[પાછળ]
પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું
 
પંખીડાને  આ  પીંજરુ  જૂનું  જૂનું  લાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

ઉમટ્યો  અજંપો  એને  પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો  મનોરથ  દૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા લગન  એને  લાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝૂલો
હીરે જડેલ વિંઝણો મોતીનો મોલે અણમોલો
પાગલ ના બનીએ ભેરુ  કોઈના રંગ રાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

માન માન ઓ પંખીડા નથી રે સાજનની રીત
આવું જો કરવું હતું તો નહોતી કરવી પ્રીત
ઓછું શું આવ્યું  સાથી  સથવારો  ત્યાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

સ્વર: મુકેશ ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ (૧૯૬૭) ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]