[પાછળ]
      સાંવરિયો રે મારો

    સાંવરિયો રે મારો સાંવરિયો
    હું તો ખોબો માગું ને દઈ દે દરિયો
    ખોબો માગું ને દઈ દે દરિયો
    સાંવરિયો રે મારો સાંવરિયો

    જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
    એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં
    જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
    એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં
	
    મારા વાલમજીનું નામ મારું નાણું
    મારા જીવનું ગુલાલ જેવું ગાણું
    જાણું રે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો
    સાંવરિયો રે મારો સાંવરિયો
	
    કોઈ પૂછે કે ઘર તારું કેવડું?
    ઘર મારું કેવડું? ઓ હો હો હો...
    મારા વ્હાલમજી બાથ ભરે એવડું!
    મને પૂછે કે ઘર તારું કેવડું?
    આંખ ખટકે ઉજાગરાથી રાતી
    ઝીણા ધબકારે ફાટફાટ છાતી

    છબીલો મારો સાવ ભોળો ને સાવ બાવરિયો
    ખોબો માગું ને દઈ દે દરિયો
    સાંવરિયો રે મારો સાંવરિયો
    ખોબો માગું ને દઈ દે દરિયો
    સાંવરિયો રે મારો સાંવરિયો

ગીતઃ રમેશ પારેખ ક્લીક કરો અને સાંભળો ૧૯૮૨ના ચિત્રપટ ‘નસીબની બલિહારી’નું આશા ભોસલેના કંઠે ગવાયેલું અને ગૌરાંગ વ્યાસના સ્વરાંકનવાળું મૂળ ગીતઃ ક્લીક કરો અને સાંભળો ગૌરાંગ વ્યાસના જ સ્વરાંકનવાળું આરતી મુનશીના કંઠે રેકોર્ડ કરાયેલું ‘હસ્તાક્ષર’ આલ્બમનું મનોહર ગીતઃ

આ ગીતનું અત્ચારે દુર્લભ એવું આશા ભોસલેના સ્વરવાળું મૂળ વર્ઝન મોકલવા માટે અમદાવાદના શ્રી ભાવેશ એન. પટ્ટણીનો ખૂબ ખૂબ આભાર. દુર્લભ ગીત સંગીતના સંગ્રાહક ભાવેશભાઈના ખજાનાની એક ઝલક જોવા માટે તેમના આ બ્લોગની મૂલાકાત લો અને તેનો આસ્વાદ માણોઃ

http://omnipresentmusic.blogspot.com

[પાછળ]     [ટોચ]