[પાછળ] 
ગુજરાતી વિકિપીડિયા
એક આવકાર્ય કદમ

સંકલિત

એન્સાઈક્લોપીડિયા એટલે જ્ઞાનકોષ એટલે કે જ્ઞાનના ભંડાર જેવો ગ્રંથ. આવા જ્ઞાનકોષ વિશ્વની ઘણી પ્રાચિન ભાષાઓમાં સેંકડો વર્ષથી લખાતા-રચાતા આવ્યા છે. ૧૫મી સદી બાદ યુરોપમાં બૃહદ જ્ઞાનગ્રંથો લખવાનું કામ એક વ્યવસ્થિત વ્યવસાય બન્યું. આવા માહિતીપ્રદ જ્ઞાનગ્રંથ માટે એન્સાઈક્લોપીડિયા શબ્દનો ઉપયોગ સૌ પ્રથમ ઈ.સ. ૧૬૪૬માં અંગ્રેજ તત્વજ્ઞાની સર થોમસ બ્રાઉને કર્યો હોવાનું નોંધાયું છે. યુરોપમાં પુસ્તક મુદ્રણ વિદ્યાના વિકાસ સાથે એન્સાઈક્લોપીડિયા લોકસુલભ અને લોકપ્રિય બન્યા. એન્સાઈક્લોપીડિયામાં હાલની આલ્ફાબેટ એટલે કે એ,બી,સી,ડી પ્રમાણે માહિતી આપવાની પદ્ધતિની શરૂઆત ઈ.સ. ૧૭૦૪માં રચાયેલા પુસ્તક ‘Lexicon Technicum’થી થઈ હતી. ઈ.સ. ૧૭૬૮થી એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકાના ગ્રંથોનું ક્રમિક પ્રકાશન શરૂ થયું અને તે ગ્રંથોએ અભૂતપૂર્વ સફળતાનો એક ઈતિહાસ રચ્યો. ફ્રેન્ચ, જર્મન અને અંગ્રેજી ભાષાના વિવિધ એન્સાઈક્લોપીડિયાની સફળતા પરથી પ્રેરણા લઈ જગતભરની ભાષાઓમાં આ પ્રકારના જ્ઞાનકોષ ૧૯મી સદીથી લખાવા શરૂ થયા છે. ગુજરાતી ભાષામાં આવા એન્સાઈક્લોપીડિયા પુસ્તકો રચવાની દિશામાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા તા. ૨-૧૨-૧૯૮૫થી પ્રારંભ તો કરાયો છે પણ આ પ્રવૃત્તિનો ગુજરાતી પ્રજા પર હજુ સુધી ખાસ પ્રભાવ પડ્યો હોય એવું જણાતું નથી.

છપાયેલા એન્સાઈક્લોપીડિયા જેવી વિપુલ માહિતી ઈન્ટરનેટ પર વિના મૂલ્યે ઉપલબ્ધ કરવાની દિશામાં ‘વિકિપીડિયા’ નામની એક સ્વૈચ્છક ચળવળ તા. ૧૫મી જાન્યુઆરી, ૨૦૦૧થી અમેરિકાથી શરૂ થઈ છે. દુનિયાભરના હજારો બિનપગારદાર સ્વયંસેવકો આ ચળવળમાં જોડાયા છે અને વિકિપીડિયાના વિકાસમાં પોતાનો સક્રીય ફાળો આપી રહ્યા છે. વિકિપીડિયાની કામગીરી અવ્વલ દરજ્જાના કોઈ પણ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ખાનગી કોર્પોરેટ કરતાં પણ વધુ સંગઠિત-વ્યવસ્થિત છે. ગાંધીજીની સત્યાગ્રહ ચળવળની માફક વિકિપીડિયાના દરેક સ્વયંસેવક પાસેથી પણ ઉચ્ચ કક્ષાની નૈતિકતાની અપેક્ષા રાખવામાં આવે છે. આ પ્રવૃત્તિની સંચાલક સંસ્થાનું નામ વિકિમીડિયા ફાઉન્ડેશન છે. ૩૦૦થી વધુ કાયમી સ્ટાફ ધરાવતી આ સંસ્થાની મુખ્ય ઑફિસ સાન ફ્રાન્સિસ્કોમાં છે અને તેની વાર્ષિક આવક ૧૦ કરોડ ડૉલરથી વધુ છે કેમકે આ ચળવળને અસંખ્ય લોકો પાસેથી પૂરતો નાણાકીય ટેકો મળે છે. ઘણી વખત તો દાન સ્વીકારવાની ના પાડવી પડે છે. આ ફાઉન્ડેશનના ૧૦ સભ્યોના બનેલા ટ્રસ્ટી બોર્ડમાં રાજુ નારીશેટ્ટી નામના એક ભારતીય પત્રકારનો પણ સમાવેશ થાય છે. રાજુ હાલ કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. ન્યુયોર્કમાં રહેતા રાજુએ વૉલ સ્ટ્રીટ જર્નલ અને વૉશિંગ્ટન પોસ્ટ જેવા પ્રતિષ્ઠિત અખબારોમાં તંત્રી કક્ષાની ઉચ્ચ જવાબદારીઓ ઘણા વર્ષો સુધી સફળતાપૂર્વક નિભાવી છે.

વિકિપીડિયા વિશે તમને જોઈએ તે બધી માહિતી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. બે દાયકાથી ઓછા ગાળામાં અંગ્રેજી ઉપરાંત જગતની ૩૦૦થી વધુ ભાષામાં વિકિપીડિયાનો વ્યાપ ફેલાઈ ચૂક્યો છે. આમાં ગુજરાતી વિકિપીડિયાનો પણ સમાવેશ થઈ જાય છે. તમે ગુજરાતી વિકિપીડિયાનો લાભ (https://gu.wikipedia.org) પર જઈ લઈ શકો છો. તે ખરેખર મૂલાકાત લેવા જેવી વેબસાઈટ છે. જો કે આ ગુજરાતી વિકિપીડિયાની એક કામચલાઉ ખામી ‘તરજુમિયા’ ગુજરાતીની છે! ‘તરજુમિયા’ ગુજરાતી એ એક એવી ગુજરાતી બોલી છે કે જે સમગ્ર ગુજરાતમાં કે જગતના કોઈ પણ દેશમાં ક્યાંય બોલાતી કે લખાતી નથી. આ ભાષાનું અસ્તિત્વ માત્ર ગુજરાતી ભાષા સાથે સાવ નામનો સંબંધ ધરાવતા અને ઓછા પગારે ઘણું કામ કરતાં શિખાઉ પત્રકારો તેમજ વેઠિયા કામદારની માફક કામ કરતા બેજવાબદાર સરકારી કર્મચારીઓના દિમાગમાં જ છે. ગુજરાતી વિકિપીડિયા માટે આ એક કામચલાઉ સમસ્યા છે અને ભવિષ્યમાં વધુ સ્વયંસેવકો જોડાતા આ સમસ્યા ચોક્કસ ઉકલી જશે. અલબત્ત આ એક નજીવી ખામીથી ગુજરાતી વિકિપીડિયાની મહત્તા જરા પણ ઓછી થતી નથી.

ગુજરાતી વિકિપીડિયાનો પ્રારંભ જૂલાઈ ૨૦૦૪માં થયો હતો. પરંતુ ગુજરાતી પ્રજામાં નિખાલસપણે કહેવાતી ઉક્તિ ‘એમાં આપણા કેટલા ટકા?’ની રહેલી ભાવનાને ખરી પાડવી હોય એમ ગુજરાતી સ્વયંસેવકોનો ઓછો ટેકો મળવાથી પ્રારંભના ત્રણ વર્ષોમાં બહુ ઓછું કામ થયું અને માંડ માંડ ૧૫૦થી ૨૦૦થી જેટલા લેખો ગુજરાતી વિકિ પર આવી શક્યા હતા. આ પરિસ્થિતિ ૨૦૦૭થી બદલાઈ છે. આ માટેનો યશ સંપૂર્ણપણે ગુજરાતી વિકિપીડિયાના હાલના પ્રબંધક ધવલ સુન્ધવા વ્યાસને આપવો ઘટે છે. શ્રી ધવલભાઈ આમ તો મૂળ અમદાવાદના છે. ખાડિયા વિસ્તારના નાના સુથારવાડામાં તેમનો જન્મ અને પછી વસ્ત્રાપુરમાં વસવાટ. પરંતુ ૨૦૦૫ની સાલથી બ્રિટનમાં વસી ત્યાં જ સ્થાયી થયા છે. ગુજરાતી ભાષા માટે ઘણું મમત્વ ધરાવતા શ્રી ધવલભાઈ ૨૦૦૭ની સાલમાં ગુજરાતી વિકિપીડિયામાં જોડાયા અને તેના પ્રબંધક(admin) પણ બન્યા. શ્રી ધવલભાઈ બ્રિટનની ગુજરાતી લિટરરી એકેડમીની પ્રવૃત્તિઓમાં પણ ઘણો રસ લઈ રહ્યા છે.

ગુજરાતી વિકિપીડિયા પર મૂકાયેલા લખાણોની સંખ્યા વિશે અધિકૃત આંકડા ઈ.સ. ૨૦૧૨ સુધીના જ મળી શક્યા છે. (જૂઓઃ https://gu.wikipedia.org/wiki/સભ્ય:Emijrp/List_of_Wikipedians_by_number_of_edits) આ આંકડા અનુસાર સૌથી વધારે લખાણોનો ફાળો સતિષચંદ્રના નામે બોલે છે. તેમણે ૫૦,૫૯૧ જેટલા લખાણો તૈયારને વિકિ પર કરી મૂક્યા છે. (વિકિપીડિયામાં સ્વયંસેવકો પોતાના ઉપનામ કે કાલ્પનિક નામે પણ લખાણોનો ફાળો આપી શકે છે.) ધવલભાઈના પોતાના લખાણોનો ફાળો ૧૧,૪૨૪નો છે. મુંબઈના શ્રી સુશાંત સાવલાએ ૬,૯૩૩ લખાણો આપ્યા છે. એક જૂના બ્લોગર અશોક મોઢવાડિયાનો ફાળો ૩,૩૦૧ લખાણોનો છે. આ લખાણોની હાલ સંખ્યા કેટલી વધીને ક્યાં પહોંચી છે તેના અધિકૃત આંકડા મળી શકતા નથી. જો કે ૨૦૧૫માં બ્રિટનમાં યોજાયેલી નવમી ભાષા-સાહિત્ય પરિષદમાં એક વક્તવ્યમાં માહિતી આપતાં શ્રી ધવલભાઈએ જણાવ્યું હતું કે ૨૦૦૭થી ૨૦૧૫ના ઑગસ્ટ સુધીમાં ગુજરાતી વિકિપીડિયાના લેખોની સંખ્યા ૨૫,૦૦૦થી વધી ગઈ હતી.

ગુજરાતી વિકિપીડિયા પર વધુ ને વધુ નવા સ્વયંસેવકો સક્રીય થઈ રહ્યા છે. તેમના યોગદાન વિશે કેટલીક છેલ્લી માહિતી ગુજરાતી વિકિપીડિયા પર જઈ તાજા ફેરફાર વિભાગ પર ક્લીક કરવાથી મળી શકશે.(જૂઓઃ https://bit.ly/35o9jQF). હાલના સક્રીય સ્વયંસ્વકોમાં તરવરીયા યુવાન શ્રી કાર્તિક મિસ્ત્રીનો પણ સમાવેશ થાય છે. તેઓ કદાચ ગુજરાતી વિશ્વકોષના અત્યાર સુધીમાં છપાયેલા તમામ ગ્રંથો ગુજરાતી વિકિમીડિયા પર ઉપલબ્ધ બનાવશે. આ દિશામાં તેમણે કામગીરી શરૂ કરી નાખી છે.

વિકિપીડિયાની એક સહયોગી સાઈટ ગુજરાતી વિકિસ્ત્રોત (gu.wikisource.org) પણ શ્રી ધવલભાઈની બે વર્ષની જહેમતથી ૨૦૧૨થી શરૂ થઈ શકી છે અને તે આશાસ્પદ પ્રગતિ કરી રહી છે. ૨૦૧૨થી ૨૦૧૯ સુધીમાં કુલ ૧૩૩ જેટલાં ગુજરાતી પુસ્તકો યુનિકોડ ફોન્ટમાં ટાઈપ કરી વિકિસ્ત્રોત પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આમાં કેટલીક અમર ગુજરાતી સાહિત્યકૃતિ જેવી કે મિથ્યાભિમાન, ભટ્ટનું ભોપાળું, કરણઘેલો, ભદ્રંભદ્ર, સત્યના પ્રયોગો, સૌરાષ્ટ્રની રસધારના પાંચ ભાગ, કલાપીનો કેકારવ, માણસાઈના દીવા, અખેગીતા, સરસ્વતીચંદ્રના ચાર ભાગ, ઠગ, યુગવંદના, લીલુડી ધરતી વગેરે ગ્રંથોનો સમાવેશ થાય છે જે બેશક એક ઘણી મોટી ઉપલબ્ધિ છે. અમેરિકાના ગુજરાતી ભાષાપ્રેમીઓ પણ આ ગુજરાતી વિકિપીડિયા અને વિકિસ્ત્રોતમાં સ્વયંસેવકો તરીકે જોડાવાનું શરૂ કરે તો આ પરિસ્થિતિમાં નાટકીય સુધારો આવી શકે તેમ છે. આખરે વિકિપીડિયા એક અમેરિકન મૂવમેન્ટ છે જેમાં ત્યાંના ભારતીય રહેવાસીઓ સક્રીયપણે સંકળાયેલા છે.
 [પાછળ]     [ટોચ]