[પાછળ] 
વનરાવનનો રાજા ગરજે
લેખિકાઃ પૂર્વી મલકાણ

મારી યાદનો આ પ્રસંગ મને સીધો ગીરના સિંહ સાથે જોડે છે. અમારું બગસરા આમ તો ગીર જંગલથી બહાર ગણાય, પણ અમારી સાતલડી સુધી ગીરના ડાલમથ્થા આવી જતાં. અમારે ત્યાં મીઠું પાણી ન હતું, ડંકી હતી પણ તેનું પાણી ભારી કહેવાતું. આથી રસોઈ માટેનું પાણી અમારે નદી પરથી ભરી લાવવાનું રહેતું.

આમ તો રોજ સવારે અમે બધાં ભાઈ-બહેન ગોળી, ગાગર-હાંડા લઈને જતાં અને રસોઈ માટેનું પાણી ભરી લાવતા, પણ ક્યારેક એવું યે બનતું કે સવારના ચા-પાણી માટે મીઠું પાણી ઓછું હોય કે ખલાસ થઈ ગયું હોય તો અમને છોકરાઓના હાથમાં ગાગર-હાંડા પકડાવી નદીએ મોકલવામાં આવતા. આમાંય એવું હતું કે, જો સવારે પાણી ભરવા જઈએ તો ખાલી અમારા ઘર માટે જ ભરવાનું રહેતું, પણ જો બપોરે-સાંજે પાણી ભરવાનું થાય તો પહેલી બે ગાગર નદી પાસે આવેલી હવેલીની ગૌ-શાળાની ટાંકીમાં નાખવાની રહેતી.

આવી જ એક સાંજે મારા અને સંધ્યાના હાથમાં ગાગરડી પકડાવી દેવામાં આવી. સંધ્યા મારી પિતરાઈ મોટી બહેન પણ, મારે માટે એ મારી પાકી સહેલી હતી. રમતા રમતા અમે નદીએ ગયાં અને પહેલી બે ગાગર ગૌ-શાળાની ટાંકીમાં નાખી, રમતા રમતા ફરી નદીએ પહોંચ્યા ત્યારે સૂરજની લાલિમા નદીના પાણીમાં ડૂબકી મારી રહી હતી. અમારા જેવી બે-ચાર પનિહારીઓ પાણી ભરીને જઈ રહી ને બે-ત્રણ હજુ ત્યાં જ હતી, મસ્જિદમાંથી બાંગ પોકારાઈ રહી હતી. સામેના રત્નેશ્વર મહાદેવનાં મંદિરેથી આવતી આરતીના ઘંટા નાદ સંભળાઈ રહ્યા હતાં ને જલદી જલદી પાણી ભરી ઘરે જવાની તૈયારી કરતાં હતાં ત્યાં જ દૂરથી ધીમે ધીમે આવતી સિંહણ અમે જોઈ અને સાથે હતાં તેના બે સરાયાં. (સરાયાં એટલે સિંહના બચ્ચાં. આ શબ્દ કદાચ તળપદી ભાષાનો હોઈ શકે, ઘણાં લોકો ભૂરૂડુંને નામે ય ઓળખે છે.)

સિંહણને દૂરથી જોતા જ ત્યાં રહેલ લોકો આડાઅવળા થવાં લાગ્યાં અને અમનેય કહેવા લાગ્યાં, એ છોરીઓ નીકળો, ત્યાંથી નીકળો. મને આજે ય યાદ છે કે એ બૂમોને અમે અવગણેલી અને અમારી ગાગરોને ભરી અમે ધીરે ધીરે ત્યાંથી નીકળેલા ત્યારે તે સિંહણની મંદ મંથર ચાલ ચાલુ હતી. કદાચ તેનું પેટ ભરેલું હશે અથવા તેને લાગ્યું હશે અમારાથી તેને કે તેના સરાયાંને કોઈ ભય નહીં હોય. એ સાંજે આખી બજારને ગજવતા ગજવતા અમે નીકળેલા. આ પ્રસંગ પછી ઘણી વાર સાતલડીને કાંઠે અમારો ઘણીવાર સિંહો અને સિંહણ સાથે ભેટો થયેલો. પણ સિંહો સાથેનો ખરો યાદગાર પ્રસંગ તો સ્કૂલનાં દિવસમાં થયેલો.

ત્રીજા સત્રની પરીક્ષા પૂરી થવાના બીજે જ દિવસે અમે સ્કૂલમાંથી પાંચ દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળેલા. પૂરેપૂરી ત્રણ બસો સૌરાષ્ટ્રનાં કાચા-પાકા રસ્તા પર દોડતી હતી જેમાં અમારી કન્યાશાળની છોકરીઓ હુલ્લડ મચાવી રહી હતી. વગર હોળીનો એ રંગ હાસ્ય બનીને ત્રણેય બસની સીમિત જગ્યામાં છલકાઈ રહ્યો હતો. જે જગ્યાએ ત્રણેય બસ એક સાથે ઊભી રહે કે તરત જ બધાં જ રંગો પોતાની સીમિતતામાંથી ઉછળી બહાર નીકળી પડતા. જોયેલા અનેક સ્થળોને વિસ્મૃતિમાં મૂકી દઈ અંતે અમારા આ રંગોનો મેળાવડો આખરે ઉના પહોંચેલો.

ઉનાથી અમારી યાત્રા તુલસીશ્યામ, બાણેજ, કનકાઇ વગેરે જગ્યાએ જવાની હતી. ઉનામાં અમે શું જોયેલું તે યાદ નથી પણ ઉનામાં અમારો એક રાતનો હોલ્ટ હતો. બીજે દિવસે અમે બધાં યે સિંહ જોવા માટે થનગની રહ્યાં હતાં, પણ તે જ રાત્રે મારી તબિયત ઘણી જ ખરાબ થઈ ગઈ. તે રાત તો જેમ તેમ પસાર થઈ પણ સવાર પડતાં જ નાસ્તા-પાણી કરી અન્ય બે બસ રવાના થઈ ગઈ ગીર તરફ. સવારે લગભગ દસેક વાગે મને ડોકટર પાસે લઈ જવામાં આવી. તેમની પાસેથી દવા લીધી. પણ વધારે તાવ હોવાને કારણે મને આછી નીંદરની દવા આપી દવાખાનાનાં પાટિયા પર જ સુવડાવી દેવામાં આવી, જ્યાં સુધી થોડો તાવ ઓછો ન થઈ જાય. તાવ ઓછો થયા પછી ડોકટરની મંજૂરી લઈ લગભગ બપોરે ૧-૨ વાગે અમારી બસ પણ ગીર જવા નીકળી પડી.

જૂનાગઢ થઈ ગીરના જંગલમાંથી અમારી બસ પસાર થઈ રહી હતી. સાંજે લગભગ ચારેક વાગ્યા હતા. અમારા ડોકા વારંવાર સિંહ જોવા માટે બારીમાંથી ડોકાઈ રહ્યા હતા. ગીરની એક ગાય જોવી એ ય અમારે માટે બહુ મોટી વાત હતી. કારણ કે સમયમાં ગીરની ગાયો ખૂબ દૂધ આપવા માટે પ્રખ્યાત હતી. હરણ, ચીતલ, નીલગાય પણ અમારે માટે નવતર પ્રાણીઓ હતા. એ આંહિયા છે, એ ત્યાં છે, એ એ રહી, એ ઓલા ઝાડની પાછળ, એ ઓલો મોટો પથરો દેખાય છે ને એની પાછળ, એ ઓલી બાજુ છે, એ અમારી બાજુ છે… એમ બધી જ જગ્યા એ ગોળ ગોળ જોતાં જોતાં અમે અમારી સીટમાંથી ઊભા થઈ જતાં. ક્યાંક દેખાય, ક્યાંક ન દેખાય પણ અમારો ઉત્સાહ ને શોર એટલો હતો કે જેની કોઈ સીમા ન હતી. અમારી બસમાં રહેલાં નીતાબહેન ને નીલાબહેન વારંવાર અમને બેસી જવાની સૂચના આપતાં હતા પણ એમની એ સૂચનાઓને તો અમે પાણી સાથે પી ગયાં હતા.

અમે અમારા ઉત્સાહમાં મગ્ન હતાં ત્યાં જ બસ ડચકા ખાવા લાગી. પહેલાં તો એ ડચકાઓથી હસાહસ થઈ ગઈ, પણ પછી ખબર પડી કે આ બસ તો ખરેખર ખોટવાઈ ગઈ છે. અંતે, એક જગ્યાએ બસ સાવ જ બંધ થઈ ગઈ. ડ્રાઈવરે બસને ચાલુ કરવાના ઘણાં પ્રયત્નો કર્યા પણ દરેક વખતે ખોંખારો ખાઈ બસ ચૂપ થઈ જાય. ઘણી વાર આમ થયું તેથી લાગ્યું કે, આપણે બધાં યે બસને ધક્કો મારીએ તો બસ ચાલુ થાય. આથી અમે બધી જ છોકરીઓ નીચે ઉતરી બસને ધક્કો મારવા લાગી. કેટલાયે ધક્કા માર્યા પણ બસ ઠોં ..ઠોં..ઠોં કર્યા કરે પણ કેમેય ચાલુ ન થઈ. તેથી અંતે ડ્રાઈવર કહે, બેન, આ તો ચાલુ થાય તેમ નથી. હવે ખાલી એક કામ થાય. તમે બધાં આયાં ઊભા ર્યૌ તો હું કો’કને બોલાવી લાવું. આ સાંભળી નીતાબેન કહે, હું ડ્રાઈવર સાથે જાઈશ, જંગલ છે ને પાછા ઇ એકલાં છે. નીલાબેન અમારી સાથે રહ્યાં.

થોડીવાર આમ તેમ આંટા માર્યા પછી અમે બધી જ છોકરીઓ પાછી બસમાં ચઢી ગઈ અને સમય પસાર કરવા નીલાબેન અમને નાસ્તો આપવા માટે ફરવા લાગ્યાં ને બોલવા લાગ્યાં… કોને જોઈએ છે નીતુશીંગ ખારીશીંગ? કોને જોઈએ ચેવડાભાઈ ને પેંડાભાઈ? આ નીતુશીંગ ખારીશીંગ, ચેવડાભાઈ ને પેંડાભાઈ સાથે પસાર કરતાં કરતાં અમારી મુલાકાત ચકરીબેન સાથે ય થઈ. અમારું એ ધીરે ધીરે ચવડ ચવડ ચાલુ હતું ને ચાલતું રહ્યું. લગભગ કલાકેક પછી ડ્રાઈવર ને નીતાબેન આવ્યાં ને કહ્યું કે આપણે રાતે અહીં જ રહેવું પડશે.

રાતે ને એય અધવચાળે જંગલમાં રહેવાનું? એ સાંભળી અમે સ્તબ્ધ બની ગયાં. અમને લાગ્યું કે આખી રાત આ બસમાં જાશે. પણ ત્યાં નીતાબેન કહે; અહીં બાજુમાં રબારીઓના ડેરા છે એમની સાથે વાત થઈ ગઈ છે, એમની સાથે રાતવાસો માટે રેવાનું છે. મારી સાથે બે-ત્રણ લોકો આવ્યા છે. ઇ લોકો આપણને એના નેસડાંમાં લઈ જાશે, માટે હાલો છોકરીઓ નીચે ઉતરો ને આ બસ તો હવે સવારે જ સરખી થશે. માટે બસ આયાં જ રહેશે. બેનની વાત અમે નકારી શકીએ તેમ ન હતાં તેથી જે સ્થિતિમાં હતાં તે જ સ્થિતિમાં અમે ઉતરી પડ્યાં ને ત્યાં અમને લેવા આવેલાં રબારીઓ સાથે તેમનાં નેસ ભણી ચાલી નીકળ્યાં.

લગભગ દસેક મિનિટ ચાલ્યાં પછી રબારીઓનાં નેસડાં દેખાયાં. નેસડાંની આજુબાજુ કાંટાની વાડ, પછી એમના ગાય, ભેંસ ને બકરા. એનાથી અંદર રબારીઓનાં તંબુઓની રાવટીઓ જે આખી ગોળાકાર હતી. એકાદ-બે રાવટીઓ પાસે નાના-નાના પાંજરા હતાં જેમાં કૂકડાં ને મરઘાં રાખેલ હતાં. અમે છોકરિયું જેવી વાડામાં અંદર ગઈ ત્યારે જોયું કે એ લોકોએ ખાટલા ઢાળી દીધેલાં છે ને જમીન પર ચાદરું પાથરેલી છે.

અમે અંદર જઈને જ્યાં જે જગ્યાં મળે ત્યાં બેઠાં જ હતાં કે ત્યાં તે રબારીઓની આઈયું આવીને કહેવા લાગી. “છોકરીયું ઠાલી ઠાલી બેસજો મા, આ લ્યો લસણ, છોલવા માંડો ને આ કાંદા કાપવા માંડો” કહી આખેઆખી લસણની ને કાંદાની ગુણ ત્યાં ખાલી કરી નાખી. (રબારીઓની સ્ત્રીઓને આઈ કહેવાય એવું અમને એ લોકોએ શીખવેલું.) અમે બધાં એ લસણ-કાંદાની પાછળ પડેલાં, ત્યારે એકાદ-બે આઈએ આવીને પૂછયું; છોકરીયું તમારાંમાંથી રોટલાં કોને કરતાં આવડે છે? મને…મને.. મને કરતાં મારા સહિતની એકાદ-બે છોકરીયું ઊભી થઈ ગઈ. એ રાતે ૪૦ લોકોનાં રોટલાં બનાવવામાં મારો યે ફાળો હતો. કામચલાઉ ઈંટોનાં ચૂલા-સગડામાં લાકડીઓ નાખી અમે તે રસોઈ બનાવેલી ને ખાખરાનાં લીલા પાંદડામાં પીરસેલી. એ રાતે અમારું જમણ હતું જુવાર-બાજરાનાં રોટલાં, લસણવાળું શાક, છાશ, માખણ, દૂધ ને લીલા કાચા મરચાં ને કાચા કાંદા. જમ્યાં પછી એ પતરાળાને ભેગા કરી ગાયો પાસે લઈ ગયેલાં ને પછી મોટું તાપણું કરી આજુબાજુ વીંટળાઇને અમે બેઠેલાં.

એ રાતે રબારીઓ પાસેથી ગીરનાં પંખી-પ્રાણીઓની અને તેની ખાસિયતોની, ગીરનાં પેટમાં રહેલી અલકમલકની વાર્તાઓની ને જંગલની અંદર રહેલ હવામહેલની વાતો સાંભળેલી. અનેક વાતચીત પછી અંતાક્ષરીનો યે દોર જામ્યો જેમાં લોકગીતો ને ગરબાનો રંગ વધુ હતો. અંતે ૬-૬-૭-૭ જણાંની ટોળીઓ પાડી શુદ્ધ ગુજરાતી શબ્દો બોલવાની રમતે ય મંડાયેલી.

રમતગમતને અંતે અમને રાતડિયું ગાયોનું કાચું દૂધ આપવામાં આવ્યું, જે અમે ખાખરાનાં પાનનાં શંકુ બનાવીને એમાં ભરીને પીધું. (રાતનાં દોહાતી ગાયું ને રાતડિયું કહેવાય ને સાંજે દોહાતી ગાયું ને સાંજણિયું કહેવાય.) દૂધ પીધાં પછી એ જ તાપણાંની આજુબાજુ અમે નીંદર વગર સૂવા માટે લાંબા થયાં, ત્યારે આઈયું એ અમને કહ્યું કે અમારી ચૂંદડીઓથી અમારા કાનને ફીટમફીટ બાંધી દેવાં જેવી રીતે ઠંડીમાં મફલર બાંધીએ તે રીતે. જેથી કરીને કાનખજૂરા કે અન્ય જીવડાઓ કાનમાં ન જાય. આઈયુંના કહેવા પ્રમાણે અમારામાંથી જેની પાસે ચૂંદડીઓ હતી તેણે કાન બાંધી દીધાં ને જેની પાસે કાન ઢાંકવા માટે કંઈ ન હતું તેને માટે આઈયુંએ પુરુષોનાં માથે બાંધવાનાં ફાળિયાં ને એમની પોતાની ચૂંદડીઓ આપી. અમારા કાન ઢાંકીને અમે તાપણાની આજુબાજુ લંબાવી દીધું પણ ક્યાંકથી આવતી સિંહની ત્રાડ, તમરાઓનો અવાજ, ઘુવડ-ચિબરીની ચિત્કારી, ગાયું ભેંસુંનું જરા જરા ભાંભરવું, નેસડાંમાં રહેલ એકાદ-બે કૂતરાઓનું ભસવું ને જરીક અમથો થતો સળવળાટ અમારી આંખોને બંધ થવા દેતો ન હતો. તેથી સૂતા સૂતા નવી રમત મંડાઇ ગઈ હતી અને તે હતી તારા-દર્શનની અને આકાશમાં પથરાયેલાં પ્રકાશની. આ તાપણાનો પ્રકાશ ક્યાં સુધી આકાશમાં જાય છે ને ક્યાં જઈને ક્યા તારાને અડકે છે, ક્યો તારો ક્યાં જાય છે, ક્યો તારો વધુ પ્રકાશિત છે ને ક્યો તારો ઝાંખો ઝાંખો દેખાય છે, સપ્તર્ષિ તારા મંડળ ક્યાં છે, ધ્રુવનો તારો ક્યાં છે, ક્યાં તારાના ઝૂમખા રહેલાં છે ને ક્યુ તારાનું ઝૂમખું કેવું ચિત્ર બનાવે છે, ક્યો તારો નજીક હોઈ શકે ને ક્યો તારો દૂર હોઈ શકે, ચાંદો કઈ દિશામાં છે, ચાંદાની રોહિણી ક્યાં છે, ચાંદામાં ખાડા દેખાય છે કે નહીં… વગેરે.

તુલસીશ્યામ જવા નીકળેલ અમારી પ્રવાસ બસ ગીરનાં અંધારામાં ચૂપચાપ બેસી ગઈ હતી. એ બસની વિપરીત દિશામાં જંગલની અંદરનાં ભાગમાં ખુલ્લા ચંદરવા નીચે, તાપણાની આજુબાજુ વીંટળાઇ સૂતેલા અમે લોકો એ રાતે મોડે સુધી તારા-દર્શન કરતાં રહ્યાં તે વખતે સૂતેલામાંથી કોઈનો પગ કે હાથ અમને થોડા પણ લાગી જતાં તોયે કાંઈક જીવડું ચઢ્યું એમ માની અમે અંધારામાં ઊભા થઈ જતાં હતાં. પણ પછી એ તો ખાલી ભરમ છે એવું લાગે તો તે સૂતેલી વ્યક્તિનાં હાથ -પગ સરખાં કરીને અમે ફરી સૂઈ જવા માટે પ્રયત્ન કરતાં હતાં. પણ જંગલ એમ શાંતિથી થોડા સૂવા દે? એમાં તો અમે તો સાવ અજાણ્યાં હતાં ને વળી, અમે કાંઇ જંગલનાં છોરું નો’તા એટલે વચ્ચે જંગલ પોતે જ પોતાનાં બાળ સિંહોની ડણક, પંખીઓની ચલબલાહટ અને ભૂતાવળ જેવા દેખાતાં ચામાચીડિયાની પાંખોનો પંખો અમારી ઉપર ફેરવી દેતાં હતાં. મને યાદ નથી કે, ક્યાં સુધી અમે આ વાતાવરણને સૂંઘતા ને સાંભળતાં રહ્યાં હોઇશું. પણ જ્યારે અમારી આંખ્યું ખૂલી ત્યારે થોડી થોડી ઠંડી લાગતી’તી, બે-ત્રણ ગાયું છોડીને બાકીનું ગાયોનું ધણ ત્યાં નો’તું. બે-ત્રણ આઈયું નાસ્તાની તૈયારી કરી રહી હતી અને ચૂલા સગડામાંથી ધુમાડો ઊડી રહ્યો હતો.

ઊઠ્યાં પછી અમે અમુક ચાદરુંની ઘડી કરી તંબુમાં મૂકી દીધી. પછી સવારનો નિત્યક્રમ પૂરો કરવા કોઈ આઈ અમને ગીરના એક કૂવા પાસે લઈ ગયેલ. મને આજેય યાદ છે કે એ મોટો ને પહોળો કૂવો બીજા કૂવાઓ જેવો ન હતો. આ કૂવામાં નીચે ઉતરવા માટે સીડી હતી ને એના પર જાળી હતી. કૂવાની બહાર ટાંકી હતી, જે છલોછલ પાણીથી ભરેલી હતી. આઈએ કૂવાની જાળી પર ઉતરી એક બાલટી, ગાગર નીકળે તેટલી જગ્યાની જાળી અલગ હતી તેને ઊંચી કરી (જેવી રીતે આપણે પાણીના ટાંકાનું ઢાંકણું ઊંચું કરીએ તે જ રીતે) પછી ગાગરને ગરગડીથી નીચે ઉતારી પાણી ભરી બહાર કાઢી તે ટાંકીમાં નાખ્યું. એ ટાંકીના પાણીનો અમે ઉપયોગ કરેલો. આવો સીડીવાળો કૂવો મેં મારી જિંદગીમાં આ એક જ જોયેલો છે. આ સમય પછી આવો કૂવો મને ક્યારેય ક્યાંય જોવા મળ્યો નથી.

આ કૂવા પર ધમાલ મસ્તી કર્યા પછી અમે ફરી નેસડે પહોંચ્યાં ત્યારે રાતના વધેલાં રોટલાંને દહીં, દૂધમાં બારીક ચોળી તેમાં મીઠું નાખી કલેવો બનાવેલો હતો. એક ચૂલા ઉપર થોરના લાલ ટેંટા શેકાઈ રહ્યાં હતાં ને બીજા ચૂલા ઉપર દૂધ ઊકળતું હતું. તે દી લીલા મરચાં, ચોળેલા રોટલાનો કલેવો, શેકેલા ટેંટા ને ગરમ દૂધ ઇ જ અમારો સવારનો નાસ્તો હતો. એક બાજુ જ્યારે અમારો નાસ્તો થઈ રહ્યો હતો, ત્યારે ડ્રાઈવર કોઈક આતા (વૃદ્ધ રબારી) સાથે જૂનાગઢ જઈ મિકેનિકને લઈ આવેલ. લગભગ સવારે સાડા દસ વાગ્યાની આસપાસ અમે તે રબારીઓને અને તેમના નેસડાંને પાછળ છોડી તુલસીશ્યામને પંથે પડી ગયાં.  અમે તુલસીશ્યામ જતી વખતે અમે બે -ત્રણવાર સિંહ અને સિંહનાં ટોળાં જોયાં,  ત્યારે જે રીતે અમે ઉત્સાહમાં આવી જતાં હતાં તે આનંદને આજે વ્યકત કરવાનાં કોઈ જ શબ્દો નથી. છે તો કેવળ એ દિવસનો, એ સમાનો અહેસાસ. અમે બસમાં બારી પાસે બેસેલાં હતાં અને બારીમાંથી એકાદવાર શેખચલ્લીની જેમ બોલી પણ લીધું કે, આવી રીતે સિંહ જોવા મળે ઇ કરતાં તો સિંહ સાથે સામસામે ભેટો થઈ જાય તો કેવી મજા પડી જાય … પણ એ કેવળ બોલવાની વાત હતી. આમેય બોલવામાં ક્યાં હાડકું વળે છે? પણ પંડિતો કહે છે ને કે વિચારીને બોલવું. અમારે માટે આ પંડિતોની ઉક્તિ સાચી પડવાની હશે તે વાતનો અમને સહેજે ય ખ્યાલ નો’તો.

તુલસીશ્યામ અમારી બસ ત્યાં પહોંચી ત્યારે ત્યાં ‘એ એ એ ત્રીજી બસ આવી ગઈ, એ ત્રીજી બસ આવી’નો દેકારો મચી ગયો. જે ત્યાં હતાં એ બસનાં દરવાજા પાસે આવી ગયાં, ને જેણે આ દેકારો સાંભળ્યો તે બધાં લોકો અમને જોવા માટે દોડી આવ્યાં. બસમાંથી નીચે ઉતરતાં જ ગઢવી સર મારે માથે હાથ ફેરવતાં બોલ્યાં, બેટા, કેમ છે હવે તાવ છે કે ગયો? દવા લીધી કે નહીં? તમારી બસ ક્યાં રોકાઈ ગઈ તી? ગઇ કાલે અમે બહુ રાહ જોઈ પણ રાત સુધી બસ નો આવી તો તારી તબિયતની ચિંતા થઈ ગઈ. હજુ ગઢવી સરનું બોલવાનું પૂરું થાય તે પહેલાં શકુંતલાબેન, પુષ્પાબેન, કુસુમબેન બધાં જ ત્યાં આવી ગયાં ને એમના તરફથી એક સાથે કેટલાય પ્રશ્નોની તડાફડી ફૂટવા લાગી. અમારો સામાન જેવો બસમાંથી નીચે ઉતર્યો કે જેનાંથી જે ઊંચકાય, જેનો ઊંચકાય તેનો સામાન ઊંચકીને મારી બહેનપણીઓ ચાલતી થઈ ગઈ. તે વખતે તુલસીશ્યામ આજના જેવું ન હતું. તે નળિયાવાળું હતું બિલ્ડીંગ હતું. જેમાં લાંબી ઓસરી ને ૯ -૧૦ રૂમ ને રસોડું હતું. આજના પ્રમાણે જોઈએ તો ટ્રેનનાં ડબ્બા જેવી ડિઝાઇન હતી. રૂમોની સામે જ મંદિર હતું. બાકીનો ભાગ ખુલ્લો હતો.  મંદિર અને રહેવાની જગ્યાથી થોડે દૂર ચાલતાં ગરમ પાણીનો કુંડ હતો. બાકી રહેલાં ચારેક રૂમમાં અમારો ઉતારો કરાયો. અમે પહોંચ્યાં એ દિવસનું બપોરનું જમવાનું બની ગયું હતું, તેથી પહેલો પાટલો અમારો જ પડ્યો. કદાચ મોડેથી આવવાનો એ ફાયદો હતો ને એ દિવસે અમે ‘ખાસ’ હતાં. બપોરના જમણ પછી અમે નાહી ધોઈ આરામ કર્યો ને પછી મંદિર, કુંડ અને તેની આજુબાજુની જગ્યામાં ટલ્લા માર્યા. સાંજનાં સમયે જ્યારે સૂરજદાદા મંદિરની પછીતે સંતાવાની તૈયારી કરી રહ્યાં હતાં ને કાળીયા ઠાકરની આરતી થવાની તૈયારી ચાલતી હતી તે સમયે શિક્ષકો પાસેથી પૂછાણ આવ્યું કે રાતની રસોઈમાં કોણ કોણ મદદ કરશે? જે રસોડામાં મદદ કરવાનું હોય તે એક તરફ ને જેને શાકભાજી સુધારવાના હોય તે બીજી તરફ ને ત્રીજી તરફ જે વાસણો ધોવામાં મદદ કરવાનાં હોય તે. આમ ત્રણ ભાગ પડી ગયાં. આ ટોળાંમાં ચોથો ભાગે ય હતો મારી કેટલીક બહેનપણીઓનો. જેઓ કોઈ પણ કામમાંથી છટકી ગઈ હતી. મેં ય એમની જ જેમ જ છટકવાનું વિચારેલું પણ મારો એ વિચાર લાંબો ચાલ્યો નહીં. નીતાબેન આવીને મારો હાથ પકડીને રસોડામાં લઈ ગયાં. સવારનું વધેલું કેટલું છે એ જોઈ અમે મંદિરનાં મહંતશ્રીના પત્ની અને અન્યો સાથે રસોડાનાં કામમાં બીઝી થઈ ગયાં.

એ રાતે પહેલી પંગત બેસાડવાની તૈયારી ચાલતી હતી. અમારા રૂમ બહાર રહેલી એ લાંબી પરસાળમાં પીળા બલ્બ ચાલુ થઈ ગયાં હતાં. બેસવા માટે જાજમું પથરાઈ ગઈ હતી. પતરાળીઓ ને વાટકીયું મુકાઇ ગઈ હતી. પતરાળીમાં ભાતે ય પીરસી દેવાયો હતો, ત્યાં ‘એ સિંહ આઈવા…એ સિંહ આઈવા’ની બૂમો પડવા લાગી. એ બૂમો દરમ્યાન લાગ્યું કે કદાચ એકાદ-બે સિંહ કુંડ સુધી આવ્યાં હશે. પણ ચારેબાજુ જે દોડાદોડી ને કોલાહલ મચેલો હતો તે કોઈક જુદી જ વાત દર્શાવી રહ્યું હતું. આ કોલાહલની ધમાલ સાંભળી અમે ય રસોડેથી બા’ર આવ્યા ત્યાં જ મહંતજી દોડતાં દોડતાં આવ્યાં ને હાકલ મારી,  એ છોડીયું ભાગો ભાગો. તમારા ઓયડામાં જાવ ને દરવાજા બંધ કરો, એ છોડીયું જલ્દી કરો કરો, જેનાં જે ઓયડા હોય ત્યાં ભાગો. મહંતજીની બૂમો સાંભળી એકાદ શિક્ષકે પૂછ્યું યે ખરું; કે કેટલા સિંહ છે? ક્યાં છે? શું કૂંડે દેખાણાં કે મંદિરની આગળપાછળ છે? આ સાંભળી મહંતજી કહે, એ એકલો બાપ નથી આખેઆખું ટોળું છે ને નજીકમાં જ છે. આંયાં લગણ આવતા વાર નહીં લાગે બાપ, માટે પૂછો માં. એમ કહેતાં એ બારની તરફ ભાગ્યાં. અમે તો પે’લા તો દોડાદોડી જોઈને જ ઘાંઘા થઈ ગ્યાં’તાં એમાં મહંતની બૂમોએ હાજાં ગગડાવી નાખ્યાં…પછી ત્યાં ઊભા રે’વાય? પછી તો ..એ ..ને જમવાનું રહ્યું એને ઠેકાણે ને એ દોડાદોડીમાં પતરાળાઓની ને એમાં પીરસાયેલ ભાતની તો રેલમછેલમ થઈ ગઈ. છોકરીયું બધી ભરાઈ ગઈ રૂમોમાં …એ ને.. જેને જ્યાં જગ્યાં મળી ત્યાં, ને બે-ચારને તો એનાં ઓયડામાં ન જવા દેતાં જે ઓયડાનું બાંયણું ખુલ્લું હતું ત્યાં જ અંદર ખેંચી લીધી. પછી તો ધડાધડ બાંયણાં થઈ ગ્યાં બંધ ને રસોડામાં રહેલાં અમે વિચારવાં લાગ્યાં કે એ ..આ મહંતજી તો બાર ભાગ્યાં છે તો ઇ જાય છે ક્યાં? પણ ઇ વખત જવાબ મેળવવાનો નો’તો. અત્યાર સુધી તો સિંહ આઈવાની બૂમો સંભળાતી હતી, ત્યાં હવે શાંતિ છવાયેલી હતી. સિંહોની ત્રાયડું વધુ ને વધુ નજીક સંભળાતી હતી. એ રાતે અમે સિંહો તો નોતાં જોયાં, પણ બાંયણાની પાછળથી કેટલી વાર સિંહની ત્રાયડું ને ડણક આવી તે અમે ગણતાં’ર્યા. પ્રત્યેક પળે એમ લાગતું હતું કે સિંહ આંહી જ છે પરસાળમાં જ છે. બીજી બધી છોકરીઓ જ્યાં ઓયડામાં બંધ હતી, તેની બાજુમાં બાકીના અમે, હું અને મારી સાથેની અમુક બહેનપણી અને નીતાબેન, મહંતજીનાં પત્ની એમ કુલ ૬-૭ જણાં રસોડામાં ભરાયેલ હતાં. રસોઈનો ધુમાડો બહાર નીકળતો રહે તે માટે બારીઓ ખુલ્લી હતી પણ આ સિંહોથી અમે એટલાં બી ગયાં હતાં કે બારીનાં સળીયામાંથી હાથ બહાર કાઢી બારી બંધ કરવાની યે બીક લાગતી હતી. તેથી બારી પાસે ઊભા રે’વાનું તો ઠીક બારી પાસે બેસેલાં યે નો’તા. એ રાતે અમને લાગતું હતું કે સિંહોનું ટોળું અહીંથી થોડી વારમાં નીકળી જાશે પણ એવું થયું નો’તું. મહંતજીનાં પત્ની સિંહનાં અવાજ પરથી નક્કી કરતાં હતાં કે સિંહ ક્યાં હશે. દૂરનો અવાજ છે કે નજીકનો. મહંતાણીજીની એ નજીક ને દૂરની વાતથી મને આગલી રાતે કરેલ તારા-દર્શનની યાદ આવી ગઈ ને સાથે ઓલા રબારીઓનાં એ ખુલ્લાં નેસડાંની યે યાદ આવી ગઈ. એ નેસડાંમાં અમને જેટલી બીક લાગતી’તી એનાંથી ત્રણ ગણી વધુ બીક આ સમયે અમને આ બંધ રસોડામાં લાગતી હતી. ને એમાં યે બારની તરફ ભાગેલા મહંતજીની ચિંતા યે થાતી’ તી. એ ચિંતાને અને અમારા એના એ પ્રશ્નો સાંભળી પાછળથી મહંતજીનાં પત્ની બોલી ઉઠેલાં કે ઇ બાર ગ્યાં ઇનો અરથ એમ કે ઇ મંદિરમાં ગ્યાં હશે. કદાચને કોઈ છોડીયું કે માસ્તરસાહેબ ત્યાં રહી ગ્યાં હોય. કારણ કે આ ધમાલમાં માસ્તર સાહેબને તો ક્યાંય જોયાં નથી. ઇ સાંભળીને પાછળથી અમારા મગજમાં યે બત્તી થઈ ગઈ એટલે ઇ દોડાદોડીમાં જોયેલાં ચહેરાઓને યાદ કરવાં લાગ્યાં.

તે દિવસે અમારી રાત જલ્દી પડી ગઈ. સિંહો કેમેય જવાનું નામ લેતા નો’તા, પણ અમારે માટે જમવાનું ઘણું જ હતું. આ સમયે અમને મહાભારતના બકાસુર ને ભીમની વાર્તાની યાદ આવી ગઈ. કંઈક એવી જ સ્થિતિ અમારે માટે હતી ને જે ભૂખ્યાં હતાં ઇ બધાં યે બંધ બારણાંની પાછળ હતાં એટલે રસોડામાંથી અમારે બાર નીકળવાનો સવાલ નો’તો. અમે રસોઈને ઢાંકીને મૂકી દીધી ને જેટલી થાય એટલી સાફસૂફી કરવા લાગ્યાં. આ સાફસૂફી કરતી વખતે થોડો યે અવાજ થાય તો મહંતજીના પત્ની અમને શાંતિ રાખવાનો ઈશારો કરતાં’તાં. તેઓ અમને વાત કરવા દેતાં નો’તાં, ને પાછા પોતે તો વારેવારે ઉપર જોતાં’તાં. એ ઉપર જોવે તો અમે ય ઉપર જોતાં’તાં પણ ઉપર તો દીવાલ ને નળીયા સિવાય કાંઇ નો’તું તો ઇ ઉપર કેમ જોતાં’તાં કેમ એ વાત અમે ત્યારે સમજી શક્યાં નો’તાં. એ રાતે અમે તો મોડે સુધી સિંહો જાય તેની રાહ જોતાં’ર્યા’તાં પણ સિંહોનો ચોકીપહેરો લગાતાર ચાલતો રહ્યો એટલે અંતે અમે બધાં ય રસોડામાં જ સૂઈ ગયાં.

સવારે જ્યારે બારણાં પર ઠોકવાનો અવાજ આવ્યો ત્યારે અમે દરવાજા ખોલેલાં. સિંહોની રાતની પહેરદારી પૂરી થઈ ગઈ હતી ને અમે ય તેમનાં સકંજામાંથી છૂટા થઈ ગ્યાં’તાં. જેમ અવાજ વધતો ગયો તેમ તેમ બીજા રૂમો પણ ખૂલવા લાગ્યાં. એકબીજાને વાત કરતાં કરતાં નવી નવી વાર્તાઓ સામે આવવા લાગી, પણ ગઇ કાલની જેમ નવીન વાર્તા તો અમારી પાસે જ હતી. જે રૂમમાં બીજી છોકરીયું હતી તેઓએ બધાંના સામાન ફેંદી જે નાસ્તો મળ્યો તે જ ખાઈ લીધેલો, ને અમારી પાસે ભીમ ને બકાસુર બેય ખાઈ શકે તેટલું જમવાનું પડ્યું હતું પણ અમારામાંથી કોઈ ભીમ કે બકાસુર બની નો’તું શક્યું. બીજી વાત એ બનેલી કે મહંતાણીજી જે અમને શાંતિ રાખવાનું કહેતા’તાં એ એટલાં માટે કે બે-ત્રણ સિંહ પાછળની વંડી ઉપરથી નળીયે ચઢેલા. હવે તેને નીચેથી અવાજ આવે તો કાંક પંજાથી નળીયા ને ખસેડવા માંડે તો..

મહંતજી જેઓ મંદિર તરફ ભાગેલા તેમનું યે અનુમાન સાચું પડેલું. ગઢવીસર, ડ્રાઈવર અને અમુક છોકરીયું મંદિરમાં જ સલવાઈ ગયાં’તાં. તે રાતે એ લોકોએ કાળીયા ઠાકરનો જે પરસાદ ત્યાં હતો તેનાંથી જ પેટ ભરેલ. આગલે દિવસે અમે છોકરીયું એ મજાક મજાકમાં કીધું કે સિંહો ને આપણે સામસામે થઈ જાઈએ તો કેવી મજા પડી જાય. એ શેખચિલ્લી વિચાર અનાયાસે સાચો પડી ગયો હતો તેનું ભાન ત્યારે નો’તું, પણ મોટા થયાં પછી તેનો ખ્યાલ આવેલો.

તુલસીશ્યામની સવારની આરતી પછી અમે રાતનો ભાત વઘારી નાખેલો ને પછી એને જ નાસ્તા તરીકે લીધો અને પછી તુલસીશ્યામને આવજો કહી ગીરના બીજા સ્થળ કનકાઇ માતાનાં મંદિરે જવાં નીકળ્યાં. કનકાઈ માતાનાં મંદિરે જઈ અમારે બપોર માટે બીજું જમવાનું બનાવવાંનું હતું, પણ કામ ઓછું થાય તે માટે અમે તુલસીશ્યામથી નીકળતી વખતે આગળની રાતે બનાવેલ પૂરીનો થપ્પો સાથે લઈ લીધેલો.

તુલસીશ્યામથી કનકાઈનાં રસ્તા વચ્ચે ય અમે સિંહો જોયા પણ ગઇ કાલની ધમાલ પછી હવે અમને સિંહો જોવામાં રસ નો’તો એટલે સિંહ પડ્યાં એમને રસ્તે ને અમે પડ્યાં અમારે રસ્તે.

કનકાઈ માતાના મંદિરમાં અમે રાતવાસો કર્યો હતો કે નહીં તે વિષે યાદ નથી, પણ હા જ્યારે અમે પહોંચ્યાં ત્યારે બપોરે અગિયાર-બાર થ્યાં હશે. કનકાઇ માતાનાં મંદિર પાસેથી હિરણ નદી વહેતી હતી. ઠંડા પડી ગયેલાં અમે બધાં ય આ નદીને જોઈ એટલે પાછાં ઉત્સાહમાં આવી ગયાં. કનકાઈ માતાનાં દર્શન કરી બપોરનું જમણે ય અમારે ત્યાં જ કરવાનું હતું તેથી થોડો સમય અમારી પાસે હતો. કનકાઈ માતાનાં મંદિરે મને ને બીજી છોકરીયુંને રસોડાનાં કામમાંથી છૂટી કરી દેવામાં આવી ને અમારી ઇ જગ્યામાં બધાં યે શિક્ષકોએ લઈ લીધેલી. મને બરાબર યાદ છે કે એ દિવસે પૂરી સાથે જામે એટલાં માટે બટેટાનું શાક બનાવવામાં આવેલું ને સાથે ચુરમાનાં લાડવા બનાવવામાં આવેલાં. કહેવાય તો બે જ વસ્તુ, પણ આટલાં મોટા જથ્થા માટે બનાવવું એ મોટી વાત હતી. જ્યારે અમારા શિક્ષકો રસોઈમાં હતાં ત્યારે અમે માતાનાં દર્શન કરી નદીનાં પટ તરફ ગયેલાં. નદીનાં પટ ઉપર ઘોડેસવારની ખાંભીઓ હતી, ત્યાં યે માથું નમાવી નદીમાં રહેલ માછલીઓ સાથે રમવા ચાલી નીકળ્યાં.

નદીનાં પટ ઉપર અમે છોકરીયું એવી તે ધમાલ મચાવી કે વાત પૂછો મા. હિરણનાં એ ચોખ્ખાં પાણીમાં માછલીયું સાથે રમવાને બદલે પાણીને ડહોળી નાખીને અમે ત્યાં રમવા નીકળેલી બધી માછલીઓને ત્યાંથી ભગાડી મૂકેલી. હિરણનાં એ પાણીમાં અમે થોડી વાર માતેલી હાથણીઓની જેમ રમ્યાં પણ વધારે રમવાનો આનંદ અમને મળેલો નહીં.  કારણ કે મંદિરમાં કામ કરતાં કોઈક પૂજારી બહાર ગયાં હતાં તેઓ પાછા આવ્યાં ત્યારે તેમણે ય વગર કારણે અમારી ઉપર ગુસ્સો કરી અમને નદી પાસેથી તગેડી મૂક્યાં. કદાચ માછલીઓનું વેર એ વાળતાં હતાં. પૂજારીજીનાં ગુસ્સાને કારણે અમે પાછા મંદિરમાં પહોંચી ગયાં, પણ આવી સરસ નદી છોડીને મંદિરમાં બેસવાનું કોણ? આથી અમે થોડી થોડી વારે મંદિરમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરતાં રહ્યાં. પણ મંદિરનાં દરવાજે બેસેલ માણસ અમને બહાર જવાં જ ન દે. પાછળથી ખ્યાલ આવેલો કે અમે જ્યાં રમવા ગયાં હતાં તે જગ્યાંથી થોડે જ દૂર સિંહો મારણ ખાઈ રહ્યાં હતાં. કનકાઇ પછી અમે ક્યાં ગયાં હતાં તે વિષે આજે કશું જ યાદ નથી, પણ હા આજે તુલસીશ્યામની એ રાતની યાદ આવે છે ત્યારે મને સિંહોનાં એ ઘૂઘરાટની, તેની ડણકની, તેની ત્રાડની અને તેની ચાલની યે યાદ આવી જાય છે; જેથી આજે પણ હું મારા એ જ સમયના, એ જ ઉંમરના મનના રસોડાંમાં ને ઓયડામાં પુરાઈ જાઉં છું.

(શ્રી પી.કે દાવડાજીના બ્લોગની કોલમ -મોદીની હવેલીમાંથી સાભાર ઉધૃત)
 [પાછળ]     [ટોચ]