[પાછળ] 
તમે ભગવાનલાલ ઈન્દ્રજીનું
નામ સાંભળ્યું છે?

લેખકઃ તેજસ વૈદ્ય

(આ લેખ વિપુલ કલ્યાણી સંપાદિત ઓનલાઈન ગુજરાતી મેગેઝિન ‘ઓપિનીયન’માં તા.૦૨-૦૭-૨૦૧૪ના રોજ પ્રગટ થયો હતો અને તે અત્રે સાભાર ઉધૃત કરાયો છે.)

પાટણમાં આવેલી રાણકી વાવ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામી એ ગુજરાત માટે ગર્વઘટના છે. ભલું થજો યુનેસ્કોનું કે તેમણે ચાંપાનેર પછી રાણકી વાવને ઉજાગર કરી. આપણને આપણી જ કેટલીક વિશેષ બાબતોનું વિદેશીઓ ભાન કરાવે ત્યારે જ વધારે ભાન પડે છે. રાણકી વાવ વિશ્વ ધરોહર જાહેર થઈ એ નિમિત્તે ભગવાનલાલ ઈન્દ્રજી ભટ્ટ યાદ આવે છે.

જૂનાગઢના ભગવાનલાલ ઈન્દ્રજી 'પુરાતત્ત્વવિદ્યાના ભારતીય આદિપુરુષ' ગણાય છે. તેમણે કરેલાં ઉત્ખનન, તેમનું મૂર્તિવિદ્યાનું જ્ઞાન, તેમણે ઉકેલેલા શિલાલેખો અને લિપિ-રહસ્યોએ ભારતના વેરવિખેર ઇતિહાસના અંકોડા જોડી આપ્યા હતા. ભારતના પ્રાચીન ધર્મો, વંશો અને જ્ઞાાતિઓના ચોક્કસ સંદર્ભ સ્પષ્ટ કર્યા હતા. ધર્મના રીતિરિવાજ અને પ્રભાવ વગેરેની વિગતો દીવાની જ્યોતની જેમ સ્પષ્ટ કરીને દંતકથાઓની ભ્રામકતા છતી કરી હતી. પુરાતત્ત્વ અને ઇતિહાસના મરમી અંગ્રેજો ભગવાનલાલની આવડતથી દંગ રહી ગયા હતા. અંગ્રેજોએ પોતાનાં સંશોધનો માટે ભગવાનલાલની મદદ લીધી હતી. અંગ્રેજી ભાષાથી અલ્પપરિચિત એવા ભગવાનલાલનું લેઇડન જેવી વિદેશી યુનિર્વિસટીએ માનદ્દ ડોક્ટરેટથી સન્માન કર્યું હતું. ખેદની વાત એ છે કે આજે એવા અત્યંત જૂજ ગુજરાતીઓ હશે જેમને ભગવાનલાલ ઈન્દ્રજી વિશે ખબર હોય. કાશ! યુનેસ્કોવાળા પુરાતત્ત્વકીય સ્થળની જેમ પુરાતત્ત્વવિદોનાં નામ પણ માનવીય ખંડિયેરો ઉલેચીને જાહેર કરતા હોત તો ભગવાનલાલ ઈન્દ્રજી વર્ષો પહેલાં પોંખાયા હોત!

આપણે ત્યાં ઇતિહાસ બે રીતે ભણાવાય છે. એક પાઠયપુસ્તકોમાં, બે દંતકથાઓમાં. પાઠયપુસ્તકોમાં ઇતિહાસ એટલો સૂકી રીતે વર્ણવ્યો હોય છે કે કેટલાંક તોફાની બાળકો જેમ ક્લાસમાં માત્ર હાજરી પુરાવતા હોય એમ ઇતિહાસ પાઠયપુસ્તકોમાં હાજરી માત્ર પુરાવતો હોય છે. બાળકો ભણીને ઇતિહાસને એ રીતે ભૂલી જાય છે જાણે એ માત્ર ગોખણપટ્ટીનો જ વિષય હોય. પાઠયપુસ્તકો કરતાં ય મોટો વાંક શિક્ષકોનો છે. પાઠયપુસ્તકમાં આવતું હોય કે અમદાવાદમાં કેટલી વાવ છે એ અમદાવાદના શિક્ષકો ક્લાસરૂમમાં બેસીને જ ભણાવી દે. શિક્ષકોને એમ ન થાય કે બાળકોને અમદાવાદની વિવિધ વાવમાં લઈ જઈને બાળકોને વાવથી રૂબરૂ કરાવીએ. એ રીતે બાળકોનો ઐતિહાસિક સંદર્ભ સાથે સાક્ષાત્કાર કરાવીએ. જો આવું થાય તો બાળકો સ્કૂલમાંથી બહાર નીકળ્યા પછી પણ ઇતિહાસથી હાથ ન ખંખેરી લે.

બીજી રીત છે દંતકથા - સાહિત્ય અને ડાયરા પરંપરાની. આ પરંપરા માત્ર ઐતિહાસિક પાત્રો અને તેમનાં પરાક્રમો પૂરતી જ સીમિત હોય છે. આ પરંપરા ખરેખર સરસ છે. પૃથ્વીરાજ - સંયુક્તા કે જેસલ તોરલ વિષે ડાયરાના કલાકારો જે રસદર્શન કરાવે એ અદ્દભુત હોય છે. આપણને ઐતિહાસિક પાત્રોનાં પરાક્રમોની મોટે ભાગે ડાયરાઓને લીધે જ ખબર હોય છે. સાહિત્યમાં પણ એ વાંચવાની ખૂબ મજા આવે છે. ઇતિહાસ એ પ્રમાણનો વિષય છે. એમાં તથ્ય સુધી પહોંચવા માટે ખૂબ મથવું પડતું હોય છે. શક્યતાના તમામ ખાંચા - ખાડા ખંખોળીને સત્ય પકડવું એ ઇતિહાસનો ઉદ્દેશ હોય છે. લોકસાહિત્ય અને ડાયરા પરંપરાની મર્યાદા એ છે કે એમાં પ્રમાણ કરતાં રસદર્શન પર વધુ ઝોક હોય છે, તેથી પ્રમાણ જોખમાય છે. વળી, દરેક કલાકારો એને પોતાની રીતે વર્ણવે છે, તેથી એક જ ઐતિહાસિક કહાણીમાં વિગતોની અલગતા જોવા મળે છે. જે દોષ કહેવાય. આને લીધે થાય છે એવું કે ખરેખરો ઇતિહાસ અંધારામાં રહી જાય છે અને એની સાથે જોડાયેલી દંતકથાઓ દોડી જાય છે. લોકો એને જ ઇતિહાસ માની લે છે. જેમ કે, દેશભરમાં ભાગ્યે જ એવી કોઈ ગુફા હશે જ્યાં પાંડવ ન ગયા હોય. દરેક ગુફાને પાંડવ સાથે લોકોએ જોડી દીધી છે.

જૂનાગઢ, સમ્રાટ અશોક અને ભગવાનલાલ

ભગવાનલાલ ઈન્દ્રજી એવા સારસ્વત હતા જેમણે ઇતિહાસ, પુરાતત્ત્વ, સંસ્કૃતિને દંતકથાઓમાંથી બહાર લાવીને પુરાવા રજૂ કર્યા હતા. ૧૯મી સદીના ભારતના બૌદ્ધિક ઇતિહાસના તેઓ દિગ્ગજ હતા. આયુર્વેદના જાણકાર વૈદ્ય પિતા ઈન્દ્રજીના પુત્ર ભગવાનલાલનો પુરાતત્ત્વવિદ્યા સાથે સંબંધ સમ્રાટ અશોક અને જૂનાગઢના કારણે જોડાયો હતો. શહેર તરીકે જૂનાગઢ ઇતિહાસનો ખજાનો સંઘરીને બેઠું છે. જૂનાગઢમાં ગિરનાર તેમ જ ચોમેર વેરાયેલાં ખંડેરો અને એની સાથે વણાયેલી કિંવદંતીઓ સતત કાને પડતાં કિશોરવયથી જ ભગવાનલાલને એમાં રસ પડતો હતો. એ રસ ફોકસ થયો એટલે ઇતિહાસ અને પુરાતત્ત્વમાં ઘટ્ટ બન્યો. તેમને અભિલેખો (પથ્થર કે ધાતુમાં કંડારવામાં આવેલો લેખ) પ્રત્યે અજબ આકર્ષણ થયું. ૧૭ વર્ષની વયે તો તેઓ ગિરનાર પરના ત્રણે લેખો વાંચી શકતા હતા. ગુફામાં ભંડારાયેલા પ્રાચીન શિલાલેખો - અભિલેખો ઉકેલવા એ અર્જુનની જેમ પાણીમાં નજર માંડીને માછલીની આંખ વીંધવા જેવી પ્રક્રિયા છે. એના માટે સંસ્કૃત, પ્રાકૃત, બ્રાહ્મી વગેરે ભાષા તેમ જ લિપિઓનું જ્ઞાન હોવું જરૂરી છે. સાથે જ ઇતિહાસનું જ્ઞાન પણ જરૂરી છે. આ તમામ જ્ઞાનના બાજઠ પર ધીરજ અને ખંત નામના દીવડા પ્રગટાવવા પડે ત્યારે જ કંઈક ભળભાંખળ્યું ઉકલે. જે ઉકલે એમાંથી કાલગણના ઊઘડે.

સોળે સાન અને વીસે જ્ઞાન

અંગ્રેજોએ ભલે આપણા પર રાજ કર્યું પણ આપણે કેટલીક બાબતોમાં તેમનો આભાર માનવો રહ્યો. ભારતમાં થયેલા પુરાતત્ત્વ રિસર્ચમાં અંગ્રેજ અધિકારીઓ ખૂબ રસ લેતા હતા. બાકી આપણને તો દંતકથામાં જ વધારે રસ હતો. કર્નલ વિલિયમ લેન્ગ ૧૮૪૫થી ૧૮૫૯ સુધી કાઠિયાવાડના બ્રિટિશ પોલિટિકલ એજન્ટ હતા. તેઓ પુરાતત્ત્વવિદ્યામાં રસ ધરાવતા હતા. પુરાતત્ત્વમાં રસ હોય એવા લોકોનું એક ગ્રૂપ તેમણે જૂનાગઢમાં ઊભું કર્યું હતું. જૂનાગઢના નવાબ મહોબતખાન બીજા(૧૮૫૧થી ૧૮૮૨)ના વહીવટકારોએ ૧૮૫૪ની સાતમી માર્ચે એક સંસ્કૃત પાઠશાળા અને એક ઉર્દૂ મકતબા (શાળા) શરૂ કરી હતી. કર્નલ લેન્ગે નવી ખૂલેલી સંસ્કૃત પાઠશાળાને બ્રાહ્મીલિપિના મૂળાક્ષરોનો ચાર્ટ મોકલી આપ્યો હતો. ભગવાનલાલ આ પાઠશાળામાં જોડાયા હતા. પ્રાચીન મૂળાક્ષરોનું અધ્યયન કરવાની આ તક તેમણે અને શાળાના વલ્લભજી આચાર્યે ઝડપી લીધી હતી. ભગવાનલાલ ૧૪ વર્ષના હતા ત્યારે ખડકોમાં કોતરેલા લખાણથી આકર્ષાયા હતા. બે જ વર્ષના અધ્યયનમાં તેમણે એ કાર્યમાં એટલી પ્રગતિ કરી હતી કે જૂનાગઢના લોકોમાં તેમની પ્રતિષ્ઠા બંધાઈ હતી. કર્નલ લેન્ગ તો તેમને 'નાનકડા પુરાતત્ત્વવિદ્દ' તરીકે જ સંબોધતા હતા. ભગવાનલાલના પુરાતત્ત્વવિદ્દ થવાનાં આ પગથિયાનાં વર્ષો હતાં. ભગવાનલાલે જૂનાગઢમાં સૌ પ્રથમ રુદ્રદામાનો શિલાલેખ ઉકેલ્યો હતો. ત્યાર પછી અશોક અને સ્કંદગુપ્તના શિલાલેખ ઉકેલ્યા હતા. એ પછી અન્ય અભિલેખો શોધીને ઉકેલ્યા હતા. તેમનો રસ કેવળ અભિલેખ ઉકેલવા પૂરતો સીમિત નહોતો. એની પાર જઈને ભારતીય ઇતિહાસની સંદિગ્ધતા દૂર કરી સ્પષ્ટતા પાથરવાનો હતો. વીસ વર્ષની વયે તેઓ પ્રાચીન ભારતીય ઇતિહાસ વિષયક અભિલેખોના કુશળ ઉકેલનાર બની ગયા હતા.

ફાર્બસે ભગવાનલાલનું હીર પારખ્યું

કવિ દલપતરામને પ્રોત્સાહન - આશ્રય આપનાર એલેક્ઝાન્ડર ફાર્બસ ગુજરાતીઓના ખૂબ જાણીતા છે. ભગવાનલાલ ઈન્દ્રજીની પ્રતિભાના વિકાસમાં આંગળી ચીંધ્યાનું પુણ્ય પણ ફાર્બસને ફાળે જ જાય છે. ૧૮૫૯માં ફાર્બસની કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ તરીકે નિમણૂક થઈ હતી. તેઓ પણ ભગવાનલાલની પ્રતિષ્ઠાથી વાકેફ થયા અને તેમણે જ ભગવાનલાલની ભલામણ મુંબઈના ભાઉ દાજીને કરી હતી. ભાઉ દાજી (૧૮૨૪ - ૧૮૭૪) મુંબઈના નામવંત ડોક્ટર હતા. મુંબઈની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રીય હતા. તેમને પુરાતત્ત્વવિદ્યામાં રસ હતો. તેઓ વિવિધ પ્રવૃત્તિમાં સક્રિય હોવાને લીધે પુરાતત્ત્વવિદ્યાકીય પ્રવૃત્તિમાં પૂરતો સમય ફાળવી શકતા નહીં. તેથી એ કાર્યમાં સમર્થ પંડિતોની મદદ લેતા હતા. આપણા કવિ નર્મદને ભાઉ દાજી સાથે નિકટનો નાતો હતો. ભાઉ દાજીએ ભગવાનલાલને ગિરનારના અભિલેખોની પ્રતિકૃતિ તૈયાર કરવાનું તથા લિપ્યંતર કરી આપવાનું કાર્ય સોંપ્યું હતું. જે કામ ભગવાને સફળતાપૂર્વક પાર પાડયું હતું. એ પછી ભાઉએ તેમની પ્રતિભા પારખીને મુંબઈ આવી જઈને સાથે કામ કરવાનું કહ્યું હતું. ભાઉએ કહેણ મોકલ્યું કે સંશોધનના ક્ષેત્રમાં તમને જે જોઈએ એ સગવડ મળશે. ભગવાનલાલ ૨૪ એપ્રિલ, ૧૮૬૨ના રોજ મુંબઈ આવ્યા હતા. જે તેમના જીવનનું મહત્ત્વપૂર્ણ પગલું હતું અને એ પગલાંની સાથે જ પુરાતત્ત્વ અધ્યયને હરણફલાંગ લગાવી હતી. એ પછી ભારતની ગુફામાં રહેલાં અનેક લિપિરહસ્ય ઉજાગર થયાં હતાં. ભગવાનલાલે ભારત તેમ જ નેપાળ વગેરે સ્થળોએ વણજારાની જેમ ફરી ફરીને પુરાતત્ત્વને લગતાં સંશોધનો કર્યાં હતાં અને ભૂતકાળ તરફ પથદર્શક પ્રકાશ ફેંક્યો હતો.

અજંતાની ગુફાઓ વિશે પહેલું મહત્ત્વપૂર્ણ પુસ્તક ભગવાનલાલે આપ્યું

મુંબઈ આવીને ભગવાનલાલનો પહેલો પ્રોજેક્ટ અજંતાની ગુફાનો હતો. અજંતાની ગુફાઓનો સમયગાળો ભગવાનલાલે નક્કી કર્યો હતો. ગુફામાં રહેલું શીબી રાજાનું ચિત્ર પણ તેમણે જ ઓળખ્યું હતું. અજંતાની ગુફાઓ પરની નોંધ 'અજંતા નોટ્સ' તરીકે ઓળખાય છે. એમાં ભગવાનલાલનું જંગમ પ્રદાન છે. એ પુસ્તક અગાઉ અજંતા પર મહત્ત્વનું ગણાય એવું ભાગ્યે જ કશું પ્રગટ થયું હતું.

એ ઉપરાંત મહારાષ્ટ્રનાં વિવિધ સ્થળો અને ગુફામાં રહેલા ૧૯૦ જેટલા અભિલેખો ભગવાનલાલે અભ્યાસપૂર્વક વાંચ્યા હતા. જેમાંથી ૮૦ લેખોનો સાર પ્રકટ કર્યો હતો. મહારાષ્ટ્રના આભિર, કોંકણના મૌર્ય તેમ જ આરંભના રાષ્ટ્રકૂટ જેવા અજાણ રહી ગયેલા વંશોની ઐતિહાસિક સામગ્રી સૌ પ્રથમ ભગવાનલાલે જ આપી હતી અને મહારાષ્ટ્રના ૧,૨૦૦ સુધીના ઇતિહાસની રચના કરવા માટેની ભરપૂર વિગતો તેમણે ઉપલબ્ધ કરી હતી.

વિટંબણા એ છે કે જેમના સંદર્ભ - સંશોધનો ભગવાનલાલની મહેનતથી સમૃદ્ધ બન્યા હતા એવા કેટલાંક અંગ્રેજો તેમ જ ભાઉદાજીએ પણ ભગવાનલાલનો ઉલ્લેખ કરવામાં કરકસર કરી હતી.

ભારતના પ્રારંભિક ઇતિહાસને પ્રકાશમાં લાવનારા ભગવાનલાલ

ભારતનો ૮૦ ટકા પ્રારંભિક ઇતિહાસ અભિલેખ એટલે કે પથ્થરોમાં અંકિત થયેલા સ્તોત્રમાંથી આવે છે. ભગવાનલાલ ભારતના પહેલા એવા પુરાતત્ત્વવિદ હતા જેમણે એ ઉકેલ્યા અને પશ્ચિમ ભારતના ઇતિહાસની ગૂંચો ઉકેલી આપી. ભગવાનલાલની એ નોંધો ઈન્સ્ક્રિપ્શન્સ ફ્રોમ ધ કેવ ટેમ્પલ્સ ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા, વિથ ડિસ્ક્રિપ્ટીવ નોટ્સમાં છે. ભગવાનલાલ સાહિત્ય અને મૌખિક પરંપરામાં અથડાતા ઇતિહાસના તથ્યને પકડવા માગતા હતા. એ વખતના અને એની પહેલાંના પશ્ચિમ ભારતના બધા જ પૂર્વસૂરિઓ પૌરાણિક, સાહિત્યિક સ્રોતો પર અધિક ભાર મૂકતા હતા. પુરાતત્ત્વમૂલક પુરાવાઓ પર વધુ વિશ્વાસ ધરાવતા ભગવાનલાલ કદાચ પહેલા ભારતીય વિદ્યાવંત હતા. લિપિવિદ્યાના તેઓ પ્રમાણભૂત અધિકારી હતા. તેમણે લખ્યું હતું કે "પૌરાણિક વંશાવળીઓ સ્વાયત્તરૂપે બહુ ભરોસાપાત્ર નથી હોતી." વ્યાપક પ્રવાસ ખેડીને સ્થળ પર જ સેંકડોની સંખ્યામાં અભિલેખો તપાસ્યા હોય એવા તેઓ એકમાત્ર વિદ્યાવંત હતા. કેટલાંક મહત્ત્વના અભિલેખોની તેમણે કરેલી વાચના અને અર્થઘટનો ભારતીય ઇતિહાસને એકદમ નવો સંદર્ભ પૂરો પાડયો હતો. ભગવાનલાલે ૧૮૬૩ -૬૪માં જસદણ સ્તંભલેખ શોધ્યો, જેમાંથી પ્રારંભના ક્ષત્રપ (શાહ) શાસકોનાં ખૂટતાં નામ પ્રાપ્ત થયાં હતાં. જૂનાગઢના ઉપરકોટમાં બૌદ્ધ ગુફાઓ શોધી હતી. ૧૮૬૯ - ૭૦ના તેમના પ્રવાસની મુખ્ય શોધો વિવિધ સ્રોતમાંથી જાણવા મળે છે. તેમણે ઇશાનમાં નજીવા અંતરે પંચપહાડીના ટીંબા પરથી આંતરધ્યાનસ્થ બુદ્ધની વિરલ મુંડિત પ્રતિમા શોધી. એ પ્રાચીન કુશાણ શૈલીની ગુપ્ત વર્ષ ૧૨૯ની હતી.

તેમણે આયાગભટ્ટ શોધી કાઢયો અને જૈનોમાં સ્તૂપ પૂજા પ્રચલિત હતી એ પુરવાર કરી આપ્યું. મથુરાના સિંહસ્તંભની તેમની શોધ મહત્ત્વપૂર્ણ ગણાય છે. મથુરામાંથી તેમણે ગાંધાર શૈલીની પ્રતિમાની શોધ કરી હતી. જે મથુરાકાળના ઇતિહાસમાં નોંધપાત્ર છે. મથુરામાં જ તેમણે વિષ્ણુ તેમ જ કેટલીક જૈન મૂર્તિઓ શોધી હતી. મથુરાના જૈન આયાગભટ્ટ પરની વાચના થકી તેમણે જૈન પરંપરાની પ્રાચીનતા અને સાતત્ય સાબિત કરી બતાવ્યું હતું. જૈન પરંપરાની પ્રાચીનતા વિશે લખનારા ભગવાનલાલ હતા.

નેપાળના ઇતિહાસના પથપ્રદર્શક ભગવાનલાલ

ભગવાનલાલ નેપાળના ઇતિહાસના પથપ્રદર્શક ગણાય છે. નેપાળના ઇતિહાસકારો રેગ્મી, રાધાગોવિંદ બસક, રાજેન્દ્રરામ સહિતના લોકો એ વાતની શાખ પૂરે છે, જે તેમની નોંધમાં જોઈ શકાય છે. કેટલાંક અંગ્રેજ ઇતિહાસકારોએ ૧૮૭૭માં નેપાળનો ઇતિહાસ લખ્યો ત્યારે ત્યાંના રાજવંશની વંશાવળી પર જ આધાર રાખ્યો હતો. ભગવાને એનું બિનઐતિહાસિકપણું બતાવી આપ્યું હતું. નેપાળનું રાજકીય, ધાર્મિક અને સામાજિક એમ વ્યાપક ચિત્ર ભગવાનલાલના અભિલેખોમાંથી ઊઘડે છે. ભગવાને શોધેલો ચાંગુનારાયણ અભિલેખ એ નેપાળનો સૌથી પ્રાચીન અભિલેખ છે. યુનેસ્કો હેરિટેજમાં સમાવાયેલા નેપાળના ચાંગુનારાયણનો ગરુડસ્તંભ ભગવાનલાલે શોધ્યો છે. નેપાળના અભિલેખો, તત્કાલીન ધર્મ, વિધિઓ, સ્થાપત્ય, સાહિત્ય વગેરેનું અધ્યયન કરીને નેપાળના ઇતિહાસની સમજ આપનારા તથા બૌદ્ધ મૂર્તિવિધાન પર પ્રામાણિકપણે લખનારા તેઓ પ્રથમ વિદ્યાવંત હતા.

જૈન અને બૌદ્ધ ધર્મ

જૈન ધર્મના ઇતિહાસ વિશે વાત કરીએ તો એક સમયે જૈન ધર્મ બૌદ્ધ ધર્મની શાખા ગણવામાં આવતો હતો. કેટલાંક અભ્યાસુ વિદ્વાનો પણ એમ જ માનતા હતા. ભગવાનલાલ પહેલા એવા માણસ હતા જેણે જૈનોની પ્રાચીનતા પ્રતિપાદિત કરી હતી. શરૂઆતનાં વર્ષોમાં જૈનોની ઘણી બાબતો બૌદ્ધ ધર્મ સાથે મળતી આવતી હતી એટલે એમ માની લેવામાં આવતું હતું. બૌદ્ધોની જેમ જૈનો પણ સ્તૂપની પૂજા કરતા હતા. એને લીધે ઘણાં જૈન સ્તૂપોને બૌદ્ધ સ્તૂપ માની લેવામાં આવતા હતા. બંને વચ્ચેની સ્પષ્ટતા ભગવાનલાલે કરી હતી. ઉદયગિરિ(ઓરિસ્સા)ની જૈન ગુફાઓ અને મથુરાના બૌદ્ધ સ્તૂપોના અભ્યાસ પછી તેમણે આ પુરવાર કર્યું હતું.

વીરચંદ ધરમસી

અત્યાર સુધી ભગવાનલાલ વિશે દુર્ગાશંકર શાસ્ત્રીએ લખેલું અને ગુજરાત વિદ્યાસભાએ ૧૯૪૫માં પ્રકાશિત કરેલું ભગવાનલાલનું જીવનચરિત્ર હતું. એ સિવાય ઉમાશંકર જોશીએ લખેલો લેખ તેમ જ ધોરાજીના હસમુખ વ્યાસે લખેલી પુસ્તિકા 'પૂર્વના પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી' જેવું છૂટુંછવાયું સાહિત્ય મળતું હતું. ભગવાનલાલની પ્રતિભા અને પ્રદાનનો પૂરતો પરિચય આપતું જીવનચરિત્ર તેમના મૃત્યુની એક સદી પછી પણ ગુજરાત પાસે નહોતું. એ પાયાનું કામ કર્યું મુંબઈના જાણીતા અભ્યાસુ વીરચંદ ધરમસીએ. વીરચંદભાઈએ 'ભગવાનલાલ ઇન્દ્રજી - પુરાતત્ત્વવિદ્યાના ભારતીય આદિપુરુષ' અને અંગ્રેજીમાં 'ભગવાનલાલ ઇન્દ્રજી - ધ ફર્સ્ટ ઈન્ડિયન આર્કિયોલોજીસ્ટ' તૈયાર કર્યું. વીસ વર્ષની મહેનતે આ પુસ્તક તૈયાર થયું છે. સંશોધન કોને કહેવાય એ કોઈએ શીખવું સમજવું હોય તો તેણે આ પુસ્તક વાંચવું રહ્યું. 'દર્શક ઇતિહાસ નિધિ'એ આ પુસ્તક પ્રકાશિત કરીને મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે.

કઠીન ડગર, કામ નક્કર

ભગવાનલાલ પ્રથમ વખત ૧૮૬૨માં મુંબઈ ગયા એનું વર્ણન દુર્ગાશંકર શાસ્ત્રી રચિત તેમના જીવનચરિત્રમાં મળે છે.

'અમદાવાદ સુધી બળદગાડીમાં ગયા. અમદાવાદથી વલસાડ નવી જ થયેલી રેલગાડીમાં ગયા અને વલસાડથી પગરસ્તે સામાન પોઠિયા ઉપર ચડાવી પગે ચાલતાં ધરમપુર સુધી ગયા, અને ત્યાંથી વીસ માણસ વચ્ચે ત્રણ ગાડાં, તેર મજૂર અને એક સિપાઈ લઈ નાસિક ગયા. અને પાછા ઇગતપુરીથી રેલવેમાં બેસી મુંબઈ પહોંચ્યા. વઢવાણથી જેઠ વદ બીજે નીકળેલા તે સોળ દિવસે અષાઢ સુદ ત્રીજે મુંબઈ પહોંચ્યા.' ટૂંકમાં, વઢવાણથી મુંબઈ પહોંચવામાં સોળ દિવસ થતા હોય એ સમયગાળામાં ભગવાનલાલ ભારતભરમાં રખડયા. ડુંગરા અને ગુફાઓ ખૂંદીને શિલાલેખ અને પુરાતત્ત્વીય પુરાવા એકઠા કરવા, ઉકેલવાનું કામ કેટલું કઠિન હશે!

ભગવાનલાલ તક્ષશિલા, કાશ્મીર, લાહોર, શાહબાઝગઢી (બલુચિસ્તાન), અલાહાબાદ, બનારસ, બોધગયા, નેપાળ, મથુરા, ધાર, માંડુ, સાંચી, ઉદયગિરિ (ઓરિસ્સા), બેસનહર (વિદિશા), ભિલસા, ઉદયપુર, એરણ, દિલ્હી, ગડવા વગેરે સ્થળોએ ફર્યા હતા.

ભગવાનલાલને દેશ-વિદેશની વિવિધ યુનિર્વિસટીઓએ માનદ્દ ડિગ્રી એનાયત કરી હતી. તેમનું કામ એટલું તળ અને મૂળનું હતું કે અંગ્રેજી ભાષાની તેમની ઓછી આવડત પણ તેમની સિદ્ધિમાં બાધક નીવડી નહોતી

નેધરલેન્ડની લેઈડન યુનિર્વિસટીએ ૧૮૮૪માં ભગવાનલાલને માનદ્દ ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરી હતી. આ સન્માન મેળવનારા તે પ્રથમ ભારતીય હતા. એટલું જ નહીં, લેઈડનમાં આ માનદ્દ સન્માનનો પ્રારંભ ૧૮૮૪થી થયો હતો.

ધ રોયલ એશિયાટિક સોસાયટીની મુંબઈ શાખાના ફેલોની નિમણૂક(૧૮૭૭) મેળવનારા તેઓ પ્રથમ ભારતીય હતા.

તેમને મુંબઈ યુનિવર્સિટીના ફેલો (૧૮૮૨) નિમવામાં આવ્યા હતા. નેધરલેન્ડની હેગની 'ધ રોયલ ઈન્સ્ટિટયૂટ ઓફ ફાઈલોલોજી, જિઓગ્રાફી એન્ડ એથ્નોલોજી'ના તેઓ ફેલો (૧૮૮૩) હતા. ધ રોયલ એશિયાટિક સોસાયટી લંડનના માનદ્દ સભાસદ (૧૮૮૪) તરીકે ચૂંટાયા હતા. ઈટાલિયન એશિયાટિક સોસાયટી, ફ્લોરેન્સે (૧૮૮૭) તેમને ફેલો તરીકે સન્માન્યા હતા.

ફોટોગ્રાફી કરી શકે એવી ક્ષમતા હાંસલ કરનારા ભગવાનલાલ ભારતના પહેલા પુરાતત્ત્વવિદ્દ હતા.

ભગવાનલાલ સંસ્કૃત અને પ્રાકૃતનું જ્ઞાાન ધરાવતા એવા પ્રથમ વિદ્યાવંત હતા જેમણે નેપાળની પરંપરાઓનું તેમ જ બૌદ્ધ ધર્મનું અધ્યયન કર્યું હોય. તેઓ લગભગ સતત છ મહિના સુધી નેપાળમાં રહ્યા હતા. વિવિધ બૌદ્ધ સ્થળોના પ્રત્યક્ષ પરિભ્રમણે તેમને બૌદ્ધ ધર્મના અનોખા વિદ્યાવંત બનાવ્યા હતા. એ બધાના પરિણામે પ્રાપ્ત થયેલાં જ્ઞાન અને તુલનાત્મક ભૂમિકા થકી 'અજંતા નોટ્સ' નામનું અજંતા પરનું પ્રથમ મહત્ત્વપૂર્ણ પુસ્તક બની રહ્યું. અજંતા ગુફાઓનો સમયગાળો તેમણે નક્કી કર્યો હતો. બૌદ્ધ ધર્મના પશ્ચિમ ભારતમાં થયેલા ઉદ્દભવ અને વિકાસની કડીઓ ભગવાનલાલે જોડી આપી હતી.

દિલ્હીનું નેશનલ મ્યુઝિયમ, આગ્રા તેમ જ મથુરાના મ્યુઝિયમની કેટલીક નમૂનેદાર વસ્તુઓ ભગવાનલાલ ઈન્દ્રજીની મહેનતનું ફળ છે.

કામસૂત્ર અને ભગવાનલાલ

કામસૂત્ર વિશે અંગ્રેજીમાં અધિકૃત અને મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્વના દેશોના ઇતિહાસ નિષ્ણાત એફ.એફ. અબ્યુર્થનોટનું ગણાય છે. તેઓ કામસૂત્રને અંગ્રેજીમાં પ્રમાણભૂત રીતે રજૂ કરી શક્યા એનું શ્રેય ભગવાનલાલને જાય છે. અબ્યુર્થનોટે જે લોકોને કામ સોંપ્યું હતું તેઓ એ કામ પાર પાડી શક્યા નહોતા. ત્યાર પછી અબ્યુર્થનોટ કોઈ વિદ્વાનની શોધમાં હતા. બ્યૂલરે એ માટે ભગવાનલાલને મળવા જણાવ્યું હતું. ભગવાનલાલ અંગ્રેજી બોલી નથી શકતા પણ પૂરી રીતે સમજી શકે છે એવું જણાવ્યું હતું. બંનેની મુલાકાત ગોઠવાઈ અને વિગતવાર ચર્ચા પછી વાત્સ્યાયનના કામસૂત્રનું સંપાદન ભગવાનલાલને સોંપ્યું. આમ, કામસૂત્રના પ્રથમ આલોચનાત્મક સંપાદકનું સન્માન ભગવાનલાલ ધરાવે છે. તેમને કામસૂત્રના પ્રથમ અનુવાદક પણ ગણી શકાય, કારણ કે તેમણે જ રીચર્ડ ફ્રાન્સિસ બર્ટન - અબ્યુર્થનોટ માટે એનો ગુજરાતીમાં અનુવાદ કરી આપ્યો હતો. બર્ટન અને અબ્યુર્થનોટે ત્યાર પછી એનો અંગ્રેજી અનુવાદ કરીને કામશાસ્ત્ર સોસાયટી ઓફ લંડન અને બનારસના નેજા હેઠળ પ્રગટ કરાયો હતો. ટૂંકમાં, કામસૂત્રનો અધિકૃત અંગ્રેજી અનુવાદ વાયા ગુજરાતી થયો છે. એ ગ્રંથ માટે ભગવાનલાલે કામસૂત્રની હસ્તપ્રતોની નકલો કોલકાતા, બનારસ, જયપુર અને જામનગરમાંથી પ્રાપ્ત કરી હતી. ઐતિહાસિક હેતુઓ માટે કામસૂત્રનો પ્રથમ નિર્દેશ કરનારા પ્રથમ ભગવાનલાલ જ હતા. જોવાની વાત એ છે કે બર્ટન - અબ્યુર્થનોટના કામસૂત્રમાં ભગવાનલાલ સંકળાયેલા હતા એ વિશે ભગવાનલાલના ચરિત્રકારોએ હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી. વીરચંદ ધરમસીએ આ વાત માર્ચ - ૨૦૦૨માં રજૂ કરેલાં ભગવાનલાલ અંગેના શોધનિબંધમાં ઉજાગર કરી હતી. બર્ટનના જીવન વિશે લખનારાઓએ પણ ભગવાનલાલનો ઉલ્લેખ અનુવાદક તરીકે કર્યો છે!
 [પાછળ]     [ટોચ]