![]() ભારી બેડાં ને નાજુકડી નાર પૂરક માહિતી દેશી નાટક સમાજ એ ભારતની પ્રથમ સફળ વ્યાવસાયિક ગુજરાતી નાટક મંડળી હતી. ગુજરાતી નાટકોના ભિષ્મ પિતામહ શ્રી ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરીએ સને ૧૮૯૦માં અમદાવાદમાં તેની સ્થાપના કરી હતી. ૧૮૯૩ની સાલમાં શ્રી ડાહ્યાભાઈએ અમદાવાદનું નાટક માટેનું પ્રથમ થિયેટર ‘આનંદ ભુવન’ બાંધ્યું અને ત્યારથી ગુજરાતી નાટકો પહેલી વાર વ્યવસ્થિત રીતે વ્યાવસાયિક ધોરણે ભજવાવા શરૂ થયા.કેટલાંક વખત બાદ શ્રી ડાહ્યાભાઈએ લખેલું દેશી નાટક સમાજનું એક નાટક ‘અશ્રુમતી’ ખૂબ સફળ પુરવાર થયું અને અમદાવાદ કરતાં પણ મુંબઈમાં તેને વધુ પ્રેક્ષકો મળ્યા! આ નાટકથી દેશી નાટક સમાજને પ્રથમ વખત પ્રતિષ્ઠા અને ધન બન્ને મળ્યા. આ નવા ધનની મદદથી શ્રી ડાહ્યાભાઈએ મુંબઈમાં ઝવેરી થિયેટર અને અમદાવાદમાં શાંતિભુવન થિયેટર નામના બે નવા થિયેટર બંધાવ્યા. શ્રી ડાહ્યાભાઈએ પોતાની કારકીર્દિ દરમિયાન ગુજરાતી તખ્તાને જે નવી ભેટો આપી હતી તેમાં નાટકમાં ‘કોમિક વિલન’ રાખવાની નવી પ્રથા, લોકગીત અને લોકવાર્તાનો નાટકમાં સમાવેશ, ગીતો માટે સરળ અને આકર્ષક તરજ-બાંધણી, પ્રેક્ષકોને સાંભળવા ગમે તેવા નાટકીય ઢબના સચોટ સંવાદો, યુગલગીતો, તખ્તા પર સારું ફર્નિચર અને સરસ પશ્ચાદભૂ પેશ કરવી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આ અને એવી અનેક બાબતો ગુજરાતી રંગભૂમિમાં શ્રી ડાહ્યાભાઈએ પહેલી જ વખત દાખલ કરાવી હતી. શ્રી ડાહ્યાભાઈનું ઈ.સ. ૧૯૦૨માં અવસાન થયા બાદ દેશી નાટક સમાજની માલિકી બદલાઈ અને તેનું કાયમી સ્થળાંતર મુંબઈ ખાતે થયું. મુંબઈમાં આમ તો ઈ.સ. ૧૮૫૨ની સાલથી ગુજરાતી નાટકો ભજવાતા આવ્યા હતા પણ દેશી નાટક સમાજના કાયમી મુંબઈ પ્રવેશથી મુંબઈમાં ગુજરાતી નાટકોના એક નવા સુવર્ણયુગનો ઉદય થયો. નવા માલિકોને ઝવેરી થિયેટર અનુકૂળ ન પડવાથી થોડે દૂર આવેલા કાલબાદેવી રોડ પર નવી સારી જગ્યા મેળવવામાં આવી. આ નવા ભાંગવાડી થિયેટરના તખ્તે તા. ૬ઠ્ઠી સપ્ટેમ્બર, ૧૯૨૮ના રોજ ‘સત્તાનો મદ’ નામના નાટકની પ્રથમ રજૂઆત થઈ હતી. આ સમગ્ર નાટક અને તેના તમામ ગીતો પ્રભુલાલ દ્વિવેદીએ લખ્યા હતા. શ્રી વિનયકાન્ત પ્રભુલાલ દ્વિવેદી પોતાના પુસ્તક ‘મીઠા ઉજાગરા’માં ‘ભારે બેડાં’ ગીતનો ઉલ્લેખ કરતાં જણાવે છે કે તે તખ્તા પર જ્યારે ગવાતું હતું ત્યારે તેને સાત-સાત વખત ‘વન્સ મોર’ મળતા હતા! આ ગીતની જ્યારે ગ્રામોફોન રેકોર્ડ બહાર પડી ત્યારે તે હજારોની સંખ્યામાં તે વેચાઈ હતી.
|