[પાછળ] 
આઝાદી મળી ત્યારે ગાંધીજી ક્યાં હતા?
લેખકઃ હસિત મહેતા

[ગાંધીજી ત્યારે કલકત્તાના પશ્ચિમ ભાગે આવેલા રમખાણગ્રસ્ત બેલિયાઘાટા વિસ્તારમાં, ત્યાંની એક ઝૂંપડપટ્ટી મિયાંબાગાનમાં આવેલા હૈદરી મેન્શન નામના એક સાવ તૂટ્યાફૂટ્યા અને અવાવરુ મકાનમાં એકલા-અટુલા રહેવા ગયા હતા.]

‘એટલું તો સમજો કે હું કર્મે હિંદુ, ધર્મે હિંદુ, નામે હિંદુ (તો) શું હિંદુનો દુશ્મન હોઈશ? આ તમારી સંકુચિત વૃત્તિ છે.....’ ગાંધીજી બોલતાં જ રહ્યાં, પણ પેલા તોફાની છોકરાઓ કશું જ માનવા તૈયાર નો'તા. એ તો રોષપૂર્વક ગાંધીજીને કહેતા હતા કે ‘મુસલમાનો ઉપર જરાક થયું ને તમે અહીં દોડી આવ્યા, પણ હિંદુઓ પર વીતતું હતું ત્યારે તમે ક્યાં હતા?’ - આ રકઝક ખાસ્સી લાંબી ચાલી.

પેલા બંગાળી છોકરાઓનું ટોળું ગાંધીજી સામે ભારે રોષ કાઢતું હતું. રકઝક લાંબી ચાલી. છેવટે ગાંધીજી એટલું બોલીને બેસી ગયા કે 'મને તમે સમજાવી દો કે મેં અહીં આવવામાં શું ભૂલ કરી છે, તો હું હમણાં જ ચાલ્યો જઇશ.' પછી ઘણી વાર સુધી વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો. બધાં જ ચૂપ થઈ ગયા. આ ઘટના બની હતી કલકત્તાના પશ્ચિમ ભાગે આવેલા બેલિયાઘાટા વિસ્તારમાં ૧૯૪૭ની ૧૩મી ઓગસ્ટે. એ દિવસે ગાંધીજી ત્યાંની એક ઝૂંપડપટ્ટી મિયાંબાગાનમાં આવેલા હૈદરી મેન્શન નામના એક તૂટ્યાફૂટ્યા - અવાવરુ મકાનમાં રહેવા ગયા હતા, જે એક ઘરડી મુસ્લિમ સ્ત્રીની માલિકીનું હતું.

આ દિવસોમાં દિલ્લી સ્વતંત્રતાના ઉત્સવની ઉજવણીમાં મદમસ્ત હતું. પરંતુ ૧૪મી ઓગસ્ટની રાતે ભારતના ભાગલા પડવાના હોઈ ગાંધીજી ઉપવાસ કરીને એ દુઃખદ ઘટનાને કલકત્તામાં જીરવી રહ્યાં હતા. જો કે નહેરુ અને તેમના પ્રધાનમંડળે તેઓ રાજધાનીના સ્વાતંત્ર્ય ઉત્સવમાં આગળ રહે, એવી ઇચ્છા વ્યક્ત કરી જ હતી.

ખુદ વાઈસરૉય માઉન્ટબેટને પણ ગાંધીજીને એ માટે આગ્રહ કર્યો હતો. પરંતુ મનથી જેણે કદી ભાગલા સ્વીકાર્યા ન હતા એ ગાંધીજીનું મન દિલ્લીથી ઊઠી ગયું હતું. એ દિવસોમાં તેઓ કાશ્મીર હતા. આથી કાશ્મીરથી પાછા વળતાં તેમણે દિલ્લી આવવાનું ટાળી સીધા સરહાનપુર થઈને કલકત્તા જવાનું પસંદ કર્યું હતું.

૯મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ તેઓ પટણાથી આવી કલકત્તા પહોંચ્યા. એ વખતે પૂર્વ બંગાળનો નોઆખલી જિલ્લો હિંદુ-મુસ્લિમના કોમી તોફાનોમાં ભયંકર સળગ્યો હતો. બર્બરતાભરી એ કત્લેઆમમાં ચાર હજારથી પણ વધુ લોકો માર્યા ગયા હતા, દસ હજાર બેઘર થયા હતા, અને તેથી વધુ લોકો ઘાયલ થયા હતા. ગાંધીજી તો કલકત્તાથી સીધા નોઆખલી જવાના હતા. પરંતુ ત્યાંના માજી મેયર મહંમદ ઉસ્માન સાહેબ, માજી મુખ્યમંત્રી સુહરાવર્દી વગેરેએ તેમને કલકત્તા રોકાઈ જવાનો આગ્રહ કર્યો.

ગાંધીજીએ શરત મૂકી કે જો નોઆખલીના મુસ્લિમ આગેવાનો ત્યાં શાંતિ જાળવવાની બાહેંધરી આપે તો અને સુહરાવર્દી જાતે તેમની (ગાંધીજીની) સાથે ફકીરની જેમ એક છાપરા તળે રહીને કલકત્તામાં શાંતિ સ્થાપવામાં મદદ કરે તો તેઓ નોઆખલી જવાનું અટકાવીને કલકત્તામાં રોકાઈ જાય. સહુએ તેમની શરતો માન્ય રાખી, એટલે ૧૩મી ઓગસ્ટે ગાંધીજીએ પેલી મુસ્લિમ મહિલાની માલિકીના હૈદરી મેન્શનમાં, સુહારાવર્દીની સાથે, કલકત્તામાં જ રોકાઇ જવાનું સ્વીકાર્યુ.

આ હૈદરી મેન્શન ભૂતિયા બંગલા જેવું હતું. એ ચારે બાજુથી ખુલ્લું મકાન હતું. તેના બારી-બારણાં હુલ્લડમાં તૂટી ગયા હતા. ઘરમાં ચારે બાજુ ધૂળ અને કચરાના ઢગલે ઢગલા હતા. સંડાસ તો એક જ, જેનો ગાંધીજી સમેત પચાસેક લોકોએ ઉપયોગ કરવાનો હતો. તાજા પડી ગયેલા વરસાદે ધૂળના ઢગલાઓને કાદવ-કીચડમાં ફેરવી નાંખ્યા હતા.

એમાં ઓરડી કહી શકાય તેવી સમ ખાવાની એક જ જગ્યા હતી, જ્યાં ગાંધીજીનો સામાન મૂકવાની અને મહેમાનો માટે બેસવાની વ્યવસ્થા બનાવી હતી. ગાંધીજીના ઉતારા માટે આ ઘરને સાફ કરતી વખતે બ્લીચિંગ પાવડરનો એટલો તો છંટકાવ કરાયેલો કે ત્યાં દુર્ગંધ પેલી ગંદકીની આવે છે કે વધારે પડતા બ્લીચિંગની એની સમજણ જ ના પડે.

આમ છતાં ગાંધીજી ત્યાં પહોંચ્યા. ત્યાંના સ્થાનિક યુવાનો તેમને હૈદરી મેન્શનમાં રહેવા દેવા તૈયાર જ નો'તા. પરંતુ કલાકોની સમજાવટ પછી એ જ તોફાની છોકરાઓએ હૈદરી મેન્શનનો ચોકીપહેરો કરવા આખી રાત માથે લીધી. વળી એમણે ગાંધીજીને સૂવા માટે ક્યાંકથી એક લાકડાની પાટ પણ આણી આપી. પરંતુ ગાંધીજી તો બીજા કાર્યકરોની સાથે નીચે જ પથારી પાથરીને સૂઈ ગયા. આ જોઈ પેલા શરણે થઇ ગયેલાં તોફાની છોકરાઓ બોલ્યાં કે 'કોણ જાણે આ બુઢ્ઢામાં શું જાદુ છે કે બધા જ (તેમનામાં) ઝડપાઈ જાય છે, અને (કોઈ) એમને હરાવતા જ નથી ?'

દિલ્હીમાં ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે સ્વતંત્રતાનો ઝંડો ફરક્યો. લાખો લોકોની મેદનીએ તેનો ઉત્સવ મનાવ્યો. મહાભોજનની મિજબાની યોજાઈ. ફટાકડા ય ફૂટયાં. આ વખતે જેણે ભારતને આઝાદી અપાવવા જીવન હોમી દીધું હતું, જેની અહિંસક લડાઈ સામે અંગ્રેજોને ઝૂકવું પડ્યું હતું, એ મહાત્મા ગાંધીજી કલકત્તામાં અને નોઆખલીમાં હિંદુ-મુસ્લિમ તોફાનો શાંત કરવા તૂટી-ફૂટી-ગંધાતી હૈદરી મેન્શનમાં, ઉપવાસ કરીને, જમીન ઉપર સૂતા-સૂતા ભારતના ભવિષ્ય માટે નિસાસા નાંખતા હતા.

હૈદરી મેન્શનના એ મકાનમાં ૧૩મી ઓગષ્ટની રાતે દિલ્લીથી સુચના વિભાગના એક અધિકારી આવીને ગાંધીજીને મળ્યાં. તેમણે દિલ્લીમાં ૧૫મી ઓગસ્ટે આઝાદીનો જે કાર્યક્રમ ઉજવાશે તે માટે ગાંધીજીનો દેશજોગ સંદેશો માંગ્યો, પણ ગાંધીજી કોઇ સંદેશો આપવાના મૂડમાં જ ન હતા.

બીજે દિવસે બીજા બે જણ આવ્યા, તેમણે ય આ માટે આગ્રહ કર્યો, અને કહ્યું કે 'આપ સંદેશો નહીં આપ તો બહુ માઠું થશે.' ગાંધીજીએ રીતસર છાંછીયાના ટોનમાં તેમને સંભળાવી દીધું કે 'હૈ હી નહીં કોઇ મેસેજ. હોને દો ખરાબ'. ભારતના ભાગલાથી દુઃખી ગાંધીજી આઝાદ થતાં ભારત માટે એક નાનકડો સંદેશ આપવા પણ તૈયાર ન હતા.

ભારત આઝાદ થતું હતું ત્યારે ગાંધીજી માનવ સંહારની હોળી વચ્ચે ઊંડા દુઃખ સાથે, સાદગી સાથે અને આધ્યાત્મિકતા સાથે કલકત્તામાં અને નોઆખલીમાં દિવસો ગાળી રહ્યા હતા.
 [પાછળ]     [ટોચ]