[પાછળ]
વીરા તારે હીરાનો વેપાર
 
વીરા, તારે હીરાનો વેપાર જી
હીરાનો વેપાર, તું તો ઝવેરાતનો જાણકાર
ભાઈ, તારે હીરાનો વેપાર જી
	
કૈંક મફતિયા ફરે બજારે બેસશે રોકી બાર જી
મોઢું જોઈને ખોલજે તારી તિજોરીના દ્વાર
વીરા, તારે હીરાનો વેપાર જી
	
મૂડી વિનાના માનવી સાથે કરીશ મા વેપાર જી
નફો ન મળશે, ઘરનું ટળશે, હાંસલમાં તકરાર
ભાઈ, તારે હીરાનો વેપાર જી
	
આંગણે તારે કોઈ ન આવે હીરાનો લેનાર જી
શેરી ઝવેરીની છોડીને ન જાજે બકાલીને બજાર
ભાઈ, તારે હીરાનો વેપાર જી
	
ફાંટ બાંધી એની ફેરી ન દેજે દલાલોને દ્વાર જી
વેચવા ગ્યા એ પંડે વેચાણાં જગતને બજાર જી
ભાઈ, તારે હીરાનો વેપાર જી
	
હૈડાં કેરી હાટડી ખોલીને બેસી રે તારે બાર જી
‘કાગ’ ઝવેરી કોઈ મળી જાશે, બેડો થાશે પાર
ભાઈ, તારે હીરાનો વેપાર જી

વીરા, તારે હીરાનો વેપાર જી
હીરાનો વેપાર, તું તો ઝવેરાતનો જાણકાર
ભાઈ, તારે હીરાનો વેપાર જી
ભાઈ, તારે હીરાનો વેપાર જી

સ્વરઃ દુલા ભાયા ‘કાગ’ અને મેરુભા ગઢવી
રચનાઃ દુલા ભાયા ‘કાગ’

ક્લીક કરો અને સાંભળો
જમાના જૂની ગ્રામોફોન રેકોર્ડઃ
[પાછળ]     [ટોચ]