[પાછળ] |
મેઘધનુષ લેખકઃ નવલરામ પંડ્યા ![]() મેઘધનુષ કેવું રળિયામણું દેખાય છે? જ્યારે આકાશના એક છેડાથી બીજા છેડા સુધી મેઘધનુષ તાણીને નાના પ્રકારના રંગ ઝળકાવી રહે છે ત્યારે જે શોભા થાય છે તેનું શું પૂછવું! મેઘધનુષના જેવો જગતમાં એક પણ બીજો રમણિય દેખાવ નથી. એ જોતાં જ માણસનો આત્મા પ્રસન્ન થઈ જાય છે અને સઘળાની દૃષ્ટિ એ સૃષ્ટિની લલિત લીલા ઉપર જડીત થઈ જાય છે. મેઘધનુષને કોઈ ઇન્દ્રધનુષ પણ કહે છે. પરંતુ જો તેને ઇન્દ્રધનુષ કલ્પીએ તો સ્વર્ગના રાજવીએ વજ્ર અને ઇન્દ્રધનુષ વાપરવાના છેક જુદા સમય રાખ્યા હશે એમ પણ ધારવું જોઈએ. વજ્ર જેમ મેઘદેવનું સામર્થ્ય બતાવે છે તેમ આ ધનુષ્ય મેઘદેવનું પરમ લાલિત્ય સૂચવે છે. જો દુષ્ટ દૈત્યોનો સંહાર કરતી વખતે ઇન્દ્ર વજ્ર સજીને જતો હશે તો અમે ધારીએ છીએ કે કલ્પવૃક્ષની કુંજમાં અપ્સરાઓના સાથમાં રાસરમણ વેળાએ તે આ ધનુષ ધારણ કરતો હશે! બીજા શબ્દોમાં બોલીએ તો વજ્ર એ મેઘરાજાના ભયાનક રૂપનું ચિહ્ન છે અને ઇન્દ્રધનુષ એ તેની વિશ્વપાલક દયા સૂચવે છે! વરસાદના વખતમાં જ મેઘધનુષ દેખાય છે. પણ તે સમયે એક દિશામાં સૂર્ય ખૂબ પ્રકાશતો હોવો જોઈએ અને સામી દિશામાં વરસાદ વરસતો હોવો જોઈએ. એવે પ્રસંગે જો સૂર્ય તરફ પીઠ કરીને ઊભા રહીએ તો ઘણું કરીને સામાં વાદળાંઓ ૫૨ એક મોટું તોરણ વિચિત્ર રંગથી ચળકતું દેખાશે. એ રંગ નાના પ્રકારના છે, તથાપિ તેમાં સામ્ય એવું રહેલું છે અને તે એકબીજામાં એવી રીતે મળી ભળી ગયેલા હોય છે કે એક રંગનો પટો કયાં પૂરો થયો, અને બીજો ક્યાંથી શરૂ થયો એ ઓળખવું અશક્ય થઈ પડે છે. જો વધારે વરસાદ હશે, તો તે સમે આ કમાનની બહાર એક બીજી કમાન પણ દેખાશે. પરંતુ તેના રંગ એટલાં પ્રકાશિત નહિ માલમ પડે. એ બન્ને તોરણોમાં રંગ આ જ અનુક્રમે હમેશાં દેખાય છેઃ લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, ભૂરો અને જાંબલી. પણ તેની ગોઠવણમાં ફરક હોય છે. પહેલા ધનુષમાં નીચલી કોર જાંબલી રંગની અને ઉપલી લાલ રંગની હોય છે પણ બહારના ધનુષમાં ઉપલી કોર જાંબલી રંગની અને નીચલી કોર લાલ રંગની દેખાય છે. આ રમણિય ચમત્કારનું કારણ એ છે કે સૂર્યના કિરણમાં ઘણાં રંગ રહેલા છે. ઘણા સાધારણ લોક એમ સમજે છે કે ધોળામાં રંગ જ નથી, પણ તેથી ઉલટું ધોળો તો બધા રંગનો બનેલો છે; કાળો એ રંગ જ નથી, એ તો રંગનો કેવળ અભાવ બતાવે છે. ધોળામાં ઘણા રંગ રહેલા છે. એનો જો કોઈને પ્રયોગ કરીને અનુભવ લેવો હોય તો તે બહુ સહેલી વાત છે. ઝુમ્મરનાં લોલકો થાય છે તે અથવા ત્રિકોણાકાર પાસા પડેલા કોઈ પણ બિલોરી કાચને લઈને તેમાંથી જોશો, તો તુર્ત માલમ પડશે કે એક ધોળા કિરણમાં તો સાત રંગ રહેલા છે. જો એથી બારીક પ્રયોગ કરી જોવો હોય તો એક ઓરડામાં બિલકુલ અંધારું કરવું અને બારીમાં એક બહુ જ નાનું કાણું પાડીને તેમાંથી સૂર્યના કિરણને આવવા દેવું. એમ કર્યાથી ઓરડામાં જમીન ઉપર અજવાળાનું એક ટપકું દેખાશે. હવે પેલા બારીના છિદ્રમાં એક ત્રિકોણાકાર કાચનો કકડો ઘાલીને જોશો, તો ભોંય ઉપર કાંઈ અજવાળું દેખાવાને બદલે સામી ભીંત ઉપર સુંદર રંગનો પટો પડી રહેશે, અને તે બધી રીતે એક નાના મેઘધનુષના જેવો જ દેખાશે. આ શોધ પ્રથમ સર આઈઝેક ન્યૂટને કરી અને ત્યારથી માલમ પડ્યું છે કે સુર્યના કિરણમાં સાત રંગ છે અને તે દરેકનું જુદી જુદી રીતે વક્રીભવન થાય છે; પાછળથી મૂળ રંગ ત્રણ જ છે અને બીજા રંગ એ ત્રણની મેળવણી ઉપરથી પેદા થાય છે એવો મત ચાલે છે, તો પણ તેથી કાંઈ મેઘધનુષનાં કારણ સમજાવવામાં ફેર પડતો નથી. ધનુષ્યની રચનામાં વરસાદનાં ટીપાં કિરણને વક્રીભવન પમાડવાનું તથા પૃથક્કરણ કરવાનું કામ કરે છે. એક ઘટત્વના પદાર્થમાંથી જુદા ઘટત્વના પદાર્થમાં જ્યારે કિરણ જાય છે ત્યારે તે વક્રીભવન પામે છે એટલે કે વાંકું વળે છે. પાણીમાં લાકડી બોળીએ છીએ તો તે સીધી હોવા છતાં વાંકી દેખાય છે તેનું કારણ પણ એ જ છે. હવા કરતાં પાણીનું ઘટત્વ વધારે છે અને તેથી પાણીમાંથી લાકડી ઉપર થઈને જે કિરણો હવામાં આવે છે તે વક્રીભવન પામે છે અને તેથી આપણી આંખને પાણીમાં રહેલો લાકડીનો ભાગ વાંકો દેખાય છે. સૂર્ય ઉગ્યા અને આથમ્યા પહેલાં જે અજવાશ દેખાય છે તે પણ અજવાળાંના વક્રીભવન થવાના ગુણને લીધે જ. સૃષ્ટિમાં ઘણાં ઘણાં ચમત્કાર વક્રીભવનથી થાય છે પણ તે બધાનો અત્રે વિસ્તાર થઈ શકતો નથી. વક્રીભવન થાય છે ત્યારે તે પદાર્થ મોટો દેખાય છે, અને એ ગુણના ઉપર દૂરદર્શક તથા સુક્ષ્મદર્શક યંત્રોની રચના આધાર રાખે છે. વક્રીભવન થવાથી કિરણનું પૃથક્કરણ થાય છે એટલે તે જે જે રંગનો બનેલો છે તે સઘળા રંગ છૂટા પડે છે. અને તેથી આપણે મેઘધનુષમાં સાત રંગ ઉપર કહ્યું તે પ્રમાણે જોઈએ છીએ. પહેલા ધનુષમાં સૂર્યનાં કિરણ બે વાર વક્રીભવન અને એક વાર પરાવર્તન પામે છે, પણ બીજા ધનુષમાં એક વાર વધારે વક્રીભવન પામે છે તેથી તેમાંના રંગનો અનુક્રમ ઉલટાઈ જાય છે માત્ર બે જ ધનુષ એક સમયે થાય એવું નથી. ત્રણ પણ થાય, પરંતુ ત્રીજી વાર પરાવર્તન પામવાથી તેના રંગ એટલા ઝાંખા થઈ જાય છે કે તે ભાગ્યે જ દેખાઈ શકે છે. બધા માણસો એક વખતે મેઘધનુષ જોતા હોય છે ત્યારે તે બધા એક જ મેઘધનુષ જૂએ છે એમ ન જાણવું. આ વાંચીને કેટલાંકને આશ્ચર્ય લાગશે, પણ એ ખરી જ વાત છે. બધા જોનારા જુદાં જુદાં ધનુષ જોતા હોય છે કેમકે જે વરસાદનાં ટીપા વડે પૃથક્કરણ થઈને એકની આંખે મેઘધનુષ દેખાય છે તે જ ટીપા વડે બીજાંને મેઘધનુષ દેખાતું નથી. બીજો જે મેઘધનુષ દેખે છે તે તો બીજાં જ ટીપાથી ઉત્પન્ન થયેલું હોય છે. મેઘધનુષ જોનારા બધાની આંખ કાંઈ એક સ્થળે હોતી નથી કે જેથી એક જ ટીપામાંથી આવેલું કિરણ સઘળાની આંખમાં પ્રવેશ કરી શકે. જો જુદાં જુદાં ટીપાંમાંથી અલગ થયેલા જુદા જુદા કિરણને લીધે એ બધાં મેઘધનુષ રચાતા હોય, તો એ મેઘધનુષ જુદાં જુદાં જ હોવાં જોઈએ. પણ ઘણું કરીને એ સમે બધાં ટીપાંનું ઘટત્વ સરખું જ હોય છે. તેથી એ બધાં મેઘધનુષ જુદાં હોવા છતાં સરખાં દેખાય છે. અલબત્ત, કોઈ વખત એમ પણ બને કે તે સરખાં ન પણ હોય. જોનાર જો ઊંચી જમીન ઉપર ઊભો ન રહ્યો હોય, તો મેઘધનુષ ક્યારે પણ અર્ધગોળ કરતાં વધુ મોટું દેખાય નહિ. જો વાદળાં થોડાં હોય તો અર્ધગોળ કરતાં પણ ઓછું દેખાય. જ્યારે વાદળાથી આકાશ ઘણું છવાઈ ગયું હોય છે ત્યારે જ સંપૂર્ણ ધનુષનાં દર્શન થાય છે. કોઈ સમયે વાદળાં વિનાના ભૂરા આકાશમાં પણ ધનુષ ખેંચાય છે, તો કોઈ વખત જમીન ઉપર થયેલું દેખાય છે. મેઘધનુષ વાદળાં વગર પણ થાય છે તેનું કારણ એ છે કે હવામાં તે સમે ન દેખાય એવી પાતળી વરાળનો જથ્થો હોય છે અને તેમાંથી પણ કિરણનું વક્રીભવન થાય છે. જમીન ઉપર ઘાસ તથા વનસ્પતિ ઉપર વરસાદનાં ટીપાંઓ બહુ જ વળગી રહ્યા હોય છે, ત્યારે પૃથ્વી ઉપર પણ મેઘધનુષ થવાનો યોગ આવે છે. ધોધ અથવા ફુવારાનાં ફીણમાં પણ મેઘધનુષના જેવી જ રમુજ કોઈ વખત થઈ રહે છે. ઝાકળથી પણ એવું જ પરિણામ થઈ શકે છે. ઉત્તર મહાસાગરમાં હમેશાં બહુ જ ઝાકળ પથરાયેલી રહે છે. તેથી ત્યાં આવાં ધનુષો પાણી ઉપર ઘણી વાર જોવામાં આવે છે. પહાડી અને તોફાની મુલકોમાં મેઘધનુષ ઘણાં અને સરસ દેખાય છે. ચંદ્રના કિરણથી પણ કોઈ કોઈ વખત એમ થઈ શકે છે, પરંતુ તેનાં રંગ તો બહુ જ ઝાંખા હોય છે. (‘નવલગ્રંથાવલિ', ભાગ ૪થો) |
[પાછળ] [ટોચ] |