[પાછળ]
પરિચય છે મંદિરમાં દેવોને મારો

પરિચય  છે  મંદિરમાં  દેવોને   મારો  અને  મસ્જિદોમાં   ખુદા  ઓળખે  છે
નથી મારું વ્યક્તિત્વ  છાનું  જ કોઈથી  તમારા   પ્રતાપે   બધાં   ઓળખે  છે

સુરાને ખબર  છે  પિછાણે  છે  પ્યાલી  અરે  ખુદ અતિથિ  ઘટા ઓળખે  છે
ન કર  ડોળ સાકી  અજાણ્યા  થવાનો મને  તારું  સૌ  મયકદા  ઓળખે   છે

પ્રણય જ્યોત કાયમ છે મારા જ દમથી  મેં હોમી  નથી  જિંદગી  કાંઈ અમથી
સભાને ભલે  હોય  ન કોઈ  ગતાગમ  મને ગર્વ  એ  છે  કે  શમા ઓળખે છે

મેં  લો’યાં છે પાલવથી ધરતીનાં આંસુ  કરુણાનાં  તોરણ   સજાવી  રહ્યો   છું
ઊડી ગઈ  છે  નીંદર ગગન-સર્જકોની  મને  જ્યારથી   તારલાં   ઓળખે  છે

અમે  તો સમંદર  ઉલેચ્યો છે  પ્યારા  નથી માત્ર  છબછબિયાં  કીધાં  કિનારે
મળી  છે  અમોને  જગા  મોતીઓમાં  તમોને  ફક્ત   બદબુદા  ઓળખે   છે

તબીબોને  કહી  દો  કે માથું  ન  મારે  દરદ  સાથે  સીધો પરિચય  છે  મારો
હકીકતમાં  હું  એવો  છું   રોગી  જેને  બહુ  સારી  પેઠે   દવા  ઓળખે   છે

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો  સહ્યાં  છે  કે  સૌ  પ્રેમીઓ  મેળવે  છે  દિલાસો
છું  ધીરજનો મેરુ   ખબર છે વફાને,  દયાનો છું  સાગર   ક્ષમા  ઓળખે  છે

સ્વર: મનહર ઉધાસ
ગીતઃ ‘શૂન્ય’ પાલનપુરી
સંગીતઃ ભરત ગાંધી

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]