મારા તે ચિત્તનો ચોર
વેરણ થઈ ગઈ રાતડી, રહેતી આંખ ઉદાસ
સપનાં પણ પહોંચ્યા સખી મારા સાંવરિયાની પાસ
મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરિયો
હે... કે જેવો રાધાને નંદનો કિશોર
એવો મારો સાંવરિયો
જમુના તીર જઈ ભરવા હું નીર ગઈ
પ્રીતિની વાદળી વરસી
હૈયાની હેલ મારી છલકાવે છેલ
તો યે હું રહી ગઈ તરસી
તનડું ભીંજાય તો યે રોમ રોમ લા'ય
મારા નટખટના નેણ છે નઠોર
એવો મારો સાંવરિયો
મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરિયો
હે... કે જેવો રાધાને નંદનો કિશોર
એવો મારો સાંવરિયો
મીઠી રે મોરલી ને કાને તેડાવી મને
એના તે સૂરમાં સાંધી
મોંઘેરા મનના વનરા તે વનના
ફૂલોના હારથી બાંધી
લંબાવી હાથ એની પાઘડીની સાથ
જોડે મારા પાલવની કોર
એવો મારો સાંવરિયો
મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરિયો
હે... કે જેવો રાધાને નંદનો કિશોર
એવો મારો સાંવરિયો
જોયા ના તારલા ને જોઈ ના ચાંદની
જોઈ ના કાંઈ રાતરાણી
ચડતુ'તું ઘેન ને ઘટતી'તી રેન
એવી વાલમની વાણી
ભૂલી તે ભાન, રહ્યું કાંઈ યે ના સાન
ક્યારે ઊગી ગઈ આભમાં ભોર
એવો મારો સાંવરિયો
મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરિયો
હે... કે જેવો રાધાને નંદનો કિશોર
એવો મારો સાંવરિયો
સ્વર: લતા મંગેશકર
ગીતઃ બરકત વિરાણી ‘બેફામ’
સંગીતઃ કલ્યાણજી-આણંદજી
ચિત્રપટઃ અખંડ સૌભાગ્યવતી (૧૯૬૪)
ક્લીક કરો અને સાંભળોઃ
|