 કેશવલાલ કપાતર વૈકુંઠના પાત્રમાં અને આણંદજી કાઠિયાવાડી કબૂતર ત્રિવેણીના પાત્રમાં (ફોટો સૌજન્યઃ વિનયકાન્ત દ્વિવેદી)
ભારી બેડાં ને નાજુકડી નાર(ઈ.સ. ૧૯૨૮ના દેશી નાટક સમાજના નાટક ‘સત્તાના મદ’ના પ્રહસન વિભાગમાં
વૈકુંઠ અને ત્રિવેણી નામના પતિ-પત્નીના પાત્રોના કંઠે આ ગીત ગવાતું હતું.)
ત્રિ. હું...હું...હું.. અરેરેરેરે, હાં.
વૈ. કેમ તે વળી શું થયું?
ત્રિ. કપાળ તમારા બાપાનું.
વૈ. મારા બાપાનું કપાળ તો આજકાલ બહુ તેજમાં છે. પણ તું રડે છે કેમ?
હં... પેલી જેઠી સાથે તારે રસ્તામાં તકરાર થઈ લાગે છે.
ત્રિ. ના ના. ને જેઠી, જમની સાથે મજૂરીનું કંઈ નથી.
વૈ. ત્યારે શું થયું પણ?
ત્રિ. આ બેડાંમાં ભાર કેટલો બધો બળ્યો છે. જાણે માથા ઉપર મોટો બધો ડુંગર.
વૈ. માથા ઉપર મોટો ડુંગર! અહોહોહોહો!
ત્રિ. ભારી બેડાં ને હું તો નાજુકડી નાર
ભારી બેડાં ને હું તો નાજુકડી નાર
કેમ કરી પાણીડાં ભરાય રે
ભમ્મરિયા કૂવાને કાંઠડે
કેમ કરી પાણીડાં ભરાય રે
ભમ્મરિયા કૂવાને કાંઠડે
વૈ. ત્યાં શું થાય છે વારુ?
ત્રિ. ગોરી નીચી ને ઊંચા કાંઠડા રે રાજ
ગોરી નીચી ને ઊંચા કાંઠડા હો રાજ
વૈ. પછે?
ત્રિ. ચડતાં કમ્મર લચકાય રે હાં ત્યાં
ચડતાં કમ્મર લચકાય રે
ભમ્મરિયા કૂવાને કાંઠડે
ચડતાં કમ્મર લચકાય રે
ભમ્મરિયા કૂવાને કાંઠડે
વૈ. બહુ ત્રાસ થાય છે તને વારુ? કેમ કહે જોઉ.
ત્રિ. સરકે સાળુડાં નીર સીંચતા હો રાજ
સરકે સાળુડાં નીર સીંચતા રે રાજ
કોઈની નજર લાગી જાય રે
વૈ. ભમ્મરિયા કૂવાને કાંઠડે
ત્રિ. કોઈની નજર લાગી જાય રે
વૈ. ભમ્મરિયા કૂવાને કાંઠડે
વૈ. પાણી પાણી થઈ જતી
એવાં પાણી ભરવા કાજ
રસીલી ના જતી
પાણી પાણી થઈ જતી
એવાં પાણી ભરવા કાજ
રસીલી ના જતી
ત્રિ. તો પછી ઘરનું બધું કામ કોણ કરશે?
વૈ. આ ગુલામ કરશે. બીજું કોણ કરશે?
સ્ત્રીના સુખને કારણે પુરુષ થાય કુરેબાન
તો પાણી ભરવા વળી શું ઝાઝું નૂકશાન?
ત્રિ. લોકોમાં મશ્કરી થાય રે
ભમ્મરિયા કૂવાને કાંઠડે
ક્લીક કરો અને સાંભળો
આ ઐતિહાસિક અલભ્ય રેકોર્ડિંગ
ભારી બેડાં ને નાજુકડી નાર (Record No. FT 2125 of Twin Records)
|