[પાછળ]
કંઠના કામણ
શ્યામલ-સૌમિલની નવી પેશકશ

ઈ.સ. ૧૯૫૦ની સાલમાં શંકર-જયકિસનની સંગીત-બેલડીએ ફિલ્મ ‘આવારા’ માટે ‘ઘર આયા મેરા પરદેશી’ના ગીતના રોકોર્ડિંગ માટે ૧૦૦ જેટલા વિવિધ વાદ્યો એકઠા કર્યા, ઘણાં રિહર્સલો કર્યાં છતાં એક ઢોલકીના ધ્વનિથી સંતોષ ન થયો એટલે કોઈ સારી ઢોલકી અને તે ઢોલકી બરાબર તાલમાં વગાડનારને શોધવા અને તે આવે તેની રાહ જોવામાં અનેક લોકોના અનેક કલાકો બગાડ્યા. બહુ જહેમત બાદ એક સારો કલાકાર મધરાતે રેકોર્ડિંગ માટે આવ્યો પછી સંગીતની દૃષ્ટિએ એક perfect કહી શકાય તેવા સુંદર નૃત્ય-ગીતનું આ બેલડીએ સર્જન કર્યું.

ઈ.સ. ૧૯૫૪માં સંગીત નિર્દેશક હેમન્તકુમાર જ્યારે ફિલ્મ ‘નાગિન’ના ગીતો તૈયાર કરી રહ્યા હતા, ત્યારે તેમના એક મદદનીશ કલ્યાણજી વીરજી શાહે કલે-વાયોલિન નામના તે સમયના નવા નવા એક સિન્થેટિક વાજિંત્ર પર એક સપેરા-ધૂન બજાવી ચમત્કાર સર્જ્યો. ‘મન ડોલે મેરા તન ડોલે’ જેટલું જન-માનસને ઘેલું કરતું અને વ્યાપારી દૃષ્ટિએ સફળ ગીત ક્યારેક ક્યારેક જ સર્જાતું હોય છે. આ ગીતની સફળતામાંથી આપણને કલ્યાણજી-આણંદજીની ખૂબ લોકપ્રિય સંગીત-બેલડી મળી.

આ બન્ને ગીતોની સફળતામાં વાજિંત્રોએ ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. માત્ર આ બે ગીત શા માટે ? આપણા દેશમાં ગીત-સંગીતની કોઈ પણ મહેફીલ સાજ-સામાન અને ઢગલો વાજિંત્રો વિના ક્યાં જોવા મળે છે?

હવે આવે છે વર્તમાનકાળ.

આપણી સંગીત-બેલડીની ઉજ્જ્વળ પરંપરાને આગળ વધારવા હવે આવી ગઈ છે, શ્યામલ-સૌમિલની સંગીત-બેલડી. ગુજરાતી સુગમ સંગીતના ક્ષેત્રે તો આ સંગીત-બેલડી ચક્રવર્તી રાજાના સ્થાને બિરાજે જ છે. પરંતુ હવે તેઓ વાદ્યોને સાવ રજા આપી જે વાદ્ય-વિહિન સંગીત-પદ્ધતિ અજમાવવા ઈચ્છે તેનાથી ભારતમાં સંગીત ક્ષેત્રે એક નવા યુગની શરૂઆત થાય તો નવાઈ નહિ.

જરૂર નથી જમાના જૂના કોઈ વાજિંત્રની કે નથી જરૂર નવા જમાનાના કોઈ આધુનિક વાજિંત્ર કે સાજ-સામાનની. કુદરતે માનવ-કંઠમાં બધી જ ખૂબીઓ આપી છે. વાજિંત્રની જરૂર જ ક્યાં છે?

તમે પૂછશો કે વાજિંત્રો વિનાનું ગીત-સંગીત શક્ય છે ખરું ?

તો સાંભળો કંઠના કામણ (એટલે કે દેવળ-સંગીત a cappella વિશે) ડૉ. શ્યામલ સ્વયં શું કહે છે:


ક્લીક કરો અને સાંભળોઃ
કંઠના કામણ વિશે પ્રાથમિક પરિચય

અને સાંભળો a cappellaનો એક સરસ નમુનો:
ચરરર ચરરર મારું ચકડોળ ચાલે
[પાછળ]     [ટોચ]