[પાછળ] 
બે બિલાડી અને વાંદરો

કોઈ એક સ્થળેથી એક રોટલો લાવી, બે બિલાડીઓ તેના ભાગ પાડવા બેસે છે.

પહેલી બિલાડી - ( બીજીને ) અલી, લાવ, આ રોટલાના હું ભાગ પાડી આપું.

બીજી બિલાડી - ( પહેલીને ) એક કેમ વારું ? શું મને ભાગ પાડતાં નથી આવડતા કે હું તે કામ તને સોંપું ?

પહેલી બિલાડી - ( તાડુકીને ) તેમાં તે આટલું બધું શાની બોલી નાખે છે ? જોયું તારું ડહાપણ ! રોટલો લાવવામાં તો જેટલી તને મહેનત પડી હતી, તેટલી મને પણ પડી હતી.

બીજી બિલાડી - ( ઘૂરકીને ) રાખ તારી બડાઈ તારી પાસે ! તારા લવલવાટથી હું ડરી જવાની નથી, સમજીને ? જુઓને શરમાતી પણ નથી, ને મનમાં જેમ આવે છે તેમ બોલે છે.

( બંને બિલાડી ખીજવાઈ જઈ લડવા તૈયાર થાય છે, એટલામાં એક વાંદરો આવે છે. )

વાંદરો - ( બંને બિલાડીને ગુસ્સે જોઈ, મનમાં ) કંઈ લડાઈ સળગી લાગે છે. લાવ જોઉં, શું છે. ( બિલાડીઓને ) કેમ બેનો, શું છે ?

( બંને બિલાડી પોતપોતાની હકીકત તેને કહી સંભળાવે છે. )

વાંદરો - ( સાંભળી રહ્યા પછી ) ઓ હો ! એટલું જ કેની ! એક રોટલાના ભાગ કરવા તેમાં શી મોટી વાત છે ? જો તમને કંઈ હરકત ન હોય, તો તેના સરખા ભાગ તમને હું કરી આપું.

બંને બિલાડી - ( સાથે ) ખુશીથી, ખુશીથી.

વાંદરો પહેલાં તે રોટલાના બે કકડા કરે છે; એક નાનો ને બીજો તેનાથી થોડો મોટો. આ બંને કકડાને તાજવાના પલ્લામાં મૂકે છે. મોટો કકડો ભારે લાગવાથી તેમાંથી એક જબરું બચકું ભરી ખાય છે, એટલે તે તરફનું પલ્લું ઉંચે જાય છે. તે વળી પાછો નાના રોટલામાંથી એક જબરું બચકું ભરી ખાય છે, એટલે તે તરફનું પલ્લું પાછું ઉંચું જાય છે.

બંને બિલાડી - ( વાંદરાની લુચ્ચાઈ સમજી જવાથી ) ભાઈ, થયું; હવે રોટલાના કકડા અમને પાછા આપો. અમે અમારી મેળે તેના ભાગ લડ્યા વિના પાડી લઈશું.

વાંદરો - બેનો, જરા ધીરી થાઓ. અત્યાર સુધી તમને ભાગ પાડી આપવાની કડાકૂટ કરી તેથી મને ભૂખ લાગી ગઈ છે, માટે મારી મહેનતના બદલામાં મારો ભાગ લઈ જે બાકી વધે તે તમને પાછું આપું છું. ( આટલું બોલી બાકીના કકડા પણ તે ખાઈ જાય છે, એટલે બંને બિલાડી વીલા મોં કરી ત્યાંથી ચાલી જાય છે. ) તેમને જતી જોઈને પેલો પાકો વાંદરો ખૂબ હસ્યો, ને બોલ્યો, 'બેની લડાઈમાં ત્રીજો ખાઈ જાય.'
 [પાછળ]     [ટોચ]