[પાછળ] |
લિજ્જતના પ્રથમ બે દાયકાના સંસ્મરણો-૪
લેખકઃ ભાનુરાય સંઘવી અત્રે અપાયેલા તમામ પ્રશ્નો અને અને તેના ઉત્તરો માત્ર ઉદાહરણરૂપ છે. વેચાણ લિજ્જત સંસ્થાની મુખ્ય પ્રવૃત્તિ શું છે ? સંસ્થાની મુખ્ય પ્રવૃત્તિ લિજ્જત પાપડ બનાવીને વેચવાની છે. લિજ્જત પાપડ ઉપરાંત સંસ્થા લિજ્જત મસાલા, લિજ્જત ગેહુ આટા, લિજ્જત બેકરી ઉત્પાદનો વગેરે પણ બનાવે છે. સંસ્થાના બધાં ખાદ્ય ઉત્પાદનો લિજ્જત બ્રાન્ડ નામ સાથે વેચવામાં આવે છે. લિજ્જત સંસ્થા સાબુ અને ડિટરજન્ટના ક્ષેત્રે પણ દાખલ થઈ છે. સંસ્થાના વિવિધ ડિટરજન્ટ ઉત્પાદનો સસા બ્રાન્ડ નામ હેઠળ વેચવામાં આવે છે. લિજ્જતના ઉત્પાદનોનું વેચાણ કેવી રીતે કરવામાં આવે છે ? લિજ્જત સંસ્થા રોજિંદી વપરાશની ચીજોનું બહોળા પાયે ઉત્પાદન કરે છે. ગ્રાહકોને અનુકૂળ આવે તેવા નાના પેકિંગમાં તે દેશવ્યાપી ધોરણે વેચવામાં આવે છે. (ક) સંસ્થાએ વિવિધ સ્થળોએ સેલ્સ ડેપો ઊભા કર્યા છે. સંસ્થાના ઘણાંખરા ઉત્પાદન કેન્દ્ર પરથી તૈયાર માલ ત્યાં લાવવામાં આવે છે. સેલ્સમેન આ ડેપો પરથી માલ લઈ જઈને છૂટક વેચાણકાર જેમકે દુકાનદાર, પ્રોવિઝન સ્ટોર, સુપરબઝાર, ડિપાર્ટમેન્ટલ સ્ટોર વગેરેને પહોંચાડે છે જ્યાંથી વપરાશકારોને જોઇતા પ્રમાણમાં ચીજો સહેલાઈથી તદ્દન નજીકથી મળી શકે. (ખ) કોઈ કોઈ વિસ્તારમાં વેચાણ માટે ખાસ કોશિશ કરવાની જરૂર છે એવું લાગે ત્યાં ડિસ્ટ્રીબ્યુટર્સની નિમણૂક કરવામાં આવે છે. તેઓને હંમેશા સારુ વેચાણ થઈ શકે તેવો નાનકડો પણ વ્યવસ્થિત વિસ્તાર આપવામાં આવે છે. આ ડિસ્ટ્રીબ્યુટર્સ સંસ્થાના ઉત્પાદન કેન્દ્ર કે સેલ્સ ડેપો તથા છૂટક વેચાણકાર વચ્ચેની કડી તરીકે કામ કરે છે. (ગ) જ્યાં પ્રમાણમાં ઓછું ઉત્પાદન થતું હોય તેવા ઉત્પાદન કેન્દ્ર પોતાના સેલ્સમેન રાખે છે જેઓ ઉત્પાદન કેન્દ્ર પર રોજ જઈને માલ ત્યાંથી ઉપાડી છૂટક વેચાણકારને પહોંચાડે છે. નિકાસ કેવી રીતે કરવામાં આવે છે ? લિજ્જત ઉત્પાદનો જગતભરમાં બધે છૂટથી મળે છે. સંસ્થા ક્યારે પણ કોઈ દેશમાં સીધી નિકાસ કરતી નથી. તમામ નિકાસ વેપારી-નિકાસકારો પોતાના હિસાબે અને જોખમે કરે છે. ભલે ઑર્ડર ગમે તેટલો મોટો હોય તો પણ નિકાસ માટેના વેચાણ પર કોઈ સબસિડી, ડિસ્કાઉન્ટ કે રિબેટ આપવામાં આવતું નથી. સંસ્થાએ નિકાસકારોને મદદ કરવા માટે એક અલગ નિકાસ વિભાગ ઊભો કર્યો છે. ભાવમાં સીધો કે આડકતરો ઘટાડો કર્યા વિના અને માલ સામે રોકડા પૈસાની પાકી શરતમાં કોઈ છૂટ મૂકવા સિવાયની દરેક બાબતમાં સંસ્થા નિકાસકારોને મદદ કરવા હંમેશ તત્પર રહે છે. તમારા માલના વેચાણની શરતો શું હોય છે ? લિજ્જતના ઉત્પાદનો “માલની ડિલિવરી સામે રોકડા પૈસા”ની શરત પર જ કાયમ વેચવામાં આવે છે. સંસ્થા દ્વારા ક્યારે પણ ઉધાર વેચાણ કરવામાં આવતું નથી. માલ સામે ચેકનો સ્વીકાર કોઈ અપવાદરૂપ સંયોગો હોય તે સિવાય કરવામાં આવતો નથી. સ્થાનિક બજાર તેમ જ નિકાસ બજાર સંસ્થાની આ “માલની ડિલિવરી સામે રોકડા પૈસા”ની શરતથી ખુશ છે કેમ કે સંસ્થાના તમામ ઉત્પાદનો એવી કાયમી વણલખી ખાત્રી સાથે વેચવામાં આવે છે કે જો ગ્રાહકને કોઈ પણ કારણે લિજ્જતના ઉત્પાદનથી સંતોષ ન થાય તો તે ઉત્પાદન એક પણ સવાલ પૂછ્યા વિના બદલાવી આપવામાં આવશે. જ્યારે ગ્રાહકો તમારા ઉત્પાદન અંગે ફરિયાદ લઈને આવે ત્યારે તમે શું જવાબ આપો છો ? જો કોઈ ગ્રાહક લિજ્જત પાપડ કે સંસ્થાના કોઈ પણ અન્ય ઉત્પાદન વિશે કોઈ પણ પ્રકારની ફરિયાદ લઈને આવે તો સૌ પ્રથમ અમે તેમની બે હાથ જોડીને માફી માંગીએ છીએ અને તેમની સાથે કોઈ પણ પ્રકારની દલીલબાજીમાં ઊતર્યા વિના કે કોઈ સવાલો પૂછ્યા વિના તેમને તે પૅકેટ બદલીને નવું, તાજું પૅકેટ આપીએ છીએ. લિજ્જતના ઉત્પાદનોની મુખ્ય બજાર કઈ છે ? ક્યાં સૌથી વધુ વેચાણ થાય છે ? મુંબઈ-થાણેનો સ્થાનિક વિસ્તાર અને નિકાસ બજાર સંસ્થા માટે સૌથી વધુ અગત્યની બજાર છે કેમ કે સંસ્થાના કુલ વેચાણમાં આ બે બજારનો સાથે મળીને હિસ્સો ૫૦ ટકાથી વધુ છે. આ સિવાય બાકીના મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ઘણું વેચાણ થાય છે. એમ કેમ ? શું બીજા સ્થળો પર લિજ્જત પાપડ વેચાતા નથી ? લિજ્જત પાપડ અને સંસ્થાના અન્ય ઉત્પાદનની સમગ્ર દેશમાં તેમ જ નિકાસ બજારમાં પુષ્કળ માગ છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તો કૈંક અંશે આ માગને પહોંચી શકાય છે પણ તે સિવાયના રાજ્યોની કુલ માગમાંથી ૧૦ ટકા જેટલી માગને પણ સંતોષી શકાતી નથી. સંસ્થાનું વેચાણ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વધુ રહેવાનું કારણ એ છે કે ત્યાં વધુ શાખાઓ આવેલી છે અને ત્યાં બનતો માલ તુરંત આજુબાજુના વિસ્તારમાં જ વેચાય જાય છે. જો ઉત્તર ભારત, પૂર્વ ભારત કે દક્ષિણ ભારતમાં સંસ્થા પોતાનું ઉત્પાદન વધારી મહારાષ્ટ્ર-ગુજરાતના લેવલ સુધી લાવી શકે તો ત્યાંનું વેચાણ પણ આ બે રાજ્યની સપાટીએ સરળતાથી પહોંચી જાય. તમારી વેચાણ નીતિની મુખ્ય ખાસિયત શું છે ? અમારી વેચાણ નીતિની મુખ્ય ખાસિયત એ છે કે અમે ક્યારે પણ બજારમાં માલના ઢગલા ખડકી દેતા નથી કે ખપત કરતા વધુ માલ પૂરો પાડી બજારને છલકાવી દેતા નથી. અમે જે બજારમાં જેટલા માલની ખપત હોય તેના કરતા ઓછો માલ પહોંચે તેનું ધ્યાન રાખીએ છીએ. દાખલા તરીકે મુંબઈના દાદર-શિવાજી પાર્ક વિસ્તારમાં દર અઠવાડિયે રૂપિયા દશ લાખનું લિજ્જત પાપડનું વેચાણ સહેલાઈથી થઈ શકે તેમ હોય તો તે વિસ્તારમાં દર અઠવાડિયે રૂપિયા છ લાખથી વધુ પુરવઠો મોકલવામાં આવતો નથી. સંસ્થાએ લિજ્જત પાપડના કોઈ પણ સેલ્સમેન, વેપારી કે ડિસ્ટ્રીબ્યુટર પાસે એવો આગ્રહ ક્યારે પણ રાખ્યો નથી કે તમારે અમુક સમયની અંદર આટલા પૅકેટ તો વેચવા જ પડશે. લિજ્જતને આવી મૂર્ખામી કેવી રીતે પરવડે ? આવી વિચિત્ર નીતિ પાછળનું ખરું કારણ શું છે ? ઉપરછલી નજરે મૂર્ખાઈ ભરેલી દેખાતી આ વિચિત્ર નીતિ સંસ્થાએ પહેલેથી અપનાવી છે અને તેનાથી સંસ્થાને ખૂબ ફાયદો થયો છે. આ નીતિના કારણે બજારમાં લિજ્જત પાપડની કાયમી ખેંચ રહ્યા કરે છે, વેપારી પાસે માલ પડ્યો રહેતો નથી, ઉત્પાદન કેન્દ્ર પરથી છૂટક વેચાણ કેન્દ્રો પર જેવા લિજ્જત પાપડ પહોંચે કે ચપોચપ વેચાય જાય છે, ગ્રાહકોને હંમેશ તાજા લિજ્જત પાપડ ખાવા મળે છે અને પાપડ તો જેટલા વધુ તાજા હોય તેટલા વધુ સ્વાદિષ્ટ લાગે. લિજ્જત પાપડ હોય કે ખાવાની બીજી કોઈ ચીજ હોય, એ બન્યા પછી જેટલી મોડી ખાવામાં આવે તેટલી તે વધુ બેસ્વાદ લાગે એ તો સાવ સાદી સમજની વાત છે. સંસ્થાના બહેનોએ લિજ્જત પાપડની ઉત્તમ ક્વૉલિટી તો હંમેશ જાળવી રાખી છે પણ તે સાથે ઝટપટ વધુ માલ વેચી લેવાની લાલચથી દૂર રહી ગ્રાહકોને કાયમ તરતના બનેલ તાજા પાપડ મળતા રહે તેનું પણ ધ્યાન રાખ્યું છે એટલે તો બજારમાં લિજ્જત પાપડનું નામ ઊજળું છે. બહેનોને બજાર પર પોતાનું વર્ચસ્વ જમાવવા કરતા ઘરાકોને સારા પાપડ ખાવા મળે તે જોવામાં વધુ રસ છે. તમારી આ વિચિત્ર વાત સમજાતી નથી. શું બજારમાં તમારા સિવાય બીજા ઉત્પાદક નથી ? તેઓ લિજ્જત પાપડની ખેંચનો ફાયદો ઉઠાવી પોતાનું વેચાણ વધારી ન શકે ? લિજ્જતને શું કોઈની હરીફાઈ નડતી નથી ? જો કોઈ લિજ્જતની સામે હરીફાઈમાં ઊતરે તો તમે શું કરો ? લિજ્જત સંસ્થાની ૧૯૫૯ની સાલમાં શરૂઆત થઈ ત્યારે પણ લોકો પોતાના ઘરે પાપડ બનાવતા હતા, તે સમયે પણ બજારમાં અનેક નાની-મોટી બ્રાન્ડના અને બ્રાન્ડ વિનાના પાપડ મળતા હતા. લિજ્જત પાપડ બજારમાં આવ્યા પછી આટલા વરસે પણ પરિસ્થિતિ એની એ જ છે. આજે પણ જેમને સમય હોય તે ઘરે પાપડ બનાવી લે છે, બજારમાં પણ અસંખ્ય પ્રકારના બ્રાન્ડ નામવાળા કે નામ વિનાના પાપડ ગામેગામ વેચાય છે. બજારમાં માત્ર પોતાનો માલ વેચાય અને પોતાની મોનોપોલી જામી જાય એવું કરવાની લિજ્જતના બહેનોની તાકાત પણ નથી કે ઇચ્છા પણ નથી. હકીકતમાં બહેનો એવું જ ઇચ્છે છે કે બજારમાં લિજ્જત પાપડની સામે કાયમ મજબૂત સ્પર્ધા રહેવી જોઇએ જેથી તેમનામાં ખોટો આત્મસંતોષ કે ઘરાકો પ્રત્યે બેધ્યાનપણું ભૂલથી પણ ન આવી જાય. અત્યારના જમાનામાં હાથ બનાવટની કોઈ પણ ચીજ માટે બજારમાં ટકવું બહુ મુશ્કેલ છે. તમને નથી લાગતું કે તમારી સામે કોઈ મોટો, સદ્ધર હરીફ આવે, ઓટોમેટિક મશીનરી લગાવી બજારમાં સસ્તા ભાવના અને તમારા કરતાં ચડિયાતા પાપડનો ઢગલો કરી દે તો તમારે ઘડીના છઠ્ઠા ભાગમાં ઉચાળા ભરવાનો વખત આવે ? તમારી વાત સાવ સાચી છે. મશીનમાં બનાવેલ સસ્તા પાપડ તરફથી હરીફાઈ ઊભી થવાની વાત એ કોરી કલ્પના નથી પણ નક્કર વાસ્તવિકતા છે. સંસ્થાની સામે આવો પડકાર ઘણી વખત આવ્યો છે અને ભવિષ્યમાં પણ આવ્યા જ કરશે. આમ છતાં બે કારણસર સંસ્થા અત્યાર સુધી ટકી શકી છે. એક તો લિજ્જત પાપડનો અનોખો સ્વાદ અને બીજું લિજ્જત પાપડના વેચાણભાવ ઠેરવવાની બહેનોની ન્યાય અને નીતિપૂર્ણ વિચારધારા. આ બન્ને બાબતો ગ્રાહકોને ઘણી ગમી છે. લિજ્જતનો અનુભવ એવો છે કે ગ્રાહકો અક્કલવાળા અને ઊંડી સમજ ધરાવતા હોય છે અને માલ વેચવાવાળાની દાનત બરાબર પારખી લેતા હોય છે. જો બહેનો લિજ્જત પાપડનો સ્વાદ બગાડે અથવા વેચાણભાવ ઠેરવવામાં ન્યાય અને નીતિને છોડી દે તો તેઓ ઘરાકોનો વિશ્વાસ ગુમાવે તેવું બની શકે. સંસ્થા જો આ બન્ને બાબતોને વળગી રહેશે તો બજારમાં ટકી રહેવું તેમના માટે ક્યારે પણ બહુ મુશ્કેલ નહિ બને. લિજ્જત પાપડમાં એવો ક્યો અનોખો સ્વાદ છે ? તેની તો સહેલાઈથી નકલ થઈ શકે. તમારી સંસ્થા પાસે કોઈ ખાનગી, ગુપ્ત ફૉર્મ્યુલા તો છે જ નહિ. અને તમારી જ સંસ્થામાંથી થોડા માણસ છૂટા થઈને બરાબર લિજ્જત જેવાં જ પાપડ બનાવવાનું શરૂ કરે તો તમારી હાલત શું થાય ? તમારી વાત તદ્દન સાચી છે. લિજ્જત પાપડ બનાવવામાં કોઈ ગુપ્ત ફૉર્મ્યુલાનો ઉપયોગ થતો નથી. લિજ્જત સંસ્થા જાહેર સંસ્થા છે અને તેમાં પાપડ કેવી રીતે બનાવવામાં આવે છે તે કોઈ પણ આવીને તપાસી શકે છે. તેમાં કઈ ચીજ કેટલા પ્રમાણમાં વાપરવામાં આવે છે તે ક્યારે પણ ખાનગી રાખવામાં આવ્યું નથી. સાચું પૂછો તો સંસ્થાને લિજ્જત પાપડ જેવા જ અનોખા સ્વાદવાળા પાપડ બીજું કોઈ ખરેખર બનાવી શકે તો તે સામે કોઈ વાંધો પણ નથી. આમ છતાં એ એક હકીકત છે કે લિજ્જત પાપડના સ્વાદની નકલ હજુ સુધી કોઈ કરી શક્યું નથી. માત્ર લિજ્જત સંસ્થાના બહેનો જ પોતાના પાપડમાં અનોખો લિજ્જત સ્વાદ ઉમેરી શકે છે. લિજ્જતના બહેનો શા માટે આમ કરી શકે છે અને બીજું કોઈ કેમ એવું કરી શકતું નથી તે બાબતને બે દાખલા આપી સમજાવી શકાય. (૧) પહેલો દાખલો મા અને તેના સંતાનોનો છે. એક મા જ્યારે પોતાના સંતાન માટે રસોઈ કરે ત્યારે તેમાં પોતાના પ્રેમનો સ્વાદ ઉમેરે છે. દુનિયામાં દરેક સંતાનને પોતાની માના હાથની બનેલી વાનગી સૌથી ચડીયાતી લાગે છે. જો એ જ વાનગી એ જ વસ્તુમાંથી એ જ રીતે બીજા કોઈએ બનાવી હોય તો પણ તેમાં તેને માના હાથની બનેલી વાનગી જેટલો સ્વાદ આવતો નથી. લિજ્જત સંસ્થામાં બહેનો પાપડ બનાવતી વખતે આ માનું હેત ઉમેરવાની ફૉર્મ્યુલા અપનાવે છે. પાપડ બનાવતી વખતે પોતાનો સ્વાર્થ અને પોતાનો ફાયદો તેમને સૌથી છેલ્લો યાદ આવે છે, પાપડ ખાનારનું હિત તેમને હૈયે સતત વસતું રહે છે. જે વાનગીમાં આવું નિઃસ્વાર્થ હેત ઉમેરાય તેનો સ્વાદ અનોખો જ લાગે ને ? બીજું કારણ એ છે કે જે વાતાવરણમાં ખાવાની ચીજ તૈયાર થાય તેની પણ તેના સ્વાદ પર અસર થાય છે. દુનિયાભરની ગૃહિણીઓનો એ જાત અનુભવ છે કે જો તેમનો પોતાનો મૂડ સારો હોય તો તેમની રસોઈ આપમેળે સરસ થાય છે. લિજ્જત સંસ્થાનું વાતાવરણ અનેરું રહે છે. તે એવું સ્થળ છે જ્યાં કકળાટ, કલેષ, મતભેદ, ઝગડા, વાદવિવાદને વહેલી તકે વિદાય કરી દેવામાં આવે છે, જ્યાં મનભેદને સ્થાન નથી અને જ્યાં એકબીજા સાથે સારી લાગણીથી કેમ જીવવું તે સતત શીખવા મળે છે. લિજ્જતમાં પાપડ વણાય છે હોંશથી, ઉત્સાહથી, ઉમંગથી, મનમાં સારી ભાવના સાથે એટલે તો તેનો સ્વાદ તદ્દન અનેરો અને મુઠી ઉચેરો રહે છે. લિજ્જત જેવો સ્વાદ બીજા કોઈ ઉત્પાદકે લાવવો હોય તો તેમણે લિજ્જત જેવું વાતાવરણ પોતાને ત્યાં ઊભું કરવું પડે અને તેવું જો કોઈ કરી શકે તો તેની સૌથી વધુ ખુશી લિજ્જતના બહેનોને થશે. આ તો તમારા ખાલી બકવાસ જેવા લાગણીવેડા છે, કોઈ નક્કર આધાર વિનાની વાતો છે. તમે જેમ માનો તેમ. અમને તો લાગણીની સચ્ચાઈમાં ભરોસો છે. સારી લાગણી અને સારી ભાવના અનેક ચમત્કાર સરજી શકે છે તે બાબતનો લિજ્જત સંસ્થા જીવંત દાખલો છે. આ શ્રદ્ધાની વાત છે. જગતમાં આજે પણ ઘણું એવું બને છે કે જે બુદ્ધિ અને તર્ક વડે સમજાવી ન શકાય પણ છતાં હૃદય વડે અનુભવી શકાય અને જાણી શકાય. લિજ્જત પાપડનો સ્વાદ પણ એ એક એવી જ બાબત છે. તમે તમારા આટલા મોટા વેચાણને પહોંચી વળવા મોટો માર્કેટિંગ વિભાગ ઊભો કર્યો હશે. તમારા માર્કેટિંગ વિભાગમાં કેટલા માણસ કામ કરે છે ? લિજ્જતમાં કોઈ અલગ વિશાળ માર્કેટિંગ વિભાગ નથી કે માર્કેટિંગની કોઈ ખાસ વ્યવસ્થિત તાલિમ લીધી હોય તેવો સ્ટાફ નથી. અમારે ત્યાં થોડાંક સેલ્સ ઑર્ગનાઈઝર છે જે સેલ્સ ડેપોની જવાબદારી સંભાળે છે અને બાકીના સેલ્સમેન છે જે વિવિધ શાખાઓ સાથે અથવા સેલ્સ ડેપો સાથે સંકળાયેલા છે. તેઓ સંસ્થાના કર્મચારી નથી પણ સ્વરોજગાર રળતા સ્વતંત્ર માણસો છે અને માત્ર કમિશનના આધાર પર કામ કરે છે. તેમના પર કોઈ બંધન નથી. તેમની કોઈ નિયત સંખ્યા પણ નથી. માર્કેટિંગની ખાસ તાલિમ કે પ્રશિક્ષણ મેળવેલ માણસ ન હોય તો અસરકારક માર્કેટિંગ કેવી રીતે થઈ શકે ? શું સંસ્થાને ક્યારે પણ વેચાણની મુશ્કેલી નથી પડી ? લિજ્જત સંસ્થાને વેચાણની મુશ્કેલી ક્યારે પડી નથી એવું તો કહી શકાય તેમ નથી. વેચાણની દ્રષ્ટિએ સૌથી આકરો સમય શરૂઆતના પાંચ વર્ષનો એટલે કે ૧૯૫૯થી ૧૯૬૪-૬૫નો હતો. સંસ્થાને બજારમાં દાખલ થવા માટે અને ઘરાકોનો વિશ્વાસ જીતવા માટે ઘણી આકરી મહેનત કરવી પડી છે. સદનસીબે લિજ્જત પાપડનો સ્વાદ દરેકને ગમતો ગયો અને તેમાં જ અડધી લડાઈ જીતાય ગઈ. બાકીની મુશ્કેલી દૂર કરવામાં ત્રણ બાબતે મુખ્ય મદદ કરી. (૧) લિજ્જત પાપડની સતત ઊંચી ગુણવત્તા (૨) વેચાણ કરવામાં ઘરાકો અને વેપારીઓનું હિત જળવાય રહે અને તેમને કોઈ નુકશાન ન થાય તે જોવાની સંસ્થાની તાલાવેલી અને (૩) લિજ્જત પાપડના વેચાણ ભાવ નક્કી કરવામાં ન્યાય અને નીતિના સિદ્ધાંતોનું પાલન. આ ત્રણ બાબતના કારણે સંસ્થાને બજારની કોઈ મુશ્કેલી નડી નથી. ૧૯૬૫-૬૬ પછી પણ સંસ્થાને વેચાણની બાબતમાં ઘણી વખત મૂંઝવણ આવી છે પણ દરેક વખતે એ જણાયું છે કે કાંતો બેદરકારી કે બેધ્યાનપણાને કારણે સંસ્થાની વિતરણ વ્યવસ્થા અને ટ્રાન્સપોર્ટ સગવડ જરૂર કરતા ઊણી ઊતરે છે અથવા તો સાચા સેલ્સમેનના બદલે ખોટા માણસો ભટકાઈ જવાથી જ્યાં જે સમયે જરૂર હોય ત્યાં તે સમયે માલ પહોંચતો જ નથી. બાકી બજારમાં માલની ખપત ન હોવાના કારણે સંસ્થાને વેચાણની કોઈ મુશ્કેલી પડી હોય તેવું બન્યું નથી. લિજ્જત પાપડ અને અન્ય લિજ્જત ઉત્પાદનોને બજારમાં મળેલ આટલા સારા આવકારને અમે ભગવાનની મહેરબાની ગણીએ છીએ. અમે તેને બીજી કોઈ રીતે સમજાવી શકીએ તેમ નથી. શું લિજ્જત સંસ્થાના દરેક ઉત્પાદનને હંમેશા સફળતા જ મળી છે ? કોઈ નિષ્ફળતા નથી મળી ? ના એવું નથી. લિજ્જત સંસ્થાના ઘણાં ઉત્પાદનો સફળ થઈ શક્યા નથી જેમ કે મેચ બૉક્સ, અગરબત્તી, ચામડાની ચીજો વગેરે. આ બધાં વિભાગો ચલાવવાની ઘણી મહેનત કરવા છતાં અને ઘણો ખર્ચ કરવા છતાં તે અંતે બંધ કરવા પડ્યા હતા. એ ઉત્પાદનો નિષ્ફળ શા માટે ગયા ? બજારમાં તો આ બધાં ઉત્પાદનોને સારો આવકાર મળ્યો હતો. ગ્રાહકોને તે ગમ્યા પણ હતા. પણ સંસ્થાને યા તો તેનું જરૂરી પ્રમાણમાં એકધારું ઉત્પાદન થાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં નિષ્ફળતા મળી અથવા તો ઉત્પાદન કે સંચાલન ખર્ચ અંકુશમાં રાખવામાં સફળતા ન મળી. ગુણવત્તા કે વેચાણની રીતે કોઈ જ સમસ્યા ન હોવા છતાં તેમનું ઉત્પાદન બંધ કરવું પડ્યું હતું. તમે વેચાણના ભાવમાં ફેરફાર ક્યારે કરો છો ? સંસ્થાની વેચાણ ભાવ નક્કી કરવાની નીતિ શું છે ? સંસ્થા લિજ્જત પાપડના કે અન્ય કોઈ પણ લિજ્જત ઉત્પાદનોના વેચાણ ભાવ નક્કી કરવામાં કે તેમાં વખતોવખત ફેરફાર કરવામાં એક ચોક્કસ નીતિનું પાલન કરે છે. લિજ્જત ન તો નફો કરતી સંસ્થા છે કે ન તો ખોટ કરતી સંસ્થા છે. સંસ્થા કોઈની પાસેથી દાન કે મદદ સ્વીકારતી નથી એટલે તે પોતે પણ પોતાની પડતર કિંમત કરતાં ઓછી કિંમતે કોઈ ઉત્પાદન વેચી શકે નહિ કેમ કે તેવું કરવા જાય તો તે પોતાની ખોટ ભરપાઈ કેવી રીતે કરી શકે ? સંસ્થાને પોતાની આવક અને જાવક હંમેશ સમતોલ રાખવા પડે છે. આથી સંસ્થાના વેચાણ ભાવ તેની પડતર કિંમત કરતાં સહેજ વધુ રાખવામાં આવે છે અને આ નામનો વધારો પાછળથી ગ્રાહકોને ભાવઘટાડાના સ્વરૂપમાં પાછો આપી દેવામાં આવે છે અથવા પ્રસંગોપાત સામાજિક રીતે ઉપયોગી કામ પાછળ ખર્ચી નાખવામાં આવે છે. જ્યારે જ્યારે સંસ્થાની પડતર કિંમતમાં સાધારણ વધારો કે ઘટાડો થાય ત્યારે બહેનો પોતાના વણાઈ ચાર્જિસમાં યથાયોગ્ય થોડો ઘટાડો કે વધારો કરી તે સરભર કરી લે છે પણ જો પડતર કિંમતમાં મહત્વનો ફેરફાર થાય તો તે વેચાણ ભાવમાં યોગ્ય વધારા કે ઘટાડા સાથે ગ્રાહકો પર પસાર કરવામાં આવે છે. તમારે તમારા વેચાણ ભાવ શા માટે ઘટાડવા જોઇએ ? દાખલા તરિકે જો ગ્રાહકો ૧૦૦ રૂપિયે કિલોના ભાવે લિજ્જત પાપડ ખરીદવા રાજી હોય તો તમારે તે શા માટે ૬૦ રૂપિયે કિલોના ભાવે વેચવા જોઇએ ? લિજ્જત સંસ્થા નફો કરવાના હેતુથી ચાલતી સંસ્થા નથી. વધુમાં વધુ નફો કમાઈ લેવો એ અમારું ધ્યેય નથી. અમે એવું માનીએ છીએ કે પોતાની પાસેથી વાજબી કરતા વધુ ભાવ કોઈ પણ ન લે તેની ખાતરી મેળવવાનો ગ્રાહકોને મૂળભૂત અધિકાર છે. તમે જાહેર ખબર અને પ્રસિદ્ધિ પાછળ ખૂબ પૈસા ખર્ચતા હશો ? સામાન્ય રીતે રોજિંદી વપરાશની ચીજ બનાવતા એકમ પોતાના ગ્રોસ ટર્ન ઓવરના ૪ થી ૬ ટકા જેટલી રકમ જાહેરાત અને પ્રસિદ્ધિ પાછળ ખર્ચતા હોય છે. લિજ્જત સંસ્થામાં આ ખર્ચને પોતાની ચોખ્ખી વેચાણ આવકના ૧ થી ૧.૫ ટકા કરતા વધવા દેવામાં આવતો નથી. તમે જાહેર ખબર પાછળ શા માટે આટલા બધા પૈસા વેડફો છો ? આ પૈસાની બચત કરી કોઈ સારા કામ માટે તે ન વાપરી શકાય ? જાહેરાત અને પ્રસિદ્ધિ એ ગ્રાહકના વપરાશની કોઈ પણ ચીજ બનાવતા એકમ માટે તેની પ્રવૃત્તિનો નાનકડો છતાં ખૂબ અગત્યનો અને લગભગ અનિવાર્ય એવો હિસ્સો છે. આપણે તેને આપણાં રોજના ભોજનમાં વિટામિનની સાથે સરખાવી શકીએ. આપણે ભલે રોજ બરાબર સમતુલિત આહાર લઇએ, તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેડ્સ, તૈલી પદાર્થો વગેરેનું યોગ્ય પ્રમાણ જાળવીએ, પણ જો આપણે વિટામિન કે જે બહુ નજીવા પ્રમાણમાં જ લેવાના હોય છે તે ન લઇએ તો આપણી હાલત શું થાય ? થોડા સમયમાં જ આપણે તંદુરસ્ત રીતે જીવવાની તાકાત ગુમાવી બેસીએ અને પંગુ બની જઈએ. તે જ રીતે ગ્રાહક વપરાશની ચીજો બનાવતા એકમ જો જાહેરાત કે પ્રસિદ્ધિ કરવાનું છોડી દે તો તેઓ તંદુરસ્ત રહી ન શકે. જો લિજ્જત સંસ્થા જાહેરાત કે પ્રસિદ્ધિની પ્રવૃત્તિ બંધ કરે તો તે સંસ્થાની બિમારી માટે ખુલ્લા આમંત્રણ સમાન હશે અને એ બિમારી જાહેરાત કે પ્રસિદ્ધિ માટે થતા ખર્ચ કરતા ઘણી વધારે ખર્ચાળ પુરવાર થશે. નાણાકીય વહીવટ લિજ્જત સંસ્થામાં અત્યાર સુધીમાં કેટલું મૂડી રોકાણ થયું છે ? બહેનોએ કેટલા શેર ખરીદ્યા છે ? બજારમાંથી કેટલા નાણા ઊભા કરવામાં આવ્યા છે ? લિજ્જત સંસ્થા પાસે કોઈ શેર મૂડી નથી. લિજ્જત સંસ્થા કંપનીઝ એક્ટ હેઠળ રજિસ્ટર થયેલ કંપની નથી કે કૉ-ઑપરેટિવ સોસાયટીઝ એક્ટ હેઠળ નોંધાયેલ સહકારી મંડળી નથી. લિજ્જત સંસ્થા વિશે બધાને નવાઈ લાગે તેવી તદ્દન સાચી વાત એ છે કે સંસ્થામાં ન તો બહેનોએ કે ન તો બીજા કોઈએ પોતાની કોઈ મૂડી રોકી છે. લિજ્જત સંસ્થા સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ રજિસ્ટર થયેલ એક સોસાયટી છે પરંતુ આ સોસાયટીની સ્થાપના કોઈ પણ પ્રકારના કૉર્પસ વિના એટલે કે કોઈના તરફથી મળેલ દાન કે ફંડ-ફાળા વિના થયેલ છે. વગર મૂડીએ શરૂ થયેલ આ સંસ્થાએ પોતાના કામની શરૂઆત ઉછીના મેળવાયેલ પૈસાથી કરી છે અને ત્યારથી આજ સુધી તેનું કામ ઉછીના મેળવાયેલ પૈસાથી જ ચાલતું આવ્યું છે. આજે પણ સંસ્થા બૅન્ક અને અન્ય સાધનો પાસેથી મળતા ધિરાણ અને શાખના આધારે જ પોતાની તમામ કામગીરી ચલાવે છે. અરે મૂડી વિના કોઈ ધંધો કેવી રીતે શરૂ થાય કે ચાલી શકે ? તમે જરા વિગતવાર માહિતી આપશો ? લિજ્જતના કામની શરૂઆત તા. ૧૫મી માર્ચ, ૧૯૫૯ના રોજ કોઈ પણ પ્રકારના લખાણ વિના એક અવિધિસરના મંડળ તરીકે અને ઉછીના મેળવાયેલ ૮૦ રૂપિયા સાથે થઈ હતી. આ પૈસા આકરા વ્યાજ સાથે પરત કરાયા હતા. કોઈ પણ કામ માટે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે જોઇતી નાની-મોટી રકમ આજુબાજુમાં રહેતા લોકો પાસેથી ઉછીની લેવામાં આવતી હતી અને સમયસર પાછી ચૂકવી દેવામાં આવતી હતી. કામકાજ થોડું વ્યવસ્થિત થયા બાદ નાણા ધીરધારનો ધંધો કરતી શરાફી પેઢીઓ પાસેથી વ્યાજે પૈસા લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ભૂતકાળમાં આ રીતે ઘણા વર્ષો સુધી શરાફી વ્યાજે લિજ્જતનું કામ ચાલ્યું હતું. સાત વર્ષ બાદ ૧૯૬૬ની સાલમાં સંસ્થાની પ્રવૃત્તિને વિધિસરની બનાવવામાં આવી. જરૂરી આર્ટિકલ્સ ઑફ એસોશિયેશન તૈયાર કરી કોઈ પણ પ્રકારના કૉર્પસ એટલે કે ભંડોળ વિનાની સોસાયટી બનાવવામાં આવી. આ સોસાયટીને એટલે કે લિજ્જતને ખાદી અને ગ્રામોદ્યોગ પંચની માન્યતા મળી. માન્યતા મળ્યા પછી સંસ્થાએ પંચના નિયમો પ્રમાણે પંચ તરફથી જે શરતો મૂકવામાં આવે તે માન્ય રાખી પંચ પાસેથી લોન મેળવવાનું શરૂ કર્યું. સંસ્થાએ ખાદી અને ગ્રામોદ્યોગ પંચ પાસેથી અત્યાર સુધીમાં જે કોઈ લોન મેળવી છે તે તમામ લોન વ્યાજ સાથે ફરી ભરપાઈ કરી આપી છે. ભારત સરકારે ખાદી અને ગ્રામોદ્યોગ પંચના ધારા-ધોરણમાં ફેરફાર કર્યો છે. અગાઉ પંચ પોતાના ભંડોળમાંથી બધી સંસ્થાને સીધી લોન આપતું હતું. નવી વ્યવસ્થા પ્રમાણે બધી સંસ્થાને જોઇતું ધિરાણ વ્યાપારી બૅન્કોના સમૂહ પાસેથી ખાદી અને ગ્રામોદ્યોગ પંચની ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ હેઠળ મળે છે. આ યોજના પ્રમાણે વ્યાપારી બેન્કો જે કોઈ શરતો અને સાવચેતી સાથે બીજા કોઈને ધિરાણ આપે તે જ રીતે લિજ્જતને ધિરાણ આપે છે. ફરક એટલો જ છે કે આ ધિરાણ પર જે વ્યાજ ચૂકવવાનું થાય તેનો થોડો હિસ્સો ખાદી અને ગ્રામોદ્યોગ પંચ ભોગવે છે. બેન્કો જે ધિરાણ આપે છે તે લિજ્જતની અસ્ક્યામતોને ગીરવે લઈને આપે છે એટલે બેન્કોને પોતાની સલામતીની કોઈ ચિંતા નથી. અગાઉ ખાદી અને ગ્રામોદ્યોગ પંચ પાસેથી સીધી લોન અને હાલ બેન્કો પાસેથી ધિરાણ મળવા છતાં સંસ્થાની મુંબઈ મુખ્ય શાખા અને અન્ય કેટલીક શાખાઓ દ્વારા વખતોવખત શરાફી લોન અને અન્ય પ્રકારે કામચલાઉ ધિરાણ કે શાખ સગવડ સંજોગો અનુસાર મેળવવામાં આવે છે. સંસ્થાએ મેળવેલ ધિરાણ અત્યારે કઈ સપાટીએ પહોચ્યું છે ? સંસ્થા હંમેશા બહુ જ સલામત સપાટીની અંદર રહીને પૈસા ઉછીના લે છે. સંસ્થાએ બાકી ચૂકવવી રહેતી લોન, શાખ અને અન્ય ઉધારીનું પ્રમાણ તેના કુલ ટર્ન ઓવરના ૪ ટકાથી પણ ઓછું રાખવામાં આવે છે. જો સંસ્થાની પ્રવૃત્તિ એકાએક સમેટી લેવી પડે તો સંસ્થાના લેણદારો, ધિરાણ આપનારાઓ અને જેણે પૈસા લેવા બાકી છે એવા વેપારીઓની હાલત કેવી થાય ? તે બધા પૂરેપૂરા સલામત છે કેમ કે સંસ્થા પાસે તેણે ચૂકવવાપાત્ર થતી તમામ લેણી રકમ કરતાં ઘણી વધારે સ્થાવર અને જંગમ મિલકત છે. હકીકતમાં સંસ્થાને કોઈ અનિવાર્ય કારણસર તેની પ્રવૃત્તિ સમેટી લેવી પડે તો બધાને ચુકવણી કર્યા પછી તેની પાસે ઘણું મોટું ભંડોળ બચે તેમ છે. આ વધેલ પૈસા શું બહેનો સરખા ભાગે વહેંચી લેશે ? જી નહિ. લિજ્જત સંસ્થાના આર્ટિકલ્સ ઑફ એસોશિયેશનમાં એવી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ કારણસર સંસ્થાને તેની પ્રવૃત્તિ બંધ કરવી પડે તો તેની બધી જવાબદારી અદા કર્યા પછી જે કોઈ ભંડોળ બચે તે સંસ્થાના સભાસદ બહેનોમાં વહેંચવામાં નહિ આવે પણ લિજ્જત જેવા જ ધ્યેય અને આદર્શ ધરાવતી હોય તેવી બીજી કોઈ સંસ્થાને સોંપી દેવામાં આવશે. તમારી આર્થિક નીતિની રૂપરેખા આપશો ? સંસ્થાની આર્થિક નીતિના ચાર મુખ્ય મુદ્દા છે. (૧) સંસ્થાને જેટલી આવક થાય તેટલી પૂરેપૂરી ખર્ચી નાખવી. સંસ્થાએ પોતે ન કદી કોઈ બચત કરવી, ન કોઈ પૈસા ભેગા કરવા કે ન ભવિષ્યમાં ઊભી થઈ શકે તેવી મુશ્કેલીને પહોંચી વળવા કોઈ કન્ટીજન્સી ભંડોળ ઊભું કરવું. (૨) સંસ્થા પોતે જેટલો ખર્ચ કરે તેટલું તેણે જરૂર કમાઈ લેવું. સંસ્થાનો કુલ ખર્ચ કામચલાઉ ધોરણે તેની આવક કરતા વધારે થઈ શકે પણ કુલ ખર્ચ અને આવક વચ્ચેનો આ ગાળો કોઈની પાસેથી દાન, મદદ, ગ્રાન્ટ કે સબસિડી મેળવીને પૂરવો નહિ. એ ખાધ તો સંસ્થાએ જાત મહેનતથી કમાઈને જ પૂરી કરવી રહે. (૩) સંસ્થા જ્યારે જેટલું જરૂરી લાગે તેટલું ધિરાણ કે શાખ મેળવી શકે છે કે ઉધાર-ઉછીનું લેવાનો વ્યવહાર રાખી શકે છે. પણ સંસ્થાએ હંમેશા પોતાના દેવા પર બાજ નજર રાખવી રહે છે અને વહેલી તકે પોતાનું બધું દેવું ભરપાઈ કરી આપવું રહે છે. (૪) સંસ્થા ક્યારે કોઈ પણ બહારની વ્યક્તિને કે પાર્ટીને કોઈ લોન, ધિરાણ, શાખ, કે નાણાકીય ગેરન્ટી આપી શકે નહિ કે તેને કોઈ પણ ચીજ ઉછીની-ઉધાર આપી શકે નહિ. ઉધાર વેચાણ કરવા પર પહેલેથી જ કડક પ્રતિબંધ રખાયો છે. તમારે ત્યાં નાણાકીય નિર્ણયો કેવી રીતે લેવામાં આવે છે ? સંસ્થાની નાણાકીય શિસ્ત સમજવા જેવી છે. સંસ્થા ૧૯૫૯માં શરુ થઈ તેના પહેલા દિવસથી આજ સુધી દર મહિને જેવો તે મહિનો પૂરો થાય કે તુરંત તે મહિનાનું સરવૈયું અને આવક-જાવક ખાતું તૈયાર કરવામાં આવે છે. સંસ્થાની પ્રત્યેક શાખા અને વિભાગ માસિક ધોરણે પોતાનો હિસાબ રાખે છે, છપાવે છે અને આ માસિક રિપૉર્ટના આધારે પોતાના નાણાકીય નિર્ણય લે છે. સંસ્થામાં અલબત્ત ઑડિટ થયેલા વાર્ષિક હિસાબો અને વાર્ષિક સરવૈયું તૈયાર થાય છે પણ સંસ્થામાં નાણાકીય નિર્ણય લેવામાં માસિક રિપૉર્ટ જ ચાવીરૂપ ભાગ ભજવે છે. મહિનો પૂરો થયા પછી કેટલા વખતે માસિક સરવૈયું તૈયાર થાય છે ? સંસ્થાનો નિયમ એવો છે કે સંસ્થાની દરેક શાખાના અને દરેક વિભાગના એકાઉન્ટન્ટે પ્રત્યેક કેલેન્ડર મહિનાના છેલ્લા દિવસની સાંજે તે કેલેન્ડર મહિનાનું પોતાની શાખા/વિભાગનું માસિક સરવૈયું અને આવક-જાવક ખાતું તૈયાર કર્યા પછી જ ઑફિસ છોડવી. જો કોઈ કારણસર તેમ ન થઈ શકે તો તે શાખા/વિભાગે માસિક હિસાબ તૈયાર ન થાય ત્યાં સુધી પોતાનું બધું કામકાજ બંધ રાખવું અને હિસાબ તૈયાર થયા પછી જ કામ શરૂ કરવું. એટલે કે જો કોઈ શાખાનો જાન્યુઆરી મહિનાનો હિસાબ તા. ૩૧મી જાન્યુઆરીની રાત્રે તૈયાર ન થાય તો તે શાખા તા. ૧લી ફેબ્રુઆરીથી બંધ રહે અને હિસાબ તૈયાર થાય પછી જ શરૂ થાય. આ સંસ્થાનો કડક નિયમ છે અને શરૂઆતથી એટલે કે માર્ચ ૧૯૫૯ના પહેલા મહિનાથી તેનું વિના અપવાદ પાલન થાય છે. તમારો અંદર અંદરનો નાણાકીય વ્યવહાર કેવી રીતે ચાલે છે ? લિજ્જત સંસ્થા વિકેન્દ્રિત ધોરણે ચાલે છે. સંસ્થાના તમામ ઉત્પાદન કેન્દ્ર એટલે કે શાખાઓ અને વિભાગો પૂરેપૂરા સ્વાયત્ત, સ્વસંચાલિત અને સ્વનિર્ભર એકમો છે. દરેક કેન્દ્રોએ પોતાનો નફો કે ખોટ પોતે જ ભોગવવા રહે છે અને તે અન્ય કોઈ કેન્દ્ર પર પસાર કરી શકાતા નથી. દાખલા તરીકે લખનૌ શાખાને જે કોઈ નફો કે નુકશાન થાય તે તે લખનૌ શાખાના બહેનોએ જ ભોગવવા રહે છે અને તેની કોઈ અસર હૈદરાબાદ શાખાના નફા કે નુકશાન પર થતી નથી. આમાં એક વાત સમજવા જેવી છે કે મોટા શહેરો અને મેટ્રોપોલિટન વિસ્તારોના કિસ્સામાં ત્યાં આવેલી બધી શાખાઓ અને વિભાગોને નાણાકીય દ્રષ્ટિએ એક જ ગણવામાં આવે છે. દાખલા તરીકે મુંબઈ-થાણે વિસ્તારમાં આવેલી બધી શાખાઓ નાણાકીય દ્રષ્ટિએ એક જ એકમ ગણાય છે એટલે કે આ તમામ શાખાઓના નફો/નુકશાન એકત્રિત કરવામાં આવે છે અને તે આ બધી શાખાના બહેનો પોતાની વચ્ચે વહેંચી લે છે. તે જ રીતે કલકત્તાની બધી શાખાના બહેનો એ બધી શાખાઓ એક જ હોય તે રીતે પોતાના નફા/નુકશાનનો સરવાળો કરી સંયુક્ત રીતે ભોગવે છે. જે જે શહેરોમાં એકથી વધુ શાખા હોય ત્યાં બધે આ જ રીતે કામ ચાલે છે. આ બધાં નાણાકીય એકમ પ્રત્યેક પોતાનો નાણાકીય વહીવટ પોતે ચલાવે છે અને બિલકુલ સ્વાયત્તપણે પોતાના નાણાકીય નિર્ણય લે છે. બધી શાખાઓ અને વિભાગો અલબત્ત એક બીજાની સાથે સંપ-સહકાર રાખીને જ ચાલે છે પણ એક બીજાની નાણાકીય બાબતોમાં દખલ કરતા નથી કે પરાવલંબી બનતા નથી. સંસ્થાની કોઈ પણ શાખા/વિભાગને પરાવલંબી બનવાની છૂટ નથી. સંસ્થાના પ્રમુખ અને સેન્ટ્રલ ઑફિસ પ્રત્યેક શાખા/વિભાગની નાણાકીય સ્થિતિ પર બાજ નજર રાખે છે અને જ્યારે જરૂરી લાગે ત્યારે તત્કાળ પગલા લઈ પરિસ્થિતિને કાબુ બહાર જતી અટકાવે છે. સંસ્થાના પ્રમુખ જે કોઈ આદેશ આપે તે છેલ્લો શબ્દ ગણાય અને તેનું બધાંએ પાલન કરવું જ રહે છે. બહેનો જે ‘વણાઈ‘ અને ‘વધારાની વણાઈ‘ લે છે તે શું છે ? તેનો અર્થ બરાબર સમજાવશો ? લિજ્જત સંસ્થામાં વણાઈ અને વધારાની વણાઈ શબ્દનો એક ખાસ અર્થ થાય છે. સંસ્થામાં મોટા ભાગના બહેનો પાપડ વણવાનું કામ કરે છે. આ વણવાના કામના બદલામાં મળતી રકમને તેઓ વણાઈ તરીકે ઓળખાવે છે. આ વણાઈ શબ્દ બધાંને એટલો બધો ગમી ગયો છે કે વણવા સિવાયની કામગીરી કરતાં બહેનો પણ પોતાને મળતી રકમને વણાઈ તરીકે ઓળખાવે છે. દાખલા તરીકે મસાલા વિભાગ કે ડિટરજન્ટ વિભાગમાં વણવાનું કોઈ કામ ન થતું હોવા છતાં તે વિભાગના બહેનો જે કોઈ રકમ પોતે મેળવે તેને પોતાની વણાઈ તરીકે ઓળખાવે છે. એ જ રીતે સંસ્થાના પ્રમુખ કે સંચાલિકા બહેનો પોતાની કામગીરી બદલ વણાઈ મેળવે છે. ટૂંકમાં કહીયે તો સંસ્થાના માલિક-સભ્યો સંસ્થામાં પોતાની કામગીરી બદલ જે કોઈ રકમ નિયમિતપણે લે તે વણાઈ તરીકે ઓળખાય છે. વણાઈ હંમેશા કામના પ્રમાણમાં મળે છે અને રોજે રોજ રોકડ રકમ તરીકે લેવામાં આવે છે. વધારાની વણાઈ એ બીજું કંઈ નથી પણ રાબેતા મુજબની વણાઈ ઉપરાંત લેવામાં આવતી વણાઈ છે. સામાન્યપણે રાબેતા મુજબની વણાઈ રોજે રોજ લેવામાં આવે છે જ્યારે વધારાની વણાઈ લાંબા ગાળે કોઈ એક વખતે લેવામાં આવતી સામટી મોટી રકમ હોય છે. વધારાની વણાઈ અગાઉના સમયમાં સોના/ચાંદીના દાગીના કે અન્ય ચીજ વસ્તુના રૂપમાં લેવામાં આવતી હતી પરંતુ હાલ ઘણાં વર્ષોથી એકાઉન્ટ પેયી ચેકના રૂપમાં લેવામાં આવી રહી છે. કોઈ કોઈ વખતે બધાં બહેનો એકી સાથે વધારાની વણાઈ લેતા હોય છે તો કોઈ કોઈ વખતે એક પછી એક વારાફરતી લઈ થોડા મહિનામાં વધારાની વણાઈનું રાઉન્ડ પૂરું કરતા હોય છે. ઘણાં લોકો વધારાની વણાઈને નફાની વહેંચણી માનવાની ભૂલ કરે છે. પણ ખરી હકીકત જુદી છે. નફો તો એક વાર થવો જોઇએ. તે પછી જ તેની વહેંચણી કરી શકાય. નફો ન થયો હોય તો તેની વહેંચણી ન થઈ શકે. વધારાની વણાઈ લેવામાં ભવિષ્યમાં થનારી આવકની અપેક્ષાએ અગાઉથી જ તેની વહેંચણી કરી લેવામાં આવે છે. તેને નફાની વહેંચણી કેવી રીતે કહેવાય ? જો અપેક્ષા પ્રમાણે ભવિષ્યમાં આવક ન થાય તો બહેનોએ પોતાની રાબેતા મુજબની વણાઈમાં કાપ મૂકીને સંસ્થાની આવક-જાવકના પલ્લા સરખા કરવા પડે છે તે કોઈએ ભૂલવું ન જોઇએ. બહેનોએ કેટલી વણાઈ લેવી તે ક્યા ધોરણે નક્કી થાય છે ? વણાઈ ચાર્જિસ સંસ્થાના કુલ ઉત્પાદન ખર્ચનો એક અગત્યનો હિસ્સો છે. સામાન્ય પણે સંસ્થાના કુલ ખર્ચમાંથી કાચા માલ પાછળ ૫૦ થી ૫૫ ટકા અને વણાઈ ચાર્જિસ પાછળ ૨૦ થી ૨૫ ટકા ખર્ચવામાં આવે છે. બાકીની ૨૦ થી ૩૦ ટકા રકમ જગ્યાનું ભાડું, ટ્રાન્સપોર્ટ ખર્ચ, વીજળીનું બિલ, સ્ટાફનો પગાર વગેરે બાકીના ઇતર ખર્ચા પાછળ જાય છે. સંસ્થાના કુલ ઉત્પાદન ખર્ચમાંથી મોટા ભાગનો ખર્ચ એવો છે કે જેના પર બહેનો કોઈ અંકુશ રાખી શકે નહિ. તેમાં એક યા બીજા કારણે વધારો-ઘટાડો થયા કરે છે. વણાઈ ચાર્જિસ એક જ એવી બાબત છે કે જેના પર બહેનો અમુક અંશે લગામ રાખી શકે. આથી જ્યારે જ્યારે ઉત્પાદન ખર્ચમાં સહન થઈ શકે તેટલો વધારો થાય ત્યારે બહેનો પોતાની વણાઈમાં ઘટાડો કરીને આવક-જાવકને સરભર કરે છે અને જો ઉત્પાદન ખર્ચમાં સાધારણ ઘટાડો થાય તો તે પોતાની વણાઈ વધારીને ભોગવી લે છે. વણાઈ ચાર્જિસમાં સાધારણ વધારા ઘટાડા વડે આવક-જાવકને સરભર કરવા પાછળનો મુખ્ય હેતુ બજારમાં પાપડના વેચાણ ભાવ બને ત્યાં સુધી સ્થિર રાખવાનો અને ગ્રાહકને અવાર નવાર ભાવમાં નાના વધારા-ઘટાડા વડે હેરાન ન કરવાનો છે. જ્યારે જ્યારે ઉત્પાદન ખર્ચમાં મોટા ફેરફાર થાય ત્યારે તો તે વેચાણ ભાવમાં વધારા-ઘટાડા વડે ગ્રાહકો પર પસાર કરવા જ રહે છે. સંસ્થાના પ્રમુખ અને સંચાલિકા બહેનો કાચા માલના ભાવ પર અને અન્ય ખર્ચા પર અને દર મહિનાની આખરે તૈયાર થતાં માસિક બૅલેન્સ શીટમાંથી ઉપસતી સ્થિતિ પર બરાબર નજર રાખે છે અને સંજોગોનો વિચાર કરીને વણાઈમાં વધારો કે ઘટાડો કરવાનો નિર્ણય લે છે. આવા નિર્ણયમાં બહેનોની સર્વસંમતિ હોય તો જ તેને અમલી બનાવવામાં આવે છે કેમકે લિજ્જતની વિચારસરણી અનુસાર પોતાની વણાઈમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા માત્ર બહેનો પાસે જ છે, અન્ય કોઈ પાસે નથી. વણાઈના દર પ્રત્યેક શાખા અને વિભાગ પોતાની નાણાકીય સ્થિતિ તપાસીને નક્કી કરે છે એટલે તે અલગ અલગ હોય છે. રોજિંદી વણાઈ વધારવી કે ઘટાડવી અથવા વધારાની વણાઈ ક્યારે, કેવી રીતે અને કેટલી લેવી એ કોના હાથની વાત છે ? શું શાખાના સંચાલિકા બહેન કે સંસ્થાના પ્રમુખ મનફાવતો નિર્ણય લઈ તમામ બહેનો પર તે લાદી શકે? શું બધાં બહેનો સંચાલિકા કે પ્રમુખ કહે તે માનવા બંધાયેલ છે ? લિજ્જત સંસ્થાની વિચારસરણીથી પૂરેપૂરી વાકેફ ન હોય તેવી બહારની વ્યક્તિને અને સંસ્થા સાથે ઓતપ્રોત ન થયા હોય તેવા બહેનોના મગજમાં આવા સવાલ ઘણી વખત ઊભા થતા હોય છે. સંસ્થા વિશે ગેરસમજ હોય તો જ આવા સવાલ ઉપસ્થિત થાય. સંસ્થાની વિચારધારા આ બાબતમાં બહુ સ્પષ્ટ છે. પોતે પોતાની રોજિંદી વણાઈ વધારવી કે ઘટાડવી, કેટલો ફેરફાર કરવો, ક્યારે કરવો અને વધારાની વણાઈ ક્યારે અને કેટલી લેવી એ વાતનો નિર્ણય લેવાની તમામ સત્તા માત્ર બહેનોની જ છે અને તેઓએ સર્વસંમતિથી જ આવા નિર્ણય લેવા રહે છે. સંસ્થામાં બધાં બહેનોના હક્ક સરખા છે એટલે કોઈ એક બહેન કે બહેનોનું એક જૂથ બાકીના બહેનો પર પોતાની વાત લાદી શકે નહિ કે મનમાની કરી શકે નહિ. સંસ્થા જ્યારે નાની હતી ત્યારે વણાઈમાં વધારા-ઘટાડા કે વધારાની વણાઈને લગતા બધા નિર્ણય તે પ્રસંગે હાજર હોય તેટલા બહેનો સાથે મળીને લેતા હતા. સંસ્થામાં બહેનોની સંખ્યા વધવાની સાથે આવી મીટિંગ બોલાવવાનું શક્ય ન રહેવાથી એ નિર્ણય લેવાની જવાબદારી ધીમે ધીમે સંચાલિકા બહેનો અને સંસ્થાના પ્રમુખ પર આવતી ગઈ. તેઓ ભલે આ નિર્ણયો લે છે પણ તેઓ કદી વાજબી કારણ વિનાના કે મનફાવતા નિર્ણય લેતા નથી. તેઓ નાણાકીય સંજોગો અને બધા બહેનોનું હિત અને બધા બહેનોની મરજી ધ્યાનમાં લઈને જ વણાઈના નિર્ણયો લે છે. જેઓ એવું વિચારતા હોય કે સંસ્થાના પ્રમુખ કે સંચાલિકાઓ મનફાવ્યા નિર્ણયો લે છે અને બધાં બહેનો તેમનું કહેવું માનવા બંધાયેલ નથી તેમણે એક વાત જરૂર યાદ રાખવી જોઇએ કે સંસ્થાના પ્રમુખ અને સંચાલિકા બહેનોની પહેલી ફરજ સંસ્થાના બહુ બોલકા ન હોય અને પોતાના હિતની વાત ગરજી ગરજીને કરતાં જેમને ન આવડતું હોય તેવા બહેનો પ્રત્યે હોય છે અને આ બહેનોનું અહિત થતું હોય તેવી કોઈ દરખાસ્ત સંસ્થામાં સ્વીકાર્ય ન બની શકે. જો બહેનોને પોતાની આવક વધારવી હોય તો તેઓ લિજ્જત પાપડના ભાવ વધારી સહેલાઈથી પોતાની વણાઈ વધારી શકે છે. તેમાં વાંધો શું છે ? લિજ્જત સંસ્થા એવું દ્રઢ પણે માને છે કે ગ્રાહક એ રાજા છે અને સારામાં સારી ગુણવત્તા ધરાવતી ચીજ સૌથી વધુ વાજબી ભાવે મેળવવી એ ગ્રાહકનો મૂળભૂત હક્ક છે. પોતાના વ્યક્તિગત ફાયદા માટે ગ્રાહકને ખંખેરી કાઢવાની વાત બહેનોને હરગીઝ મંજૂર નથી. લિજ્જત પાપડની ભલે ગમે તેટલી જબ્બર માંગ હોય, માલની ખેંચ હોય તો પણ બજારનો ગેરલાભ ઉઠાવાય નહિ. કોઈ પણ રીતે વધુમાં વધુ પૈસા કમાઈ લેવા એ લિજ્જતના બહેનોનું ધ્યેય નથી. વધારાની વણાઈ લેવાની પ્રથા શા માટે શરૂ કરવામાં આવી હતી ? તેની પાછળનું ખરું કારણ સમજાવશો ? લિજ્જત સંસ્થામાં આગળ પાછળનો ઘણો વિચાર કરીને વધારાની વણાઈ લેવાની પ્રથા શરૂ કરવામાં આવી હતી. રાબેતા મુજબની રોજિંદી વણાઈ કરતાં વધારાની વણાઈ લેવાની પ્રથા વધુ ચડિયાતી છે. રોજિંદી વણાઈના કિસ્સામાં દરેક બહેનો પોતે કરેલા કામના પ્રમાણમાં વણાઈ લે છે એટલે કે જેમણે વધુ કામ કર્યું હોય તેઓ વધુ અને જેમણે ઓછું કામ કર્યું હોય તેઓ ઓછી વણાઈ લે છે. જો કોઈ બહેન પોતાની કોઈ મૂંઝવણ-મુશ્કેલીના કારણે થોડા દિવસ સંસ્થાનું કામ ન કરી શકે તો તેને કોઈ આવક થતી નથી. આ સ્થિતિને ટાળવા માટે વધારાની વણાઈ લેવાની અને કોણે કેટલું કામ કર્યું છે તે ધ્યાનમાં લીધા વિના જ બધાં બહેનોએ એક સરખી જ વધારાની વણાઈ લેવાની પ્રથા શરૂ કરવામાં આવી હતી. અલબત્ત આ સારી પ્રથાનો ગેરલાભ લેવાની કોઈને લાલચ ન થાય તે બહેનો ઘણી વખત ચોક્કસ પૂર્વશરત મૂકે છે પરંતુ જેમને વધારાની વણાઈ મળવી જોઇએ તેમને તે જરૂર મળે તે હંમેશ જોવામાં આવે છે. હકીકતમાં બહેનો જ્યારે સંસ્થામાં જોડાય છે ત્યારે તેઓ પ્રતિજ્ઞા લે છે કે હું સામૂહિક માલિકીનો વિશાળ અર્થ અપનાવીશ. અને મને બીજા કરતાં વધારે મળે તે જોવાને બદલે મારા કરતાં કોઈ પણ બહેનને ઓછું ન મળે તેનું હું ધ્યાન રાખીશ. બધાં બહેનોને મળતી એક સરખી વધારાની વણાઈ આ પ્રતિજ્ઞાના અનુસરણ તરફ આગેકદમ છે. ઉત્પાદન લિજ્જત પાપડ રોજેરોજ કેવી રીતે બનાવવામાં આવે છે તે અમને સમજાવશો ? લિજ્જત સંસ્થામાં ઉત્પાદન એ સતત ચાલતી પ્રક્રિયા છે. સંસ્થામાં કામકાજની શરૂઆત વહેલી સવારે ૪.૦૦-૪.૩૦ની આસપાસ શરૂ થઈ જાય છે. કામકાજની શરૂઆત હંમેશા આચાર્ય વિનોબા ભાવેએ જાતે રચેલી અને તેમને ખૂબ ગમતી એવી સર્વ ધર્મ પ્રાર્થના “ઓમ તત્સત્ શ્રી નારાયણ તૂ, સવિતા પાવક તૂ”ના સમૂહ ગાન સાથે કરવામાં આવે છે. સંસ્થામાં હાજર હોય તે બધા આ પ્રાર્થનામાં જોડાય છે. પ્રથમ તબક્કામાં લોટને ખારા-મીઠાના પાણી વડે બાંધવામાં આવે છે અને પછી આ લોટને સરખી રીતે ખાંડી તેના મોટા પીંડા તૈયાર કરવામાં આવે છે. આ લોટના પીંડામાંથી પોતાને જોઇએ તેટલો લોટ વજન કરીને પાપડ વણવાવાળા બહેનો પોતાને ઘરે લઈ જાય છે. બીજા તબક્કામાં બહેનો પોતાને ઘેર બેસીને પાપડ વણે છે અને જ્યાં સારો તડકો અને હવા આવતા હોય તેવી ખુલ્લી અને ચોખ્ખી જગ્યામાં તેને સૂકાવે છે. આ સૂકવેલ પાપડ તેઓ બીજા દિવસે સવારે લઈ આવી સંસ્થામાં પાછા આપે છે, પોતાને જેટલી વણાઈ લેવાની થતી હોય તે લે છે અને સાથે ફરી વણવા માટે બીજો લોટ લેતા જાય છે. ત્રીજા તબક્કામાં સંસ્થામાં આવેલા તાજા પાપડનું ચેકિંગ કરી તેને પેક કરવામાં આવે છે અને તૈયાર પાપડના પૅકેટ વેચાણ માટે બજારમાં અથવા સેલ્સ ડેપો પર મોકલવામાં આવે છે. ઉત્પાદનનું રોજિંદું કામ કેવી રીતે કરવું તેના કોઈ ધારાધોરણ છે ? બહેનોએ પોતાના જાત અનુભવના બોધપાઠના આધારે આ રોજિંદા ઉત્પાદન માટે પાકા ધારા-ધોરણ ઘડી કાઢ્યા છે. લોટમાં મસાલો કરવા માટે ચોક્કસ સાઈઝના ડબ્બા વાપરવામાં આવે છે. પ્રત્યેક ડબ્બામાં ૧૧ કિલો લોટ અને નક્કી કરાયેલ મસાલા વજન કરીને ઉમેરવામાં આવે છે. અગાઉથી તૈયાર કરી રખાયેલ ખારા-મીઠાનું પાણી જેટલું જોઇએ તેટલા પ્રમાણમાં જ ઉમેરવામાં આવે છે. સમય બચાવવા અને કામની ઝડપ વધારવા લોટમાં મસાલા કરવાનું કામ આગલા દિવસે આટોપી લેવામાં આવે છે જેથી વહેલી સવારે લોટ બાંધવાનું કામ જલદી જલદી થઈ શકે. જ્યારે આ ૧૧ કિલો કોરા લોટમાં મસાલા અને પાણી ઉમેરી લોટ બાંધવામાં આવે ત્યારે બંધાયેલ લોટનું વજન લગભગ ૧૭ કિલો થવું જોઇએ. લોટ બરાબર બંધાયેલો અને ખંડાયેલો છે કે નહિ તે માત્ર નજરે જોવાથી ખ્યાલમાં આવી જાય છે અને તેના માટે બહુ આવડતની જરૂર પડતી નથી. સામાન્ય રીતે પાપડ વણવા અને સૂકવવામાં પ્રત્યેક ૧ કિલો બાંધેલ લોટમાંથી ૧૮૦ ગ્રામ પાણી ઊડી જાય છે અને ૮૨૦ ગ્રામ તૈયાર સૂકા પાપડ મળે છે તેવો બહેનોનો ૧૯૫૯ની સાલથી આજ સુધીનો અનુભવ છે. આમ છતાં બહેનોએ પાપડના ઉતારા માટે ૮૧૦ ગ્રામનું ધોરણ નક્કી કર્યું છે એટલું જ નહિ પણ વધુ ૧૦ ગ્રામની છૂટ નક્કી કરી ૮૦૦ ગ્રામનો ઉતારો તો ઓછામાં ઓછો મળવો જોઇએ એવું ઠરાવેલું છે. જો પાપડ વણનાર બહેનો ૮૦૦ ગ્રામથી પણ ઓછા પાપડ લાવે તો તેમના માટે ઘટબિલ બને છે. આ ઘટબિલ શું છે ? તે શા માટે બનાવવામાં આવે છે ? ઘટબિલથી પાપડ વણનાર બહેનને અન્યાય સહન કરવો પડે છે ? ઘટબિલ ન બનાવવામાં આવે તો શું થાય ? ઘટબિલ બનાવવાની પ્રથા કોઈ બહારની વ્યક્તિએ નહિ પણ ખુદ પાપડ વણનાર બહેનોએ પોતાના હિતનું રક્ષણ કરવા સંસ્થાની શરૂઆતથી દાખલ કરેલી પ્રથા છે. આ પ્રથા અનુસાર જે બહેન એક કિલો લોટ દીઠ ૮૦૦ ગ્રામ વજનના પાપડ પાછા ન લાવે તેમના માટે તેઓ જેટલા પાપડ ઓછા લાવ્યા હોય એટલે કે જે ઘટ પડી હોય તેટલા જથ્થાનું બિલ બને અને તે બિલના પૈસા તેમણે ભરવા રહે. દાખલા તરીકે એક બહેન ૩ કિલો લોટ લઈ જાય છે તો તેમણે ૨૪૦૦ ગ્રામ પાપડ પાછા લાવવા જોઇએ. પણ જો તેઓ ૨૪૦૦ ગ્રામના બદલે ૨૦૦૦ ગ્રામ પાપડ જ લઈ આવે તો તેમના નામનું ૪૦૦ ગ્રામ પાપડનું છૂટક વેચાણ ભાવનું બિલ બને અને તે બહેને તેટલા પૈસા ભરવા રહે. લિજ્જત સંસ્થા એ પાપડ વણનાર બહેનોની પોતાની માલિકીની સંસ્થા છે એટલા માટે તેમાં આવો નિયમ કરવો અનિવાર્ય બની જાય છે. જો આવો નિયમ ન હોય તો શું થાય ? માનો કે એક શાખાના ૩૦૦ બહેનોમાંથી ૨૯૦ બહેનો ધોરણ પ્રમાણે ૮૦૦ ગ્રામ લેખે પાપડ લાવે છે અને ૧૦ બહેનો ૭૫૦ ગ્રામ લેખે પાપડ લઈ આવે છે તો આ ૧૦ બહેનો જેટલા ઓછા પાપડ લઈ આવે તેની ખોટ બાકીના ૨૯૦ બહેનોએ ઉપાડવી રહે છે કેમકે લિજ્જત બહેનોની સામૂહિક માલિકીની સંસ્થા હોવાથી એક બહેન જે નુકશાન કરે તેનો બોજ બાકીના બહેનો પર આપમેળે આવી જાય છે. તેઓ શા માટે આ નુકશાની સહન કરે ? અને બીજા દિવસથી તેઓ પણ ૭૫૦ ગ્રામ લેખે પાપડ લઈ આવવાનું શરૂ કરે તો બધાં બહેનોની વણાઈ ઘટે અને પરિસ્થિતિ બગડતા શાખાને ખોટ જાય તો થોડા દિવસમાં તે આપમેળે બંધ પડી જાય કેમકે સંસ્થામાં નોટ છાપવાનું કોઈ મશીન નથી કે પૈસા ગમે ત્યાંથી આવતા જ રહે. આમ ઘટબિલ એ ન્યાયનું પગલું છે અને પાપડ વણનાર દરેક બહેનનું હિત તેનાથી સચવાય રહે છે. ભલે ઘટબિલ બનાવવામાં આવે પણ તે પાપડના છૂટક વેચાણભાવે શા માટે બનાવવામાં આવે છે ? વેપારી વેચાણભાવે કેમ નહિ ? એ પાપડ વેચાયા હોત તો પણ સંસ્થાને તો વેપારી વેચાણભાવ લેખે જ પૈસા મળ્યા હોત ને ? ઘટબિલ પાપડના છૂટક વેચાણભાવે બનાવવા પાછળનું ખરું કારણ કોઈ પણ બહેનને ઇરાદાપૂર્વક આવું કરતાં રોકવાનો છે. જો કોઈ બહેન ખોટા રસ્તે ચડી જાણી જોઇ આવું કરવા જાય તો તેમને જરા પણ લાભ ન રહે તેની ખાત્રી રાખવા માટે આ નિયમ બનાવાયેલ છે. પાપડ વણનાર બહેનને ઘરનું તેલ વાપરવાનો ઘણો ખર્ચ થાય છે. શું સંસ્થા તેલ ન આપી શકે ? કંઈ નહિ તો તેલના પૈસા અલગથી આપવા ન જોઇએ ? આવા સવાલ સંસ્થા વિશે સાચી સમજ ન હોય તો જ દિમાગમાં ઊભા થાય. લિજ્જત સંસ્થા અને તેમાં કામ કરતા બહેનો એકબીજાથી અલગ-અલગ નથી. જો બહેનો પાપડ વણવા માટે ઘરના તેલનો ઉપયોગ કરે તો તેઓ તે પોતા માટે જ કરે છે, બીજા કોઈ માટે નહિ. જો બહેનો સંસ્થામાંથી તેલ ઘરે લઈ જાય તો તે તેમના જ પૈસાથી ખરીદાયેલું તેલ હશે, બીજા કોઈના પૈસાનું નહિ. જો બહેનો વણાઈ ઉપરાંત તેલના પૈસા અલગથી લેવા ઇચ્છે તો તેઓએ, પોતે જો અઢાર રૂપિયે કિલોના હિસાબે વણાઈ લેતા હોય તો, સત્તર રૂપિયે કિલો લેખે વણાઈ અને એક રૂપિયો તેલનો અલગ એમ ડબલ હિસાબ રાખી વણાઈ લેવી રહેશે. આ આખી વાત સીદીભાઈના ડાબા કાનની કહેવત જેવી છે જે સંસ્થામાં કામ કરતા બહેનો સહેલાઈથી સમજી શકે છે પણ લિજ્જત સંસ્થા વિશે અધૂરી જાણકારી ધરાવતા બહારના માણસોને ઝટ સમજાતી નથી. બહેનો સંસ્થાનો વહીવટ પોતાને જે રીતે સરળ પડે તે રીતે ચલાવે છે. પાપડની લંબાઈ-પહોળાઈ-જાડાઈ-રંગ-દેખાવ-સ્વાદ કેવા હોવા જોઇએ તેના કોઈ માપદંડ છે ? બહેનોએ લિજ્જત પાપડની લંબાઈ, પહોળાઈ, જાડાઈ, રંગ, દેખાવ, સ્વાદ વગેરે તમામ બાબતોના પાકા ધારા-ધોરણ સંસ્થાના પહેલા વર્ષથી જ વિવિધ અખતરા કર્યા પછી ઠેરવેલ છે અને તે ધારા-ધોરણનું પૂરેપૂરું પાલન થાય તે કાયમ જોવામાં આવે છે. લિજ્જત પાપડની જાડાઈ, રંગ-રૂપ અને દેખાવ તથા સ્વાદ અત્યાર સુધી એકસરખા રહ્યા છે. પણ તેની લંબાઈ-પહોળાઈમાં બજારની માંગ અને ગ્રાહકોની રુચિ પ્રમાણે જરૂર જણાયે ફેરફાર કરવામાં આવે છે. હાલ મોટી સાઈઝના પાપડ બરાબર વચ્ચેથી ૧૮ સેન્ટિમીટર પહોળા અને નાની સાઈઝના પાપડ ૧૩ સેન્ટિમીટર પહોળા રાખવામાં આવે છે. જાડાઈ એક કિલો પાપડમાં અમુક સંખ્યામાં પાપડના નંગ હોવા જોઇએ એ ધોરણે નક્કી કરવામાં આવે છે. એક ઉત્પાદન એકમ સામાન્ય રીતે કેટલું મોટું હોય છે ? તેના દરેક વિભાગમાં કેટલા બહેનો કામ કરતા હોય છે ? સામાન્ય રીતે સંસ્થાની દરેક શાખા આશરે ૩૦૦-૩૫૦ બહેનોની બનેલી હોય તે ઇચ્છનીય ગણાય. તેની સમગ્ર જવાબદારી એક અથવા બે સંચાલિકા બહેન પાસે રહેવી જોઇએ, લોટ બાંધવાના વિભાગમાં લગભગ ૧૨ બહેનો, લોટ ખાંડવાના વિભાગમાં આશરે ૧૫ બહેનો, લોટનું વજન કરીને તે આપવા માટે ૩ બહેનો, વણાઈનો હિસાબ કરી ચૂકવવા માટે ૨ બહેનો અને પાપડ સ્વીકારી, તેની ક્વૉલિટી ચેક કરી તે પેક કરવાના વિભાગમાં આશરે ૮ બહેનો કામ સંભાળતા હોય છે. આ સામે આશરે ૨૫૦-૩૦૦ બહેનો પાપડ વણવાની જવાબદારી લેતા હોય છે. અલબત્ત આ બધી સંખ્યામાં દરેક શાખાની સ્થાનિક પરિસ્થિતિ અનુસાર સમયે સમયે યોગ્ય ફેરફાર થતા રહે છે. ઉત્પાદન થતું હોય ત્યારે દરેક સામગ્રીનો હિસાબ કેવી રીતે રાખવામાં આવે છે ? શાખામાં જ્યારે કાચો માલ આવે ત્યારે સ્ટોક રજિસ્ટરમાં તેની બધી વિગત નોંધી લેવામાં આવે છે. આ કાચો માલ જ્યારે વપરાય ત્યારે એટલે કે મસાલો કરી લોટ બાંધવામાં આવે ત્યારે કેટલા ડબ્બા લોટ બંધાયો તેની રોજિંદી નોંધ લેવામાં આવે છે. આ લોટ ખંડાયા પછી પાપડ વણનાર બહેનો વચ્ચે વહેંચણી માટે જાય ત્યારે દરેક બહેન વજન કરીને જ લોટ વણવા માટે લઈ જાય છે અને દરેક બહેને કેટલો લોટ લીધો તેની રજિસ્ટરમાં લેખિત નોંધ રહે છે. જ્યારે બહેનો વણીને સૂકવેલા પાપડ પાછા લાવે ત્યારે તેનું વજન અને ચેકિંગ થાય છે અને રજિસ્ટરમાં દરેક બહેનના નામ સામે તે લખવામાં આવે છે. આ હિસાબના આધારે દરેક બહેનની વણાઈની ગણતરી અને ચુકવણી કરવામાં આવે છે. દર મહિનાની આખરે અચૂકપણે અને કોઈ વખત વચ્ચે વચ્ચે, શાખામાં કેટલો ખરેખર કાચો માલ અને પાકો માલ છે તેની પાકી ચકાસણી સ્ટોર કીપર અને અન્ય બે-ત્રણ બહેનો સાથે મળીને કરી લે છે. કાચા માલનો ખોટો બગાડ કે ચોરી થતી નથી તેની ખાતરી કરવા બહેનોએ “ગુણી દીઠ ઉત્પાદન”ની દર મહિને ગણતરી કરવાની અને માસિક અહેવાલમાં તે છાપીને જાહેર કરવાની પ્રથા ૧૯૬૦ના દાયકાથી જ અપનાવેલી છે. આ તદ્દન સાદી ગણતરી છે અને તેમાં એ જોવામાં આવે છે કે શાખામાં કેટલી ગુણી લોટ વપરાયો અને સરેરાશ એક ગુણી દીઠ પાપડના કેટલા પૅકેટ બન્યા. આ જાણવા માટે એક મહિનામાં શાખામાં વપરાયેલી લોટની ગુણી અને તે મહિનામાં શાખામાં બનેલા કુલ પાપડના પૅકેટની સંખ્યાનો સરવાળો કરવામાં આવે છે. નિયમ એવો છે કે એક ગુણી (એટલે કે ૧૦૦ કિલો) લોટમાંથી (પ્રત્યેક ૪૦૦ ગ્રામના એક એવા) ઓછામાં ઓછા ૩૦૯ અને વધુમાં વધુ ૩૧૭ પૅકેટ પાપડ બનવા જોઇએ. જો મહિનાની આખરે સરેરાશ ગુણી દીઠ ઉત્પાદન ૩૧૭ પૅકેટથી વધુ આવે તો તેનો અર્થ એવો થાય કે બહેનો પાપડને બરાબર સૂકવતા નથી અને પેકિંગ વિભાગના બહેનો ચેકિંગ કર્યા વિના ભીના પાપડ પૅકેટમાં ભરી દે છે જે લિજ્જતના ક્વૉલિટીના ધોરણોને અનુરૂપ નથી. જો ગુણી દીઠ ઉત્પાદન ૩૦૯ પૅકેટથી પણ ઓછું આવે તો તેનો અર્થ એ થાય કે શાખામાં ઠીક ઠીક પ્રમાણમાં બગાડ કે ચોરી થાય છે અને તે અટકાવવા બધાંએ જાગૃત થઈ જવું જરૂરી છે. જ્યારે પણ ગુણી દીઠ ઉત્પાદન ૩૦૦ પૅકેટથી નીચું જાય ત્યારે તે શાખાના બહેનોએ તત્કાળ પોતાની વણાઈ ઘટાડવી પડે છે. જો બહેનો પોતાની વણાઈ ઘટાડી ખોટનો ખાડો પૂરો ન કરે તો તે શાખાને થોડા જ સમયમાં આપમેળે તાળું લાગી જાય છે. ૧૯૬૦ના દાયકામાં ૪૦૦ ગ્રામના પૅકેટનું ચલણ હતું એટલે ૪૦૦ ગ્રામના ૩૦૯ થી ૩૧૭ પૅકેટનું ધોરણ ઠેરવવામાં આવ્યું હતું. જ્યારથી ૨૦૦ ગ્રામ, ૨૫૦ ગ્રામ, ૫૦૦ ગ્રામ, ૧ કિલો અને ૨.૫ કિલોનું પેકિંગ ચલણમાં આવ્યું છે ત્યારથી તે પૅકેટની સંખ્યાને નીચેની ફૉર્મ્યુલા પ્રમાણે ૪૦૦ ગ્રામના પૅકેટની સંખ્યામાં બદલવામાં આવે છે : (૧) ૨૦૦ ગ્રામના પૅકેટની સંખ્યાને ૨ વડે ભાંગવામાં આવે છે. (૨) ૨૫૦ ગ્રામના પૅકેટની સંખ્યાને ૨૫ વડે ગુણી પછી ૪૦ વડે ભાંગવામાં આવે છે. (૩) ૫૦૦ ગ્રામના પૅકેટની સંખ્યાને ૫ વડે ગુણી પછી ૪ વડે ભાંગવામાં આવે છે. (૪) ૧ કિલોના પૅકેટની સંખ્યાને ૫ વડે ગુણી પછી ૨ વડે ભાંગવામાં આવે છે. (૫) ૨.૫ કિલોના પૅકેટની સંખ્યાને ૨૫ વડે ગુણી પછી ૪ વડે ભાંગવામાં આવે છે. પાપડ વણનાર બહેને પાપડ વણતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ પાપડ વણનાર બહેનોએ સૌથી વધુ ધ્યાન સ્વચ્છતાનું રાખવું રહે છે. પાપડ હંમેશા સ્વચ્છ, સૂકી અને ખુલ્લી જગ્યામાં વણવા અને સૂકવવા જોઇએ. લિજ્જત પાપડની ક્વૉલિટીને લગતા દરેક નિયમો યાદ રાખી, સમજી, વિચારીને તેનું પાલન કરવું કરવું જોઇએ. સંસ્થામાં આપણે જોડાઇએ ત્યારે પ્રતિજ્ઞાપત્રક પર સહી કરીને જોડાઇએ છીએ. આમાંની સૌથી પહેલી પ્રતિજ્ઞા એ હોય છે કે સંસ્થાનું દરેક કામ હું ઈશ્વરની સેવા માનીને કરીશ. પાપડ વણતી વખતે આપણાં મનમાં ઈશ્વરની સેવા કરવાનો ભાવ રહેવો જોઇએ અને મનમાં જો કોઈ હલકા કે ખરાબ વિચારો આવે તે તુરંત કાઢી નાખવા જોઇએ. પાપડ વણનાર બહેનો એક દિવસમાં સામાન્ય રીતે કેટલું કામ કરતા હોય છે ? લિજ્જત સંસ્થા એક અનોખા પ્રકારની સંસ્થા છે જેમાં બહેનો પોતાની મરજીથી જોડાય છે અને પોતાને ઠીક લાગે તેટલું કામ પોતાની મરજીથી કરે છે. સંસ્થાના તેઓ ખુદ માલિક અને શેઠ છે એટલે તેમણે બીજા કોઈ કહે તેમ કરવાનું રહેતું નથી. પાપડ વણનાર બહેનો પોતાને અનુકૂળ સમયે સંસ્થામાં આવે છે અને પોતાને જેટલો ફાજલ સમય હોય તેનો વિચાર કરીને ઠીક લાગે તેટલો લોટ વણવા માટે લઈ જાય છે. તેમના ઉપર કોઈ બંધન હોતું નથી. સામાન્ય રીતે બહેનો ૩ થી ૧૦ કિલો લોટ લઈ જતા હોય છે. જો કે કેટલાંક બહેનો રોજનો ૧૫ થી ૨૦ કિલો લોટ લઈ જતા હોવાનું પણ જોવા મળે છે. સાધારણપણે સરેરાશ આવડતવાળા બહેનને એક કિલો પાપડ વણતા ૪૫ મિનિટ જેટલો સમય લાગે છે. જો તેમને મદદ કરવા માટે એકાદ દીકરી હોય અથવા ઘરમાં બીજું કોઈ માણસ મદદ કરે તો બે જણ થઈને ૪ કલાકમાં ૧૦ કિલો પાપડ સહેજે વણી શકાય. કુટુંબ મોટું હોય તો રોજના ૧૫ થી ૨૦ કિલો પાપડ વણવા એ બહુ મુશ્કેલ કામ નથી. આમ છતાં હકીકતમાં કેટલા પાપડ વણી શકાય છે તેનો આધાર ઘરના બીજા કામમાંથી ખરેખર કેટલો ટાઈમ મળે છે અને વણવાવાળાની ઝડપ અને હોશિયારી કેટલા છે તેના પર રહે છે. તમે કાચો માલ ક્યાંથી અને કેવી રીતે મેળવો છો ? સંસ્થા કેમ કાચા માલની ખરીદીના ટેન્ડર મંગાવતી નથી ? કાચા માલની ખરીદીની બાબતમાં સંસ્થાએ ૧૯૫૯ની સાલમાં શરૂઆત થઈ ત્યારથી જ કેટલાંક ચોક્કસ મક્કમ સિદ્ધાન્તો અપનાવ્યા છે. સંસ્થાને જેમ જેમ સારા અને ખરાબ અનુભવો થતા ગયા તેમ તેમ આ સિદ્ધાન્તોને સહેજસાજ નવો ઓપ અપાયો છે પણ મુખ્ય બાબતોમાં ક્યારે પણ બાંધછોડ કરવામાં આવી નથી. સંસ્થામાં કાચા માલની ખરીદીની બાબતમાં જે અલિખિત માર્ગરેખાઓનું પાલન કરવામાં આવે છે તેનો સારાંશ આ પ્રમાણે છે : (૧) કાચા માલની ખરીદી કરવાની હોય ત્યારે સૌથી પહેલું ધ્યાન તે માલની ક્વૉલિટી પર આપવું. ક્વૉલિટીની બાબતમાં ક્યારે પણ બાંધછોડ કરવી નહિ. થોડી હલકી કે ઉતરતી ક્વૉલિટીનો માલ લેવાથી ઘણા બધા પૈસા બચી જતા હોય તો પણ એવી લાલચને વશ થવું નહિ કેમકે લિજ્જત સંસ્થાનું ધ્યેય બને તેટલો વધુ નફો કમાવાનું નથી અને સંસ્થામાં કામ કરતા તેના માલિક બહેનો પણ ઝટપટ પૈસા કમાઈને ઘરભેગા કરવાની ઇચ્છાથી સંસ્થામાં આવતા નથી. (૨) બધી ખરીદી ખુલ્લા બજારમાંથી બજારમાં તે વખતે જે ભાવ ચાલતો હોય તે ભાવે કરવી. અલબત્ત, સંસ્થાએ બજારમાં પોતાની પ્રતિષ્ઠાના આધારે અને સારા સંબંધોના કારણે જેટલું મળી શકે તેટલું ડિસ્કાઉન્ટ કે ઓછો ભાવ મેળવવા જરૂર વાટાઘાટ કરવી પણ ક્યારે સામી પાર્ટી પર એવું દબાણ ન લાવવું કે જેથી તે તેને પરવડતો ન હોય તેવો ભાવ ક્વૉટ કરતો થઈ જાય. જે પાર્ટી બહુ સસ્તો કે પરવડે નહિ તેવા ભાવે માલ આપવા તૈયાર થઈ જાય તેનો વિશ્વાસ ક્યારે કરી શકાય નહિ. (૩) કોઈ પણ એક વખતે એકસામટી ખરીદી કરવી કે આખું વરસ સતત થોડી થોડી ખરીદી કરવી તે નક્કી કરવામાં બજારની સ્થિતિનો પૂરતો વિચાર કરી પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો. એક સામટી ખરીદીનો નિર્ણય કરતી વખતે બજાર કે સામેની પાર્ટી આપણાં કરતાં ઘણી વધારે હોશિયાર હોય છે તે હંમેશા ધ્યાનમાં રાખવું. (૪) ખરીદીના કામમાં દલાલ, કમિશન એજન્ટ, આડતીયા વગેરે કોઈની પણ મદદ જ્યારે જેટલી જરૂરી લાગે તેટલી જરૂર લેવી પણ એ બાબતનું ધ્યાન રાખવું કે કાયમ એક જ માણસ કે એક જ પેઢી પર આધાર રાખી આપણે પાંગળા અને પરવશ તો નથી થઈ જતા ને. (૫) કાચા માલની ખરીદીનું કામ સંસ્થાના કોઈ પણ બહેન કે ભાઈ કરી શકે છે. શરત એટલી છે કે તેઓ દિલના સાફ હોવા જોઇએ અને ખરીદી કરવા માટે જરૂરી આવડત અને હોશિયારી ધરાવતા હોવા જોઇએ. ખરીદીના કામ માટે માત્ર હોશિયાર હોય તેવા કે માત્ર પ્રમાણિક હોય તેવા માણસ ન ચાલે. કાચા માલની ખરીદીની જવાબદારી સંભાળતા હોય તેમના નામ લિજ્જત પત્રિકામાં અવારનવાર પ્રગટ કરવામાં આવે છે. કાચા માલની ખરીદીની બાબતમાં ક્યારે કોઈ પણ વાત છુપાવવામાં આવતી નથી. (૬) લિજ્જત સંસ્થામાં ખરીદી માટે ટેન્ડર પ્રથાને કોઈ સ્થાન નથી. આ ઘણો વિચાર કરીને ઇરાદાપૂર્વક અપનાવાયેલી નીતિ છે. ખરીદી કરવાની ટેન્ડરની પ્રથા અનેક ખામી ધરાવે છે. ટેન્ડર પ્રથામાં જે (ક) નોકરશાહી અભિગમ, (ખ) લાંબી લચક ફોર્માલિટી,(ગ) અસહ્ય ધીમી પ્રક્રિયા, (ઘ) ઢીલ, લંબાણ અને અનિશ્ચિતતાનું વાતાવરણ, (ચ) ચોમેર બધું ખાનગી અને ગુપ્ત રાખવાની મનોવૃત્તિ, (છ) સહેલાઈથી ખોટી રીત-રસમો અજમાવી શકાય તેવી બહોળી શક્યતા વગેરે ખામી છે તે જોતા અને ટેન્ડર પાસ કરાવવા જે કાવાદાવા રમાય છે અને જેમનું ટેન્ડર પાસ ન થાય તેઓ જાહેરમાં અને છૂપી રીતે જે પ્રકારે આક્ષેપબાજી અને બદબોઈની રમત રમ્યા કરે છે તે જોતા ટેન્ડર પ્રથાથી દૂર રહેવામાં જ સંસ્થાની સલામતી છે. લિજ્જત સંસ્થામાં ખરીદી કરવાનો નિર્ણય લેતી વ્યક્તિએ પોતાના નિર્ણયની સંપૂર્ણ જવાબદારી સ્વીકારવી રહે છે. મેં તો નિયમ મુજબ ટેન્ડર પાસ કર્યું છે એવું ટેક્નિકલ બહાનું આપી પોતાની જવાબદારીમાંથી છટકી જવાની તક લિજ્જતમાં કોઈને મળતી નથી. તમે ક્વૉલિટીનું કેવી રીતે ધ્યાન રાખો છો ? દેશભરમાં બધી શાખામાં એકસરખી ક્વૉલિટીના જ લિજ્જત પાપડ બને તે માટે શું અગમચેતી લેવામાં આવે છે ? આજે દેશભરમાં ચોમેર પથરાયેલી અને વિકેન્દ્રિત ધોરણે ચાલતી અનેક શાખાઓમાં મશીનની મદદ લીધા વિના હાથે વણીને લિજ્જત પાપડનું ઉત્પાદન થાય છે. આમ છતાં દરેક સ્થળે એક જ સરખો સ્વાદ, રૂપ-રંગ અને દેખાવ ધરાવતા લિજ્જત પાપડ બને છે. આ માટે બે પ્રકારે તકેદારી લેવામાં આવે છે : (ક) સંસ્થામાં કાચા માલની ખરીદી કેન્દ્રિત ધોરણે થાય છે એટલે દેશભરની બધી શાખાઓ એક સરખો કાચો માલ વાપરે છે. કાચા માલની એક સરખી ગુણવત્તા જળવાય રહે તે માટે પૂરતી તકેદારી લેવામાં આવે છે. (ખ) લિજ્જત પાપડની ક્વૉલિટીના ઘણાં કડક ધારાધોરણ બહેનોએ પોતાના અનુભવના આધારે ઘડી કાઢ્યા છે. ઉત્પાદનના દરેક તબક્કે બહેનો પાપડની ક્વૉલિટીનું એટલું બધું ધ્યાન રાખે છે કે આ ક્વૉલિટી પ્રમાણેનો ન હોય તેવો એક પણ પાપડ તેમની નજર બહાર છટકી જઈ પાપડના પૅકેટમાં જતો રહેતો નથી. વિસ્તાર લિજ્જત સંસ્થાનો ફેલાવો સૌથી વધુ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં અને તેમાં પણ મુંબઈ-થાણે વિસ્તારમાં જ કેમ થયો છે ? ભારતભરમાં દરેક સ્થળે સંસ્થાની શાખા મુંબઈની શાખાઓની માફક તેટલી જ સારી રીતે ચાલી શકે તેમ છે. મુંબઈના બહેનોની જેમ અન્ય રાજ્યની શાખાના બહેનો જાગૃત બની પોતાના રાજ્યમાં કે બાજુના રાજ્યમાં નવી નવી શાખા શરૂ કરવાની હોંશ બતાવે તો મહારાષ્ટ્ર-ગુજરાત જેટલી શાખાઓ બધા રાજ્યોમાં થઈ શકે. એ કોઈ મુશ્કેલ કામ નથી. અમારા વિસ્તારમાં લિજ્જતની શાખા ખૂલે એવી અમારી ઇચ્છા છે તો એ માટે અમારે શું કરવું ? નવી શાખા ખોલવા માટે તમારા શું નીતિ-નિયમો છે ? લિજ્જત સંસ્થામાં નવી શાખા ખૂલે તે બાળકના જન્મ જેટલો જ આનંદનો પ્રસંગ ગણાય છે. એ માટે બધા આતુર રહે છે. પણ જેમ એક નવા બાળકનો ઉછેર કરવો એક ગંભીર જવાબદારી છે તેમ એક નવી શાખાને ઉછેરી, તેનું ઘડતર કરી, તેને પગભર બનાવવી એ એટલું જ વિકટ કામ છે. એ કામ માટે પૂરતી જવાબદારી પોતાના ઉપર લઈ શકે તેવા નવા બહેનો જોઇએ. જો નિષ્ઠાપૂર્વક કામ કરવાની કોઈની તૈયારી હોય તો સંસ્થામાં તેમને ના પાડવામાં આવતી નથી. સંસ્થાએ ૧૯૬૮ની સાલથી નવી શાખા ખોલવાની શરૂઆત કરી છે ત્યારથી બહુ ઓછા એવા વર્ષ ગયા હશે કે જે વર્ષમાં નવી શાખા કે વિભાગો ખુલ્યા ન હોય. ૧૯૬૯ની સાલમાં મુલુન્ડની પાંચ રસ્તા શાખા જે રીતે ખૂલી હતી તેને આજે પણ હોંશથી યાદ કરવામાં આવે છે. તે સમયે તા. ૨૪-૦૮-૧૯૬૯ના રોજ સાંજે ૫.૩૦ વાગ્યે મુલુન્ડમાં એક મીટિંગ મળી અને શાખા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો. તે જ રાત્રે શાખા માટે જગ્યા મેળવાઈ, સાફ-સૂફી કરી તે તૈયાર કરાઈ, રાત્રે જ ફર્નિચર,માલ-સામાન ગોઠવી દેવાયો, કાચો માલ આવી ગયો, કામ કરવા માટે બહેનો આવી ગયા અને તા.૨૫-૦૮-૧૯૬૮ના રોજ સવારે પાંચ વાગ્યે તો લિજ્જતની પદ્ધતિ પ્રમાણે કામ શરૂ થઈ ગયું. એટલે તો સંસ્થામાં નવી શાખા ખોલવાની વાત આવે ત્યારે કહેવામાં આવે છે કે મન હોય તો માળવે જવાય. નવી શાખા ખોલવામાં માત્ર બે જ બાબત અગત્યની ગણવામાં આવે છે. એક તો શાખાની પ્રવૃત્તિ સારી રીતે ચાલી શકે તેટલી મોટી, સ્વચ્છ અને સરસ જગ્યા છે કે નહિ અને બીજું આસપાસના વિસ્તારમાં પૂરતી સંખ્યામાં બહેનો સંસ્થામાં જોડાવા તૈયાર છે કે નહિ. આ બે સિવાય બાકીની બધી બાબતો ગૌણ ગણવામાં આવે છે. ભૂતકાળમાં અત્યંત વિકટ સંયોગો વચ્ચે પણ સંસ્થાએ નવી શાખાઓ ખોલી છે. સંસ્થાની લુધિયાણા, લાતુર અને જમ્મુ શાખાઓ ઘણા મુશ્કેલ સ્થાનિક વાતાવરણ અને ઘણા અવરોધો વચ્ચે ખોલવામાં આવી હતી. |
[પાછળ] [ટોચ] |