[પાછળ] |
લિજ્જતના પ્રથમ બે દાયકાના સંસ્મરણો-૬ લેખકઃ ભાનુરાય સંઘવી અને છેલ્લે એક અગત્યની વાત.... આ લેખકના અંગત અને વ્યક્તિગત અભિપ્રાય અનુસાર લિજ્જત સંસ્થાના બહેનોની આશ્ચર્યજનક અવિરત આગેકૂચ પાછળનું સૌથી મહત્વનું પરિબળ બહેનોને વખતોવખત મળેલી સંખ્યાબંધ સોનેરી શિખામણ છે. આ શિખામણો માત્ર લિજ્જત માટે નહિ, કોઈ પણ જાહેર, સાર્વજનિક, સામાજિક સંસ્થા માટે એટલી જ ઉપયોગી છે. આ શિખામણોનું જાણે કે અજાણ્યે અનુસરણ કે પાલન કરવાથી લિજ્જતની જેમ અનેક સંસ્થાઓ નવી ઊંચાઈ સર કરી શકે તેમ છે. આવી કેટલીક સોનેરી શિખામણો આ પ્રમાણે છે; (૧) જોરથી બોલો. જે બોલો તે ચાર માણસ સાંભળી શકે તેમ બોલો. જાહેર સંસ્થામાં ખાનગી વાતો કોઈથી ક્યારે પણ કરાય જ નહિ. (૨) સંસ્થામાં સંસ્થાના કામ વિશે જ વાત થાય. સંસ્થાના કામ સિવાય અન્ય કોઈ બાબતની ચર્ચા સંસ્થાની અંદર ન કરાય. (૩) સંસ્થાની સાથે ચાલો, સામે નહિ. સંસ્થાની દરેકેદરેક પ્રવૃત્તિ કે કાર્યમાં કદાચ કોઈ વખતે ભાગ ન લઈ શકાય, પણ એનો અર્થ એ નથી કે મને પૂછ્યા વિના આવું કર્યું જ કેમ એવા સવાલો પાછળથી કરી શકાય કે પછી ‘તમે બધા તમારો નિર્ણય બદલો’ એવી જીદ પકડી શકાય. (૪) ઝગડો કરવાની બધાને છૂટ છે પણ તે ઝગડાનો ત્યારે ને ત્યારે જ નિકાલ લાવવો રહે છે. સંસ્થામાં ગઈ કાલનો ઝગડો આજે યાદ કરવાની મનાઈ છે. (૫) ડરો નહિ, ડરાવો નહિ. ડરવું અને ડરાવવું એ બન્ને બાબત ખરાબ છે, ખોટી છે. એ રસ્તે ન જવાય. (૬) કોઈની રાહ જોવી નહિ. ફલાણા ભાઈ કે ફલાણા બહેન આવે પછી જ કામ થાય એ વાત જ ખોટી. કોઈ પણ પ્રસંગે કામ સમયસર થવું જ જોઈએ. સંસ્થાના કોઈ પણ પ્રસંગે કોઈની રાહ કદી ન જોવાય. જે લોકો હાજર હોય તેમણે પ્રસંગ સાચવી લેવો જોઈએ. (૭) કામ કરનારાઓએ હું જ સાચો, હું જ સાચો એવા વિવાદમાં પડવું નહિ. ભલે બન્ને સાચા હોય તો પણ આવો વિવાદ કરવાથી સંસ્થા બંધ પડી જશે. (૮) આજનું કામ અત્યારે જ કરવું. આજનું કામ કાલ પર ન રખાય. (૯) જ્યારે કોઈ કામ કરવું હોય ત્યારે પહેલા કામ કરો પછી એ કામ માટેના નિયમ ઘડો. (૧૦) મિટિંગ બોલાવવાથી, ચર્ચાઓ કરવાથી અને ઠરાવ પસાર કરવાથી કરવાથી કોઈ કામ થઈ જતું નથી. ઠરાવ પસાર કરી કપડાં ખંખેરીને બધા ચાલ્યા જાય છે. ઠરાવ મૂકનાર, ઠરાવને ટેકો આપનાર કે ઠરાવ પસાર કરનારમાંથી કોઈ એમ તો બોલતું જ નથી કે એ કામ હું પોતે કરીશ. કામ તો તે ખરેખર કરીએ ત્યારે જ થાય, ખાલી વાતો કરવાથી કામ ન થાય. (૧૧) તમે આ કામ કરી નાખજો એમ કોઈને કહી દેવાથી કામ ન થાય. એ કામ ખરેખર થાય નહિ ત્યાં સુધી તમારી જવાબદારી પૂરી થતી નથી. મેં તો ફલાણાને કહી દીધું હતું. તેણે એ ન કર્યું તો હું શું કરું એ તો સૌથી નફ્ફટ - સૌથી નાલાયક જવાબ છે. (૧૨) રોજની તમામ આવક અને ખર્ચનો હિસાબ રોજેરાજ લખાવો જ જોઈએ. હિસાબો ચોખ્ખા જોઈએ. જાહેર સંસ્થાના હિસાબો સૌ કોઈને જોવા માટે ઉપલબ્ધ રહેવા જોઈએ. (૧૩) સંસ્થા પર બધાનો હક્ક સરખો રહેવો જોઈએ. (૧૪) આ સરખા હક્કનો ઉપયોગ દૂધ ઢોળી નાખવાની પડાપડી કરવામાં ન કરાય. એક દીકરીથી દૂધ ઢોળાઈ જાય તો બીજી દીકરી શું એમ કહે કે મારો પણ સરખો હક્ક છે. લાવો દૂધનું તપેલું. હું પણ એટલું દૂધ ઢોળી નાખીશ ? (૧૫) સંસ્થાની અંદર સૌથી અઘરું, સૌથી મુશ્કેલ કામ કોઈ મહેમાન આવે ત્યારે તેને આવકાર આપવાનું અને તેમને પીવાનું પાણી ધરવાનું છે. સંસ્થાના બધા રૂટીન કામ કરવા એ સહેલું છે પણ એ સંસ્થા સાથે ઓતપ્રોત થઈ સંસ્થાને પોતાની માનવી એ જરા પણ સહેલું નથી. (૧૬) વરસાદ આવે ત્યારે છત્રી ઉઘાડાય અને વરસાદ બંધ થાય ત્યારે છત્રી બંધ કરાય. સંસ્થામાં ભલે કેટલીક કાયમી પ્રણાલિકા હોય પણ સંજોગો પ્રમાણે તેમાં થોડા સમય પૂરતો ફેરફાર કરી શકાય અને કરવો જ જોઈએ. (સમાપ્ત) |
[પાછળ] [ટોચ] |