[પાછળ] 
શબ્દપરિચય


લેખકઃ નગીનદાસ પારેખ

ભાઈ કિશોર,
આજ સુધી મેં તને જુદા જુદા અનેક વિષયો ઉપર પત્રો લખ્યા છે. પણ ભાષા કે શબ્દો વિષે એક પણ પત્ર લખ્યો નથી. આજે મને એ વિષે લખવાનો વિચાર આવ્યો છે.

તને કદાચ થશેઃ આવું ક્યાંથી ખોળી કાઢો છો? નિશાળમાં જાઉં છું ત્યાં શિક્ષકો તો વ્યાકરણ અને જોડણી પૂછી પૂછી માથું ખાઈ જાય છે, અને હવે તમે ભાષા અને શબ્દો વિષે લખવા તૈયાર થયા! મારે તો અક્કરમીનો દડિયો કાણો, એવું થયું. જ્યાં જાય ઉકો ત્યાં દરિયો સૂકો! તમારો પણ રસ ખૂટ્યો કે શું?

પણ તું નકામો ગભરાઈશ નહિ. મારે કાંઈ વ્યાકરણ શીખવવું નથી. મારી તો ખાતરી છે કે મારા બીજા પત્રો વાંચવામાં તને જેટલી મઝા પડી હતી તેટલી જ મઝા તને આ પત્ર વાંચવામાં પણ પડવાની છે. વાંચ તો ખરો. વાંચ્યા પછી તને લાગે કે આમાં આપણો ગજ વાગે એમ નથી તો પછી મારો વાંક કાઢજે.

પણ લે, આ અનાયાસે જ મારો વિષય શરૂ થઈ ગયો. 'ગજ વાગે' એમ મેં લખ્યું, ખરું? પણ એ ગજ કયો? આપણા પડોશી રતનલાલ જે ગજ વડે કાપડ ભરી આપે છે, તે ગજ નહિ, પણ એ તો આપણા નયનબહેન દિલરૂબા બજાવે છે ત્યારે જે ગજ વાપરે છે તે ગજ. તને થશે, તે ગજને વળી અહીં શું લાગેવળગે છે? પણ એ જ મારે તને કહેવું હતું. આ પ્રયોગ આપણે સંગીતમાંથી લીધો છે. દિલરૂબા વગાડવામાં ગજ બરાબર ફરતો થાય તો જ ધાર્યા સૂર કાઢી શકાય, એટલે ગજ વાગે, બરાબર ફરે એ ખૂબ અગત્યનું ગણાય છે. આ ઉપરથી જે કામમાં આપણી શક્તિ બરાબર ચાલી શકતી હોય તેમાં આપણો ગજ વાગે છે એમ આપણે કહીએ છીએ, અને જેમાં આપણી શક્તિ ચાલતી ન હોય એમાં આપણો ગજ વાગતો નથી એમ આપણે કહીએ છીએ. હવે જ્યારે જ્યારે તું એ પ્રયોગ કરશે કે સાંભળશે ત્યારે ત્યારે તને નયનબહેનની દિલરૂબા અને તેનો ગજ યાદ આવશે અને એનું પૂરું રહસ્ય પણ સમજાશે.

આ ઉપરથી મને બીજો એવો જ શબ્દ યાદ આવે છે. કોઈ માણસ કોઈ વિષયમાં હોશિયાર હોય છે, તો તેને આપણે તે વિષયમાં પ્રવીણ કહીએ છીએ, ખરું ને? એ પ્રવીણ શબ્દ પણ આપણે નયનબહેન પાસેથી જ માગી લીધો છે. એ શબ્દ વીણા ઉપરથી બનેલો છે. તે દિવસે આપણે જલસામાં ગયા હતા અને પેલા બુઢ્ઢા મુસલમાને બે તુંબડાવાળું જે વાજિંત્ર વગાડ્યું હતું, તેનું નામ વીણા. એ વીણા સરસ્વતીના વર્ણનમાં સદા હાજર હોય છે - 'वीणापुस्तकधारिणी,' 'या वीणावरदण्डमण्डितकरा' - વગેરે શ્લોકો તને યાદ હશે જ. સરસ્વતીને વીણાપાણિ પણ કહે છે, કારણ એના હાથ(પાણિ)માં સદા વીણા હોય છે. પણ આ તો હું આડો ફાટ્યો. જે માણસ વીણા સારી રીતે વગાડી જાણતો હોય તે પ્રવીણ કહેવાતો. એટલે શરૂઆતમાં તો પ્રવીણ એટલે વીણા વગાડવામાં હોશિયાર એટલો જ અર્થ હશે. પણ પછી ધીમે ધીમે કોઈ પણ કામ સારી રીતે કરી શકનાર માણસ પ્રવીણ કહેવાયો, અને એ પ્રવીણ શબ્દનો અર્થ 'હોશિયાર', 'કુશળ' એવો થઈ ગયો.

આ કુશળ શબ્દ પણ જાણવા જેવો છે. એનો ઇતિહાસ ખૂબ રસિક છે. જૂના વખતમાં આપણા દેશમાં વિદ્યાર્થીઓ ગુરુને ઘેર વિદ્યા શીખવા જતા. ત્યાં ગુરુની સેવા કરતા. ગુરુના ઘરનું કામ કરતા. ગુરુને માટે દર્ભ, સમિધ, પુષ્પ વગેરે પૂજાસામગ્રી લઈ આવતા. પણ દર્ભ કાપવી સહેલી નથી. એને તો બંને બાજુ તીણી ધાર હોય છે, અને જો કોઈ બેદરકારીથી કાપવા જાય તો તેની આંગળી કપાયા વિનાની રહે નહિ. એટલે દર્ભ કાપવામાં શિષ્યોને ખૂબ સાવચેતી અને હોશિયારી વાપરવી પડતી. જે શિષ્ય આંગળી કપાયા વિના થોડા સમયમાં ઘણો દર્ભ કાપી શકે તે 'કુશલ' ગણાતો. कुशान् लाति लुनाति वा इति कुशलः। કુશ કાપે કે વાઢે તે કુશલ. આમ, એ શબ્દનો મૂળ અર્થ તો 'દર્ભ કાપનાર' અને 'દર્ભ કાપવામાં ચતુર' એટલો જ હતો; પણ પાછળથી કોઈ પણ કામ સફાઈથી કરી શકે તેને કુશલ કહેવાનું શરૂ થયું, અને કુશલતા, કૌશલ, કૌશલ્ય વગેરે શબ્દો પણ રચાયા.

* * *

તે દિવસે તું 'સાહસિકોની સૃષ્ટિ' વાંચવામાં મશગૂલ થઈ ગયો હતો અને માસીએ તને બજાર મોકલવા બૂમ પાડી છતાં તું ઊઠ્યો નહિ, ત્યારે તેમણે જે શબ્દો ઉચ્ચાર્યા હતા, તે તને યાદ તો હશે. તેમણે કહ્યું હતું - 'મોટો ભણીને પાટલો ફાડી નાખવાનો કેની!' હવે તું જરા વિચાર કર, કે ભણવાને ને પાટલાને શો સંબંધ? માણસ બહુ વાંચ વાંચ કરે તો કદાચ પુસ્તક ફાડી નાખે, પણ પાટલાને શું? પાટલો તો રસોડામાં હોય, અથવા પાટલો બેસવાના કામમાં આવે છે એટલે તને થશે કે કોઈ નિશાળિયો ઠોઠ હોય અને તે વારેવારે નાપાસ થતો હો તો કદાચ એકની એક પાટલી ઉપર બેસી બેસીને ઘસી નાખે અને તોફાની હોય તો કદાચ ભાંગી નાખે. પણ એ તો પાટલી. 'પાટલો ફાડી નાખવો' એમ શું કરવા કહેતા હશે? પણ એ શબ્દપ્રયોગ પાછળ તો આપણા દેશનો જૂનો ઇતિહાસ રહેલો છે. આપણે ત્યાં જૂના વખતમાં, એટલે કે જ્યારે તારા દાદા કે વડદાદા નિશાળે જતા હશે ત્યારે આજે છે એવી સ્લેટો નહોતી, નોટબૂક નહોતી, પેન નહોતી અને પેનસિલે ય નહોતી. તે વખતે તો દરેક નિશાળિયો પોતાનો પાટલો અને ધૂળની પોટલી લઈને નિશાળે જતો. પાટલા ઉપર ધૂળ પાથરવાની અને વતરણા વતી લખવાનું. આ ઉપરથી 'ભણી ભણીને પાટલો ફાડ્યો' એવો પ્રયોગ શરૂ થયો. વળી ‘ઠોઠ નિશાળીયાને વતરણાં ઘણાં' એવું જે કહેવાય છે, તે પણ એ ઉપરથી જ. 'વતરણું' એટલે ધૂળવાળા પાટલા ઉપર લખવાની લાકડાની સળી. આ નિશાળોમાં લખવા માટે ધૂળ વપરાતી હતી એટલે બધા 'ધૂળી નિશાળ' કહેતા હતા.

હવે એક બીજો શબ્દ જો - લાવણ્ય. 'લાવણ્ય' એટલે સુંદરતા, સૌંદર્ય એ તો તું શીખી ગયો છે. પણ 'લાવણ્ય' શબ્દ 'લવણ' ઉપરથી થયો છે એ તું જાણે છે? 'લવણ' એટલે મીઠું. ગાંધીજીએ જ્યારે મીઠાની લડત ઉપાડી ત્યારે ઘણા એને 'લવણસંગ્રામ' કહેતા. કોઈ કોઈ વળી 'સબરસ-સંગ્રામ' પણ કહેતા. મીઠું તો ખારું હોય, મીઠાને ને સૌંદર્યને શો સંબંધ, એવો પ્રશ્ન કદાચ તને થશે. પણ મીઠું ભલેને ખારું રહ્યું, એના વિના ભોજન તો નિરસ જ લાગે. અને એટલે જ એને આપણે સબરસ કહીએ છીએ. ખારું હોવા છતાં એને મીઠું કહેવાય છે. વળી નયનાબહેનના સંગીતશિક્ષકે કહેલી પેલી કહેવત તને યાદ હશે - 'લવણ બિન ખાના, ઔર કનૈયા બિન ગાના.' આમ ભોજનને રસમય બનાવે તે લવણ. આ ઉપરથી વસ્તુઓને રસમય બનાવે તે લવણ. આ રીતે ખારા મીઠા ઉપરથી બનેલો એ શબ્દ ધીમે ધીમે મધુર સૌન્દર્યના અર્થમાં વપરાવા લાગ્યો. હવે તને સમજાશે કે લાવણ્ય શબ્દમાં કેટલું બધું કવિત્વ ભરેલું છે, અને એ શબ્દ કેટલો ખૂબીદાર છે, લાવણ્યમય છે!

હવે બેચાર નાના શબ્દો જો. તારા ખીસામાં તું જે રૂમાલ રાખે છે, એ ફારસી શબ્દ છે. એ શી રીતે બનેલો છે, એ તું જાણે છે? 'રૂ' એટલે મોં અને 'માલ' એટલે (માલિદનઃ મસળવું, લૂછવું ઉપરથી) લૂછનાર. આમ 'રૂમાલ' એટલે મોં લૂછવાનો કટકો. એટલે જ 'રૂ' શબ્દ 'રૂબરૂ' અને 'આબરૂ'માં પણ છે. રૂ=મોઢું, બ=સાથે, રૂ=મોઢું. આમ રૂબરૂનો અર્થ મોઢામોઢ એવો થયો. એટલો નાનો શબ્દ પણ ત્રણ શબ્દોનો બનેલો હોય છે! હવે 'આબરૂ' શબ્દ લઈએ. 'આબ' એટલે પાણી અને 'રૂ' એટલે મોં. મોંનું પાણી; પાણી એટલે તેજ. મોતીને આપણે પાણીદાર કહીએ છીએ, ત્યારે ત્યાં પણ પાણીનો અર્થ તેજ જ થાય છે. વળી એના મોઢાનું પાણી ઉતરી ગયું, એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે પણ પાણીનો અર્થ તેજ થાય છે, અને એનું મોઢું ફીકું પડી ગયું એવો એનો અર્થ થાય છે. વળી એ જ અર્થમાં 'મોઢાનું નૂર ઊતરી ગયું' એમ પણ કહેવાય છે. હવે માણસના મોઢા ઉપર પાણી - તેજ - ક્યારે હોય? જ્યારે લોકોમાં તેની પ્રતિષ્ઠા હોય, ખ્યાતિ હોય, કીર્તિ હોય ત્યારે. એટલે 'આબરૂ'નો અર્થ પ્રતિષ્ઠા થયો.

'આબોહવા' શબ્દ તને ભૂગોળમાં ઘણી વાર આવી ગયો હશે. એ હવે તને બરાબર સમજાશે. આબ=પાણી, ઓ=અને, હવા=હવા. આમ ત્રણ શબ્દો મળીને એ શબ્દ બનેલો છે, અને એનો અર્થ હવાપાણી જ થાય છે.

આ ઉપરથી જ મને વળી 'ગુલાબ' યાદ આવે છે, અને એનો રમૂજી ઇતિહાસ કહેવાનું મન થાય છે. એ શબ્દ પણ ફારસી જ છે. ફારસીમાં ફૂલને 'ગુલ' કહે છે. નૂરજહાં બેગમે ગુલાબનાં ફૂલમાંથી ગુલાબનું અત્તર બનાવ્યાની વાત તેં વાંચી હશે. આપણે 'ગુલાબ' શબ્દ વાપરીએ છીએ, તે બે શબ્દોનો બનેલો છેઃ 'ગુલ' અને 'આબ'; ગુલાબનું પાણી એવો એનો અર્થ થાય છે. નૂરજહાંએ અત્તર કાઢી લીધા પછી જે સુગંધદાર પાણી રહ્યું હશે, તેને તેણે 'ગુલાબ' એટલે 'ફૂલનું પાણી' એવું નામ આપ્યું હશે. પણ પછી આપણે તો જે ફૂલમાંથી એ સુગંધીદાર પાણી બન્યું તેને જ 'ગુલાબ'  કહેવા લાગ્યા. એટલે ફૂલમાંથી બનતા સુગંધી પાણી માટે નવો શબ્દ યોજવાની જરૂર પડી. એ લોકોએ 'ફૂલ'માં 'પાણી' ઉમેરી અથવા 'ગુલ'માં 'આબ' ઉમેરી 'ગુલાબ' શબ્દ બનાવ્યો; તેમ આપણે 'ગુલાબ'માં 'જળ' ઉમેરી 'ગુલાબજળ' શબ્દ બનાવ્યો. કેટલાક લોકો એને 'ગુલાબનું પાણી' પણ કહે છે. આમ આપણા 'ગુલાબજળ'માં બે ભાગ પાણી છે. પણ જ્યારે કેટલાક લોકો એટલાથી સંતોષ ન માનતાં 'ગુલાબજળપાણી' બનાવે છે, ત્યારે તો પાણીનું પ્રમાણ અતિશય વધી જાય છે અને ગુલની સુગંધ બહુ જ ઓછી - નહિ જેવી રહેવા પામે છે.

આમ પાણીમાં પાણી ઉમેરીને બનાવેલા બીજા પણ બે શબ્દો મને યાદ આવે છે. ગંગા + ઉદક (પાણી) = ગંગોદક થાય. તેમ ઉષ્ણ (ગરમ) + ઉદક = ઉષ્ણોદક થાય. ગંગોદક એટલે ગંગાનું પાણી અને ઉષ્ણોદક એટલે ગરમ પાણી, એમ અર્થ થાય. આમ છતાં ઘણી વાર લોકો 'ગંગોદકપાણી' અને 'ઉષ્ણોદકપાણી' કહે છે, ત્યારે મને ગંગોદકની પવિત્રતા અને ઉષ્ણોદકની ગરમી ઓછી થઈ જતી લાગે છે. અંજળપાણીમાં પણ શું છે? એક કોળિયો અન્ન અને બે ઘૂંટડા પાણી.

પણ હવે બસ. શબ્દો તો બધા કીડીની માફક ઊભરાય છે. પણ પાનાં જોઉં છું, તો પત્ર ખૂબ લાંબો થઈ ગયો લાગે છે. એટલે આજે તો અહીં જ થોભું છું. આ પત્ર વાંચ્યા પછી તને લાગે કે શબ્દોની અને ભાષાની વાતો પણ સાંભળવા જેવી છે, એમાં પણ પરીકથાઓ જેવો જ રસ રહેલો છે, તો મને લખજે. હું આવા અનેક પત્રો લખવા તૈયાર છું. આપણી કહેવતો, રૂઢિપ્રયોગો એ બધાંનો ઇતિહાસ પણ ખૂબ રસથી ભરેલો છે. તને કોઈ કહેવત કે પ્રયોગ ન સમજાય, અથવા તેને વિશે વધારે જાણવાની ઇચ્છા થાય તો જરૂર લખજે. મને ખબર હશે એટલું લખીશ. એ જ.

(સ્નેહરશ્મિ સંપાદિત સાહિત્ય પલ્લવ ભાગ-૨)
 [પાછળ]     [ટોચ]