[પાછળ] 
નમોનમઃ ફાર્બસ
સંકલિત


એલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બસ એટલે ગુજરાતી ભાષા, સાહિત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિના સ્કૉલર, ચાહક અને પ્રોત્સાહક. એલેક્ઝાન્ડર ફાર્બસ (જન્મ તા. ૭ જુલાઈ, ૧૮૨૧; અવસાન – તા. ૩૧ ઓગસ્ટ, ૧૮૬૫) માત્ર ૪૪ વર્ષ જેટલું ટૂંકું પણ ગુજરાતી પ્રજાને સદીઓ સુધી પ્રભાવિત કરે તેવું જીવન જીવી ગયા.

સ્કોટલેન્ડમાં જન્મેલાં ફાર્બસ (બ્રિટીશ ઉચ્ચાર પ્રમાણે ફૉર્બ્સ પણ ગુજરાતી સાહિત્ય-ચર્ચાઓમાં ફાર્બસના નામે ઓળખાતા સરકારી અધિકારી) પોતાના કોલેજના અભ્યાસકાળ દરમ્યાન જ સર વિલિયમ જોન્સનાં પુસ્તકોના અભ્યાસને કારણે ભારત પ્રત્યે આકર્ષાયા હતા. આથી તેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સિવિલ સર્વિસમાં જોડાયા હતા. ઈ.સ. ૧૮૪૩ના ડિસેમ્બરની ૩૦મી તારીખે તેમણે પહેલી વાર મુંબઈની ધરતી પર પગ મૂક્યો હતો.

ભારતમાં સરકારી નોકરીમાં તેમણે આસિસ્ટન્ટ કલેક્ટર, પોલિટિકલ એજન્ટ, આસિસ્ટન્ટ જજ વગેરે વિવિધ ઘણી પોસ્ટ પર રહીને અહમદનગર, ખાનદેશ, અમદાવાદ, સુરત, કાઠીયાવાડ, મુંબઈ જેવી જગ્યાઓએ કામ કર્યું. ઈ.સ. ૧૮૫૭માં સ્થપાયેલી યુનિવર્સિટી ઓફ બોમ્બેના પ્રથમ વાઈસ ચાન્સેલર તરીકે પણ તેમની વરણી થઈ હતી. આજે પણ આ પ્રથમ વાઈસ-ચાન્સેલરની યાદમાં મુંબઈ યુનિવર્સિટી દ્વારા કાયદાશાસ્ત્રની પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને “કિન્લોક ફૉર્બસ ગોલ્ડ મેડલ” આપવામાં આવે છે. ઈ.સ. ૧૮૬૨માં નવી શરૂ થયેલી બોમ્બે હાઈકોર્ટના પ્રથમ છ ન્યાયાધિશમાં પણ તેમને સ્થાન મળ્યું હતું. તેમનો ગુજરાતી સંસ્કૃતિ અને ભાષા પ્રત્યેનો લગાવ અને સંત જેવું અંગત ચારિત્ર એક દંતકથા સમાન છે. 

તા. ૩૧ ઑગસ્ટ, ૧૮૬૫ના દિવસે પૂના ખાતે માત્ર ૪૪ વર્ષની નાની ઉંમરે ટૂંકી માંદગી બાદ તેમનું થયેલું અવસાન તેમના મિત્રો અને પ્રસંશકો માટે આઘાત સમાન હતું. તેમના નજીકના મિત્ર કવિ દલપતરામે તેમની યાદમાં ‘ફાર્બસવિરહ’ નામે એક લાંબા શોકગીત (elegy)નું સર્જન કર્યું હતું.

સરકારી સેવામાં પ્રવૃત્ત ફાર્બસનો ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ ઈ.સ. ૧૮૪૬ના નવેમ્બર માસથી પાંગરવો શરૂ એમ મનાય છે. અમદાવાદમાં આસિસ્ટન્ટ જજ તરીકે આવ્યા બાદ આ સાહિત્યિક જીવડાને ગુજરાતમાં કોઈ સાહિત્યિક પ્રવૃતિનો અભાવ ખૂંચવા લાગ્યો. ગુજરાતની સંસ્કૃતિને આત્મસાત્‌ કરવા માગતા આ અંગ્રેજ સાહેબે પહેલું કાર્ય ગુજરાતી ભાષા શીખવાનું કર્યું અને એ માટે કવિ દલપતરામને બોલાવી પગાર આપીને રાખ્યા. એમના સંબંધનો પ્રારંભ ગુરુશિષ્ય તરીકે થયો અને સમય જતાં બંને ગાઢ મૈત્રીનું દ્રષ્ટાંત બની રહ્યા! ઈ.સ. ૧૮૪૮માં કવિ દલપતરામ સાથે તેમની પ્રથમ મુલાકાત થઈ, બાદ તેમણે દલપતરામને તેમણે ગુજરાતી નાટક લખવા પ્રેર્યા જેના ફળસ્વરુપ ‘લક્ષ્મી’ નાટક ઈ.સ. ૧૮૪૯માં પ્રસિદ્ધ થયું.

વ્રજભાષામાં સરળતાથી કવિતા સર્જતા દલપતરામને તેમણે સ્વભાષાનો મહિમા સમજાવ્યો અને માતૃભાષા ગુજરાતીમાં કવિતા રચવાની પ્રેરણા આપી. એ સમયે કાઠિયાવાડના રાજદરબારોમાં પરંપરાગત રીતે વ્રજ ભાષામાં કવિતા ગવાતી હતી. વળી, દલપતરામને વ્રજ ભાષાનો એટલો બધો મહાવરો હતો કે એમને કવિતા કરવી હોય, તો વ્રજભાષામાં જ કરતા. પણ આ મિત્રની સલાહથી કવિ દલપતરામે ગુજરાતી ભાષામાં કવિતા રચવાનો પ્રારંભ કર્યો. પરિણામે જે સમયે ગુજરાતી ભાષા માત્ર એક ‘વેપારી ભાષા’ તરીકે ઓળખાતી હતી, તેને દલપતરામ જેવા સમર્થ કવિ અને સાહિત્યકાર મળ્યા. દલપતરામની સર્જન યાત્રા શરૂ થયાના ઘણા વર્ષો પછી સાહિત્યક્ષેત્રે નર્મદના પ્રદાનનો પ્રારંભ થયો. 

ફાર્બસે જોયું કે ગુજરાત અને સમગ્ર દેશ જુદાં જુદાં વહેમો અને માન્યતાઓમાં ખૂંપેલો છે. આથી પ્રજાને જગાડવા માટે તેમણે ઈનામી નિબંધસ્પર્ધાનું આયોજન કર્યું. આ નિબંધમાં એમણે સમાજસુધારાને લક્ષમાં રાખીને જુદા જુદા વિષયો રાખ્યા. દલપતરામે આ ઈનામી સ્પર્ધામાં ‘ભૂતનિબંધ’ લખ્યો અને એક અર્થમાં કહીએ તો તેનાથી ગુજરાતી ભાષામાં નિબંધસાહિત્યનો પ્રારંભ થયો. આ ‘ભૂતનિબંધ’ ફાર્બસસાહેબને એટલો બધો ગમી ગયો કે એમણે એ નિબંધનો જાતે અંગ્રેજી અનુવાદ કર્યો. ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ માટે તા. ૨૬ ડિસેમ્બર, ૧૮૪૮ નો દિવસ સુવર્ણ અક્ષરોમાં લખાવો જોઈએ. આ દિવસે ફાર્બસે ગુજરાત વર્નાકયુલર સોસાયટીની સ્થાપના અમદાવાદના જુના પ્રેમાભાઈ હૉલ ખાતે કરી કે જેણે ગુજરાતી ભાષાના સાહિત્યિક નવપ્રસ્થાન (literary renaissance)માં મુખ્ય ફાળો આપ્યો. વડોદરા રાજ્ય અને બ્રિટિશ અધિકારી પાસેથી ફાળો કરી મેળવેલા રૂા. ૯,૬૦૧થી શરૂઆત કરીને આ સોસાયટી દ્વારા તે સમયમાં અમદાવાદમાં પ્રથમ પબ્લિક લાઈબ્રેરી, પ્રથમ છોકરીઓ માટેની સ્કૂલ, પ્રથમ ગુજરાતી સામાયિક ‘વરતમાન’ (એટલે કે બુધવારિયું), પ્રથમ ગુજરાતી અખબાર ‘સૂરત સમાચાર’ અને પ્રથમ ગુજરાતી સાહિત્યિક મૅગેઝિન ‘બુદ્ધિપ્રકાશ’ની શરૂઆત કરવામાં આવી.

આ સોસાયટીની પ્રવૃતિઓ દ્વારા ગુજરાતી ભાષાના વિકાસને વેગ મળ્યો, એ સાથે ગુજરાતી ભાષા-સાહિત્યના વિદ્વાનો પ્રાપ્ત થયા, શિક્ષણને વેગ મળ્યો અને ત્યાર પછીની સામાજિક સુધારણાઓ માટે તે કારણભૂત બની. હવે ઈ.સ. ૧૯૪૬થી આ સોસાયટી ગુજરાત વિદ્યાસભાના નામથી કાર્યરત છે. આ ઉપરાંત ફાર્બસે ઈ.સ. ૧૮૫૦માં સુરત ખાતે એન્ડ્રુઝ લાઈબ્રેરી અને ઈ.સ. ૧૮૬૫માં મુંબઈ ખાતે શ્રી મનઃસુખરામ ત્રિપાઠીના સહયોગથી ગુજરાતી સભાની શરૂઆત કરી. ગુજરાત વિદ્યાસભા (અમદાવાદ) અને ફાર્બસ ગુજરાતી સભા (મુંબઈ) આજે પણ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે આગવું પ્રદાન આપી રહી છે. ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને અભ્યાસપૂર્ણ અભિગમ અને પ્રોત્સાહન ફાર્બસની પહેલ અને અથાગ પ્રયત્નોથી મળ્યો છે જેનો પ્રભાવ ત્યાર પછીના ઘણા ગુજરાતી સાહિત્યકારો પર જોવા મળ્યો હતો.

દૂર દેશાવરથી આવેલા ફાર્બસને ગુજરાતનાં સ્થાપત્યોમાં એનો ભવ્ય ભૂતકાળ દેખાયો, તો ગુજરાતના જ્ઞાનભંડારોમાં રહેલા ગ્રંથોમાં ઈતિહાસના પ્રભાવશાળી તેજનો અનુભવ થયો. ગુજરાતના ઈતિહાસને શોધવા માટે એ તાર-ટપાલ અગાઉના જમાનામાં ખાસ માણસ મોકલીને દલપતરામને વઢવાણ તેડું મોકલ્યું અને એ પછી બંને ગાઢ મિત્રોની માફક જીવનભર જીવ્યા. ગુજરાતી સાહિત્ય માટેનું ફાર્બસનું અનન્ય તથા અને મહત્વનું પ્રદાન એટલે ‘રાસમાળા’નું સંપાદન. ૮ મી સદીથી માંડીને અંગ્રેજોના આગમન સુધીનો ગુજરાતના રાજવંશો, ઐતિહાસિક પ્રસંગો અને ગુજરાતી લોકસાહિત્યનો સંશોધાત્મક ઐતિહાસિક વર્ણનગ્રંથ બે વિભાગમાં ઘણી મહેનત સાથે ફાર્બસે તૈયાર કર્યો. અનેક હસ્તપ્રતો, પુસ્તકો, અને સરકારી દસ્તાવેજોનો અભ્યાસ કર્યો, સાથે સાથે ઘણી જગ્યાઓએ પગપાળા પ્રવાસ કરીને જૈન દેરાસરોમાં સંગ્રહિત દુર્લભ હસ્તપ્રતો જાતે વાંચી અને ગુજરાતનો ઈતિહાસ ગીતો-કથાઓમાં વર્ણવતા લોકકવિઓની વ્યક્તિગત મુલાકાતો કરી માહિતી અને પુરાવાઓ એકત્ર કર્યા. એટલે તો કહેવાય છે કે
કર્નલ ટોડ  કુલિન વિણ,  ક્ષત્રિય-યશ ક્ષય થાત,
ફાર્બસ સમ સાધન વિના, નવ ઉદ્ધરત ગુજરાત
ફાર્બસે સ્વખર્ચે ઇડર રાજ્ય ખાતે ઈ.સ. ૧૮૫૨માં ૩૦૦ જેટલા કવિઓ માટે એક મુશાયરાનું આયોજન કર્યું. ફાર્બસના ખાસ મિત્ર કવિ દલપતરામે આ મુશાયરાને તેમના પુસ્તક ‘ફાર્બસવિલાસ’માં વિગતે વર્ણવ્યો છે. ફાર્બસે ગુજરાતમાં વૈજ્ઞાનિક બુદ્ધિ ખિલવવાની અને એ રીતે પ્રજાનો અભિગમ બદલવાનું કાર્ય કર્યું છે. સિદ્ધપુર, અણહિલપુર અને પાલિતાણામાં આવેલાં સ્થાપત્યો જોયાં. દેવાલયો, જળાશયો, કીર્તિસ્તંભો અને ખંડેરોને નિરખતી વખતે એમની આંખ ગુજરાતના ઈતિહાસ પર ઘૂમી વળતી હતી. વળી ચિત્રકળામાં પણ પ્રવીણ હોવાથી એ સ્વયં સ્થાપત્યનાં ચિત્રો દોરતા. સતત પગપાળા પ્રવાસ કરતા. તેઓ પોતાની પાસે એક નકશો, નાણાંની કોથળી, પિસ્તોલ અને લાકડી રાખતા હતા. ફાર્બસે લખેલો અંતિમ લેખ પણ ગુજરાતના તીર્થધામ સોમનાથ વિશેનો છે.

૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામ સમયે ફાર્બસે ભારતની પ્રજાના અવાજને આલેખવા માટે પ્રયત્ન કર્યો. એક અંગ્રેજ અમલદાર હોવા છતાં એમણે વસ્તુસ્થિતિનું વાસ્તવિક મૂલ્યાંકન કરતાં કહ્યું, ‘લોકોના ઉપર અનેક પ્રકારની અન્યાય થયા તેથી જ બળવો થયો.’ વળી એમણે લખ્યું, ‘અન્યાય થાય છે એવું સમજી જે દેશની પ્રજા સક્રિય થઇ હોય, તે દેશ પર કદાપિ શાસન કરી શકાય નહીં. (માટે અન્યાય કરવો નહીં) એવું લોર્ડ એલેન્બરો વદે છે તે યથાર્થ સત્ય છે.’ ફાર્બસ ઈંગ્લૅન્ડ પણ ગયા, પણ ત્યાં રહીને ભારતની પ્રજાનો અવાજ ત્યાંના અખબારો સુધી પહોંચાડ્યો હતો. ભારતવાસીઓ માટે જ્યારે મહાઘાતકી, જંગલી અને ક્રોધી એવાં વિશેષણોથી ઈંગ્લૅન્ડમાં લેખો લખાતા હતા, ત્યારે ફાર્બસે યુરોપમાં ભારતનો પક્ષ બતાવવાનો પ્રયાસ કર્યો એટલું જ નહીં, પણ દૃઢતાપૂર્વક કહ્યું હતું કે ‘ભારતમાં અંગ્રેજો અને એમની સુકુમાર સ્ત્રીઓ સલામત છે.’

વિચાર કરીએ કે આર્વાચિન ગુજરાતી ભાષાના ઉદયકાળમાં તો એક અંગ્રેજ અમલદારે તો આપણાં સાહિત્ય, સમાજ અને સંસ્કૃતિની રાતદિવસ ચિંતા કરી, હવે આજે બે સદી પછી આપણે આપણી ભાષા માટે શું કરી રહ્યા છીએ?
 [પાછળ]     [ટોચ]