યશગાથા ગુજરાતની
આજ બાપુની પુણ્યભૂમિ પર ઊગ્યું સ્વર્ણ પ્રભાત
જય ગુજરાત… જય જય જય ગરવી ગુજરાત
જય સોમનાથ, જય દ્વારકેશ
જય બોલો વિશ્વના તાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની
યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની
જય જય ગરવી ગુજરાતની
ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્રભાવ ભુલાય નહિ
વૈષ્ણવજન તો તેને કહીએ નરસૈંયો વીસરાય નહિ
જય દત્ત દિગંબર ગિરનારી
જય દત્ત દિગંબર ગિરનારી
જય બોલો કાળીકા માતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની
યશગાથા ગુજરાતની આ ગુણવંતી ગુજરાતની
જય જય ગરવી ગુજરાતની
અમર ભક્ત વીરોની ભૂમિ જેના ગુણ ગાતું સંસાર
રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર
જય દયાનંદ, જય પ્રેમાનંદ
જય દયાનંદ, જય પ્રેમાનંદ
જય બોલો બહુચરા માતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની
યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની
જય જય ગરવી ગુજરાતની
દલપત નાન્હાલાલ દયાના મધુર કાવ્ય ભુલાય નહિ
મેઘાણીની શૌર્ય કથાઓ અંતરથી વીસરાય નહિ
અમર કાવ્ય નર્મદના ગુંજે
અમર કાવ્ય નર્મદના ગુંજે
જય જય અંબે માતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની
યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની
જય જય ગરવી ગુજરાતની
મળ્યા તેલ ભંડાર દ્રવ્યના, ભીષ્મપિતાની બલિહારી
ધન્ય ધન્ય ગુજરાતની ધરતી, થયા અહીં બહુ અવતારી
જય સાબરમતી
જય મહી ગોમતી સરસ્વતી
જય તાપી ગોમતી સરસ્વતી
જય બોલો નર્મદા માતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ, યશગાથા ગુજરાતની
યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની
જય જય ગરવી ગુજરાતની
હિંદુ મુસ્લિમ વોરા પારસી હળીમળી સૌ કાર્ય કરે
સૃષ્ટિને ખૂણે ખૂણે ગુજરાતી જન વ્યાપાર કરે
જય સહજાનંદ, જય જલારામ
જય સહજાનંદ, જય જલારામ
જય મહાવીર દાતારની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની
યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની
જય જય ગરવી ગુજરાતની
અમર ભક્ત બોડાણો, કલાપી, મહાદેવ દેસાઈ
દાદા, તૈયબજી, કસ્તુરબા, પટેલ વિઠ્ઠલભાઈ
આજ અંજલિ અર્પો...
આજ અંજલિ અમર શહીદોને અર્પો ગુજરાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની
યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની
જય જય ગરવી ગુજરાતની
શ્રમ પર શ્રમ કરનારા માનવની આ ધરતી ન્યારી
સત્ય, શાંતિ અને અહિંસાના મંત્રો દેનારી
શ્રમ સેવાની કરો પ્રતિજ્ઞા...
શ્રમ સેવાની કરો પ્રતિજ્ઞા ઊગી ઉષા વિરાટની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની
યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની
જય જય ગરવી ગુજરાતની
આ ગુણવંતી ગુજરાતની...
જય જય ગરવી ગુજરાતની...
સ્વર: મન્ના ડે
ગીત: રમેશ ગુપ્તા
સંગીતઃ જયંતી જોશી (૧૯૬૦)
ક્લીક કરો અને સાંભળોઃ
પૂજ્ય રવિશંકર મહારાજના શુભહસ્તે તા. ૧લી મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની કામગીરીની શરૂઆત થઈ ત્યારે તે પ્રસંગને વધાવવા રચાયેલું અને ‘બાપુની પુણ્યભૂમિ’ ગુજરાતના ગુણગાન ગાતું આ અદ્ભુત ‘યશગાથા’ ગીત સાંભળીયે અને તેવે ટાંકણે બાપુને યાદ ન કરીયે તે કેમ બને? બાપુની ચિરવિદાય ઘટના વખતે ૧૯૪૮માં ઊભાઊભ રચાયેલું અમર ગીત ‘બાપુ કી અમર કહાની’ અહીં પ્રસ્તુત છેઃ (પણ મનની શાંતિ હોય, ધીરજ હોય અને પૂરતો સમય હોય ત્યારે જ આ ગીત સાંભળજો કેમકે બે ગ્રામોફોન રેકોર્ડની ચાર બાજુઓને સમાવી ફરી રેકોર્ડ કરેલું આ ગીત ૧૧ મિનિટ ૪૦ સેકન્ડ લાંબુ છે.)
ક્લીક કરો અને સાંભળોઃ
|