વહેતી મૂકવામાં આવેલી છે. કોમ્પ્યુટર પર અંગ્રેજી કરતાં પણ વધુ ઝડપે શુદ્ધ ગુજરાતીમાં ટાઈપ કરવું હવે શક્ય છે. માઈક્રોસોફ્ટ તરફથી વિન્ડોઝની એક્સપી આવૃત્તિ સને ૨૦૦૧ની સાલમાં શરૂ કરાઈ ત્યારથી જ તેમાં જગતની અનેક નવી ભાષાનો ઉપયોગ કરી શકાય તેવી સગવડ ઊભી કરવામાં આવી હતી. વિન્ડોઝ એક્સપીની સુધારેલી આવૃત્તિ સને ૨૦૦૩ની સાલમાં બહાર પડી ત્યારથી તેમાં ગુજરાતી ભાષા સહિત બધી ભારતીય ભાષાનો ઉપયોગ શરૂ થયો છે. વિન્ડોઝ સિસ્ટમના કોમ્પ્યુટરમાં ગુજરાતી ભાષા માટેના બે ફોન્ટ આપમેળે ઈન્સ્ટોલ થયેલા હોય છે. તેના નામ છે – "શ્રુતિ" અને "એરિયલ યુનિકોડ એમએસ". આ ફોન્ટ નવેસરથી ઈન્સ્ટોલ કરવા પડતા નથી. આ બન્ને ફોન્ટ યુનિકોડ પ્રકારના ફોન્ટ છે. ગુજરાતી ભાષા માટે શ્રુતિ એ ડિફોલ્ટ ફોન્ટ છે. આ બે ફોન્ટ ઉપરાંત અન્ય ઘણાં ગુજરાતી યુનિકોડ ફોન્ટ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. એકત્ર ફાઉન્ડેશને ગુજરાતી ApurvaMed ફોન્ટને યુનિકોડ ફોર્મેટમાં ફેરવી બધાને માટે વિના મૂલ્યે વાપરવા માટે ‘એકત્ર યુનિકોડ ફોન્ટ’ ઉપલબ્ધ બનાવ્યા છે. આ તમે વાંચી રહ્યાં છો તે ‘માવજીભાઈ.કોમ’ વેબસાઈટમાં તેનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવ્યો છે. યુનિકોડ ફોન્ટ વાપરી ગુજરાતીમાં લખાણ ટાઈપ કરવા માટેનું ગુજરાતી કી-બોર્ડ પણ વિન્ડોઝની સિસ્ટમની અંદર છે. આ કી-બોર્ડ બહાર કાઢવા માટે તમારે થોડી મહેનત કરવી પડે છે. વિન્ડોઝમાં ગુજરાતી કી-બોર્ડ કેવી રીતે સક્રીય કરવું તેનું અંગ્રેજી ભાષામાં વિગતવાર માર્ગદર્શન દરેક તબક્કાના ફોટા સાથે શ્રી કાર્તિકભાઈ મિસ્ત્રીએ બહુ સરસ રીતે તૈયાર કરી ગુજરાતી લેક્ષિકોનની વેબ સાઈટ પર મૂક્યું છે તે તમને ઉપયોગી થશે. વિન્ડોઝના જુદા જુદી વર્ઝનમાં તેની રીત થોડી થોડી અલગ છે. આ માર્ગદર્શન વાંચવા માટે નીચેની લિન્ક ક્લીક કરોઃ > >How to set up Gujarati Key Board in Windows XP ?<< બસ તમારું વિન્ડોઝનું ગુજરાતી ભાષાનું કી-બોર્ડ સક્રિય થાય એટલે તમે ગુજરાતીમાં ટાઈપ કરી શકશો. જે જે સોફ્ટવેરમાં ફોન્ટનું ઓપ્શન હોય તે તમામ સોફ્ટવેરમાં જેમ કે નોટ બૂક, વર્ડ પેડ, વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ વગેરેમાં ગુજરાતીમાં સહેલાઈથી ટાઈપ કરી શકાય છે. જો કે માવજીભાઈને માઈક્રોસોફ્ટ ઑફિસ કરતાં ઓપન ઑફિસ ઘણી વધુ ગમે છે. કોઈ પણ એપ્લિકેશન ખોલ્યા બાદ તેમાં કામ કરવાનું શરૂ કરતાં પહેલા તમારા ડેસ્ક ટોપની નીચલી પટ્ટી પર નજર કરશો તો તેની પર EN લખેલું દેખાશે. તેના પર ક્લીક કરશો તો ઇંગ્લિશ અને ગુજરાતી એવા બે વિકલ્પ દેખાશે. તેમાંથી ગુજરાતી પસંદ કરશો. ગુજરાતી પસંદ કરશો એટલે નીચલી પટ્ટી પર જ્યાં EN લખેલું હતું ત્યાં GU લખેલું આવી જશે. હવે તમે તમારા કી-બોર્ડ પર જે કોઈ કી દબાવશો તેનાથી સ્ક્રીન પર અંગ્રેજીના બદલે ગુજરાતી અક્ષર પ્રગટ થશે. જેમ વિન્ડોઝમાં ગુજરાતી ટાઈપ કરવું શક્ય છે તે પ્રમાણે એપલ-મેકીન્ટોશ કમ્પ્યુટર-લેપટોપમાં તે જ રીતે ગુજરાતીમાં ટાઈપ કરી શકાય છે. ઈ-મેલ માટેના ઘણા સોફ્ટવેર યુનિકોડ ફોન્ટને પૂરેપૂરો ટેકો આપે છે જેમકે હોટ મેઇલ, જીમેઇલ અને એઓએલ મેઇલ વગેરે. એટલે તેમાં તમારો ઈ-મેઇલ એકાઉન્ટ હોય તો તમે સહેલાઈથી ગુજરાતી ભાષામાં ઈ-મેઇલ લખીને મોકલાવી શકો છો અને કોઈ તમને ગુજરાતીમાં લખેલો ઈ-મેઇલ મોકલાવે તો તે વાંચી શકો છો. ગુજરાતી ટાઈપિંગ કરવું કેમ? એક વખત ગુજરાતી કી-બોર્ડ કામ કરતું થઈ જાય પછી આપણે શીખવી રહે છે ગુજરાતી ટાઈપિંગની કળા. ગુજરાતી ટાઈપિંગ કળા જરા ય અઘરી નથી. પણ એ માટે હોંશ જોઇએ. જો શીખવાની હોંશ હોય, ધગશ હોય, ને ધ્યાન આપો, કોશિશ કરો, અભ્યાસ કરો અને ટેવ પાડો તો ગુજરાતી ટાઈપિંગ ફટાફટ આવડી જશે. ચાલો આપણે સૌથી પહેલા કેટલીક પાયાની બાબતો યાદ કરી લઇએ. આંકડા
ગુજરાતી કક્કામાં કુલ ૩૬ અક્ષર છે. આ અક્ષર છે : ક, ખ, ગ, ઘ, ઙ, ચ, છ, જ, ઝ, ઞ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, ષ, સ, હ, ળ, ક્ષ, જ્ઞ. આ અક્ષરો વ્યંજન જેમકે ક્, ખ્, ગ્ વગેરેમાં ‘અ’ સ્વરના ઉમેરણથી બનેલા છે. બારાખડી ગુજરાતીમાં કુલ ૧૨ સ્વર છે. આ સ્વરથી બારાખડી બને છે. આ સ્વર છે : અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, એ, ઐ, ઓ, ઔ, અં અને અઃ કાનોમાત્રા ગુજરાતી લિપિમાં કાનોમાત્રા એટલે વ્યંજનની બાજુમાં તેની જ હરોળમાં અથવા તો તેની ઉપર કે નીચે કરવામાં આવતી સ્વરની નિશાની. આ નિશાનીઓ આ પ્રમાણે છે : ્, ા, િ, ી, ુ, ૂ, ે, ૈ, ો, ૌ, ં ઃ આ નિશાની તે વ્યંજનનો ઉચ્ચાર કેવી રીતે કરવો તેનો સ્વર દર્શાવે છે. વ્યંજન વત્તા સ્વર એટલે ઉચ્ચાર. દાખલા તરીકે ‘કાનો’ શબ્દ ‘ક’ વ્યંજન + ‘આ’ સ્વર અને ‘ન’ વ્યંજન + ‘ઓ’ સ્વરનો બનેલો છે અને ‘કાનો’ શબ્દ લખવો હોય તો પહેલા ‘ક’ લખી પછી ’આ’ સ્વર સૂચવતી ઊભી લીટી ‘ા’ લખવી રહે છે અને પછી ‘ન’ લખી ‘ઓ’ સ્વર સૂચવતી ‘ો’ નિશાની લખવી રહે છે. જોડાક્ષર જોડાક્ષર એટલે એક કરતાં વધુ અક્ષરના સંયોજનથી બનતો નવો અક્ષર. દાખલા તરીકે ‘મિત્ર’ શબ્દમાં જે ‘ત્ર’ છે તે અર્ધા ‘ત’ અને આખા ‘ર’ના સંયોજનથી બનતો જોડાક્ષર છે. ગુજરાતી કી-બોર્ડમાં આંકડા, વ્યંજન, સ્વર, કાનોમાત્રા અને જોડાક્ષરની સરસ વૈજ્ઞાનિક ઢબે ગોઠવણી કરવામાં આવી છે અને આપણે આ તમામ સંજ્ઞા ટાઈપ કરતાં શીખવાનું છે. આંકડાની ગોઠવણી પહેલાં આપણે આંકડાની ગોઠવણી જોઇએ. ગુજરાતી આંકડાઓ અંગ્રેજી આંકડાઓની માફક બરાબર તેના તે જ સ્થાને ગોઠવવામાં આવ્યા છે. એટલે કે ‘1’ ની ચાવી દબાવીએ તો ૧ બહાર આવે ‘2’ ની ચાવી દબાવીએ તો ૨ બહાર આવે. ફક્ત શરત એટલી છે કે ગુજરાતી આંકડા ટાઈપ કરવા હોય ત્યારે આપણે altgr એટલે કે જમણા હાથ તરફની alt કી દબાવી રાખવી પડે છે. જો આપણે altgr દબાવી રાખ્યા વિના ‘1’, ‘2’ દબાવશું તો ગુજરાતીના બદલે અંગ્રેજીના 1, 2 ટાઈપ થશે. કક્કાની ગોઠવણી હવે આપણે ગુજરાતી કી-બોર્ડમાં વ્યંજન એટલે કે કક્કાના ૩૬ અક્ષરોની ગોઠવણી કેવી રીતે કરવામાં આવી છે તે જોઇએ. સૌથી પહેલા તમારા કોમ્પ્યુટરના અંગ્રેજી કી-બોર્ડને ધ્યાનથી જુઓ. કી-બોર્ડ ચાર લાઈનનું બનેલું છે. સૌથી ઉપરની પહેલી લાઈનમાં આંકડા છે. નીચેની ત્રણ લાઈનમાં બધા આલ્ફાબેટ છે. આ આલ્ફાબેટની ગોઠવણી A, B, C, D, E, F એમ સીધી રીતે કરવાના બદલે પહેલી લાઈનમાં Q, W, E, R, T, Y એવી રીતે લેટર ગોઠવવામાં આવ્યા છે. એ જ રીતે ત્રણે લાઈનમાં લેટર આડા અવળા ગોઠવેલ દેખાશે. આને ક્વેર્ટી લે-આઉટ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અંગ્રેજી ટાઈપ રાઈટર બનવા શરૂ થયા ત્યારે તેમાં કઈ કી કઈ જગ્યાએ રાખવી તેના અનેક અખતરા થયા હતા. તેમાં ક્વેર્ટી લે-આઉટવાળી ટચ ટાઈપિંગ પદ્ધતિ સૌથી સફળ બની હતી અને દરેક ઉત્પાદકોને ક્વેર્ટી લે-આઉટવાળા ટાઈપ રાઈટર બનાવવાની ફરજ પડી હતી. જ્યારે કોમ્પ્યુટર બન્યા ત્યારે તેમાં ટાઈપ રાઈટરનું જ કી-બોર્ડ થોડા ફેરફાર સાથે અપનાવી લેવામાં આવ્યું હતું. ક્વેર્ટી ટચ ટાઈપ લે-આઉટની પાછળના મુખ્ય સિદ્ધાંત એ છે કે
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, કાનપુરમાં ૧૯૮૩ની સાલમાં હિંદી ભાષાનું પહેલું કોમ્પ્યુટર કી-બોર્ડ બનાવવામાં આવ્યું ત્યારે આ બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું. ભાષાનો, શબ્દોના ભંડોળનો, લખવાની ઢબનો, આપણી લિપિની ખાસિયતનો, અંગ્રેજી કરતાં સંખ્યામાં ઘણા વધારે એવા આપણા મૂળાક્ષર અને જોડાક્ષરનો સમાવેશ કરવાની જરૂરિયાત એ બધાની છણાવટ કરી કી-બોર્ડપર અક્ષરો ક્યાં મૂકવા તેનાં નિયમો નક્કી કરાયા અને તે નિયમો પ્રમાણે કી-બોર્ડ પર દરેક વ્યંજન, સ્વર અને કાનોમાત્રાને સ્થાન આપવામાં આવ્યું. આ પ્રથમ હિંદી કી-બોર્ડને બધાનો એકી અવાજે આવકાર મળ્યા પછી ગુજરાતી સહિત બધી ભારતીય ભાષાના કોમ્પ્યુટર કી-બોર્ડના એક સરખા લે-આઉટ બનાવાયા. આ લે-આઉટવાળા કી-બોર્ડ ઈન્સ્ક્રીપ્ટ કી-બોર્ડ તરીકે ઓળખાય છે અને બધી ભારતીય ભાષા માટે છેક ૧૯૮૬ની સાલથી વપરાય છે. માઈક્રોસોફ્ટ અને એપલ-મેકીન્ટોશ બન્ને કંપનીઓએ પણ ગુજરાતી સહિત બધી ભારતીય ભાષાઓ માટે ઈન્સ્ક્રીપ્ટ કી-બોર્ડ અપનાવ્યાં છે. હવે આપણે જોઇએ કે ઈન્સ્ક્રીપ્ટ કી-બોર્ડમાં ક, ખ, ગ, ઘ ની ગોઠવણી કેવી રીતે થઈ છે. કી-બોર્ડમાં બધાં જ કાનોમાત્રા અને સ્વર ડાબી બાજુના અર્ધાં ભાગમાં રાખવામાં આવ્યા છે. જ્યારે વ્યંજન મોટા ભાગના જમણી બાજુએ છે તો થોડા ડાબી બાજુએ પણ છે. કાનોમાત્રા અને સ્વરને એક બીજા સાથે સાંકળી લેવામાં આવ્યા છે. જેમ કે E ની કી દબાવીએ તો ‘ા’ કાનો નીકળે છે પણ શિફ્ટ કી દબાવી રાખીને E દબાવીએ તો ‘આ’ સ્વર ટાઈપ થાય છે. કાનોમાત્રા અને સ્વરની કીના સ્થાન આ પ્રમાણે છેઃ હલંત D અ Shift + D ા E આ Shift + E િ F ઇ Shift + F ી R ઈ Shift + R ુ G ઉ Shift + G ે S એ Shift + S ૈ W ઐ Shift + W ો A ઓ Shift + A ૌ Q ઔ Shift + Q ં X ઁ Shift + X ઃ Shift + - કોઈ પણ અક્ષરને ખોડો એટલે હલન્ત બનાવવો હોય તો Dની ચાવી ટાઈપ કરવી રહે છે. દાખલા તરીકે ‘વ્યાજ’ શબ્દ ટાઈપ કરવો હોય તો ‘વ’ ટાઈપ કર્યા પછી Dની કી દબાવીએ એટલે તે ‘વ્’ માં ફેરવાય જાય છે અને ત્યાર પછી ‘ય’ ટાઈપ કરીએ એટલે અર્ધો ને આખો અક્ષર જોડાઈને ‘વ્ય’ એમ જોડાક્ષર બની જાય છે. ત્યાર પછી ‘ા’ કાનો લગાવવા માટે Eની ચાવી દબાવીએ એટલે ‘વ્યા’ બને છે. પછી ‘જ’ની ચાવી દબાવીએ એટલે ’વ્યાજ’ એમ આખો શબ્દ ટાઈપ થાય. લઘુ-ગુરુ જોડી વ્યંજનના પાંચ પ્રકાર છે. આ પાંચે પ્રકારના વ્યંજનમાં પાછી લઘુ-ગુરુની જોડી હોય છે. ગુજરાતી કી-બોર્ડમાં એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે એક વર્ગનું વ્યંજન તે જ વર્ગના વ્યંજનથી બને તેટલું નજીક હોવું જોઇએ અને લઘુ-ગુરુની જોડી એક જ કીના ઉપર-નીચેના લેયરમાં રહેવી જોઇએ. વ્યંજનની લઘુ-ગુરુ જોડી આ પ્રમાણે છેઃ ક-ખ, ગ-ઘ, ચ-છ, જ-ઝ, ટ-ઠ, ડ-ઢ, ત-થ, દ-ધ, પ-ફ, બ-ભ, મ-ણ અને લ-ળ. તેના કી-સ્ટ્રોક આ પ્રમાણે છેઃ ક K ખ Shift + K ગ I ઘ Shift + I ચ ; છ Shift + ; જ p ઝ Shift + P ટ ‘ ઠ Shift + ‘ ડ [ ઢ Shift + [ ત L થ Shift + L દ O ધ Shift + O પ H ફ Shift + H બ Y ભ Shift + Y મ C ણ Shift + C લ N ળ Shift N બાકી રહી જતા વ્યંજનના સ્થાન જોઇએ. ન અનુનાસિક વર્ગનું વ્યંજન છે એટલે તેને ‘મ’ની C કીની બાજુની V કી આપવામાં આવી છે. ય માટે ‘/’ કી અપાઈ છે. ર ઘણું વધારે વપરાતું વ્યંજન છે માટે તેને બરાબર વચ્ચેની J કી અપાઈ છે. વ માટે B કી નક્કી થઈ છે. ‘સ-શ’ ની જોડી માટે અનુક્રમે M અને Shift + Mનું સ્થાન મુકરર થયું છે. તેની બાજુની અલ્પવિરામની કી યથાવત્ રાખી Shift + ‘,’ ની જગ્યામાં ષ બેસાડી દેવાયો છે. હ U ટાઈપ કરવાથી પ્રગટે છે. ક્ષ અને જ્ઞ જોડાક્ષર જ હોવાથી તેમને અન્ય જોડાક્ષર સાથે સૌથી ઉપરની આંકડાની હરોળમાં બેસાડી દેવામાં આવ્યા છે. Shift + 7 દબાવવાથી ક્ષ અને Shift + 5 દબાવવાથી જ્ઞ ટાઈપ થાય છે. ગુજરાતીમાં સૌથી ઓછા વપરાતા અને લગભગ મૃતઃપ્રાય લેખાતા ઙ અને ઞ વ્યંજન ટાઈપ કરવા અનુક્રમે Shift + U અને Shift + ‘]’ દબાવવા રહે છે. આમ આપણે બધા ૩૬ વ્યંજનો કી-બોર્ડમાં ક્યાં છે તે જોયું. બે ગુજરાતી જોડાક્ષર મૂળાક્ષરની માફક ખૂબ વપરાતા હોવાથી કી-બોર્ડમાં તેમને પણ સમાવી લેવાયા છે અને સૌથી ઉપરની આંકડાની હરોળમાં બેસાડી દેવાયા છે. આ જોડાક્ષર છે ત્ર અને શ્ર. Shift + 6 દબાવવાથી ત્ર અને Shift + 8 દબાવવાથી શ્ર છપાય છે. આમ જ્ઞ, ત્ર, ક્ષ અને શ્ર એ ચારે બાજુ બાજુમાં છે. આ જોડાક્ષરને આપણે અગાઉ ‘વ્યાજ’ના દાખલામાં જોયું તેમ સંયોજન પદ્ધતિથી પણ પ્રગટાવી શકાય. જેમ કે ‘ક્’+‘ષ’ ટાઈપ કરીએ તો તે સ્ટ્રોક આપમેળે ‘ક્ષ’માં બદલાઈ જાય છે. હજુ કેટલીક વાત બાકી રહી જાય છે. ઋ અને ૠ જેવા સંસ્કૃત અક્ષર પણ કી-બોર્ડમાં હાજર છે. Shift + ‘=’ દબાવવાથી ઋ અને altgr + shift + ‘=’ દબાવવાથી ૠ છપાય છે. ‘ર’કાર એટલે કે આખો ‘ર’ અને રેફ એટલે અર્ધો ‘ર’ અન્ય વ્યંજન સાથે જોડાક્ષર બનાવે તેના માટે ખાસ ચાવી છે. ક્રમ, ભ્રમ, વગેરેમાં અર્ધાં ક, અર્ધાં ભ સાથે જ્યારે આખો ર ભળે છે ત્યારે ક, ભ વગેરે આખા જ લખાય છે પણ આખો ર તોફાની બારકશની જેમ નાનકી તીરછી લીટી બની અંદર છૂપાય જાય છે! Shift + 3 આવા ‘ર’કારની ચાવી છે. ભ્રમ લખવું હોય તો પહેલા ભ લખી Shift + 3 દબાવીએ એટલે ભ્ર થઈ જાય છે. તેવી જ રીતે દરેક વ્યંજનના માથે ચડી જતા રેફ માટે એક ખાસ ચાવી Shift+4 આપવામાં આવી છે. ગર્વ લખવું હોય તો પહેલા ગ લખી અર્ધાં ર માટે Shift+4 દબાવી પછી વ લખીએ એટલે ગર્વ લખાઈ જાય છે. જોકે માવજીભાઈ આ બન્ને ખાસ ચાવીમાંથી એકેયનો ઉપયોગ કરતા નથી. તેમના મતે ગુજરાતી ટાઈપિંગમાં જોડાક્ષર માટેની હલંત પદ્ધતિ જ દરેક વખતે વાપરવી જોઇએ જેથી આપણી ટાઈપિંગની આંતરિક રીધમ જળવાય રહે. એટલે કે ભ્રમ લખવું હોય તો ભ લખી તેને હલંત બનાવવા Dની કી દબાવવી અને પછી ર ટાઈપ કરવો એટલે આપમેળે ભ્ર લખાઈ જશે અને ગર્વ લખવું હોય ત્યારે ગ લખ્યા પછી ર લખવો અને પછી D દબાવી તેને હલંત કરવો અને પછી વ લખી તેનો જોડાક્ષર બનાવી નાખવો. હવે આપણે કૃષ્ણ કૃપાની વાત કરીએ. કૃ, મૃ, વૃ વગેરે ટાઈપ કરવાની ખાસ ચાવી છે ‘=’. ક, મ, વ વગેરે લખી ‘=’ ચાવી દબાવીએ એટલે કૃ, મૃ, વૃ વગેરે લખાઈ જાય. નુક્તાનો ઉપયોગ ગુજરાતીમાં નહિવત્ છે છતાં કોઈ ગઝલ પ્રેમીને ગ઼ ઝ઼ લ઼ માં જ્યાં મન પડે ત્યાં નુક્તા વેરવા હોય ત્યાં ‘]’ની ચાવી દબાવી વેરી શકે છે. મૅડમ સાથે મૉલમાં મહાલવું હોય કે ઍસિડમાં ઑક્સિજન ભેળવવો હોય તો પહોળા ઍ, ઑના સ્વર અને ૅ , ૉ ની માત્રા ટાઈપ કરવી પડે. Shift + 1 દબાવવાથી ઍ છપાય છે અને Shift + 2 દબાવવાથી ‘ૅ’ની માત્રા છપાય છે. Shift + ‘\’ દબાવવાથી ઑ અને માત્ર ‘\’ દબાવવાથી ‘ૉ’ની માત્રા છપાય છે. ઈન્સ્ક્રીપ્ટ કી-બોર્ડ ૧૯૮૬થી સાલથી વાપરતા લોકોનું ધ્યાન પણ એ બાબત પર નહિ ગયું હોચ કે આપણી ધાર્મિક ભાવનાને અનુરૂપ ૐ અને એકલ-બેવડા દંડા પણ કી-બોર્ડમાંથી ચમત્કારિક રીતે પ્રગટે છે. altgr અને Shift કી દબાવી રાખી X દબાવો તો ૐ બહાર આવશે. એકલ અને બેવડા દંડાને પૂર્ણ વિરામની ચાવીમાં રાખવામાં આવ્યા છે. Shift + ‘.’ દબાવશો તો તેમાંથી એકલ દંડ ‘।’ પ્રગટ થશે જ્યારે altgr + ‘.’ દબાવશો તો બેવડો દંડ ‘॥’ પ્રગટ થશે. આ ચિહ્નોની મદદથી આ પ્રમાણે મંગલાચરણ વાક્યો લખી શકાય.
। ૐ શ્રી ગણેશાય નમઃ ।
આ પોથી પારાયણ વાંચી કંઈ મગજમાં ઊતર્યું ? કંઈ સમજાયું? ગુજરાતી ટાઈપિંગ કરતાં આવડ્યું? ક્યાંથી આવડે ? આ તો બધી વાત તો હાથીની સૂંઢ કેવી છે, કાન કેવાં છે, ચામડી કેવી છે, પગ કેવાં છે, પૂંછડી કેવી છે એવી થઈ. આવું ગમે તેટલું વર્ણન સાંભળીએ પણ જ્યાં સુધી આખો હાથી નજરે ન જોઇએ ત્યાં સુધી હાથી કેવો છે તેની આપણને સમજ ન પડે! ચાલો માવજીભાઈ પાસે તમને સમજાવવા માટે આખો હાથી પણ મોજૂદ છે. આ છે ગુજરાતી કી-બોર્ડનું સંપૂર્ણ ચિત્ર
ઉપરનું ચિત્ર ધ્યાનથી જુઓ. કી-બોર્ડમાં કઈ કીનું સ્થાન ક્યાં છે તે તેમાં દોરેલું છે. આ ચિત્ર ઈન્ટરએક્ટીવ છે. ગુજરાતી કી-બોર્ડમાં ચાર સ્તર છે. ઉપરનું ચિત્ર સૌથી પહેલા એટલે કે અન્ય કોઈ કી દબાવ્યા વિના સીધા જ કી-સ્ટ્રોકથી ઊપસતા અક્ષરોનું છે. લગભગ બધાં જ કાનોમાત્રા આ પહેલા સ્તરમાં ડાબી બાજુએ છે. આથી જમણા હાથે વ્યંજન અને ડાબા હાથે કાનોમાત્રા ટાઈપ કરવામાં સરળતા રહે છે. આ ચિત્રમાં શિફ્ટ અને ઑલ્ટગ્રેટની કી ટોગલ કી છે. ટોગલ કી એટલે ઓન-ઓફ્ફ કરી શકાય તેવી કી. તમારું કર્સર શિફ્ટ કી પર રાખી તેને ક્લીક કરી તેને ઓન સ્થિતિમાં લાવશો એટલે કી-બોર્ડનો બીજો સ્તર દેખાશે. તેના પરથી તમને ખ્યાલ આવશે કે ગુજરાતી કી-બોર્ડમાં શિફ્ટ કી દબાવી રાખી ટાઈપ કરવાથી કઈ કઈ સંજ્ઞાઓ ટાઈપ થઈ શકે છે. ત્યાર પછી શિફ્ટ કી ઓફ્ફ કરો અને ઑલ્ટગ્રેટ કી ઓન કરો. આથી કી-બોર્ડનો ત્રીજો સ્તર બહાર આવશે અને તમે જોઇ શકશો કે ઑલ્ટગ્રેટ કી દબાવી રાખી શું શું ટાઈપ થઈ શકે છે. હવે તમે ઑલ્ટગ્રેટ કી ઓન સ્થિતિમાં રાખી શિફ્ટ કીને પણ ઓન કરો. આ કી-બોર્ડનો ચોથો સ્તર છે. તે બતાવે છે કે એકી સાથે ઑલ્ટગ્રેટ અને શિફ્ટ દબાવી રાખી કઈ સંજ્ઞા ટાઈપ કરી શકશો. આ ચિત્રમાં હજુ એક વધુ સગવડ છે. તમે કર્સરને કોઈ પણ સંજ્ઞા પર રાખશો તો તે સંજ્ઞા તમારા કોમ્પ્યુટરના કી-બોર્ડમાં કઈ કી દબાવવાથી ટાઈપ થાય છે તે જાણવા મળશે. આખું ગુજરાતી કી-બોર્ડ ઉપરના ચિત્રમાં સમાયેલું છે. તમારે માત્ર તેનો અભ્યાસ કરવો કરવો રહે છે ને તમારા હાથ અને આંગળીઓને ટેવ પાડવી રહે છે. ગુજરાતી કી-બોર્ડ સરળતાથી વાપરી શકાય છે, ગુજરાતી ટાઈપિંગ શીખવું બહુ સહેલું છે અને શીખ્યા પછી ટાઈપિંગ કરવાની ખૂબ મજા આવે છે. જેમને ગુજરાતીમાં ઈ-મેઈલ મોકલવા માટે માત્ર થોડા વાક્ય લખવા હોય કે કોમ્પ્યુટર ગુજરાતી ભાષાનો પ્રમાણમાં ઓછો ઉપયોગ કરવો હોય તેઓ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ ટ્રાન્સલિટરેશન કી-બોર્ડ સગવડનો ઉપયોગ કરી શકે છે. ટ્રાન્સલિટરેશન કી-બોર્ડ એટલે એવું કી-બોર્ડ જેમાં આપણે રોમન લિપિમાં ગુજરાતી શબ્દ ટાઈપ કરીએ અને સ્ક્રીન પર તે ગુજરાતી લિપિમાં ફેરવાઈ જાય. ઘણી બધી વેબસાઈટ પર આવી રીતે ગુજરાતી ટાઈપિંગની સુવિધા છે અને આવા ઘણા પ્રકારના કી-બોર્ડ ડાઉનલોડ કરી શકાય છે. ટ્રાન્સલિટરેશન માટે આવું એક સરસ ‘પ્રમુખ’ કી-બોર્ડ શ્રી વિશાલ મોણપરાએ તૈયાર કરી પોતાની વેબ સાઈટ પર મૂક્યું છે. નીચેની લિન્ક ક્લીક કરી તમે આ રેડી મેઈડ સગવડનો લાભ લઈ શકો છો. >> વિશાલ મોણપરાનું ‘પ્રમુખ’ ટાઈપ પેડ << છેલ્લે માવજીભાઈ એક ચોખવટ કરવા ઇચ્છે છે. માઈક્રોસોફ્ટ વિન્ડોઝમાં વપરાતા ગુજરાતી કી-બોર્ડનું અહીં જે ચિત્ર આપવામાં આવ્યું છે તે માવજીભાઈએ માઈક્રોસોફ્ટ કંપનીની જ વેબસાઈટમાંથી ઊચક્યું છે અને તેમાં થોડા ફેરફાર કરી અહીં મૂક્યું છે. ગુજરાતીમાં કહેવત છે ને કે ‘પારકે બાજરે પોંક, માવજીભાઈ કાંધાળા’! |
[પાછળ] [ટોચ] |