[પાછળ] 
લિજ્જતના પ્રથમ બે દાયકાના સંસ્મરણો-૨
લેખકઃ ભાનુરાય સંઘવી

અત્રે અપાયેલા તમામ પ્રશ્નો અને અને તેના ઉત્તરો માત્ર ઉદાહરણરૂપ છે.

લિજ્જતમાં કોઈ કોઈ દેખરેખ કે સુપરવિઝન રાખે છે ખરું કે બધું કામકાજ ભગવાન ભરોસે ચાલે છે ?

લિજ્જત સંસ્થા કોઈના પણ સુપરવિઝન કે દેખરેખ વિના આપમેળે ચાલતી સંસ્થા છે. આ દેશભરમાં ફેલાયેલી સંસ્થા છે અને સંસ્થામાં હજારો બહેનો કામ કરે છે. બધાં બહેનો પોતપોતાને ફાળે આવતું કામ પૂરેપૂરું ધ્યાન આપીને કરે છે. જો કોઈ બહેન કામ ન કરે અથવા કોઈ ભૂલ કરે તો બાકીના બહેનો એ કામ શાંતિથી પતાવી નાખે છે. સંસ્થામાં ક્યારે પણ કોઈ કામ અટકવા દેવામાં આવતું નથી. જ્યારે સૌ પોતપોતાની જવાબદારી સમજે અને કાળજીપૂર્વક કામ કરે ત્યારે તેમના ઉપર દેખરેખ કે સુપરવિઝનની કોઈ જરૂર રહેતી નથી. સંસ્થાને ભગવાન પર અને પોતાના પર બન્ને પર પૂરેપૂરો ભરોસો છે.

અમારા મતે લિજ્જત સંસ્થામાં કેટલાંય ખોટા ખર્ચા થાય છે. શું આ ખર્ચમાં કાપ મૂકી બહેનોની આવક વધારી ન શકાય ?

કોઈ પણ ખોટા ખર્ચા તત્કાળ બંધ કરવા જ જોઇએ. એમાં કોઈ શંકા છે જ નહિ. ખોટા ખર્ચા લિજ્જતને તો શું અન્ય કોઈને પણ ન પોષાય. આથી સંસ્થામાં એવા ખર્ચા ક્યારે પણ કરવામાં આવતા નથી કે જેમાં સંસ્થાને ટૂંકા ગાળે કે લાંબા ગાળે કોઈ ફાયદો ન હોય. સંસ્થાના બહેનો પોતાનો ધંધો ડહાપણપૂર્વક ચલાવવામાં માને છે. એ યાદ રાખવું જોઇએ કે ડહાપણપૂર્વક ધંધો ચલાવવામાં ટૂંકી દૃષ્ટિ ન ચાલે. બિનજરૂરી કરકસર ન ચાલે. કોઈ પણ ભોગે ઝટપટ પૈસા કમાઈ લેવાની વૃત્તિ ન ચાલે. આવી અનેક બાબતોનું ડગલેને પગલે ધ્યાન રાખવું પડે. ક્યા ખર્ચા ક્યા કારણે કરવામાં આવે છે તેનો બરાબર વિચાર કર્યા વિના જ જો તે બંધ કરી દેવામાં આવે તો તેનું ઉલટું પરિણામ પણ આવી શકે. જે કરકસર સંસ્થાને પ્રગતિના બદલે પીછેહઠ તરફ લઈ જતી હોય તે કરકસરથી થતી નુકશાનીનો માર અંતે તો બહેનોએ જ ભોગવવો પડે છે. એટલે સંસ્થામાં કોઈ આંધળી કરકસર કરવામાં આવતી નથી

અમે લિજ્જત સંસ્થાની ઘણી પ્રશંસા સાંભળી છે. લિજ્જત હજારો ગરીબ અને લાચાર બહેનોને મદદ કરે છે, તેમને રોજગારી પૂરી પાડે છે....

લિજ્જત સંસ્થાની કોઇ કારણ વિના અવારનવાર પ્રશંસા અને ટીકા થયા કરે છે. આ પણ એવી કોઇ કારણ વિનાની પ્રશંસા છે. સમજણ વિના કરાતી આ પ્રકારની પ્રસંશા કે ઝાટકણીનો કોઈ અર્થ નથી. લિજ્જત સંસ્થા એ કોઇ જુદી ચીજ હોય અને તેમાં કામ કરતાં બહેનો એ તેનાથી કોઇ અલગ ચીજ હોય તેવી પરિસ્થિતિ છે જ નહિ એટલે લિજ્જત સંસ્થા કોઇ બહેનને રોજગારી પૂરી પાડે છે એવો કોઇ સવાલ જ ઊભો થતો નથી. ખરી હકીકત તો એ છે કે લિજ્જત સંસ્થા એ બહેનોએ જાતે શરુ કરેલો પોતાની જ માલિકીનો એક ઉદ્યોગ છે, જેના માલિક પણ પોતે છે, મૅનેજર પણ પોતે છે અને નોકર કહો તો નોકર, કર્મચારી કહો તો કર્મચારી, કામદાર કહો તો કામદાર પણ તેઓ પોતે જ છે. જે કોઇ બહેન આ સંસ્થામાં તેના સભ્ય બનવા માટેના પ્રતિજ્ઞાપત્રક પર સહી કરી જોડાયેલ હોય અને કાર્યરત હોય તે તમામ સંસ્થાના એક માલિક-સભ્ય છે અને તમામનો દરજ્જો એક સરખો જ છે અને એક સરખો જ રહેશે. લિજ્જત સંસ્થાએ હજુ સુધી કોઈ બહેનને કોઈ રોજગારી પૂરી પાડી નથી. લિજ્જત એ બહેનોનો પોતાનો જાત માલિકીનો ધંધો છે. બહુ બહુ ભણેલા વિદ્વાનો, નિષ્ણાતો, મોટા મોટા જાણકારો અને વકીલો, પત્રકારો કે રાજકીય-સામાજિક આગેવાનો માટે પણ આ સાવ સાદી વાત સમજવી અને ગળે ઉતારવી ઘણી મુશ્કેલ પડે છે પરંતુ આપણે બરાબર ધ્યાન આપી વિચાર કરીએ તો તે સમજી શકાય તેવી એક સીધી અને સરળ વાત છે.

અમે એક વિચિત્ર વાત સાંભળી છે કે સંસ્થામાં અગાઉ એવું બોર્ડ લગાવવામાં આવતું હતું કે આ સંસ્થા ગરીબ બહેનો માટે નથી તો કોઇ ગરીબ બહેને સંસ્થામાં આવવું નહિ. શું આ સાચી વાત છે ?

ના. એવું કોઈ બોર્ડ તો ક્યારે પણ લગાવવામાં આવ્યું નથી પરંતુ સંસ્થાનો એક પાયાનો, મૂળભૂત વિચાર પહેલેથી એવો રહ્યો છે કે સંસ્થામાં જે કોઈ બહેન જોડાય તેમની આ સંસ્થામાં તો ઓળખ માત્ર એક બહેન તરીકેની જ રહેશે અને તે પણ કોઈ લેબલ વિનાના બહેન તરીકેની. જેમકે પોતે પરણેલ છે કે કુંવારા, ગરીબ છે કે શ્રીમંત, આ ધર્મ પાળે છે કે પેલો ધર્મ, સવર્ણ છે કે દલિત, ભણેલ છે કે અભણ, આ રાજ્યનાં છે કે બીજા રાજ્યનાં વગેરે વગેરે. પોતે કઈ ભાષા, કઈ નાત-જાતના છે એવા તમામ લેબલ પોતાના ઘરે મૂકીને જ તેમણે સંસ્થામાં આવવું રહેશે. સંસ્થામાં ક્યારે પણ કોઈ બહેનની અંગત કે કૌટુંબિક સ્થિતિની કે આર્થિક સ્થિતિની વાતચીત કે ચર્ચા કરવાની સખત મનાઈ પહેલેથી રાખવામાં આવી છે. આમ છતાં અને ના પાડવા છતાં કોઈ બહેન પોતાને ગરીબ બહેન તરીકે જ ઓળખાવવાનો દુરાગ્રહ ચાલુ રાખ્યા કરે તો ન છૂટકે તેમને કહેવામાં આવે છે કે આ સંસ્થા ગરીબ બહેનો માટે નથી. તમે તમારી ગરીબાઈને ઘરે મૂકીને આવી શકતા હો તો જ સંસ્થામાં આવવું. લિજ્જત સંસ્થાનો આ એક ઘણો અઘરો નિયમ છે.

કોઈ પણ માણસ માટે પોતાના પર પોતે સ્વેચ્છાએ લગાવેલ હોય કે બીજાંએ પોતાના પર જડબેસલાક ચોટાડી દીધા હોય તેવા આ પ્રકારના લેબલ ભૂલી જવા એ બેશક મુશ્કેલ કામ છે, પણ જો સંસ્થામાં બધાં બહેનોએ એક બીજાને સમાન ગણવા હોય તો આવા લેબલ મગજમાંથી જડમૂળથી ઉખેડી નાખ્યે જ છૂટકો થાય. જેમને આવા લેબલ કપાળે ચોટાડીને ફરવું હોય તે અન્યત્ર ભલે ખુશી ખુશી ફરે, લિજ્જતમાં આવા લેબલને કોઈ સ્થાન નથી.

મારા એક-બે ઓળખીતા બહેનોને કામની જરૂર છે. તેમને પાપડ વણવાનું ફાવે તેમ નથી. તો તમે તેમને સીધા પેકિંગ વિભાગમાં કે પછી સંચાલિકા તરીકે સંસ્થામાં લઈ શકો ખરા ?

જે બહેનને પાપડ વણવાનો લાંબો અનુભવ હોય તેઓ જ પેકિંગ વિભાગની કે સંચાલિકા તરીકેની કામગીરી સારી રીતે પાર પાડી શકે. કોઈ બિનઅનુભવી બહેન એવું કામ કરવા જાય તો તે એવી ભૂલો કરે કે બધાં બહેનોની મુશ્કેલીનો પાર ન રહે. આથી બરાબર વિચાર કરીને જ સંસ્થામાં એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે અગર કોઈ અપવાદરૂપ સંયોગોમાં કોઈ બહેન સીધા પેકિંગની કે સંચાલિકા તરીકેની કામગીરી શરૂ કરે તો પણ તેમણે અમુક સમય સુધી સાથે સાથે પાપડ વણવાનું કામ ફરજિયાતપણે કરી તે કામનો અનુભવ લેવો રહે છે.

લિજ્જત સંસ્થામાં ફૅક્ટરી એક્ટ અને વિવિધ કામદાર કાનૂનનો અમલ થતો નથી છે તે સાચી વાત છે ?

ફૅક્ટરી એક્ટ અને વિવિધ કામદાર કાનૂનો એ કામદારોના રક્ષણ માટે ઘડાયેલ કાયદા છે. એ જરૂરી કાયદાઓ છે. જ્યાં માલિક અને કામદાર બન્ને એક બીજાથી અલગ હોય ત્યાં માલિકની ગેરવાજબી રીતરસમોથી કામદારોનું રક્ષણ કરવા માટે આ કાનૂનો લાગુ પાડી શકાય અને પાડવા જ જોઈએ. પણ લિજ્જત સંસ્થામાં તેવી પરિસ્થિતિ છે જ નહિ. લિજ્જત સંસ્થા એ એક પોતાની માલિકીનો ધંધો કરવા ઇચ્છતા કામદાર બહેનોનું સ્વૈચ્છિક સંગઠન છે. આ એક એવી સંસ્થા છે કે જ્યાં માલિકો પોતે કામદાર છે અને કામદાર પોતે જ માલિક છે. જ્યાં કામદારો પોતે જ પોતાની માલિકીનો ગૃહ ઉદ્યોગ ચલાવતા હોય ત્યાં તેમને ફૅક્ટરી એક્ટ કે વિવિધ કામદાર કાનૂનો કેવી રીતે લાગુ કરી શકાય? અને માનો કે કોઈ ટેક્નિકલ કારણસર લિજ્જતમાં આવા કાયદા લાગુ કરવામાં આવે તો તેના ભંગની સજા કોને કરવી? એ સજા લિજ્જતના કામદારોને જ કરવી પડે કેમકે લિજ્જતમાં કામદારો સિવાય બીજું કોઈ છે જ નહિ. શું કામદારોના રક્ષણ માટે ઘડાયેલ કાયદા હેઠળ ખુદ કામદારોને સજા કરી શકાય ? હકીકતમાં આ આખી બાબત ક્રિકેટ, હોકી કે ફૂટબોલની રમતને કબડ્ડી અને ગુલ્લી-દંડાની રમતના નિયમો લાગુ કરવાના ખોટા આગ્રહ રાખવા જેવી છે. તેમાં ગેરસમજ સિવાય બીજું કંઈ નથી.

તમે બહેનોને આટલી વહેલી સવારે કામ પર બોલાવો છો તે શું વાજબી છે ? તમારે સંસ્થાના કામકાજનો સમય માત્ર દિવસના ૧૧.૦૦ થી ૬.૦૦ જ રાખવો જોઇએ. તમે રવિવાર અને રજાના દિવસે પણ કામ કેમ ચાલુ રાખો છો ?

પહેલા તો એ ચોખવટ કરી લઈ કે સંસ્થાના માલિક ખુદ બહેનો પોતે જ છે આથી તેમને કોઈ અન્ય વ્યક્તિ અમુક સમયે જ કામ પર આવવાની ફરજ પાડતી હોવાનો કોઈ સવાલ ઊભો થતો નથી. બીજી વાત એ છે કે સંસ્થામાં કામકાજની વ્યવસ્થાના પહેલેથી છેલ્લે સુધી તમામ ધારાધોરણ અને નીતિ-નિયમો બહેનોએ જાતે અનુભવની એરણે વર્ષો સુધી ઘડાઈ ઘડાઈને ઠેરવેલ છે. ક્યા સમયે શું કામ કરવું એ અમે અમારી સગવડ-અગવડ પ્રમાણે અને ઊંડા વિચાર કરીને જ નક્કી કરેલું છે. અમને જે સમયે અને જે પ્રકારે કામ કરવું ફાવે છે એ સમયે અને એ રીતે જ અમે કામ કરીએ છીયે.

લિજ્જત સંસ્થામાં તમારે અમુક દિવસે કામ કરવું જ પડશે અને અમુક દિવસે તમે કોઈ કામ નહિ કરી શકો એવી બહેનોને કોઈ ફરજ પાડી ન શકે. શું કોઈ ખ્રિસ્તી શ્રદ્ધાળુને રવિવાર સિવાયના દિવસે પણ ચર્ચમાં જઈ પ્રેયર કરવાની ઇચ્છા થાય તો તેને રોકવામાં આવે છે ખરો ? જેમ ભગવાનને લોકો પોતાને ઠીક લાગે તે દિવસે યાદ કરીને પ્રાર્થના કરી લે છે તેમ લિજ્જતમાં દરેક બહેનો પોતાને જે દિવસ અને સમય અનુકૂળ લાગે તે દિવસ અને સમયે પોતાનું કામ કરે છે.

અમને તમારી સંસ્થાની કામગીરી ખૂબ ગમી છે. અમારી ઇચ્છા સંસ્થાને મદદરૂપ થવાની છે. અમે તમને કઈ રીતે મદદ કરી શકીયે ?

સંસ્થા માટે આપની સારી લાગણી બદલ ખૂબ ખૂબ આભાર. લિજ્જત સ્વાવલંબી બહેનોની સંસ્થા છે એટલે આપની કે અન્ય કોઈની કોઈ પ્રકારની મદદ લેવાનો સવાલ ઊભો જ થતો નથી.

છતાં અમારે સંસ્થા માટે કૈંક કરવું છે.

તમે એક કામ કરી શકો છો. તમે તમારી અક્કલ કે આવડતનું દાન આપી શકો છો. લિજ્જતના બહેનો ભલે કોઈ અન્ય પ્રકારનું દાન સ્વીકારતા ન હોય પણ પોતાની અક્કલ-આવડત કે કાર્યક્ષમતા વધે તેવી માહિતી-માર્ગદર્શનનું દાન જરૂર સ્વીકારે છે. સંસ્થાની અત્યાર સુધીની ઝડપી પ્રગતિ પાછળનું એક અગત્યનું કારણ એ છે કે બહેનોએ પોતાના મગજના બારણાં હંમેશા ખુલ્લા રાખ્યા છે અને પોતાનાથી વધુ જાણકાર હોય તેવા શુભેચ્છકો પાસેથી તેઓ સતત નવું નવું શીખતા રહ્યાં છે. આમાં મર્યાદા ફક્ત એટલી છે કે સંસ્થાના મૂળભૂત વિચારો અને પ્રણાલિકાઓથી વિરુદ્ધ હોય તેવું કંઈ અમારાથી થઈ શકે નહિ. આથી સંસ્થાને અનુરૂપ હોય તેવું જ માર્ગદર્શન આપવા વિનંતી છે.

હું બહેનોની સેવા કરવા ઇચ્છુ છું. મારે સંસ્થા પાસેથી કોઈ ફાયદો કે વળતર જોઇતા નથી. મારે તો બસ બહેનોની નિઃસ્વાર્થભાવે સેવા કરવી છે.

લિજ્જત સંસ્થામાં કોઈને સેવા કરવાની મનાઈ છે. સંસ્થામાં કોઈની પણ સેવા સ્વીકારવામાં આવતી નથી. સંસ્થાનો આ એક પાયાનો નિયમ છે. સંસ્થાના જે શુભેચ્છકોને જે કંઈ કામ કરવું હોય તે તેમણે સંસ્થાના એક પગારદાર અથવા બિનપગારદાર નોકર તરીકે કામ કરવું રહે છે.

ભલે. હું સંસ્થાના એક બિનપગારદાર નોકર તરીકે રોજ નિયમિતપણે આવીને કામ કરવા તૈયાર છું.

સંસ્થામાં જે કોઈ રોજ નિયમિતપણે કામ કરે છે તેમણે સંસ્થા પાસેથી પગાર અથવા વળતર લેવું જ રહે છે. સંસ્થામાં કોઈની પણ પાસેથી નિયમિતપણે મફત કામ કરાવવામાં આવતું નથી. બિનપગારદાર નોકર માટે એક જ વિકલ્પ છે કે તેમણે ‘માત્ર કોઈ કોઈ વખતે જ અને તે પણ બહેનો સોંપે તેટલું જ કામ’ કરવું રહે છે. બિનપગારદાર નોકરોને પણ પોતાની મરજી મુજબ કામ કરવાની છૂટ નથી.

બહેનો સંસ્થાના માલિક છે, માલિક છે એવું તમે વારંવાર કહ્યા કરો છો, પણ અમારે તે સાચું કેવી રીતે માનવું ? શું બહેનો કોઈ શેર ખરીદે છે ? કોઈ મૂડી રોકે છે ? એમને એમ ખાલી પાપડ વણવાથી સંસ્થાના માલિક કેવી રીતે થઈ જવાય ?

બહેનો સંસ્થાના માલિક છે એ એક હકીકત છે. એ માત્ર બોલવા ખાતર બોલવામાં આવતી વાત નથી. બહેનો જ્યારે સંસ્થાના પ્રતિજ્ઞાપત્રક પર સહી કરી સંસ્થામાં દાખલ થાય છે ત્યારે તેઓ સંસ્થાના સભ્ય બને છે. સંસ્થાનું પોતાનું બંધારણ છે અને તે અનુસાર સંસ્થામાં દાખલ થયેલા અને કાર્યરત હોય તેવા સભ્યો જ સંસ્થાના માલિક છે. સંસ્થામાં નિષ્ક્રીય સભ્યો માટે કોઈ સ્થાન નથી. સંસ્થામાં કામ કરતા બહેનો સિવાય કોઈ વ્યક્તિ સંસ્થામાં સભ્ય બની શકતી નથી કે સંસ્થા પર કોઈ હક્ક ધરાવી શકતી નથી. સંસ્થામાં બહારની કોઈ વ્યક્તિ માલિક નથી કે ટ્રસ્ટી નથી. સંસ્થા પરના તમામ હક્ક ફક્ત તેમાં કામ કરતાં બહેનો જ ધરાવે છે.

મારા એક ઓળખીતા બહેન લિજ્જતમાં કામ કરે છે. જો તે સંસ્થાના માલિક હોય તો શું તેઓ ગમે તે નિર્ણય લઈ શકે ? પોતાને ફાવે તેમ કરી શકે ?

સંસ્થામાં કોઈ પણ એક બહેન એકલા સ્વતંત્ર રીતે વ્યક્તિગત માલિક નથી પણ બધાં બહેનો સાથે મળીને માલિક છે. એટલે સંસ્થા વિશે બધાં અગત્યના નિર્ણય બધાં બહેનોએ સાથે મળીને લેવા રહે છે. કોઈ બહેન એકલા કે બહેનોનો નાનો સમૂહ પણ એવો કોઈ નિર્ણય ન લઈ શકે કે જે બાકીના બહેનોને નુકશાન પહોંચાડે કેમકે આ સંસ્થા બધાં બહેનોની સામૂહિક માલિકીની છે.

તમે કહો છો કે સંસ્થા કોઈની પાસેથી દાન કે મદદ લેતી નથી, તો પછી આટલા બધા વર્ષોથી ખાદી અને ગ્રામોદ્યોગ પંચ પાસેથી તમે જે મદદ મેળવો છો તે શું છે ? શું તે દાન કે મદદ નથી ?

ખાદી અને ગ્રામોદ્યોગ પંચ પાસેથી સંસ્થાને કોઈ સીધી સબસિડી મળતી નથી, માત્ર નીચા વ્યાજ દરે ધિરાણ મેળવવાની સવલત મળે છે. આ સવલત માત્ર ’લિજ્જત’ એકને નહિ પણ પંચના સાર્વજનિક ધારાધોરણ પ્રમાણે ચાલતા અનેક-અસંખ્ય ઉદ્યોગોને મળે છે. આ બાબતને પણ એક પ્રકારનું સરકારી દાન કે મદદ ગણવું હોય તો ચોક્કસ ગણી શકાય કેમકે ખાદી અને ગ્રામોદ્યોગ પંચની તમામ પ્રવૃત્તિનો આર્થિક બોજ અંતે તો સરકારી તિજોરી એટલે કે દેશની પ્રજા પર જ પડે છે.

પરંતુ લિજ્જત સંસ્થા આ સમગ્ર બાબતને જુદી રીતે મૂલવે છે. સંસ્થાને ખાદી અને ગ્રામોદ્યોગ પંચ માટે ખૂબ જ આદરની લાગણી છે. લિજ્જત પ્રારંભમાં તો કોઈ લેખિત બંધારણ વિના એક સ્વૈચ્છિક સંગઠન તરીકે ગીરગામમાં ચાલતી તદ્દન નાની સંસ્થા હતી. તે વખતે એટલે કે ૧૯૬૬માં, પંચના તે વખતના અધ્યક્ષ શ્રી ઢેબરભાઈએ સંસ્થાની મુલાકાત લઈ બહેનોને નવી પ્રેરણા આપી, સંસ્થાને તેનું બંધારણ ઘડવામાં મદદ કરી, પંચ પાસેથી માન્યતા અપાવી અને બહેનોને આગળ વધવા ઉત્તેજન આપ્યું. સંસ્થાની અત્યાર સુધીની પ્રગતિમાં પંચ તરફથી મળેલી માન્યતાનો અને વખતોવખત મળેલા માર્ગદર્શનનો ફાળો ખૂબ જ મોટો છે. પંચ તરફથી સંસ્થાને તેની પ્રવૃત્તિનો વિસ્તાર કરવા માટે ૧૯૬૭થી પંચના ધોરણ મુજબના નીચા વ્યાજ દરે ધિરાણ સવલત આપવાનું શરૂ થયું જે હજુ સુધી ચાલુ છે. સંસ્થાના મંતવ્ય પ્રમાણે આ બાબત કોઈ દાન કે મદદ નથી પણ હોશિયાર વિદ્યાર્થીને પરીક્ષામાં ઘણા સારા માર્ક મેળવવા બદલ વધુ અભ્યાસ માટે મળતી મેરિટ સ્કોલરશીપ જેવું એક પ્રકારનું ઉત્તેજન છે. આવું ઉત્તેજન આપનાર અને લેનાર બન્નેની શોભા વધારે છે. ખાદી અને ગ્રામોદ્યોગ પંચ જેવી આદરણીય એજન્સી પાસેથી આ પ્રોત્સાહન મેળવવા બદલ સંસ્થા ગૌરવ અનુભવે છે.

એ પણ ભુલાવું ન જોઇએ કે ભારત સહિત જગતભરમાં તમામ વ્યાપારી બેન્કો એક ગ્રાહકને એક વ્યાજ દરે ધિરાણ આપે છે તો બીજા ગ્રાહક પર બીજો વ્યાજ દર લગાવે છે અને આમ નીચા કે ઓછા વ્યાજ દરના દરેક કિસ્સા દાન કે મદદ હોતા નથી. અલબત્ત, ખાદી અને ગ્રામોદ્યોગ પંચ સિવાય અન્ય કોઈ સંસ્થા કે વ્યક્તિ પાસેથી લિજ્જત સંસ્થાએ આવી ‘મદદ’ સ્વીકારી નથી અને સ્વીકારશે નહિ.

લિજ્જત સંસ્થાની અત્યાર સુધીની સફળતા માટે કોને જશ આપવો જોઇએ ? આચાર્ય વિનોબા ભાવેને, છગનબાપાને, દત્તાણીબાપાને, અસંખ્ય શુભેચ્છકો અને હિતચિંતકોને કે પછી સંસ્થાના હોદ્દેદાર બહેનો અને સંચાલિકા બહેનોને ?

આમાંના કોઈને નહિ. લિજ્જત સંસ્થાની અત્યાર સુધીની સફળતા માટે સૌથી પહેલો જશ સંસ્થામાં પાપડ વણતા બહેનોને ભાગે જાય છે. હકીકતમાં તેઓએ જ સંસ્થાને સફળ બનાવી છે. બાકી બીજા બધાંનો ફાળો તો એકડા પાછળ રહેલ મીડાં જેવો છે. એકડા વિનાના મીંડાની કોઈ કિંમત નથી. જો પાપડ વણતા બહેનોનો એકડો આગળ લાગેલો હોય તો આ મીડાંની કિંમત ખૂબ જ વધી જાય છે.

લિજ્જત સંસ્થાને કઈ કઈ બાબતમાં નિષ્ફળતા મળી છે ?

લિજ્જત સંસ્થાની નિષ્ફળતાઓની યાદી ઠીક ઠીક લાંબી છે, જેમાંની માત્ર કેટલીક નીચે આપી છે. આ માત્ર શરૂઆતના તબક્કાની નિષ્ઠળતાની યાદી છે અને આ યાદી પણ સંપૂર્ણ નથી. આ પછી પણ સંસ્થાને ઘણી નિષ્ફળતાઓ મળી છે અને મળતી રહેશે.
  • સંસ્થાની ૨૪થી વધુ શાખાઓ થોડા મહિના કે થોડા વર્ષ ચાલી બંધ પડી ગઈ છે. આમાં મલાડ, સાંગલી, ભાડાઈ(કચ્છ), કામાટીપુરા, નારાયણવાડી, જબલપુર-રાઈટ ટાઉન, ગાલેગાંવ-કલ્યાણ, જલગાંવ, વાશી-તુરભે, કુલકર્ણીવાડી-ઘાટકોપર, ઝવેર રોડ-મુલુન્ડ, જોગેશ્વરી, શિવરી, દેવનાર, ઉકાઈ, હરેગાંવ, જયપુર, ચાંદીવલી, બેલગામ, ચેમ્બુર, મીરાગાંવ, અસલ્ફા-ઘાટકોપર, વિરાયતન(બિહાર) અને મેરઠ શાખાનો સમાવેશ થાય છે પરંતુ પૂણેના વડગાંવ-બુદ્રુક સહિત સંખ્યાબંધ પેટા કેન્દ્રનો સમાવેશ થતો નથી. ભોપાળ શાખા પહેલી વખત ૧૯૭૯માં ખોલ્યા પછી ૧૯૮૩માં બંધ કરી દેવામાં આવી હતી. આજ રીતે અમરાવતી અને દિલ્હીમાં શરૂઆતની શાખાઓ બંધ કર્યા પછી નવેસરથી શાખા ખોલાઈ છે.

  • લિજ્જત પાપડની અન્ય ઘણી વેરાયટી જેવી કે ખિચિયા પાપડ, જીભીયા પાપડ, ઢમટા પાપડ, પૌંઆના પાપડ, અપલમ વેરાયટી વગેરે શરૂ કર્યા પછી એક અથવા બીજા કારણે બંધ કરવી પડી છે. લિજ્જત પાપડ માટે બૉક્સ પેકિંગની પદ્ધતિ દાખલ કરવામાં સાવ નિષ્ફળતા મળી છે.

  • લિજ્જત સંસ્થાએ પાપડ ઉપરાંત ઘણી ચીજો બનાવવા અને વેચવાના અખતરા કરી જોયા છે. લિજ્જત મસાલા ક્રીસ્પ નામનું સક્કરપારા જેવું દેખાતું નમકીન સ્વાદમાં સરસ હોવા છતાં તદ્દન નિષ્ફળ ગયું હતું. સંસ્થાએ ૧૯૭૫-૭૬ના સમયમાં કાર્ડ બૉક્સના પેકિંગમાં પેક કરેલું તૈયાર પૂરી-શાક-પુલાવનું બનેલું લંચ બૉક્સ વેચવાનો સરસ પ્રયોગ કર્યો હતો પણ તે નિષ્ફળ ગયો હતો. બોરિવલીમાં એક પ્રિન્ટિંગ પ્રેસને લીઝ પર લઈ તેના કામદારો તેને માલિકી ધોરણે ચલાવે એવો અખતરો કર્યો હતો જે ચાલ્યો ન હતો. સંસ્થાના વાહનોના સમારકામ માટે ઑટો ગૅરેજ વિભાગ ખોલાયેલ પણ તે નિષ્ફળ ગયો. મીરાગાંવમાં તેલ-ઘાણી વિભાગ શરૂ કર્યા પછી તુરંત બંધ કરવો પડ્યો હતો. આવા અનેક અખતરા સાવ નિષ્ફળ ગયા છે.

  • કેટલાંક વિભાગોમાં સંસ્થાને અમુક અંશે સફળતા મળી હતી અને તેમનું કામ ઠીક ઠીક સમય ચાલ્યું પણ હતું. પણ સમય જતાં કોઈને કોઈ કારણે તેમને બંધ કરવા પડ્યા હતા. આમાં દહાણુંના મેચ બૉક્સ વિભાગ, બોરિવલીના ચર્મ શિલ્પ વિભાગ, બોરિવલીના અગરબત્તી વિભાગ વગેરેનો સમાવેશ થાય છે. સંસ્થાના ઘણાં ખાખરા એકમ, બેકરી એકમ, વડી એકમ, ચપાતી એકમ, ડિટરજન્ટ એકમ ખુલ્યા પછી ઠીક ઠીક સમય ચાલીને બંધ પડી ગયા છે.

  • કેટલાંક વિભાગમાં સંસ્થાને સફળતા તો મળી છે પરંતુ તેમાં બહુ રાજી થવા જેવું કંઈ નથી. જેમ કે કૉટનગ્રીન મસાલા વિભાગ ઘણા દાયકાથી ચાલતો હોવા છતાં ખાસ પ્રગતિ કરી શક્યો નથી. એક માત્ર સસા ડિટરજન્ટ વિભાગને બાદ કરતાં સંસ્થાને લિજ્જત પાપડ સિવાય અન્ય ઉત્પાદની બાબતમાં આંખોને ઊડીને વળગે તેવી સફળતા મળી નથી.

  • સંસ્થાને આ સિવાયની અન્ય ઘણી પ્રવૃત્તિઓમાં નિષ્ફળતા મળી છે. ૧૯૬૯ના દાયકામાં બહેનો માટે જિંદગી વિમા યોજના દાખલ કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. લોકોને સસ્તા ભાવે ઘર મળે તેટલા માટે ૧૯૭૨માં કાંદિવલી ખાતે લિજ્જત ગંગા અને લિજ્જત જમુના તથા મુલુન્ડ ખાતે લિજ્જત ગોદાવરી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી શરૂ કરવામાં આવી હતી પણ તે યોજના આગળ જ વધતી ન હોવાથી તેમાં જગ્યા બૂક કરાવનાર ગ્રાહકોએ જાતે જ મહેનત કરી પોતાના બિલ્ડિંગ ઊભા કરવા કરવા પડ્યા હતા. ૧૯૮૧ની સાલમાં લિજ્જત કો-ઓપરેટિવ બૅન્ક લિ. સ્થાપવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. આ સાહસમાં મુંબઈ ઉપરાંત પૂણે અને રાજકોટ શાખાના બહેનો શેર મેળવવાની અરજી કરી જોડાયા હતા. લગભગ એક વર્ષ સુધી પ્રયાસ કરવા છતાં તે બેન્કની કામગીરી શરૂ ન થઈ શકતા બધાં બહેનોને તેમની અરજીના પૈસા પાછા આપી પ્રોજેક્ટ બંધ કરવામાં આવ્યો હતો.
અરે તમે આ શું કરો છો ? સંસ્થાની નિષ્ફળતાઓનો આવો જાહેર એકરાર કરાય ? આમ કરીને તમે એક તરફથી સંસ્થાની આબરૂ જાતે ઘટાડો છો તો બીજી બાજુથી સંસ્થાની ખોટી ટીકા કરનારા અને સંસ્થાને હેરાન કરવા ઇચ્છતા લોકોના હાથમાં એક હથિયાર આપો છો. લિજ્જત સંસ્થાએ પોતાની નિષ્ફળતાની યાદી જગજાહેર શા માટે કરવી જોઇએ ?

લિજ્જત સંસ્થાનો પહેલેથી જ એ નિયમ રહ્યો છે કે પોતાની નિષ્ફળતાઓને કદી પણ છુપાવવી નહિ કે ભૂલવી પણ નહિ. પોતાની ભૂલનો એકરાર કરવાથી અને એ ભૂલને તત્કાળ સુધારી લેવાથી આબરૂ ઘટતી નથી પણ વધે છે એવો સંસ્થાનો અત્યાર સુધીનો અનુભવ રહ્યો છે. સંસ્થાને મળેલી દરેક નિષ્ફળતા બહેનોને વધારે સારી સફળતા મળે તેવા નવા બોધપાઠ શીખવી ગઈ છે. બહેનોએ સફળ અને નિષ્ફળ અખતરાઓની નિશાળમાં ભણી ભણીને જ લિજ્જતના બધા નીતિ-નિયમો અને ધારા-ધોરણનું ઘડતર કર્યું છે અને દેશવ્યાપી વ્યવસ્થાતંત્રનું સર્જન કર્યું છે. સંસ્થાને પોતાના ટીકાકારોનો ક્યારે પણ ડર લાગ્યો નથી અને લાગશે નહિ કેમકે સંસ્થાએ ક્યારે પણ કોઈ ખોટું કામ કર્યું નથી કે એવું કરવાની ઇચ્છા નથી.

લિજ્જતમાં શા માટે સર્વોદય શબ્દનો બહુ જ ઓછો ઉપયોગ થાય છે ?

લિજ્જત સંસ્થા શરૂ થઈ ત્યારથી સર્વોદયમાં શ્રદ્ધા ધરાવે છે અને સર્વોદયના માર્ગ પર હંમેશ ચાલતી રહેશે. આમ છતાં સંસ્થામાં પહેલેથી જ સર્વોદય શબ્દના ઉપયોગને બને ત્યાં સુધી સહેતુક ટાળવામાં આવતો રહ્યો છે કેમકે એ શબ્દનો દુરુપયોગ વ્યાપકપણે થાય છે તથા સંકુચિત અને સ્થગીત મનોદશાને ઢાંકવા માટે તે અવારનવાર વપરાય છે. આથી સંસ્થામાં કાયમ એમ કહેવામાં આવે છે કે આપણે લિજ્જતની રીતે વિચારવું જોઇએ અને આપણાં દરેક પ્રશ્નોનો ઉકેલ લિજ્જતની વિચારસરણી પ્રમાણે લાવવો જોઇએ. એનું કારણ એ છે કે લિજ્જત સંસ્થા આદર્શ અને દુનિયાદારી બન્નેનો સમન્વય કરવામાં માને છે. જેમાં સાદી સમજનો કે દુનિયાદારીનો સાવ અભાવ હોય એવા અવહેવારુ વિચારોને આદર્શના નામે અપનાવવામાં સંસ્થાને કોઈ રસ નથી. લિજ્જતમાં સર્વોદય શબ્દનો એક ખાસ અર્થ કરવામાં આવે છે જે નીચેની કાવ્ય પંક્તિમાં બરાબર વ્યક્ત થયો છે.

સમાજના કલ્યાણ વિશે જે નિજ કર્મોને જોડે
સમાજનું તે કલ્યાણ સાધે સ્વધર્મપાલનયોગે.

ટૂંકમાં પોતાની રોજિંદી કામગીરી અને ફરજ સમાજના કલ્યાણને લક્ષ્યમાં રાખી બજાવવી તે લિજ્જતની નજરે સર્વોદય કહેવાય.
 [પાછળ]     [ટોચ]