મેરુ તો ડગે
મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે ભલે ભાંગી પડે ભરમાંડ રે
વિપત પડે પણ વણસે નહીં સોહી હરિજનનાં પરમાણ રે
મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે
ચિત્તની વૃત્તિ સદા નિર્મળ રાખે ને કરે નહીં કોઈની આશ રે
દાન દેવે પણ રહેવે અજાચી ને રાખે વચનમાં વિશ્વાસ રે
મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે
હરખ ને શોકની જેને ન આવે હેડકી ને આઠે પહોર રહેવે આનંદ જી
સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં જેણે મેલ્યાં અંતરનાં માન રે
મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે
નિત્ય રહે સતસંગમાં ને તોડી દીધા માયા કેરા ફંદ રે
સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે શીશ તો કર્યા કુરબાન રે
મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે
સંગત કરો તો તમે એવાની કરજો ને ભજનમાં રહેજો ભરપૂર રે
ગંગા સતી એમ બોલિયાં રે જેના નયણોમાં વરસે સાચાં નૂર રે
મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે
- ગંગાસતી
ક્લીક કરો અને સાંભળોઃ
|