(અરે બેન, બસ વાત ન પૂછો.
ગઈ કાલે અમારે ત્યાં તો દાળનું
પુરાણ ચાલુ થયું. લે સાંભળ.)
કહું છું કાલની કહાણી અરે આ દાળ દાઝે છે
સાંભળ બેન ઓ શાણી અરે આ દાળ દાઝે છે
પ્રભાતે કારજ આટોપી ગઈ હું નાથની પાસે
નીચેથી સુર સંભળાયા અરે આ દાળ દાઝે છે
કયાંથી સાસુજી ગરજ્યા
(કોણ ગરજ્યા? સાસુજી?)
વહુજી ક્યાં ગઈ બેટા
એનું નાક છે કે નળીયું?
અરે આ દાળ દાઝે છે
બીજા કરતાં વધ્યાં સસરા, ખરેખર વેઠની આણી
એના કાન છે કે કોડિયાં? અરે આ દાળ દાઝે છે
જેઠાણી-જેઠ આવીને કહ્યું માતાને સમજાવી
વહુની આ જૂઓ કરણી, અરે આ દાળ દાઝે છે
દિયરજી દોડતાં આવે, કહ્યું: બા ભૂખ બહુ લાગી,
તું અહીં સંભાળ અરે આ દાળ દાઝે છે
અરેરે બા, બધું શું આ, બબડતી આગમાં દલડી
ભાભી ક્યાં ગઈ જૂઓ, અરે આ દાળ દાઝે છે
આજ્ઞા નાથની માગી જ્યાં ઝટ હું નીચે આવી
સૌ ત્યાં કડકડી ગરજ્યાં અરે આ દાળ દાઝે છે
(હમણાં આટલું બધું રમખાણ મચે
તોય શું રસોડું જોવા કોઈ ન જાય?)
(અરે પણ બેન, મેં દાળ ઓરી જ નો'તી
તો પછી દાળ દાઝે જ ક્યાંથી?
તો કોની દાળ દાઝી છે તે કહું, સાંભળ)
રસોડે ના ગયું કોઈ બની એદી રહ્યા જોઈ
પડોશણે કહેલ ઢોસાનું અમારી દાળ દાઝે છે
ઉઠે પંડિત સકળ શૂરા સહુ વાત એ નહિ સમજ્યાં
ભૂલ ના કો દાળમાં વહુની તો સહુની દાળ દાઝે છે!!