[પાછળ] 
કાચબો અને સસલો

એક દિવસ એક કાચબો શાંતિથી ધીમે ધીમે ચાલતો જતો હતો. ત્યાં સસલાનું એક ટોળું તેની પાસેથી નાચતું કુદતું નીકળ્યું. તેમાંથી એક સસલાને મશ્કરી કરવાનું મન થયું. એણે પાછા વળીને કાચબાને કહ્યું, ‘કાચબાભાઈ તમે કેવા ધીમે, ધીમે, ઠચૂક, ઠચૂક ચાલો છો. અમને પણ તમારા જેવી ચાલ શીખવોને!’

કાચબાએ અગાઉ ઘણાં સસલાં જોયા હતા. એને ખબર હતી કે સસલાં ઉતાવળિયા અને બેધ્યાન હોય છે અને કોઈ કામ ચીવટથી કરી શકતા નથી. તેઓ બેદરકાર ને ઉંઘણશી પણ હોય છે. આથી તેણે વટથી કહ્યું, ‘સસલાભાઈ! મારી ચાલ ભલે ઠચૂક ઠચૂક હોય પણ તમારા જેવા દોડવીરને પણ દોડવાની હરીફાઈમાં હરાવી શકું તેટલો સમર્થ છું સમજ્યા કે!’

આ બંનેની વાત ત્યાં ઊભેલા એક શિયાળે સાંભળી. તેણે સસલાને પાનો ચડાવતાં કહ્યું, ‘અરે સસલાભાઈ! આ કાચબાએ તમારા જેવા દોડવીરને પડકાર ફેંક્યો છે છતાં તમે ચૂપ કેમ છો?’

સસલાને પણ ચટાકો ચડી ગયો. તેણે કાચબાને કહ્યું, ‘ચાલો આપણે બન્ને શરત લગાવીએ કે દોડવાની હરીફાઈમાં કોણ જીતે છે?’

કાચબો તરત બોલ્યો, ‘ચાલો અત્યારે જ ભલે થાય ફેંસલો. હું તમારી સાથે હરીફાઈમાં દોડવા તૈયાર છું!’

બીજાં બધાં સસલાંઓ આ દોડ હરીફાઈ જોવા ભેગાં થઈ ગયાં. સસલાએ ઊંચા થઈ દૂર દૂર રહેલો એક ખડક બતાવી કહ્યું, ‘કાચબાભાઈ, આ સામે દેખાતા ખડક પાસે જે પહેલું પહોંચે તે જીત્યું ગણાશે.’

કાચબાએ કહ્યું, ‘તમારી એ વાત બરાબર છે, મને કબૂલ છે.’ કાચબો અને સસલો દોડવા માટે ઊભા રહી ગયા.

શિયાળે ઝંડો ફરકાવી દોડ હરીફાઈ શરૂ કરાવી. કાચબો માંડ્યો ઠચૂક ઠચૂક ચાલવા. સસલો માંડ્યો ઝડપથી દોડવા. થોડી વારમાં જ સસલો તો ઘણે દૂર પહોંચી ગયો. સસલાને થયું, ‘કાચબાને આટલે સુધી પહોંચતાં ઘણી વાર થશે તેથી લાવ જરા આરામ કરી લઉં.'

સસલો ઝાડ નીચે બેઠો. ઠંડો પવન વાતો હતો. ત્યાં તેને ઊંઘ આવી ગઈ.

જ્યારે સસલો ઊંઘમાંથી જાગ્યો અને જુએ છે તો પેલા દૂરના ખડક પાસે કાચબો જઈને ઊભો રહી ગયો હતો. સસલો શરમાઈ ગયો. તેણે કાચબા પાસે જઈ પોતાની હાર કબૂલી લીધી.

કાચબાએ કહ્યું, 'સસલાભાઈ જુઓ મેં ઠચૂક ઠચૂક ચાલીને ભલે શરત જીતી લીધી પણ તમે જો ચીવટ રાખી હોત અને કામના વખતે ઊંઘવાનું ટાળ્યુ હોત તો તમે જીતી ગયા હોત. હું કંઈ તમારા જેટલી ઝડપે થોડો દોડી શકવાનો હતો. આ તો તમારી બેદરકારીએ મને જિતાડ્યો છે!'

શિયાળ કહે, ‘ઉતાવળા સો બહાવરા ધીરા સો ગંભીર એ વાત સાચી છે.’
 [પાછળ]     [ટોચ]