[પાછળ] 
એક હાથી અને છ અંધજન

એક શહેરમાં છ અંધજન રહેતા હતા. હાથી કેવો હશે તે જાણવાની તે બધાને એક વેળા ઇચ્છા થઈ, તેથી તે બધા સાથે મળીને એક મહાવત પાસે ગયા, અને તેને નરમ સ્વભાવનો એક પાળેલો હાથી બતાવવા કહ્યું. મહાવત એક એક જણને દોરી ગરીબ સ્વભાવના પાળેલા એક હાથી પાસે લઈ ગયો.

પહેલો અંધજન હાથીની પીઠ ઉપર હાથ ફેરવી બોલ્યો, 'ઓ હો! આ હાથી તો દીવાલ જેવો લાગે છે!' બીજા અંધજનના હાથમાં હાથીના અણીવાળા દંતશુળ આવ્યા, એટલે તે બોલી ઉઠ્યો, 'અરે ! આ હાથી તો કંઈક ભાલા જેવો જણાય છે !' ત્રીજો અંધજન સૂંઢ ઉપર હાથ ફેરવી બોલ્યો, 'અરે ! આ તો મોટા સાપ જેવો લાગે છે !' ચોથો તેના પગની આસપાસ પોતાનો હાથ ફેરવી બોલી ઊઠ્યો, 'અરે ! આ ઝાડના થડ જેવો જ છે એમાં કંઈ શક નથી !' પાંચમો અંધજન તેના કાનને અડકીને તરત જ કહેવા લાગ્યો, 'અરે ! આ પંખા જેવો છે એ ખુલ્લું જણાઈ આવે છે !' છેવટે છઠ્ઠો અંધજન આવ્યો. તેના હાથમાં હાથીની પૂંછડી આવી, એટલે તે એકદમ બોલી ઊઠ્યો, 'અરે ! ખરેખર ! આ ! હાથી તો દોરડા જેવો જ લાગે છે !' આ પ્રમાણે છએ અંધજનોએ તે હાથીના જુદા જુદા ભાગ તપાસ્યા, એટલે દરેકે હાથીના આકાર વિષે જુદો જુદો વિચાર બાંધ્યો. એક કહે, કે આવો છે ને બીજો કહે કે આવો છે. આમ બોલતાં બોલતાં તે બધા માંહોમાંહે લડી પડ્યા. છેવટે તેઓ એટલા બધા ગુસ્સે થઈ ગયા, કે તેઓ મારામારી ઉપર આવી ગયા. આ બધું પેલો મહાવત જોઈ રહ્યો હતો, તે તેમને લડતા જોઈને વચમાં પડી કહેવા લાગ્યો, 'ભાઈઓ, તમે નકામા લડશો નહિ, તમે બધા ખરા છો અને ખોટા પણ છો !'

બધા એક સાથે બોલી ઊઠ્યા, 'એમ કેમ ? એમ કેમ ?'

મહાવતે તેઓને સમજાવીને કહ્યું, કે તમને દરેકને હાથીના જે અંગનો અનુભવ થયો તે પ્રમાણે તમે હાથીનું વર્ણન કર્યું પણ આખેઆખો હાથી કેવો છે, તેની તો તમે કોઈએ બરાબર તપાસ કરી નથી. તમે બધાએ ચોતરફ ફરી તેને બરાબર તપાસ્યો હોત, તો તમારે લડી મરવાનો વખત આવત નહિ. આમ કહી, તેણે તે છએ જણાને ફરીથી હાથીની આસપાસ ફેરવી, આખા હાથીનો ખરો આકાર કેવો હોય છે, તે બરાબર સમજાવ્યું. આથી શરમાઈ જઈને તે છએ અંધજન અંદર અંદર કહેવા લાગ્યા, કે કોઈ બાબતને પૂરી તપાસ્યા વિના તે સંબંધે વિચાર બાંધવો એ મૂર્ખાઈ છે; આપણે અહીં લડી પડ્યા, એ બહુ ખોટું કર્યું.' પછી તે બધા તે મહાવતનો ઉપકાર માની ત્યાંથી ચાલતા થયા.
 [પાછળ]     [ટોચ]