[પાછળ]
શું મૃત્યુ પછી જીવન છે ખરું?

લેખકઃ ડો. અબ્રાહમ થોમસ કોવુર (૧૮૯૮-૧૯૭૮)
અનુવાદઃ મનોજ ઓઝા


મારી જીવનચેતના મારા દેહના કોઈ એક ખાસ બિંદુમાં સમાયેલી છે તેવું હું માનતો નથી. મારા શરીરના દરેક જીવન્ત કોષમાં જીવનક્રિયાઓ ધબકતી રહી છે અને તેનું પોષણ, અંદર ચાલતી ઓક્સીડેટરી રાસાયણિક ક્રિયાને કારણે થાય છે. આ રાસાયણિક ક્રિયા મારી શ્વસનક્રિયા અને રુધિરાભિસરણની ક્રિયાને કારણે ચાલે છે. સળગતી મીણબત્તીના હાઇડ્રોકાર્બન પદાર્થો પ્રાણવાયુ સાથે સંયોજાઈ બળવાનું શરુ કરે ત્યારે ગરમી અને પ્રકાશ જે રીતે ઉત્પન્ન થાય છે તેનાથી આ ક્રિયા કોઈ રીતે જુદી નથી. મીણબત્તી બુઝાવી દેવામાં આવે ત્યારે ગરમી અને પ્રકાશ મીણબત્તીથી નોખાં પડી જતાં નથી. ફરી મીણબત્તી સળગાવતા એ ક્રિયા ફરી શરુ થાય છે.

આમ રાસાયણિક ક્રિયા દ્વારા શક્તિ ઉત્પન્ન કરવાની જ આ પ્રક્રિયા છે. આમ જ્યારે શ્વસન અને રુધિરાભિસરણની ક્રિયા બંધ થવાના પરિણામે શરીર મૃત્યુ પામે ત્યારે તેમાંથી કશું નીકળતું નથી. જો કોઈ નવીન ટેક્નિકનો ઉપયોગ કરી શરીરની લુપ્ત ક્રિયાઓ ફરી ચાલુ કરવામાં આવે તો એમ ના કહેવાય કે બહાર નીકળી ગયેલ આત્મા ફરી શરીરમાં પ્રવેશ્યો છે.

મારું મૃત્યુ કોઈ ચોક્કસ સમયે એકાએક થવાનું નથી. મારી મરવાની ક્રિયા લગભગ ૭૦ વર્ષ પહેલાં શરુ થઈ ગઈ ગણાય. મેં મારું જીવન મારી માતાના પરોપજીવી તરીકે શરુ કર્યું, એટલે કે તેના શરીરમાંથી મેં મારું પોષણ મેળવ્યું; આ પરોપજીવી જીવનનો અન્ત આવ્યો તે સમયે ડુંટી–નાભિને જોડતી નળી અને તે દ્વારા ગર્ભને પોષણ પુરુ પાડતું અંગ–પ્લેસેન્ટા ગુમાવતા મારા શરીરનો ૧/૮ ભાગ નાશ પામ્યો. મારા જન્મદિનથી આજ સુધી હું નાશ પામવાની અને વિકસવાની ક્રિયા સાથોસાથ કરતો રહ્યો છું. દરરોજ મારા દેહમાં ઘણા કોષ ઘસાઈને નાશ પામે છે. આવા મૃતકોષો–હજામતથી દુર કરેલા વાળ, ફાટી ગયેલી ચામડી, વધેલા નખ, તૂટી જતા દાંત અને પ્રસ્વેદ તથા મુત્ર વેળા નીકળતા કચરા વાટે મારા શરીરની બહાર નીકળતા રહે છે.

મારું શરીર સિત્તેર વર્ષ જુનું છે. અકસ્માતથી પડેલ ઘા–ઘસરકા, બેક્ટેરીયા કે વિષાણુના ચેપ, શારીરિક–માનસિક કાર્યબોજ, સૂર્યના અલ્ટ્રા–વાયોલેટ અને ઈન્ફ્રા–રેડ કિરણોની હાજરી, વિજ્ઞાન પ્રયોગશાળામાં કામ કરતી વેળા રોજેરોજ કોસ્ટીક તેજાબી રસાયણો સાથે પડતો પનારો, તેજાના મસાલાથી તમતમતો ખોરાક વગેરે કાર્યો મારા સિત્તેર વર્ષના વૃદ્ધ દેહના મોટા ભાગને મારી નાંખવામાં, ક્ષીણ કરવામાં જવાબદાર છે.

એક ઓપરેશન કરીને મારા દેહનો એક ભાગ અલગ કરી દેવામાં આવ્યો હતો. ચાલીસ વર્ષ પૂર્વે મારા શરીરમાંથી એક નાનકડો કોષ છૂટો પડીને બીજા એક દેહના બીજા કોષ સાથે સંયોજાય હતો અને મારા શરીરની બહાર તેનો વિકાસ ચાલુ થયો હતો. હજુ આજે પણ એ કોષ અનેક કક્ષમાં વિભાજીત થઈ – ડૉ. એરીસ કોવુર તરીકે શરીર ધરાવી વિકસી રહ્યો છે.

મારી યુવાનીના દિવસોમાં મારા શરીરમાં નવા કોષના જન્મનો દર, મૃત્યુ પામતા કોષ કરતાં વધુ હતો. આથી મારો વિકાસ થતો રહ્યો, વજન વધતું રહ્યું અને ચાલીસમાં વર્ષે મારું વજન ત્યાર સુધીમાં સૌથી વધુ ૧૮૫ પાઉન્ડ થયું; પછી મારા શરીરમાં કોષોનો જન્મ અને મૃત્યુનો દર કેટલાંક વર્ષ સ્થિર રહ્યાં ત્યારે મારું વજન એટલું જ રહ્યું. ત્યાર બાદ કોષના જન્મ કરતાં મૃત્યુસંખ્યા વધતી રહી. તે એટલી હદે કે અત્યારે મારું વજન ૧૨૫ પાઉન્ડ છે. અત્યાર સુધી મરીને ફેંકાઈ ગયેલા મારા કોષોનું વજન કરીએ તો લાખો પાઉન્ડ થાય. આ ક્રિયા નવા કોષનો જન્મ થવા જરૂરી છે. વિભાજન માટે આવા કોઈ કોષ બાકી નહીં રહે ત્યાં સુધી કોષના જીવન–મૃત્યુની આ ક્રિયા ચાલુ રહેશે. મારા દેહના સર્વ કોષના મૃત્યુ પછી પણ મારી આંખોના કોર્નિયા કોઈક અજાણ્યા ભાગ્યશાળીની આંખોમાં જીવ્યા કરશે.

કોષના સતત જીવન–મૃત્યુની પ્રક્રિયામાં મારા હાલના ૧૨૫ પાઉન્ડ વજનના દેહનું મૃત્યુ મહત્ત્વની ઘટના બનશે. કેમ કે મારા મનની કર્મભૂમિ, મારું મગજ, કાર્ય કરતું બંધ થશે અને મારા વ્યક્તિત્વનો અન્ત આવશે. મારો છેલ્લો શ્વાસ, હાલના શ્વાસ કરતાં કોઈ રીતે જુદો નહીં હોય. મારા છેલ્લા ઉચ્છ્વાસમાં પણ આજની જેમ હું માત્ર કાર્બન ડાયોક્સાઈડ અને વરાળ જ બહાર કાઢીશ. મારા મૃત્યુ પછી, મારો કહી શકાય એવો આત્મા યા તત્ત્વ વિહરશે યા હું સ્વર્ગમાં કે નર્કમાં જઇશ યા પ્રેતાત્મા તરીકે ભટકી યા પુનર્જન્મ લઇશ એવું કંઈ પણ હું માનતો નથી.

જો આત્મા જેવું તત્ત્વ ખરેખર હોય તો આટલા વર્ષોમાં, મરણશીલ થઈ મારા દેહથી છુટા પડેલા હજારો કોષમાં, તેનો મોટો ભાગ નાશ પામ્યો હોવો જોઇએ અને મારા ૧૨૫ પાઉન્ડના દેહના મૃત્યુ બાદ પણ મારી આંખના નેત્રમણીનું દાન મેળવનાર વ્યક્તિમાં મારા આત્માનો થોડોક ભાગ જીવતો પણ રહેવો જોઇએ.

હું એક અવિભાજ્ય શરીર–અવસ્થા ધરાવતું માનવપ્રાણી છું, કારણ કે ખાસ્સી એવી ઉત્ક્રાંતિ પામેલા પ્રાણી તરીકે, હું, એક જ કેન્દ્રથી નિયમન થતું હોય તેવા જ્ઞાનતન્તુ, શ્વસન અને રુધિરાભિસરણ તન્ત્ર ધરાવું છું. ઘણા છોડ અને નિમ્ન કોટિના પ્રાણીઓમાં હોય છે તેમ મારી શરીર–અવસ્થા પણ વિભાજીત હતી, જ્યારે હું મારી ખાતાના ઉદરમાં ગર્ભ તરીકે હતો અને મારા શારીરિક કાર્યો હાલની જેમ કે એક જ કેન્દ્રના આદેશથી સંચલિત ન હતાં. ત્યારે ગર્ભ–અવસ્થામાં સર્જિત પ્રથમ કોષ એકના બદલે બે ભાગમાં વિભાજીત થયો હોત તો અમે બે જોડિયા ભાઈ હોત. માન્યતા પ્રમાણે આત્મા હોય તો પુનર્જન્મના આત્માનું બે શરીરમાં વિભાજન થયું હોત?

ઉપર કથિત રજૂઆત સુસંગત અને તર્કબદ્ધ હોવાં છતાં આત્મા અને પુનર્જન્મ અંગે ગળથૂથીથી શિક્ષણ પામેલા માણસો તેનો સ્વીકાર નહીં કરે; કારણ કે ‘ધર્મ’ જે કહે છે તેનાથી આ સદંતર વિરુદ્ધ છે. આમ સર્વ ધર્મો મૃત્યુ પછીના જીવન અંગે અવધારણા બાંધે છે; છતાં તે માનવા અંગે મારી પાસે કોઈ યોગ્ય કારણો યા પુરતા પુરાવા નથી. કોઈ કહે છે આ શરીરનું જીવન અને શાશ્વત–જીવન એ બે જુદાં છે. શાશ્વત–જીવન એ સ્થળ–સમયના બન્ધનથી પર છે અને તે ત્યાં સુધી ગતિમાં રહે છે જ્યાં એક એવો તબક્કો આવે કે તે જીવનની પણ જરૂરત ન રહે.

મને એ સમજ નથી પડતી કે જીવન નાશ પામે છે તે પછી શાશ્વત ક્યાંથી રહે? જીવન એકકોષી જીવમાં હોય કે પછી બહુ–કોષી જીવમાં હોય, તે સરખું જ છે. એક છોડ, જન્તુ અને માનવીનાં જે જીવન–તત્ત્વ છે તેમાં કોઈ ફેર નથી. જે ફેર છે, તે તેનામાં રહેલા મગજ તત્ત્વોનો, માનવ–વિકાસનો છે. એક બટાટાના છોડમાં મગજ હોતું નથી, એક જન્તુમાં બહુ પ્રાથમિક કક્ષામાં મગજ–કાર્ય થતું હોય છે અને માનવીમાં મગજ ખૂબ વિકસિત અવસ્થામાં છે.

સમય એવો આવ્યો છે કે માનવી પોતાની જાતની, વધુ બુદ્ધિશાળી વ્યક્તિઓના જન્મ માટે જનીનશાસ્ત્રના વધતા જ્ઞાનનો ઉપયોગ કરી શકશે. હું એવો સમય જોઇ શકું છું કે જ્યારે સરકારો પોતાની પ્રજાની પ્રજનનશક્તિના ઉપયોગના સ્વાતંત્ર્ય ઉપર નિયન્ત્રણો મુકશે. યુગલોને જાતીય સુખનો અધિકાર તો હશે જ; પરન્તુ અનિચ્છીત ગુણવત્તાવાળાં, શક્તિહીન, ઓછી બુદ્ધિવાળાં બાળકો પેદા કરવા પર ત્યારે કદાચ અંકુશ આવશે.

ખાસ પસન્દ કરાયેલ સ્ત્રીઓને કૃત્રિમ ગર્ભાધાન વડે, ખાસ પસન્દગી અનુસારનાં બાળકોને જન્મ આપવા વિર્યબેંકોની સ્થાપના પણ કદાચ થાય.  (અમેરિકામાં નોબલ વિર્યબેંક સ્થપાઈ છે.) આમ પુનર્જન્મમાં માનનારા, કર્મ અનુસાર જન્મચક્રમાં માનનારા, આ રીતના પસન્દગીકૃત જન્મ કરાવવાની માનવશક્તિ માટે શું કહેશે? શું આ રીતે જન્મેલા બાળકો ગતજન્મના કર્મ અનુસાર ફરી માનવ–જન્મ પામશે?

પ્રોફેસર ઈયાન સ્ટીવન્સન, પ્રોફેસર એચ. એન. બેનરજી જેવા એમ માને છે કે પુનર્જન્મ પહેલા દેહનાં ચહેરાની રેખાઓ, ઘાનાં નિશાન વગેરે પણ ગતજન્મની જેમ જ આવેલા હોય છે. જો આ સાચું હોય તો નેત્રદાન સંસ્થાઓ માટે મોટી મુશ્કેલી સર્જાશે, કેમ કે આવતા જન્મમાં અન્ધ જન્મવાના ભયે લોકો ચક્ષુદાન કરતાં બન્ધ થઈ જશે. પોતાના ગતજન્મની સ્મૃતિ પ્રાપ્ત કરતાં બાળકોની વાતો નિર્ભેળ વાતો જ છે. જેઓએ આવી વાતો અંગે ઊંડાણમાં ઉતરીને તપાસ કરી છે તેમને આવી વાતોમાં વણાયેલ અસત્ય અને છેતરપીંડી તથા ખોટી પ્રસિદ્ધીની જાણ થઈ જાય છે.

ક્રાયોજીનિક્સની નવી પદ્ધતિ દ્વારા મૃત્યુ બાદ તરત જ શરીરને ઉંડા ઠારબિંદુવાળી પેટીમાં મુકી અનેક વર્ષો બાદ પુન:સજીવન કરવાનું શક્ય બનવાની સંભાવના છે. શું તે વખતે છૂટો પડેલો આત્મા ફરી પાછો શરીરમાં દાખલ થશે? એ આત્મા ક્યાંક પુનર્જન્મ પામ્યો હશે તો તે દેહ છોડી, જુના દેહમાં પાછો ફરશે? શું જાળવેલા દેહોમાં મગજ સદીઓ સુધી જીવન્ત રહેશે?

જેમ ઈંધણ વિના અગ્નિ હોતો નથી તેમ શરીર અને જ્ઞાનતન્તુઓ વિના જીવન અને મગજ હોતાં નથી. મૃત્યુ એ જીવનનો અન્ત છે. કહેવાતો આત્મા એ જીવન અને મગજ બન્નેનો સમન્વય છે. દેહ વિના જીવન શક્ય ન હોવાથી શાશ્વત જીવનની વાતો યા અમર આત્માની વાતો અર્થહીન છે. ગૌતમ બુદ્ધ આ સત્ય જાણતા હતા અને પચ્ચીસસો વર્ષ પહેલાં તેમણે ‘અનાત્મ’નો સિદ્ધાંત પ્રચલિત કર્યો હતો.

(Source: https://govindmaru.com/2019/12/02/dr-kovoor/)
[પાછળ]     [ટોચ]