[પાછળ]
મેંદી રંગ લાગ્યો

મેંદી તે વાવી માળવે ને, એનો રંગ ગયો ગુજરાત રે મેંદી રંગ લાગ્યો નાનો દિયરડો લાડકો રે, જઈ લાવ્યો મેંદીનો છોડ રે મેંદી રંગ લાગ્યો વાટી ઘૂંટીને ભર્યો વાટકો ને, ભાભી રંગો તમારા હાથ રે મેંદી રંગ લાગ્યો હાથ રંગીને વીરા શું રે કરું? એનો જોનારો પરદેશ રે મેંદી રંગ લાગ્યો લાખ ટકા આલું રોકડા, કોઈ જાવ જો દરિયા પાર રે મેંદી રંગ લાગ્યો શોક્યના સાહ્યબાને જઈ એટલું કે'જો તારી બેની પરણે ઘરે આવ્ય રે મેંદી રંગ લાગ્યો બેની પરણે તો ભલે પરણે એની ઝાઝા દી રોકજો જાન રે મેંદી રંગ લાગ્યો શોક્યના સાહ્યબાને જઈ એટલું કે'જો તારો વીરો પરણે ઘરે આવ્ય રે મેંદી રંગ લાગ્યો વીરો પરણે તો ભલે પરણે એની જાડેરી જોડજો જાન રે મેંદી રંગ લાગ્યો શોક્યના સાહ્યબાને જઈ એટલું કે'જો તારી માડી મરે ઘરે આવ્ય રે મેંદી રંગ લાગ્યો માડી મરે તો ભલે મરે એને બાળજો બોરડી હેઠ રે મેંદી રંગ લાગ્યો શોક્યના સાહ્યબાને જઈ એટલું કે'જો કે તારી માનેતીની ઊઠી આંખ રે મેંદી રંગ લાગ્યો હાલો સિપાઈઓ, હાલો બંધુડા હવે હલકે બાંધો હથિયાર રે મેંદી રંગ લાગ્યો મેંદી તે વાવી માળવે ને, એનો રંગ ગયો ગુજરાત રે મેંદી રંગ લાગ્યો રે

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]