[પાછળ]
હે રંગલો જામ્યો
 
હે રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ
છોગાળા તારા, હો રે છબીલા તારા
હો રે રંગીલા તારા રંગભેરુ જુએ તારી વાટ 
રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ 

હે હાલ્ય હાલ્ય હાલ્ય
વહી જાય રાત વાતમાં ને, માથે પડશે પરભાત
છોગાળા તારા, હો રે છબીલા તારા
હો રે રંગીલા તારા રંગભેરુ જુએ તારી વાટ 
રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ

હે રંગરસીયા
હે રંગરસીયા તારો રાહડો માંડી ને ગામને છેવાડે બેઠાં
કાના તારી ગોપલીએ તારે હાટું તો કામ બધા મેલ્યાં હેઠાં
હે તને બરકે  જશોદા તારી  માત
છોગાળા તારા, હો રે છબીલા તારા
હો રે રંગીલા તારા રંગભેરુ જુએ તારી વાટ 
રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ 

મારા પાલવનો છેડલો મેલ
છોગાળા ઓ છેલ
કે મન મારું મલકે છે
એ હું મોરલો ને તું તો મારી ઢેલ
હું છોડવો તું વેલ
કે મન મારું ધડકે છે

રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ
છોગાળા તારા, હો રે છબીલા તારા
હો રે રંગીલા તારા રંગભેરુ જુએ તારી વાટ 

સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ

ક્લીક કરો અને સાંભળોઃ
  

(નોંધઃ ૧૯૭૧માં રેકોર્ડ થયેલું પુરુષોત્તમભાઈનું આ અતિશય લોકપ્રિય ગીત સૌ પહેલાં અવિનાશભાઈના ગીત-સંગીતવાળા ૧૯૫૬ના ચલચિત્ર ‘સતી આણલદે’માં પિનાકીન શાહના સ્વરમાં મૂકવામાં આવ્યું હતું પણ તે ખાસ જામ્યું ન હતું. તેનો રેકોર્ડ નંબર હતો - HMV N 63027.)

[પાછળ]     [ટોચ]