હાલરડું
હાલાં રે વાલા મારા ભઈલાને, હાં...હાં...હાં...હાં
ભઈલો મારો ડાહ્યો, પાટલે બેસી નાહ્યો
પાટલો ગયો ખસી, ભઈલો પડ્યો હસી
હાલાં રે વાલા મારા ભઈલાને, હાં...હાં...હાં...હાં
ભાઈ મારો છે સાગનો સોટો
આવતી વહુનો ચોટલો મોટો
ભાઈ મારો છે વણઝારો
એને શેર સોનું લઈ શણગારો
હાલાં રે વાલા મારા ભઈલાને, હાં...હાં...હાં...હાં
હાલાં રે વાલા મારી બેનડીને, હાં...હાં...હાં...હાં
બેની મારી છે ડાહી, પાટલે બેસીને નાહી
પાટલો ગયો ખસી, બેની પડી હસી
હાલાં રે વાલા મારી બેનડીને, હાં...હાં...હાં...હાં
બેની મારી છે લાડકી
લાવો સાકર ઘીની વાડકી
ખાશે સાકર ઘી મારી બેની
ચાટશે વાડકી મ્યાંઉ મીની

|