ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા કાયા લોટ થઈને ઊડી, માયા તોય હજી ના છૂટી ડંખે સૂની મેડી ને સૂનાં જાળિયા ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા સૂની ડેલીને જોઈ પૂછશો ન કોઈ કે અવસરિયા કેમ નથી આવતાં? પાંદડું તૂટે તો લોહી નીકળશે ડાળને એટલે તોરણ નથી રે બાંધતાં! ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા છાપરે ચડીને મારું જીવતર બોલે તો ઈને કાગડો જાણીને ના ઉડાડજો! કાયાની પુણીમાંથી નીકળે જે તાર ઈને ખાંપણ લગી રે કોઈ પુગાડજો! ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા એકલી સળીને કોયલ માળો માનીને જીવતર જીવી ગઈ હવે થાય શું? ઈ રે માળામાં કોઈ ઈંડુ ના મૂકજો મૂકશો તો હાલરડાં ગાય શું! ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા સ્વરઃ કૌમુદી મુનશી અને વિભા દેસાઈ ગીતઃ અનિલ જોશી સંગીતઃ ક્ષેમુ દીવેટિયા ચિત્રપટઃ કાશીનો દીકરો (૧૯૭૯) ક્લીક કરો અને સાંભળોઃ
|