[પાછળ]

બાળ બોધ

નાના બાળકોને ઘરમાં અને નિશાળમાં રમાડવા અને ભણાવવા માટે દાયકાઓથી વપરાતી આવેલી કાવ્યપંક્તિઓનો આ સંગ્રહ આજે પણ એટલો જ ઉપયોગી છેઃ

 છેલ્લો ફેરફાર: તા. ૧૮ માર્ચ, ૨૦૧૧ 

ઓળી ઝોળી પીંપળ પાન
ફઈએ પાડ્યું કાનજી નામ

બા ચા પા
ના ભા મધ ખા
ચાનો ચટાકો પેટ બગાડે
મધમીઠો ભઈલો પાડાને પછાડે

ચાંદાપોળી
ઘીમાં ઝબોળી
સૌ છોકરાંને કટકો પોળી
મારી બેનીને આખી પોળી
લેજે મોઢામાં
હબૂક પોળી

રાધે ગોવિંદ રાધે
શીરા પૂરી ખાજે
શીરાને તો વાર છે
પૂરી તો તૈયાર છે
એક પૂરી કાચી રહી
ભાઈની માસી ભૂખી રહી

અડકો કડકો
દહીંનો દડકો
દહીં દૂઝાણું
તારે ઘેર ભાણું
ઉરમૂલ ધતુરાનું ફૂલ
સાકર શેરડી ને
ખાઈ જા ખજૂર

પાપા પગલી મામાની ડગલી
મામાની ડગલી હીરાની ઢગલી
હીરા ઊછળિયા આભલે અડિયા
આભલે અડિયા તારા બનિયા

ચકી ચોખા ખાંડે છે
પીતાંબર પગલાં પાડે છે
બાઈ બાઈ તમારા હાથ ક્યાં ગયાં
આ.... રહ્યાં

ચકી ચોખા ખાંડે છે
પીતાંબર પગલાં પાડે છે
મોર પાણી ભરે છે
ઢેલ પાણી ઢોળે છે
રાજિયો, ભોજિયો
ટેલિયો ને ટૂશકો
માર ભડાકે ભૂસકો

કૂકડો બોલે
કૂકડે કૂક.. કૂકડે કૂક
ખેતરે જાઉં
દાણાં ખાઉં
પાણી પીઉં
ફરરર.. કરતો
ઊડી જાઉં

મોસાળ જાઉં
મોસંબી ખાઉં
શહેર જાઉં
સીતાફળ ખાઉં
શિયાળામાં જામફળ ખાઉં
ઉનાળામાં તડબૂચ ખાઉં
ચોમાસામાં જાંબું ખાઉં
ખૂબ ફળ ખાઉં
તાજોમાજો થાઉં
સૌને આપી હું હરખાઉઁ

માડી ગુટકો ખાઉં
ના ભાઈ ના આ વેલણ જોયું કે
જે ખાય ગુટકા તેને પડે વેલણના ફટકા
જે ખાય ગુટકા એના ભાંગે હાડકા
જે ખાય ગુટકા એ બધાંય
સાવ ગંધારા ઠોબારા થાય

એન ઘેન
દીવા ઘેન
ડાહીનો ઘોડો
પાણી પીતો
રમતો જમતો
છૂટ્યો.....છે
હાથમાં લાકડી
કમળ કાકડી
જ્યાં દોડાય ત્યાં દોડજે
એકને પકડી લાવજે
ડાહીનો ઘોડો
રમતો જમતો છૂટ્યો....છે

લડી પડ્યાં રે ભાઈ
લડી પડ્યાં
ચાંદો-સૂરજ લડી પડ્યાં
રમતાં રમતાં લડી પડ્યાં
હસી પડ્યાં રે ભાઈ
હસી પડ્યાં
રડતાં રડતાં હસી પડ્યાં

ફરફર ફરતું પતંગિયું
લીલું પીળું પતંગિયું
ચડતું પડતું પતંગિયું
મૂંગું ભમતું પતંગિયું
હસતું રમતું પતંગિયું

ઝબૂક વીજળી ઝબૂક
ડુંગર ઉપર દોડતી
ઝાડ પાન ઝબકાવતી
દુનિયાને અજવાળતી
ઝબૂક વીજળી ઝબૂક

ટહુક કોયલ ટહુક
કોયલને ટહુકે શું શું બોલે
આંબાની અમરાઈ બોલે
વનવનની વનરાઈ બોલે
જાંબુડાંના ઝાડ બોલે
સામે ઊભા પહાડ બોલે
ટહુક કોયલ ટહુક

ગપીને ઘેર આવ્યા ગપીજી
હાંકે સાવ ખોટા ગપગોળાજી
એક કહે મેં જોયું બાર હાથનું ચીભડું
બીજો કહે મેં જોયું તેર હાથનું બી

ચકી કહે
ચકારાણા ચકારાણા
નથી ઘરમાં એકે દાણા
ચકચક કરતાં ચકારાણા
ઉપાડી લાવ્યા ઢગલો દાણા

ચકો કહે
ચકી રાણી ચકી રાણી
નથી ઘરમાં ટીપું પાણી
ચીં ચીં કરતાં ચકી રાણી
તળાવ આખું લાવ્યા તાણી

એકડે એક પાપડ શેક
બગડે બે મણકા લે
ત્રગડે ત્રણ ઝટપટ ગણ
ચોગડે ચાર લગાડો નહિ વાર
પાંચડે પાંચ ચોપડી વાંચ
છગડે છ રડશો ન
સાતડે સાત સાંભળો વાત
આઠડે આઠ ભણો પાઠ
નવડે નવ બોલો સૌ
એકડે મીંડે દશ હસ ભાઈ હસ

રવિ પછી તો સોમ છે
ત્રીજો મંગળવાર
ચોથો બુધ ગુરુ પાંચમો
પછી શુક્ર છે વાર
શનિવાર તે સાતમો
છેલ્લો વાર ગણાય
એમ એક એઠવાડિયું
સાત વારનું થાય

લાલ પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય
બાકીના  બીજાં  બધાં  મેળવણીથી થાય

ગણ્યાં ગણાય નહિ
વીણ્યાં વીણાય નહિ
છાબડીમાં માય નહિ
તો ય મારા આભલામાં નહાય

જે જન મશ્કરી કરવા જાય
મોડા વહેલો તે સપડાય
જૂઠાણું જલદી પકડાય
આખર જૂઠો જન પસ્તાય

દિવાળીના દિવસમાં  ઘર ઘર દીવા થાય
ફટાકડાં ફટ ફટ ફૂટે બાળક બહુ હરખાય

નિશાળમાંથી  નિસરી  જવું  પાંસરું  ઘેર
રાખો નહિ મન રમતમાં સમજો સારી પેર

રમત ગમત કરતાં કદી કરવું નહિ નુકશાન
ખોટી  રીતે  ખેલતાં   ભારી   થાયે  હાણ

વગર વિચાર્યું જે કરે પાછળથી તે પસ્તાય
દેખો  એવાં   કામથી   જાન  ઘણાંના  જાય

ભણતાં પંડિત નીપજે  લખતાં લહિયો થાય
ચાર ચાર ગાઉ  ચાલતાં  લાંબો પંથ કપાય
પોપટ પણ અભ્યાસથી શીખે બોલતાં બોલ
કાયર થઈ આળસ કરે  તે  નર ખરને તોલ

મૂરખ  માથે  શીંગડાં  નહિ   નિશાની હોય
સાર-અસાર વિચાર નહિ જન તે મૂરખ હોય
અક્ષર એક ન આવડે ઉર અભિમાન અપાર
જગમાં તેને  જાણવો  સૌ  મૂરખનો  સરદાર

પરોઢિયે  નિત  ઊઠીને  લેવું  ઈશ્વર  નામ
દાતણ કરી નાહ્યા પછી કરવા પાઠ તમામ
કહ્યું  કરો  મા  બાપનું  દો  મોટાંને  માન
ગુરુને બાપ સમા ગણશો મળશે સારું જ્ઞાન

નિદ્રામહીં નહિ હતું તન ભાન જ્યારે
જેણે જૂઓ  પૂરણ રક્ષણ  કીધું ત્યારે
તેને  પ્રભાત  સમયે  પ્રથમે  સ્મરું રે
કાર્યો બધાં દિવસનાં  પછીથી કરું રે

આસપાસ  આકાશમાં અંતરમાં  આભાસ
ઘાસચાસની  પાસ પણ  વિશ્વપતિનો વાસ
ભોંયમાં પેસી  ભોંયરે કરીએ  છાની વાત
ઘડીએ મનમાં ઘાટ  તે  જાણે જગનો તાત
ખાલી જગ્યા  ખોળીએ  કણી મૂકવા કાજ
ક્યાંયે જગતકર્તા વિના ખાલી મળે ન ઠામ
ઓ ઈશ્વર ભજીએ તને

ઓ ઈશ્વર ભજીએ તને  મોટું છે તુજ નામ
ગુણ તારા નિત ગાઈએ થાય અમારાં કામ

હેત લાવી હસાવ તું સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માફ

પ્રભુ એટલું આપજો   કુટુંબ પોષણ થાય
ભૂખ્યા કોઈ સૂએ નહિ સાધુ સંત સમાય

અતિથિ ભોંઠો ના પડે આશ્રિત ના દૂભાય
જે આવે મમ આંગણે  આશિષ દેતો જાય

સ્વભાવ એવો આપજે સહુ ઈચ્છે મમ હિત
શત્રુ  ઈચ્છે  મિત્રતા  પડોશી  ઈચ્છે  પ્રીત

વિચાર વાણી વર્તને સૌનો સાચો સ્નેહ
કુટુંબ મિત્ર સ્નેહીનું  ઈચ્છું કુશળ ક્ષેમ

જોવા  આપી આંખડી  સાંભળવાને કાન
જીભ બનાવી બોલવા ભલું કર્યું ભગવાન

તારા આભે શોભતા સૂરજ ને વળી સોમ
એ તો સઘળાં તેં રચ્યાં  જબરું તારું જોમ

અમને આપ્યા જ્ઞાન ગુણ તેનો તું દાતાર
બોલે  પંખી પ્રાણીઓ  એ તારો ઉપકાર

કાપ  ક્લેશ કંકાસ  ને  કાપ  પાપ પરિતાપ
કાપ કુમતિ કરુણા કરી કાપ દુખ સુખ આપ

ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ
ગુણ તારા નિત ગાઈએ થાય અમારાં કામ
કરતા જાળ કરોળિયો

કરતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય
વણ  તૂટેલે  તાંતણે  ઉપર  ચડવા  જાય

મહેનત  તેણે  શરૂ કરી  ઉપર ચડવા માટ
પણ પાછો હેઠો પડ્યો ફાવ્યો નહિ કો ઘાટ

એ રીતે મંડી રહ્યો ફરી ફરી બે ત્રણ વાર
પણ તેમાં નહિ ફાવતાં   ફરી થયો તૈયાર

હિંમત રાખી હોંશથી ભીડયો છઠ્ઠી વાર
ધીરજથી જાળે જઈ પહોંચ્યો તે નિર્ધાર

ફરી ફરીને ખંતથી યત્ન કર્યો નહિ હોત
ચગદાઈ પગ તળે  મરી જાત વણમોત

એ  રીતે  જો માણસો  રાખી  મનમાં  ખંત
આળસ તજી મહેનત કરે પામે લાભ અનંત
જગતનો તાત ખેડૂત
રે ખેડૂત તું ખરે જગતનો તાત ગણાયો
આ સઘળો સંસાર પાળતો તું જ જણાયો

કપાસ ફળ ફૂલ ઘાસ ધાન્યને તું નીપજાવે
અન્ન ખાય સહુ જીવ ધરે જન વસ્ત્રો ભાવે

સહે તાપ વરસાદ વળી બહુ મહેનત કરતો
રહે  શરીરે લઠ્ઠ  સદા  સંતોષે  ફરતો

ઉત્તમ ખેતી ખરે વળી  તે પર ઉપકારી
ખરી ખંતથી દીએ જગતને શીખ તું સારી
એક અડપલો છોકરો

(દોહરો)

એક અડપલો  છોકરો જીવો જેનું  નામ
અતિશે કરતો અડપલાં જઈ બેસે જે ઠામ

કાગળ કાં લેખણ છરી જે જે વસ્તુ જોય
ઝાલે  ઝૂમી ઝડપથી  હીરા જેવી  હોય

ના ના કહી માને નહિ કહ્યું ન ધરે કાન
એને પણ દિન એકમાં સર્વ મળી ગઈ સાન

ડોસો ચશ્માં ડાબલી મેલી ચડિયા માળ
અતિ આનંદે અડપલે તે લીધાં તત્કાળ

ચશ્મા નાક ચડાવિયાં ખાડાળાં તે ખૂબ
ડાબલી લીધી દેખવા ધારીને પગ ધુંબ

ઢીલું ન હતું ઢાકણું  જબરું કીધું જોર
ઊઘડતાં તે ઉછળ્યું  કીધો  શોરબકોર

આંખો મો ઉપર પડી તેમાંથી તપખીર
ફાંફાં મારે ફાંકડો ન ધારી શક્યો ધીર

ચશ્માં નાખ્યાં ચોકમાં છીં છીં છીંકો ખાય
થાક્યો તે થૂ થૂ કરી  જીવો રોતો જાય

ચોળે ત્યાં તો ચોગણો આંખે અંધો થાય
ડોસે  દીઠો  દીકરો  ચશ્માંના   ચૂરાય

ડોસે ડારો દઈ કહ્યું હસવું ને થઈ હાણ
લાડકડાં એ લાગનો જીવા છે તું જાણ

ચશ્માં તો વસમાં થયાં ડબીએ વાળ્યો દાટ
જીવે ફરીને જીવતાં ઘડ્યો ન એવો ઘાટ
ઊંટના તો અઢારે વાંકા

ઊંટ કહે આ સમામાં વાંકાં અંગવાળાં ભૂંડા
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે

બગલાની ડોક વાંકી પોપટની ચાંચ વાંકી
કૂતરાની  પૂછડીનો વાંકો વિસ્તાર  છે

વારણની સૂંઢ વાંકી વાઘના છે નખ વાંકા
ભેંસને તો શિર વાંકાં શિંગડાનો ભાર છે

સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ
 અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે
એક શરણાઈવાળો

એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી
રાગ રાગણી  વગાડવામાં વખણાણો  છે

એકને જ જાચું એવી ટેક છેક રાખી એક
શેઠને રિઝાવી મોજ  લેવાને મંડાણો  છે

કહે દલપત પછી બોલ્યો  તે કંજૂસ શેઠ
“ગાયક ન લાયક તું  ફોગટ ફૂલાણો છે

પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી?
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે”


[પાછળ]   [ટોચ]