વગડા વચ્ચે તલાવડી
વગડા વચ્ચે તલાવડી રે
તલાવડીની સોડ ઊગ્યો વનચંપાનો છોડ
વસન્ત આવ્યો વરણાગી રે
ઝૂલે કેસરિયા ઝૂલ બેઠા વનચંપાને ફૂલ
જલ પાનેતર લહેરિયા રે
કમલિની મલકાય ભમરો ભૂલી ભૂલી ભરમાય
વનચંપાની પાંદડી રે
ખીલે ને કરમાય ભમરો આવે ઊડી જાય
રાતે ખીલે પોયણી રે
પોયણી પૂછે વાત ચંપા જીવને શા ઉચાટ
મત પૂછ તું પોયણી રે
સૂની ઉરની વાટ મનના મન જાણે ઉચાટ
ત્રણે ગુણની તરવેણી રે
રૂપ રંગ ને વાસ તો યે ભ્રમર ન આવે પાસ
નભથી ચૂએ ચાંદની રે
પોયણી ઢાળે નીર રોતાં તલાવડીનાં તીર
વગડા વચ્ચે તલાવડી રે
તલાવડીની સોડ એવો વનચંપાનો છોડ
સ્વરઃ રોહિણી રોય (રંજન જોશી)
અને દિલીપ ધોળકીયા
ગીતઃ બાલમુકુંદ દવે
સંગીતઃ અજિત મરચંટ અને દિલીપ ધોળકીયા
ચિત્રપટઃ દીવાદાંડી (૧૯૫૦)
ક્લીક કરો અને સાંભળોઃ
|