 કંઠના કામણ-૨ a cappellaની એક આચમની
શ્યામલ-સૌમિલ પ્રણિત ગુજરાતી a cappellaના તપેલામાં દાળ ઓરાઈ રહી છે. એ દાળ ધીમે ધીમે પાકી રહી છે. એ દાળ કેટલી સ્વાદિષ્ટ હશે અને આપણને તે ભાવશે કે નહિ તે તો ભવિષ્યમાં જ નકી થશે. પણ એ દાળ સ્વાદમાં બહુ વરવી તો નથી જ એવું તેની રસોઈના શરૂઆતની અખતરા પરથી લાગે છે. એ દાળની આચમની ચાખતા પહેલા આપણે a cappella વિશે થોડું જાણી લઈએ.
મૂળ શબ્દ a cappella ઈટાલિયન ભાષાનો શબ્દ છે. (ઉચ્ચારઃ અ કપ્પેલ્લા - આ બે અલગ શબ્દો છે.) એનો અર્થ થાય છે- ‘દેવળમાં ગાવાની રીત’. અમેરિકનો તેને બોલવામાં ‘acapella’ કહે છે અને લખવામાં જોડણી પણ એક જ શબ્દ તરીકે કરે છે. અમેરિકન પ્રજાનું અને અમેરિકન ડૉલરનું તો દુનિયાભરમાં રાજ ચાલે છે, એટલે એ ખોટું કરે તો ય સાચું જ લેખાય. અમેરિકનોની ટીકા કરવાનો આપણને કોઈ અધિકાર નથી.
આ સંગીત-પ્રકારના ઉદ્ભવ વિશે એવી એક માન્યતા પ્રચલિત છે કે આખા બાઈબલમાં કોઈ પણ સ્થળે કોઈ પણ પ્રકારના વાજિંત્રનો ઉલ્લેખ થયો નથી. મધ્યયુગના અનેક ખ્રિસ્તી શ્રદ્ધાળુઓને લાગ્યું કે જો આપણા સૌથી પવિત્ર ગ્રંથમાં વાજિંત્રોનો ઉલ્લેખ નથી તો પ્રભુને અને તેના પુત્રને આ વાજિંત્રો મહત્વ આપવા લાયક નહિ જ લાગ્યા હોય. બાઈબલમાં જેનો ઉલ્લેખ પણ ન હોય તેવા વાજિંત્રો આપણે પ્રભુના ગુણગાન ગાવા માટે શા માટે વાપરવા? આમ ઈ.સ. ૧૬૦૦ આસપાસથી યુરોપના ઘણા ચર્ચમાં પ્રભુની સ્તુતિ કોઈ પણ વાજિંત્રોની મદદ લીધા વિના માત્ર કંઠગાન વડે કરવાની પ્રથા શરૂ થઈ. આ ચર્ચોમાં પ્રભુના ગીતો એક એવા ખાસ પ્રકારે ગવાતા થયા કે જેમાં વાજિંત્રોની જરૂર જ ન રહે. વાજિંત્રો જેવાં જ જાત જાતના ધ્વનિ મોઢા વડે કે ચપટી વગાડી કરી લેવામાં આવતા હતા. અલબત્ત આપણા હિન્દુ ધર્મની માફક ખ્રિસ્તી ધર્મ અનેક ફાંટા-ફીરકા સાથેનો વિશાળ અને વ્યાપક ધર્મ છે એટલે તમામ ચર્ચ અને તમામ ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ આ વાજિંત્ર-બહિષ્કારમાં સામેલ થયા નથી. ભારતના કોઈ પણ ચર્ચમાં વાજિંત્ર વિનાની પ્રભુસ્તુતિની કલ્પના પણ ન થઈ શકે. ભારતીય પ્રજા ગમે તે ધર્મ ભલે પાળે પણ ગાવા-વગાડવાની વાતમાં તે કદી પાછળ નહિ રહે.
આપણે ત્યાં ગુજરાતી ભાષામાં અમેરિકન ઢબનું `acapella' આવી રહ્યું છો તો આ બલા શું છે તે જાણવા માટે સાંભળો અને માણો acapella ઉર્ફે કંઠના કામણના બે નમુના.
ક્લીક કરો અને માણો અંગ્રેજી `acappella' mashup Acapella_Mashup
અને માણો ગુજરાતી ‘કંઠના કામણ’ની ચટણી Sahitya_Sangeet_Group-Facebook_Post
(mashup માટે ‘ચટણી’ શબ્દ તમને નથી ગમતો ?
તો શોધીને કોઈ બીજો સારો શબ્દ મોકલજો.)
|