[પાછળ]



સંદીપ ભાટિયા

         જેવી તેવી વાત નથી

માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય એ કંઈ જેવી તેવી વાત નથી આંગળીઓની વચ્ચે એના ગુંજ્યા કરશે પડઘા હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી સાવ થાય છે અળગા ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય એ કંઈ જેવી તેવી વાત નથી સૂરજનો અજવાશ ગોખમાં દીવો થઈને થરકે સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહિ સરકે પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય એ કંઈ જેવી તેવી વાત નથી

રચનાઃ સંદીપ ભાટિયા સ્વરઃ આશિત દેસાઈ ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]