[પાછળ] 
લિજ્જતના પ્રથમ બે દાયકાના સંસ્મરણો-૩
લેખકઃ ભાનુરાય સંઘવી

અત્રે અપાયેલા તમામ પ્રશ્નો અને અને તેના ઉત્તરો માત્ર ઉદાહરણરૂપ છે.

લિજ્જતની સંચાલન ફિલસૂફી શું છે ? કામગીરીના નિયમનમાં કઈ કઈ બાબતોને મહત્વ આપવામાં આવે છે ?

લિજ્જત સંસ્થાના સંચાલન માટે એક અનોખી પ્રણાલી અપનાવવામાં આવી છે. આ એવી સંચાલન વ્યવસ્થા છે કે જેમાં સંસ્થાના બધા બહેનો સક્રિય ભાગ લઈ શકે છે અને જેમાં કોઈ પણ બહેન અન્ય બહેનના ઉપરી અધિકારી બની શકતા નથી તો કોઈ પણ બહેને અન્ય બહેનની તાબેદારી ઉઠાવવી રહેતી નથી. સંચાલનની દૃષ્ટિએ લિજ્જત સપાટ વ્યવસ્થાતંત્ર ધરાવે છે. સંસ્થામાં કોઈ પણ સભ્ય એક બીજા પર હુકમ ચલાવી શકે નહિ.

સંસ્થાને ન સમજતા લોકોનું કહેવું એવું છે કે આ બધી ખાલી કાગળ પરની વાતો છે. તેઓ કહે છે કે અમે તો બહેનોને રોજ ‘આમ કેમ કર્યું અને આમ કેમ ન કર્યું' એમ કહીને એક બીજા પર રાડારાડ કરતાં નજરે જોઇએ છીએ. પેકિંગ વિભાગના બહેનો ખૂબ જોહુકમી ચલાવે છે, સંચાલિકા બહેનો પોતાનો કક્કો જ ખરો કરે છે, સંસ્થાના પ્રમુખ અને અન્ય હોદ્દેદાર બહેનો તો સંચાલિકાઓ સહિત બધાને દબડાવે છે અને રુઆબ છાંટે છે. દરેક શાખા પર થોડા બહેનો તો એવા જોવા જ મળે છે કે જે પોતાનું જ રાજ ચાલે છે એવું માનીને ચાલતા હોય તેવું લાગે. આમાં બધાં બહેનોની સમાનતા અને સરખાપણાની વાત ક્યાં આવી ? ખાલી થોડા બહેનો જ સંસ્થામાં રાજા થઈને બેઠા છે.

ખરી હકીકત એ છે કે આવું કહેનાર સંસ્થાને માત્ર ઉપરછલ્લી નજરે જુએ છે, પોતાના પૂર્વગ્રહ અને ભૂલભરેલ અનુમાનના કારણે ખોટા તારણો પર આવે છે, બહેનોના દિલમાં ઉતરીને તેઓ ખરેખર કઈ લાગણીથી બીજાને ઠપકો આપતા હોય છે કે ગુસ્સો કરતા હોય છે તે જોતા નથી. તેમને એ વાતની ખબર હોતી નથી કે માત્ર થોડા બહેનોને નહિ દરેકેદરેક બહેનને સંસ્થામાં પોતાનો કક્કો ખરો કરાવવાનો અને હું કહું તેમ થવું જ જોઇએ એવું પૂરી તાકાતથી કહેવાનો પૂરેપૂરો હક્ક છે. અવારનવાર બહેનો એ હક્કનો ઉપયોગ કરે પણ છે. પણ લિજ્જતની પરંપરા એ રહી છે કે કોઈ સાચું માણસ સાચી વાત કરે તો બધા તે સાંભળે અને સ્વીકારે જ્યારે કોઈ ખોટું માણસ ખોટો દુરાગ્રહ કર્યા કરે તો તેની વાત કોઈ સાંભળે પણ નહિ કે સ્વીકારે પણ નહિ. લિજ્જતના બધા બહેનોને ભગવાને ઘણી અક્કલ આપી છે, તેમને બરાબર ખબર પડે છે કે કોની વાત માનવા જેવી હોય છે અને કોની વાત પર ધ્યાન ન આપવું.

સંચાલનમાં બધાની સક્રિય ભાગીદારી અને સંસ્થામાં બધાનો સમાન દરજ્જો એ તો સર્વોદયની વિચારધારાનો આત્મા છે. લિજ્જતમાં પૂરી ગંભીરતાથી તેનો અમલ કરવાની કોશિશ કરવામાં આવે છે.

શું આ રીતે કામ કરવું શકય છે ? કોઈ ઉપરી કે અમલદાર ન હોય તેવી મૅનેજમેન્ટ પ્રથાના કારણે અંધાધૂંધી, ગોટાળો, ગેરસમજ, અવ્યવસ્થા અને અરાજકતા સર્જાતા નથી ? કોઈ હકૂમત વિના હજારો વ્યક્તિ રોજેરોજ સરખી રીતે કામ કેવી રીતે કરી શકે ?

એ વાત તદ્દન સાચી છે કે જ્યાં કોઈ શેઠ-સાહેબ-ઉપરી-અમલદાર કે દેખરેખ રાખવાવાળું ન હોય ત્યાં સહેલાઈથી ગેરસમજૂતી, ગોટાળો, સમજફેર, ગેરવ્યવસ્થા થઈ શકે. જે કામ કરવાનું હોય તે ન થાય અને ન કરવાનું કામ થઈ જાય. લિજ્જત સંસ્થામાં આવું અનેક વખત થયું છે અને ભવિષ્યમાં આવા ગડબડ-ગોટાળો નહિ થાય તેવી કોઈ ગેરન્ટી આપી શકે નહિ. આવા વખતે જે ભૂલ થાય તે તુરંત સુધારી લેવી પડે તે સિવાય આ પરિસ્થિતિને હલ કરવાનો બીજો ઉપાય નથી. લિજ્જતના બહેનો પોતાની ભૂલો ફટાફટ સુધારી લેતા ટેવાઈ ગયા છે એટલે કોઈ ગંભીર સ્થિતિ ઊભી થતી નથી. વાદળો તો આવે જ છે પણ તે વિખેરાઈ જાય છે.

ઉપરી-અમલદાર વિનાની મૅનેજમેન્ટ પ્રથાના ગેરફાયદા અલબત્ત ઘણાં છે પણ જ્યારે તેના ફાયદા કેટલાં છે તેનો સમજદારીપૂર્વક વિચાર કરીએ ત્યારે એ ગેરફાયદાઓ ઘણાં વામણા લાગે. લિજ્જત સંસ્થાને તો આ પ્રથા ખૂબ જ ફાવી ગઈ છે. લિજ્જતની કાર્યક્ષમતા જગતના કોઈ પણ વર્ટિકલ ઓર્ગેનાઈઝેશન (એટલે કે ઊભી ધારનું એટલે કે જ્યાં ઉપરથી નીચે અનેક પાયરી વચ્ચે હુકમની હારમાળા જતી હોય અને નીચેથી ઉપર સુધી એ હુકમનું પાલન કેટલું થયું છે તેના રિપૉર્ટિંગની હારમાળા જતી હોય તેવાં) વ્યવસ્થાતંત્ર કરતાં ઊતરતી નથી. લિજ્જત સંસ્થાનો આટલા વરસોથી જે સતત વિકાસ અને વિસ્તાર થયો છે તે પુરવાર કરે છે કે સપાટ વ્યવસ્થાતંત્રથી ડરવાની કે દૂર ભાગવાની કોઈ જરૂર નથી.

સપાટ વ્યવસ્થાતંત્રનો અમલ કરવામાં ઘણા પડકારનો સામનો કરવો પડે છે પણ આ પડકારને નવી મૅનેજમેન્ટ રીત-રસમો વિકસાવવાની તક તરીકે ગણવા જોઇએ. આ તકનો લાભ લઈ દરેક જણ પોતાનું કામ વધુ ઝડપે, વધુ વ્યવસ્થિત રીતે, વધુ સારી અને સુસંકલિત રીતે કરી શકે તેના નવા ધારાધોરણ ઘડી શકાય. બહેતર કામગીરી માટે નવા પ્રોત્સાહન વિકસાવી શકાય. બેજવાબદાર વર્તણૂક, ગેરશિસ્ત, સંકલનનો અભાવ, કામ કરવાનો કે નવી જવાબદારી લેવાના ઉત્સાહનો અભાવ, એ બધું ટાળવા માટે બિનપરંપરાગત યંત્રણા ઘડી કાઢવી જોઇએ. જેમાં બધા સક્રિય હિસ્સો લઈ શકે તેવું નવું સુગ્રથિત સપાટ વ્યવસ્થાતંત્ર વિકસાવવાના ધ્યેયને તમે કેટલા સમર્પિત છો તે સૌથી વધુ અગત્યનું છે.

લિજ્જતમાં તમામ સભ્યોને ‘તમારા પર કોઈ ઉપરી-અધિકારી નથી એટલે તમારે હરખાઈ જવા જેવું નથી પણ ઊલટની તમારી જવાબદારી અનેકગણી વધી જાય છે ' એ હકીકત સ્પષ્ટપણે સમજાવવાની એક પણ તક જતી કરવામાં આવતી નથી. આ વાત જો બરાબર સમજાવવામાં આવે તો સ્વશિસ્તની ભાવના ખિલવવામાં જરા પણ મુશ્કેલી આવતી નથી. સ્વશિસ્તના ફાયદા સમજાવવા માટે કટિબદ્ધ પ્રશિક્ષકો જોઇએ અને શિક્ષણ માટે બિનપરંપરાગત પદ્ધતિઓ અજમાવવી જોઇએ.

લિજ્જત સંસ્થામાં સપાટ વ્યવસ્થાતંત્ર કઈ રીતે કામ કરે છે તે તમે સાદા શબ્દોમાં સમજાવશો ?

અમદાવાદ મૅનેજમેન્ટ એસોશિયેશન આપણાં દેશની પ્રથમ દરજ્જાની મૅનેજમેન્ટ સંસ્થા છે. (આ મેનેજમેન્ટ સંસ્થાની વધુ માહિતી અને પરિચય માટે જૂઓ https://www.amaindia.org/about-us/.) આ એસોશિયેશનના નેજા હેઠળ 'વિશ્વ સ્તરની સંસ્થાઓ : સર્જન અને સંચાલન' વિશે તા.૫મી એપ્રિલ, ૨૦૦૩ના રોજ અમદાવાદ ખાતે યોજાયેલા એક પરિસંવાદમાં લિજ્જતના પ્રમુખ શ્રી જ્યોતિબહેન જે. નાઇકે તદ્દન સાદા શબ્દોમાં લિજ્જત સંસ્થાની રોજિંદી કામગીરી વિશે આ માહિતી આપી હતી:

શ્રી જ્યોતિબહેન નાઇકે કહ્યું હતું કે " ...અમારે ત્યાં કોઈ મૅનેજર નથી. અમારે ત્યાં ફક્ત કામદારો છે અને આ કામદારો જ સંસ્થાના માલિક છે. લિજ્જતમાં કામદારો અને માલિક એવા અલગ વિભાગો નથી કે કામદારો અને માલિકને સાંકળી લે તેવી મેનેજમેન્ટની કડી પણ અમારે ત્યાં નથી. અમે કામદારો અમારું બધું કામ જાતે કરી લઈ છીએ. અમારો વહીવટ પણ અમે જાતે ચલાવીએ છીએ. અમારી સંસ્થામાં એક નાનકડો પગારદાર કર્મચારી વર્ગ (જેમકે ડ્રાઈવર, હિસાબ લખનારા વગેરે) પણ છે પણ તેમની કામગીરી અમને એટલે કે સંસ્થાના માલિક-કામદારોને તેમની રોજિંદી કામગીરીમાં પૂરક મદદ કરવાની છે. આ કર્મચારીઓએ કોઈ વહીવટ ચલાવવાનો નથી કે કોઈ પ્રવૃત્તિ મેનેજ કરવાની નથી.

....કોઈ પણ ગૃહિણી ઘરે બેઠા પોતાનો ગૃહ ઉદ્યોગ ચલાવે એવી જ અમારી સંસ્થા છે. ફરક એટલો જ છે કે અમે બધાં બહેનો એકલા હાથે પોતપોતાનો અલગ અલગ વ્યવસાય ચલાવવાના બદલે સાથે મળીને અમારી સામૂહિક માલિકીનો વ્યવસાય ચલાવીએ છીએ.

....મેનેજમેન્ટની પરિભાષામાં ટીમ અને ટીમવર્ક એ શબ્દ ઘણી વખત વપરાય છે. લિજ્જતમાં આ શબ્દોનો ઉપયોગ થતો નથી પણ ઘણાં નિષ્ણાતના મતે લિજ્જતમાં ટીમ તરીકે ખરેખર ટીમવર્ક થાય છે.

...લિજ્જત સંસ્થામાં હું પ્રમુખ છું પરંતુ હું કામદાર પણ છું અને મૅનેજર પણ છું. અમારી સંસ્થામાં પ્રમુખ, અન્ય હોદ્દેદાર, મૅનેજમેન્ટ કમિટીના સભ્યો કે સંચાલિકા બહેનો કોઈ બહારની વ્યક્તિ નહિ પરંતુ સંસ્થાના સભાસદ જ હોય છે. સંસ્થામાં સભાસદ બનવા માટે કોઈ શેર ખરીદવાની કે નાણા રોકવાની જરૂર નથી. જે સભ્ય બને તેમણે રોજના ઓછામાં ઓછા ત્રણ કિલો પાપડ વણવા પડે છે કે અન્ય કામ કરવું પડે છે. સંસ્થામાં જેઓ નિષ્ક્રિય બને કે કામ કરતા બંધ થાય તેમનું સભ્યપદ આપોઆપ રદ થાય છે અને છૂટા થતા સભ્યોનો સંસ્થામાં કોઈ હક્ક કે હિસ્સો રહેતો નથી.

....સંસ્થામાં ક્યા બહેને શું કામ કરવું એ અમે આપસમાં ચર્ચા વિચારણા કરીને નક્કી કરીએ છીએ અને તેમાં કોઈ બહારની વ્યક્તિનો અભિપ્રાય કે સલાહ લેવાતી નથી. કોઈ બહેન ઊંચા નથી કે કોઈ બહેન નીચા નથી. કોઈ બહેન ઉપરી નથી કે કોઈ બહેન તાબેદાર નથી. કોઈ બહેને કોઈનો હુકમ માનવો રહેતો નથી. અમારે ત્યાં જે બહેન સ્વેચ્છાએ વધુ જવાબદારી લે અને વધુ કામ કરે તેમને વધુ માન મળે છે.

...અમે બધાં અમારી સ્વેચ્છાએ કામ કરીએ છીએ. અમને કોઈ અમુક કામ કરવાની ફરજ પાડતું નથી. ખરીદી, વેચાણ, સંચાલન, વહીવટ, જે કહો તે તમામ કામ અમે જાતે, એક બીજાના સંપર્કમાં રહીને, એક બીજાને પૂછીને અને સર્વસંમતિના ધોરણે કરીએ છીએ. અમારે શું મહેનતાણું લેવું એ પણ અમે જાતે જ નક્કી કરીએ છીએ અને સંયોગો પ્રમાણે તેમાં વધારો કે ઘટાડો કરીએ છીએ. સંસ્થાના તમામ નીતિ નિયમો અને ધારા ધોરણ સંસ્થાની સ્થાપના થઈ તે અગાઉ નહિ પણ સંસ્થાની સ્થાપના થયા પછી રોજે રોજ થયેલા જાત અનુભવના આધારે ઘડાયા છે.

....સંસ્થાને અત્યાર સુધીમાં સારા અને ખરાબ ઘણા અનુભવ થયા છે. આ દરેક અનુભવને અમે શિક્ષણનો પાઠ માનીએ છીએ. અમારા મૂળભૂત ધ્યેયોને ભૂલ્યા વિના અનુભવના આધારે સંસ્થાનું ઘડતર કરતા રહીએ છીએ. હજુ લિજ્જતનો વિકાસ પૂર્ણ થયો નથી. હજુ તો અમારે ઘણી લાંબી મજલ કાપવી બાકી છે."

શું લિજ્જત સંસ્થાના સભ્યો વચ્ચે ગંભીર મતભેદ, ઝગડા, વાદવિવાદ, કજિયા થતાં નથી ? અને થાય તો એનો ઉકેલ કેવી રીતે લાવવામાં આવે છે ?

જેમ કોઈ પણ બહોળા કુટુમ્બમાં થાય તેમ લિજ્જતમાં પણ મતભેદ, વિવાદ, ઝગડા, તકરાર બધું જ થાય છે. લિજ્જતમાં ઘૂસપૂસ વાતો કે ખાનગીમાં ખટપટ કરવાની મનાઈ છે. પણ પ્રત્યેક બહેનને જાહેરમાં પોતાનો અવાજ ઉઠાવવાની, કોઈની પણ બેધડક ટીકા કરવાની, પોતાનો અસંતોષ વ્યક્ત કરવાની, દલીલો કરવાની, પોતાનો અભિપ્રાય જોશભેર કહેવાની, કે બીજાને પોતાની વાત સમજાવવાની કોશિશ કરવાની ૧૦૦ ટકા છૂટ છે. સંસ્થામાં આવા શોરબકોરના અવાજ અનેક વખત સાંભળવા મળે છે. સંસ્થામાં કોઈ પણ બહેનને લિજ્જત વિશે બોલતા કે ટીકા કરતા ક્યારે પણ અટકાવવામાં આવતા નથી.

આ સાથે સંસ્થામાં બહેનોએ પોતાની મરજીથી કેટલાંક એવા નિયમો પણ બનાવ્યા છે કે જેના કારણે પરિસ્થિતિ હદથી બહાર વણસતી નથી. પહેલો નિયમ એવો છે કે કોઈ પણ બહેનની અંગત, ખાનગી, વ્યક્તિગત, કૌટુંબિક કે પારિવારિક બાબતો, તેમની આર્થિક સ્થિતિ, નાત-જાત, ધર્મ વગેરેની ચર્ચા કરવાની વાત તો એક બાજુએ રહી, તેનો ઉલ્લેખ સુધ્ધાં કરવાની કડક મનાઈ છે. લિજ્જત સંસ્થામાં ફક્ત લિજ્જત વિશે જ વાત કે ચર્ચા થઈ શકે છે. લિજ્જત સિવાયની કોઈ પણ બાબતની જેમણે જે ચર્ચા કરવી હોય તે સંસ્થાની બહાર જઈને કરવી રહે છે.

સંસ્થામાં જે કોઈ મતભેદ, વિવાદ, ઝગડો, તકરાર વગેરે થાય તેનો તે ને તે દિવસે અને તે સ્થળે જ નિકાલ લાવવો રહે છે કેમકે બીજા દિવસે સંસ્થામાં આવીને આપણી વચ્ચે આ બાબતમાં ઝગડો થયો હતો એવું યાદ કરાવવાની કોઈને છૂટ નથી. આજનો ઝગડો કાલ પર લઈ જઈ શકાતો નથી. જો કોઈ બે બહેનો પોતાના મતભેદનો જાતે ઉકેલ લાવી ન શકે તો તેમણે આ વાત કોઈ ત્રીજા બહેનને સુપરત કરી તેઓ જે ફેંસલો આપે તે માન્ય રાખવો પડે છે. બહેનો વચ્ચે જે અંદરોઅદર મતભેદ, વિવાદ, ઝગડો ઊભો થાય તેમાં સંસ્થાના કર્મચારીઓ એટલે કે પગારદાર સ્ટાફ કે સંસ્થા બહારની કોઈ વ્યક્તિને વચ્ચે પડવાની છૂટ નથી. બહેનોએ પોતાના મતભેદનો ઉકેલ જાતે જ, કોઈ ત્રીજી પાર્ટીની મદદ વિના જ લાવવો રહે છે.

લોકોમાં સાચી માહિતીનો અભાવ હોય અથવા તો જ્યાં જે સમયે જરૂરી માહિતી મળવાનું ખૂબ જ અગત્યનું હોય ત્યાં તે માહિતી સમયસર ન પહોંચે એ સમસ્યા લિજ્જતમાં કેટલી ગંભીર છે ?

લિજ્જત સંસ્થામાં માહિતીના અભાવ એટલે કે કોમ્યુનિકેશન ગેપનો પ્રશ્ન ઠીક ઠીક ગંભીર છે અને તેનો કોઈ સરળ ઉકેલ સંસ્થાને હજુ મળ્યો નથી. સંસ્થામાં ઘણી વખત એવું બને છે કે જે સમયે જે કામ થવું જોઇએ તે સમયે તે ન થાય અને તો ઘણી વખત એકનું એક કામ બે જણ કરી નાખે. અને સમય તથા શક્તિનો ખોટો બગાડ થાય. જેમણે જે બાબત જાણવી ખૂબ જ જરૂરી હોય તેમના સુધી તે વાત પહોંચે જ નહિ. સંસ્થામાં કોમ્યુનિકેશન ગેપના કારણે બહારની વ્યક્તિ સમક્ષ ઘણી વખત શરમથી નીચું જોવાની કે માફી માગવાની નોબત પણ આવે છે. આમાં નવાઈ જેવું કંઈ નથી. કોઈ પણ સપાટ એટલે કે હૉરિઝોન્ટલ વ્યવસ્થાતંત્રમાં માહિતીનું પ્રસારણ કે ફેલાવો ઝડપી કે અસરકારક રીતે થતા નથી. વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધો ગાઢ હોતા નથી તથા દરેક વ્યક્તિની જવાબદારી કેટલી છે તેની બહુ સ્પષ્ટતા હોતી નથી. જ્યાં કોમ્યુનિકેશન ગેપ હોય ત્યાં સ્વાભાવિકપણે જ કામ બગડે અને પરસ્પર દોષારોપણ, આક્ષેપબાજી, ઝગડા-ટંટા થતાં રહે.

આ બાબતનો કોઈ ઇલાજ નથી એવું નથી. સપાટ વ્યવસ્થાતંત્ર ત્યારે જ સરળતાથી ચાલે અને સફળ બની શકે જ્યારે તેમાં ભાગ લેતા બધાં લોકોને બધી જ ગતિવિધિની ખબર હોય. આ એક બહુ મોટી વાત છે. કદાચ વહેવારુ રીતે શક્ય નથી. પણ વધુમાં વધુ લોકોને વધુમાં વધુ જાણકારી મળે તે માટે તો ચોક્કસ પ્રયાસ કરી શકાય. આથી જ સંસ્થામાં કશું ખાનગી નથી, દરેક બાબત જાહેર છે એવી નીતિ પહેલેથી જ અપનાવવામાં આવી છે. લિજ્જત પત્રિકાનું પ્રકાશન પણ એટલા માટે શરૂ કરવામાં આવ્યું છે કે સંસ્થામાં ખૂણે ખૂણે કોઈ પણ શાખા કે વિભાગમાં બનતી નાનામાં નાની ઘટનાની જાણ પણ બધાને કરી શકાય. એક શાખાના બહેનો બીજી શાખાની મુલાકાત લે તે બહુ ઇચ્છવાયોગ્ય ગણવામાં આવે છે અને લગભગ દરેક શાખા પર બહેનો થોડા દિવસ ઊતરીને રહી શકે તેવી સગવડ કરવામાં આવે છે. પણ આ બધામાં સૌથી અગત્યની બાબત છે જાગૃત થવાની. 'કોઈ આપણને કંઈ ન કહે તો વાંધો નહિ, આપણે જ બધાને પૂછતા રહેવાનું' આ માત્ર એક વાક્ય બધા બહેનો યાદ રાખે તો તેઓ કોમ્યુનિકેશન ગેપનો જંગ સહેલાઈથી જીતી જાય.

સંસ્થા સંચાલનની દૃષ્ટિએ લિજ્જત સમક્ષ સૌથી મોટું ભયસ્થાન ક્યુ છે ?

સંસ્થાના મેનેજમેન્ટની દૃષ્ટિએ લિજ્જત સમક્ષ સૌથી મોટું ભયસ્થાન સંસ્થા વિશે સાચી સમજણના અભાવનું છે. જો સંસ્થાના બહેનોને સંસ્થામાં પોતાનો દરજ્જો શું છે, પોતાનું સ્થાન શું છે, પોતાની જવાબદારી શું છે, પોતાની ફરજ શું છે, પોતે કોના માટે કામ કરે છે, શા માટે કામ કરે છે, તેમણે શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ, આ બધી બાબતની સાચી જાણકારી કે સમજ ન હોય તો તેના જેવી જોખમી વાત બીજી એકેય નથી.

સંસ્થાના પ્રત્યેક બહેનને એ સ્પષ્ટપણે સમજાઈ જવું જોઇએ કે હું સંસ્થાની માલિક છું, હું એકલી નહિ પણ અમે બધા બહેનો સામૂહિક રીતે માલિક છીએ. એક માલિક તરીકે મારા પર ગંભીર જવાબદારી છે. મારે માલિક તરીકે જાત-મહેનત કરી કમાવાનું છે અને સંસ્થા સારી રીતે ચાલે તેનું ધ્યાન રાખવાનું છે. હું લિજ્જતના વિશાળ કુટુમ્બની સભ્ય છું. બીજા બહેનો પ્રત્યે મારું વર્તન અને મારી ભાવના કુટુમ્બના એક સભ્યને બીજા પ્રત્યે હોય તેવી જ રહેવી જોઇએ. લિજ્જત પરિવાર સર્વોદયની ફિલસૂફીમાં શ્રદ્ધા ધરાવે છે. આ સર્વોદય એટલે શું તેનો બહેનોને ખ્યાલ હોવો જોઇએ.

છગનબાપા અને દત્તાણીબાપાએ ઘણા સમય સુધી બહેનોને દરેક વાતની તાલિમ અને શિક્ષણ આપ્યા હતા. હવે લિજ્જત વિશે સાચી સમજણ ફેલાવવાની જવાબદારી મુંબઈ-થાણેની અને દેશભરની તમામ શાખા અને વિભાગોની સંચાલિકા બહેનો પર આવી ગઈ છે. સંસ્થાની મૅનેજિંગ કમિટીના સભ્યોએ એ જોવું રહે છે કે દરેકે દરેક શાખામાં લિજ્જત વિશે સાચી સમજનું અજવાળું રેલાતું રહે. લિજ્જત સંસ્થા શું છે તેની સમજ જેમ જેમ ઓછી થશે તેમ તેમ એક સાંધી ત્યાં તેર તૂટે એવી સ્થિતિ બધે ઊભી થવા લાગશે. લિજ્જતમાં કામ કરતા જે બહેન પોતાને સંસ્થાના માલિકના બદલે નોકર સમજે કે પોતાના હક્ક, ફરજ કે જવાબદારીથી અજ્ઞાન રહે તે બહેન જેમને ડ્રાઇવિંગ ન આવડતું હોય અને છતાં મોટરકાર ચલાવતા હોય તેવા માણસ જેવા છે. એવી સ્થિતિ કોઈ રીતે ચલાવી શકાય નહિ. સંસ્થામાં લિજ્જત વિશે સાચી સમજણનું શિક્ષણ અનિવાર્ય છે. તેનો બીજો કોઈ વિકલ્પ નથી.

આ શિક્ષણ બહેનોમાં કેવી રીતે ફેલાવી શકાય ? ક્યો રસ્તો સૌથી સારો છે - ભાષણ, પરિસંવાદ, કાર્યશાળા (વર્કશોપ), શૈક્ષણિક રમતો, દસ્તાવેજી ચલચિત્રો, પરિપત્રો, ચિત્રો અને મુદ્દા સાથે રજૂઆત (પાવર પૉઈન્ટ પ્રેઝન્ટેશન), નાટક અને મનોરંજન કાર્યક્રમ વગેરે કેટલા ઉપયોગી છે ? કે પછી સ્પર્ધા અને હરીફાઈ યોજી શિક્ષણ આપવું જોઇએ ?

લિજ્જત એક સાદી સંસ્થા છે. તેને કોઈ અટપટી મૅનેજમેન્ટ શિક્ષણ ટેકનિકની જરૂર નથી. લિજ્જત સંસ્થાએ બહેનોમાં લિજ્જત વિશે સાચી સમજણ કેળવવા માટે ૧૯૬૦ના દાયકાથી એક સ્વશિક્ષણનો અનોખો અને ખૂબ જ અસરકારક પ્રયોગ કર્યો છે. આ પ્રયોગને લિજ્જતમાં 'એરિયા મીટિંગ' તરીકે ઓળખવામાં આવે છે. આ એરિયા મીટિંગ સંસ્થાની સંખ્યાબંધ શાખાઓમાં અનેકવાર યોજાઈ ગઈ છે અને સંસ્થા વિશે બહેનોમાં સાચી સમજણ કેળવવામાં અને ખોટા ખ્યાલ દૂર કરવામાં ખૂબ જ અસરકારક પુરવાર થઈ છે. સંસ્થાના બહેનોને આ પ્રવૃત્તિ ઘણી ગમી હતી.

લિજ્જત સંસ્થા વિશે બહેનોમાં સાચી સમજ કેળવવામાં અને ખોટી અને ભ્રામક માન્યતા દૂર કરવામાં એરિયા મીટિંગોએ ખૂબ અગત્યનો ફાળો આપ્યો છે. ૧૯૭૫ની સાલ પછી એરિયા મીટિંગની પ્રવૃત્તિને નવા જોશ સાથે શરૂ કરવામાં આવી હતી. ૧૯૭૦ના દાયકાની એરિયા મિટિંગની મહેનત જ્યારે ૧૯૮૦ના દાયકામાં સંસ્થા માટે મુશ્કેલી અને કસોટીનો કાળ આવ્યો ત્યારે ઘણી કામ આવી. ૧૯૮૦ના દાયકામાં સંસ્થા બહારના તત્વોએ સંસ્થાના મુંબઈના બહેનોની ઘણી હેરાનગતી કરી હતી પણ આગલા દાયકાની એરિયા મીટિંગના અનુભવને કારણે બહેનોમાં સંપ, સંગઠન અને સમજદારી એટલા વધ્યા હતા કે સંસ્થા એ બધી મુશ્કેલી સહેલાઈથી વટાવી શકી હતી. જો એરિયા મીટિંગ ન થઈ હોત તો સંસ્થા ૧૯૮૦નો દાયકો વટાવી ૧૯૯૦ના દાયકા સુધી પહોંચી જ શકી ન હોત.

"હવે એરિયા મીટિંગની જરૂર નથી, બહેનોને બધી ખબર છે, એરિયા મીટિંગથી સંસ્થામાં મુશ્કેલી ઊભી થઈ શકે, કદાચ બહેનો ખોટા રસ્તે જઈ શકે", આવી બધી વાતો સંસ્થામાં પહેલેથી જ થતી આવી છે. આવી વાતો લિજ્જતના મૂળભૂત વિચારો સાથે સુસંગત નથી. લિજ્જતમાં એક કુટુંબ તરીકે જીવવાનું શીખવા માટે દેશભરમાં દરેક શાખા અને દરેક વિભાગમાં એરિયા મીટિંગની પ્રવૃત્તિ પુરા જોશથી ચાલવી જોઇએ. તે સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

લિજ્જત સંસ્થા સમક્ષ એવો કોઈ ભય છે કે જેના વિશે બહેનોએ સાવધ રહેવું જોઇએ ?

લિજ્જત એક સફળ સંસ્થા બની રહી છે. આ સફળતા જ તેની સામે એક મોટું જોખમ ઊભું કરે છે કેમકે સફળતાને કારણે મનમાં એક પ્રકારની આત્મસંતોષની લાગણી જન્મે છે. આ આત્મસંતોષ ક્યારે વધુ પડતા આત્મવિશ્વાસ (over confidence)માં બદલાઈ જાય અને ક્યારે સંસ્થામાં નિષ્ક્રિયતા પ્રવેશી જાય તેની ખબર પડતી નથી સંસ્થામાં નિષ્ક્રિયતા આવે ત્યારે તેની પડતી શરૂ થવાના દિવસો દૂર હોતા નથી.

જે સંસ્થા પોતાની પાછલી સફળતાને ભૂલી સતત પ્રગતિના પંથે ચાલતી રહે, પોતાના વિકાસ અને પોતાના ફેલાવા પર ધ્યાન કેન્દ્રિત કરે અને હંમેશા પોતાના ભવિષ્યનો જ વિચાર કરે તે જ આજના જમાનામાં જીવી શકે.

લિજ્જત સંસ્થાને જે જે અનુભવ થયા તેમાંથી અન્ય કોઈ સંસ્થાને કંઈ શીખવા મળી શકે ખરું ? લિજ્જત સંસ્થાના આદર્શ, વિચારધારા કે કામકાજની રીતભાતને બીજી કોઈ સંસ્થા અપનાવી શકે ?

જે રીતે પથ્થરમાં શિલાલેખ કોતરીને કેટલીક ઐતિહાસિક ઘટના સાચવી રાખવામાં આવતી હોય છે તેવી રીતે લિજ્જત સંસ્થાને જે જે અનુભવ થયા છે તે ખૂબ જ જાળવીને કાયમ માટે સાચવી રાખવા જેવા છે કેમકે તે અનેક લોકોને અનેક રીતે ઉપયોગી થાય તેવા છે. જેમના મન બંધિયાર નથી, ખુલ્લા છે, જેમને નવા પ્રયોગો કરવામાં રસ છે, જેમને પ્રત્યેક માણસના દિલમાં રહેલ સદભાવનામાં શ્રદ્ધા છે, જેમને બહેતર વિકલ્પની ખોજ છે તેમને લિજ્જતમાંથી ઘણું શીખવા મળી શકે તેમ છે. લિજ્જતનું મોડલ ફોલો કરવું, લિજ્જતનું અનુકરણ કરવું, તેના આદર્શ, તેની વિચારધારા અપનાવવી, તેની કાર્યપદ્ધતિ અપનાવવી, એ બધું ભલે સહેલું નથી તો તે અશક્ય પણ નથી. આ આખી બાબત સંસ્થામાં કામ કરતા હોય તેમની નિષ્ઠા, પ્રતિબદ્ધતા, શ્રદ્ધા, દીર્ઘદૃષ્ટિ. મુશ્કેલી સહન કરવાની શક્તિ વગેરે પર આધાર રાખે છે. લિજ્જત સંસ્થાનો પૂરતો અભ્યાસ કર્યા વિના કે તેની મૂળભૂત વિચારધારાને આત્મસાત્ કર્યા વિના લિજ્જતની માત્ર બે-ચાર બાબતો અપનાવવાથી લિજ્જત જેવી સફળતા મેળવી શકાય નહિ.

વ્યવસ્થાતંત્ર અને વહીવટ

લિજ્જત સંસ્થાનું વ્યવસ્થાતંત્ર સમજાવશો ? સંસ્થાનો વહીવટ કેવી રીતે ચલાવવામાં આવે છે ?

લિજ્જત સંસ્થાનું વ્યવસ્થાતંત્ર સમજવા માટે આપણે તેના ઇતિહાસ પર એક નજર નાખવી પડશે. લિજ્જતની શરૂઆત એક નાનકડા અખતરા તરીકે તા. ૧૫મી માર્ચ, ૧૯૫૯ના રોજ થઈ હતી. શરૂઆતના ૭ વર્ષ એટલે કે ૧૯૫૯ થી ૧૯૬૬ની સાલ સુધી તે એક અવિધિસરની સંસ્થા તરીકે કોઈ પણ લેખિત બંધારણ વિના ચાલતી રહી હતી. સંસ્થાનો એક માત્ર આધાર હતો તેનું પ્રતિજ્ઞાપત્રક. તે સિવાય સંસ્થામાં કોઈ લેખિત રૂલ્સ કે રેગ્યુલેશન ન હતા. બહેનોની મરજી પ્રમાણે વહીવટ ચાલતો હતો અને નિયમો ઘડાતા અને બદલાતા રહેતા હતા. સંસ્થાનું પ્રતિજ્ઞાપત્રક અને છગનબાપાને પૂછી-પૂછી દત્તાણીબાપા દ્વારા અપાતું સક્રિય માર્ગદર્શન એ બન્ને બાબત એટલી અસરકારક હતી કે શરૂઆતના સાત વર્ષ સુધી લેખિત બંધારણની કોઈ જરૂર ઊભી જ ન થઈ હતી.

સંસ્થાનું વેચાણ આ ૭ વર્ષમાં રૂપિયા ૬ હજારથી વધતું રહી રૂપિયા ૫ લાખની સપાટીએ પહોંચતા છગનબાપાને લાગ્યું કે હવે લિજ્જતને કાયમી અને વિધિસરનું સ્વરૂપ આપવું જરૂરી છે. તેમણે કરેલી ભલામણને કારણે ખાદી અને ગ્રામોદ્યોગ પંચના તે સમયના અધ્યક્ષ શ્રી ઢેબરભાઈએ સંસ્થાની તા. ૧૦મી જુલાઈ, ૧૯૬૬ના રોજ મુલાકાત લીધી અને બહેનોને લેખિત બંધારણ અપનાવવા આગ્રહ કર્યો. બંધારણ ઘડવામાં સંસ્થાને મદદ કરવા તેમણે પોતાના એક અધિકારીની સેવા પણ આપી. શ્રી ઢેબરભાઈની સલાહ પ્રમાણે લિજ્જતને એક સોસાયટી તરીકે અને એક પબ્લિક ટ્રસ્ટ તરીકે રજિસ્ટર કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ હેતુથી બધાં બહેનોની સૌથી પહેલી વિધિસરની જનરલ મીટિંગ તા.૨૫મી જુલાઈ, ૧૯૬૬ના રોજ બોલાવવામાં આવી અને તેમાં એક પાનાનું બનેલું તદ્દન નાનું લેખિત બંધારણ એટલે કે આર્ટિકલ્સ ઑફ એસોશિયેશન અપનાવી સંસ્થાને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું. તા.૧૨મી ઓગસ્ટ, ૧૯૬૬ના રોજ લિજ્જતને ધિ સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ, ૧૮૬૦ની જોગવાઈ પ્રમાણે રજિસ્ટ્રેશન મળ્યું. તા. ૧૭મી સપ્ટેમ્બર, ૧૯૬૬ના રોજ ખાદી અને ગ્રામોદ્યોગ પંચ તરફથી વિધિસરની માન્યતા મળી. અને તા. ૧૯મી ડિસેમ્બર, ૧૯૬૬ના રોજ ધિ બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ, ૧૯૫૦ની જોગવાઈ અનુસાર એક પબ્લિક ટ્રસ્ટ તરીકે રજિસ્ટ્રેશન મળ્યું.

સંસ્થાના ૧૯૬૬ના મૂળ આર્ટિકલ્સ ઑફ એસોશિયેશનમાં અત્યાર સુધીમાં ઘણા સુધારા વધારા થયા છે. આ આર્ટિકલ્સની જોગવાઈ પ્રમાણે સંસ્થાની તમામ પ્રવૃત્તિ તેની ૨૧ સભ્યોની બનેલી મૅનેજિંગ કમિટી ચલાવે છે અને કોઈ પણ નિર્ણય લેવાનો અધિકાર એક માત્ર આ કમિટી પાસે છે. આ મૅનેજિંગ કમિટી એક પ્રમુખ, એક ઉપ-પ્રમુખ, બે માનદ મંત્રી, બે ખજાનચી અને ૧૫ અન્ય સામાન્ય સભ્યોની બનેલી હોય છે. સંસ્થામાં કોઈ અલગ બોર્ડ ઑફ ટ્રસ્ટીઝ નથી. મૅનેજિંગ કમિટીના સભ્યો જ તેઓ જ્યાં સુધી મૅનેજિંગ કમિટીમાં હોય ત્યાં સુધી પોતાના હોદ્દાની રૂએ સંસ્થાના ટ્રસ્ટી તરીકે પણ ફરજ બજાવે છે.

સંસ્થાની જનરલ બોડી આ મૅનેજિંગ કમિટીને ચૂંટી કાઢે છે. જ્યારે મૅનેજિંગ કમિટી સંસ્થાના હોદ્દેદાર એટલે કે પ્રમુખ, ઉપ-પ્રમુખ વગેરેની દર સાલ એક વર્ષ માટે નિમણૂક કરે છે. આ મૅનેજિંગ કમિટી કાયમી બોડી છે. તેના ત્રીજા ભાગના સભ્યો વારાફરતી નિવૃત્ત થાય છે અને તેમના સ્થાને નવા સભ્યોની વરણી સંસ્થાની વાર્ષિક સામાન્ય સભામાં કરવામાં આવે છે. નિવૃત્ત થતા સભ્યો ફેરચૂંટણી માટે ઊભા રહી શકે છે. લિજ્જત સંસ્થાનું આ વહીવટી માળખું દેશભરની અન્ય પ્રતિષ્ઠિત જાહેર સંસ્થાઓ જેવું જ છે.

લિજ્જત સંસ્થાનું કાનૂની સ્વરૂપ ભલે ગમે તે પ્રકારનું હોય, પણ તેનો આત્મા, તેનું મૂળ સ્વરૂપ તો સંસ્થાના પ્રતિજ્ઞાપત્રક અને “સંસ્થાના મૂળભૂત વિચારો અને પ્રણાલિકા” પુસ્તિકામાં જણાવ્યા પ્રમાણેનું જ રહ્યું છે અને ભવિષ્યમાં પણ રહેશે. સંસ્થાના વહીવટમાં જ્યારે પ્રતિજ્ઞાપત્રકનું કે સંસ્થાના મૂળભૂત વિચારો અને પ્રણાલિકાનું પાલન નહિ થાય ત્યારે સંસ્થાનું નામ ભલે લિજ્જત રહેશે પણ સંસ્થામાં કોઈ લિજ્જત નહિ રહે. એ એક આત્મા વિનાનું, ચેતન વિનાનું ખાલી ખોળિયું બની રહેશે. આજે પણ લિજ્જત સંસ્થાનો વહીવટ તેના ૧૯૫૯ થી ૧૯૬૬ સુધીના બંધારણ અગાઉના દિવસોના વહિવટ કરતાં મૂળભૂત રીતે જુદો નથી.

દર સાલ ચૂંટણી કેવી રીતે યોજવામાં આવે છે ? તમારે ત્યાં મૅનેજિંગ કમિટીમાં ચૂંટાવા માટે અને હોદ્દેદાર બનવા માટે પડાપડી થતી હશે, નહિ ?

સંસ્થામાં દર સાલ મૅનેજિંગ કમિટીના એક તૃતીયાંશ સભ્યોની કરવામાં આવતી વાર્ષિક ચૂંટણીને કોઈ મહત્વ આપવામાં આવતું નથી. આ ચૂંટણી માટે મતપત્રક અને મતદાનના બદલે સર્વસંમતિથી વરણીની પ્રથા પહેલેથી અપનાવાઈ છે. જ્યારે વાર્ષિક સામાન્ય સભાનો સમય નજીક આવે ત્યારે ખાલી પડતી જગ્યા માટે ઉમેદવારીપત્રક મંગાવતા પહેલા બહેનો એકબીજા સાથે સલાહ-મસલત કરી ઉમેદવારના નામ નક્કી કરી લે છે અને જેટલી જગ્યા ખાલી પડી હોય તેટલા બહેનો જ ઉમેદવારીપત્રક ભરે છે અને તે બહેનો સર્વાનુમતે ચૂંટાઈ આવે છે.

લિજ્જતની મૅનેજિંગ કમિટીમાં આવવા માટે કે સંસ્થામાં હોદ્દેદાર બનવા માટે કોઈ પડાપડી થતી નથી કેમ કે લિજ્જતમાં જે આગેવાન બને તેમણે સમયનો ખૂબ ભોગ આપવો પડે છે, કામ ઘણું કરવું પડે છે, કોઈ સલામ કરતું નથી, કોઈના પર હુકમ ચલાવી શકાતો નથી, કોઈ ગેરરીતિ કરી શકાતી નથી, હોદ્દાનો કોઈ ગેરલાભ ઉઠાવી શકાતો નથી, સંસ્થાની બધી જવાબદારી માથે લેવી પડે છે, અને ગમે તેટલું સારું કામ કરવા છતાં જશના બદલે જોડા મળવાના ચાન્સ ઘણા વધારે હોય છે. આથી ‘ઓલ વર્ક એન્ડ નો પ્લે’’ જેવી મૅનેજિંગ કમિટીમાં આવવા તૈયાર થાય તેવા બહેનોને શોધવા જવું પડે છે.

ભલે ગમે તે પરિસ્થિતિ હોય, ચૂંટણી તો થવી જ જોઇએ. લિજ્જત સંસ્થાને લોકશાહીમાં અને ખુલ્લી ચૂંટણી યોજવામાં શું શ્રદ્ધા નથી

લોકશાહી અને ખુલ્લી ચૂંટણી ખૂબ જ આવકાર્ય અને વહીવટ ચલાવવા માટે શ્રેષ્ઠ પદ્ધતિ છે તેમાં તો કોઈ શંકા હોય શકે જ નહિ. આમ છતાં લિજ્જત જેવી સર્વોદય પ્રેરિત સંસ્થા માટે તો બહુમતી કે સૌથી મોટી લઘુમતિના રાજ કરતાં સર્વસંમતિનું રાજ એ શ્રેષ્ઠ કરતાં પણ વધુ સારો - ’બેટર ધેન બેસ્ટ’ વિકલ્પ છે. શરત એટલી છે કે આવો વિકલ્પ સર્વમાન્ય રહેવો જોઇએ. ઈશ્વરની કૃપાથી લિજ્જતમાં સર્વાનુમતે ચૂંટણી યોજવાની પ્રથા સફળતાથી ચાલી રહી છે. સર્વાનુમતે ચૂંટણી થતી હોવાના કારણે બહેનોમાં સંપ અને એકતા જળવાય રહે છે અને ક્યારેક મતભેદ થવા છતાં મનભેદ થતો નથી. સંસ્થામાં પક્ષાપક્ષી, આંતરિક વિખવાદ, હૂસાતુસી, એકબીજા માટે કડવાશની લાગણી વગેરે ઊભા થતાં નથી અને ઊભા થાય તો વધુ વખત ટકતા નથી.

સંસ્થાનું મુખ્ય કામકાજ કેવી રીતે ચાલે છે ?

લિજ્જતમાં મૅનેજિંગ કમિટી સૌથી વધુ શક્તિશાળી અને નિર્ણય લેવાની બાબતમાં સૌથી ઉપરવટની સત્તા છે. સંસ્થાને લગતા તમામ નિર્ણય મૅનેજિંગ કમિટી જાતે લે છે અથવા તેની સંમતિને આધિન હોય છે. મૅનેજિંગ કમિટી જે કોઈ નિર્ણય લે તેનો સંસ્થાના વહીવટીતંત્રે અમલ કરવો રહે છે.

સંસ્થાના પ્રમુખ બેવડી ફરજ બજાવે છે. તેમણે મૅનેજિંગ કમિટીનું અધ્યક્ષપદ સંભાળવું રહે છે, તેનું સંચાલન કરવું રહે છે, તેની ચર્ચામાં ભાગ લેવો રહે છે અને મૅનેજિંગ કમિટીને યોગ્ય નિર્ણય પર આવવામાં મદદ કરવી રહે છે. બીજી તરફ મૅનેજિંગ કમિટી જે કોઈ નિર્ણય લે તેનો બરાબર અમલ થાય તે માટે વહીવટીતંત્રના મુખ્ય અધિકારી તરીકે યોગ્ય પગલા પણ તેમણે જ લેવા રહે છે. તેમણે સમગ્ર સંસ્થાના તમામ કામકાજ પર સતત દેખરેખ રાખવી પડે છે. હકીકતમાં સંસ્થાના પ્રમુખે રોજના ૨૪ કલાક અને અઠવાડિયાના સાતે દિવસ કામ કરવું પડે છે. તેમના માટે કોઈ છૂટી, કોઈ રજાનો દિવસ કે કોઈ આરામનો સમય હોતો નથી. સંસ્થાની કોઈ પણ જવાબદારી અંતે તો તેમના પર જ આવે છે.

સંસ્થાના પ્રમુખને તેમના કામમાં ઉપ-પ્રમુખ, અન્ય હોદ્દેદાર બહેનો અને મૅનેજિંગ કમિટીના બહેનો મદદરૂપ બને છે. સંસ્થાની સેન્ટ્રલ ઑફિસે અને વહીવટી સ્ટાફે પ્રમુખશ્રી અને અન્ય હોદ્દેદાર બહેનો જે સૂચના આપે તે પ્રમાણે કામ કરવું રહે છે. સંચાલિકાઓ સહિત સંસ્થાના તમામ બહેનો સંસ્થાના પ્રમુખને ખૂબ માન આપે છે અને તેઓ કહે તેમ કરવા હંમેશ તત્પર રહે છે.

લિજ્જત વિકેન્દ્રિત ધોરણે ચાલતી સંસ્થા છે. એટલે સંસ્થાની મુંબઈ-થાણે વિસ્તારની બહાર આવેલી બધી શાખાઓ અને વિભાગો સંપૂર્ણપણે સ્વાયત્ત રીતે ચાલે છે અને પોતાના બધા કામ જાતે જ કરી લે છે. તેમની બધી કામગીરીનું સંકલન સેન્ટ્રલ ઑફિસ મારફત થાય છે. સેન્ટ્રલ ઑફિસ તેમના પર દેખરેખ રાખે છે, માર્ગદર્શન આપે છે અને જરૂરી માહિતી તથા મદદ પૂરી પાડે છે.

શાખાઓ અને વિભાગો એટલે શું ? તેમનું કામ કેવી રીતે ચલાવાય છે ? મુંબઈ-થાણે વિસ્તારની બધી શાખાઓ એક શા માટે ગણવામાં આવે છે ?

લિજ્જતમાં શાખા અને વિભાગ શબ્દનો એક ખાસ અર્થ થાય છે. તે સામાન્ય અર્થમાં સમજવામાં આવે છે તેવી વહીવટી શાખા કે વિભાગ નથી પણ સ્વસંચાલિત ધોરણે ચાલતા સ્વાવલંબી અને સ્વાયત્ત એકમ છે. તેમને શાખા તરીકે ઓળખવામાં આવે છે તે માત્ર એક અકસ્માત છે. આ બાબત સમજવા માટે આપણે લિજ્જત સંસ્થાના ઇતિહાસ ઉપર એક નજર નાખવી પડશે.

શરૂઆતના આઠ વર્ષ એટલે કે ૧૯૫૯ થી ૧૯૬૭ સુધી લિજ્જત સંસ્થા માત્ર એક જ સ્થળેથી ચાલતી સંસ્થા હતી. મુંબઈના ગીરગામ કેન્દ્ર સિવાય અન્ય કોઈ સ્થળે તેનું કામકાજ ફેલાયું ન હતું. ૧૯૬૮ની સાલમાં સંસ્થાની પ્રવૃત્તિનો ફેલાવો કરવા માટે ગીરગામ કેન્દ્રની આબેહૂબ નકલ જેવા અને ગીરગામ કેન્દ્રની માફક પોતાની તાકાત પર ચાલતા કેન્દ્ર એક પછી એક ખોલવાનો અને આવા કેન્દ્રને લિજ્જતની શાખા તરીકે ઓળખ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ શાખા શબ્દ વડના ઝાડનો ફેલાવો જે રીતે થાય છે તેના પરથી પસંદ કરાયો હતો. તે વખતે કલ્પના એવી હતી કે વડના ઝાડમાં જેમ ડાળીમાંથી મૂળિયા બહાર આવે છે અને તે જમીનમાં જઈ તેમાંથી નવું ઝાડ બને છે તેમ લિજ્જતના ગીરગામ કેન્દ્રમાંથી ગીરગામ જેવાં જ નવા કેન્દ્ર બનશે અને આ નવા કેન્દ્રમાંથી ઓર નવા કેન્દ્ર તૈયાર થશે અને વડની શાખાઓમાંથી જે રીતે વિરાટ વટવૃક્ષ બને છે તે રીતે લિજ્જત પણ અનેક શાખાઓ ધરાવતી વિશાળ સંસ્થા ધીમે ધીમે બનશે. લિજ્જત સંસ્થાની અત્યાર સુધીમાં ખોલવામાં આવેલી બધી શાખા તેના મૂળ ગીરગામ કેન્દ્રની આબેહૂબ નકલ સમાન છે અને તે જ રીતે ચાલે છે અને વડના ઝાડની વડવાઈની જેમ જ એકબીજા સાથે જોડાયેલી છે. લિજ્જતની આ બધી શાખાઓને સ્વનિર્ભર બન્યા વિના છૂટકો જ ન હતો કેમકે ગીરગામ કેન્દ્ર બીજા કોઈ કેન્દ્રનો વહીવટી કે આર્થિક બોજ ઉપાડી શકે તેવી તેની સ્થિતિ જ ન હતી.

સંસ્થામાં ૧૯૬૮ના વર્ષથી શાખા ખોલવાનો પ્રારંભ થયો અને પહેલા વર્ષમાં ત્રણ નવી શાખા ખોલવામાં આવી. પહેલી ગુજરાતમાં વાલોડ ખાતે, બીજી મુંબઈમાં વડાલા ખાતે અને ત્રીજી શાખા મહારાષ્ટ્રમાં પૂણે ખાતે ખોલવામાં આવી. વાલોડ અને પૂણે શાખા સંબંધમાં કોઈ મૂંઝવણ કે સવાલ ઊભો ન થયો કેમકે બન્ને મુંબઈથી દૂર હતી. પણ વડાલા શાખાનું કરવું તેની ગંભીર મૂંઝવણ ઊભી થઈ કેમકે ગીરગામ અને વડાલા બન્ને એક જ શહેરમાં, એક બીજાથી નજીક અને એક જ વેચાણ વિસ્તાર ધતાવતા હોવાથી બન્ને કેન્દ્રના બહેનો અને સેલ્સમેનો વચ્ચે નાની નાની બાબતોમાં વિવાદ ઊભા થવાની શક્યતા હતી. ખાસ તો મસ્જિદ બંદરના હોલસેલ વેપારીઓને ક્યાંથી માલ જાય તેનો મોટો સવાલ હતો. મસ્જિદ બંદરનો વેચાણ વિસ્તાર પોતાની પાસે રહે તેવો બન્ને કેન્દ્રના સેલ્સમેનનો આગ્રહ હતો. આથી સંસ્થામાં ખોટો ગજગ્રાહ ઊભો થાય તેની શક્યતા ટાળવા માટે એવો નિર્ણય લેવામાં આવ્યો કે ગીરગામ અને વડાલા બન્ને કેન્દ્ર નાણાકીય દૃષ્ટિએ એક જ લેખાશે અને ભવિષ્યમાં મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં જે કેન્દ્ર શરૂ થાય તે બધા પણ આ નાણાકીય એકમનો હિસ્સો બનશે. નાણાકીય દૃષ્ટિએ એક હોવાનો મતલબ એ હતો કે એ બધા કેન્દ્રની નાણાકીય આવક અને ખર્ચનો સરવાળો થશે અને બધા કેન્દ્રના બહેનો તેના સમાન હિસ્સેદાર બનશે એટલે કે તેમની વણાઈ અને વધારાની વણાઈ એક સરખી જ રહેશે. મુંબઈની આ પ્રથા કલકત્તાના બહેનોએ પણ અપનાવી અને કલકત્તાના બધા કેન્દ્ર નાણાકીય દૃષ્ટિએ એક બન્યા. આ જ રીતે દિલ્હીના એકમ, લુધિયાણાના એકમ અને અન્ય જે જે વિસ્તારમાં એકથી વધુ એકમ હોય તેમને નાણાકીય દૃષ્ટિએ એક જ ગણવામાં આવે છે.

સંસ્થાનો પ્રારંભ મુંબઈમાં થયો હતો એટલે મુંબઈના બધા એકમના સમૂહને હેડ ઑફિસ તરીકે અને મુંબઈ બહાર આવેલા એકમને શાખા તરીકે ઓળખવામાં આવે છે. આ બધી શાખાઓ એક અલગ-અલગ સ્વતંત્ર, સ્વાવલંબી, સ્વાયત્ત, સ્વચાલિત અને સ્વનિર્ભર એકમ છે. તેઓ ન તો મુંબઈ પર કે ન તો એક બીજા પર નાણાકીય દૃષ્ટિએ નભે છે કે ન તો એક બીજાની નાણાકીય બાબતોમાં કોઈ હસ્તક્ષેપ કરે છે.

જ્યારે ૧૯૬૮માં સંસ્થાની શાખાઓ ખોલવાની શરૂઆત થઈ ત્યારે આ શાખાઓનો વહીવટ કેવી રીતે ચલાવવો તેની વિગતવાર ઘણી ચર્ચા થઈ હતી. એ વખતે સંસ્થામાં 'સંચાલિકા' શબ્દ હજુ દાખલ થયો ન હતો. શ્રી પ્રેમકુંવરબહેન દાવડા સંસ્થાના પ્રમુખ હતા અને ગીરગામ એકમની બધી જવાબદારી સંભાળતા હતા. શાખાઓ શરૂ થઈ ત્યારે સ્વાભાવિકપણે તેઓ દરેક શાખા પર જઈ તેની પણ જવાબદારી ઉપાડે તે શક્ય પણ ન હતું અને વ્યવહારુ પણ ન હતું. આથી એવો નિર્ણય લેવાયો કે જે કોઈ નવી શાખા ખૂલે ત્યાં તે શાખાના એકાદ-બે બહેનોએ તે શાખાની બધી જવાબદારી પોતા પર લઈ લેવી અને આ બહેનોને શાખાના 'સંચાલિકા' તરીકે ઓળખવા. શ્રી પ્રેમકુંવરબહેન દાવડાએ સંચાલિકા તરીકે ગીરગામની જવાબદારી સંભાળવી અને તે સાથે પ્રમુખ તરીકે જેટલી નવી શાખા ખૂલે તેની કામગીરી પર દેખરેખ રાખવી. આમ ૧૯૬૮ની સાલથી સંસ્થામાં ‘સંચાલિકા’ શબ્દ વપરાતો થયો.

ઘણાંને એ જાણીને નવાઈ લાગશે કે લિજ્જત સંસ્થામાં તે સમયથી ‘સંચાલિકા’ની સાથે સાથે 'માનદ સંચાલક' શબ્દ પણ વપરાવો શરૂ થયો હતો. સંસ્થાના જે હિતચિંતક ભાઈ જે શાખાનું, તે શાખા પગભર ન થાય ત્યાં સુધી, પુષ્કળ ધ્યાન રાખે તેમને તે શાખાના 'માનદ સંચાલક' તરીકે ઓળખવામાં આવતા હતા. સંસ્થાની સંખ્યાબંધ શાખાઓ જેમકે વાલોડ, મુલુન્ડ, કલકત્તા-કાલિઘાટ, રામાણિયા, હૈદરાબાદ, ચેન્નઈ, મુઝફ્ફરપુર, ભોપાળ વગેરે ઘણી શાખાઓમાં એક સમયે ‘માનદ સંચાલક’ હતા. આ ‘માનદ સંચાલક’ની પ્રથા લિજ્જતની ‘મહિલાની માલિકી’ની મૂળભૂત ભાવના સાથે સુસંગત ન હોવાથી ૧૯૮૦ના દાયકાથી તે સદંતર બંધ કરી દેવામાં આવી છે.

લિજ્જતની મુંબઈ બહાર આવેલી શાખાઓનું લિજ્જતમાં શું સ્થાન છે તે વિશે ઘણાંના મનમાં અસ્પષ્ટતા અને ખોટા ખ્યાલ છે. હકીકતમાં જ્યારથી આ શાખાઓ ખોલવાનું શરૂ થયું ત્યારથી આ બધી શાખાઓ સંસ્થાના મૂળ અને પ્રથમ એકમ ગીરગામ એકમની લઘુ આવૃત્તિ બની રહેશે, ગીરગામની જેમ જ તેની બધી કામગીરી ચાલશે, તેઓ સ્વનિર્ભર, સ્વસંચાલિત અને સ્વાયત્ત બની રહેશે પરંતુ તેમની માલિકી છેવટે તો મુંબઈ હેડ ઑફિસની રહેશે તે બાબત બિલકુલ સ્પષ્ટ છે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કોર્પોરેટ જગતમાં Fully owned subsidiary entity જે પ્રકારે હોય છે, લગભગ તેવું જ સ્થાન મુંબઈ બહારની શાખાઓનું લિજ્જતમાં છે. સંસ્થામાં બહારગામની શાખાઓને પૂરેપૂરું માન આપવામાં આવે છે અને કોઈ પણ નિર્ણય લેવામાં તેમના અભિપ્રાય ધ્યાનમાં રાખવામાં આવે છે છતાં જો કોઈ શાખા સંસ્થાને હાનિ પહોંચાડવાની કે તેની પ્રતિષ્ઠાને ખતમ કરવાની કોશિશ કરે, લિજ્જતના મૂળ માર્ગથી દૂર જતી જણાય કે તેના મૂળભૂત આદર્શ, ધ્યેય, વિચાર કે પ્રણાલિકાઓથી વિરુદ્ધ જવાનો પ્રયાસ કરે તો સ્વાભાવિકપણે તેને તેમ કરવા દેવામાં આવતું નથી.

લિજ્જત સંસ્થા સંપૂર્ણપણે વિકેન્દ્રિત ધોરણે ચાલે છે તેથી તેનો ઝડપી વિકાસ શક્ય બન્યો છે. આમ છતાં સંસ્થાની દરેકેદરેક શાખા કે વિભાગ બહુ સારી રીતે ચાલે છે અને તેમાં કોઈ સુધારાને અવકાશ નથી એવું કહી શકાય તેમ નથી. સંસ્થામાં એવી ઘણી શાખા છે જ્યાં હજુ સંસ્થાના આર્ટિકલ્સ ઑફ એસોશિયેશનમાં જે જોગવાઈ છે તે પ્રમાણે સ્થાનિક મૅનેજિંગ કમિટીની રચના કરવામાં આવી નથી. તો કેટલીક શાખા એવી છે કે જ્યાં સ્થાનિક મૅનેજિંગ કમિટી છે તો ખરી પણ તે નિષ્ક્રિય રહે છે. આવી શાખામાં તમામ કામનો, જવાબદારીનો અને નિર્ણય લેવાનો ભાર માત્ર એક સંચાલિકા બહેન ઉપાડતા રહે છે અને અન્ય બહેનોને શાખાના કામકાજમાં હિસ્સો લેવાની તક મળતી નથી. આનો અર્થ એ થાય કે આવી ઘણી શાખાઓમાં લિજ્જત સંસ્થા શું છે તે ત્યાંના બહેનોને સમજાયું જ નથી. લિજ્જત સંસ્થા વિશે સાચી સમજનો અભાવ ખૂબ જ જોખમી છે અને વહેલી તકે તે ટાળવો જોઇએ.

લિજ્જતના વિવિધ વિભાગોની કામગીરી સમજાવશો ?

લિજ્જતમાં શાખા ખોલવાની શરૂઆત ૧૯૬૮થી થઈ પણ 'વિભાગ' શબ્દ તો છેક ૧૯૭૪થી વપરાવો શરૂ થયો. તે સમયે મુંબઈમાં ગીરગામની નજીક આવેલા નારાયણવાડી વિસ્તારમાં લિજ્જતની એક શાખા હતી. આ નારાયણવાડી શાખાના બહેનોએ તા. ૧૩મી જૂન, ૧૯૭૪ના રોજ લિજ્જત પાપડની સાથે સાથે લિજ્જત ખાખરા બનાવવાની શરૂઆત કરી. સંસ્થામાં લિજ્જત પાપડ સિવાય અન્ય કોઈ ચીજનું ઉત્પાદન શરૂ થવાનો આ પહેલો પ્રસંગ હતો. બહેનોમાં ખૂબ ઉત્સાહ હતો અને એવું લાગતું હતું કે લિજ્જત ખાખરા પણ લિજ્જત પાપડ જેટલા લોકપ્રિય બનશે અને ભવિષ્યમાં તેનું વેચાણ કદાચ લિજ્જત પાપડથી પણ વધી જશે. આ ભવિષ્યની સારી શક્યતાને ધ્યાનમાં રાખી તેનું એક અલગ એકમ બનાવવામાં આવ્યું અને મુંબઈની અન્ય પાપડ શાખાઓ કરતાં તેને અલગ ઓળખ મળે તે માટે તેને 'ખાખરા વિભાગ' તરીકે કહેવાનું શરૂ કરાયું. ત્યારથી એવી પ્રથા શરૂ થઈ કે જે નવું એકમ પાપડ સિવાયની ચીજનું ઉત્પાદન કરે તે વિભાગ કહેવાય. આમ પાપડ બનાવનાર નવા એકમ શાખા બન્યા અને પાપડ સિવાયની અન્ય ચીજ બનાવનાર નવા એકમ વિભાગ બન્યા. પણ આ વિભાગ શબ્દના ઉપયોગ બાબતમાં એક ભૂલ પણ થઈ.

બન્યું એવું કે ૧૯૭૪ની સાલમાં ખાખરા વિભાગ શરૂ થયા પછી તા. ૨૮મી એપ્રિલ, ૧૯૭૫ના રોજ કૉટનગ્રીન ખાતે લોટ દળવાના એક એકમનું શુભ મૂરત કરવામાં આવ્યું. આ એકમનું કામ અડદનો લોટ દળીને જુદી જુદી શાખાઓને પહોંચાડવાનું હતું. તે માત્ર આંતરિક કામગીરી બજાવતું હતું અને ખાખરા વિભાગની જેમ કોઈ સ્વતંત્ર આવક રળતું ન હતું. આમ છતાં ત્યાં પાપડ સિવાયની ચીજ બને છે તે આધારે તેને કૉટનગ્રીન લોટ વિભાગનું નામ અપાયું. હકીકતમાં તેને વિભાગ તરીકે ઓળખ આપવાના બદલે 'સર્વિસ યુનિટ' કે એવી કોઈ અલગ ઓળખ આપવી જોઇતી હતી. આ લોટ વિભાગ શરૂ થયા પછી તેના જેવા અન્ય સર્વિસ યુનિટ જેમકે પોલિપ્રોપિલિન પ્લાન્ટ, દાળ મિલ, પ્રિન્ટિંગ પ્રેસ વગેરે શરૂ થયા તો તે પણ વિભાગ તરીકે ઓળખાવા લાગ્યા.

આમ સંસ્થામાં આજે બે પ્રકારના વિભાગ છે. એક તો પોતાની આવક પોતે રળતા હોય અને સ્વાયત્તપણે ચાલતા હોય તેવા ડિટરજન્ટ વિભાગ, ગેહુ આટા વિભાગ, ચપાતી વિભાગ વગેરે તો બીજા પ્રકારના આંતરિક સર્વિસ યુનિટ કે જેમને કોઈ સ્વતંત્ર આવક નથી, જેમકે જાહેરાત વિભાગ, નાસિક દાળ મિલ વિભાગ વગેરે. લિજ્જતથી પરિચિત ન હોય તેમને ઘણી વખત એવું લાગતું હોય છે કે જેમ અન્ય દાળ મિલ કોન્ટ્રાક્ટ પર કામ લઈ દાળ પીસી આપે છે તેમ લિજ્જતની નાસિક દાળ મિલ પણ જે ગ્રાહક તેને આવે તેને અડદ દાળ દળી આપી પૈસા કમાતી હશે કે અન્ય એડવર્ટાઈઝિંગ એજન્સીની માફક લિજ્જતનો જાહેરાત વિભાગ પણ કમિશન લઈને અન્ય ગ્રાહકોની જાહેરખબર છપાવી આપતો હશે. કોઈ આવી પૂછપરછ કરે ત્યારે સંસ્થાએ ખુલાસો કરવો પડે છે કે આ તો અમારા આંતરિક સર્વિસ યુનિટ છે. તેઓ ડિટરજન્ટ વિભાગની જેમ સ્વતંત્ર કામ કરતાં નથી.

સેન્ટ્રલ ઑફિસ શું છે ? તે શું કામ કરે છે ?

સંસ્થાની સેન્ટ્રલ ઑફિસ આજે સમગ્ર સંસ્થાની કામગીરી સરળતાથી ચાલે તેમાં ઘણો અગત્યનો ભાગ ભજવે છે. સેન્ટ્રલ ઑફિસની શરૂઆત તા. ૧૦મી જુલાઈ, ૧૯૭૫ના રોજ તે સમયે નવા ચણાયેલ બિલ્ડિંગ કમલ એપાર્ટમેન્ટ, વાંદરા ખાતે થઈ ત્યારે તેને માત્ર પત્રવ્યવહાર સંભાળવાની કામગીરી સોંપવામાં આવી હતી. તે સમયે સંસ્થાની વિવિધ શાખાઓ પર જે પત્રો આવે તેનો તત્કાળ જવાબ આપવા જોઇએ તેનું મહત્વ બહેનોને સમજાતું ન હતું અને ઘણી વખત તો ટપાલ ખોલ્યા વિનાની દિવસો સુધી પડી રહેતી હતી. આથી બે પાર્ટ-ટાઈમ કર્મચારી રાખી તેમને પત્ર વ્યવહારની જવાબદારી સોંપવામાં આવી હતી.

સેન્ટ્રલ ઑફિસના સ્ટાફની સારી કામગીરી અને નવું નવું કામ કરવાના ઉત્સાહને કારણે ધીમે ધીમે તેમના પર વધુ ને વધુ જવાબદારી આવતી ગઈ. સ્ટાફની સંખ્યા વધતી ગઈ અને શરૂઆતમાં માત્ર બે-ત્રણ કલાક ખુલ્લી રહેતી ઑફિસ એક તબક્કે રાત-દિવસ જાગતી રહેતી ૨૪ કલાકની ઑફિસ બની ગઈ હતી. સેન્ટ્રલ ઑફિસનું કામ વ્યવસ્થિત થયા બાદ મૅનેજિંગ કમિટીની મીટિંગ ગીરગામના બદલે સેન્ટ્રલ ઑફિસમાં યોજવાનું શરૂ કરવામાં આવ્યું. જુદી જુદી શાખાઓ પર રહેતા અગત્યના રેકોર્ડ સેન્ટ્રલ ઑફિસ પર ખસેડવામાં આવ્યા. સંસ્થાના પ્રમુખે શરૂઆતમાં રોજના થોડા કલાક નિયમિત બેસવાનો પ્રારંભ કર્યો અને કામ વધતું રહેતા પોતાની કાયમી પૂરા સમયની ઑફિસ ત્યાં જ શરૂ કરી. કમલ એપાર્ટમેન્ટની જગ્યા નાની પડતા હવે સેન્ટ્રલ ઑફિસને વાંદરા સ્ટેશન સામે આવેલા ઑરેકલ પોઇન્ટ બિલ્ડિંગ ખાતે ખસેડીને વધુ આધુનિક અને સુસજ્જ બનાવવામાં આવી છે.

સેન્ટ્રલ ઑફિસ હાલ નીચે પ્રમાણેની અગત્યની કામગીરી બજાવે છે :

(ક) સેન્ટ્રલ ઑફિસ સંસ્થાના પ્રમુખ અને મૅનેજિંગ કમિટીનું સેક્રેટેરિયેટ બની ગઈ છે. બન્નેની બધી કામગીરી સેન્ટ્રલ ઑફિસ મારફત થાય છે. સંસ્થાનો બધો મહત્વનો નાણાકીય વ્યવહાર સેન્ટ્રલ ઑફિસ મારફત થાય છે.

(ખ) સંસ્થા અને સંસ્થા બહારની દુનિયા વચ્ચેનો બધો સંપર્ક અને વ્યવહાર સેન્ટ્રલ ઑફિસ મારફત કરવામાં આવે છે. વિવિધ સરકારી દફતર અને એજન્સી, કરવેરા સત્તાવાળા, ખાદી કમિશન, અદાલત અને વકીલો, બૅન્ક, ઑડિટર્સ, અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ, અખબાર અને અન્ય માહિતી માધ્યમ આ બધા સાથેનો વ્યવહાર સેન્ટ્રલ ઑફિસ સંભાળે છે. સંસ્થાને થતી બધી પૂછપરછ, ભલે તે વેપારી પ્રકારની હોય કે અન્ય પ્રકારની, પણ તે સેન્ટ્રલ ઑફિસે સંભાળવી રહે છે.

(ગ) સંસ્થાની તમામ શાખાઓ અને વિભાગો પર દેખરેખ રાખવાની, તેમની વચ્ચે સુમેળ જાળવવાની, સુસંકલન સાધવાની અને તેઓને જરૂરી માહિતી તથા માર્ગદર્શન પૂરા પાડતા રહેવાની જવાબદારી સેન્ટ્રલ ઑફિસની છે. લિજ્જતના પ્રત્યેક એકમની નાણાકીય સ્થિતિ અને તેમના ઉત્પાદનની ગુણવત્તા પર તેની કાયમ નજર રહે છે. સંસ્થાના કોઈ પણ બે એકમ વચ્ચે વિવાદ કે મતભેદ ઊભો થાય તો તેનો નિકાલ સેન્ટ્રલ ઑફિસે લાવવો રહે છે.

(ઘ) સંસ્થા વિશે તમામ માહિતી સેન્ટ્રલ ઑફિસ સતત એકઠી કરતી રહે છે. લિજ્જત વિશેની બધી માહિતી અને આંકડા સેન્ટ્રલ ઑફિસ પાસેથી જેને જોઇએ તેને મળી રહે છે. સંસ્થાના બધા પ્રકાશનો, ચાર ભાષામાં પ્રગટ થતી માસિક 'લિજ્જત પત્રિકા', અને સંસ્થાની ઈન્ટરનેટ વેબસાઈટ 'lijjat.com' પણ સેન્ટ્રલ ઑફિસ સંભાળે છે.

જેમ જેમ સંસ્થાની પ્રવૃત્તિનો વિસ્તાર થતો જાય છે અને સંજોગો તથા વાતાવરણ બદલાતા રહે છે તેમ તેમ સેન્ટ્રલ ઑફિસ પર નવી ને નવી જવાબદારીનો ભાર વધતો જ રહે છે.

શાખાઓ અને વિભાગોનું રોજિંદું કામ કેવી રીતે ચાલે છે ?

સંસ્થાની બધી શાખા અને વિભાગોનું રોજેરોજનું કામકાજ જમાનાજૂની અને અસરકારક પૂરવાર થયેલી ટીપીકલ લિજ્જત સ્ટાઇલમાં ચાલે છે. આ બધા એકમોમાં એક અથવા બે સંચાલિકા, ખપ પૂરતા થોડા કર્મચારીઓનો સ્ટાફ અને મોટી સંખ્યામાં પાપડ વણતા કે તેવી કોઈ ઉત્પાદન પ્રવૃત્તિ કરતાં બહેનો કાર્યરત હોય છે. આમાં એકમાત્ર અપવાદ સર્વિસ યુનિટ ટાઈપના વિભાગો એટલે કે નાસિક દાળ મિલ, કોટનગ્રીન પ્રિન્ટિંગ પ્રેસ વગેરેનો છે. આવા વિભાગોમાં માત્ર પુરુષ કર્મચારી જ હોય અને ત્યાં કોઈ સંચાલિકા બહેન હોય પણ ખરા કે ન પણ હોય તેવું બની શકે. આમ છતાં તેમની કામગીરી સંસ્થાના પ્રમુખ, અન્ય હોદ્દેદાર બહેનો, મૅનેજિંગ કમિટીના સભ્યો કે અન્ય શાખાના સંચાલિકા બહેનોની દેખરેખ અને માર્ગદર્શનને આધિન રહે છે.

આ સર્વિસ યુનિટ ટાઈપના વિભાગોને બાદ કરતાં બાકીના બધાં વિભાગો અને શાખાઓને પૂરેપૂરા સ્વાયત્ત, સ્વનિર્ભર, સ્વાવલંબી, સ્વસંચાલિત(self-managed) અને સ્વશાસિત(self-governed) બની રહેવું પડે છે અને આ એકમોના બહેનોએ જ પોતાના એકમને લગતા તમામ નિર્ણય લેવા પડે છે અને જાતે જ બધી કામગીરી બજાવવી પડે છે. જે જે સ્થાનિક એક વિસ્તારમાં એકથી વધુ શાખાઓ કે વિભાગો આવેલા હોય તેમને સામાન્ય રીતે એક જ નાણાકીય એકમ લેખવામાં આવે છે. જેમકે મુંબઈ-થાણે વિસ્તારની બધી શાખાઓ નાણાકીય દ્રષ્ટિએ એક જ એકમ છે કે કલકત્તાની તમામ શાખાઓ નાણાકીય દ્રષ્ટિએ એક જ છે. કલકત્તાની બધી શાખાઓ પોતાની આવક-જાવકનો સરવાળો કરી પોતાની નાણાકીય હાલતનો પતો લગાવે છે અને ભેગા મળીને જ ઉત્પાદન, વેચાણ, વહીવટ, વણાઈ વગેરેને લગતા નિર્ણય લે છે.

લિજ્જત સંસ્થામાં સૌથી અગત્યની વાત એ છે કે તેની શાખાઓ, વિભાગો કે સર્વિસ યુનિટ ભલે દેશના કોઈ પણ ખૂણામાં આવ્યા હોય, એક બીજાથી સેંકડો માઇલ દૂર હોય, પરંતુ તેઓ લિજ્જતની એક સરખી પદ્ધતિથી કામ કરે છે અને એક સરખા મૂળભૂત વિચારો અને પ્રણાલિકાઓનું અનુસરણ કરે છે. સંસ્થામાં તેની મૂળભૂત ધારાથી અલગ રસ્તે જવાની કોઈને છૂટ નથી. આથી લિજ્જત સંસ્થા સંપૂર્ણપણે વિકેન્દ્રિત ધોરણે ચાલતી હોવા છતાં તેના બધા એકમ એક સમાન લાગે છે અને એક બીજા સાથે સુમેળથી રહી શકે છે.

એવું લાગે છે કે લિજ્જત સંસ્થામાં સંચાલિકાઓ ચાવીરૂપ ભાગ ભજવે છે. શું તેઓ સંસ્થાના ઑફિસર છે, સુપરવાઇઝર છે કે હોદ્દેદાર બહેન છે ?

લિજ્જત સંસ્થામાં સંચાલિકા બહેનો ખૂબ જ અગત્યની અને ચાવીરૂપ કામગીરી બજાવે છે તેમાં કોઈ શંકા નથી. જેમ પાયાના પથ્થર પર આખી ઇમારત ઊભી થાય તેમ સંચાલિકા બહેનની કામગીરી પર શાખાની સમગ્ર કામગીરીનો આધાર રહે છે. જો પાયાના પથ્થર મજબૂત ન હોય તો આખી ઇમારત ક્યારે પડી જશે એ કહેવાય નહિ તેમ જો સંચાલિકા બહેનની કામગીરી નબળી હોય તો તે શાખા ક્યારે બંધ પડી જશે તે કહેવાય નહિ.

સંચાલિકા બહેન ન તો સંસ્થાના કર્મચારી છે કે ન તો ઑફિસર કે સુપરવાઇઝર છે. તેઓ શાખાના અન્ય કોઈ બહેનની જેમ જ એક સામાન્ય માલિક-સભ્ય છે. ૧૯૫૯ થી ૧૯૬૬ સુધી લિજ્જત અવિધિસરની સંસ્થા હતી. ન તો કોઈ બહેન સંચાલિકા હતા કે ન તો કોઈ બહેન કોઈ હોદ્દો ધરાવતા હતા. તા. ૨૫મી જુલાઈ, ૧૯૬૬ના રોજ બહેનોએ મીટિંગ બોલાવી સંસ્થા માટે લેખિત બંધારણ અપનાવ્યું અને શ્રી પ્રેમકુંવરબહેન દાવડા પહેલા પ્રમુખ બન્યા. આમ છતાં સંસ્થામાં કોઈ સંચાલિકા બહેન ન હતા. ૧૯૬૮ની સાલમાં જ્યારે વાલોડ, વડાલા અને પૂણે શાખાની શરૂઆત થઈ ત્યારથી જ લિજ્જતમાં દરેક શાખા માટે એક અથવા સંજોગો પ્રમાણે એકથી વધુ સંચાલિકા હોવા જોઇએ એવી પ્રથા શરૂ થઈ અને શ્રી પ્રેમકુંવરબહેન દાવડા પ્રમુખ હોવા ઉપરાંત અન્ય શાખાઓની જેમ ગીરગામ શાખામાં સંચાલિકા પણ બન્યા.

આ સંચાલિકા બહેન કેવી રીતે બનાય ? શું સંચાલિકાની નિમણૂક કરવામાં આવે છે, કે તેઓ ચૂંટાઈ આવે છે કે તેઓની પસંદગી કરી તેમને પદ પર બેસાડવામાં આવે છે ?

લિજ્જત સંસ્થામાં 'સંચાલિકા' નામનો કોઈ હોદ્દો કે post નથી. જેમ લોકમાન્ય ટિળકને 'લોકમાન્ય'નું અને સરદાર વલ્લભભાઈ પટેલને 'સરદાર'નું બિરુદ લોકોએ જાતે આપ્યું હતું તેમ સારું કામ કરતા બહેનોને 'સંચાલિકા'નું બિરુદ શાખાના બહેનો પાસેથી આપમેળે મળે છે. શાખાના બહેનોની ઇચ્છા વિરુદ્ધ કોઈ બહેન તે શાખાના સંચાલિકા ન બની શકે. સંચાલિકા બહેનની ન તો નિમણૂક કરવામાં આવે છે, ન તો ચૂંટણી કરવામાં આવે છે, ન તો તેમને કોઈ પસંદ કરી પદ પર બેસાડે છે. સંસ્થામાં અત્યાર સુધીમાં જેટલા બહેનો સંચાલિકા બન્યા છે તેમાંથી ભાગ્યે જ કોઈ બહેને સંચાલિકા બનવાની પોતે ઇચ્છા બતાવી હશે. સંસ્થાની પ્રણાલિકા એવી છે કે શાખાના બહેનો જાતે જ પોતાનામાંથી કોઈ યોગ્ય બહેનને શોધી કાઢી તેમને સંચાલિકા બનવાનો આગ્રહ કરે છે. સાથે એ બાબત ભુલાવી ન જોઇએ કે શાખાના બહેનોને જ્યારે એવું લાગે કે સંચાલિકા બહેનમાં બધાં બહેનોએ જે વિશ્વાસ મૂક્યો હતો તેનો તેમણે ભંગ કર્યો છે કે તેઓ સંસ્થાના હિત વિરુદ્ધનું કામ કરી રહ્યા છે તો ઘડીના છઠ્ઠા ભાગમાં તેમને વિદાય આપતા પણ બહેનો અચકાતા નથી.

સંસ્થામાં સંચાલિકાનું સ્થાન સૌથી ગૌરવવંતુ શા માટે લેખાય છે ?

લિજ્જત સંસ્થામાં સંચાલિકા બહેનો તેમ જ સંચાલિકાઓનાં પણ સંચાલિકા એવા પ્રમુખનું સ્થાન સૌથી ગૌરવવંતુ લેખાય છે, તેઓને ખૂબ જ માન અને આદર મળે છે અને તેમની ઇચ્છા કે આદેશ વિરુદ્ધ કોઈ વ્યક્તિ કંઈ પણ કરી શકતી નથી. ઘણાં લોકોને તેનું સાચું કારણ શું છે તે સમજાતું નથી. લિજ્જત સંસ્થામાં આ એક ઉપરછલો વિરોધાભાસ છે. એક તરફથી લિજ્જતના મૂળભૂત વિચારો અને પ્રણાલિકામાં કહેવામાં આવે છે કે સંસ્થામાં બધાં બહેનોનો દરજ્જો એક સરખો છે, હક્ક સરખા છે, કોઈ બહેન ઉપરી નથી કે કોઈ બહેન નોકર નથી. તો પછી સંચાલિકા બહેન કે પ્રમુખ કહે તેમ શા માટે કોઈ બહેને કામ કરવું પડે ? હકીકત એ છે કે સંસ્થામાં સંચાલિકા બહેન કે પ્રમુખને જે માન અને આદર મળે છે તે અમસ્થા કે વિના કારણે મળે છે તેવું નથી. જેઓ જે રીતે જેટલું કામ કરે છે, જે જવાબદારી અને રાત-દિવસની ચિંતા પોતા પર લે છે, સંસ્થાનું અને બહેનોનું હિત જાળવવા અને આગળ વધારવા જે જહેમત કરે છે તેના સંદર્ભમાં તેમને સ્વાભાવિકપણે માન મળે છે. જે કામ કરે તેને માન મળે તે એક કુદરતી પ્રક્રિયા છે. જ્યારે તેમની ધગશ અને નિષ્ઠામાં ઓટ આવશે ત્યારે આપમેળે તેમનો નૈતિક પ્રભાવ ઓછો થઈ જશે.

સંચાલિકા બનવા માટે શું લાયકાત, અનુભવ કે ભણતરની જરૂર છે ?

શાખાના કોઈ પણ બહેન તે શાખાના સંચાલિકા બની શકે છે. તે માટે એક માત્ર પૂર્વશરત એ છે કે તેમને સંસ્થાના મૂળભૂત વિચારો અને પ્રણાલિકામાં તથા સંસ્થાના પ્રતિજ્ઞાપત્રકમાં જણાવાયેલ આદર્શ અને સિદ્ધાંતોમાં પૂરેપૂરી શ્રદ્ધા હોવી જોઇએ. બાકીની બધી આવડત કે લાયકાત પછી પણ મેળવી શકાય. લિજ્જત સંસ્થા વિશે પૂરતી જાણકારી હોય અને સંસ્થા માટે પૂરતો સમય અને શક્તિ ખર્ચવાની તૈયારી હોય તો જ તેમણે સંચાલિકા બનવા સંમતિ આપવી જોઇએ.

મારા એક ઓળખીતા બહેન ખૂબ હોશિયાર, જાણકાર અને આવડતવાળા છે. તેમને કામની જરૂર છે. તે ઘણું સરસ કામ કરશે તેની ખાત્રી આપું છું તો તમે તેને સંચાલિકા તરીકે લેશો ?

સંસ્થાના સભ્ય ન હોય તેવા બહારના બહેન પછી ભલે તેઓ વેતન કમાવા માટે નોકરી કરવાની ઇચ્છા ધરાવતા બહેન હોય કે વિના વળતરે સામાજિક સેવા કરવાની ઇચ્છા ધરાવતા બહેન હોય, તેઓ લિજ્જતમાં ન તો સંચાલિકા બની શકે કે ન તો મૅનેજિંગ કમિટીના મેમ્બર કે હોદ્દેદાર બની શકે. લિજ્જત સંસ્થામાં આવવા ઇચ્છતા દરેક બહેને પ્રતિજ્ઞાપત્રક પર સહી કરી સંસ્થાના સભ્ય બનવું પડે છે અને એક સભ્ય તરીકે રોજના ઓછામાં ઓછા ત્રણ કિલો પાપડ વણવા રહે છે અથવા સંસ્થા સોંપે તેવું અન્ય પ્રકારનું મહેનતનું કામ કરવું રહે છે.

આ બાબતમાં કોઈ કોઈ રડ્યા ખડ્યા કિસ્સામાં જ અપવાદ કરવામાં આવ્યો છે અને દૂર દૂરના વિસ્તારમાં ખૂલેલી અમુક શાખામાં જેમને પાપડ વણવાનો અનુભવ ન હોય તેવા સ્થાનિક બહેન સંચાલિકા બન્યા છે પણ આવા કિસ્સામાં પણ તે બહેન માટે સંચાલિકા બન્યા પછી અમુક સમય સુધી રોજેરોજ પાપડ વણવાનું ફરજિયાત રહે છે.

સંચાલિકા બહેનની રોજિંદી જવાબદારી શું હોય છે ?

સંચાલિકા બહેન સામાન્યપણે આ પ્રમાણે રોજિંદી કામગીરી બજાવતા હોય છે :

(૧) શાખામાં કાચો માલ કેટલો આવ્યો અને કેટલો વપરાયો તેનું બરાબર ધ્યાન રાખવું અને શાખાને જોઇતો કાચો માલ સમયસર મળી જાય તેવી પાકી વ્યવસ્થા કરવી.

(૨) શાખાની સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા અટક્યા વિના સરળતાથી ચાલતી રહે તેની દેખરેખ રાખવી. ક્વૉલિટીનું, પેકિંગ ખાતાની કામગીરીનું અને તૈયાર પેકેટની વહેલી તકે રવાનગી થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

(૩) શાખાના વેચાણની અસરકારક વ્યવસ્થા ગોઠવવી અને સેલ્સમેન અને સેલ્સ ડેપોની કામગીરી પર ચાંપતી નજર રાખવી.

(૪) શાખા પર રહેતા રોકડા પૈસા અને બૅન્ક ખાતાઓની પુરાંતની સ્થિતિ અવારનવાર તપાસતા રહેવું. છગનબાપા કહેતા હતા તે પ્રમાણે સંસ્થાના પૈસાની કાળા નાગની જેમ રક્ષા કરવાની હોય છે તે ભૂલવું સંચાલિકા બહેનને ક્યારે પોષાય નહિ.

(૫) સેન્ટ્રલ ઑફિસ, અન્ય શાખાઓ, બહારની દુનિયા વગેરે સાથે સંપર્કમાં રહેવું અને શાખાના બધાં વહીવટી કામ તત્કાળ પતાવવા. સંસ્થામાં કોઈ પણ કામ પેન્ડિંગ ન રહેવું જોઇએ એવી દત્તાણીબાપાની કડક નીતિ સંચાલિકા બહેનો ક્યારે ભૂલતા નથી.

આ ઉપરાંત સંસ્થાનું જે કોઈ કામ અન્ય ન કરે તે સંચાલિકાએ કરવું રહે છે કેમકે શાખાની બધી જવાબદારી અંતે તો તેમની જ હોય છે.

સંચાલિકા બહેનના હાથમાં કેટલી સત્તા છે ? તેઓ શું કરી શકે અને શું ન કરી શકે ?

લિજ્જત સંસ્થા એક અનોખી સંસ્થા છે જેમાં જેઓ સંસ્થા માટે સખત કામ કરે તેમને જરૂરી સત્તા આપમેળે મળી જાય છે. સંસ્થાની પરંપરા એવી નથી કે જેમને સત્તા મળે તેમણે કામ કરવું રહે. સંસ્થાની પરંપરા એવી છે કે જેઓ કામ કરે તેમને તેઓને જેટલી જોઇતી હોય તેટલી સત્તા મળે. લિજ્જતમાં સંસ્થાના પ્રમુખ અને સંચાલિકા બહેનો સૌથી વધુ કામ કરે છે એટલે તો સૌથી વધુ પ્રભાવ તેમનો પડે છે અને તેમની બધી સૂચનાનું પાલન થાય છે. સંસ્થામાં ખૂબ જ નિષ્ઠાપૂર્વક સફળ કામગીરી બજાવતા સંચાલિકા કરતાં વધુ તાકાત કોઈ ધરાવી શકે નહિ. સંચાલિકા બહેનો સંસ્થાના બહેનોના હિતમાં હોય તેવા કોઈ પણ પગલાં જ્યારે ઇચ્છે ત્યારે લઈ શકે છે. આ બાબતમાં તેમની સત્તાની કોઈ મર્યાદા નથી.

જિંદગીની એક કડવી વાસ્તવિકતા એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ નિષ્ક્રિય બને કે બીજા માટે ઉપયોગી ન રહે તો અન્યત્ર બધે બને છે તેમ લિજ્જતમાં પણ બની શકે એટલે કે આવી નિરુપયોગી વ્યક્તિને બાજુએ પડી રહેવા દઈ સંસ્થા પોતાના રસ્તે આગળ વધતી જાય. જો સંસ્થાના પ્રમુખ કે કોઈ સંચાલિકા બહેનની કામગીરી નબળી પડે તો તેમનો પ્રભાવ આપમેળે ઓછો થઈ જાય છે.
 [પાછળ]     [ટોચ]