[પાછળ] |
વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણભાઈ લેખકઃ રસૂલભાઈ ન. વહોરા કચ્છના લખપત ગામના એક આગેવાન નાગરિક અને ગિરનારા બ્રાહ્મણ જ્ઞાતિના ઇંદ્રજી ઠાકર ઉપર પ્રભુની કૃપા હતી. પાંચ તો પુત્રો ને બે પુત્રીઓ. પુત્ર પણ નામ કાઢે તેવા. વડીલ પુત્ર રામકૃષ્ણ મોટા પુરાણી. પરમાનંદ, ભાણજીભાઈ, જયકૃષ્ણ અને વાલજીભાઈ પણ એવા જ વિદ્વાન થયા. છોકરા અધરાત મધરાત રખડનારા. ઈંદ્રજીએ એમને બીકનું તો નામ નહોતું જાણવા દીધું. કોઈ ભૂત ડાકણથી પીવરાવે તે એ ભાઈઓ કહે, “ભૂત! ઓહો! એ તો મહાદેવના સેવકો. એમનાથી તે ડરાય? એ તો આપણા જેવા જ.” આ પાંચમાં એક ભાઈ તોતડિયા. બોલતાં બોલતાં જીભ તોતડાય. ત ત્ ત્ ત્ કરતા જાય ને નવાઈ પમાડે તેવા શબ્દો બોલતા જાય. લ, ૨, ળ, ડ, ન એ અક્ષરો તે એવા બોલે કે સાંભળનાર સમજી શકે જ નહિ. “આનો” બોલવો હોય તો “આણો” કહે. આ ભાઈ તે જયકૃષ્ણભાઈ. વિક્રમ સંવત ૧૯૦૫માં (ઈ.સ. ૧૮૪૯)વિજયાદશમીએ એ જન્મેલા. બધા કહે, “આ શું ભણવાનો છે? બોલતાં તો આવડતું નથી.” મોટાભાઈ કહે, “બા, આ બોબડાને ભણાવવો નથી. સંસ્કૃતના શુદ્ધ ઉચ્ચારો એ શી રીતે કરવાનો છે? કામચલાઉ શીખવીશું. ઘેર પણ એકાદ ભાઈ જોઈએ ને?” બા—બેટા, ઉતાવળ શી છે? પ્રભુનું કામ પ્રભુ કરશે. એ પણ તમારો જ ભાઈ છે. થોડા દિવસ પછી “સરસ્વતી, સરસ્વતી, તું મારી માય.” એ સરસ્વતી દેવીની સ્તુતિ તેમના સાંભળવામાં આવી. જયકૃષ્ણે બાને કહ્યું, “બા, આ છોકરા કેવી સરસ સ્તુતિ કરે છે! હું એમની જોડે જાઉં?” બા--કયાં ? જયકૃષ્ણ--માવજી પંડ્યાની નિશાળે. બા--જજે. પણ જાય ત્યારે મૂઠી બાજરી લેતો જજે. જયકૃષ્ણ તો મૂઠી બાજરી લઈને ઊપડ્યા નિશાળે. એમના વખતની નિશાળ એટલે પૂછવું જ શું? ન જોઈએ સ્લેટ કે ન જોઈએ ચોપડી. પેન-પાટીની ધમાલ જ નહિ. મૂઠી બાજરી–જુવાર જે મળે તે લઈ જાય ઘેરથી, અને સરસ્વતી દેવીની મૂર્તિ આગળ મૂકી દે. પછી દેવીની સ્તુતિ કરે ને ભણે. માસ્તરને ય મઝા. પગારની પંચાત નહિ. સાહેબની ડખલ નહિ. પરીક્ષાની વાત નહિ. મૂઠી મૂઠી અનાજ આવે તેમાંથી પોષણ થાય ને લહેરમાં દહાડા જાય. પાટી ઉપર ધૂળ નાખે. ધૂળ ઉપર આંગળીથી લખાય. આ ધૂળીઆ નિશાળામાં માર પણ ઠીક મળતો. કોઈ વિદ્યાર્થીથી કહ્યા વગર તો ઘેર ન રહેવાય. જો રહ્યો તો પૂરા ભોગ. નિશાળનો મોટો વિદ્યાર્થી તે બીજો માસ્તર જ જોઈ લ્યો. મહેતાજીની ચાબુક એ વિદ્યાર્થીને મળે. જે કોઈને ચાબુક મળે એ પછી ચલાવે પોતાને ફાવે તેમ. કોઈ જરા ય ચૂં કે ચાં ન કરી શકે. આંક તો ખૂબ ગોખાવાય. ધાણી ફૂટે એમ કડકડાટ મોંમાંથી જવાબ નીકળવા જોઈએ. જ્યાંથી જવાબ અટકે ત્યાંથી ચાબુકનો ચમકારો શરૂ થાય. એ તો આવી નિશાળમાં લખતાં વાંચતાં ને સાધારણ હિસાબ ગણતાં શીખી ગયા. ઘર પાસે એક તળાવ. આ તળાવમાં મગરની પેઠે આખા દિવસ તર્યા જ કરે. પિતા જુએ ને પકડી લાવે. પોતાની સાથે ભિક્ષાવૃત્તિ કરવા લઈ જાય. રસ્તામાં પિતા વૈષ્ણવ ધર્મની સુંદર વાતો કહે. ધોળકાના અનુભવોનું વર્ણન કરે. જયકૃષ્ણ કોઈ કોઈ વખતે ઘેરથી રિસાઈને નાસી પણ જાય. જ્યાં જાય ત્યાં અંગકસરતના ખેલ કરે. એમની રમત જોઇને લોકો નવાઈ પામે. ચક્રદંડ, બેઠક, મોઈદડા, હુતૂતૂ એ રમતો તો એમને ખૂબ જ ગમે. કસરત તો એમની જ. હાથના સ્નાયુ એટલા મજબૂત કે ન પૂછો વાત. આપણે એ સ્નાયુઓ પર – માંસના લોચા ઉપર ગમે તેટલી મુક્કીઓ મારીએ તો પણ એમને કંઈ જ ન થાય. ઉલટા આપણે મારી મારીને થાકી જઈએ. મોટા તગડા જેવા. ઊંચા ય ખૂબ વધેલા. ઘૂંટણે છરા બાંધીને ફુદરડી ફરે. બે હાથ ઉપર શરીર ટટાર રાખીને ગોળ ફેરવે. જે જાતની કસરત કહો તે કરી બતાવે. આ બધું શીખવનાર કચ્છનો પ્રખ્યાત કસરતબાજ નાથા સીદી. નિશાળમાં ભણી ઊતર્યા એટલે ઘરના કામકાજમાં પડ્યા. મોટાભાઈઓ પરદેશ ગયા. જયકૃષ્ણભાઈ ને વાલજીભાઈ બે જ ઘેર રહ્યા. થોડા દિવસ વીત્યા એવામાં ઇંદ્રજી ઠાકરનો સ્વર્ગવાસ થયો. માતા વિધવા થયાં. લોકોએ એમની સારી સંભાળ રાખવા માંડી. રાખે જ ને? ઇંદ્રજી ઠાકર માટે સૌને બહુ માન હતું. મોટાભાઇ માંડવી રહે. જયકૃષ્ણભાઈ તો બાની રજા લઇને ભાઈ પાસે ગયા. અહીં એમને ઠીક મઝા પડી. પોતાના જેવડા ગોઠિયા દોસ્તો મળ્યા. એ દોસ્તો સાથે ભિક્ષા માગવી, ખાવું, પીવું ને મોજ કરવી એ નિત્યક્રમ. એક વખતે મુંબઈથી અંગ્રેજી ભણેલો એક જુવાનીઓ આવ્યો. જયકૃષ્ણ--ભાઈ, મને અંગ્રેજી ન ભણાવે? જુવાન--ના કેમ ભણાવું? આવજે. દરરોજ ભણવા જવા માંડ્યું. અંગ્રેજી શબ્દોની જોડણી ગોખતા જાય ને ભિક્ષા માગતા જાય. સાંજે ઘેર આવે ને પાછા આગળનો પાઠ શીખે. આમ ભણવાનું થોડા દહાડા ચાલ્યું. પેલો જુવાનીઓ પાછો મુંબઈ જતો રહ્યો. જયકૃષ્ણભાઈનું મન પણ ઊઠી ગયું. એ તો પાછા બા પાસે લખપત ગયા. એવામાં ધોળકાથી સિંધ જવા એક બાઈ આવ્યાં. બહુ જ ભલાં. એમને રસોઈયો જોઈએ. એ બાઈએ રસોઇયાની શોધ કરી, પણ સિંધમાં જવાને કોઈ તૈયાર થયું નહિ. બાઈ વૈષ્ણવધર્મી. બ્રીજલાલ મહારાજનાં ભાભી ચંદ્રાણી વહુજી. ચંદ્રાણી વહુજીએ, “ઈંદ્રજી ઠાકર કરીને મુખિયાજી આ ગામના હતા,” એમ વાત કરી. એટલે એક જણ કહે, ‘‘અહાહા, અમારા ઇંદ્રજી?” બાઈ–ભાઇ, એમને ન બોલાવો ? બીજો—ક્યાંથી લાવે? એ તો સ્વર્ગવાસી થયા. એમના દીકરા છે જયકૃષ્ણ. ત્રીજો—એ જયકૃષ્ણને જ પૂછો. એ તમારી સાથે આવશે. તમારા મુખિયાજીના પુત્ર છે. વારુ, ધંધે વળગશે. ચોથો—જયકૃષ્ણ તો પેલો રમે. આખરે જયકૃષ્ણને બોલાવીને સિંધ જવા બાબત પૂછયું. તેમની તો સિંધ જવાની મરજી થઈ ગઈ, પણ બાને પૂછ્યા વગર ચાલે કે? “મારી બાને પૂછી આવું,” એમ કહીને જયકૃષ્ણ તો ઘેર ઊપડ્યા બાની રજા લેવા. બાએ રજા આપી. થોડા જ દિવસમાં જયકૃષ્ણભાઈ ચંદ્રાણી વહુજીના રસોઈયા થઈ ગયા. અહીં એમને ખૂબ ફાવી ગયું. એકાદ વર્ષ વીત્યું. જયકૃષ્ણભાઈને તો ઘરબાર, બા, ભાઈ કોઈ ન સાંભરે. બાને જીવ ઝાલ્યો ન રહ્યો. મોટાભાઈને સિંધ મોકલ્યા જયકૃષ્ણને તેડવા. ‘ભાઈ તેડવા આવ્યા છે’ એમ જાણીને જયકૃષ્ણ ભાઈ સાથે ન જવાને ખૂબ યુક્તિઓ કરી જોઈ, પણ એ ન ફાવ્યા. ભાઈ તો સમજાવી પટાવીને ઘેર લાવવા પ્રયત્ન કરે. ચંદ્રાણી પણ એને શી રીતે અટકાવે? પારકા પુત્ર ઉપર કંઇ એમનો દાવો છે? છેવટે નિરાશ થઈને એમણે જયકૃષ્ણભાઈને રજા આપી. નિરુપાયે જયકૃષ્ણ મોટાભાઈ સાથે ચાલ્યા. ચાલતાં એક ઠેકાણે રાતવાસો રહ્યા. મોટાભાઈ ભર ઊંઘમાં પડ્યા. એટલે નાનાભાઈએ તો ગુપચુપ સિંધનો રસ્તો લીધો. મોટાભાઈ એમને શેાધતાં શોધતાં પાછા ફર્યા. જુએ છે તો ચંદ્રાણીજીના રસોડામાં જયકૃષ્ણભાઈ નિરાંતે બેઠા છે. મોટાભાઈ થાક્યા. ભલે એને ન આવવું હોય તો ન આવે. તેડવા આવેલા ભાઈ વગર-તેડ્યે પાછા ફર્યા. ભાઈ પરમાનંદ મુંબઈ રહે. તેમણે એમને મુંબઈ તેડ્યા. એ વખતે દરિયામાં સ્ટીમરો નહોતી ચાલતી. વહાણ ચાલે. જયકૃષ્ણ તો બેઠા વહાણમાં. જીવનું જોખમ. દરિયો તોફાને ચઢેલો. સુખેદુ:ખે મુંબઈ ઊતર્યા. સિંધની મઝા અહીં આવે? મુંબઈથી તો એ કંટાળ્યા. એક વહાણ કરાંચી જતું હતું. એ વહાણમાં છાનામાના વગર ટિકિટે કોઈને ય કહ્યા સિવાય બેસી ગયા. હાથે બે સોનાનાં કડાં. વહાણમાં બેઠેલા લોકો કહે, “અલ્યા છોકરા, આ કડાં કાઢી નાખ, નહિ તો વહાણવાળા લઈ લેશે.” જયકૃષ્ણ કહે, “લીધાં લીધાં હવે. આ મુઠ્ઠીનો સ્વાદ એમણે નહિ ચાખ્યો હોય?” ઉતારૂઓ તો ખૂબ જ હસે. શો હિંમતબાજ છોકરો! ભાઈ તે સુખેથી સિંધ પહોંચ્યા. મુંબઈમાં તો શેાધાશેાધ થઈ રહી. પરમાનંદ તો આ ગલીથી પેલી ગલી ને પેલીથી પેલી, એમ ખૂબ ભટક્યા. ક્યાં યે જયકૃષ્ણનો પત્તો ન લાગે. છેવટે થાકીને સિંધ ચંદ્રાણીજીને તાર કર્યો. હજી સુધી જયકૃષ્ણ બંદરેથી ઘેર આવ્યા નહોતા. ચંદ્રાણીજીને પણ ચિંતા પેઠી. એ ગયો ક્યાં? એ ચિંતા કરતાં બેઠાં છે. એવામાં જયકૃષ્ણભાઈ ઝળક્યા. રાણીજીનો મિજાજ ગયો. ‘મૂર્ખ છોકરા, પૂછીને આવવું હતું ને?’ જયકૃષ્ણ આવ્યાની તારથી તરત જ ખબર આપી દીધી. એ તો થોડા દિવસ સિંધમાં રહ્યા. આ છોકરાની જિંદગી ન બગડે તો સારું એમ ધારીને ચંદ્રાણીજીએ જયકૃષ્ણને પાછા મુંબઈ મોકલ્યા. ૧૩–૧૪ વર્ષની ઉમ્મરે બહેરામજી પારસીની નિશાળમાં અંગ્રેજી ભણવા બેઠા. ત્યાં અંગ્રેજી ત્રણેક ધોરણ સુધી ભણેલા. વધારે ભણવાની તો એમને હોંશ હતી. “ભણીને ખૂબ રોફમાં આવી જઈશ,” એમ મનમાં વિચાર કરેલો; પણ ભણવા જેટલા પૈસા જોઈએ ને? માસિક આઠ આના ફી આપવાની તે પણ ન મળે. કોઈ ભલો ભાટિયો એ પૈસા ભરી દે. પણ ચોપડીઓ, કાગળ, પેન્સિલ એ બધું ક્યાંથી લાવવું ? જયકૃષ્ણભાઈ સરકારી ઑફિસો આગળ જાય ને કાગળ પેન્સિલની ભીખ માગી લાવીને ચલાવે. નિશાળના એક ભલા માસ્તરે ફાળો કરીને ગણિત અને શબ્દકોશ મંગાવી આપ્યાં હતાં. ભણવાની ઈચ્છા હતી પણ સગવડ નહોતી ને પૈસા નહોતા. વાંચવાને દીવો તો જોઈએ ને? એ દીવામાં પૂરવાને ગ્યાસતેલના પૈસા ક્યાંથી લાવવા ? સુધરાઇનાં ફાનસ એ જ એમના દીવા. મુંબઈમાં કોટ નામે વિસ્તાર છે. એ કોટ વિસ્તારનો એક નાનકડો ઓટલો એ જ એમનું સૂવાનું સ્થાન. ઓટલો એટલો બધો નાનો હતો કે પડખું ફેરવ્યું હોય તો ધબ દઈને નીચે જ પડાય. જેમાં વાંચવા માટે દીવાના સાંસા, સૂવા માટે ઓરડીના સાંસા, એવી હતી જયકૃષ્ણભાઈની અભ્યાસની જિંદગી. અંગ્રેજી ચોથા ધોરણમાં આવ્યા, જી.ટી. હાઈસ્કૂલમાં દાખલ તો થયા પણ ફી આઠ આનાથી વધીને એક રૂપિયો થઈ. એ આઠ આના ફી વધવાને કારણે જયકૃષ્ણભાઈનું ભણતર ત્યાં જ અટક્યું. અત્યારના વિદ્યાર્થીઓને જયકૃષ્ણભાઈની આ કંગાળ હાલત અને રોજિંદી મુશ્કેલીનો આજે ખ્યાલ નહિ આવે. એ પોતે પોતાની જિંદગીને એમની જિંદગી સાથે સરખાવી જુએ. કોઈ આશરા વિના મુંબઈના ટલાઓ ઉપર સૂવું એ કંઈ રમત વાત ન હતી. પોલિસો, મવાલીઓ ને ડંડાબાજોની નિત્ય ધમાલ. એક પોલિસ ઇન્સ્પેક્ટર તો રીતસર એમની પાછળ જ પડેલો. જાતનો ખ્રિસ્તી. એનું નામ બેલી. રાત પડે ને બેલી આવે ને કહે, “છોકરા, તું ખ્રિસ્તી થા. જો તું ઈસુના પવિત્ર પંથમાં આવીશ તે હું તને ભણાવીશ. ચોપડીઓ આપીશ. ખવડાવીશ, પીવડાવીશ.” જયકૃષ્ણ—ખ્રિસ્તી ? ના સાહેબ, એવું ન બોલતા: અભણ રહેવું પસંદ કરીશ, પણ ધર્મ તજવો નહિ પસંદ કરું. એ પંદર જ વર્ષનો છોકરો. ઉમંગ હોવા છતાં ય ધર્મને ખાતર લાલચોને લાત મારે. નિત્ય બેલી આવે ને આ નાનકડા છોકરાનો જવાબ સાંભળીને પાછો રવાના થઈ જાય. ભણવાનું ઠેકાણું ન પડ્યું એટલે જયકૃષ્ણભાઈએ તો ધંધાની શોધ કરવા માંડી. એક મિત્ર બેંકમાં હુંડીની દલાલીના ધંધા કરે. એ મિત્ર સાથે જયકૃષ્ણભાઈ થોડા દહાડા ગયા. માવેટ નામનો ગોરો અમલદાર. તેણે એમને જોયા ને કહ્યું, “ભાઈ, આ ધંધો તારા કામનો નથી. તું બીજો ધંધો પસંદ કર; સુખી થઈશ.” બીજે જ દિવસેથી બેંકમાં જવાનું બંધ કર્યું. ખુદરત નામનો એક મુગલ. એને ફારસી ભાષા સરસ આવડે. એ મિયાંને અને જયકૃષ્ણભાઈને દોસ્તી થઈ. ખુદરત કહે, “તું મને અંગ્રેજી શીખવ, હું તને ફારસી શીખવું.” થોડો વખત તો એ ભણતર ચાલ્યું પણ ખર્ચનું શું? મૂળજી ઠાકરશી કરીને એક ભાટિયો. એ વિલાયત જાય. એને રસોઈ કરનાર જોઈએ. શોધતાં શોધતાં જયકૃષ્ણભાઈની ભાળ મળી. મૂળજી શેઠ—જયકૃષ્ણ, મારી સાથે ઈંગ્લેન્ડ આવવું છે? જયકૃષ્ણ—હા, પણ મને બૅરિસ્ટર કરો તો આવું. શેઠ—બૅરિસ્ટર કરવા તો હું બંધાતો નથી. જયકૃષ્ણ–તમે બંધાતા નથી, તો હું પણ આવતો નથી. શી ધૂન! મોટાભાઈ મથુરા જાય જાત્રા કરવા. એટલે કહે “જયકૃષ્ણ તારે આવવું છે? ” જયકૃષ્ણ—આવવું તે છે પણ આવીને હું શું કરીશ? ભાઈ—ચાલ તો ખરો! બંને ભાઈ મથુરા ગયા. ભાઈએ જયકૃષ્ણને જૂનાં પુસ્તકોની દુકાન કરાવી આપી. મથુરામાં મનપસંદ પુસ્તકો વાંચવાને મળ્યાં. વૈષ્ણવ સંપ્રદાયનાં કેટલાંક પુસ્તક, હાથે લખેલાં ને છાપેલાં તેમણે વાંચી કાઢ્યાં. આ પુસ્તકો વ્રજ અને હિંદી ભાષામાં લખાયેલાં. ધીમે ધીમે આ બંને ભાષાઓ ઉપર એમનો સારો કાબુ બેસી ગયો. મથુરાની દુકાન ઉપર મુંબઇના જ્યેષ્ઠારામ મુકુન્દજીને ત્યાંથી પણ પુસ્તકો આવતાં. આમ પુસ્તકોના લેવડદેવડથી એકમેકને સારી ઓળખાણ થઈ. પછી તો જ્યેષ્ઠારામે પણ મથુરામાં વાસ કર્યો. બંનેની ભેગી દુકાન ચાલે. મથુરાનાં માંકડાંની વાત તો જાણો છો ને? આપણા હાથમાંથી ખાવાનું ઝુંટાવી જાય એવાં જબરાં. એક વખત જયકૃષ્ણભાઇ રોટલી વણીને-તૈયાર કરીને જમવા બેસવા ગયા, ત્યાં તો માંકડાએ મારી ઝપટ ને ઊઠાવી ગયો તમામ રોટલી. જયકૃષ્ણભાઈએ તો મૂકી પોક. જ્યેષ્ઠારામ ઘેર આવ્યા અને ખૂબ સમજાવ્યા, પણ જયકૃષ્ણભાઈ છાના ન રહે. ચા તો એ બિલકુલ પીએ જ નહિ; પણ દૂધ, ખજુર, ગોળપાપડી એમને ખૂબ ભાવે. જેને મળે તેની સાથે ભાઈબંધી બાંધી દે. કોઈને ય પોતાના તરફનું દુ:ખ ન પડવા દે. ખર્ચ પણ ખૂબ કરકસરથી ચલાવે. બૂકસેલરના ધંધામાં ‘વાંચ્યું એટલું જ નફામાં રહ્યું.’ તબિયત પણ બગડી. પાણી જ માફક ન આવ્યું. બે-ચાર મહિનાની માંદગીથી શરીર ફિક્કું થઇ ગયું, વજન પણ ઘટી ગયું. એટલે મથુરાની દુકાન બંધ કરીને એ તો મુંબઈ આવ્યા. અહીં જ્યેષ્ઠારામની દુકાન ચાલુ જ હતી. નિત્ય જાય જયેષ્ઠારામની દુકાને અને બે ઘડી આનંદ કરીને પાછા ઘેર આવે. શરીર સારું નહિ એટલે ધંધો શું કરે? જયકુષ્ણુભાઈ અને જ્યેષ્ઠારામભાઈ નિરાંતે બેઠાં બેઠા વાત કરે છે. એવામાં એક ત્રીજા ગૃહસ્થ આવ્યા. “પધારો, ભગવાનલાલભાઈ.” “આ કોણ છે?” આવનારે પૂછ્યું. “એ તો તે દિવસવાળા જયકૃષ્ણ.” “પેટનું દરદ થયું છે, નહિ વારુ ? આવો મારે ત્યાં, હું દવા આપીશ.” ભગવાનલાલભાઈએ પોતાનું વાલકેશ્વરનું સરનામું લખાવ્યું અને જયકૃષ્ણભાઈ ભગવાનલાલભાઈને બંગલે ગયા એટલે તરત જ ભગવાનલાલભાઇએ મૂઠી ભરીને ગોળીઓ આપી. આ ગોળીઓનું નામ રાખેલું “સદાવ્રતી ગોળીઓ.” કોઈ દાણાનું સદાવ્રત કાઢે, કોઇ કપડાનું, કોઈ પૈસાનું, ત્યારે એમણે કાઢેલું દવાની ગોળીઓનું. કોઈ પણ દરદી જાય કે તરત સદાવ્રતી ગોળીઓની મૂઠી આપે જ. ન જુએ નાડી કે ન જુઓ પેટ. જયકૃષ્ણભાઈ ગયા ત્યારે ભગવાનલાલભાઈ શિલાલેખને છાપવાનું કામ કરતા હતા. એ જોઇ જયકૃષ્ણભાઈ કહે, ‘‘આ શું છે? વાહ! આ પથ્થર ઉપરના અક્ષરો તો ચિત્રવિચિત્ર છે!” ભગવાનભાઈએ પ્રાચીન લિપિનો ખ્યાલ આપ્યો. કેટલાક શિલાલેખ બતાવ્યા. કેટલોક ભૂતપૂર્વ ઇતિહાસ સમજાવ્યો. જૂના જમાનાની રસમય વાતો કહી. જયકૃષ્ણભાઈ તો ખુશ ખુશ થઈ ગયા. થોડી વાર બેઠા. દવાખાવાની પરહેજી વગેરે પૂછવા લાગ્યા. બેઠા બેઠા એ પણ શિલાલેખો જોયા જ કરતા હતા. ભગવાનલાલભાઈ—‘તારે આ શીખવું છે?’ જયકૃષ્ણભાઈ–‘મને આવડે ખરું?’ ભગવાનલાલભાઈ–‘ના કેમ આવડે ? મારી પાસે રહો. બધું આવડી જશે.’ ભગવાનલાલભાઈ માનવરત્નના પરીક્ષક હતા. એમણે જયકૃષ્ણભાઈની ચતુરાઈ પારખી લીધી. પછી તો અવારનવાર એ બંને મળવા લાગ્યા. ભગવાનલાલભાઈને જરા બહાર જવું હોય કે બોલાવે જયકૃષ્ણભાઈને. જયકૃષ્ણ સદા તૈયાર જ હોય. કુદરતી સંયોગ ઠીક મળ્યો. પ્રભુએ બે કુદરતપ્રેમીઓનો જોગ બેસાડી દીધો. ભગવાનલાલભાઈ શિલાલેખ છાપવાનું જ કામ નહોતા કરતા. એમને તો દેશી અને પરદેશી વૈદકની પણ ખૂબ માહિતી હતી. વનસ્પતિઓની પિછાન તો એમના જેવી કેાઈને જ નહિ હોય! આખા દિવસ એમની દવાઓ ને એમના શિલાલેખો. ખાતાં, નહાતાં, બેસતાં, ઊઠતાં વનસ્પતિના જ વિચારો. સોબતથી જયકૃષ્ણભાઈને વનસ્પતિનો નાદ લાગ્યો. આખો દિવસ આમતેમ રખડે. નવો છોડ શેાધી લાવે. ભગવાનલાલભાઈને પૂછે, “ભાઈ, આ શું?” ભગવાનભાઈ ખુલાસો કરે. ધીમે ધીમે ભગવાનભાઈ ને જયકૃષ્ણભાઇ ગુરુ- શિષ્ય થઈ ગયા. થોડા દિવસમાં તો જયકૃષ્ણભાઈને વનસ્પતિનાં ગુજરાતી, મરાઠી, સંસ્કૃત નામો આવડી ગયાં. જ્ઞાનભૂખ જાગી એટલે એમણે ગુરુને પૂછ્યું, “મારે આ બધા છોડ ને ઝાડનાં અંગ્રેજી નામો જાણવાં છે. એ માટે મારે શું વાંચવું?” ગુરુએ કેટલીક ચોપડીઓની યાદી કરાવી. એ નવાઈની વાત છે કે જયકૃષ્ણભાઈ કે જેણે માત્ર ત્રીજી ચોપડી વટાવીને ચેાથીમાં પગ મૂક્યો હતો, તે ઉત્સાહબળે જાતમહેનતથી વનસ્પતિ સંબંધેનાં સારામાં સારાં પણ ખૂબ અઘરાં પુસ્તકો એક પછી એક વાંચવા લાગ્યા. ગુરુએ જે જે જ્ઞાનકસોટી કરે તે બધી પાર કરી ને પૂછે હવે મારે શું વાંચવું? જુઓ મેં કેટલા બધા નમૂના એકઠા કર્યા છે? આનું નામ ફલાણું, આનું નામ ફલાણું એમ બતાવ્યે જ જાય. રાત્રે સ્વપ્નમાં પણ વનસ્પતિનાં ઝૂંડેઝૂંડ જુએ. “આહ, કેવું સરસ! આ તો તે દિવસે જોયેલું તે!” એમ ઊંઘમાં બકે. આગળ અભ્યાસ માટે ભગવાનલાલભાઈએ સખારામ અર્જુનને બતાવ્યા. એ સખારામ તે વખતે મુંબઈની વિખ્યાત ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાં વનસ્પતિશાસ્ત્રના અધ્યાપક હતા. આવા મોટા અધ્યાપક આગળ હું તે શી વિસાતમાં? પણ જે તે સખારામનું નામ દે છે માટે તેમની પાસે જવું જ, એમ મન સાથે નક્કી કર્યું. એ તો એક દિવસે પોતાના નમૂનાઓ લઈને ઊપડ્યા સખારામ પાસે. સલામ કરીને ઊભા રહ્યા. થોડી વાર સુધી તો સખારામ જયકૃષ્ણભાઈ સામે જોઈ રહ્યા. પછી પૂછ્યું, “તમે કોણ છે? અને આ બધું શું લાવ્યા છે?” “મને ઝાડપાનનો શાખ છે; એટલે મેં આ બધા નમૂના એકઠા કર્યા છે.” “નમૂના?” સખારામે વિસ્મયતાથી પૂછ્યું. “જી, હા.” પછી સખારામે એ નમૂના લીધા. ચશ્માં ચઢાવીને બારીકાઈથી જોયા. સખારામે જયકૃષ્ણભાઈના નમૂનામાંથી જે પોતાની પાસે ન હતા તે માગી લીધા. પછી હાથમાં લોઢાની કાતર લઈ પોતાના બાગ બતાવવા ચાલ્યા. થોડી વાર પછી એક ઠેકાણે એ નિરાંતે બેઠા. વનસ્પતિ સંબંધે ખૂબ વાતો કરી. જ્યારે છૂટા પડયા ત્યારે સખારામે કહ્યું, “જયકૃષ્ણભાઇ, તમે કુરસદે જરૂર આવજો અને બીજા નમૂના લેતા આવજો.” હવે તો ખૂબ ઉત્સાહ વધ્યો. મુંબઈની આજુબાજુની વનસ્પતિ ઓળખવા જવાનું ચાલુ કર્યું. ઘાટીને બે ત્રણ પૈસા આપે અને નવા નવા નમૂના શેાધે. એમણે જ્ઞાન પાકું કરવા એવું નક્કી કરેલું કે સાથેના ઘાટીને દરેક છોડનાં -વનસ્પતિનાં નામ પૂછતાં જવા ને પોતે એ નામ દરેક ભાષામાં કહેવાં. ધીમે ધીમે સખારામ અર્જુન અને જયકૃષ્ણભાઈએ વારંવાર મળવા માંડ્યું. પરિણામે તેમની મિત્રતા વધી પડી. સોનું ને સુગંધ ભળ્યાં. એકને પુસ્તકોનું જ્ઞાન હતું, બીજાને કુદરતનું જ્ઞાન હતું. બંનેનો સુંદર મેળ મળે. છેવટે જયકૃષ્ણભાઈના લગ્ન વખતે સખારામે રૂપિયા ૨૦૦નો ચાંલ્લો પણ કર્યો. દમ! દમ! દમનો રોગ ભયંકર હોય છે. આવા રોગીને ખુલ્લી હવા જોઈએ. ખુલ્લી હવા એ જ આ રોગની દવા છે. રાજકોટની રાજકુમાર કૉલેજના એક પ્રિન્સિપાલ. એમનું નામ મૅકનોટન. એમ. એ. સુધી ભણેલા. એમને બિચારાને દમનો રોગ થએલો. ડૉક્ટરો કહે, “માથેરાન હવા ખાવા જાઓ.” ખાલી હવા જ ખાવી? સમય શી રીતે વિતાવવો? એમના એક મિત્ર. એમનું નામ મૅકડોનલ્ડ. એ મૅકડોનલ્ડ સખારામ અર્જુનની જગાએ અધ્યાપક તરીકે નિમાયા હતા. સખારામ અને જયકૃષ્ણભાઈને જુદો જીવ નહિ. મૅકનોટને મૅકડોનલ્ડની મારફતે જયકૃષ્ણભાઈને સાધ્યા. મુંબઈ અને તેની આસપાસની વનસ્પતિનું જ્ઞાન મેળવવા જયકૃષ્ણભાઈને સાથે લીધા. મૅકનોટન કદરદાન હતા. તેમની સાથે કેટલાય રાજકુમાર પણ આવેલા. મૅકનોટને જયકૃષ્ણભાઈની એાળખાણ આ રાજકુમારો સાથે કરાવી. મૅકનોટન રાજાઓના પણ ગુરુ! એમને માસિક બે હજારનો પગાર મળતો હતો !! આ પગાર પ્રમાણે ખર્ચ રાખે ને? એક દિવસે મૅકનોટન સાહેબ સુંદર બ્લોટિંગ પેપરમાં વનસ્પતિના નમૂના ગોઠવે. જયકૃષ્ણભાઈ કહે, “આવાં સુંદર બ્લોટિંગ તે બગાડાય ?” સાહેબ ધીમું હસ્યા અને બોલ્યા, “શોખ આગળ સોંઘુ યે શું ને મોંઘુ યે શું ?” નમૂના દબાવી રહ્યા પછી જયકૃષ્ણભાઈ અને મૅકનોટન સાહેબ બંગલાના પાછળના મેદાનમાં ગયા. મૅકનોટન સાહેબે જે જે છોડ બતાવ્યા તે દરેકનાં નામ જયકૃષ્ણે કહ્યાં. સાહેબ તો ખુશ ખુશ થઈ ગયા. છૂટા પડતી વખતે જયકૃષ્ણભાઈને એક રૂપિયો આપવા માંડ્યો, તે એમણે ન લીધો. “લઇ લો, તમે ગાડીમાં બેસીને ઘેર જજો, ને કાલે ફરીથી ગાડીમાં બેસીને પાછા આવજો.” જયકૃષ્ણભાઈ કહે, “ના રે, સાહેબ, મને ચાલવાની. ટેવ છે.” ઘેર આવી બનેલી હકીકત ભગવાનલાલભાઈને કહી સંભળાવી. પરંતુ સાહેબ જે આપે તે લેવાની સલાહ ભગવાનલાલે આપી. આ પ્રમાણે આઠ-દશ દિવસ સુધી જયકૃષ્ણભાઈ દરરોજ ગયા. સાહેબે દશ દિવસના રૂપિયા સો મોકલી આપ્યા. મૅકનોટન સાહેબ માથેરાન ગયા. અહીં બર્ડવૂડ નામના મુંબઈના વડા ન્યાયાધીશ સાહેબ પણ આવેલા. કૉલેજના મૅકડોનલ્ડ સાહેબ પણ પહોંચી ગએલા. મૅકનોટન, મૅકડોનલ્ડ અને બર્ડવૂડ એ ત્રણ અંગ્રેજ મિત્રો એકઠા થયા. ત્રણેયે જયકૃષ્ણભાઈને તેડ્યા. ચારે ય ગાંડા આદમીઓની પેઠે જંગલમાં રઝળે. આ છોડ જૂએ, પેલા જૂએ, એમ આખો દિવસ જોયા જ કરે. નવી નવી નોંધ લખી લે. અંગ્રેજ લોકો બરાબર નિયમિત રહે. આપેલા વખતમાં જરા ય ફેરફાર ન કરે. મૅકનોટન સાહેબનાં મડમ પણ માથેરાન આવેલાં. એક વખતે ચારે ય મિત્રો વનસ્પતિ ઓળખવાની ધૂનમાં ને ધૂનમાં નિયમિત પાછા વળી શક્યા નહિ. મડમનો પિત્તો ખસ્યો. આજ તો જયકૃષ્ણને ઘરમાં જ ન પેસવા દઉં. જયકૃષ્ણ—હું આવીશ જ નહિ; પણ યાદ રાખજો કે એવા નવા નવા નમૂના શેાધી કાઢીશ કે સાહેબ પોતે જ દોડતા મારી પાસે આવશે. આવી રીતે થોડા દિવસ આનંદ ભોગવીને જયકૃષ્ણભાઈ મુંબઈ પાછા આવ્યા. બર્ડવૂડ અને મૅકનોટન સાહેબના મનમાં જયકૃષ્ણભાઈએ ઠીક માન મેળવ્યું હતું. એમને થતું કે જયકૃષ્ણને કોઈ લાયક નોકરીએ વળગાડીએ તો ઠીક. પણ વાતવાતમાં જયકૃષ્ણભાઈએ નોકરીને ધિક્કારતાં કહ્યું કે ‘નોકરી તે કોણ કરે? મારે નોકરી નથી કરવી.’ એક વખતે મૅકનોટન સાહેબ અને પોરબંદરના મહારાણા શ્રી વિક્રમાજીતની મુલાકાત થઇ. મહારાણા વિવિધ વિદ્યાને પોષનારા હતા. તેમને બરડા ડુંગરની વનસ્પતિને પારખીને ઉપયોગમાં લેવાતી થાય એવું જોવાના ખૂબ કોડ હતા. એ કહે, “મારે એવો માણસ જોઈએ છે કે જે બરડાની વનસ્પતિને ઓળખે.” મૅકનોટન સાહેબે જયકૃષ્ણભાઇની ભલામણ કરી. પરિણામે મૅકનોટન સાહેબ અને બર્ડવૂડ સાહેબ બંનેએ દબાણ કરીને જયકૃષ્ણભાઈને પોરબંદર મોકલ્યા. પોરબંદરમાં લેલી નામના અંગ્રેજ અમલદાર હતા. એ “લેલી દુ:ખીઆના બેલી” કહેવાતા. જયકૃષ્ણભાઈ લેલી સાહેબને મળ્યા. ખૂબ વાતચીત કરી. જયકૃષ્ણભાઈ–મારે તો નોકરી નથી કરવી. મુંબઈમાં તો ભગવાનલાલભાઈ અને ડૉ. સખારામ અર્જુન જેવાના સહવાસમાં વનસ્પતિને અભ્યાસ થાય. લેલી–હવે તમે બરડાને જ માસ્તર માનો ને એ તમને શીખવે તે શીખો. જયકૃષ્ણભાઈ—ઠીક ભાઇ, ઝાડવાં પાસે શીખું, એમ ને? મહારાણાશ્રી મળ્યા. મહારાણાશ્રી કહે, “તમે આપણા બરડામાં શેાધ કરો ને જડીબુટ્ટીઓ ઓળખો.” આખરે જયકૃષ્ણભાઈ જંગલ ખાતાના ઉપરી તરીકે નોકરીમાં જોડાયા. મહિનો પૂરો થયો. પગારનો આંકડો ઠરાવ્યો નહોતો. શો પગાર આપવો ? એવું બર્ડવૂડ સાહેબને પૂછાવેલું. બર્ડવૂડ સાહેબે રૂપિયા બસો માસિક આપવા જણાવેલું. પગારપત્રક ફરતું ફરતું જયકૃષ્ણભાઈ પાસે ગયું. નોકર કહે, “લેલી સાહેબે તમારો પગાર પૂરી આપવાનું કહ્યું છે.” જયકૃષ્ણભાઈ--પગાર કેવો ? હું તો મુંબઈની પેઠે અહીં કામ કરું છું. હું કામ કરવા આવ્યો છું; પગાર માટે નહિ. છેવટે લેલી સાહેબે પોતાને હાથે માસિક રૂપિયા સોનો પગાર પૂર્યો. આ નોકરી લગભગ ૨૦ વર્ષ કરી. ઈ. સ. ૧૯૦૪ના ડીસેમ્બરમાં પેન્શન ઉપર ઊતર્યા. નોકરી ઉપર એ ત્રણ કામ મુખ્ય શીખ્યા હતાઃ (૧) જાતે કામ કરો, (૨) બીજા જે કામ કરે તે બરાબર જુઓ, (૩) જે કરો તે નિયમિત કરો. નોકરી ઉપર ગયા કે તરત જ બરડાનો આખો યે ડુંગર ખૂંદી વળ્યા. ત્યાંના રહેવાસી રબારીઓને મળ્યા. તેમની અડચણો ફીટાડી. શરૂઆતમાં જરા કડક પણ થએલા. અભણ, એકરગીલા રબારીઓને કબજામાં રાખવા એ કંઈ સહેલી વાત નહોતી. રાત થઇ હોય, અર્ધી રાત થઈ હોય કે તાપ ખૂબ તપતો હોય તેવે વખતે પણ ઘાસમાં કે ઝાડને ઓથે સંતાઇ રહીને બગાડ કરતા રબારીને એ પકડી પાડતા. આથી ડુંગરના રહેવાસીઓ એમનાથી ધ્રૂજી જતા. છતાં ય એમનામાં એકલી કડકાઈ નહોતી. દયાની એ મૂર્તિ સમા હતા. ગરીબ રબારીઓમાં એ ખૂબ જ ભળી ગએલા. રબારીનાં છોકરાંને મળે. તેમને પાઈ પૈસો આપે. મીઠો હાથ ફેરવે, માયા કરે. થોડા વખતમાં તે બરડાનો એકેએક રબારી જયકૃષ્ણ ભાઈને ઓળખતો થઈ ગયો હતો. જયકૃષ્ણભાઇ કાને જરા બહેરા હતા. એટલે એ બહેરા અમલદારને રબારી સાનમાં પણ સમજાવી દેતા.જયકૃષ્ણભાઈ અને રબારીઓ માના જણ્યા ભાઈની જેમ વાતો કરે. આગળ જતાં જયકૃષ્ણભાઈએ “વનસ્પતિશાસ્ત્ર” એ નામની એક મોટી ચોપડી લખેલી. એમાં આ રબારીઓની જ મુખ્ય મદદ લીધેલી. બરડામાં એક વનસ્પતિબાગ પણ બનાવેલો. જેને વનસ્પતિ સંબંધે શીખવું હોય તે ભલે અહીં આવીને રહે ને શીખે, એવી જયકૃષ્ણભાઈની ઇચ્છા. એ પોતે વારંવાર કહેતા, “ આપણે ઘરડા થઈશું ત્યારે આ બાગમાં જ રહીશું, ખાઈશું, પીશું ને વનસ્પતિનો અભ્યાસ કરીશું.” પણ નોકરી ઉપરથી પેન્શન ઉપર ઊતર્યા ત્યાર પછી આ બાગનું સત્યાનાશ વળી ગયું. એક બીડી પીનારે ભૂલથી સળગતી બીડી ફેકેલી. તેથી એ આખો યે બાગ સળગીને ખાખ થઈ ગએલો. આવો જ એક બીજો માઠો બનાવ બનેલો. જયકૃષ્ણભાઈ પોરબંદરથી પૂના જઈ એક વર્ષ રહીને ઘાસ ને ઝાડનો ઉછેર, ઉપયોગ વગેરે શીખી લાવેલા. એમણે તે ખૂબ ઝાડ વાવેલાં. પોરબંદરમાં ઠેકાણે ઠેકાણે ઝાડ વાવનાર જયકૃષ્ણભાઇ. એમણે વાવેલા ખજૂરીના છોડના પાનને બકરાં ખાઈ ગએલાં. છોડ નર્યા પાન વગરના બોડાબટ બની ગયેલા. એ છોડને જોઈને જયકૃષ્ણભાઈને રડવું આવી ગયું. અરેરે! બિચારા મારા છોકરા જેવા છોડ! એમની આ દશા? એ છોડ જોયા પછી તાવ પણ આવી ગએલો. કેટલી બધી લાગણી! પ્રત્યેક પ્રદર્શનમાં “બરડા ડુંગરનો વિભાગ” તો હોય જ. જયકૃષ્ણભાઈને જુદી જુદી વનસ્પતિઓનો ખૂબ જ શોખ. એ જે જે વનસ્પતિનો ઉપયોગ જાણે તે તે સૌને બતાવે. એમણે શેાધેલી ‘ઘોડાકુન’ વનસ્પતિનાં મૂળ પ્લેગમાં ખૂબ જ કામ આવે. ગમે તેવી ગાંઠ નીકળી હોય પણ ચોપડતાં જ ફાયદો થાય. પ્રદર્શનોમાંથી એમને ૯–૧૦ તો સોનાના ચાંદ મળેલા. માનપત્રો તો જુદાં. ધન્ય એ બરડાને અને બરડાના રાજાને કે જેણે જયકૃષ્ણભાઈની કદર કરી! નોકરી ઉપર ચઢ્યા પછી ૩૭–૩૮ વર્ષની ઉંમરે એ પરણ્યા. પરંતુ એમનાં પત્ની સુંદરબેન નામની એક પુત્રી મૂકીને દેવલોક પામ્યાં. બેન સુંદર પણ વનસ્પતિનાં બરાબર પરીક્ષક હતા. પિતાની સૌન્દર્યપ્રિયતા એમનામાં ઊતરેલી. જયકૃષ્ણભાઈએ લખેલી “વનસ્પતિશાસ્ત્ર”ની ચોપડી તો ભારે વિશાળ. એ ચોપડીના આરંભમાં એક “અર્પણપત્રિકા” હતી. તે ચોપડી પોરબંદરના રાજાસાહેબને અર્પણ કરાયેલી. અમદાવાદમાં એક મંડળી છે. એનું નામ “ગુજરાત વર્નાક્યુલર સોસાયટી.” એ સોસાયટી નિયમિત ચોપડીઓ છપાવે. જ્ઞાનનો ફેલાવો કરે. આ સોસાયટીએ વનસ્પતિશાસ્ત્ર છપાવવાની હા પાડી; પણ અર્પણપત્રિકા બદલવાનું કહ્યું. જયકૃષ્ણભાઈ કહે, “આ લખ્યું એમાંથી એક અક્ષર પણ હું બદલવાનો નથી. તમારી શી ઇચ્છા છે?” સોસાયટીના સભાસદોએ ના પાડી દીધી. ભલેને ના પાડી; પણ એ ચોપડી તો છપાવવી જ. પોતાની પત્નીનાં ઘરેણાં ગીરો મૂકીને ભારે ખર્ચ કરીને છપાવી દીધી. કેટલા બધા મક્કમ! આ વનસ્પતિશાસ્ત્રની ચોપડી ખૂબ મઝાની છે. ૬૧૧ વનસ્પતિઓનું વર્ણન ઉપયોગ સહિત આપ્યું છે. એની કિંમત રૂપિયા દશ રાખેલી. આ વનસ્પતિશાસ્ત્રની નકલોમાંથી માત્ર થોડી ઘણી વેચાઇ. બિચારા જયકૃષ્ણભાઈને ખોટનો ધંધો થયો. એમના એક મિત્રે કહ્યું, “જયકૃષ્ણભાઈ, તમે વનસ્પતિશાસ્ત્ર અંગ્રેજીમાં લખો તો તે ખૂબ જ વેચાય.” જયકૃષ્ણભાઈ–વેચાય એ વાત ખરી, પણ હું વેપારી વાણિયો નથી. વિલાયતના લોકો હજારો માઈલ દૂર રહીને આપણા દેશની વનસ્પતિને ઓળખે અને આપણે આપણા પગ તળે કૂટાતી વનસ્પતિને ન ઓળખીએ એ કેટલું શરમાવા જેવું ! આપણા દેશનો એક પણ માણસ આ પુસ્તક વાંચશે ને લાભ ઊઠાવશે તો હું મારી મહેનત સફળ થએલી માનીશ. કેટલો સરસ સ્વદેશાભિમાનનો જુસ્સો! વનસ્પતિશાસ્ત્રના જ્ઞાનનો ફેલાવો થાય તેવું જોવાના એમને કોડ હતા. પોરબંદરના સરકારી વર્તમાનપત્રમાં એમણે એક જાહેરખબર છપાવી હતી કે ‘૧૫ વર્ષ સુધી વનસ્પતિ સંબંધે અભ્યાસ કરીને નિવૃત્ત થએલ જંગલ ખાતાના અધિકારી સેવક જયકૃષ્ણ પોતાના અનુભવોનું મફત જ્ઞાન આપવા માગે છે. મળોઃ બુધ – શનિઃ સવારના ૭ થી ૧૦.” અજ્ઞાન-અબુધ ગુજરાતે આ તકનો જોઈએ તેટલો લાભ ન લીધો, પણ ‘વૈદ્યકલ્પતરૂ” માસિકમાં આવેલા તેમના લેખોનો ઠીક ઠીક લાભ લેવાયો. વિખ્યાત વૈદ બાપાલાલભાઈ વૈદ્ય, રવિશંકરભાઈ, દુર્ગાશંકર શાસ્ત્રી, શેઠ ગોકળદાસ, વગેરે એમના શિષ્ય બન્યા હતા. વીસ વીસ વર્ષ સુધી સતત મહેનત કરી કામ કરવાની શક્તિ ઘટી ગઈ ત્યારે છેવટે તેમની આખરની અવસ્થામાં કચ્છને ખૂણે છુપાએલા આ રત્નની કદર થવા લાગી. જામ સાહેબે તેમને તેડાવ્યા. છોટા ઉદેપુરના મહારાજાએ તેડાવ્યા. એક શેઠ તો પોતાની જમીનમાં બાગ કરાવવા ખાસ પોતે જાતે તેડવા આવેલ. આ બધાયને એમણે ના પાડી દીધી. “મારી જન્મભૂમિની સેવા કરવી એ મારી પ્રથમ ફરજ છે. પહેલા દેશ પછી બીજા સૌ. મરતાં મરતાં મારા દેશની સેવા કરવાની મને ખૂબ હોંશ છે,” એમ જણાવી દીધું. છેવટે કચ્છના રાવશ્રીએ પિતાના રાજમહેલના વ્યવસ્થાપક તરીકે એમને રોકી લીધા. અહીં એમણે “કચ્છની જડીબુટ્ટી” એ નામની બીજી ચોપડી લખી. ધન્ય એમના વતનપ્રેમને! જન્મભૂમિ કચ્છ તો રેતીના રણને પ્રદેશ. આ પ્રદેશમાં વનસ્પતિ તે શાની હોય ? વૃક્ષપ્રેમી જયકૃષ્ણભાઈએ વૃક્ષો ઉગાડવાનું કામ હાથમાં લીધું. પાંચ પચીસ વૃક્ષપ્રેમી મિત્રો ઊભા કર્યા. એક મંડળી કાઢી. આ મંડળીનું નામ “કચ્છ વૃક્ષારોપણ મંડળ” રાખ્યું. શેઠીઆઓ, અમલદારો, આગેવાનો સૌને હાથે જુદાં જુદાં ઝાડ રોપાવે. ગાંધીજી આવ્યા તે ગાંધીજી પાસે પણ ઝાડ રોપાવ્યું. એ મંડળમાં કચ્છ-માંડવીના એક શેઠ ખૂબ રસ લે. મૂળ વેપારી પણ વેપાર છોડીને દેશસેવામાં ભળેલા. એમનું નામ ગોકળદાસ ખીમજી શેઠ. શેઠ તો ખૂબ મુસાફરી કરનારા. એક વખતે આફ્રિકા ગએલા. ત્યાં એક ગોરા સાહેબના બાગમાં સુંદર મઝાના છોડ ઉગેલા. શેઠનું મન ઝાલ્યું ન રહ્યું. એમણે તો ચાર પાંચ છોડ ઉપાડીને ઘરના રસ્તો માપ્યો, બાગનો માળી આવ્યો. તેણે પકડ્યા ગોકળ શેઠને અને લઈ ગયા ગેારા સાહેબ પાસે. સાહેબ તો રાતો પીળો થઈ ગયો. ગોકળદાસ કહે, “મારે આ વનસ્પતિના ગુણ પારખવા છે.” પછી તો ગેારા સાહેબે શેઠ જોડે ખૂબ વાત કરી. સાહેબ ગોકળશેઠના જ્ઞાનથી ખુશ થયો. સાહેબ—આ બધું કયાંથી શીખેલા ? શેઠ–મારા ગુરુ જયકૃષ્ણભાઈ પાસેથી. પછી તો હમેશાં સાહેબ શેઠને બોલાવે ને જ્ઞાન ગમ્મત કરે. આવો તો કેટલા ય જણને એમણે નાદ લગાડેલો. આખો દિવસ વૃક્ષારોપણની વાત કરતાં એ ન થાકે. લોકો નમૂના પણ નવા નવા મોકલે. રંગૂન પાસે મુલમીન શહેર છે. એ શહેરથી થોડે દૂર ગરમ પાણીનું તળાવ છે. તળાવનું પાણી એટલું ગરમ છે કે તેમાં હાથ બોળ્યા હોય તો ફોલ્લા ઊઠે; છતાં તેને કિનારે લીલીછમ વનસ્પતિ ઉગેલી છે. તળાવના પાણીની લીલ ઉપર લીલાં લીલાં પાંદડાંવાળા વેલા જામી ગએલા છે ને તળાવના પાણીમાંથી ગરમ ગરમ વરાળ આખા દિવસ નીકળ્યા જ કરે છે; છતાં આખે કિનારે લીલોતરી છે! અમૃતલાલ પઢિયારે આ વનસ્પતિના નમૂના પણ મોકલેલા. જયકૃષ્ણભાઈ નિરાંતે બેઠા એનો વિચારે કરેઃ “શી કુદરતની કળા!” વનસ્પતિના જ વિચારો. ગાંધીજી તો એમને અવધૂત ગણે. પોતાની વનસ્પતિ પાછળ ગાંડાતુર! કચ્છને લીલોછમ કરવાના એમને કોડ. કચ્છમાં ઊડતા રેતીના ઢગલા શી રીતે અટકાવવા? શું કર્યું હોય તો કરછની ભૂમિ રસાળ બને? આખા દિવસ એ જ ધૂન! કચ્છના રાવને રાજમહેલ બંધાવવો હતો. એ રાજમહેલ કેવી રીતે બાંધ્યો હોય તો રેતીનો ઉપદ્રવ ન નડે? રાવે યુરોપિયન ઇજનેરોને બોલાવ્યા. ઈજનેરો કહે, “કરોડો રૂપિયાનું કામ છે. રેતીના ઢગલા કાઢી નાખવા એક નાની રેલવે બાંધો. પછી તમામ ઢગલા ડુંગરની ખીણોમાં પૂરાવો, પછી મજબૂત બંધ બાંધો.” ચકોર રાવે જયકૃષ્ણની સલાહ લીધી. જે કામ પાછળના ખર્ચ માટે કરોડોનો અંદાજ કાઢયો હતો, તે કામ જયકૃષ્ણભાઈએ સહેલાઈથી કરી આપ્યું! રેતીના ઉપર કઈ કઈ વનસ્પતિ ઊગે છે તે જોઈ લીધું. પછી રેતી ન ઊડે તે માટે થોરની વાડ કરાવી. ભાતભાતની લીલોતરી વવરાવી. આમ સુંદર રાજમહેલ બાંધવામાં મદદ કરી. મહેલના અત્યારના જોનારને એનો ખ્યાલ પણ ન આવે કે આ સ્થળે એક વાર રેતીના ઢુવા ઉડતા હશે ને વંટેળિયામાં ઊડતી રેતીના અહીં ઢગ જામતા હશે! જયકૃષ્ણભાઈની વ્યવસ્થા શક્તિ પણ અજબ હતી. તદ્ન થોડે ખર્ચે સારામાં સારી ગોઠવણ કરવાની શક્તિ તો એમની પોતાની જ. પ્રદશન ભરવું હોય કે વનસ્પતિ સંબંધે વાતચીત કરવી હોયઃ એ એવી ઝીણવટથી ઉકેલ કરે કે સામાને એમની શક્તિને ખરો ખ્યાલ આવે. માંદગીને ખાટલે પડેલા. તાવ તો કહે મારું કામ. ખૂબ જોરથી તાવ આવે; છતાં કોઈ વનસ્પતિ સંબંધે પૂછવા આવે કે ઝાડપાન બતાવવા સંબંધે કહે કે તરત ઊભા થઈ જાય. પોરબંદરની નોકરી વખતે બરડા ડુંગરમાં ઊંટ ઉપર સ્વારી કરીને મુસાફરી કરતા. આથી એમને કેડનું દર્દ વધી ગયું હતું. ઘરગથ્થુ દવા કરે એટલે પાછી જરા શક્તિ આવે. ઊભું થવાયું કે પાછા ઊપડે ડુંગરમાં. કચ્છમાં પણ ખૂબ મહેનત ઉઠાવેલી. ૮૩ વર્ષની તે ઉંમર થએલી; છતાં ભલભલા જુવાનો થાકીને પાછા હઠે પણ એ જરા ય ન હઠે. પત્નીના મૃત્યુ પછી પુત્રીની ઇચ્છાથી જયકૃષ્ણભાઈ જાત્રા કરી આવ્યા હતા. પુત્રી સુંદરને સીમંત આવ્યું. પિતાને પુત્ર નહોતો. પુત્રીના પુત્રને જોઈને મન ઠારીશ એમ એમના મનની ઇચ્છા હતી, પણ પ્રભુને એ ગમતું નહિ હોય; તેથી સુંદરબેન સુવાવડમાં જ પુત્રને જન્મ આપીને દેવલોક પામ્યાં. પાછળથી એ પુત્ર પણ દેવલોક પામ્યો. આમ ઘરડે ઘડપણમાં જયકૃષ્ણભાઈને ઘણું જ દુઃખ આવી પડ્યું. એટલે એમનું મન દુનિયા ઉપરથી ઊઠી ગયું. શરીર બગડેલું હતું, એવી જ હાલતમાં એક રાત્રે હિંચકા ઉપરથી પડ્યા ને પગ ભાંગ્યા. એની પીડાથી થોડા દિવસની માંદગી ભોગવી વિક્રમ સંવત ૧૯૮૬ના માગશર સુદી બીજે દેવશરણ થયા. લ્યુથર બરબેંક નામને વિલાયતમાં એવો જ એક વનસ્પતિશાસ્ત્રી થઈ ગયો. એનું નામ આપણા દેશના લોકો પણ જાણે અને આપણા જ દેશમાં જન્મેલો, મરણ સુધી દેશી રહેલો, સેવાભૂખ્યો જયકૃષ્ણ. એને કોઈ ન જાણે! નોંધઃ જયકૃષ્ણજીના અવસાન (તા.૩-૧૨-૧૯૨૯) સમયે |
[પાછળ] [ટોચ] |