[પાછળ] 
લિજ્જતના પ્રથમ બે દાયકાના સંસ્મરણો-૫
લેખકઃ ભાનુરાય સંઘવી

અત્રે અપાયેલા તમામ પ્રશ્નો અને અને તેના ઉત્તરો માત્ર ઉદાહરણરૂપ છે.

પ્રથમ દાયકો (૧૯૫૯-૧૯૬૮)

લિજ્જત સંસ્થાના પ્રારંભના પ્રથમ મહિના એટલે કે માર્ચ ૧૯૫૯માં શું થયું હતું ?

સંસ્થાની શરૂઆતના પહેલે દિવસે એટલે કે રવિવાર, તા. ૧૫મી માર્ચ, ૧૯૫૯ના રોજ સાંજે ૫.૩૦ વાગ્યે ગીરગામ ખાતે લોહાણા નિવાસની અગાસી પર ૭ બહેનો એકઠા થયા અને થોડા પાપડ વણીને સંસ્થાનું શુભ મુહૂર્ત કર્યું. પહેલા દિવસે ૪ પૅકેટ પાપડ વણવામાં આવ્યા. આમાંનું પહેલું પૅકેટ લોહાણા નિવાસના તે સમયના ટ્રસ્ટી શ્રી અમૃતલાલ કરસનદાસ જોબનપુત્રાએ ખરીદ કર્યું અને તેઓ સંસ્થાના સૌથી પહેલા ગ્રાહક બન્યા. શ્રમ, સહકાર અને સ્વાવલંબનની ભાવના ખરેખર જીવનમાં ઉતારી શકાય છે કે નહિ તેની ખાતરી કરવાનો આ એક નાનકડો અખતરો હતો. આ અખતરો પણ ઉછીના લીધેલા પૈસાની મદદથી કરવામાં આવ્યો હતો. આ સંસ્થામાં તેના બહેનો કે કોઈ શુભેચ્છકોએ પોતાના પૈસાનું કોઈ રોકાણ શરૂઆતમાં કે ત્યાર પછી ક્યારે પણ કરેલ નથી. અખતરો કરવા માટે લેવાયેલ ઉછીના પૈસા વ્યાજ સહિત પાછા આપી દેવામાં આવ્યા હતા. આ પ્રયોગને બધેથી આવકાર, શુભેચ્છા અને સહકાર મળ્યા અને પહેલા મહિનાની આખર સુધીમાં કુલ ૨૮ બહેનો સભ્ય બન્યા. માર્ચ ૧૯૫૯ના મહિનામાં કુલ ૭૨૦ પૅકેટ પાપડનું ઉત્પાદન થયું. છગનબાપાની સલાહ પ્રમાણે તા. ૧૫મી માર્ચ, ૧૯૫૯થી રોજેરોજની આવક અને ખર્ચની નોંધ રાખવામાં આવી અને તા. ૩૧મી માર્ચ, ૧૯૫૯ની સાંજે સંસ્થાનું પહેલું માસિક સરવૈયું બહાર પાડી બહેનો અને સંસ્થાના શુભેચ્છકો વચ્ચે વહેંચવામાં આવ્યું.

પાપડના વેચાણની બાબતમાં સંસ્થાનો અનુભવ બહુ ખુશ થવા જેવો ન હતો. તે સમયે પણ અનેક ખાનગી ઉત્પાદક તથા અન્ય સંસ્થાઓ દ્વારા બનાવવામાં આવતા સંખ્યાબંધ પ્રકારના પાપડ બજારમાં જોઇએ તેટલા મળતા હતા. ગ્રાહકોને સાવ સસ્તા ભાવે ખૂબ વેરાયટી મળતી હતી. સંસ્થાના પાપડને કોઈ પણ વેપારી રોકડેથી ખરીદ કરવા રાજી ન હતો. વેપારી વર્ગનું કહેવાનું એવું હતું કે તમારો માલ મૂકવો હોય તો એમને એમ મૂકી જાઓ, વેચાશે તો પૈસા આપશું. હરિફાઈથી ભરેલી બજારમાં પગ મૂકવો જરા પણ સહેલું ન હતું

સંસ્થાની સોથી મોટી મૂંઝવણ એ હતી કે જેમની પાસેથી કામચલાઉ ઉછીના-ઉધાર પૈસા લઈ કામ ચલાવવામાં આવતું હતું તેમને પૈસા પાછા આપવાના હતા એટલે પાપડ ઉધાર વેચવા એ કોઈ રીતે પરવડે તેમ ન હતું. તે વખતે દત્તાણીબાપાની સખત મહેનત, બહેનોનાં સારા નસીબ અને સંસ્થાના પાપડની સારી ક્વૉલિટી એ ત્રણ બાબત ભેગી થઈ એટલે કામ ચાલ્યું. જો આમાંની એક બાબત પણ ન હોત તો સંસ્થા શરૂઆતના મહિના-દોઢ મહિનાના ગાળામાં જ સમેટાઈ ગઈ હોત. નવા અજાણ્યા પાપડ પણ રોકડેથી વેચી શકાયા એ એક ચમત્કાર હતો અને કામ આગળ ચાલ્યું.
પાપડ રોકડેથી વેચવાની બાબતમાં સંસ્થાને સૌથી પહેલો સહકાર મુંબઈના પ્રાર્થના સમાજ વિસ્તારમાં આવેલા વિખ્યાત સ્ટોર મેસર્સ આણંદજી પ્રેમજી એન્ડ કંપની તરફથી મળ્યો હતો. તેમણે રોકડે પાપડ લેવાની કરેલી પહેલ બાદ અન્ય દુકાનો તરફથી પણ રોકડેથી ખરીદી શરૂ થતાં લિજ્જતની ધીમી પણ મક્કમ પ્રગતિની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં માત્ર ‘માનદ્ સેલ્સમેન’ દત્તાણીબાપા એકલા જ પાપડના પેકેટ લઈ બજારમાં વેચવા જતા હતા. એકાદ વર્ષ બાદ સંસ્થાને એક બીજા ખરા સેલ્સમેન ભાઈ મળ્યા. તેમનું નામ હતું શ્રી શાંતિલાલ હરજીભાઈ ગંગદેવ. આ બન્નેના વેચાણ પ્રયાસોના પરિણામે સંસ્થા સ્થિર થઈ શકી.

લિજ્જત નામની પસંદગી કેવી રીતે થઈ ?

એક વખત આ નામ વિનાના નવા પાપડ વેચાવા લાગ્યા એટલે હવે શું કરવું એનો વિચાર થવા ગાગ્યો. બજારમાં તે વખતે જાત જાતના નામવાળા અને નામ વિનાના અનેક પાપડ મળતા હતા. બજારમાં પગ જમાવવા માટે સંસ્થાના પાપડનું નામ રાખવું જરૂરી હતું. જો સંસ્થા પોતાના પાપડનું કોઈ નામ રાખે તો ગ્રાહકો તેને સહેલાઈથી ઓળખી શકે અને સંસ્થાને રિપીટ ઑર્ડર મળી શકે. સંસ્થાના પાપડનું નામ પસંદ કરવા માટે નવો પ્રયોગ કરવામાં આવ્યો. બધાં બહેનો અને શુભેચ્છકોમાં જાહેરાત કરી એક સ્પર્ધા યોજવામાં આવી અને જેમણે સૂચવેલું નામ પસંદ થાય તેમને પાંચ રૂપિયાનું ઇનામ આપવાનું ઠરાવાયું. સ્પર્ધાના નિર્ણાયક તરીકે સ્થાનિક અગ્રણી શ્રી હરિલાલ રૂગનાથ રાચ્છે સેવા આપી. એ વિસ્તારમાં જ રહેતા એક બહેન શ્રી ધીરજબહેન રૂપારેલ તરફથી સૂચવાયેલું ‘લિજ્જત' નામ પસંદગી પામ્યું. સંસ્થાના પાપડ લિજ્જત પાપડ બન્યા. તે વખતે આ નવી સંસ્થાને ફક્ત ‘શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ’ તરીકે ઓળખવામાં આવતી હતી. પરંતુ એ જ નામની બીજી એક સંસ્થા પણ અન્ય સ્થળે ચાલતી હતી. તે સંસ્થાથી આ સંસ્થાને જુદી ઓળખ આપવા આ સંસ્થાના નામમાં લિજ્જત પાપડ શબ્દ ઉમેરવામાં આવ્યા અને સંસ્થાનું નામ ‘શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ’ રાખવાનું ઠરાવવામાં આવ્યું.

શરૂઆતની સાત સાલમાં એટલે કે એક અવિધિસરના અને કોઈ પણ લેખિત બંધારણ વિનાના એક સ્વૈચ્છિક સંગઠન તરીકે સંસ્થાની પ્રગતિ કેટલી થઈ ? બહેનોને કેટલી આવક થઈ ?

શરૂઆતના સાત વર્ષ એટલે કે ૧૯૫૯ થી ૧૯૬૬ સુધી લિજ્જત કોઈ લેખિત બંધારણ વિનાની કે કોઈ હોદ્દેદાર વિનાની ફક્ત પરસ્પરના વિશ્વાસના આધારે ચાલતી અવિધિસરની સંસ્થા હતી. આ સાત વર્ષના ગાળામાં તેનું પૂરેપૂરું ઘડતર થઈ ગયું. લિજ્જત પાપડના રૂપ-રંગ-દેખાવ-વજન-સ્વાદના ધારાધોરણ એક પછી એક નક્કી કરવામાં આવ્યા. સંસ્થામાં નવા દાખલ થતા બહેનો માટેનું પ્રતિજ્ઞાપત્રક અને સવારમાં સર્વધર્મ પ્રાર્થના કરીને જ કામ શરૂ કરવાનો રિવાજ દાખલ કરાયા. વણાઈ ઉપરાંત વધારાની વણાઈ લેવાની પ્રથા શરૂ કરાઈ. સંસ્થામાં લોહાણા નિવાસ ઉપરાંત આજુબાજુના વિસ્તારોમાંથી પાપડ વણવાની ઇચ્છા ધરાવતા બહેનોને પણ મુક્ત પ્રવેશ આપી સંસ્થાને સાર્વજનિક બનાવવામાં આવી. દર મહિને માસિક હિસાબો બહાર પાડવાની અને તેનું જાહેર વિતરણ કરવાની મજબૂત વ્યવસ્થા કરવામાં આવી. સંસ્થાની બધી કાર્યવાહી અને હિસાબો કોઈ પણ આવી તપાસી શકે તેવું ઠરાવાયું, સંસ્થામાં કોઈ પણ વાત ખાનગી રાખવાની કડક મનાઈ ફરમાવવામાં આવી. સંસ્થામાં 'જોરથી બોલો'નું સૂત્ર અમલમાં લાવવામાં આવ્યું. સંસ્થાની કાર્યપદ્ધતિમાં સુધારો કરવાના જે કોઈ સારા સૂચનો આવે તેને ઉત્સાહભેર આવકાર આપી તત્કાળ અમલી બનાવવાનું શરૂ થયું. ખુલ્લાપણાના વાતાવરણ વચ્ચે ઉત્પાદન અને વેચાણ ઝડપભેર વધવા લાગ્યા.

તે સમયે વેપારી વર્ગ અને સંસ્થાઓના હિસાબ વિક્રમ વર્ષ પ્રમાણે રાખવાનો રિવાજ હતો. લિજ્જત સંસ્થાએ પણ કાર્તિક શુદ એકમથી શરૂ થતા અને દિવાળીના દિવસે પૂરા થતા વિક્રમ વર્ષને હિસાબી વર્ષ તરીકે અપનાવ્યું.

સંસ્થાના પહેલા હિસાબી વર્ષ વિક્રમ સંવત ૨૦૧૫ (એટલે કે તા.૧૫મી માર્ચ, ૧૯૫૯ થી તા.૧૫મી નવેમ્બર, ૧૯૫૯ સુધી)માં રૂ. ૬,૧૯૬નું વેચાણ થયું અને બહેનોને રૂ. ૨,૩૦૯ની વણાઈ મળી. બીજા વર્ષ વિ.સં. ૨૦૧૬ (એટલે કે ૧૯૫૯-૬૦)માં કુલ વેચાણ રૂ. ૨૧,૨૭૩ થયું જ્યારે બહેનોને વણાઈ અને વધારાની વણાઈ તરીકે રૂ. ૮,૭૪૬ની આવક થઈ. ત્રીજા વર્ષ વિ.સં. ૨૦૧૭(૧૯૬૦-૬૧)માં વેચાણ વધીને રૂ. ૫૯,૭૬૭ થયું અને બહેનોની આવક રૂ. ૨૦,૪૩૪ થઈ. ચોથા વર્ષ વિ.સં. ૨૦૧૮ (૧૯૬૧-૬૨)માં સંસ્થા લખપતિ બની ગઈ ! કુલ વેચાણ રૂ. ૧,૧૫,૭૨૦નું થયું અને બહેનોની આવક રૂ. ૩૦,૬૬૯ની થઈ. પાંચમા વર્ષ વિ.સં. ૨૦૧૯ (૧૯૬૨-૬૩)માં વેચાણ રૂ. ૧,૮૧,૫૯૪નું થયું તો બહેનોની આવક રૂ. ૫૪,૯૯૫ની થઈ.

છઠ્ઠું વર્ષ વિ.સં. ૨૦૨૦ (૧૯૬૩-૬૪) નોંધપાત્ર બન્યું. એક તરફથી વેચાણ લગભગ બમણું થઈ રૂ. ૩,૩૬,૧૭૨ થયું તો બીજી તરફથી બહેનોની વણાઈ અને વધારાની વણાઈની આવક પહેલી વખત પાંચ આંકડામાં પ્રવેશી રૂ. ૧,૧૭,૭૪૬ થઈ. સાતમા અને લિજ્જતના અવિધિસરના અસ્તિત્વના છેલ્લા વર્ષ વિ.સં. ૨૦૨૧ (૧૯૬૪-૬૫)માં વેચાણ રૂ. ૪,૬૬,૦૪૧ની સપાટીએ પહોંચ્યા તો બહેનોની આવક રૂ. ૧,૬૯,૮૫૬ થઈ.

લિજ્જત સંસ્થાને વિધિસરની બનાવવાનો નિર્ણય ૧૯૬૬ની સાલમાં શા માટે લેવામાં આવ્યો ? તે કામ કઈ રીતે કરવામાં આવ્યું ?

સંસ્થાને તેના પ્રારંભિક વર્ષોમાં છગનબાપા તરફથી ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન અવારનવાર મળતું હતું. ૧૯૬૬ની સાલમાં છગનબાપાને લાગ્યું કે લિજ્જતની પ્રવૃત્તિનો પાયો હવે પાકો બની ગયો છે. સંસ્થાનું ભવિષ્ય ઘણું ઉજ્જ્વળ દેખાય છે. જો સંસ્થાની પ્રવૃત્તિ વિધિસરની બનાવવામાં આવે તો તેની પ્રગતિ વધુ ઝડપી બને. છગનબાપાનો આ અભિપ્રાય બહેનોને ગમ્યો.

શ્રી છગનબાપાએ તે સમયના ખાદી અને ગ્રામોદ્યોગ પંચના અધ્યક્ષ શ્રી ઢેબરભાઈ પર એક ભલામણ ચિઠ્ઠી લખી તેમને લિજ્જત સંસ્થાની મુલાકાત લેવા અને બહેનોને માર્ગદર્શન આપવા અનુરોધ કર્યો. શ્રી છગનબાપાની ભલામણના કારણે શ્રી ઢેબરભાઈએ તા. ૧૦મી જુલાઈ, ૧૯૬૬ના રોજ લિજ્જત સંસ્થાની રૂબરૂ મુલાકાત લઈ તેની પ્રવૃત્તિનું નિરીક્ષણ કર્યું. તેમને લિજ્જતની પ્રવૃત્તિ ઘણી ગમી. લિજ્જત સંસ્થાને વિધિસરની બનાવવાની કામગીરીમાં બહેનોને મદદ કરવાની જવાબદારી તેમણે પોતાના એક અધિકારીને સોંપી. આ અધિકારીની સહાય વડે સંસ્થાના તે સમયના એક કર્મચારી શ્રી સુરેશ અમૃતલાલ વ્યાસે લિજ્જતના બંધારણ એટલે કે આર્ટિકલ્સ ઑફ એસોશિયેશનનો તદ્દન નાનો, સાદો, સરળ છતાં બધી જરૂરી જોગવાઈ ધરાવતો ડ્રાફ્ટ જાતે ટાઈપ કરીને તૈયાર કર્યો. તુરંત તા. ૨૫મી જુલાઈ, ૧૯૬૬ના રોજ બધા બહેનોની પહેલી જનરલ બોડી મીટિંગ મળી. તેમાં આ આર્ટિકલ્સ ઑફ એસોશિયેશનને અપનાવવામાં આવ્યા અને લિજ્જત પોતાનું લેખિત બંધારણ ધરાવતી વિધિસરની સંસ્થા બની. લિજ્જત સંસ્થા ભલે ૧૯૬૬ની સાલથી વિધિસરની બની હોય પણ તેના મૂળ સંસ્કાર, આચાર-વિચાર અને રહેણી-કહેણી શરૂઆતના સાત વર્ષમાં હતા એવાને એવા કોઈ ફેરફાર વિનાના કાયમ રહ્યાં છે. લિજ્જત સંસ્થા વિધિસરની બની ત્યારે તેમાં આશરે ૨૫૦ બહેનો હતા અને તેમાંના ઘણા ખરા બહેનો લોહાણા નિવાસમાં રહેતા હતા.

લિજ્જત સંસ્થાએ તા. ૨૫મી જુલાઈ, ૧૯૬૬ના રોજ બંધારણ અપનાવ્યા બાદ તેને તા.૧૨મી ઓગસ્ટ, ૧૯૬૬ના રોજ એક સોસાયટી તરીકે સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ, ૧૮૬૦ હેઠળ રજિસ્ટ્રેશન મળ્યું. તા. ૧૭મી સપ્ટેમ્બર, ૧૯૬૬ના રોજ ખાદી અને ગ્રામોદ્યોગ પંચ પાસેથી માન્યતા મળી અને તા. ૯મી ડિસેમ્બર, ૧૯૬૬ના રોજ ધિ બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ, ૧૯૫૦ની જોગવાઈ પ્રમાણે એક પબ્લિક ટ્રસ્ટ તરીકે રજિસ્ટ્રેશન મળ્યું. બંધારણ અપનાવાયા બાદ ૧૫ સભ્યોની બનેલી પહેલી મૅનેજિંગ કમિટીની રચના કરવામાં આવી હતી અને શ્રી પ્રેમકુંવરબહેન જમનાદાસ દાવડા સંસ્થાના પ્રથમ પ્રમુખ બન્યા હતા.

લિજ્જતની વિધિસર રચના થઈ તે વર્ષ વિ.સં. ૨૦૨૨ (૧૯૬૫-૬૬)માં સંસ્થાનું વેચાણ વધીને રૂ. ૭,૪૪,૭૩૮ થયું અને બહેનોની આવક વધીને રૂ. ૨,૫૫,૫૮૨ થઈ. ૧૯૬૬માં લિજ્જત સંસ્થાએ પોતાની સૌથી પહેલી શાખા ખોલવાનો વિચાર કર્યો હતો અને મહારાષ્ટ્રના સાંગલી ગામ પર પસંદગી ઉતારી હતી પણ સાંગલીમાં બહેનોએ આ વાતને ખાસ પ્રોત્સાહક પ્રત્યુત્તર ન આપ્યો એટલે તે શાખા ખોલવાનો વિચાર માંડી વાળવામાં આવ્યો હતો.

લિજ્જત સંસ્થાને તેના શરૂઆતના ઘડતરના દિવસોમાં છગનબાપા ઉપરાંત ક્યા ક્યા મહાનુભાવોની મુલાકાતનો અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થવાનો લાભ મળ્યો હતો ?

શ્રી છગનબાપા ઉપરાંત ઘણા મહાનુભાવોએ લિજ્જત સંસ્થાની તેના શરૂઆતના વર્ષોમાં મુલાકાત લીધી હતી અને તેની પ્રવૃત્તિનું નિરીક્ષણ કરી સંસ્થા વધુ ને વધુ આગળ વધે તેવા આશીર્વાદ આપ્યા હતા. આમાં ગીતા પાઠશાળા અને સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા શ્રી પાંડુરંગ વૈજનાથ આથવલે (નવેમ્બર ૧૯૫૯), જલારામબાપાની વીરપુરની ગાદીના વારસ શ્રી ગિરધરરામબાપા (સપ્ટેમ્બર ૧૯૬૩), મહારાષ્ટ્રના એક સ્વચ્છ રાજકીય પ્રતિભા ધરાવતા નેતા શ્રી એસ.વી. પાગે (એપ્રિલ ૧૯૬૫), વડા પ્રધાન શ્રી લાલ બહાદૂર શાસ્ત્રીના ધર્મપત્ની શ્રીમતી લલિતા દેવી શાસ્ત્રી (ઓગસ્ટ ૧૯૬૬), કથાકાર શ્રી ડોંગરે મહારાજ (ડિસેમ્બર ૧૯૬૭), મહારાષ્ટ્ર અને ગુજરાતના અલગ રાજ્યોની જ્યારે રચના થઈ ત્યારે ગુજરાતના નવા રાજ્યનું જેમના શુભ હસ્તે ઉદઘાટન થયું હતું તે શ્રી રવિશંકર મહારાજ (મે ૧૯૬૮) અને પ્રખર સામાજિક કાર્યકર્તા શ્રીમતી યમુનાતાઈ શાંતનુરાવ કિર્લોસ્કર (ડિસેમ્બર ૧૯૬૮) વગેરેનો સમાવેશ થાય છે.

લિજ્જતના ઉત્પાદનોની મુખ્ય બજાર કઈ છે ? ક્યાં સૌથી વધુ વેચાણ થાય છે ?

મુંબઈ-થાણેનો સ્થાનિક વિસ્તાર અને નિકાસ બજાર સંસ્થા માટે સૌથી વધુ અગત્યની બજાર છે કેમ કે સંસ્થાના કુલ વેચાણમાં આ બે બજારનો સાથે મળીને હિસ્સો ૫૦ ટકાથી વધુ છે. આ સિવાય બાકીના મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ઘણું વેચાણ થાય છે.

સંસ્થાના પ્રથમ દાચકાના બાકીના બે વર્ષ ૧૯૬૬-૬૭ અને ૧૯૬૭-૬૮ કેવા ગયા હતા ? ૧૯૬૮માં સંસ્થાનું વિસ્તરણ કરવાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો હતો ?

લિજ્જત પાપડ અને સંસ્થાના અન્ય ઉત્પાદનની સમગ્ર દેશમાં તેમ જ નિકાસ બજારમાં પુષ્કળ માગ છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તો કૈંક અંશે આ માગને પહોંચી શકાય છે પણ તે સિવાયના રાજ્યોની કુલ માગમાંથી ૧૦ ટકા જેટલી માગને પણ સંતોષી શકાતી નથી.

સંસ્થાની પ્રવૃત્તિ વિધિસરની બની તે પછીના પહેલા વર્ષ ૧૯૬૬-૬૭ એટલે કે વિ.સં. ૨૦૨૩માં સંસ્થાનું વેચાણ પહેલી વખત મિલિયન માર્ક વટાવી રૂ. ૧૦,૦૮,૪૪૩નું થયું અને બહેનોની આવક રૂ. ૩,૨૮,૬૦૩ થઈ. ૧૯૬૭ની સાલમાં સંસ્થાને આટા ચક્કી ખરીદવા માટે અને વધુ વૉલ્ટેજના ઇલેક્ટ્રિક મીટર બેસાડવા માટે ખાદી અને ગ્રામોદ્યોગ પંચ તરફથી રૂ. ૧૭,૪૦૦ની લોન મળી. પંચ તરફથી સંસ્થાને આ પહેલી વખત લોન આપવામાં આવી હતી. સંસ્થાને મહારાષ્ટ્ર રાજ્યના વેચાણ વેરાનો સવાલ મૂંઝવતો હતો. તા.૮મી ડિસેમ્બર, ૧૯૬૭ના દિને મહારાષ્ટ્ર સરકારે એક સત્તાવાર નોટિફિકેશન બહાર પાડી લિજ્જત પાપડને તા. ૦૧-૧૦-૧૯૬૦ની પાછલી મુદતથી અમલી બને તે રીતે વેચાણ વેરાની બધી જોગવાઈમાંથી મુક્તિ આપી.

૧૯૬૭ સુધી લિજ્જતની પ્રવૃત્તિ માત્ર એક સ્થળે ગીરગામ ખાતેથી જ ચાલતી હતી. ગીરગામ પર બહેનોની સંખ્યા વધીને લગભગ ૩૭૫ થઈ હતી. ખૂબ ગરદી થવાના કારણે રોજિંદી કામગીરી કરવામાં મુશ્કેલી પડતી હતી. હજુ વધુ બહેનોને સંસ્થામાં પ્રવેશ જોઇતો હતો. આથી ગીરગામ જેવા વધુ કેન્દ્ર ખોલ્યા વિના ચાલે તેમ ન હતું. વિચાર કરીને સંસ્થાની પ્રવૃત્તિનું વિસ્તરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. વિસ્તરણની દિશાના પ્રથમ પગલા તરીકે 'સંસ્થા પરિચય' નામની એક પુસ્તિકા તૈયાર કરી જાન્યુઆરી ૧૯૬૮માં પ્રસિદ્ધ કરવામાં આવી. આ પુસ્તિકા પ્રગટ કરવા પાછળનો હેતુ એ હતો કે સંસ્થામાં અવારનવાર આવતા મહેમાનોને તેમ જ નવા નવા દાખલ થતા બહેનોને લિજ્જતની કામગીરી વિશે બહુ સમજાવવાની જરૂર ન રહે અને તેમને જોઇતી બધી માહિતી તેમને પુસ્તિકામાંથી મળી રહે. લિજ્જત વિશે લેખિત પરિચય આપવાનો સંસ્થાનો આ પહેલો પ્રયાસ હતો.

સંસ્થાનું વિસ્તરણ કરવાનો સંકલ્પ કર્યા પછી ૧૯૬૮ના એક વર્ષમાં જ ત્રણ નવી શાખા ખોલવામાં આવી. સંસ્થાની સૌથી પહેલી શાખા તા. ૧૧મી મે, ૧૯૬૮ના રોજ ગુજરાતમાં વાલોડમાં શરૂ થઈ. તેને હજુ એક મહિનો પૂરો ન થાય ત્યાં તા. ૧૦મી જૂન, ૧૯૬૮ના રોજ મુંબઈમાં વડાલા ખાતે બીજી શાખા શરૂ કરવામાં આવી અને વર્ષ પૂરુ થાય તે પહેલા તા. ૯મી ડિસેમ્બર, ૧૯૬૮ના રોજ મહારાષ્ટ્રમાં પૂણે ખાતે ત્રીજી શાખાનું શુભ મુહૂર્ત કરી દેવામાં આવ્યું. તે સમયે સંસ્થામાં જે કામ કરવામાં આવે તે ધમાકેદાર રીતે કરવાનો રિવાજ હતો. વિસ્તરણ કરવાનું નક્કી કર્યા પહેલા જ વર્ષમાં એકી ઝટકે ત્રણ શાખા ખોલી વિસ્તરણના નિર્ણયનો ધમાકેદાર અમલ કરવામાં આવ્યો. ગીરગામ ઉપરાંત તેવા ત્રણ નવા કેન્દ્ર ખૂલતા લિજ્જતનું કામ ચાર ગણું થઈ ગયું.

સંસ્થાની પ્રવૃત્તિ વિસ્તારવાનો નિર્ણય તેના સૂચિતાર્થ અને શક્ય પરિણામો વિશે પૂરતો વિચાર કર્યા પછી જ લેવામાં આવ્યો હતો. જે નવા કેન્દ્ર ખૂલે તે ગીરગામ કેન્દ્રની બરાબર પ્રતિકૃતિ જેવા જ હોવા જોઇએ અને લિજ્જતના તમામ કેન્દ્ર બિલકુલ એક સરખી રીતે કામ કરતા હોવા જોઇએ તે પહેલો નિર્ણય હતો. સંસ્થાની હેડ ઑફિસ ગીરગામ રાખી મુંબઈની બહાર જેટલા નવા કેન્દ્ર ખૂલે તેમને શાખા લેખવાનો અને આ બધી શાખા પોતાનો બધો જ વહીવટ જાતે જ સંભાળે છતાં તેમની કામગીરી પર એકંદરે હેડ ઑફિસની દેખરેખ અને નિયંત્રણ રહે તેવી વ્યવસ્થા ગોઠવવાનું નક્કી કરાયું હતું. આ શાખાઓ સ્વાયત્તપણે ચાલી શકે તે માટે બંધારણ સુધારવાનો નિર્ણય લેવાયો અને તા. ૧૧મી ઓગસ્ટ, ૧૯૬૮ના રોજ બહેનોની એક અસાધારણ સામાન્ય સભા બોલાવવામાં આવી. આ સભામાં સંસ્થાના આર્ટિકલ્સ ઑફ એસોશિયેશનમાં પહેલો સુધારો કરવામાં આવ્યો અને દરેક શાખા પોતાની સ્થાનિક મૅનેજિંગ કમિટી તેમ જ શાખાના પ્રમુખ, મંત્રી વગેરે હોદ્દેદારની વરણી કરી શકે તે માટે જોગવાઈ કરવામાં આવી. આ જોગવાઈ પ્રમાણે વાલોડ અને પૂણે શાખાએ તુરંત પોતાની સ્થાનિક મૅનેજિંગ કમિટીની રચના કરી.

મુંબઈમાં જ શરૂ થયેલ નવા વડાલા કેન્દ્રના સંબંધમાં સારી એવી લાંબી ચર્ચા પછી એવું નક્કી થયું કે ગીરગામ અને વડાલા નાણાકીય દ્રષ્ટિએ એક જ રહેશે અને ભવિષ્યમાં મુંબઈમાં જે કોઈ નવા કેન્દ્ર ખૂલે તે પણ હેડ ઑફિસનો જ ભાગ બનશે. થોડા વર્ષ બાદ મુંબઈની વ્યાખ્યામાં થાણે જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો અને નવી ખૂલેલી નાલા-સોપારા, ડોમ્બીવલી વગેરે શાખા પણ મુંબઈ હેડ ઑફિસ એકમનો એક ભાગ બની. મુંબઈની માફક જે જે શહેરોમાં સંસ્થાની એકથી વધુ શાખાઓ ખૂલી તેમણે પણ તે શહેરના એક એકમ બનવું પસંદ કર્યું. દાખલા તરીકે કલકત્તામાં લિજ્જતની જેટલી શાખાઓ છે તે તમામ નાણાકીય અને વહિવટ રીતે એક જ એકમ છે.

લિજ્જત સંસ્થાનું વિસ્તરણ કરવાનો ૧૯૬૮ની સાલમાં જે નિર્ણય લેવાયો તેમાં શું બધા બહેનો સંમત હતા, રાજી હતા ? કે પછી કોઈ તે બાબત વિશે વાંધા-વિરોધના અવાજ પણ હતા ?

૧૯૬૮ની સાલમાં લિજ્જતમાં જ્યારે વાલોડ અને વડાલા ખાતે નવા કેન્દ્ર શરૂ કરવાની વાત આવી ત્યારે મૂળ કેન્દ્ર ગીરગામનું વાતાવરણ ઠીક ઠીક ગરમ થઈ ગયું હતું. ગીરગામના ઘણાં બહેનોને અને મોટા ભાગના સેલ્સમેનને આ દરખાસ્ત બિલકુલ પસંદ આવી ન હતી. તેમનું કહેવાનું એ હતું કે અત્યારે લિજ્જત ગીરગામ ખાતે શાંતિથી અને સારી રીતે ચાલે છે તો ચાલવા દો ને. આપણે હાથે કરીને નવી શાખાની ઉપાધિ શા માટે માથે લેવી. નવી શાખા બરાબર નહિ ચાલે તો શું કરીશું. તેમાં જુદા જ સ્વભાવના નવા બહેનો આવીને બધાને હેરાન કરશે તો શું થશે. નવી શાખાના વેચાણના પરિણામે ગીરગામના વેચાણ પર અવળી અસર પડશે તો ક્યા જશું. આવી અનેક શંકા-કુશંકા વ્યક્ત કરવામાં આવતી હતી. આ વાત ખોટી તો ન હતી. નવી શાખા ખૂલે તેમાં ગીરગામના બહેનોને કે સેલ્સમેનને કોઈ પણ ફાયદો થવાનો ન હતો. પણ કદાચ નુકશાન થાય તેમ હતું. અને માથા પર ઉપાધિ તો ચોક્કસ વધે તેમ હતી. ગીરગામના સેલ્સમેન અને થોડા બહેનો ખોટી ઉપાધિ અને મુશ્કેલીથી દૂર રહેવાની જે વાત કરતા હતા તે વાતનો જો તે વખતે સ્વીકાર થયો હોત તો આજે આટલા વર્ષ પછી પણ લિજ્જત સંસ્થા એક માત્ર ગીરગામ ખાતે જ ચાલતી હોત. માંડ ૨૦૦-૩૦૦ બહેનો લિજ્જતમાં કામ કરતા હોત. લિજ્જત સંસ્થાનો આજે દેશભરમાં જે વિકાસ થયો છે તે ક્યારે શક્ય બન્યો ન હોત.

લિજ્જત સંસ્થામાં આ અનુભવનું વારંવાર પુનરાવર્તન અવારનવાર થયા કરે છે. જ્યારે જ્યારે કોઈ નવો સેલ્સ ડેપો કે નવી શાખા ખોલવાની વાત આવે ત્યારે ત્યારે તે સામે કોઈકને કૈંક વાંધો તો જરૂર હોય છે. આ નવી ઉપાધિ શા માટે લેવી, એમાં આપણને ફાયદો શું છે, જેને જે કરવું હોય તે કરે, હું કંઈ નહિ કરું આવા ગણગણાટ સંસ્થામાં થયા જ કરે છે. લિજ્જત સંસ્થામાં નવા બહેનો આવે છે, નવા સેલ્સમેન આવે છે, તે બધાને પોતે સંસ્થામાં આવે તે સારું લાગે છે, પણ પોતે એક વખત સ્થિર થઈ ગયા પછી જો વધુ બહેનો કે વધુ સેલ્સમેન સંસ્થામાં આવે તો તેમને તે વાત ખાસ ગમતી નથી. આ એક માનવ સહજ નબળાઈ છે. મેનેજમેન્ટની પરિભાષામાં એને Public Coach Syndrome કહેવામાં આવે છે. આપણને બધાને ટ્રેન, બસ વગેરેમાં જાહેર સેવાના સાધનોમાં મુસાફરી કરવાનો અનુભવ છે. ગમે તેટલી ગિરદીવાળા વાહનમાં એક વખત ચડી જવા મળે તો હાશકારો થાય છે અને બેસવાની જગ્યા મળે તો રાજી થઈએ છીએ. પણ એ જ વાહનમાં આપણાં પછી ચડનાર કોઈ માણસ આપણને ગમતા નથી. ટ્રેનનો ડબ્બો અડધો ખાલી હોય તો પણ મનમાં એવો વિચાર આવે છે કે વાહ, આજે શાંતિથી પહોળા થઈને બેસી શકાશે, હવે કોઈ વધુ મુસાફર ન ચડે તો સારું. જગતભરમાં પ્રવાસીઓ વિમાનમાં બેસીને પરદેશ જતા હોય ત્યારે આજુબાજુની પેસેન્જર સીટો ખાલી જોવા મળે ત્યારે મનમાં ને મનમાં રાજી થતા હોય છે. આવા વિચારો કોઈને મદદરૂપ થતા નથી. તેના પ્રત્યે કોઈએ ધ્યાન આપવું ન જોઇએ.

સંસ્થામાં પ્રથમ દાયકા એટલે કે ૧૯૬૮ની આખર સુધીમાં કેટલી વખત આર્ટિકલ્સ ઑફ એસોશિયેશનમાં સુધારા-વધારા કરવામાં આવ્યા હતા ?

બે વખત સુધારા થયા હતા. તા. ૨૫મી જુલાઈ, ૧૯૬૬ના રોજ આર્ટિકલ્સ ઑફ એસોશિયેશન અપનાવ્યા બાદ પહેલો સુધારો તા. ૧૨મી ફેબ્રુઆરી, ૧૯૬૭ના રોજ કરવામાં આવ્યો અને ધિ બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ, ૧૯૫૦ની જોગવાઈ પ્રમાણે ટ્રસ્ટીઓની નિમણૂક કરવાની કલમ ઉમેરવામાં આવી. બીજો સુધારો તા. ૧૧મી ઓગસ્ટ, ૧૯૬૮ના રોજ કરવામાં આવ્યો અને બહારગામની દરેક શાખા પોતાનો વહીવટ ચલાવવા સ્થાનિક મૅનેજિંગ કમિટીની રચના કરી શકે તેવી જોગવાઈ કરવામાં આવી.

બીજો દાયકો (૧૯૬૯થી ૧૯૭૮)

સંસ્થાના એક દાયકાની સફર પૂરી થવાના પ્રસંગની કેવી રીતે ઉજવણી કરવામાં આવી હતી ?

લિજ્જત સંસ્થાએ એક દાયકાની સફર પૂરી કરી તેની ૧૯૬૯ના વર્ષમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના પ્રથમ પગલાં તરીકે લિજ્જત સંસ્થાની એક દાયકાની અનુભવ યાત્રાનું વર્ણન કરતી શ્રી મોતીલાલ કનોજિયા લેખિત ૩૦ પાનાની એક પુસ્તિકા સંસ્થાની ૧૦મી જયંતી એટલે કે તા.૧૫મી માર્ચ, ૧૯૬૯ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી. લિજ્જત સંસ્થાએ એક દાયકામાં કેટલી પ્રગતિ કરી છે તેની પત્રકારોને માહિતી આપવા માટે તા. ૨૩મી એપ્રિલ, ૧૯૬૯ના રોજ મુંબઈમાં તાજ મહાલ હોટલ ખાતે એક પ્રેસ કૉન્ફરન્સ યોજવામાં આવી. સંસ્થા દ્વારા આ પહેલી વખત પ્રેસ કૉન્ફરન્સ બોલાવવામાં આવી હતી. લિજ્જતના બહેનો સારી એવી સંખ્યામાં આ કૉન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના હિતચિંતક ડૉ. મોહનલાલ બી. પોપટ અને શ્રી કલ્યાણજી મુળજી ઘેલાણીએ સંસ્થા વતી પત્રકારોને બધી માહિતી આપી હતી. સંસ્થાનો દશાબ્દી મહોત્સવ ઊજવવા માટે તા. ૨૬મી એપ્રિલ, ૧૯૬૯ના રોજ મરિન લાઈન્સ ખાતે આવેલ બિરલા માતુશ્રી સભાગાર ખાતે એક ભવ્ય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં સંસ્થાના બહેનો ઉપરાંત અનેક માનનીય મહેમાન, સામાજિક આગેવાન અને સંસ્થાના શુભેચ્છક મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

વિ.સં. ૨૦૨૩ સુધીના સંસ્થાના બધા વાર્ષિક હિસાબ ગુજરાતી ભાષામાં પ્રગટ કરવામાં આવ્યા હતા. વિ.સં. ૨૦૨૪ના એન્યુઅલ રિપોર્ટથી તેમાં ફેરફાર કરવામાં આવ્યો અને તેમાં ગુજરાતી ઉપરાંત મરાઠી અને અંગ્રેજી ભાષામાં પણ વાર્ષિક હિસાબની વિગતો આપવામાં આવી. તા.૨૬-૦૪-૧૯૬૯ના રોજ દશાબ્દી મહોત્સવ પૂરો થયા બાદ તે જ સ્થળે મળેલી ૪થી વાર્ષિક સામાન્ય સભામાં વિ.સં. ૨૦૨૪ના વાર્ષિક હિસાબ પસાર કરવામાં આવ્યા.

સંસ્થાનો પહેલો દાયકો (૧૯૫૯-૧૯૬૮) જો સોનેરી દાયકો હતો તો બીજો દાયકો (૧૯૬૯-૧૯૭૮) કેવો ગયો હતો ?

લિજ્જત સંસ્થાનો બીજો દાયકો (૧૯૬૯ થી ૧૯૭૮ સુધીનો સમય) એકંદરે સારી ગુણવત્તાવાળા વિકાસનો દાયકો હતો તેવું કહી શકાય. આ દાયકામાં સંસ્થાનો વિકાસ ઝડપભેર થયો, પ્રવૃત્તિનો વિસ્તાર થયો, એક પછી એક નવી શાખાઓ ફટાફટ ખૂલવા લાગી, લિજ્જત પાપડ ઉપરાંત નવી નવી ચીજોનું ઉત્પાદન હાથ ધરવામાં આવ્યું, બહેનોની સંખ્યા કુદકે ને ભૂસકે વધવા લાગી અને આ બધું લિજ્જત સંસ્થાના મૂળ આચાર-વિચાર કે રહેણી-કહેણી કે બહેનોની ધગશ-ઉત્સાહને સાબૂત રાખીને થઈ શક્યું. આ દાયકામાં ખ્યાલ આવ્યો કે લિજ્જતની વિચારધારા અને કાર્યપદ્ધતિનો અમલ કરનારા સાચા હોય, પ્રમાણિક હોય, નિષ્ઠાવાન હોય અને તકલીફ વેઠીને પણ આ વિચારધારાને અમલમાં મૂકવાની તેમની તૈયારી હોય તો લિજ્જતની વિચારધારા અને કાર્યપદ્ધતિ દેશના કોઈ પણ ગામ કે શહેરમાં અમલી બનાવી શકાય તેમ છે. સવાલ માત્ર કામ કરનારાની ધગશ કેટલી છે તેનો છે. બીજા દાયકામાં પણ વાતાવરણ સંસ્થાના પહેલા દાયકાની જેમ ઉત્સાહ, સ્ફૂર્તિ અને સુમેળથી ભરેલું રહ્યું હતું.

બીજા દાયકાની શરૂઆતના સમયે સંસ્થાના વેચાણ અને સભ્ય સંખ્યા કઈ સપાટીએ હતા ?

પહેલા દાયકાની આખરના વર્ષ વિ.સં. ૨૦૨૪ એટલે કે ૧૯૬૭-૬૮માં સંસ્થાનું કુલ વેચાણ રૂ. ૧૩,૯૫,૫૮૬ હતું. બીજા દાયકાની શરૂઆત ધમાકેદાર થઈ. ૧૯૬૮ની સાલમાં ગીરગામ ઉપરાંત ત્રણ નવી શાખા શરૂ થતાં માત્ર એક વર્ષમાં વેચાણમાં ૧૦૦ ટકાનો જમ્પ આવ્યો. બીજા દાયકાના પહેલા વર્ષ વિ.સં. ૨૦૨૫ એટલે કે ૧૯૬૮-૬૯માં વેચાણ લગભગ બમણું થઈ રૂ. ૨૪,૨૮,૨૭૭ થયું. એ જ રીતે બહેનોની આવક પણ વિ.સં. ૨૦૨૪ની રૂ. ૪,૯૭,૧૯૪ની સપાટીથી કુદકો મારી વિ.સં. ૨૦૨૫માં રૂ. ૮,૦૮,૯૫૯ થઈ.

વડાલા શાખાથી નજીક રહેતા જે બહેનો ગીરગામ આવતા હતા તેમણે પોતાનું નામ ગીરગામથી વડાલા ટ્રાન્સફર કરાવ્યું. આથી વિ.સં. ૨૦૨૫માં ગીરગામ પર બહેનોની સંખ્યા ઘટીને ૨૬૮ થઈ તો બીજી તરફ નવી વડાલા શાખામાં બહેનોની સંખ્યા ૩૧૧ની થઈ. નવી વાલોડ અને પૂણે શાખા પર લગભગ ૧૫૦-૧૫૦ જેટલા બહેનો જોડાયા. કુલ સંખ્યાની રીતે જોઇએ તો સંસ્થામાં ૧૯૬૬-૬૭માં આશરે ૩૫૦ બહેન હતા તે ૧૯૬૭-૬૮માં વધીને ૯૦૦ થયા અને ૧૯૬૮-૬૯માં વધુ વધી ૧૧૦૯ થયા. ઓગસ્ટ ૧૯૬૯માં મુલુન્ડ પાંચ રસ્તા ખાતે નવી શાખા શરૂ થતા મુંબઈમાં શાખાની સંખ્યા ૩ થઈ અને બહારગામની ૨ શાખાઓ સાથે કુલ શાખા ૫ થઈ.

૧૯૬૯ના વર્ષની સૌથી વધુ નોંધપાત્ર ઘટના કઈ હતી ?

૧૯૬૯ની સાલનો સૌથી યાદગાર પ્રસંગ હતો સંસ્થાની મુલુન્ડ પાંચ રસ્તા ખાતેની શાખા રાતોરાત ખોલવાનો. મુલુન્ડના કેટલાંક રહેવાસીની ઇચ્છા હતી કે લિજ્જતની પ્રવૃત્તિ મુલુન્ડમાં શરૂ થાય તો સારું. આ વાત વિચારવા માટે તા.૨૪મી ઓગસ્ટ, ૧૯૬૯ની સાંજે મુલુન્ડમાં જાણીતા તબીબ ડૉ. ગોકુલદાસ ઠક્કરના ઘરે મીટિંગ થઈ. મીટિંગમાં ડૉ. ઠક્કર અને તેમના માતુશ્રી ઉપરાંત સ્થાનિક સામાજિક આગેવાનો શ્રી ધરમશી હીરજી ચોખાવાલા, શ્રી રમણિકલાલ ઝવેરચંદ શાહ, શ્રી માધવજી રામજી મુલાણી (શાહુભા) વગેરે હાજર હતા. મિટિંગમાં દત્તાણીબાપાએ કહ્યું કે આપણે માત્ર ખાલી વાતો કરવી છે કે ખરેખર કામ કરવું છે ? જો કામ કરવું હોય તો આ મીટિંગ અત્યારે જ સમાપ્ત કરો અને કામ શરૂ કરો. આથી બધાંએ ચર્ચા બંધ કરી તે જ મિનિટથી કામ કરવું શરૂ કર્યું. તે જ વખતે પાંચ રસ્તાના ચોકમાં આવેલી મોકાની જગ્યા પસંદ કરી તેના માલિક શ્રી શંકર રામજી ભીડે સાથે વાતચીત કરી રાત્રે ૧૧ વાગ્યે ચાવી મેળવવામાં આવી, જગ્યાનો કબજો લઈ તેને સાફસૂફ કરવામાં આવી, શાખામાં જોઇતી સાધન સામગ્રી તત્કાળ મંગાવી લેવામાં આવી, કાચો માલ પણ આવી ગયો અને વિવિધ શાખામાંથી લિજ્જતના બહેનો પણ આવી ગયા. આમ તા. ૨૫મી ઓગસ્ટ, ૧૯૬૯ના રોજ સવારે ૫.૦૦ વાગ્યે એટલે કે નક્કી કર્યાના ૧૨ કલાકથી ઓછા સમયમાં મુલુન્ડ પાંચ રસ્તા શાખા કામ કરતી થઈ ગઈ. આ શાખાનું પાછળથી તા.૧૪મી સપ્ટેમ્બર, ૧૯૬૯ના રોજ જાણીતા સામાજિક કાર્યકર અને ભૂતપૂર્વ લોકપ્રિય અભિનેત્રી શ્રીમતી લીલા ચિટનિસના શુભ હસ્તે વિધિસર ઉદઘાટન કરવામાં આવ્યું. તે સમયે લિજ્જતનો મંત્ર હતો કે આજનું કામ કાલ પર ન છોડાય, આજનું કામ અત્યારે જ કરવું જોઇએ. આ રાતોરાત મુલુન્ડ શાખા ખોલવાની વાતને લિજ્જતમાં હજુ પણ યાદગાર બનાવ લેખવામાં આવે છે.

૧૯૭૦ના વર્ષના યાદગાર બનાવ ક્યા હતા ?

વિ.સં. ૨૦૨૬ (એટલે કે ૧૯૬૯-૭૦)માં કુલ વેચાણ લગભગ ૩૩ ટકા જેટલું વધી રૂ. ૩૨,૯૦,૩૧૬ થયું અને બહેનોની આવક પણ આશરે તેટલી જ વધીને રૂ. ૯,૯૩,૩૭૮ થઈ. વર્ષની આખરે એટલે કે ઑક્ટોબર ૧૯૭૦માં બહેનોની કુલ સંખ્યા વધીને ૧૮૩૮ (નવી ભાડાઈ શાખા સહિત) થઈ હતી.

ખાદી અને ગ્રામોદ્યોગ પંચના અધ્યક્ષ શ્રી ઢેબરભાઈના શુભ હસ્તે સંસ્થાની કાંદિવલી(પશ્ચિમ) શાખાનું તા. ૪થી જાન્યુઆરી, ૧૯૭૦ના રોજ ઉદઘાટન થયું અને તે સાથે લિજ્જતની મુંબઈની શાખાઓની સંખ્યા ૪ થઈ, જ્યારે બહારગામ સહિત કુલ શાખા ૬ થઈ. જાન્યુઆરી ૧૯૭૦માં સંસ્થાને ખાદી અને ગ્રામોદ્યોગ પંચ તરફથી બીજી લોન મંજૂર થઈ. આ લોન રૂ. બે લાખની હતી.

તા. ૧૫મી એપ્રિલ, ૧૯૭૦ના રોજ સંસ્થાની ૭મી શાખા કચ્છમાં ભાડાઈ ગામમાં શરૂ કરવામાં આવી. આ શાખા થોડા મહિના જ ચાલી શકી અને બહેનોની સંખ્યા ઘટી જતા પછીના વર્ષમાં બંધ પડી ગઈ.

સંસ્થાની ૫મી સામાન્ય વાર્ષિક સભા તા. ૨૬મી એપ્રિલ, ૧૯૭૦ના રોજ મળી. આ સભામાં સંસ્થાના આર્ટિકલ્સ ઑફ એસોશિયેશનનો ત્રીજો સુધારો પસાર કરાયો અને સંસ્થાના મૅનેજિંગ કમિટીના મેમ્બરની સંખ્યા જે ૧૫ હતી તે વધારીને ૨૧ કરવામાં આવી. આ બેઠકમાં એવો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો કે સંસ્થાના બહેનોની જે પુત્રીઓ ઉચ્ચ અભ્યાસ કરતી હોય તેમને પૂજ્ય છગનબાપા સ્મૃતિ સ્કોલરશીપ આપવી.

૧૯૭૧નું વર્ષ સંસ્થા માટે કેવું ગયું ?

વિ.સં. ૨૦૨૭ એટલે કે ૧૯૭૦-૭૧ની સાલમાં કુલ વેચાણ રૂ. ૪૩,૮૨,૨૧૫ના થયા હતા જ્યારે બહેનોની વણાઈ અને વધારાની વણાઈ તરીકેની કુલ આવક પહેલી વખત મિલિયન માર્ક વટાવી રૂ. ૧૨,૮૭,૪૫૬ થઈ હતી. આ વર્ષમાં ભાડાઈ શાખા બંધ થતાં વર્ષની આખરે એટલે કે ઑક્ટોબર ૧૯૭૧માં કુલ શાખાની સંખ્યા ઘટીને ૬ અને કુલ બહેનોની સંખ્યા ઘટીને ૧૫૬૨ થઈ હતી. આ વર્ષમાં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધની પણ સંસ્થાની કામગીરી પર અસર પડી હતી.

લિજ્જત સંસ્થા વિશે શ્રી મોતીલાલ કનોજિયાએ લખેલી પુસ્તિકાની બીજી સુધારા-વધારા સાથેની આવૃત્તિ એપ્રિલ ૧૯૭૧માં બહાર પાડવામાં આવી હતી. લિજ્જત પાપડની નિકાસની બાબતમાં સંસ્થાએ કરેલી સરસ પ્રગતિની પત્રકારોને માહિતી આપવા મુંબઈમાં તાજ મહાલ હોટલ ખાતે ફરી પ્રેસ કૉન્ફરન્સ બોલાવવામાં આવી હતી અને લિજ્જત પાપડના મુખ્ય નિકાસકાર શ્રી કાન્તિલાલ એન. દલાલ દ્વારા તેનું સંચાલન કરવામાં આવ્યું હતું.

તા. ૮મી ઑક્ટોબર, ૧૯૭૧ના રોજ મહારાષ્ટ્ર સરકારે એક પરિપત્ર બહાર પાડી લિજ્જત પાપડને ઑક્ટ્રોયમાંથી મુક્તિ આપવાની રાજ્યના બધાં મ્યુનિસિપલ સત્તાવાળાને સૂચના આપી હતી.

૧૯૭૨ના વર્ષના અગત્યના બનાવ ક્યા હતા ?

વિ.સં. ૨૦૨૮ એટલે કે ૧૯૭૧-૭૨ના વર્ષમાં કુલ વેચાણ વધીને રૂ. ૫૮,૯૫,૯૭૮ થયા હતા. બહેનોની આવક રૂ. ૧૩,૬૨,૧૩૭ થઈ હતી. વર્ષની આખરે એટલે કે નવેમ્બર ૧૯૭૨માં બહેનોની સંખ્યા થોડી વધીને ૧,૬૧૮ થઈ હતી.

તા. ૨૭મી જાન્યુઆરી, ૧૯૭૨ના રોજ સંસ્થાની રામાણિયા શાખાનું શ્રી તુલસીદાસ શેઠના શુભ હસ્તે ઉદઘાટન થયું હતું. સંસ્થાની તે સાતમી શાખા અને મુંબઈ બહાર વાલોડ અને પૂણે પછીની ત્રીજી શાખા હતી.

મે ૧૯૭૨માં લિજ્જત સંસ્થા વિશે શ્રી મોતીલાલ કનોજિયા લિખિત પુસ્તિકાની ત્રીજી આવૃત્તિ ગુજરાતી અને હિન્દી ભાષામાં બહાર પાડવામાં આવી હતી.

લિજ્જત સંસ્થા તરફથી સમાજ સેવાના એક ભાગ તરીકે મુલુન્ડ(પૂર્વ)માં લિજ્જત ગંગા અને લિજ્જત જમુના એમ બે કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ અને કાંદિવલીમાં લિજ્જત ગોદાવરી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી પ્રમોટ કરવામાં આવી હતી. આ કામ હાથ પર લેવામાં સંસ્થાનો હેતુ ઘણો સારો હતો પણ તેના અમલમાં ખાસ પ્રગતિ ન થઈ શકતા આ સૂચિત સોસાયટીમાં જગ્યા ખરીદનાર તેના સભ્યોને બાંધકામની બધી જવાબદારી પોતા પર લઈ લેવાની અને પોતાના હિસાબે અને જોખમે બિલ્ડિંગ બાંધી કામ પૂરું કરવાની ફરજ પડી હતી. લિજ્જતની આ એક નોંધપાત્ર નિષ્ફળતા હતી.

૧૯૭૨ના વર્ષની સૌથી અગત્યની ઘટના સંસ્થાના માસિક મૅગેઝિન "લિજ્જત પત્રિકા"ના તા. ૭મી ડિસેમ્બર, ૧૯૭૨થી શરૂ કરવામાં આવેલા પ્રકાશનની છે. મરાઠી અને ગુજરાતી એમ બન્ને ભાષામાં સંયુક્તપણે આ મૅગેઝિન શરૂ કરવામાં આવ્યું હતું એટલે કે એક જ અંકમાં થોડા પાના પર મરાઠી તો થોડા પાના પર ગુજરાતીમાં અહેવાલ પ્રગટ કરવામાં આવતા હતા. સંસ્થામાં છેલ્લા થોડા વર્ષથી પુષ્કળ નવા બહેનો જોડાયા હતા અને વધુ બહેનો જોડાતા રહેવાનો પ્રવાહ ચાલુ રહે તેમ હતું. આ બધા બહેનો લિજ્જત સંસ્થા શું છે, તે કેવી રીતે કામ કરે છે, સંસ્થાના આદર્શ અને વિચારો કેવા છે વગેરેથી બરાબર માહિતગાર થાય તે જરૂરી હતું. આ ઉપરાંત નવી નવી શાખાઓ ખુલવાના કારણે કઈ શાખામાં શું થઈ રહ્યું છે તે જાણવાની બધાંને ઈન્તેજારી રહેતી હતી. લિજ્જત સંસ્થા જાહેર સંસ્થા હોવાથી સંસ્થાના શુભેચ્છકો, હિતચિંતકો, કાચો માલ પૂરો પાડતા અને તૈયાર માલ વેચતા વેપારીઓ વગેરે બધાંને લિજ્જતમાં જે જે બનાવ બને તેનાથી વાકેફ રાખવાની સંસ્થાની ફરજ હતી. આમ લિજ્જત પત્રિકા શરૂ કરવા પાછળ શિક્ષણ અને તાલિમ, સંપર્ક અને સંકલન તથા માહિતી પ્રસારણ એમ ત્રણ ધ્યેય રાખવામાં આવ્યા હતા. લિજ્જત સંસ્થા શું છે તેની સાચી સમજ આપવામાં લિજ્જત પત્રિકાનો ફાળો અગત્યનો રહ્યો છે.

૧૯૭૩ના વર્ષમાં શું થયું ?

વિ.સં. ૨૦૨૯ એટલે કે ૧૯૭૨-૭૩નું વર્ષ લિજ્જત માટે ભારે પ્રવૃત્તિનું વર્ષ બની રહ્યું. નવી બે શાખા ખૂલી. બહેનોની સંખ્યા વધીને ઑક્ટોબર ૧૯૭૩માં ૧૭૦૧ થઈ. નિકાસ વેચાણો પહેલી વખત મિલિયન માર્ક વટાવી રૂ. ૧૩,૪૧,૬૧૯ થયા. એ સાથે સ્થાનિક વેચાણો પણ ઉછળી જતાં કુલ વેચાણ રૂ. ૭૪,૬૨,૧૩૭ની સપાટીએ પહોંચ્યા. બહેનોની કુલ આવક પણ ઝડપથી વધીને રૂ. ૨૧,૫૪,૮૩૦ થઈ.

પૂણે શાખા ભાડે લેવાયેલી જગ્યામાં શરૂ થઈ હતી. તે જે જગ્યામાં કામ કરતી હતી તે 'રાજલક્ષ્મી' બંગલો તેના મૂળ માલિક પાસેથી જાન્યુઆરી ૧૯૭૩માં આઉટ રાઈટ ધોરણે ખરીદી લેવામાં આવ્યો.

ભારત સરકારે તા. ૨૬મી જાન્યુઆરી, ૧૯૭૩ના રોજ શ્રી ઢેબરભાઈને 'પદ્મ વિભૂષણ' નો ઇલ્કાબ આપવાની જાહેરાત કરતાં બહેનોએ ખુશાલી સાથે તે પ્રસંગની ઉજવણી કરી.

તા. ૧૫મી એપ્રિલ, ૧૯૭૩ના રોજ સંસ્થાના બહેનોની એક અસાધારણ સામાન્ય સભા બોલાવી તેમાં સંસ્થાના આર્ટિકલ્સ ઑફ એસોશિયેશનમાં ચોથી વખત સુધારા કરવામાં આવ્યા જે કેટલીક કાનૂની મુશ્કેલી દૂર કરવા જરૂરી બન્યા હતા. આ સાથે એક બીજો એક મહત્વનો નિર્ણય પણ લેવાયો. ૧૯૭૩ના વર્ષ સુધી સંસ્થાની દરેક શાખામાં માત્ર આચાર્ય વિનોબા ભાવેની તસ્વીર રાખવામાં આવતી હતી. આ સભામાં ઠરાવ પસાર કરી દરેક શાખામાં વિનોબાજી ઉપરાંત છગનબાપાની તસ્વીર પણ રાખવાનું નક્કી કરવામાં આવ્યું.

જાણીતા ઉદ્યોગપતિ અને લક્ષ્મી વિષ્ણુ મિલના માલિક શ્રી માધવ આપ્ટેના આમંત્રણથી લિજ્જતના બહેનો તા. ૧૧મી જૂન, ૧૯૭૩ના રોજ મહારાષ્ટ્રના સોલાપુર શહેરમાં ગયા અને ત્યાંના જે સ્થાનિક કાર્યકરો પોતાનું અલગ પાપડ ઉત્પાદન એકમ ચાલુ કરવા ઇચ્છતા હતા તેમને જરૂરી તાલિમ અને માર્ગદર્શન વિના સંકોચે પૂરા પાડ્યા. લિજ્જતના બહેનોનો એવો આગ્રહ ક્યારે પણ રહ્યો નથી કે માત્ર તેમના પાપડ જ બજારમાં વેચાવા જોઈએ અને લોકોએ માત્ર લિજ્જત પાપડ જ ખાવા જોઈએ.

તા. ૨૩મી ઑક્ટોબર, ૧૯૭૩ના રોજ સંસ્થાની કુલ ૯મી અને મુંબઈ ખાતેની ૫મી વાંદરા (સહકાર બજાર) શાખાનું શ્રી પી.જી. ખેરના શુભ હસ્તે ઉદઘાટન થયું. આ પછી તુરંત થોડા સપ્તાહમાં જ ગીરગામમાં ખાડિલકર રોડ પર આવેલી નારાયણવાડી ખાતે સંસ્થાની ૧૦મી અને મુંબઈ ખાતેની છઠ્ઠી શાખા તા. ૧૪મી ડિસેમ્બર, ૧૯૭૩ના રોજ શરૂ કરવામાં આવી હતી. જો કે આ શાખા લગભગ પાંચ વર્ષ ચાલી બહેનોની પૂરતી સંખ્યાના અભાવે ૧૯૭૮ની સાલમાં બંધ પડી ગઈ હતી.

૧૯૭૩ના વર્ષમાં ઘણા મહેમાનોએ સંસ્થાની મુલાકાત લઈ તેની કામગીરી નિહાળી હતી. વિવિધ શાખાઓ પર પધારેલ આ મહેમાનોમાં ખાદી અને ગ્રામોદ્યોગ પંચના અધ્યક્ષ શ્રી જી. રામચંદ્રન (૨૪-૦૩-૧૯૭૩), મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી વસંતરાવ નાઈક (૨૪-૦૪-૧૯૭૩), ક્રિકેટર અને ઉદ્યોગપતિ શ્રી વિજય મર્ચન્ટ (૨૫-૦૭-૧૯૭૩), જાણીતા ટ્રેડ યુનિયન લીડર અને સામ્યવાદી પક્ષના અગ્રણી શ્રી ગુલાબરાવ ગણાચાર્ય (૨૫-૦૯-૧૯૭૩), મુંબઈના મેયર શ્રી સુધીર જોશી (૧૬-૧૦-૧૯૭૩) તથા સોમાણી ગ્રૂપ ઑફ ઈન્ડસ્ટ્રીઝના શ્રી એસ.કે. સોમાણી અને શ્રી રૂષભદાસજી રાંકા (૧૪-૧૨-૧૯૭૩)નો સમાવેશ થાય છે.

૧૯૭૩ના વર્ષમાં સંસ્થાની હિસાબી પદ્ધતિની એક મોટી ખામીને દૂર કરવામાં આવી. સંસ્થામાં શાખાઓ ખોલવાનું શરૂ થયું ત્યારથી હર સાલ સંસ્થાના વાર્ષિક અહેવાલમાં દરેક શાખાના અલગ-અલગ સરવૈયા અને આવક-જાવક ખાતા પ્રગટ કરવામાં આવતા હતા. આ પદ્ધતિમાં ખોટું કંઈ ન હતું પણ તેમાંથી સમગ્ર સંસ્થાની એકંદર હિસાબી ચિત્ર જાણવા મળતું ન હતું. ૧૯૬૭-૬૮ થી ૧૯૭૧-૭૨ના એટલે કે વિ.સં. ૨૦૨૪, ૨૦૨૫, ૨૦૨૬, ૨૦૨૭ અને ૨૦૨૮ના વાર્ષિક અહેવાલમાં સમગ્ર સંસ્થાના એકત્રિત હિસાબો અપાયા ન હતા. આ ખામી દૂર કરવા ૧૯૭૩ના વર્ષમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે હવેથી વાર્ષિક અહેવાલમાં દરેક શાખાના અલગ-અલગ સરવૈયા અને આવક-જાવક ખાતા રજૂ કરવાને બદલે તેને એકત્રિત કરી સમગ્ર સંસ્થાનું એક જ સરવૈયું અને આવક-જાવક ખાતું પ્રગટ કરવું અને બહારગામની દરેક શાખાએ પોતાના અલગ ઑડિટ થયેલા એકાઉન્ટ્સની નકલો પોતાની શાખાના બહેનોને પૂરી પાડવી અને અન્ય માટે ઉપલબ્ધ બનાવવી. વિ.સં. ૨૦૨૯ના વાર્ષિક હિસાબોથી આ પદ્ધતિ અમલી બનાવાઈ છે.

૧૯૭૪ના વર્ષને શા માટે યાદ રાખવા જેવું ગણવામાં આવે છે ?

લિજ્જત સંસ્થા માટે ૧૯૭૪નું વર્ષ ઘણાં કારણસર યાદગાર બન્યું. જાન્યુઆરી ૧૯૭૪માં દત્તાણીબાપા એક પત્રકાર તરીકેની પોતાની નોકરીનું રાજીનામું આપી લિજ્જત સંસ્થામાં પૂરા સમય માટે જોડાયા અને તેમને આવકનું અન્ય કોઈ સાધન ન રહેવાથી સંસ્થાએ તેમનો બધો ખર્ચ ભોગવવો એવું નક્કી થયું. દત્તાણીબાપા સંસ્થામાં ૨૪ કલાક બેસતા થવાથી સંસ્થામાં કામની ઝડપ વધવા લાગી. વિ.સં. ૨૦૩૦ એટલે કે ૧૯૭૩-૭૪ના વર્ષમાં પહેલી વખત સંસ્થાના કુલ વેચાણોએ રૂ. એક કરોડની સપાટી વટાવી અને તે રૂ. ૧,૧૨,૬૩,૨૨૫ના થયા. બહેનોની આવક પણ વધીને રૂ. ૨૭,૧૪,૭૪૩ થઈ. વર્ષ દરમિયાન ત્રણ નવી શાખા અને એક વિભાગ ખોલવામાં આવ્યા. બહેનોની કુલ સંખ્યા ૧,૭૦૧ થી ઉછળી ૨,૭૭૩ થઈ એટલે કે એક વર્ષમાં એક હજારથી વધુ નવા બહેનો લિજ્જતમાં દાખલ થયા. ખાદી અને ગ્રામોદ્યોગ પંચ તરફથી લગભગ ૪ વર્ષના ગાળા બાદ લિજ્જતને નવી લોન મળી. રૂ. ૬,૫૦,૦૦૦ જેટલી નોંધપાત્ર રકમની આ લોન સંસ્થાને ઘણી ઉપયોગી બની.

તા. ૧૨મી જાન્યુઆરી, ૧૯૭૪ના રોજ સાદાઈથી હૈદરાબાદ શાખાની શરૂઆત કરવામાં આવી. ભારતમાં તે ૧૧મી અને મુંબઈ બહાર ૫મી શાખા હતી. આ પછી તા. ૯મી ફેબ્રુઆરી, ૧૯૭૪ના રોજ જબલપુર (રાઈટ ટાઉન) ખાતે એક વધુ શાખા શરૂ થઈ. (જો કે લિજ્જતની આ ૧૨મી અને મુંબઈ બહારની છઠ્ઠી શાખાને તેની અનિચ્છનીય પ્રવૃત્તિઓને કારણે તા. ૨૪-૦૨-૧૯૭૮થી બંધ કરી દેવામાં આવી હતી.)

મે ૧૯૭૪માં સંસ્થા માટે "IN QUEST OF SARVODAYA" નામની એક નાનકડી પુસ્તિકા અંગ્રેજી ભાષામાં તૈયાર કરી પ્રગટ કરવામાં આવી. તેની પહેલી આવૃત્તિ મલ્ટી કલર ઓફસેટ પદ્ધતિથી આર્ટ પેપર પર છાપી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તેના છેલ્લા કવર પેજ પર ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની એક કવિતા તેમના નોબેલ પારિતોષિક વિજયી કાવ્યસંગ્રહ "ગીતાંજલિ"માંથી લઈ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. "Where the Mind is Without Fear and the Head is held High" શીર્ષક ધરાવતી આ કવિતા શ્રી જવાહરલાલ નહેરૂ અને શ્રી જયપ્રકાશ નારાયણ જેવા સમર્થ નેતાઓની પ્રિય કવિતા હતી અને લિજ્જતની વિચારધારાને બિલકુલ અનુરૂપ હતી એટલે પુસ્તિકામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ પછીના વર્ષમાં સરકારે તા. ૨૬મી જૂન, ૧૯૭૫ના રોજ કટોકટી જાહેર કરી અને સેન્સરશીપ દાખલ કરી. કમનસિબે નહેરૂજીની આ પ્રિય કવિતા પણ સેન્સરશીપની યંત્રણામાં અટવાઈ ગઈ. આ "IN QUEST OF SARVODAYA" પુસ્તિકા બધાને ખૂબ ગમી જવાથી બધી ભારતીય ભાષામાં તેનું રૂપાંતર કરવામાં આવ્યું અને તે સંસ્થાનું કાયમી પ્રકાશન બની ગઈ પરંતુ તેની બીજી આવૃત્તિ પછીની આવૃત્તિઓ આ કવિતા વિના જ પ્રસિદ્ધ થતી રહી છે.

તા. ૧૩મી જૂન, ૧૯૭૪ના રોજ સંસ્થાની નારાયણવાડી શાખાના બહેનોએ નવો ખાખરા વિભાગ શરૂ કર્યો. લિજ્જત પાપડ સિવાયનું કોઈ ઉત્પાદન શરૂ કરવાનો આ પહેલો પ્રયોગ હતો અને આ વિભાગ શરૂ થયો ત્યારે તેની ભાવિ સફળતા અંગે ઘણી મોટી આશાઓ રાખવામાં આવી હતી.

તા. ૧૪મી જુલાઈ, ૧૯૭૪ના રોજ સંસ્થાની ૯મી વાર્ષિક સામાન્ય સભા મળી હતી. આ સભામાં અન્ય બાબતોની સાથે સંસ્થાના ઑડિટર્સ તરીકે મે. સી.કે. વ્યાસ એન્ડ કંપનીના સ્થાને મે. એન.સી. મહેતા એન્ડ કંપનીની નિમણૂક કરવાનું ઠરાવાયું હતું. જૂના ઑડિટર સંસ્થા સાથે શરૂઆતથી સંકળાયેલા હતા પરંતુ લિજ્જતના સતત વિસ્તરણના કારણે કામનો બોજ ખૂબ વધી જતાં તેને પહોંચી વળવું તેમના માટે મુશ્કેલ બનતું જતું હતું.

તા. ૨૫મી સપ્ટેમ્બર, ૧૯૭૪ના રોજ સંસ્થાની ૧૩મી અને મુંબઈ બહાર ૭મી વારણાનગર શાખાનું સંસ્થાના શુભેચ્છક શ્રી સુમતિભાઈ એમ. શાહના શુભ હસ્તે ઉદઘાટન થયું.

તા. ૧૪મી ઑક્ટોબર, ૧૯૭૪ના રોજ તાજ મહાલ હોટલ, મુંબઈ ખાતે એક વધુ પ્રેસ કૉન્ફરન્સ યોજવામાં આવી અને તેમાં લિજ્જત પાપડનું વેચાણ પહેલી વખત રૂા. એક કરોડની સપાટી વટાવી ગયું હોવાની અધિકૃત જાહેરાત કરવામાં આવી.

તા. ૨૦મી ઑક્ટોબર, ૧૯૭૪ના રોજ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન તરફથી ઑર્ડર નં. ૮૪ બહાર પાડી મુંબઈ સુધરાઈની હદમાં દાખલ થતા તમામ લિજ્જત ઉત્પાદનો માટે તા. ૧લી જાન્યુઆરી, ૧૯૭૪ની પાછલી મુદતથી ઑક્ટ્રોયથી મુક્તિ જાહેર કરવામાં આવી.

તા. ૨૨મી ડિસેમ્બર, ૧૯૭૪ના રોજ સંસ્થાની કલકત્તા કાલિઘાટ શાખાનું શ્રી જહરલાલ બેનરજીના શુભ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું. આ સંસ્થાની ૧૪મી, મુંબઈ બહારની ૮મી અને કલકત્તા ખાતેની પહેલી શાખા હતી. ડિસેમ્બર ૧૯૭૪માં આચાર્ય વિનોબા ભાવેએ પવનાર ખાતે ગીતા સંમેલનને સંબોધન કર્યા બાદ એક વર્ષના મૌન વ્રતનો પ્રારંભ કર્યો.

૧૯૭૪ના વર્ષમાં લિજ્જત સંસ્થાને જે મહાનુભાવોનું સ્વાગત કરવાની તક મળી તેમાં ભારતના ટોચના ઉદ્યોગપતિ શ્રી ઘનશ્યામદાસ બિરલા (૦૩-૦૩-૧૯૭૪), કેન્દ્ર સરકારના સંસદીય બાબતોના પ્રધાન શ્રી બી. શંકરાનંદ (૩૦-૦૩-૧૯૭૪), વેસ્ટર્ન રેલવેના ડિવિઝનલ સુપરિન્ટેન્ડેન્ટ શ્રી ટી.એન. સુબ્રમણ્યમ (૨૧-૦૪-૧૯૭૪), ખાદી અને ગ્રામોદ્યોગ પંચના ખાસ અધિકારી શ્રી વી. પદ્મનાભન (૧૬-૦૬-૧૯૭૪), કર્ણાટક ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી એસ.વી. મંજુનાથ, આંધ્રપ્રદેશ ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી કે.કે. રેડ્ડી (૧૭-૦૭-૧૯૭૪), પ.બંગાળ ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી જહરલાલ બેનરજી (૦૪-૦૯-૧૯૭૪) અને સહકારી અગ્રણી શ્રી તાત્યાસાહેબ કોરે (૧૦-૧૨-૧૯૭૪)નો સમાવેશ થાય છે.

૧૯૭૫ના વર્ષના અગત્યના બનાવ ક્યા હતા ?

વિ.સં. ૨૦૩૧ એટલે કે ૧૯૭૪-૭૫ના વર્ષમાં કુલ વેચાણો થોડા વધીને રૂ. ૧,૧૮,૮૬,૬૦૪ થયા અને બહેનોની આવક પણ સહેજ સુધરીને રૂ. ૨૯,૩૫,૮૬૦ થઈ. બહેનોની સંખ્યા વર્ષની આખર એટલે કે નવેમ્બર ૧૯૭૫ સુધીમાં વધીને ૩૦૪૫ થઈ.

બહારગામની શાખાઓના વિવિધ પ્રશ્નો પર વિચારણા કરવા માટે તા. ૧૭મી ફેબ્રુઆરી, ૧૯૭૫ના રોજ બહારગામની તમામ શાખાઓના પ્રતિનિધિઓની એક બેઠક વાંદરા (સહકાર બજાર) શાખામાં બોલાવવામાં આવી. આ બેઠકમાં પહેલી વખત બહારગામની દરેક શાખાના વેચાણ વિસ્તાર, કાચા માલની ખરીદી, આ શાખાઓ પાસેથી હેડ ઑફિસે લેવી નીકળતી બાકી રકમ પર લિમિટ, આ શાખાઓ દ્વારા બહારથી મેળવાતી લોન અને શાખ માટેના નિયમો વગેરે બાબતો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી અને આ બધી બાબતના ધારાધોરણ ઘડી કાઢવામાં આવ્યા. આ ચર્ચા વિચારણા અને ધારાધોરણને સંસ્થાની મૅનેજિંગ કમિટીની તા. ૨૩મી ફેબ્રુઆરી, ૧૯૭૫ના રોજ મળેલી મીટિંગમાં મંજૂરી આપવામાં આવી.

થોડા સમયમાં જ પૂણે શાખા અને વારણાનગર શાખાના સેલ્સમેનો વચ્ચે પોતાના વેચાણ વિસ્તારો ક્યા છે તેના અર્થઘટન અંગે નવો વિવાદ ઊભો થયો. બન્ને શાખાઓના પ્રતિનિધિઓને તા. ૨૨મી એપ્રિલ, ૧૯૭૫ના રોજ વાંદરા (સહકાર બજાર) શાખામાં બોલાવવામાં આવ્યા અને તેનો બધાંને સ્વીકાર્ય ઉકેલ લાવવામાં આવ્યો.

લિજ્જતની ગીરગામ શાખા જ્યાં આવેલી છે તે લોહાણા નિવાસના ૧૫-F બિલ્ડિંગનું સમારકામ થાય તેની નૈતિક જવાબદારી લિજ્જત સંસ્થાએ સ્વેચ્છાએ સ્વીકારી હતી. બધા ભાડૂતના સરસ સહકારના કારણે આ કામ સારી રીતે પૂરું થતા તેના હિસાબો અને લોહાણા નિવાસ કેવી રીતે બંધાયુ હતુ તેની રસપ્રદ માહિતી આપતી એક પુસ્તિકા સંસ્થા દ્વારા એપ્રિલ ૧૯૭૫માં પ્રસિદ્ધ કરવામાં આવી.

પહેલી વાર લિજ્જત પાપડના બધા હોલસેલ વેપારીઓની એક કૉન્ફરન્સ મુંબઈમાં બિરલા ક્રીડા કેન્દ્ર ખાતે તા. ૨૬મી એપ્રિલ, ૧૯૭૫ના રોજ બોલાવવામાં આવી અને તેમની સાથે વેચાણો વધારવા માટેના વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું.

કોટનગ્રીન ખાતે નવી બંધાયેલી મિલન ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સંસ્થા દ્વારા એપ્રિલ ૧૯૭૫માં થોડા ગાળા ખરીદ કરવામાં આવ્યા અને તેમાં અડદદાળમાંથી લોટ દળવાની એક ફ્લોર મિલ તા. ૫મી ઓકટોબર, ૧૯૭૫થી શરૂ કરવામાં આવી. આ ફ્લોર મિલ નારાયણવાડીના ખાખરા વિભાગની માફક પોતાની સ્વતંત્ર આવક ધરાવતો વિભાગ ન હતો પણ બધી શાખાની સગવડ સાચવવા માટે શરૂ કરાયેલું આંતરિક સર્વિસ યુનિટ હતું. ભૂલથી આ ફ્લોર મિલને કોટનગ્રીન ફ્લોર ડિવિઝન તરીકે ઓળખવાનું શરૂ થયું. આ ભૂલ પછી કાયમી બની અને ત્યાર બાદ જે આંતરિક સર્વિસ યુનિટ શરૂ થયા તે વિભાગ તરીકે જ ઓળખાતા રહ્યા. આમ લિજ્જત સંસ્થામાં બે પ્રકારના વિભાગ અસ્તિત્વમાં આવ્યા. ડિટરજન્ટ, ખાખરા, બેકરી વગેરે પોતાની આવક સ્વતંત્રપણે રળતા પહેલા પ્રકારના વિભાગ તો સંસ્થાની આંતરિક કામગીરી બજાવતા અને સેવા પૂરી પાડતા પ્રિન્ટિંગ પ્રેસ, પોલિપ્રોપિલિન બેગ, એડવર્ટાઈઝિંગ વગેરે બીજા પ્રકારના વિભાગ. લિજ્જત સંસ્થાથી જે પરિચિત ન હોય તેમને આ વાત સમજાતી નથી. તેઓ પૂછ્યા કરે છે કે નાસિક દાળ મિલ જો વિભાગ હોય તો ડિટરજન્ટ વિભાગની જેમ તેમાં કેમ કોઈ સંચાલિકા બહેન નથી, તેમાં બહેનો માલિકી ધોરણે કામ કરે તે પ્રથા કેમ નથી, તેના બદલે પુરુષ કર્મચારીઓ પગાર ધોરણે કેમ કામ કરે છે. તેમને આવો જ ગૂંચવાડો મુંબઈની શાખાઓ અંગે પણ થયા કરે છે. તેઓને એ ઝટ સમજાતું નથી કે મુંબઈ-થાણે વિસ્તારની લિજ્જતની બધી શાખાઓ નાણાકીય તેમ જ વહીવટી દ્રષ્ટિએ એક છે અને એ બધાનો સમૂહ એટલે હેડ ઑફિસ. માત્ર બહારગામની શાખાઓ નાણાકીય અને વહીવટી દ્રષ્ટિએ અલગ-અલગ સ્વાયત્ત એકમ છે. આ કારણે વડાલાના સંચાલિકા કાંદિવલી જઈ તેનું સંચાલન સંભાળી શકે પણ પૂણેના સંચાલિકા બોરિવલી જઈને તેનું સંચાલન ન સંભાળી શકે કે હૈદરાબાદના સંચાલિકા કોચિનના સંચાલિકા ન બની શકે.

લિજ્જત સંસ્થાને જૂન ૧૯૭૫માં મહારાષ્ટ્ર હાઉસિંગ બોર્ડ તરફથી બોરિવલી(પૂર્વ)માં મગથાણે કૉલોનીમાં પ્રત્યેક ૮૦ ફ્લેટ ધરાવતા હોય તેવા ૩ બિલ્ડિંગનું એલોટમેન્ટ મળ્યું. સંસ્થાએ તેમાંથી ૨ બિલ્ડિંગનું એલોટમેન્ટ સ્વીકાર્યું અને એક બિલ્ડિંગ બોર્ડને પરત કર્યું.

લિજ્જત સંસ્થાના પરમ શુભેચ્છક શ્રી વી. પદ્મનાભન ખાદી અને ગ્રામોદ્યોગ પંચમાંથી નિવૃત્ત થઈ કાયમ માટે મુંબઈ છોડીને જતાં હોવાથી બહેનોએ તા. ૨૪મી જૂન, ૧૯૭૫ના રોજ દાદર સ્ટેશને જઈ તેમને ભાવભીની વિદાય આપી.

જૂન ૧૯૭૫ના મહિનામાં ગીરગામ, વડાલા અને મુલુન્ડ શાખા પર ગુણી દીઠ ઉત્પાદન નિયત થયેલા ઓછામાં ઓછા ૩૦૦ પૅકેટ કરતાં પણ ઓછું આવવાથી આ ત્રણ શાખાના બહેનોએ તા. ૦૧-૦૭-૧૯૭૫ થી તા. ૦૮-૦૭-૧૯૭૫ સુધી ૮ દિવસ પોતાની વણાઈમાં કાપ મૂકી શાખાની ખોટ સરભર કરી લીધી.

તા. ૧૦મી જુલાઈ, ૧૯૭૫ના રોજ કમલ એપાર્ટમેન્ટ, વાંદરા ખાતે સંસ્થાના શુભેચ્છક શ્રી એસ.એમ. શાહની દેખરેખ હેઠળ બે પાર્ટ ટાઈમ કર્મચારીઓ સાથે સંસ્થાની સેન્ટ્રલ ઑફિસની શરૂઆત કરવામાં આવી.

લિજ્જત પત્રિકાના જુલાઈ ૧૯૭૫ના અંકથી વધારાની વણાઈ લેતા દરેક બહેનોના નામ પ્રસિદ્ધ કરવાની પ્રથા શરૂ કરવામાં આવી. આ નવી પ્રથા દાખલ કરવા પાછળનો હેતુ એ હતો કે વધારાની વણાઈ લેવામાંથી કોઈ પણ બહેન ભૂલથી પણ બાકાત ન રહી જવા જોઇએ. નામ પ્રસિદ્ધ કરવાથી આ બાબતની પાકી ખાતરી મળતી હતી.

તા. ૩૧મી જુલાઈ, ૧૯૭૫ના રોજ મુંબઈના ત્રણ બહેનોએ ઓલ ઇન્ડિયા રેડિયો, મુંબઈ પરથી લિજ્જત સંસ્થાની પ્રવૃત્તિ અંગે વાર્તાલાપ આપ્યો. આવો જ એક વાર્તાલાપ રામાણિયા શાખાના બે બહેનોએ તા.૨૫મી ઓગસ્ટ, ૧૯૭૫ના રોજ આકાશવાણીના ભૂજ કેન્દ્ર પરથી આપ્યો. તા. ૧૦મી ઑક્ટોબર, ૧૯૭૫ના રોજ કલકત્તાના દૂરદર્શન કેન્દ્ર પરથી લિજ્જત સંસ્થા વિશે એક બંગાળી ભાષામાં અને એક અંગ્રેજી ભાષામાં એમ બે કાર્યક્રમ ટેલિકાસ્ટ કરવામાં આવ્યા.

ઓગસ્ટ ૧૯૭૫ના મહિનામાં એક વખત સંસ્થામાં ઓચિંતી પૈસાની જરૂર ઊભી થવાથી મુંબઈના બધા બહેનોએ એક દિવસ માટે કિલોદીઠ વણાઈ ૩૦ પૈસા ઓછી લઈ જોઇતા નાણા એકઠા કરી લીધા હતા.

લિજ્જત સંસ્થાએ મુંબઈની તાજ મહાલ હોટેલ ખાતે તા.૨૨ થી ૨૪ ઓગસ્ટ, ૧૯૭૫ સુધી ત્રણ દિવસ માટે યોજાયેલા ઈન્ટરનેશનલ ફુડ ફેરમાં એક સ્ટોલ રાખી સક્રિય ભાગ લીધો. તા. ૨૩મી ઓગસ્ટ, ૧૯૭૫ના રોજ યોજાયેલી સંસ્થાની ૧૦મી વાર્ષિક સામાન્ય સભામાં ખાદી અને ગ્રામોદ્યોગ પંચના અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈ ઓઝાએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી.

સપ્ટેમ્બર, ૧૯૭૫ના મહિનામાં લિજ્જત પાપડની માગમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો. ચારે બાજુથી લિજ્જત પાપડ આપો આપો કહેતા ઓર્ડરોના ઢગલા થાય અને બહેનો તેટલા પ્રમાણમાં પાપડ વણી શકે નહિ. આથી સંસ્થા તરફથી એવી જાહેરાત કરવામાં આવી કે જે બહેન કે ભાઈ ઉત્પાદનમાં તત્કાળ વધારો થઈ શકે તેવો વહેવારુ રસ્તો બતાવશે તેમને રૂ. ૧૦૦૧નું રોકડ ઇનામ આપવામાં આવશે. આમ છતાં તેનો કોઈ ઉપાય મળી શક્યો નહિ અને બહેનોને જે વધુ આવક થઈ શકે તેમ હતી તે નાછૂટકે જતી કરવી પડી.

વડાલા શાખાના એક બહેનનું પાકીટ તા. ૫મી નવેમ્બર, ૧૯૭૫ના રોજ ખોવાઇ ગયું. પાકીટમાં રૂ. ૧૨,૬૦૦ જેટલી રોકડ રકમ હતી. બીજા દિવસે વડાલા શાખાના બધાં બહેનોએ પોતાની કિલોદીઠ વણાઈ માત્ર પાંચ પૈસા ઓછી લઈ તે બહેનની મૂંઝવણ દૂર કરી નાખી.

તા. ૧લી ડિસેમ્બર, ૧૯૭૫ના રોજ સંસ્થાની રાજકોટ શાખાનું શ્રીમતી જયાબહેન શાહના શુભ હસ્તે ઉદઘાટન થયું. સંસ્થાની તે ૧૫મી અને મુંબઈ બહાર ૯મી શાખા હતી.

૧૯૭૫ના વર્ષમાં સંસ્થાની કામગીરી જોવા પધારેલ મહેમાનોમાં ડૉ. નજમા હેપ્તુલા, શ્રીમતી પ્રતિભા પાટિલ અને મુંબઈના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી અરૂણાચલમ (૧૩-૦૨-૧૯૭૫), મુંબઈના મેયર શ્રી બી.કે. બોમન બહેરામ (૧૬-૦૩-૧૯૭૫), શ્રીમતી યશોધરામ્મા દાસપ્પા (૨૦-૦૩-૧૯૭૫), ગુજરાતના ટોચના ઉદ્યોગપતિ શ્રી કસ્તુરભાઈ લાલભાઈના પુત્રવધૂ ડૉ. વિમલા સિદ્ધાર્થ, એક્સેલ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ શ્રી ગોવિંદજીભાઈ શ્રોફ અને શ્રી લીલાધર પાસુ શાહ (૨૧-૦૪-૧૯૭૫), વિખ્યાત સમાજવાદી નેતા શ્રી એસ.એમ. જોશી (૧૧-૦૫-૧૯૭૫), કર્ણાટકના મહેસૂલ પ્રધાન શ્રી પી. નરસા રેડ્ડી (૨૦-૦૫-૧૯૭૫) અને મુંબઈના મેયર શ્રી નાનાલાલ મહેતા (૧૭-૦૮-૧૯૭૫)નો સમાવેશ થાય છે.

૧૯૭૬ના વર્ષની નોંધપાત્ર ઘટનાઓ કઈ હતી ?

વિ.સં. ૨૦૩૨ એટલે કે ૧૯૭૫-૭૬નું વર્ષ જુદી રીતે નોંધપાત્ર બન્યું. ૧૯૬૮માં સંસ્થાનું વિસ્તરણ કરવાનું શરૂ થયા બાદ દર સાલ બે-ત્રણ નવી શાખા ખોલવામાં આવતી હતી. આ વર્ષમાં એક પણ નવી શાખા ખોલવામાં ન આવી. તેના બદલે સંસ્થાની કામગીરી સુધારવા પર ધ્યાન આપવામાં આવ્યું. પરિણામે આ વર્ષમાં કુલ વેચાણ લગભગ ૮૦ ટકા ઉછળી ૨,૦૬,૭૭,૫૭૯ થયું. તે જ પ્રમાણે બહેનોની આવક પણ ઉછળી રૂ. ૪૬,૮૫,૬૭૭ થઈ.

તા.૧૨મી ફેબ્રુઆરી, ૧૯૭૫ના રોજ મુંબઈની સેન્ટ્રલ રેલવેના એક ડબ્બામાં સાયનથી માટુંગા વચ્ચે મોટી આગ લાગી હતી અને તેમાં અનેક મુસાફરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આમાંના એક શ્રી શાંતિલાલ વી. સાવલા હતા. શ્રી સાવલા વ્યવસાયે વકીલ અને નિઃસ્વાર્થ સર્વોદય કાર્યકર્તા હતા અને લિજ્જતને લિજ્જત ગંગા, જમુના અને ગોદાવરી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની કાનૂની વિધિ પૂર્ણ કરવામાં ખૂબ મદદરૂપ થયા હતા.

તા. ૮મી ઓગસ્ટ, ૧૯૭૬ના રોજ સંસ્થાની ૧૧મી વાર્ષિક સામાન્ય સભા વાલોડ ખાતે મળી હતી. મુંબઈ બહાર પહેલી વખત આ સભા યોજાઈ હતી. આ સભામાં લંબાણપૂર્વક ચર્ચા થયા બાદ સંસ્થાના બંધારણમાં પાંચમો અને પહેલી વખત અગત્યના ફેરફાર દાખલ કરતો સુધારો કરવામાં આવ્યો. આ અગાઉ આર્ટિકલ્સ ઑફ એસોશિયેશનમાં જે ચાર વખત સુધારા કરવામાં આવ્યા હતા તે માત્ર કેટલીક કાનૂની જોગવાઈ સંતોષવા માટે જરૂરી હતા તેથી કરવામાં આવ્યા હતા. આ પહેલી વખત સંસ્થાની વિકાસ જરૂરિયાતને લક્ષમાં રાખી બંધારણ સુધારવામાં આવ્યું હતું. આમાં સૌથી અગત્યનો સુધારો હતો બધી બહારગામની શાખાઓની કામગીરીની છણાવટ કરી તેને સુધારવા માટે બ્રાંચ કો-ઓર્ડિનેશન કમિટીની રચના કરવાનો. આ સુધારાના પરિણામે સંસ્થામાં ૧૯૭૬થી બ્રાંચ કો-ઓર્ડિનેશન કમિટી શરૂ થઈ અને સંસ્થાના અનેક પ્રશ્નો ઉકેલવામાં આ કમિટીએ ખૂબ અગત્યનો ફાળો આપ્યો. ૧૯૭૬ના વર્ષ પછી દર સાલ વાર્ષિક સામાન્ય સભા મળે તે પછીના દિવસે બ્રાંચ કો-ઓર્ડિનેશન કમિટી યોજવાની પરંપરા શરૂ થઈ.

તા. ૧૮મી નવેમ્બર, ૧૯૭૬ના રોજ સંસ્થાની રાજકોટ શાખા ત્યાંના બહેનોના ગંભીર આંતરિક મતભેદના કારણે એક દિવસ બંધ રાખવામાં આવી.

લિજ્જત પત્રિકા ચાર વર્ષ સુધી માત્ર મરાઠી અને ગુજરાતી ભાષામાં પ્રગટ થતી રહી હતી. તેના ડિસેમ્બર, ૧૯૭૬ના અંકથી તેમાં હિન્દી ભાષાના અહેવાલ પ્રગટ કરવાનું પણ શરૂ કરાયું અને તે ત્રિભાષી પત્રિકા બની. હિન્દી ભાષાના જાણીતા કવિ શ્રી સરસ્વતી કુમાર દીપકે પત્રિકાના હિન્દી વિભાગની જવાબદારી સંભાળી.

જૂન ૧૯૭૪માં લિજ્જત ખાખરાનું ઉત્પાદન શરૂ કર્યા પછી સંસ્થાએ ૧૯૭૬ના વર્ષમાં લિજ્જત મસાલા શરૂ કરવાનો નિર્ણય લીધો અને તા. ૨૬મી ડિસેમ્બર, ૧૯૭૬ના રોજ મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી પી.કે. સાવંતના શુભ હસ્તે સંસ્થાના કોટનગ્રીન મસાલા વિભાગનું ઉદઘાટન કરવામાં આવ્યું.

૧૯૭૬ના વર્ષમાં સંસ્થાની કામગીરી જોવા માટે સંસ્થાની મુલાકાત લેનાર મહાનુભાવમાં વિખ્યાત પત્રકાર શ્રી બી.જી. વર્ગીઝ (૨૭-૦૧-૧૯૭૬), ખાદી અને ગ્રામોદ્યોગ પંચ, લખનૌના ડાયરેક્ટર શ્રી કુલ ભૂષણ બક્ષી (૨૭-૦૩-૧૯૭૬), ખાદી અને ગ્રામોદ્યોગ પંચના અધ્યક્ષ શ્રી એ.એમ. થોમસ (૦૭-૦૭-૧૯૭૬), કેરળ રાજ્યના ગૃહનિર્માણ પ્રધાન શ્રી એમ.એન. ગોવિંદન નાયર (૧૯-૦૯-૧૯૭૬), ગુજરાતી સાહિત્યકાર શ્રી રામનારાયણ નાગરદાસ પાઠક અને શ્રીમતી હીરાબહેન બેટાઈ (૧૯-૧૧-૧૯૭૬) અને એક્સેલ ઈન્ડસ્ટ્રીઝ લિ.ના મૅનેજિંગ ડાયરેક્ટર શ્રી કાન્તિસેન શ્રોફ (૨૨-૧૧-૧૯૭૬)નો સમાવેશ થાય છે.

૧૯૭૭ના વર્ષમાં શું બન્યું ?

વિ.સં. ૨૦૩૩ એટલે કે ૧૯૭૬-૭૭ના વર્ષમાં સંસ્થાના કુલ વેચાણો વધીને રૂ. ૨,૪૬,૯૯,૯૯૧ થયા અને બહેનોની આવક વધીને રૂ.૫૫,૭૭,૬૦૨ થઈ. આ વર્ષમાં બે નવી શાખા ખોલવામાં આવી.

૧૯૭૭ના વર્ષની સૌથી અગત્યની ઘટના હતી "સંસ્થાના મૂળભૂત વિચારો અને પ્રણાલિકા" નામની પુસ્તિકાના પ્રકાશનની. જાન્યુઆરી ૧૯૭૭માં આ પુસ્તિકા મરાઠી અને ગુજરાતી ભાષામાં એકી સાથે પ્રગટ કરવામાં આવી હતી. લિજ્જત સંસ્થા ૧૯૫૯ની સાલમાં શરૂ થઈ ત્યારથી તેમાં ચોક્કસ આદર્શ અને ધ્યેયનું અનુસરણ કરવામાં આવતું હતું અને કેટલાંક આચાર-વિચારનું દ્રઢ આગ્રહ સાથે પાલન કરવામાં આવતું હતું. ૧૭ વર્ષ સુધી બધાંને આ વાતો મૌખિક રીતે સમજાવવામાં આવતી રહી હતી અને તેનું બરાબર પાલન થતું રહ્યું હતું. પહેલી વખત આ વિચારોને લેખિત રૂપ આપવામાં આવ્યું. મૂળ પુસ્તિકા ગુજરાતીમાં લખવામાં આવી અને બહેનોને તે ખૂબ ગમી જતાં તુરંત તેની મરાઠી આવૃત્તિ તૈયાર કરવામાં આવી અને મરાઠી તથા ગુજરાતી આવૃત્તિ સાથે સાથે પ્રગટ થઈ હતી. આ પુસ્તિકા પણ સંસ્થાનું કાયમી પ્રકાશન બની ગઈ. તેની હિન્દી આવૃત્તિ માર્ચ ૧૯૭૭માં અને અંગ્રેજી આવૃત્તિ ડિસેમ્બર ૧૯૭૭માં પ્રસિદ્ધ થઈ હતી. ધીમે ધીમે બધી મુખ્ય ભારતીય ભાષાઓમાં તેનું રૂપાંતર કરવામાં આવ્યું હતું. અંગ્રેજી ભાષામાં તેનુ મૂળ શીર્ષક "The Basic Thoughts and Traditions of Institution" હતું પણ થોડા વર્ષ પછી આ શીર્ષક બદલાવીને "Basic Philosophy and Practices of our Organization" એવું રાખવામાં આવ્યું.

તા. ૧૬મી જાન્યુઆરી, ૧૯૭૭ના રોજ સંસ્થાની વાંદરા (સહકાર બજાર) શાખામાં જાહેર રક્તદાન શિબિર યોજવામાં આવી હતી અને સંસ્થાના બહેનોએ તેમાં સ્વયંસેવિકા તરીકે સેવા આપી હતી.

માર્ચ ૧૯૭૭ના મહિનામાં લિજ્જત પાપડના સ્વાદમાં અચાનક સહેજ ફેર પડવો શરૂ થયો. આ સ્વાદ ફરક શા કારણે આવે છે તે જાણવા બહેનોએ બધા પ્રયાસ કર્યા. જે કોઈ આ સ્વાદ ફરક પાછળનું સાચું કારણ શોધી આપે તેમને રૂ. ૧૫૦૧ની રકમનું ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી. જુદા જુદા લોકોએ જાત જાતની શંકાઓ બતાવી પણ આમાંની કોઈ વાત સાચી પુરવાર ન થઈ. થોડા દિવસ પછી આપમેળે એ સ્વાદ ફરક ગાયબ થઈ ગયો અને લિજ્જતનો અસલી સ્વાદ પાછો આવી ગયો.

તા. ૧૧મી માર્ચ, ૧૯૭૭ના રોજ સંસ્થાના પ્રખર શુભેચ્છક અને સમર્થક શ્રી ઢેબરભાઈનું દુઃખદ અવસાન થતાં બહેનોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ. સંસ્થાની દરેક શાખાએ પ્રાર્થના સભાઓ યોજી દિવંગતને પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તા. ૧૭મી માર્ચ, ૧૯૭૭થી મુંબઈની બધી શાખાઓ પર બહેનોના મેડિકલ ચેક-અપનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો.

એપ્રિલ ૧૯૭૭થી સંસ્થાએ બોરિવલી(પૂર્વ) ખાતે એક પ્રિન્ટિંગ પ્રેસ લીઝ પર લઈ તે પ્રેસના કામદારો માલિકી ધોરણે તે પ્રેસ ચલાવે અને સંસ્થાનું પ્રિન્ટિંગ કામ સંભાળે તેવો એક પ્રયોગ કર્યો. એક નોકર તરીકે એક કામ કરવું અને એક માલિક તરીકે એ જ કામ કરવું એ બે વચ્ચે પુષ્કળ ફરક છે એ વાત પ્રેસ કામદારોને કોઈ રીતે ગળે ન ઉતરવાને કારણે એ પ્રયોગ તદ્દન નિષ્ફળ ગયો.

ખાદી અને ગ્રામોદ્યોગ પંચ તરફથી સંસ્થાને રૂ. ૧૦ લાખની નવી લોન મળી. અગાઉની રૂ. ૬,૪૦,૦૦૦ની લોનને સાથે ગણતા સંસ્થાએ પંચને બાકી ચૂકવવી રહેતી કુલ રકમ રૂ. ૧૬.૪૦ લાખ થઈ.

વાલોડ શાખાના બહેનોએ પોતાના પૈસાથી વાલોડ શાખા માટે નવું મકાન બાંધવાની તા.૫મી મે, ૧૯૭૭થી શરૂઆત કરી. અત્યાર સુધી માત્ર પત્રવ્યવહાર કેન્દ્ર તરીકે ચાલતી કમલ એપાર્ટમેન્ટની કચેરીને સેન્ટ્રલ ઑફિસનું નામ આપી તેનું તા.૨૮મી મે, ૧૯૭૭ના રોજ વિધિસર રીતે ઉદઘાટન કરવામાં આવ્યું. શ્રી છગનબાપાના પૌત્ર શ્રી મધુકરભાઈ આર. પારેખ સેન્ટ્રલ ઑફિસમાં જોડાયા અને તેમાં લગભગ છ મહિના સુધી પોતાની પૂરા સમયની સેવા આપી.

તા. ૨૫મી જુલાઈ, ૧૯૭૭ના રોજ સંસ્થાની દિલ્હી શાખાનું બેગમ ખુરશીદા કીડવાઈના શુભ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું. સંસ્થાની તે ૧૬મી, મુંબઈ બહાર ૧૦મી અને દિલ્હી ખાતે પહેલી શાખા હતી.

ઓગસ્ટ ૧૯૭૭માં અમદાવાદની "સેવા" સંસ્થાના સ્થાપક શ્રીમતી ઇલાબહેન ભટ્ટને ૧૦,૦૦૦ અમેરિકન ડોલરનું સુપ્રતિષ્ઠિત મેગસેસે પારિતોષિક મળતાં લિજ્જતના બહેનોને પણ ઘણો આનંદ થયો.

કોટનગ્રીન મસાલા વિભાગમાં નવી એગ્માર્ક લેબોરેટરીનું તા.૪થી સપ્ટેમ્બર, ૧૯૭૭ના રોજ ઉદઘાટન કરવામાં આવ્યું.

તા. ૧૬મી ઑક્ટોબર, ૧૯૭૭ના રોજ શ્રી પ્રેમકુંવરબહેન દાવડાએ સંસ્થાનું પ્રમુખ પદ છોડ્યું અને તેમના સ્થાને શ્રી શશિકલા મોરે પ્રમુખ બન્યા.

તા. ૨૧મી ઑક્ટોબર, ૧૯૭૭ના રોજ સંસ્થાની બોરિવલી(પૂર્વ) એમ.એચ.બી. શાખાનું ઉદઘાટન ડૉ. નજમા હેપ્તુલાના શુભ હસ્તે થયું. લિજ્જતની તે ૧૭મી અને મુંબઈમાં ૭મી શાખા હતી.

રાજકોટ શાખાના બહેનોએ ગોંડલ રોડ પર પોતાની માલિકીના નવા મકાનમાં તા. ૨૬મી ઓકટોબર, ૧૯૭૭થી સ્થળાંતર કર્યું.

લિજ્જત પાપડ માટે નવી, વધારે આકર્ષક અને વધુ આરોગ્યપ્રદ પોલિપ્રોપિલિન થેલીનું પેકિંગ નવેમ્બર ૧૯૭૭થી દાખલ કરવામાં આવ્યું.

દાદર(મુંબઈ) ખાતે આવેલી જગ વિખ્યાત શૈક્ષણિક સંસ્થા ઈન્સ્ટીટ્યુટ ઑફ કેટરિંગ ટેક્નોલોજી દ્વારા તા. ૯ થી ૧૧ ડિસેમ્બર, ૧૯૭૭ સુધી યોજવામાં આવેલા આહાર પ્રદર્શનમાં સંસ્થાએ સક્રિય ભાગ લીધો અને તેથી બધી ફાઇવ સ્ટાર હોટલ અને ઉચ્ચ દરજ્જાના રેસ્ટોરાંમાં લિજ્જત પાપડની પ્રતિષ્ઠા વધી.

૧૯૭૭ના વર્ષમાં સંસ્થામાં પધારી તેની પ્રવૃત્તિનું નિરીક્ષણ કરનારા મહેમાનોમાં શ્રી શિવાજી નરહરિ ભાવે અને શ્રી પ્રભુદાસભાઈ ગાંધી (૧૪-૦૨-૧૯૭૭), શ્રી સોમદત્ત વેદાલંકાર અને શ્રી રતિભાઈ ગોંધિયા (૨૮-૦૫-૧૯૭૭), ડૉ. ચંદ્રશેખર ગોપાલજી ઠક્કુર (૧૯-૦૯-૧૯૭૭), શ્રીમતી જયવંતીબહેન મહેતા (૩૦-૦૯-૧૯૭૭) અને ઘાના સરકારના એક ઉચ્ચ કક્ષાના પ્રતિનિધિ મંડળ (૧૬-૧૨-૧૯૭૭)નો સમાવેશ થાય છે.

૧૯૭૮ના વર્ષના અનુભવો કેવા રહ્યા ?

વિ.સં. ૨૦૩૪ એટલે કે ૧૯૭૭-૭૮ના વર્ષમાં કુલ વેચાણો રૂ. ૩,૨૦,૪૭,૧૫૫ થયા. જ્યારે બહેનોની આવક રૂ. ૮૦,૫૪,૭૧૧ની સપાટીએ પહોંચી.

સંસ્થાના કામકાજમાં વધુ પારદર્શકતા લાવવા માટે લિજ્જત પત્રિકાના જાન્યુઆરી ૧૯૭૮ના અંકમાં સંસ્થામાં જેમને દર મહિને રૂ. ૧,૦૦૦ કે તેથી વધુ મહેનતાણું મળતું હોય તે બધાના નામ પ્રસિદ્ધ કરવામાં આવ્યા.

જાન્યુઆરી ૧૯૭૮થી લિજ્જતમાં એરિયા મીટિંગની પ્રવૃત્તિ ફરી પૂર જોશથી શરૂ કરવામાં આવી. મુંબઈની પ્રત્યેક શાખામાંથી બે-બે બહેનોએ આ પ્રવૃત્તિને ચાલુ રાખવાની જવાબદારી સંભાળી લીધી.

સંસ્થાની મૅનેજિંગ કમિટીની તા. ૯મી જાન્યુઆરી, ૧૯૭૮ના રોજ મળેલી મીટિંગમાં પહેલી વખત સંસ્થા માટે શ્રી પી.જી. ખેરના અધ્યક્ષપદ હેઠળ ૧૩ સભ્યોના બનેલ એક એડવાઈઝરી બોર્ડની નિમણૂક કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. આ એડવાઈઝરી બોર્ડની પહેલી બેઠક તા. ૫મી ફેબ્રુઆરી, ૧૯૭૮ના રોજ મળી હતી.

સંસ્થાની મૅનેજિંગ કમિટીની તા. ૨૪મી ફેબ્રુઆરી, ૧૯૭૮ના રોજ મળેલી એક બેઠકમાં ઠરાવ પસાર કરીને સંસ્થાની જબલપુર (રાઈટ ટાઉન) શાખાને તેની વિવિધ અનિચ્છનીય પ્રવૃત્તિઓ બદલ તત્કાળ અમલમાં આવે તે રીતે બંધ કરી દેવામાં આવી. આ સાથે સંસ્થાની કુલ શાખા ૧૭ થી ઘટી ૧૬ બની અને મુંબઈ બહારની શાખાની સંખ્યા ૧૦ થી ઘટી ૯ થઈ.

શ્રી દત્તાણીબાપાએ લિજ્જત સંસ્થા વિશે વિચારોનું આદાન-પ્રદાન કરવાના હેતુથી દેશની પ્રથમ ક્રમાંકની મૅનેજમેન્ટ શિક્ષણ સંસ્થા ઇન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ મૅનેજમેન્ટ, અમદાવાદની માર્ચ ૧૯૭૮માં મુલાકાત લીધી અને ત્યાં એક તાલિમ કાર્યક્રમમાં હાજરી આપી. આઈ.આઈ.એમ.ના પ્રાધ્યાપક શ્રી કે.આર.એસ. મુર્થીએ પોતાના બે પોસ્ટ ગ્રૅજ્યુએટ વિદ્યાર્થી શ્રી એસ. મલિક અને શ્રી. જી.આર. મંજુનાથને લિજ્જત સંસ્થામાં પ્રોજેક્ટ કાર્ય કરવા મુંબઈ મોકલાવ્યા.

સંસ્થાની ચેન્નઈ શાખાનું તા. ૧૨મી મે, ૧૯૭૮ના રોજ તામિલમાડુના સમાજ કલ્યાણ પ્રધાન કુ. પી.ટી. સરસ્વતીના શુભ હસ્તે ઉદઘાટન થયું. કોઠારી ઉદ્યોગ જૂથના શ્રીમતી ઈન્દિરાબહેન કોઠારીએ આ સમારોહનું પ્રમુખપદ સંભાળ્યું હતું. આ સાથે સંસ્થાની કુલ શાખા સંખ્યા ફરી ૧૭ બની અને બહારગામની શાખાની સંખ્યા ૧૦ બની.

તા. ૫મી જૂન, ૧૯૭૮ના રોજ નારાયણવાડી શાખા બહેનોની ઘણી ઓછી સંખ્યાને કારણે બંધ કરી દેવામાં આવી. આમ સંસ્થાની કુલ શાખા સંખ્યા ફરી ઘટીને ૧૬ થઈ અને મુંબઈની કુલ શાખા સંખ્યા ઘટીને ૬ થઈ. નારાયણવાડીમાં જે ખાખરા વિભાગ ચાલતો હતો તેનું વાંદરા ખાતે સ્થળાંતર કરવામાં આવ્યુ. આ ખાખરા વિભાગ પાછળથી ૧૯૮૨માં બોરિવલી ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં પણ સરખો ન ચાલતા છેવટે બંધ કરી દેવાયો હતો.

જૂન ૧૯૭૮માં શ્રી દત્તાણીબાપાએ સંસ્થાના સક્રિય કાર્યમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યાર બાદ તેઓ સંસ્થાના માનદ સલાહકાર તરીકે પોતાની કામગીરી બજાવતા રહ્યા હતા.

તા. ૧૫મી ઓગસ્ટ, ૧૯૭૮ના રોજ સંસ્થાની સલાયા શાખાનો સાદાઈથી શુભ આરંભ કરવામાં આવ્યો. તે સંસ્થાની ૧૭મી અને મુંબઈ બહારની ૧૧મી શાખા બની.

લિજ્જત દ્વારા "પુણ્યશ્લોક છગનબાપા"ના શીર્ષક હેઠળ છગનબાપાનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર મરાઠી, ગુજરાતી અને હિન્દી ભાષામાં પ્રસિદ્ધ કરવાનો જાહેર સમારોહ મુંબઈમાં સન્મુખાનંદ હોલ ખાતે તા. ૧૪મી સપ્ટેમ્બર, ૧૯૭૮ના રોજ યોજાયો હતો. તે પછીના દિવસે એટલે કે તા. ૧૫મી સપ્ટેમ્બર, ૧૯૭૮ના રોજ હોટલ ઓરિયેન્ટલ પેલેસ, મુંબઈ ખાતે સંસ્થાની બ્રાન્ચ કો-ઓર્ડીનેશન કમિટીની મીટિંગ મળી હતી અને તેમાં સંખ્યાબંધ અગત્યના નિર્ણય લેવામાં આવ્યા હતા.

સંસ્થાની ૧૩મી વાર્ષિક સામાન્ય સભા ગાંધી જયંતીના દિવસે તા. ૨જી ઑક્ટોબર, ૧૯૭૮ના રોજ મળી હતી. આ સભામાં અન્ય બાબતોની સાથે સંસ્થાના ઑડિટર્સ તરીકે મે. એન.સી. મહેતા એન્ડ કંપનીના સ્થાને મે. નાનુભાઈ દેસાઈ એન્ડ કંપનીની નિમણૂક કરવાનું ઠરાવાયું હતું.

સંસ્થાની મૅનેજિંગ કમિટીની તા. ૨૬મી ઑક્ટોબર, ૧૯૭૮ના રોજ મળેલી બેઠકમાં મૅનેજિંગ કમિટીની મિનિટ્સ તેમ જ વાર્ષિક સામાન્ય સભાની મિનિટ્સ જે અત્યાર સુધી ગુજરાતી ભાષામાં રાખવામાં આવતી હતી તે હવે પછીથી મરાઠી ભાષામાં રાખવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો.

વાલોડ શાખાના બહેનોએ પોતાના પૈસે બંધાવેલી શાખાની નવી ઇમારતનું ઉદઘાટન તા. ૨૨મી નવેમ્બર, ૧૯૭૮ના રોજ ગુજરાતના રાજ્યપાલ શ્રીમતી શારદા મુખરજીના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. તે જ દિવસે સંસ્થાની નવી મુઝફ્ફરપુર શાખાનું ઉદઘાટન પણ થયું હતું. આ ઉદઘાટન કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન શ્રી જ્યોર્જ ફર્નાન્ડિસના શુભ હસ્તે થવાનું યોજાયું હતું પણ અનિવાર્ય કારણસર તેઓ છેલ્લી ઘડીએ ન આવી શકતા એક નાની બાળા કુ. સંજિદા અબ્દુલ સત્તારના શુભ હસ્તે ઉદઘાટન કરાવી પ્રસંગ સાચવી લેવામાં આવ્યો હતો.

બ્રાન્ચ કો-ઓર્ડીનેશન કમિટીની વધુ એક બેઠક પૂણેમાં નહેરૂ સ્ટેડિયમ ખાતે તા. ૨૩મી ડિસેમ્બર, ૧૯૭૮ના રોજ મળી હતી અને તેમાં અન્ય અગત્યના નિર્ણય લેવાની સાથે એવું પણ ઠરાવાયું હતું કે હવેથી સંસ્થાની તમામ જાહેર ખબર માત્ર સેન્ટ્રલ ઑફિસ દ્વારા જ રિલીઝ કરવામાં આવશે.

તા. ૩૦મી ડિસેમ્બર, ૧૯૭૮ના રોજ સંસ્થાના મહારાષ્ટ્રમાં દહાણું ખાતે શરૂ કરવામાં આવેલા નવા કુટિર મેચ બૉક્સ વિભાગનું ઉદઘાટન કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન શ્રી જ્યોર્જ ફર્નાન્ડિસના શુભ હસ્તે થયું હતું. ખાદ્યપદાર્થ સિવાયની કોઈ ચીજનું ઉત્પાદન હાથ ધરવાનો સંસ્થાનો આ પહેલો પ્રયાસ હતો.

૧૯૭૮ના વર્ષમાં સંસ્થામાં પધારેલ મહેમાનોમાં તાતા ઈન્સ્ટીટ્યુટ ઑફ સોશિયલ સાયન્સના પ્રાધ્યાપક શ્રી કે.જી. દેસાઈ અને આઈ.આઈ.એમ., અમદાવાદના પ્રો. કે.આર.એસ. મુર્થી (ફેબ્રુઆરી ૧૯૭૮), સેન્ટ્રલ લેબર ટ્રેઇનિંગ ઈન્સ્ટીટ્યુટ, મુંબઈના પ્રિન્સિપાલ શ્રી આર.ડી. દેસાઈ અને પ્રાધ્યાપક ડૉ. એન.વી. ગાયતોન્ડે (૦૫-૦૩-૧૯૭૮), મુંબઈના મેયર અને કામદાર નેતા શ્રી વામનરાવ મહાડિક (૧૮-૧૦-૧૯૭૮) અને મહારાષ્ટ્રના નિર્ભીક પત્રકાર શ્રી યદુનાથ થટ્ટે (૦૯-૧૨-૧૯૭૮)નો સમાવેશ થાય છે.

વધારાની વણાઈની વિગતો

લિજ્જત સંસ્થામાં જોડાયેલા બહેનોએ પ્રથમ બે દાયકામાં લીધેલી વધારાની વણાઈની વિગત આપશો ?

સંસ્થાના મુંબઈના બહેનોએ પહેલા બે દાયકામાં લીધેલી વધારાની વણાઈની વિગત આ પ્રમાણે છે:

વધારાની વણાઈ લેવાનું
રાઉન્ડ શરૂ થયાની તારીખ
આઈટેમ
તા. ૦૧-૧૧-૧૯૫૯ અર્ધો તોલો સોનાની લગડી
તા. ૦૧-૦૫-૧૯૬૦ અર્ધો તોલો સોનાની લગડી
તા. ૨૧-૧૦-૧૯૬૦ ૨૦ ગ્રામ સોનાની બંગડી
તા. ૩૧-૦૫-૧૯૬૨ ૪૦ ગ્રામ સોનાની બંગડી
તા. ૦૧-૧૦-૧૯૬૨ ૧૦ ગ્રામ સોનાની લગડી
તા. ૦૧-૦૯-૧૯૬૩ ચાંદીનો ગ્લાસ
તા. ૧૩-૧૧-૧૯૬૬ ૨૦ ગ્રામ સોનાની વિંટી અથવા લગડી
તા. ૦૧-૦૯-૧૯૬૭ ૧૦ ગ્રામ સોનાની વિંટી
તા. ૦૧-૦૩-૧૯૬૮ ૨૦ ગ્રામ સોનાનો ચેન
તા. ૦૧-૦૯-૧૯૬૯ ૨૨ ગ્રામ સોનાની બંગડી
તા. ૦૧-૦૯-૧૯૭૧ ૫ ગ્રામ સોનાની વિંટી અથવા રિંગ
તા. ૦૧-૦૮-૧૯૭૪ રૂા. ૫૦૦ રોકડા
તા. ૦૧-૧૧-૧૯૭૭ ૮ ગ્રામ સોનાનો ચેન
તા. ૦૯-૧૧-૧૯૭૮ ચાંદીની વાટકી

મંબઈમાં તે વખતે સૌથી વધુ ફેલાવો ધરાવનાર અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસમાં ૧૯૬૭ની સાલમાં લિજ્જતની પ્રવૃત્તિ વિશે ફોટા સાથે એક વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ થયો હતો જેનું શિર્ષક હતું PAPAD ROLLED INTO GOLD અને તેમાં સંસ્થાના બહેનો પાપડ વણી તેમાંથી સોનાની કમાણી કરે છે તે બાબતની ખૂબ પ્રશંસા કરાઈ હતી. લિજ્જત વિશે કોઈ પણ અખબારી અહેવાલ પ્રગટ થયાનો આ પ્રથમ પ્રસંગ હતો.

પ્રતિજ્ઞાપત્રક

લિજ્જત સંસ્થામાં બહેનો જેના પર સહી કરી સંસ્થામાં જોડાય છે તે પ્રતિજ્ઞાપત્રકની વિગત આપશો ?

આ પ્રતિજ્ઞાપત્રકની વિગત નીચે પ્રમાણે છે :

હું ..................................................................................................પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરું છું કે સર્વોદય વિચારસરણી પ્રમાણે ચાલતી આપણી સંસ્થા શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડમાં હું સ્વેચ્છાએ નીચેના નિયમોનું પાલન કરીશ.

૧. હું ઉદ્યોગનું દરેક કામ ઈશ્વરી કાર્ય સમજીને કરીશ અને મને જે મળે તેનો પ્રસાદ ગણીને સ્વીકાર કરીશ.

૨. હું કદી માનસિક ગરીબાઈ બતાવીશ નહિ. મને ખબર છે કે આપણી સંસ્થાના સભ્યો દાન કે ભેટ લેતા નથી પણ ઉદ્યોગ વતી સામૂહિક દાન કરી શકે છે.

૩. હું કે મારા કુટુંબની કોઈ વ્યક્તિ ઉદ્યોગ સિવાયના પાપડ બનાવશે નહિ.

૪. હું ઉદ્યોગને ઈશ્વરનું મંદિર ગણીશ અને મારું વર્તન તે મુજબનું રહેશે.

૫. આ મંદિરને મારા તરફથી કે બીજા કોઈ તરફથી નુકશાન ન થાય તેનું હું ધ્યાન રાખીશ.

૬. હું કોઈ પણ પગારદાર કે બિનપગારદાર નોકરને રજા આપી શકીશ.

૭. વણાઈ કે વધારાની વણાઈની વહેંચણી અંગે એક વખત નિર્ણય લેવાઈ જાય પછી તે આખી વહેંચણી પૂરી ન થાય ત્યાં સુધી તે નિર્ણય મને માન્ય રહેશે.

૮. હું સામૂહિક માલિકીનો વિશાળ અર્થ અપનાવીશ. કુટુમ્બમાં સાથે જમતી વખતે કોઈના ભાણાંની રોટલી ગણવામાં આવતી નથી. એ જ રીતે વણાઈ કે વધારાની વણાઈની વહેંચણીમાં હું એવી કોઈ ગણતરી કરીશ નહિ. એટલે કે મને બીજા કરતાં વધુ મળે એવો વિચાર કરવાને બદલે કોઈને મારા કરતાં ઓછું ન મળવું જોઇએ એવી ભાવના રાખીશ.

૯. હું દરરોજ ઓછામાં ઓછા ૩ કિલો પાપડ વણીશ.

૧૦. કોઈ કારણસર મારે ઉદ્યોગમાંથી છૂટા થવું પડે તો ઉદ્યોગ પર મારો કોઈ હક્ક કે હિસ્સો રહેશે નહિ કેમકે મંદિરના કે ઈશ્વરની મૂર્તિના ટૂકડા કરી શકાય નહિ.

૧૧. ઉદ્યોગના હિતમાં જે કોઈ કામચલાઉ કે કાયમી નિયમ બનાવવામાં આવે તેનું હું પાલન કરીશ.
 [પાછળ]     [ટોચ]