[પાછળ]
ઈશ્વર છે કે નથી?

લેખકઃ ડૉ. જે.જે. રાવલ
ઈશ્ર્વર છે તેમ સાબિત કરવું જેટલું અઘરું છે, તેટલું જ અઘરું ઈશ્ર્વર નથી તે સાબિત કરવું છે. ઈશ્ર્વર છે એમ કહીએ તો ઈશ્ર્વર ખરેખર in person બતાવવો પડે. અને ઈશ્ર્વર નથી એમ કહીએ તો નિ:શંકપણે સાબિત કરવું પડે કે ઈશ્ર્વર નથી. Absence of evidence is not an evidence of absence. અર્થાત્ પ્રમાણની ગેરહાજરી એ ગેરહાજરીનું પ્રમાણ નથી. ઈશ્ર્વર છે તેનું પ્રમાણ નથી એનો અર્થ એવો નથી કે તે નથી. હોઈ પણ શકે છે.

જિનીવામાં ૪૦૦ અબજ રૂપિયાનો લાર્જ હેડ્રોન કોલાઈડરનો પ્રયોગ થયો. તેણે સાબિત કર્યું કે Hinggs-Boson exists. આ Hinggs Boson નું અસ્તિત્વ તો ૧૯૬૪માં પીટર હેગ્ઝે થિયરીથી સાબિત કર્યું હતું, પણ તેનું પ્રમાણ નહોતું. હવે મળ્યું છે. અમે લોકોએ સૂર્યમાળામાં નવા ગ્રહો, ઉપગ્રહો અને વલયો છે તેમ સાબિત કરેલું પણ તેનાં પ્રમાણ નહોતાં. દશ વર્ષ પછી વૉયેજર અને પાયોનિયર અંતરીક્ષયાનોએ તેના પ્રમાણ આપ્યાં. ઈશ્ર્વર છે કે નહીં એની અસમંજસમાં આપણે ઈશ્ર્વર છે તેમ માનવાવાળાને બેનિફિટ ઓફ ડાઉટ આપી શકીએ.

ગ્રેવિટેશનલ ફિલ્ડ, ઈલેક્ટ્રિકલ ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ, ન્યુક્લીઅર ફિલ્ડ, રેડિયેશન ફિલ્ડ, રેડિયો-ઍક્ટિવિટી ફિલ્ડ વગેરે બધાં જે ફિલ્ડ છે તે શું દૃશ્યમાન થાય છે? તેમ છતાં તેમાં થતી એક્ટિવિટી આપણને દેખાય છે. એ જ પ્રકારે વિશ્ર્વવ્યાપી ચેતના ફિલ્ડ છે. તે દૃશ્યમાન નથી, પણ તેમાં થતી ગતિવિધિ આપણે જોઈ શકીએ છીએ. આ સર્વવ્યાપી ચેતના જ ઈશ્ર્વર છે. તેનો અંશ આપણા બધામાં ધડકનરૂપે ધબકે છે. જે.જે. રાવલ, જે.જે. રાવલ છે જ્યાં સુધી આ સર્વવ્યાપી ચેતનાનો અંશ તેનામાં છે. તે ચાલ્યો જાય પછી જે. જે. રાવલ ડેડ-બોડી છે. તેને બાળી નાખવામાં આવશે, દાટી દેવામાં આવશે કે પશુ-પંખીને ધરી દેવામાં આવશે. આ રીતે પંચમહાભૂતોને ધરી દેવામાં આવશે. જેનું હતું તેને પાછું આપી દેવામાં આવશે. કોઈની પત્ની અતિ સુંદર હોય પણ તે મૃત્યુ પામે પછી તેનો પતિ તેને ઘરમાં રાખતો નથી. તેના દેહને પંચમહાભૂતને સમર્પિત કરી દેવામાં આવે છે. ભાઈ-બહેન વચ્ચે પ્રેમ છે, સંતાનો અને માતા-પિતા વચ્ચે પ્રેમ છે, પતિ-પત્ની વચ્ચે પ્રેમ છે. તમે બધા પ્રેમને માનો છો? ઊંચી આંગળી કરો. તમે જે ઊચી આંગળી કરી તે દર્શાવે છે કે તમે બધા જ પ્રેમને માનો છો. શું તમે પ્રેમને કદી જોયો છે? ઈશ્ર્વરનું આવું જ છે. God is not conclusion which can be arrived at by logical process, by believing, by discussing or by analysing. It is for experiencing. ઈશ્વરની માત્ર અનુભૂતિ થઈ શકે.

બ્રહ્માંડની રચના જોઈએ તો મગજ ચકરાવે ચઢી જાય. તેની અગમ્ય રચના સમજાય તેવી નથી. અબજો Galaxies, એમાં અબજો તારા. અબજો અને અબજો પ્રકાશવર્ષના અંતરો, વાયુનાં વાદળો, તારા, ગ્રહો, ઉપગ્રહો, ધૂમકેતુઓ, લઘુગ્રહો, ઉલ્કાઓ, ધૂલિકણો, પ્રકાશ, અંધકાર. કેવી રીતે આ બ્રહ્માંડ જન્મ્યું આ બધાના જવાબો મળતા નથી. ન્યુટ્રિનો નામનો પદાર્થકણ છે. તેને નથી પદાર્થ, નથી ધન અથવા ઋણ વિદ્યુતભાર. વળી પાછા તેમના પ્રવાસ દરમિયાન જ તે તેનાં રૂપ-રંગ-આકાર અને જાત બદલી નાખે છે. કોઈ પણ વસ્તુમાંથી પસાર થઈ જાય છે. દર ક્ષણે આપણા શરીરમાંથી અબજોની સંખ્યામાં ન્યુટ્રિનો પસાર થઈ જાય છે. ડાર્ક એનર્જી ડાર્ક મેટર શું છે તે ખબર નથી. આખે આખી પ૦૦ અબજ સૂર્યો ભરેલી ગેલેક્સીને તે દોડાવે છે. એક સૂર્યનું વજન જ છ અબજ, અબજ, અબજ, ટન છે. આવા પાંચસો અબજ સૂર્યો ભરેલી મંદાકિનીને તે અતિ ઝડપે દોડાવે છે, ખરેખર ઊર્જા શું છે તે પણ આપણને ખબર નથી. શા માટે ઊર્જા સંચયનો નિયમ? શા માટે વેગમાન સંચયનો નિયમ? શા માટે કોણીય વેગમાન સંચયનો નિયમ? શા માટે કુદરત E=mc2 જેવાં સૂત્રો અને નિયમોને અનુસરે છે? પૌલિનો એક્સક્લુઝનનો સિદ્ધાંત (Pauli exclusion principle) કહે છે કે એક ક્વોન્ટમ સ્ટેટમાં એક જ ઈલેક્ટ્રોન, પ્રોટોન કે ન્યુટ્રોનનો કણ રહી શકે. જ્યારે બોઝ સ્ટેટિસ્ટિક્સ કહે છે કે પ્રકાશના કણો એક જ ક્વોન્ટમ સ્ટેટમાં અબજો અને અબજો (Infinite) રહી શકે. 

કુદરતમાં બધે જ તમે લિમિટ જુઓ છો. વ્હાઈટ-ડ્વાર્ફ તારા બનવા માટે લિમિટ, ન્યુટ્રોન તારા બનવા માટે લિમિટ, સૂર્યમાળા બનવા માટે લિમિટ, ગેલેક્સી બનવા માટે લિમિટ, બ્રહ્માંડની ખુદની લિમિટ, ક્ષિતિજની લિમિટ આમ શા માટે? શા માટે જાત જાતના ફિલ્ડ ગ્રેવિટેશનલ વગેરે, શા માટે અમુક પદાર્થકણો પર ઘનભાર, અમુક પર ઋણભાર તો અમુક પર કોઈ જ ભાર નહીં? શા માટે ગુરુત્વાકર્ષણમાં અપાકર્ષણ નથી? શા માટે ગુરુત્વાકર્ષણમાં આકર્ષણની શક્તિ છે, તે આપણે હવે સમજ્યા છીએ. એવું બધું ઘણું આપણે સમજ્યા છીએ. કહો કે વિજ્ઞાને આપણને સમજાવ્યું છે. શા માટે પ્રકાશની ગતિ સૌથી વધારે? શા માટે કોઈ પણ પદાર્થકણની ગતિ પ્રકાશની ગતિ જેટલી ન હોઈ શકે? શા માટે પ્રકાશ માધ્યમ કે માધ્યમ વગર ચાલી શકે અને અવાજ માધ્યમ વગર ચાલી ન શકે? પૃથ્વીની સૂર્યમાળામાં જગ્યા અત્યારે છે તેનાથી તે થોડી દૂર હોત તો પણ પૃથ્વી પર જીવન ઉત્પન્ન થઈ શક્યું ન હોત અને નજીક હોત તો પણ પૃથ્વી પર જીવન ઉત્પન્ન થઈ શક્યું ન હોત. આમ શા માટે?

બ્રહ્માંડમાં કોસ્મોલોજિકલ કોન્સ્ટન્ટ (અચલ) છે. તેમાં જો તસુભાર પણ ફેરફાર કરવામાં આવે તો આ બ્રહ્માંડ અસ્તિત્વ ધરાવે જ નહીં? આમ શા માટે? એક દાખલો જૂઓ. સામાન્ય રીતે સરોવરમાં પાણીનું ઉષ્ણતામાન ૧૫ અંશ સેલ્સિયસ આસપાસ હોય પણ કડકડતા શિયાળામાં પાણી ઠંડું થાય ૧૦ અંશ, ૬ અંશ, પાંચ અંશ અને પછી ૪ અંશ સેલ્સિયસ થાય. કુદરત એવી છે કે ૪ અંશ ઉષ્ણતામાનવાળું પાણી સૌથી ભારે હોય છે અને તેથી તે તળિયે બેસી જાય છે. તળિયાનું હલકું પાણી ઉપર આવે છે. તે પાણી પણ પછી ૪ અંશ થઈને તળિયે આવે છે. તળિયે રહેલા ૪ અંશ ઉષ્ણતામાનવાળા ભારે પાણી ઉપર રહેલા હલકા વધારે ઉષ્ણતામાનવાળા પાણીને આ બીજું ૪ અંશ ઉષ્ણતામાનવાળું ભારે પાણી ઉપર ધકેલે છે અને તેની જગ્યાએ તે બેસે છે. આમ ધીમે ધીમે તળિયે ૪ અંશ ઉષ્ણતામાનવાળું પાણી એકઠું થઈ જાય છે. છેવટે આખું સરોવર ૪ અંશ ઉષ્ણતામાનવાળા પાણીથી ભરાઈ જાય છે. જો તેનાથી વધારે ઠંડી પડે તો જ સરોવરની સપાટી પરનું પાણી ૪ અંશથી ૩ અંશ, ર અંશ અને શૂન્ય અંશ થઈ અંતે બરફ થઈ જાય છે. પણ આ જે ઉપરના પાણીનો બરફ થયો તે બરફ તળીએ જતો રહેતો નથી! તે ઉપર તરે છે અને તેની નીચે ૪ અંશ સેલ્સિયસ ઉષ્ણતામાનવાળું હૂંફાળું પાણી હોય છે. આવી સ્થિતિમાં બધાં જ જળચર પ્રાણીઓ આ ૪ અંશ સેલ્સિયસ ઉષ્ણતામાનવાળા હૂંફાળા પાણીમાં આવી જાય છે અને મઝાથી જીવન જીવે છે. તો થાય કે શું કુદરતે શિયાળામાં જળચર પ્રાણીઓને બચાવવા જ આ ગોઠવણ કરી હશે? આમ શા માટે? થાય કે શું ખરેખર કુદરત દયાળું છે અને નિ:સહાયનું પણ એટલું જ તે ધ્યાન રાખે છે?

આપણા શરીરની રચનાનો વિચાર કરો. એક એક અંગની જગ્યાનો વિચાર કરો. માનવી મોટો થાય તેમ તેના શરીરના ભાગો સપ્રમાણમાં જ વૃદ્ધિ પામે છે. નહીં કે એક હાથ અડધા ફૂટનો અને બીજો હાથ ત્રણ ફૂટનો. એક પગ એક ફૂટનો અને બીજો પગ ચાર ફૂટનો, ન તો એક આંખ આગળ તો એક આંખ પાછળ વગેરે. આવું જાણીએ તો લાગે કે વાહ, કુદરત તારો પણ જવાબ નથી. આ બધું સમજાય તેવું નથી. એટલે જ આ ન સમજાય તેની બાબત માટે આપણે ઈશ્ર્વર જેવો શબ્દ વાપરીએ છીએ. આપણને ખરેખર એ ખબર નથી કે ઊર્જા શું છે. આપણે ઊર્જા ઊર્જા કરીએ છીએ પણ વાસ્તવમાં આપણને તે શું છે તેના વિશે કોઈ ખબર નથી. ઊર્જાથી જ બધું ચાલે છે, બધાં બળો કાર્યરત છે પણ ઊર્જા પોતે દેખાતી નથી.

આપણામાં ઊર્જા હોવાથી જ આપણે કાર્ય કરી શકીએ છીએ. કાર્ય કરવાથી આપણને થાક લાગે છે. આપણામાં ઊર્જા ઓછી થઈ જાય છે. પછી આરામ કરીએ અને ખાઈ-પીએ એટલે વળી પાછા આપણે તાજા-માજા ઊર્જાસભર થઈ જઈએ છીએ, પણ આ ઊર્જા શું છે તેની આપણને કોઈ ખબર નથી. આપણને થાય કે આપણે જે ખોરાક-ફળ ખાઈએ છીએ તેમાંથી આપણને ઊર્જા મળે છે. પણ જો ફળો કે ખોરાક એમને એમ પડ્યા રહે તો બગડી જાય છે જે આપણે ખાઈ શકતાં નથી. તો તે ઊર્જા ક્યાં જાય છે? ખોરાક એ જમીનમાં બિયારણ વાવવાથી, પાણી અને સૂર્યની ઊર્જાના સંયોજનનું પરિણામ છે તો સૂર્ય ક્યાંથી ઊર્જા મેળવે છે? તો કહે તેમાં ચાલતી અણુક્રિયાથી. સૂર્યમાં જે આણ્વિકક્રિયા ચાલે છે તે તેમાં રહેલા ઉષ્ણતામાન અને દબાણનું પરિણામ છે. ઉષ્ણતામાન એ ગરમીની તીવ્રતાનું દ્યોતક છે-માપન છે. ગરમી વળી પોતે ઊર્જા છે. દબાણ એ વાયુની ઘનતાથી પેદા થતા દર એકમ ક્ષેત્ર પર લાગતા બળનું પરિણામ છે. બળ વળી પાછું ઊર્જાનું પરિણામ છે. ઊર્જાના પણ ઘણા પ્રકાર છે. દા.ત. ગ્રેવિટેશનલ એનર્જી, મેગ્નેટિક એનર્જી, ઈલેક્ટ્રિકલ એનર્જી, અણુ-ઊર્જા, રેડિયો-એક્ટિવિટીથી ઉત્પન્ન થતી ઊર્જા પણ તે બધી છેવટે ઊર્જા છે. ઊર્જાનો આપણે નાશ પણ કરી શકતા નથી અને તેને ઉત્પન્ન પણ કરી શકતા નથી. તે એકથી બીજા રૂપમાં રૂપાંતર થાય છે પણ તેનો જથ્થો તો એક જ રહે છે. 

ઊર્જા એ જ ચેતના. ઊર્જા જ બ્રહ્માંડને ચલાવે છે. માટે જ આપણે એ શક્તિને પૂજીએ છીએ. એ જ ઊર્જા આપણી સમક્ષ અલગ અલગ રૂપે હાજર થાય છે. આઈન્સ્ટાઈને સાબિત કર્યું કે પદાર્થ એ પણ ઊર્જાનું જ સ્વરૂપ છે. બ્રહ્માંડમાં બધે પદાર્થ જ છે એટલે કે ઊર્જા જ છે. E=mc2. માટે બ્રહ્માંડ પદાર્થ અને ઊર્જાનો એટલે કે છેવટે ઊર્જાનો ગોળો છે. ઊર્જા જ્યારે ગઠિત થાય છે ત્યારે પદાર્થ બને છે અને પદાર્થમાંથી ઊર્જા ઉત્પન્ન થાય છે. અણુબોમ્બનો વિસ્ફોટ થાય છે ત્યારે તેમાંથી ભયંકર ઊર્જા ઉત્પન્ન થાય છે. ઊર્જા જ સર્જનનું કારણ છે અને એ જ વિનાશનું કારણ છે. ઊર્જાનાં આમ બે સ્વરૂપો છે. તમે ઊર્જાના કયા રૂપને ભજો છો તેના પર બધો આધાર છે. અણુ ઊર્જા વિદ્યુત ઉત્પન્ન કરવા અને બીજાં ઘણાં સુન્દર અને શાંતિનાં કાર્યો કરવા વાપરી શકાય છે અને તેનો ધ્વંસ કરવા-વિનાશ કરવા પણ ઉપયોગ થઈ શકે છે. 

આપણા શરીરમાં જે ઊર્જા છે તેનો ઉપયોગ આપણે ઘણાં સારાં કાર્યો કરવામાં કરી શકીએ છીએ અને જો આપણું મગજ વિકૃત હોય તો તેનો ઉપયોગ નઠારાં કાર્યો કરવામાં વપરાય છે. અહીં આધ્યાત્મિકતાનો-વિવેકબુદ્ધિનો-સંસ્કારિતાનો પ્રવેશ થાય છે. આપણને કેવા પ્રકારનું શિક્ષણ અને સંસ્કાર મળ્યા છે તેના પર તે આધારિત છે. વિજ્ઞાન અને અધ્યાત્મને આમ સંબંધ છે. વિજ્ઞાન કુદરત કેવી રીતે કાર્ય કરે છે તેની સમજણ આપે છે, અધ્યાત્મ આપણને દિશા બતાવે છે. આપણે હજુ સુધી સમજ્યાં નથી કે ઊર્જા શું છે? ક્યાંથી આવી? આપણા પ્રાચીન પ્રબુદ્ધ જ્ઞાની ઋષિ-મુનિઓને પ્રશ્ર્ન હતો કે બ્રહ્માંડમાં અંતિમ પદાર્થ શું છે. (What is ultimate matter of the universe?) તેમણે તેનો જવાબ પણ શોધેલો-ચેતના. આ બ્રહ્માંડમાં રહેલી ચેતનાને તેમણે બીજું પણ નામ આપેલું બ્રહ્મન. આપણે આ ચેતનાનો અંશ છીએ. સર્જન જ ઈશ્ર્વર છે. ચેતના જ ઈશ્ર્વર છે.

જ્યારથી માનવીના શરીરની ધડકન શરૂ થઈ ત્યારથી તે ચેતનાનો તેમાં પ્રવેશ થયેલો સમજવો. અથવા કહો માનવીના દેહમાં જ્યારે ચેતના પ્રવેશે છે ત્યારે તેના હૃદયની ધડકન શરૂ થાય છે, તે છેક મૃત્યુ પર્યન્ત એ ધડકન જ ચેતનાનો અહેસાસ છે. બધા કહે છે કે ઈશ્ર્વર આપણા હૃદયમાં છે. તે સાચી વાત છે. હૃદય માત્ર લોહીને ચલાવવાનો પંપ જ નથી, હૃદયની ધડકન એ જ ઈશ્ર્વર છે. હાલના વિજ્ઞાનીઓ શું શોધવા માગે છે? તેઓ જાણવા માગે છે કે બ્રહ્માંડનો અંતિમ પદાર્થ શું છે? તે જાણવા માટે તેઓએ જીનિવામાં ૪૦૦ અબજ રૂપિયાના ખર્ચે લાર્જ હેડ્રોન કોલાઈડર નામનું મશીન સ્થાપિત કર્યું છે. તે મશીને હિગ્ઝ-બોઝોન નામના ચેતનાના કણોનું અસ્તિત્વ દર્શાવ્યું છે. તે હકીકતમાં ચેતના છે. પ્રકાશ છે-ઊર્જા છે. તેને ગોડ-પાર્ટિકલ કહે છે, કારણ કે તે ચેતના જ છે જે ઈલેક્ટ્રોન-પ્રોટોન-ન્યુટ્રોન-કવાર્ક વગેરે સૂક્ષ્મ પદાર્થકણોને જન્મ આપી બ્રહ્માંડમાં પદાર્થ અને ઊર્જાને ઉત્પન્ન કરે છે. તેમ છતાં હિગ્ઝ-ફિલ્ડ અંતિમ ચેતના નથી. તેની અંદર પણ ચેતના છે. તેની પણ વૈજ્ઞાનિકોએ તાજેતરમાં શોધ કરી પણ તે પણ અંતિમ ચેતના નથી. આ જ તો બ્રહ્માંડનું ઘૂંટાતું રહસ્ય છે. બ્રહ્માંડનાં અંતિમ રહસ્યોનો આપણે કદી પાર પામી શકીશું નહીં. માટે ઈશ્ર્વર શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે.

બ્રહ્માંડમાં અલગ અલગ બળો છે. તે હકીકતમાં દૃશ્યમાન નથી, પણ તેમાં જે વિવિધ ગતિવિધિ ચાલે છે તે આપણે જોઈ શકીએ છીએ. આમ તેઓ અદૃશ્ય રહેવા છતાં તેમનો અહેસાસ આપણે કરી શકીએ છીએ. બ્રહ્માંડમાં જે સર્વવ્યાપી ચેતના ક્ષેત્ર છે તેને આપણે જોઈ શકતા નથી પણ તેનો અહેસાસ કરી શકીએ છીએ. આ ચેતના ક્ષેત્ર બ્રહ્માંડનાં બધાં જ વિવિધ ક્ષેત્રોને જેવાં કે ગ્રેવિટેશન ફિલ્ડને પોતાનામાં આવરે છે. આ બધાં ફિલ્ડઝ તેનાં જ રૂપો છે. ઉષ્ણતામાનમાં નિરપેક્ષ શૂન્ય ઉષ્ણતામાન છે. (Absolute Zero Temperature). તેનાથી નીચું ઉષ્ણતામાન નથી. તો થાય કે આમ શા માટે? આનો જવાબ મળતો નથી. એટલે તો વિદ્વાનો કહે છે કે બ્રહ્માંડ જેવું છે તેવું છે! (The universe is what it is ! ) શા માટે બ્રહ્માંડ જેવું છે તેવું છે? માટે તો ઈશ્ર્વરની એટલે કે - એક અજ્ઞાત શક્તિની – ધારણા કરવામાં આવે છે જેણે આ બ્રહ્માંડને જેવું છે તેવું ઉત્પન્ન કર્યું છે. બ્રહ્માંડ શા માટે ઉત્પન્ન થયું છે? તેના ઉત્પન્ન થવાનો ઉદ્દેશ્ય શું છે? આ બધા પ્રશ્ર્નોના જવાબો મળતા નથી. વિજ્ઞાનીઓને કુદરત કેવી રીતે કાર્ય કરે છે તે માટે વિવિધ સૂત્રો મળ્યાં છે. આ સૂત્રો વિજ્ઞાનના વિશ્ર્વને સમજાવે છે. બોઈલનો નિયમ છે ગુરુત્વાકર્ષણનો નિયમ છે. રેખા માટે સમીકરણ છે. વર્તુળ, લંબવર્તુળ, વલય, પરિવલય વગેરે માટે સૂત્રો છે. તો થાય કે આ સૂત્રો શા માટે? શા માટે કુદરત આ સૂત્રો પ્રમાણે કાર્ય કરે છે. હકીકતમાં આ સૂત્રોમાં આપણે ઈશ્ર્વરનો ચહેરો જોઈ શકીએ છીએ. તેની હાજરી જોઈ શકીએ છીએ. ઈશ્ર્વરને જોવાની દૃષ્ટિ હોવી જોઈએ, તેવી દૃષ્ટિ કેળવવી પડે, તો ઈશ્ર્વર દેખાય. કોઈ કહે ઈશ્ર્વર દેખાડો તો ઈશ્ર્વર દેખાડી ન શકાય. ઈશ્ર્વરને કેમ જોવો તેની દિશા દર્શાવી શકાય. ઈશ્ર્વર માતામાં જોઈ શકાય, ઈશ્ર્વર સૂર્યમાં જોઈ શકાય. જીન્સમાં જોઈ શકાય, પ્રકાશમાં જોઈ શકાય, નિરપેક્ષ શૂન્યમાં, પ્રકાશની ગતિમાં, ૪ અંશ ઉષ્ણતામાનવાળા પાણીમાં જોઈ શકાય, વૃક્ષોમાં જોઈ શકાય, પાણીમાં, આકાશમાં જોઈ શકાય, ઊર્જામાં જોઈ શકાય, અગ્નિમાં જોઈ શકાય. દયા, ભાવના, અનુકંપા, કરુણામાં જોઈ શકાય, જ્ઞાન અને સત્યમાં જોઈ શકાય. સૂત્રોમાં જોઈ શકાય, નદી, સરોવર, મહાસાગર, પહાડોમાં ઈશ્ર્વર જોઈ શકાય. આ બધાં ઈશ્ર્વરના ચહેરા છે. બધે જ ઈશ્ર્વરની હાજરી જોઈ શકાય છે. લોકો શા માટે કહે છે કે ઈશ્ર્વર દેખાડો. ઈશ્ર્વર તો બધે જ દેખાય છે.

બ્રહ્માંડની રચના અને ગતિવિધિ સમજવાના આઈન્સ્ટાઈનના સમીકરણો અને સૂત્રોમાં એક અચલ (constant) આવે છે. તેને કોસ્મોલોજિકલ કોન્સ્ટન્ટ કહે છે. આ અચલમાં તસુભાર પણ ફેરફાર કરવામાં આવે તો દેખાય કે બ્રહ્માંડનું અસ્તિત્વ જ ન રહે. તો પ્રશ્ર્ન થાય કે આમ શા માટે? બ્રહ્માંડની આવી ડિઝાઈન કેવી રીતે અસ્તિત્વમાં આવી?

પુરાતન સમયમાં લોકો દૈવીશક્તિમાં માનતા હતા. જ્યારથી વિજ્ઞાને પ્રગતિ કરી ત્યારથી માપન અને પ્રયોગો શરૂ થયાં. જે માપી ન શકાય, જે પ્રયોગ વડે સાબિત કરી ન શકાય તેમાં માનવાનું લોકોને ન ગમવા માંડ્યું અને ઈશ્ર્વરમાંથી શ્રદ્ધા ડગવાની શરૂઆત થઈ. જીવન ઈશ્ર્વરની દેન છે. તેમાં માનવાનું ધીરે ધીરે બંધ થવા લાગ્યું, અને એમ મનાવા લાગ્યું કે જીવન ગહન કેમિસ્ટ્રીનું પરિણામ છે. તેમાં વળી ન્યુટને ડાયનામિક્સ આપ્યું જે દર્શાવે છે કે બ્રહ્માંડ એક યંત્ર છે. આ યંત્ર કેવી રીતે આવે છે? તો કહે ઊર્જા વડે. આ ઊર્જા ક્યાંથી આવી? તે પ્રશ્ર્નનો જવાબ મળતો નથી. તેમાં વળી ડોક્ટરોએ સાબિત કર્યું છે કે શરીર પણ એક યંત્ર છે અને હૃદય માત્ર લોહીનો પંપ છે. પણ પ્રથમ ધડકન કોણે શરૂ કરી? છેલ્લી ધડકન વખતે ચેતના ચાલી જાય છે તે ચેતના શું છે? તેની કોઈને ખબર નથી. તેમાં વળી કાર્લ માર્ક્સ જેવા વિચારકોએ જાહેર કર્યું કે ધર્મ તો અફીણ સમાન છે. ધર્મના સ્થાપિત હિતો કહેવા લાગ્યા કે વિજ્ઞાન ધર્મનું દુશ્મન છે. વિજ્ઞાન ધર્મને છિન્ન-વિછિન્ન કરે છે. તેઓ જાણતા ન હતા કે સાચો ધર્મ શું? સાચા ધર્મને કોઈ પણ છિન્ન-વિછિન્ન કરી ન શકે, જેમ સૂર્યને કોઈ ઢાંકી ન શકે. બાકી હાલ જે કહેવાતો ધર્મ ચાલે છે તે તો વેપાર અને કર્મકાન્ડ જ છે. વિજ્ઞાન તો હકીકતમાં ધર્મનું હૃદય છે અને તે ધર્મને ચકાચક રાખવા માગે છે. 

ધર્મનાં સ્થાપિત હિતો કહેવા લાગ્યાં કે વિજ્ઞાને માનવી અને ઈશ્ર્વર વચ્ચેની ખાઈ વધારી છે. પણ હકીકતમાં ધર્મનાં સ્થાપિત હિતોએ અનુચિત કર્મો કરી, માનવી અને ઈશ્ર્વર વચ્ચે ખાઈ વધારી છે. મંદિરની બહાર પણ માંગણ અને ભિખારીઓ હોય છે અને મંદિરની અંદર પણ આવા ભિખારીઓ જ હોય છે. ધર્મ અને ઈશ્ર્વરની મહાનતાને તેઓ સમજતા નથી. ઈશ્ર્વર કાંઈ દૂર દૂર બેઠેલો સર્વશક્તિમાન વ્યક્તિ નથી કે જે વિશ્ર્વતંત્રને ચલાવે છે. તે તો વિશ્ર્વવ્યાપી-સર્વવ્યાપી ઊર્જા છે, ચેતના છે જે દેખાતી નથી, પણ બધાં જ કાર્યો કરે છે. 

આ બ્રહ્માંડમાં બધે જ સીમા (લિમિટ Limit) છે. ક્ષિતિજને લિમિટ, શ્ર્વેતવામન તારાના મૂળ પદાર્થના જથ્થા પર લિમિટ, ન્યુટ્રોન તારાના મૂળ પદાર્થના જથ્થા પર લિમિટ, સૂર્યમાળાને લિમિટ, મંદાકિનીને પણ લિમિટ અને બ્રહ્માંડને પોતાને લિમિટ. તો આમ બધે લિમિટ શા માટે? લોકોમાં ઠસાવવામાં આવ્યું કે જે વિજ્ઞાન ન આપી શકે તે કોઈ બીજું આપી ન શકે. આમ વિજ્ઞાન અને ધર્મનાં બન્નેનાં સ્થાપિત હિતોએ લોકોમાં જબ્બર ગૂંચવણ પેદા કરી. ઈશ્ર્વર છે તે વાતમાં પણ ગર્ભિત છે કે ઈશ્ર્વર નથી, કારણ કે તેને આપણે બતાવી તો શકતા નથી અને ઈશ્ર્વરનું નથી તે વાતમાં પણ ગર્ભિત છે કે ઈશ્ર્વર છે. ઈશ્ર્વર નથી તો ક્યાં ઈશ્ર્વર નથી? ઘણા લોકો માને છે કે ઉજ્જૈનના મંદિરમાં પાણી ભરાઈ ગયું તો ઈશ્ર્વર ત્યારે ક્યાં ગયો હતો કે તેણે પોતાના જ મંદિરમાં પાણી ભરાયું તો કાંઈ કર્યું નહીં? વાત એમ છે કે તેઓ સમજતા નથી કે મંદિર પણ તે છે, પાણી પણ તે છે અને મૂર્તિ પણ તે છે. માટે આ કોઈ ક્ષોભ પામવાની વાત નથી. મહાશિવરાત્રીના દિને દયાનંદ સરસ્વતીએ એક ઉંદરને શંકર ભગવાનની પિંડી પર ફરતો જોયો, ત્યારે તેમને થયું કે આ ભગવાન? એક ઉંદરને પણ ભગાડી ન શકે? અને તેમણે મૂર્તિપૂજાને તિલાંજલિ આપી, પણ જો શંકર ભગવાનને ત્યારે તેમણે, સાંભળ્યા હોત તો તે કહેત કે દયાનંદ, ક્ષોભ ન પામ. ઉંદર પણ હું છું, પિંડી પણ હું છું, આ મંદિર પણ હું છું અને તું પણ હું જ છું. 

ઈશ્ર્વરને સમજવો, કુદરતને સમજવી, બ્રહ્મને સમજવું તે બહુ જ એબ્સ્ટ્રેક્ટ છે, અમૂર્ત છે. માટે તો મૂર્તિપૂજા અસ્તિત્વમાં આવી અને જાતજાતના દેવતા અસ્તિત્વમાં આવ્યા. સાથે સાથે તેમને સંબંધિત કથાઓ, કર્મકાંડો, માન્યતાઓ અસ્તિત્વમાં આવ્યા. ધીમે ધીમે કરતાં ૩૩ કરોડ દેવતા અસ્તિત્વમાં આવ્યા! વેદ કહે છે એકદ્ સદ્વિપ્રા: બહુધા વદન્તિ/અર્થાત્ સત્ય પામવાના ઘણા રસ્તા છે. જેમ એક બિન્દુથી બીજા બિન્દુએ જવાના ઘણા રસ્તા છે, એક પ્રમેયને સાબિત કરવાના પણ બે-ત્રણ રસ્તા હોઈ શકે છે. માટે લોકોને તેમની શ્રદ્ધા મુજબ સત્ય પામવા દો. તેમનો રસ્તો સાચો હશે તો તેમને જરૂર સત્ય મળશે, નહીં તો ઠેબાં ખાશે. રેશનાલિસ્ટો જે ઈશ્ર્વરને નથી માનતા તેમની વિચારણા પણ સત્ય પામવાનો એક રસ્તો જ છે. શ્રદ્ધા, દિવ્ય વસ્તુ છે. શ્રદ્ધા જ છેવટે સિદ્ધિ અપાવે છે. શ્રદ્ધામાં આપણે ઈશ્ર્વરનો ચહેરો જોઈએ છીએ. પણ તે શ્રદ્ધાના નામે પછી અંધશ્રદ્ધા, ખોટી માન્યતા કે વહેમ ન હોવા જોઈએ. કલાકારો, વિજ્ઞાનીઓ, સંગીતકારો, ચિત્રકારો, દાર્શનિકો, કવિઓ વગેરેમાં ક્યું એવું તત્ત્વ છે જે તેમને સતત, વિટંબણામાં પણ તેમની આરાધના ચાલુ રાખવા પ્રેરે છે. કૈંક તો છે જ. 

સર્વવ્યાપી કુદરત જ ઈશ્ર્વરનું સ્વરૂપ છે. ગીતાના વિભૂતિયોગ અને વિશ્ર્વદર્શન યોગમાં આ વાત સ્પષ્ટ થઈ શકે છે. આપણને જ્યાં ક્યાંય તેજ દેખાય છે તે ઈશ્ર્વર છે. ઈશ્ર્વરને શોધવા જવાની જરૂર નથી. તે અત્ર તત્ર સર્વત્ર આપણને દેખાય છે. શ્રદ્ધા, સત્ય, જ્ઞાન, અનુકંપા, દયા, ભાવના, કરુણા, સંવેદના અહિંસામાં ઈશ્ર્વરનું સૌમ્ય અને સુન્દર રૂપ દેખાય છે, જ્યારે ધરતીકંપ, જ્વાલામુખી, પાણીનાં પૂર, સુનામી, દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, આકાશમાંથી આવી પડતા લઘુગ્રહો, કુદરતનું-ઈશ્ર્વરનું રૌદ્ર સ્વરૂપ છે. શ્રદ્ધાળુનો ઈશ્ર્વર એ વિજ્ઞાનીની કુદરત છે અને શ્રદ્ધાળુના ઈશ્ર્વરના નિયમો, વિજ્ઞાનીના કુદરતના નિયમો છે. રસપ્રદ વાત એ છે કે બ્રહ્માંડમાં કોઈ પણ બનાવ બને તે કદી નાશ પામતો નથી, કારણ કે પ્રકાશની ગતિ સીમિત છે અને બ્રહ્માંડ વિસ્તૃત થતું જાય છે. આપણે માત્ર બ્રહ્માંડમાં ભૂતકાળ જ જોઈ શકીએ છીએ. કોઈ વાર પ્રશ્ર્ન કર્યો છે કે ઈલેક્ટ્રોનનું અસ્તિત્વ ન હોય તો શું થાત? કદી કલ્પના કરી છે કે ઈશ્ર્વર ન હોત તો ફિલોસોફરો, દાર્શનિકો, સાહિત્યકારો, કવિઓ, કથાકારો, કલાકારો, ચિત્રકારો, સંગીતકારો, ગાયકો, ભજનિકો, પૂજારીઓ, પંડા, પંડિતો વગેરેનું શું થાત? તેઓ તેમની આજીવિકા કેવી રીતે ચલાવત? એક બહુ સરસ કવિતા છે જે મને ગમે છે. આ કવિતા નીચે પ્રમાણે છે:
                     મંદિર  તારું   વિશ્ર્વ  રૂપાળું  સુન્દર  સર્જનહારા રે
                     પળ  પળ  તારા  દર્શન  થાયે  દેખે  દેખણહારા રે
                     નહીં પૂજારી, નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળાં રે
                     નીલ ગગનમાં  મહિમા ગાતા  ચાંદો સૂરજ તારા રે
                     વર્ણન કરતાં શોભા તારી,  થાક્યા કવિગણ ધીરા રે
                     મંદિરમાં  તું  ક્યાં છુપાયો  શોધે  બાળ  અધીરાં રે 
                                                    -જયંતીલાલ આચાર્ય
જેના પળ પળ દર્શન થાય છે, પણ તે મંદિરમાં ક્યાં છુપાયો તેની આપણને ખબર નથી, આ બહુ અર્થગર્ભિત અને અર્થપૂર્ણ કવિતા છે. તે ઈશ્ર્વર છે એમ પણ કહે છે અને ઈશ્ર્વર નથી એમ પણ કહે છે. તે જ ઈશ્ર્વરનું સાચું સ્વરૂપ છે.
[પાછળ]     [ટોચ]