[પાછળ] 
બિલાડીની ડોકે ઘંટડી બાંધે કોણ ?

જૂના વખતની વાત છે પણ તે એક સનાતન સત્ય જેવી વાત છે.

ઉંદરનું બચ્ચું - ( એક મોટા ઉંદરને ) આજે એટલી બધી ભૂખ લાગી છે, કે કહેવાની વાત જ નહિ; પણ આજ રાતે બહાર નીકળી શકાય એમ નથી, કારણ કે ઘરધણીએ એક નવી બિલાડી પાળી છે.

મોટો ઉંદર - ખરું; વળી તેના પગ નીચે મખમલ જેવી સુંવાળી ગાદીઓ છે, તેથી આપણા તરફ આવે તો પણ આપણને બિલકુલ ખબર પડે નહિ. ( પોતાના હૈયા ઉપર હાથ મૂકીને ) જુઓને, મારું હૈયું તો તેના વિચારથી જ અત્યારથી ધબક ધબક થાય છે !

એક ઘરડો ઉંદર - અરે ! તમે બધા બહુ જ બીકણ લાગો છો. તમારી અક્કલનો તો જરા ઉપયોગ કરો. બાંધોને તેની ડોકે એક ઘંટડી, કે જ્યારે આપણા તરફ આવે, ત્યારે તે ઘંટડીનો રણકો આપણે બધા સાંભળી શકીએ, અને સુખેથી નાસી જઈએ !

બીજા ઉંદરો - ( હર્ષથી તાળીઓ પાડીને અને ચીંચીંના મોટે અવાજે ) ખરું, ખરું, તેમ જ તેમ જ; શાબાશ ! શાબાશ ! ફક્ત એક ઘંટડીની જ જરૂર છે.

ઘરડો ઉંદર - ( ફૂલાઈ જઈને ) ભાઈઓ, તમે મારા કહેવાની ખૂબી સમજો છો તેથી મને ઘણો જ આનંદ થાય છે. હું હમણાં જ એક ઘંટડી લાવું છું. ( તે ઘરડો ઉંદર બધાથી છૂટો પડી જાય છે, અને થોડી વાર પછી એક ઘંટડી વગાડતો વગાડતો પાછો આવે છે. )

ઘરડો ઉંદર - જુઓ, ભાઈઓ, આ ઘંટડીનો રણકો કેવો તીણો છે ! ઘરના ગમે તે ભાગમાં તેનો અવાજ સંભળાય છે.

બધા ઉંદરો - ( તાળી પાડીને ) હો ! હો ! હો ! ઘંટડી તો મજાની છે. વાહ ! વળી તેનો રણકો કેવો સરસ સંભળાય છે ! જો આ ઘંટડી ગમે તે રીતે બિલાડીની ડોકે બાંધવામાં આવે તો મગદૂર નથી કે તે એક ઉંદરને પકડી શકે !

ઘરડો ઉંદર - એમ જ, એમ જ; પણ હવે આ ઘંટડી બિલાડીની ડોકે બાંધવા માટે કોણ જાય છે ?

( બધા ઉંદરો આશ્ચર્ય પામી એક બીજા તરફ મૂઢની પેઠે જુએ છે. )

નાનો ઉંદર - ( ધ્રૂજતો ધ્રૂજતો ) ભાઈ સાહેબ, મારા હાથ એટલા બધા નાના છે, કે મારાથી આ કામ થઈ શકશે નહિ.

( બીજા ઉંદરો પણ જુદાં જુદાં બાનાં કાઢે છે. )

ઘરડો ઉંદર - આ કામ કરવા કોઈ ખુશ હોય એમ જણાતું નથી. ત્યારે હવે હું મારી આંખ બંધ કરી ત્રણ ફેરા ફરું છું, અને ત્રીજે ફેરે મારા હાથમાં જે ઝલાઈ જશે તેને આ ઘંટડી બાંધવા જવું પડશે.

બધા ઉંદરો - હા, હા, ખરું ખરું, એમ જ કરો; એમ જ કરો.

( ઘરડો ઉંદર આંખો બંધ કરી આંટા ફરવા લાગે છે, એટલે બધા ઉંદરો છાનામાના પોતપોતાના દરમાં ભરાઈ જાય છે. )

ઘરડો ઉંદર - ( આંખો ઉઘાડીને ) શું ! આ શું ! ખરે ! બધા જ ઉંદરો બીકણ લાગે છે ! કંઈ ફિકર નહિ, હું જાતે જ આ ઘંટડી બિલાડીની ડોકે બાંધવા જઈશ; પણ અરે સામે પેલું કોણ આવે છે ? ( બિલાડીને સામેથી આવતી જોઈને તે પણ ઘંટડી પડતી મૂકી ફટાફટ નાસી જાય છે ! )

બડાઈખોર ઘરડા ઉંદરને નાસતો જોઈને દરમાંથી ડોકીયાં કાઢી રહેલા બધા ઉંદરો ખડખડાટ હસી પડ્યા.
 [પાછળ]     [ટોચ]