[પાછળ] |
લિજ્જતના પ્રથમ બે દાયકાના સંસ્મરણો-૧ લેખકઃ ભાનુરાય સંઘવી [આ સંસ્મરણો લખાયાના વર્ષ ૨૦૧૯થી બરાબર ૬૦ વર્ષ અગાઉ ઈ.સ. ૧૯૫૯ની સાલમાં મુંબઈમાં ‘શ્રી મહિલા ગૃહ ઉદ્યાગ લિજ્જત પાપડ’ નામની એક અનોખી સંસ્થા સ્થપાઈ હતી. ![]() લિજ્જત સંસ્થાનું નામ પણ અમે સાંભળ્યું નથી. એ વળી કઈ સંસ્થા છે ? ![]() ![]() લિજ્જત સંસ્થાની કામગીરીનો અનેક જાણકારોએ ઊંડો અભ્યાસ કર્યો છે. (૧) વર્લ્ડ બેન્ક તરફથી મળેલી સૂચના અનુસાર ૧૯૯૩ની સાલમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદના પ્રોફેસર દિપ્તી ભટનાગર અને તેમના સાથીદારોએ પોતાની રીતે લિજ્જત સંસ્થાનો સ્વતંત્ર અને ઊંડો અભ્યાસ કરી "Case study on Shri Mahila Grih Udyog Lijjat Papad" નામનો લાંબો અહેવાલ તૈયાર કર્યો હતો. જેમને આ બાબતમાં રસ હોય તે ઈન્સ્ટીટ્યુટ પાસેથી આખો અહેવાલ મેળવી વાંચી શકે છે. આ અભ્યાસનો સારાંશ અત્રે અપાયો છે. IIM, Ahmedabad Study-5145508 (૨) ભારતના અગ્રણી ઉદ્યોગગૃહ તાતા ગ્રૂપ ઑફ કંપનીઝ તરફથી પોતાના ઑફિસરોને સરકારી આઈ.એ.એસ. કક્ષાની તાલિમ પૂરી પાડવા માટે પૂણે ખાતે તાતા મેનેજમેન્ટ ટ્રેઈનિંગ સેન્ટર (આ સેન્ટરના પરિચય માટે જૂઓ: http://www.tmtctata.com/index.php/about-us.html) ચલાવવામાં આવે છે. અત્રે વાંચો આ સેન્ટરનો લિજ્જત વિશેનો એક નાનકડો લેખ: A Model of Modern Development અને તમારી પાસે પૂરતો સમય, શાંતિ અને નિરાંત હોય અને આ સંસ્થાના ઈતિહાસ અને કામગીરીની થોડી વધુ વિગત સાથેની માહિતી જોઈતી હોય તો તેની ઝલક દર્શાવતા નમૂનારૂપ આ બે યુ ટ્યૂબ વિડિયો જરૂર જોવા જેવા છે. (૧) અમેરિકાની સુપ્રતિષ્ઠિત નેશનલ જ્યોગ્રાફિક ચેનલે જાતે બનાવેલી અને પ્રસારિત કરેલી દસ્તાવેજી ફિલ્મ (https://www.youtube.com/watch?v=7Z60OAtG7j8) સમય: એક કલાક ૨ મિનિટ અને ૭ સેકન્ડ અને/અથવા (૨) ભારત સરકારના દૂરદર્શને જાતે બનાવેલી અને પ્રસારિત કરેલી દસ્તાવેજી ફિલ્મ (https://www.youtube.com/watch?v=CyeVzQu0dZo&t=276s). સમય: ૨૮ મિનિટ અને ૩૨ સેકન્ડ આ લિજ્જત સંસ્થા શું છે, ખાસ કરીને તેનું ધ્યેય શું છે અને તેની સ્થાપના પાછળનો હેતુ શું છે તે ટૂંકમાં સમજાવશો. આ સંસ્થાનું પૂરું નામ શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ છે. લોકો તેને ટૂંકમાં લિજ્જતના ટૂંકા નામે ઓળખે છે. લિજ્જત એ મહિલાઓ માટે, મહિલાઓ દ્વારા ચલાવાતી, મહિલાઓની બનેલી સંસ્થા છે. પુરુષોને તેમાં માત્ર સલાહ-સૂચનો આપવાની છૂટ છે. પુરુષો સંસ્થામાં પગારદાર કે બિન પગારદાર નોકર તરીકે કામ પણ કરી શકે છે પરંતુ તેઓ સંસ્થાના સભ્ય બની શકતા નથી કે સંસ્થા પર કોઈ હક્ક ધરાવી શકતા નથી. સંસ્થા પર તમામ હક્ક ફક્ત તેમાં કામ કરતી બહેનોનાં છે. લિજ્જત સંસ્થાના ત્રણ મુખ્ય ધ્યેય છે. (૧) કોઈ પણ દાન, ભેટ, સખાવત કે ગ્રાન્ટ લીધા વિના જાત મહેનત કરી પૈસા કમાવા. (૨) લિજ્જત સંસ્થામાં બધાંએ એક કુટુંબના સભ્ય હોય તે રીતે જીવન જીવવું. (૩) લિજ્જત સંસ્થાનું દરેક કામ નિષ્ઠા અને ભક્તિભાવપૂર્વક કરવું કેમકે લિજ્જત સંસ્થા માત્ર પૈસા કમાવાનું સ્થળ નથી, તેનાથી ઘણું વિશેષ છે. લિજ્જત સંસ્થા એ તેમાં કામ કરતાં બહેનો માટે એક મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારા જેવું જ પવિત્ર સ્થળ છે. આ ત્રણ મુખ્ય ધ્યેય કે હેતુઓને લક્ષમાં રાખીને જ લિજ્જત સંસ્થાની તમામ કામગીરી હાથ ધરવામાં આવે છે. સંસ્થા શરૂ થઈ ત્યારે બહેનોનો સૌથી પહેલો નિર્ણય શું હતો ? લિજ્જત સંસ્થા ૧૯૫૯ની સાલમાં શરૂ થઈ ત્યારે બહેનોનો સૌથી પહેલો સંકલ્પ એ હતો કે આપણે સંસ્થા શરૂ કરવા માટે કે ચલાવવા માટે કોઈનું દાન, મદદ, સખાવત, ગ્રાન્ટ કે સબસિડી ક્યારે પણ સ્વીકારશું નહિ. સંસ્થા પાસે કે બહેનો પાસે કોઈ પ્રકારની મૂડી હતી નહિ છતાં માત્ર પોતાની તાકાત-આવડત પર જ સંસ્થાની પ્રવૃત્તિ ચલાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. દાન ન લેવાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો હતો ? શું તેનાથી સંસ્થાનું કામ સરળ બન્યું કે મુશ્કેલી વધી ? અમુક પ્રકારની પ્રવૃત્તિ જેમકે સ્કૂલ, કૉલેજ, ઇસ્પિતાલ, દવાખાનું, ધર્મશાળા વગેરે ચલાવવા હોય તો તે સ્થાપવા અને ચલાવવાનો ખર્ચ ઘણો આવે પણ સામે તેના ચાર્જિસ તે સંસ્થાના તમામ ખર્ચને પહોંચી વળી શકે એટલા ઊંચા ન રાખી શકાય. એટલે તેવા સંયોગોમાં આવી સંસ્થાઓને બહારથી દાન કે મદદ લીધા વિના ચાલે જ નહિ. લિજ્જત સંસ્થા સામે એવો કોઈ સવાલ હતો નહિ. પાપડ જેવી તદ્દન નાની અને જીવન જરૂરિયાત માટે બિન મહત્વની ગણાય તેની આઇટેમ બનાવી વેચવા માટે દાન કે મદદ મેળવવાની વાતને સહેલાઈથી ટાળી શકાય તેમ હતું. આમ પણ વિનોબાજી જેની હિમાયત કરતા હતા તે શ્રમ, સહકાર અને સ્વાવલંબન વડે સંસ્થા ચલાવવાનો માત્ર એક અખતરો કરવાની બહેનોને ખાસ ઇચ્છા હતી એટલે કોઈની પણ પાસેથી દાન કે મદદ લીધા વિના જ કામ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ સંકલ્પના કારણે તકલીફ તો ઘણી પડી પણ ફાયદો એટલો બધો થયો કે બધી તકલીફ ભૂલાઈ ગઈ. કોઈની મદદનો ટેકો ન હતો અને પોતાની માલિકીનો ધંધો હતો એટલે આ ધંધો કેમ ચલાવવો તેની હોંશિયારી, આવડત અને ખુમારી બહેનોમાં ઘણી વહેલી આવી ગઈ. તરત જ એ વાત સમજાઈ ગઈ કે જો સંસ્થા ચલાવવી હોય તો પાપડ ખુલ્લી અને હરીફાઈવાળી બજારમાં જઈને વેચવા પડશે અને પાપડ જો ચડિયાતી ક્વૉલિટીના હશે, એ ક્વૉલિટી એકસરખી સારી જળવાઈ રહેશે અને પાપડના ભાવ વાજબી રાખીશું તો જ તે વેચાશે. બજારમાં પાપડ વેચવા હોય તો બજારમાં પોતાની આબરૂ જમાવવી પડે અને વેપારીઓ તેમ જ ઘરાકોના દિલ જીતવા પડે. તો જ આપણાં પાપડ વેચાશે. આ બધી મૂળભૂત પાયાની બાબતો જ્યારે બહારથી દાન કે મદદનો પ્રવાહ વહેતો હોય ત્યારે આપણા મગજમાં જલદી ન ઊતરે. બહેનોને આવી અનેક બાબતો અનુભવે શીખવા મળી અને આ પાઠ બહેનોએ તરત મગજમાં ઊતારી અમલમાં મૂક્યા. ૧૯૫૯માં પાપડ બનાવવાનું શરૂ થયું ત્યારથી તેનું સતત ઝડપથી વધતું રહેલ વેચાણ એ પુરવાર કરે છે કે દાન કે મદદ પર આધાર ન રાખવાથી અને સ્વાવલંબી બનવાથી બહેનોને જબ્બર લાભ મળ્યો છે. સંસ્થાની સેન્ટ્રલ ઑફિસમાં અને દરેક શાખામાં અને દરેક વિભાગમાં તમે આચાર્ય વિનોબા ભાવેનો ફોટોગ્રાફ શા માટે લગાવ્યો છે ? આચાર્ય વિનોબા ભાવે લિજ્જત સંસ્થા માટે દેવતુલ્ય પૂજનીય વ્યક્તિ છે. વિનોબાજીએ ૧૯૫૨ની સાલમાં ભૂદાન ચળવળની શરૂઆત કરી અને પછી ગ્રામદાન વડે સમૂળી ક્રાંતિનો રસ્તો બતાવ્યો. શ્રમ, સહકાર અને સ્વાવલંબન એ ત્રણ ચીજ પર તેમણે ભાર મૂક્યો. બહેનોએ પોતાનો ઉદ્ધાર પોતાની જાતે જ કરવો રહેશે એવું તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું. સર્વોદય શબ્દનો સાચો અર્થ સમજાવ્યો. વિનોબાજીના વિચારોમાંથી જ પ્રેરણા લઈને એ વિચારોને અમલમાં મૂકવાના હેતુથી જ લિજ્જત સંસ્થાની ૧૯૫૯ની સાલથી શરૂઆત કરવામાં આવી હતી. સંસ્થાના પ્રત્યેક કામની શરૂઆત વિનોબાજીએ પોતે જાતે રચેલી અને તેમના આશ્રમમાં રોજ ગવાતી રહેલી પ્રાર્થના ‘ઓમ તત્સત્ નારાયણ તું’ સાથે જ હંમેશા કરવામાં આવે છે. વિનોબાજી લિજ્જત સંસ્થાના પ્રેરણામૂર્તિ છે. શું આચાર્ય વિનોબા ભાવેએ લિજ્જત સંસ્થાની પ્રવૃત્તિમાં કોઈ સક્રિય રસ લઈ સૂચનો કર્યા હતા કે માર્ગદર્શન આપ્યું હતું ? મહાભારતમાં ગુરુ દ્રોણાચાર્ય અને એકલવ્યની એક કથામાં એવું આવે છે કે એકલવ્યે દૂર ઊભા રહીને ગુરુ પાસેથી જ્ઞાન મેળવ્યું હતું એવી અમારી પણ વાત છે. લિજ્જત સંસ્થાએ વિનોબાજીના કોઈ સીધા સંપર્કમાં આવ્યા વિના માત્ર તેમના વિચારો, પ્રવચન અને લખાણોમાંથી સતત પ્રેરણા અને માર્ગદર્શન મેળવી પોતાનું ઘડતર કર્યું છે. આચાર્ય વિનોબા ભાવે ઉપરાંત તમે છગનલાલ કરમશી પારેખ અને પુરુષોત્તમ દામોદર દત્તાણીના ફોટોગ્રાફ પણ લગાવ્યા છે. તેઓ કોણ હતા ? શ્રી છગનલાલ કરમશી પારેખનો જન્મ તા. ૨૯-૬-૧૮૯૪ના રોજ થયો હતો. તેઓ કલકત્તાના એક સફળ બિઝનેસમેન હતા અને સાથે સાથે એક સફળ સમાજ સેવક પણ હતા. તેમનું અવસાન ૧૯૬૮માં થયું હતું. ![]() શ્રી પુરુષોત્તમ દામોદર દત્તાણી એક ગુજરાતી અખબારમાં કામ કરતા પત્રકાર હતા. સાવ ગરીબ સ્થિતિમાં ઉછરેલા દત્તાણીની સાચી જન્મ તારીખની કોઈને ખબર નથી. આચાર્ય વિનોબા ભાવેમાં તેમને અતૂટ શ્રદ્ધા હતી. ![]() છગનબાપાએ સંસ્થાને શું શીખડાવ્યું ? છગનબાપાના ક્યા ગુણને યાદ કરવા અને ક્યા ગુણને યાદ ન કરવા તે સમજાતું નથી. પ્રામાણિકતા, ધ્યેયનિષ્ઠા, સમર્પણની ભાવના, સમજશક્તિ, વ્યવસ્થાપનશક્તિ, દૂરંદેશી, કાર્યક્ષમતા, કર્મપરાયણતા, સામાજિક જવાબદારી પ્રત્યે જાગરૂકતા, નિરાભિમાનપણું, દરેકને પોતાની સાથે લઈને ચાલવાની શક્તિ, શેના વખાણ કરીએ અને શેના ન કરીએ. લિજ્જત સંસ્થાને છગનબાપા જેવા પારસમણિનો સંપર્ક થતાં તે સામાન્ય સંસ્થામાંથી એક અનોખી સંસ્થા બની ગઈ. તેમણે બહેનોને પોતાની નૈતિક અને સામાજિક જવાબદારીને ભૂલ્યા વિના કાર્યક્ષમતા સાથે ધંધો કેવી રીતે કરી શકાય તેનો બોધ આપ્યો. ગ્રાહકો સંસ્થા પર જે વિશ્વાસ મૂકે છે તે વિશ્વાસને કોઈ પણ ભોગે, કોઈ પણ સંયોગોમાં જાળવી રાખવો તે તેમની સૌથી મહત્વની શિખામણ હતી. છગનબાપા બહેનોને સફળતાપૂર્વક ધંધો કેમ ચલાવવો તેની ચાવી શિખવે અને બહેનોની કસોટી કરવા પૂછતા પણ રહે કે તમને દાન લેવામાં વાંધો શું છે ? બધી સંસ્થાઓ દાન લે જ છે ને. જો જાહેરમાં કોઈના પૈસા ન લેવા હોય તો ખાનગીમાં મદદની વ્યવસ્થા કરી આપું. આવું કહેતા રહે. બહેનોને તેમણે ઘણું જ્ઞાન આપ્યું અને ઘણું વાત્સલ્ય આપ્યું. દત્તાણીબાપા અંગે કેટલાંક લોકોમાં ઘણી ગેરસમજૂતી પણ છે. તેમનો લિજ્જત સંસ્થા સાથે ખરેખર શું સંબંધ હતો ? લિજ્જત સંસ્થા શરૂ થઈ ત્યારથી જ બહેનો તેના માલિક હતા. આમ છતાં ઘણી વખત ખુદ બહેનો જ્યારે સંસ્થામાં નવા નવા જોડાતા ત્યારે તેમને પણ ઘણી વખત સવાલ થતો કે લિજ્જત સંસ્થા ખરેખર કોની માલિકીની છે ? અમારી કે આ દત્તાણીબાપાની ? જો ખુદ બહેનોને પણ અવારનવાર આવી લાગણી થતી રહેતી હતી તો પછી બહારના માણસોને સંસ્થામાં દત્તાણીબાપાના સંસ્થામાંના સ્થાન વિશે ગેરસમજૂતી થયા કરે તે સ્વાભાવિક હતું. હકીકત એ છે કે લિજ્જત સંસ્થાની શરૂઆત, ઘડતર, ઉછેર અને વિકાસમાં દત્તાણીબાપાએ જેટલો ફાળો આપ્યો છે તેટલો ફાળો બીજા કોઈએ આપ્યો નથી. તેમનો સંસ્થા સાથે સંબંધ એ સાચી લાગણીનો સંબંધ હતો. તે સિવાય તેમને સંસ્થા સાથે કંઈ લાગતુંવળગતું ન હતું. તેમના માટે લિજ્જત સંસ્થા એ જ પોતાનું ઘર હતું, કાર્યક્ષેત્ર હતું. પોતાનું સર્વસ્વ અને પોતાની જિંદગીનું એકમાત્ર ધ્યેય હતું. તેમણે બહેનોને સંસ્થાના સાચા માલિક કેવા હોય તે પોતાના જીવંત દાખલા વડે શીખડાવ્યું. તેઓ સંસ્થામાં જ્યાં સુધી સક્રિય હતા ત્યાં સુધી સંસ્થાનું જરા પણ અહિત કરવાની કોઈની તાકાત ન હતી. લિજ્જત સંસ્થા સાથે તેમનો ભલે કોઈ ઔપચારિક સંબંધ ન હતો છતાં તેમનો એક શબ્દ કોઈ ઉથાપી શકે નહિ તેવો તેમનો બધા પર નૈતિક પ્રભાવ હતો. લિજ્જત સંસ્થા થઈ ત્યારે તે શું પૂરતી તૈયારી સાથે શરૂ કરવામાં આવી હતી ? શું બધાં કાયદા-કાનૂન અને નિયમો પહેલા ઘડી પછી કામ શરૂ કરવામાં આવ્યું હતું ? ના ભાઈ ના. રવિવાર, તારીખ ૧૫મી માર્ચ, ૧૯૫૯ના રોજ સાંજે ૫.૩૦ વાગ્યે મુંબઈના ગીરગામ વિસ્તારમાં લોહાણા નિવાસ નામના બિલ્ડિંગની અગાસીમાં ૭ બહેનો ભેગા થયા અને તેમણે સાથે બેસીને પાપડના ૪ પૅકેટ વણીને સંસ્થાની શરૂઆત કરી ત્યારે તે એક તરંગતુક્કા જેવો એક નાનકડો અખતરો જ હતો. તે સમયે ન તો સંસ્થાના આ સાત બહેનોને, ન તો સંસ્થા જેમની સલાહ લઈ શરૂ કરવામાં આવી રહી હતી તે છગનબાપાને કે ન તો સંસ્થા શરૂ કરાવવાની તમામ જવાબદારી જેમણે પોતાના માથે લીધી હતી તે દત્તાણીબાપાને સ્વપ્ને પણ કલ્પના હતી કે આ તરંગતુક્કા જેનો નાનકડો અખતરો આટલો સફળ નીવડશે અને તે હજારો બહેનોનું સભ્યપદ ધરાવતી એક દેશવ્યાપી, સુપ્રતિષ્ઠિત, વિશાળ સંસ્થા બની જશે. આ એક સાચી હકીકત છે કે લિજ્જતની શરૂઆત કોઈ પણ પ્રકારના આયોજન કે કોઈ જાતની પૂર્વતૈયારી વિના જ થઈ હતી. ખૂબ કામ કરવું છે અને સારું કામ કરવું છે એટલો ઉત્સાહ જરૂર હતો. પરંતુ સંસ્થા શરૂ કરવા માટે ન કોઈ પ્રોજેક્ટ રિપૉર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો કે ન કેવી રીતે કામ કરવું છે તેની મનમાં કોઈ રૂપરેખા હતી. જેમ જેમ કામ થતું ગયું તેમ તેમ સારા અને ખરાબ બન્ને પ્રકારના અનુભવ થતા ગયા અને આ અનુભવના આધારે કેવી રીતે કામ કરવું તેના ધારાધોરણ અને સંસ્થાના નિયમો અને પ્રણાલિકાઓ એક પછી એક ઘડાતી ગઈ. ‘પહેલા કામ પછી નિયમ’ની વાતની કાર્યપ્રણાલીના કારણે લિજ્જત સંસ્થાની આજ સુધીની પ્રગતિ શક્ય બની છે અને ‘પહેલા કામ પછી નિયમ’ની બાબત આજે પણ પાળવામા આવે છે. શરૂઆતના ૭ વર્ષના લાંબા ગાળા સુધી એટલે કે ૧૯૫૯થી છેક ૧૯૬૬ સુધી સંસ્થા પાસે ન તો કોઈ લેખિત બંધારણ હતું કે ન કોઈ સ્ટાફ હતો કે ન કોઈ ઑફિસ હતી અને છતાં, સંસ્થા આજે ચાલે છે તેના કરતાં પણ ઘણી વધારે સારી રીતે ચાલતી હતી કેમકે તે વખતે સંસ્થા ઘણી નાની હતી અને કૈંક નવું કામ કરવાનો બધાંનો ઉત્સાહ ઘણો જ વધારે હતો. (સંસ્થાની તમામ આવક જાવકનો હિસાબ રોજેરોજ લખી નાખવો અને દર મહિનાના અંતે બેલેન્સશીટ બનાવી તે તમામ માટે ઉપલબ્ધ બનાવવું એ નિયમ પહેલેથી જ અપનાવાયો હતો.) સંસ્થાની શરૂઆતની સફળતાના પુરાવારૂપ લિજ્જત પાપડના વેચાણના આંકડા આ પ્રમાણે છે: પ્રારંભના વર્ષોના લિજ્જત પાપડના વેચાણના આંકડા વિક્રમ સંવત ૨૦૧૫ તા.૧૫-૦૩-૧૯૫૯ થી તા. ૧૫-૧૧-૧૯૫૯ રૂા. ૬,૧૯૬.૧૬ વિક્રમ સંવત ૨૦૧૬ તા.૧૬-૧૧-૧૯૫૯ થી તા. ૨૦-૧૦-૧૯૬૦ રૂા. ૨૧,૨૭૩.૨૦ વિક્રમ સંવત ૨૦૧૭ તા.૨૧-૧૦-૧૯૬૦ થી તા. ૦૮-૧૧-૧૯૬૧ રૂા. ૫૯,૭૬૬.૯૬ વિક્રમ સંવત ૨૦૧૮ તા.૦૯-૧૧-૧૯૫૧ થી તા. ૨૮-૧૦-૧૯૬૨ રૂા.૧,૧૫,૭૨૦.૩૯ વિક્રમ સંવત ૨૦૧૯ તા.૨૯-૧૦-૧૯૬૨ થી તા. ૧૭-૧૦-૧૯૬૩ રૂા, ૧,૮૧,૫૯૪.૨૨ વિક્રમ સંવત ૨૦૨૦ તા. ૧૮-૧૦-૧૯૬૩ થી તા. ૦૪-૧૧-૧૯૬૪ રૂા. ૩,૩૬,૧૭૨.૩૧ વિક્રમ સંવત ૨૦૨૧ તા. ૦૫-૧૧-૧૯૬૪ થી તા. ૨૪-૧૦-૧૯૬૫ રૂા. ૪,૬૬,૦૪૧.૮૯ વિક્રમ સંવત ૨૦૨૨ તા. ૨૫-૧૦-૧૯૬૫ થી તા. ૧૨-૧૧-૧૯૬૬ રૂા. ૭,૪૪,૭૩૮.૪૫ વિક્રમ સંવત ૨૦૩૩ તા. ૧૩-૧૧-૧૯૬૬ થી તા. ૦૨-૧૦-૧૯૬૭ રૂા. ૧૦,૦૮,૪૪૩.૦૫ સંસ્થા ૧૯૫૯ની સાલમાં શરૂ થઈ ત્યારે તેમાં જે સાત બહેનો પહેલા દિવસે જોડાયા હતા તેમના નામ આપશો ? સંસ્થા શરૂ થઈ ત્યારે તેમાં પહેલા દિવસથી જોડાયેલ સાત બહેનોના નામ આ પ્રમાણે છે. (૧) જશવંતીબહેન જમનાદાસ પોપટ (૨) પાર્વતીબહેન રામદાસ થોભાણી (૩) નવલબહેન નારણદાસ કુંડલીયા (૪) ભાનુબહેન નારણદાસ તન્ના (૫) લાભુબહેન અમૃતલાલ ગોકાણી (૬) જયાબહેન ગોરધનદાસ વિઠલાણી (૭) ઉજમબહેન મથુરાદાસ લાખાણી લિજ્જત સંસ્થાના પહેલા દાયકા (૧૯૫૯-૧૯૬૮)ને ‘લિજ્જતના સોનેરી દાયકા' તરીકે શા માટે ઓળખાવવામાં આવે છે? પહેલા દાયકામાં સંસ્થા ઘણી નાની હતી. ગીરગામ ખાતે એક જ યુનિટ હતું. બહેનોની સંખ્યા બહુ ન હતી. સંસ્થામાં પ્રત્યેક બહેન એક બીજાને સારી રીતે ઓળખતા હતા એટલું જ નહિ પણ સંપ ઘણો હતો. બહેનો જ્યારે એક બીજાને મળતા ત્યારે આ આપણાં બહેન છે એવી ખરી લાગણી થતી હતી. બધાને એક બીજા પર પૂરો વિશ્વાસ હતો. વેચાણના કે વણાઈના પૈસા સંસ્થામાં ગમે ત્યાં પડ્યા હોય, પણ કોઈને તેની ચિંતા થતી ન હતી. સંસ્થામાં કોઈ વાત ખાનગી રાખવાની ન હતી. લિજ્જત પાપડ કેવી રીતે બને છે તે રૂબરૂ જોવા ઘણા લોકો સવારમાં આવતા હતા અને જોઈને ખુશ થતા હતા. હિસાબના ચોપડા અને બિલ-વાઉચર વગેરે જેને જે જોવું હોય તે જોવાની બધાને એટલે કે સંસ્થાની બહારના માણસને પણ છૂટ હતી. સંસ્થાની અંદર કોઈને ઝીણા અવાજે વાત કરવાની મનાઈ હતી. મોટો અવાજ કાઢીને જ વાત થઈ શકતી હતી. સમગ્ર વાતાવરણ આઝાદીનું, નિર્ભયતાનું, હસી-ખુશીનું અને અવનવા ઉત્સાહનું હતું. બહેનોમાં નવું શિખવાની, નવું જાણવાની, નવા અખતરા કરવાની અને નવી ઊંચાઈ સર કરવાની જબ્બર ધગશ હતી. થોડા દિવસ જો કોઈ નવી પ્રવૃત્તિ ન થાય તો આપણે કેમ ઠંડા પડી ગયા છીએ એવો બધાને અફસોસ થતો હતો. લિજ્જતની વિચારધારાને વધાવતા ગીતો બહેનો રચતા હતા અને ગાતા હતા. આ બધા કારણસર જેમણે લિજ્જતનો પ્રથમ દાયકો જોયો છે તેમને તે દાયકો એક અવિસ્મરણીય સોનેરી સમય તરીકે યાદ આવે છે. તે વખતે બહેનોએ લિજ્જતના જે ગીતો લખ્યા અને ગાયા હતા તેમાંનું એક આ પ્રમાણે હતું : એકડે એક, લિજ્જતની રાખો ટેક મારી બહેનો લિજ્જતમાં લીલા લહેર છે બગડે બે, લિજ્જતની બોલો જે મારી બહેનો લિજ્જતમાં લીલા લહેર છે ત્રગડે ત્રણ, લિજ્જતના પાપડ વણ મારી બહેનો લિજ્જતમાં લીલા લહેર છે ચોગડે ચાર, લિજ્જતના કરો વિચાર મારી બહેનો લિજ્જતમાં લીલા લહેર છે પાંચડે પાંચ, લિજ્જતને ન આવે ઊની આંચ મારી બહેનો લિજ્જતમાં લીલા લહેર છે છગડા ઉપર સાતડો, લિજ્જતનો છે મોટો પડઘો મારી બહેનો લિજ્જતમાં લીલા લહેર છે આઠડે આઠ, લિજ્જતના ભણજો પાઠ મારી બહેનો લિજ્જતમાં લીલા લહેર છે નવડે નવ, લિજ્જતમાં આવે સૌ મારી બહેનો લિજ્જતમાં લીલા લહેર છે એકડે મીંડે દશ, દત્તાણીબાપાને આપો જશ મારી બહેનો લિજ્જતમાં લીલા લહેર છે આ સોનેરી દાયકાના અંત ભાગમાં બહેનોને ખૂબ જ દુખનો આંચકો સહન કરવો પડ્યો. તા.૧૪મી ડિસેમ્બર, ૧૯૬૮ના રોજ સંસ્થાના પ્રેરક અને માર્ગદર્શક શ્રી છગનબાપાએ કલકત્તા ખાતે ચિર વિદાય લીધી હોવાના સમાચાર આવ્યા. બહેનોએ તેમને લાગણીસભર શ્રદ્ધાંજલિ આપી અને સંકલ્પ કર્યો કે હવે પછી સંસ્થાના બધા વાર્ષિક અહેવાલમાં છગનબાપાની તસ્વીર છાપી તેમના ઋણનો સ્વીકાર કરવો. આથી વિ.સં. ૨૦૨૪ના એન્યુઅલ રિપૉર્ટથી દરેક વર્ષના એન્યુઅલ રિપૉર્ટમાં છગનબાપાનો ફોટો જોવા મળે છે. લિજ્જત સંસ્થાની આધારશિલા એટલે કે પાયાની માન્યતા કઈ છે ? લિજ્જત અન્ય કોઈ પરંપરાગત ઢબે ચાલતી રાબેતા મુજબની સંસ્થાઓ જેવી સંસ્થા નથી. તેની શરૂઆત એક નાનકડા અખતરા તરીકે થઈ હતી. તદ્દન નવા પ્રકારની વિચારધારા અમલમાં મૂકવાનો આ એક પ્રયોગ હતો. આ પ્રયોગ શરૂ કરવામાં આવ્યો ત્યારે તે આટલો સફળ થશે તેવી કોઈને સ્વપ્ને પણ કલ્પના ન હતી. આ નવી વિચારધારામાં જબ્બર આંતરિક તાકાત ભરેલી હતી. બધી મુશ્કેલી અને તકલીફ વેઠીને બહેનો આ વિચારધારાને વળગી રહ્યા અને સંસ્થાનો સતત વિકાસ થતો રહ્યો. એ દુ:ખની વાત છે કે લિજ્જત સંસ્થાને ઘણી વખત સમજ્યા વિનાની અકારણ ઉપરછલ્લી પ્રશંસા મળે છે તો અનેક વખત તેની ઉપર ગેરસમજૂતી અને ખોટી માન્યતાથી ભરેલી ટીકાઓનો મારો ચલાવાય છે. લિજ્જત સંસ્થા ખરેખર શું છે, તેની પાયાની માન્યતા શું છે, તેના આદર્શ, સિદ્ધાંતો, ધ્યેય શું છે, તે કેવી રીતે કામ કરે છે એ બધું ઊંડાણપૂર્વક જાણવાની ખેવના બહુ જ ઓછા લોકો કરે છે અને ચોમેર લિજ્જતની કોઈ અર્થ વિનાની ટીકા કે વખાણ થયા કરે છે. હકીકતમાં લિજ્જત એક અનોખી અને તદ્દન બિનપરંપરાગત સંસ્થા છે. આ સંસ્થાનું ઘડતર નીચે પ્રમાણેની ત્રણ પાયાની તાત્વિક માન્યતાના આધારે થયું છે : (૧) ગ્રાહક અને ઉપભોક્તાનો એ મૂળભૂત અધિકાર છે કે તેમને સારામાં સારી ક્વૉલિટીની ચીજ વસ્તુ અને સેવા સૌથી વાજબી કિંમતે મળવા જોઇએ. ગ્રાહકનો સંતોષ એ કોઈ પણ ઉત્પાદન પ્રવૃત્તિ કેટલી સફળ છે કે નિષ્ફળ છે તે જાણવાની સાચી માપપટ્ટી છે. (૨) જ્યારે કોઈ ઉત્પાદન પ્રવૃત્તિ હાથ ધરાય ત્યારે તેનો સૌથી વધુ આર્થિક લાભ તેમાં સીધો પોતાનો શરીરશ્રમ રેડતા લોકોને મળવો જોઇએ. આ પ્રવૃત્તિમાં પોતાની વ્યવસ્થાશક્તિની કે અન્ય સેવા આપતા લોકોનો કે તે પ્રવૃત્તિને પોતાના નાણાકીય સાધનો પૂરા પાડતા લોકોનો આર્થિક લાભ શક્ય તેટલો ઓછો રહેવો જોઇએ. (૩) જગતમાં દરેક વ્યક્તિએ પોતાના મનમાં જે સદભાવના કે સારા વિચારોનો પ્રવાહ વહેતો હોય તેની સાથેનો સંપર્ક સતત જાળવી રાખવો જોઇએ. કામચલાઉ કે ભ્રામક લાભની લાલચમાં આવી જઈને બીજા માણસો પ્રત્યેના આપણાં સ્વાભાવિક પ્રેમ કે દયા-માયાની લાગણીને નબળી ન પડવા દેવી જોઇએ. આ ત્રણ પાયાની તાત્વિક માન્યતા લિજ્જત સંસ્થાની આધારશિલા છે. તેને કારણે જ લિજ્જતમાં દરેક બાબતો ચોક્કસ દ્રષ્ટિબિન્દુથી જોવાની પરંપરા વિકસી છે. સંસ્થામાં દરેક બાબત લિજ્જતની ઢબે વિચારવામાં આવે છે અને લિજ્જતની રીતે તેનો ફેંસલો કરવામાં આવે છે. લિજ્જત એક ધંધાકીય સાહસ છે કે સમાજ સેવા કરતી સંસ્થા છે ? ઉપરછલી નજરે જોતા લિજ્જત કોઈ વખત એક ધંધાકીય સાહસ જેવું હોવાનો તો કોઈ વખત સમાજસેવાની સંસ્થા જેવું હોવાનો ભ્રમ થાય છે. હકીકતમાં તેને કોઈ રેડીમેડ કેટેગરીમાં મૂકી શકાય તેમ નથી. લિજ્જત કોઈ પણ એક વ્યાખ્યામાં ફીટ બેસે તેવી સંસ્થા નથી. તેમાં ત્રણ જુદી જુદી બાબતોનો સમન્વય કરી તેને એકરસ બનાવી દેવામાં આવી છે. આ ત્રણ બાબતોમાંથી કોઈ એક બાબતને પણ હટાવી લેવામાં આવે તો લિજ્જત સંસ્થા લિજ્જત સંસ્થા નહિ રહે. લિજ્જતમાં એકરસ બની ગયેલી ત્રણ જુદી જુદી બાબતો નીચે પ્રમાણે છે : (૧) લિજ્જત એક ધંધો છે પણ સામાન્ય પ્રકારનો નહિ, એક અલગ પ્રકારનો ધંધો છે. (૨) લિજ્જત એક કુટુંબ છે, એક ખાસ પ્રકારનું કુટુંબ છે. (૩) લિજ્જત એક મંદિર, દેવળ કે આરાધનાસ્થળ છે, એક વિશેષ પ્રકારનું આરાધનાસ્થળ છે. આ બાબત થોડી વિગતથી જોઈએ. લિજ્જત એક ધંધો છે પણ સામાન્યપણે ચાલતા ધંધા કરતાં તદ્દન જુદા જ પ્રકારનો ધંધો છે. એ વધુ ને વધુ નફો કમાવાના હેતુથી ચાલતો ધંધો નથી. ગ્રાહકોને સંતોષ મળે તે લિજ્જતને મન સૌથી મોટો નફો છે. તેનાથી વધુ લિજ્જતને કંઈ જોઇતું નથી. કોઈ પણ ધંધો, ખાસ કરીને ઉત્પાદન પ્રવૃત્તિમાં મૂડી તો જોઇએ. મૂડી વિના ધંધો ન થાય. લિજ્જત સંસ્થાની શરૂઆત કોઈ મૂડી વિના, માત્ર કામ શરૂ કરવા પૂરતા બહારથી ઉછીના લીધેલા પૈસા વડે થઈ હતી અને આજ સુધી તેમાં કોઈએ એક પૈસાની મૂડી રોકી નથી. સંસ્થા આજે જે કંઈ છે તે તેમાં તેના હજારો સભાસદ બહેનોએ કરેલા પોતાના પરિશ્રમ અને અક્કલ-આવડતના રોકાણનું પરિણામ છે. આજે પણ લિજ્જત સંસ્થા પાસે ન તો કોઈ નાણાકીય મૂડી છે કે ન તો કોઈ અનામત ભંડોળ છે. લિજ્જતના બહેનો પોતાની આવક-જાવક પર સતત નજર રાખી તેમની વચ્ચે સમતુલા જાળવી રાખે છે. નફો કે ખોટ બન્નેથી દૂર રહે છે. લિજ્જત સંસ્થાને માત્ર ધંધા તરીકે ઓળખાવી શકાય નહિ કેમકે તે એક ધંધાથી ઘણું વધારે છે. સંસ્થા એક કુટુંબ પણ છે. એક કુટુમ્બના સભ્યો વચ્ચે હોય તેવી પરસ્પર પ્રેમ અને નિકટપણાંની લાગણી સંસ્થામાં બધે જોવા મળે છે. જેમ એક કુટુમ્બમાં સૌ એક બીજાની સગવડ-અગવડનો ખ્યાલ રાખે, સાથ-સહકારથી કામ કરે, સંપીને રહે, જડ નિયમોનો અભાવ હોય, બધાને એકબીજા પર પૂરો વિશ્વાસ હોય, એકને તકલીફ હોય તો તેની મદદે બધા હાજર થઈ જાય, સૌને પોતાને અનુકૂળ આવે તેવું કામ કરવાની છૂટ હોય. આવી એક સારા કુટુંબ હોય તેવી બધી બાબતો લિજ્જતમાં પણ છે. સૌથી મોટી વાત એ છે કે લિજ્જતમાં બહેનો દાખલ થાય ત્યારે જે પ્રતિજ્ઞાઓ લે છે તેમાંની એક પ્રતિજ્ઞા એવી હોય છે કે "મને બીજા કરતાં વધારે મળે તેવી ભાવનાને બદલે મારા કરતાં કોઈને ઓછું ન મળવું જોઇએ એવી ભાવના રાખીશ." બહેનો લિજ્જતમાં ખરેખર એવી ભાવના સાથે જ કામ કરે છે. એટલે તો લિજ્જત એક કુટુંબ સમાન બની ગયું છે. લિજ્જતના બહેનો લિજ્જતને એક અલગ પ્રકારનો ધંધો અને એક કુટુંબ ગણવા ઉપરાંત એક કદમ આગળ પણ જાય છે. લિજ્જતમાં કામ કરવાવાળા બધા લોકો માટે સંસ્થા એક મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે ચર્ચ જેવી જ પવિત્ર જગ્યા છે, એક આરાધના સ્થળ છે કે જ્યાં આવ્યા પછી પોતાની જાત પ્રત્યે નહિ પણ પરમ તત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. લિજ્જતનું ધ્યેય સર્વોદય એટલે કે સમાજમાં બધાંનું કલ્યાણ સાધવાનું છે. આથી બહેનો સંસ્થાના દરેક કામને ઈશ્વરી કાર્ય ગણી ખૂબ જ ગંભીરતાપૂર્વક લે છે અને લિજ્જતનું કામ કરતી વખતે મગજમાં કોઈ ખરાબ કે ખોટા વિચાર આવે તો તે તુરંત કાઢી નાખે છે. નફાખોરી કરવી, ગેરરીતિ કરવી, ઘરાકોને છેતરવા-ખંખેરવા-શોષણ કરવું, બેઈમાની કરવી, કોઈના હક્કના પૈસા ડુબાડવા, આવી કોઈ પણ વાત લિજ્જતમાં બનવી અશક્ય છે. બહેનો તો શ્રદ્ધાપૂર્વક કામ કરે છે અને તેમને જે કંઈ વળતર કે આર્થિક લાભ મળે તેને મંદિરમાં મળતા પ્રસાદ સમાન ગણીને જ તેનો સ્વીકાર કરે છે. આમ લિજ્જત સંસ્થામાં એકી સાથે ત્રણ અલગ-અલગ બાબતો એવી એકરસ થઈ ગઈ છે કે તેને રાબેતા મુજબની કોઈ કેટેગરીમાં મૂકી શકાય તેમ નથી. લિજ્જત સંસ્થામાં આદર્શ પર વધુ ભાર મૂકવામાં આવે છે કે ધંધો કરવા ઉપર ? લિજ્જત સંસ્થા માટે તેના આદર્શ અને ધંધો બન્ને સરખા મહત્વનાં છે, બન્ને એક જ સિક્કાના એવા બે પાસા જેવાં છે કે જેને એક બીજાથી જુદા પાડી ન શકાય. સંસ્થામાં ક્યારે પણ સંસ્થાના આદર્શ અને નીતિમત્તાને નેવે મૂકી પૈસા કમાવા પાછળ દોટ મૂકવામાં આવતી નથી કે પૈસા કમાવાનું બાજુએ મૂકી આદર્શ અને સિદ્ધાંતોની ખાલી વાતોનાં વડાં ઉતારવામાં આવતા નથી. લિજ્જત સંસ્થા પોતાના આદર્શ અને સિદ્ધાંતોનું પાલન થાય એ પ્રકારે ધંધો કરવામાં માને છે. જાત મહેનત કરી, સમાજને ઉપયોગી બની પૈસા કમાવા એ ગૌરવની વાત છે એવી તેને શ્રદ્ધા છે. લિજ્જતમાં ધંધો કરતી વખતે કઈ કઈ બાબતોનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે ? લિજ્જતમાં હજારો બહેનો પોતાનો પરિશ્રમ અને અક્કલ-આવડત એકઠા કરી પોતાની સામૂહિક માલિકીનો ધંધો ચલાવે છે. બહેનોનું ધ્યેય જાત મહેનત કરી પ્રમાણિકપણે બે પૈસા કમાવાનું છે અને સ્વમાનભેર જિંદગી જીવવાનું છે. પણ જો કોઈ ધંધો ચલાવવો હોય તો તે ડહાપણપૂર્વક ચલાવવો પડે. મનસ્વીપણે કે મૂર્ખાઈભરેલી રીતે કામ કરીએ તો ધંધો ન ચાલે. લિજ્જત સંસ્થામાં ડહાપણપૂર્વક ધંધો કરવાના હેતુથી નીચેની બાબતોનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે : (૧) લિજ્જતમાં વેચાણના સિવાય ભલે હજાર કામ કરવાના બાકી રહેતા હોય તો તે બાકી રહેવા દઈને પણ વેચાણના કામને પહેલા હાથ ધરવામાં આવે છે અને વેચાણના કામ પર સૌથી પહેલું અને સૌથી વધુ ધ્યાન આપવામાં આવે છે. વેચાણના કામને અન્ય કોઈ કામ કરતાં ઓછું અગત્યનું ક્યારે પણ ગણવામાં આવતું નથી. વેચાણ કરીએ તો જ હાથમાં રોકડા પૈસા આવે અને હાથમાં પૈસા હોય તો જ સંસ્થાની કોઈ પણ પ્રવૃત્તિ થઈ શકે એ વાત ક્યારે ભૂલવામાં આવતી નથી. (૨) સંસ્થાનું વેચાણ સતત વધવું રહેવું જોઇએ. ખુલ્લી બજારમાં કપરી સ્પર્ધા વચ્ચે ટકી રહેવું હોય તો જેટલું વેચાણ થતું હોય તેનાથી સંતોષ માનીને બેસી ન રહેવાય. જેમનું વેચાણ વધતું ન હોય તેવા ઉત્પાદનને કોઈ માનની નજરે જોતું નથી. ધીમે ધીમે તેની પ્રતિષ્ઠા ઘટવા લાગે છે અને અંતે તે બજારમાંથી બહાર ફેંકાય જાય છે. સંસ્થાનું વેચાણ સતત વધતું રહે તેવા બધાં જરૂરી પગલા સમયસર લેવામાં આવે છે. (૩) કોઈ પણ ચીજનું વેચાણ એમને એમ ન વધે. તે માટે પહેલા તેનું ઉત્પાદન વધારવું પડે. જો સેલ્સમેનના હાથ પર પૂરતો માલ જ ન હોય તો તે વેચે શું ? જેટલું ઉત્પાદન વધે તેટલો જ વેચાણમાં વધારો મેળવી શકાય. ઉત્પાદનમાં વધારો કર્યા પહેલા વેચાણ વધારવાની વાતો લિજ્જતમાં કરવામાં આવતી નથી. (૪) લિજ્જતમાં ઉત્પાદન વધારવું હોય તો સંસ્થામાં સભાસદ બહેનોની સંખ્યા વધારવી પડે. સંસ્થામાં બહેનોની સંખ્યા વધારવા માટેના બે રસ્તા છે. એક તો હાલ જેટલી શાખા છે તેના પર વધુ બહેનો આવતા થાય તે માટે શાખાના સ્થાનિક વિસ્તારમાં આવેલા અખબારોમાં ધ્યાન ખેંચે તેવી જાહેરાત આપી બહેનોને લિજ્જતમાં જોડાવાનું ખુલ્લું નિમંત્રણ આપવું. બીજો રસ્તો છે વધુ ને વધુ જગ્યાએ લિજ્જતની નવી નવી શાખાઓ અને વિભાગો ખોલતા રહી ઉત્પાદન વધારતા રહેવું. લિજ્જત સંસ્થામાં બહેનોની સંખ્યા વધારવા આ બન્ને પગલાં અવારનવાર લેવામાં આવે છે. (૫) સંસ્થામાં ક્વૉલિટી પર બહુ ભાર મૂકવામાં આવે છે. ક્વૉલિટીનું ચેકિંગ કાચા માલની ખરીદીની સાથે સાથે જ શરૂ થઈ જાય છે. જ્યાં સુધી ગ્રાહકના ઘરમાં માલ ન જાય ત્યાં સુધી દરેક તબક્કે ક્વૉલિટીનું ચેકિંગ થતું રહે છે. ક્વૉલિટી અંગે વિગતવાર ધારાધોરણ સંસ્થામાં વર્ષોના અનુભવથી વિકસાવાયા છે અને તેનો સતત અમલ થતો રહે છે. (૬) ધંધો જો ડહાપણપૂર્વક ચલાવવામાં આવે તો જ તે ખીલતો અને વિકસતો રહે. ધંધામાં ટૂંકી દૃષ્ટિ કે સાંકડા વિચારો ન ચાલે, લોભ કે ખોટી કરકસર ન કરાય, જે તક મળી હોય તે ગુમાવી દેવી ન પોષાય, સમયસર નિર્ણય લઈ લેવા પડે, અગમચેતીના પગલાં લેતા રહેવું પડે, નિર્ણયના અમલમાં ઢીલ ન કરાય, કોઈ કામ પેન્ડિંગ ન રખાય. લિજ્જતમાં આવી અનેક બાબતોનું ડગલે ને પગલે ધ્યાન રાખવામાં આવે છે. (૭) (ક) સંસ્થામાં કામ કરવાની ઝડપ, ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધે; (ખ) ઢીલ, આળસ અને બેદરકારી ઘટે; (ગ) ખોટેખોટા કાગળ લખ્યા કરવાની, અર્થ વિનાના સર્ક્યુલર મોકલતા રહેવાની અને તુમારશાહીની રીતે કામ કામ કરવાની વૃત્તિને ઉત્તેજન ન મળે; (ઘ) જેમ ચાલતું હોય તેમ ચાલવા દેવું એવી મનોદશા નાબૂદ થાય અને જવાબદારી ટાળતા રહેવાનું વલણ ઓછું થાય તે માટે લિજ્જતમાં કોઈ પ્રયાસ બાકી રહેવા દેવામાં આવતા નથી. એક વખત કાગળ લખીને મોકલી આપ્યા પછી તેનું શું થયું તે ભૂલી જવું, એક વખત સર્ક્યુલર મોકલી આપ્યા પછી કોઈએ તે વાંચ્યો છે કે નહિ, કે એ સર્ક્યુલરનો કોઈ અમલ થાય છે કે નહિ, કે કોઈ ફોલો-અપ એક્શન લેવાય છે કે નહિ તેની કોઈ ચિંતા ન કરવી, મેં તો ફલાણાને કામ કરવાનું કહ્યું હતું પણ તેણે તે કર્યું નથી તો હું શું કરી શકું એવું બોલવું એ બધા સંસ્થાની પડતીના, અધોગતિના લક્ષણો છે. આવા લક્ષણોને સંસ્થામાં દાખલ થવા દેવામાં આવતા નથી. (૮) લિજ્જતમાં સંસ્થાને પ્રગતિને રસ્તે લઈ જાય તેવા નવા નવા વિચારોને હંમેશા આવકાર આવવામાં આવે છે. સંસ્થાનો વધુ વિકાસ થાય તેવી કોઈ દરખાસ્ત લાવે તો તેને નિરુત્સાહી કરવામાં આવતા નથી. સંસ્થામાં બંધિયાર માહોલ, જડ વલણ, ઘૂસપૂસ ખાનગી વાતચીત, ખટપટ-ડર-ભય-શંકાનું વાતાવરણ એ બધાંનું કોઈ સ્થાન નથી. તેનાથી ઉલટું બધા સાંભળી શકે તેવી ખુલ્લી અને તંદુરસ્ત ચર્ચા, વિના રોકટોક તાજા વિચારો તથા માણસોની ખુલ્લી આવજા, હસી-ખુશીનો માહોલ, એ બધું લિજ્જત સંસ્થાને જીવંત રાખવા માટે જરૂરી માનવામાં આવે છે. લિજ્જતમાં ડહાપણપૂર્વક ધંધો કરવાના હેતુથી આવી અનેક બાબતોનો ખ્યાલ રાખવામાં આવે છે. લિજ્જત સંસ્થામાં વાતો તો ઘણી મોટી મોટી થાય છે પણ તેના બધા આદર્શ પળાય છે ખરા ? સંસ્થામાં આદર્શ અને ખરી હકીકત વચ્ચે કેટલું અંતર છે ? લિજ્જત સંસ્થાના બહુ પરિચયમાં ન આવ્યા હોય તે બધાને લિજ્જતની વાતો શેખચલ્લીના તરંગતુક્કા જેવી લાગતી હોય છે એમાં કોઈ નવાઈ જેવું નથી. લિજ્જત સંસ્થા શરૂ થઈ ત્યારે કોઈને ખબર ન હતી કે જે આદર્શ, સિદ્ધાંતો અને મૂળભૂત વિચારો સાથે સંસ્થા એક પણ પૈસાની પોતાની મૂડી વિના શરૂ થઈ રહી છે તે કેટલા વહેવારુ પુરવાર થશે, કેટલા અંશે અમલમાં મૂકી શકાશે, અને આ બિનપરંપરાગત અને અનોખી સંસ્થા કડવી વાસ્તવિકતા વચ્ચે કેટલા દિવસ ચાલશે. પણ કોઈ નાણાની મૂડી ન ધરાવતા બહેનોએ આ આદર્શ, સિદ્ધાંતો અને મૂળભૂત વિચારોને પોતાની સાચી મૂડી તરીકે અપનાવ્યા અને આ સાચી મૂડીની મદદથી સંસ્થા આજ સુધી ચાલતી રહી છે. બહેનોને પોતાના અનુભવથી જણાયું કે જેમ દરેક વ્યક્તિમાં માનવ સહજ નબળાઈ હોય છે તેમ દરેક વ્યક્તિમાં માનવ સહજ મજબૂતાઈ પણ હોય છે. ખોટા રસ્તે જવું જેટલું સહજ અને સરળ હોય છે તેટલું જ સહજ અને સરળ સાચા રસ્તે જવાનું પણ હોય છે. સાચા રસ્તે ચાલવાથી જે ફાયદો થાય છે તે બીજી કોઈ રીતે મળી શકતો નથી. લિજ્જત સંસ્થામાં આદર્શ, સિદ્ધાંતો અને મૂળભૂત વિચારોની જે મોટી મોટી વાતો કરવામાં આવે છે તે તમામ વહેવારુ છે અને એક યા બીજા સમયે અમલમાં મૂકાયેલી છે. એ શક્ય છે કે કોઈ કોઈ સમયે ભૂલથી કે જાણી જોઇને થોડા ટાઈમ માટે કોઈ એક વાત બાજુ પર રાખવામાં આવી હોય કે તેના પર પૂરતું ધ્યાન આપવામાં ન આવ્યું હોય. લિજ્જત સંસ્થા પોતે ૧૦૦ ટકા સાચી, સર્વાંગસંપૂર્ણ અને બિલકુલ ક્ષતિરહિત હોવાનો દાવો કરતી નથી. તેની કામગીરીમાં કોઈ કોઈ વખત થોડી ખામી રહી જતી હોય છે. પણ લિજ્જતમાં આદર્શ અને હકીકત વચ્ચેનો ગાળો માફ કરવા યોગ્ય ગણાતો નથી અને લાંબો સમય ચાલવા દેવામાં આવતો નથી. લિજ્જત સંસ્થામાં એવા કોઈ નિયમો છે કે જે પાળવામાં તો આવે છે પરંતુ લેખિત સ્વરૂપમાં જોવામાં આવતા નથી? લિજ્જત સંસ્થામાં એવા અનેક નિયમો અને પરંપરા છે કે જેનું પાલન તો બરાબર કરવામાં આવે છે પણ તેમનો લેખિત સ્વરૂપમાં ઉલ્લેખ ક્યાંય જોવામાં આવતો નથી. જેમકે અનામત ભંડોળ ભેગુ ન કરવું એ સંસ્થાનો અલિખિત નિયમ છે. સંસ્થાની કોઈ પણ શાખા કે વિભાગ પોતાના ખર્ચ કરતાં આવક વધારીને કે આવક કરતાં ખર્ચ ઘટાડીને પોતાનું અનામત ભંડોળ ઊભું કરી શકે અને આ ભંડોળ તેમને મુશ્કેલીના સમયે કામ આવે એ વાત આમ દેખાય છે તો ડહાપણભરેલી પરંતુ લિજ્જતમાં અનામત ભંડોળ ક્યારે પણ ભેગું કરવામાં આવતું નથી. છગનબાપાએ તેવું ન કરવાની પહેલેથી ચોખ્ખી સલાહ આપેલી છે. લિજ્જત સંસ્થામાં અનામત ભંડોળ ઊભું કરવું એ આકડાના ઝાડ પર મધપુડો લટકાવવા જેવું કામ છે. આકડાના ઝાડ પર મધપુડો લટકાવવાનો અર્થ એ થાય છે કે જે મહેનત કરીને મધ ભેગું કરે તેમને તેનો લાભ મળવાના બદલે દંડાનો માર પડે અને બીજા લોકોને સરળતાથી મધ ચાટવાની કે લૂંટીને ઘરભેગું કરવાની મજા પડી જાય. આવા અલિખિત પણ પાકી રીતે પાળવામાં આવતા અનેક નિયમો લિજ્જતમાં છે. |
[પાછળ] [ટોચ] |