[પાછળ]
કાચબા-કાચબીનું ભજન

કાચબો કહે છે કાચબીને તું રાખની ધારણ ધીર
આપણને  ઉગારશે  વહાલો  જુગતેશું  જદુવીર

ચિંતા મેલી  શરણે આવો રે
મરવા તુંને  નહિ દે માવો રે

વારતી'તી તે સમે  તેં શા વાસ્તે મારું  કેમ ન માન્યું કે'ણ
હવે નથી  કોઈ આરો વારો  થયા પૂરા  આયખાના  ખેલ

પ્રભુ તારો ન આવ્યો પ્રાણી રે 
માથે  આવી  મોત નિશાની રે

અબળાને એતબાર ન આવે  કોટી કરોને  ઉપાય
કહ્યું  ન માને કોઈનું રે એ તો ગાયું પોતાનું ગાય

એવી તો વિશ્વાસવિહોણી  રે
પ્રથમ તો  મત્સ્યની પોણી રે

કાચબી  કહે  છે  ક્યાં  છે  તારો  રાખણહારો  રામ
હરિ નથી કોઈના હાથમાં રે  તમે શું બોલો છો શ્યામ

મરવા ટાણે મતિ મુંઝાણી રે
ત્રુટ્યા પછી ઝાલવું તાણી રે

ત્રિકમજી  ત્રણ  લોકમાં  મારે  તારો  છે  એતબાર
અટક પડી હરિ આવજો રે મારા આતમનો આધાર

છોગાળા વાત છે છેલ્લી રે
ધાજો  બુડ્યાના   બેલી રે

કાચબી કહે છે  કોણ  ઉગારે જાતો  રહ્યો  જગદીશ
ચારે દિશાથી સળગી ગયું  તેમાં  ઓરીને વિચોવીચ

જેનો  વિશ્વાસ છે  તારે રે
એનો એતબાર  ન મારે રે

બળતી હોય તો બેસને મારી પીઠ ઉપર રાખું તારા પ્રાણ
નિંદા કરે  છે નાથની રે  એ  તો  મારે  છે  મુજને બાણ

વહાલો મારો આવશે વ્હારે રે
ઓર્યામાંથી  ઉગારવા સાટે રે

કાચબી કહે છે કિરતાર ન આવ્યો આવ્યો  આપણો અંત
પ્રાણ  ગયા પછી પહોંચશે રે તમે  શું બાંધો આશનો તંત

આમાંથી  જો  આજ  ઊગરીએ રે
પાણી બાર કદી ન પગ ભરીએ રે

વિઠ્ઠલજી મારી વિનંતિ સુણી  શામળા લેજો સાર
લીહ લોપાશે લોકમાં રે બીજે જાશો કોની વહાર

હરિ મારી હાંસી થાશે રે
પરભુ  પરતીતિ  જાશે રે

કેશવજીને કરુણા આવી  મોકલ્યા  મેઘ  મલ્હાર
આંધણમાંથી ઉગારિયો આવી કાચબાને કિરતાર

ભોજો કે છે ભરોંસો આવશે જેને રે
ત્રિકમજી   મારો   તારશે   તેને રે

- ભોજો ભગત
ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]