[પાછળ]
તણખલું (બાળપોથીનું)

લેખકઃ આનંદશંકર બાપુભાઇ ધ્રુવ

તૈત્તિરીય ઉપનિષદમાં ઈશ્વરની વ્યાખ્યા આ પ્રમાણે આપી છેઃ

‘જેનામાંથી આ સર્વ પદાર્થો ઉત્પન્ન થાય છે, જેના થકી ઉત્પન્ન થઈ એ જીવે છે, જેના પ્રત્યે એ જાય છે, જેનામાં પ્રવેશ પામે છે એ ઈશ્વર.'

આ ચન્દ્ર, સૂર્ય, તારા, એના તેજથી જ પ્રકાશે છે. દરેક પદાર્થ પોતપોતાને સ્થાને રહી પોતપોતાનું કાર્ય કરે છે એ રચના, એ પ્રતાપ, પ્રભુનો છે. પ્રભુ એક છે, પણ આ વિશ્વના વિવિધ પદાર્થોમાં એ વિવિધ રૂપે દેખાય છે. આ પૃથ્વીમાં આપણે બી વાવીએ છીએ, વરસાદનું પાણી એને પલાળે છે, સૂર્ય ગરમી આપે છે, એ ઉપર ઋતુઓના વા વાય છે, અને બીમાંથી અંકુર થઈ, અંકુરમાંથી છોડ થઈ, છોડ ઉપર ડૂંડું આવી, એમાં અનાજના દાણા બંધાય છે. એ બધું કોણ કરે છે?

એ ઈશ્વર કરે છે. એ પૃથ્વી, વરસાદ, સૂર્ય, પવન, વગેરે કરે છે એમ પણ કહેવાય; પણ એ સર્વ પદાર્થોમાં જે શક્તિ છે એ પ્રભુની છે. પ્રભુ વિના એ પદાર્થો કાંઈ જ કરી શકતા નથી. એ પદાર્થોમાં પ્રભુ દીપે છે, પ્રકાશે છે, તેથી ઋષિઓ એ પદાર્થોને અને એમાં વસતી પ્રભુની શક્તિઓને ‘દેવ’ (દીવ્=દીપવું ઉપરથી) કહે છે. અને પ્રભુ તે સર્વ દેવનો દેવ, સર્વ શક્તિઓની શક્તિ છે. એ ઉપર હું તમને એક નાની વાર્તા કહું તે સાંભળોઃ

પૂર્વે દૈત્યોને અને દેવોને યુદ્ધ થયું. તેમાં સર્વ દેવના દેવ–પ્રભુ–ના બળથી દેવો જીત્યા. ખરું જોતાં એ પ્રભુનો જ જય હતો કારણ કે દેવો જીત્યા એ શક્તિ પ્રભુની જ હતી, છતાં દેવો ખોટા અભિમાનથી ફૂલાઈ ગયા અને માનવા લાગ્યા કે ‘આ આપણો જ જય છે, આપણો જ મહિમા છે.’ પ્રભુએ આ જાણ્યું અને એક યક્ષનું રૂપ લઈ સામા ઉભા. દેવોએ એમને ઓળખ્યા નહિ, અને તેઓ માંહેમાંહે વિચાર કરવા લાગ્યા: ‘અરે! આ કોણ હશે?’ કોઈને કાંઈ સૂઝ પડી નહિ.

પછી તેઓએ પોતામાંના એક અગ્નિદેવને કહ્યું, ‘અગ્નિજી, તમે જાઓ, તમે ત્રણ લોકના જાણીતા છે, તમે નક્કી કરો કે આ યક્ષ દેખાય છે તે કોણ છે?’

અગ્નિદેવે કહ્યું, ‘વારું.’

પછી અગ્નિ એ યક્ષરૂપે ઉભેલા પ્રભુ પાસે ગયો. યક્ષે એને પૂછ્યું, ‘તું કોણ છે?’ અગ્નિએ જવાબ દીધે, ‘હું અગ્નિ છું.’

યક્ષે પૂછ્યું, ‘તારામાં શી શક્તિ છે?’ અગ્નિએ ઉત્તર આપ્યો, ‘મારામાં તો એવી શક્તિ છે કે હું આ સઘળું–પૃથ્વી ઉપર જે કાંઈ દેખાય છે તે સઘળું–બાળીને ભસ્મ કરી નાખું.’

ચક્ષે એની આગળ એક તણખલું મૂકયું અને કહ્યું, ‘આને બાળ.’ અગ્નિ એ તણખલા ઉપર–એનામાં જેટલું જોર હતું તેટલા જોરથી દોડ્યો, પણ એટલાં તણખલાને પણ એ બાળી શક્યો નહિ! અગ્નિ શરમાઈને ત્યાંથી પાછો ફર્યો અને દેવો પાસે જઈને કહ્યું, ‘આ યક્ષ કોણ છે એ હું જાણી શક્યો નથી.’

પછી દેવોએ વાયુદેવને કહ્યું, “વાયુજી, તમે જઈને નક્કી કરી આવો કે આ યક્ષ કોણ છે?”

વાયુએ કહ્યું, ‘વારું.’

વાયુ એ ચક્ષ પાસે ગયો. ત્યાં યક્ષે પૂછ્યું, ‘તું કોણ છે?’ વાયુએ જવાબ દીધો, ‘હું વાયુ છું.’

ચક્ષે પૂછ્યું, ‘તારામાં શી શક્તિ છે? કહે.’

વાયુએ ઉત્તર આપ્યો, ‘હું આ સઘળું–પૃથ્વી ઉપર જે કાંઈ છે તે સઘળું—ખેંચી જાઉં.’

યક્ષે એની આગળ તણખલું મૂક્યું અને કહ્યું, ‘લે, આ ખેંચી જા.’ વાયુ એ ઉપર પૂર્ણ જોશથી ધસ્યો, બહુ મથ્યો, પણ એટલાં તણખલાને પણ ઉપાડી શક્યો નહિ! વાયુ પાછો ફર્યો અને દેવો પાસે જઈને કહ્યું, ‘એ યક્ષ કોણ છે તે હું જાણી શક્યો નથી.’

પછી દેવોએ ઈન્દ્રને કહ્યું, ‘ઈન્દ્ર મહારાજ, તમે જાઓ અને જાણી આવો તો સારું કે આ યક્ષ કોણ છે’ ઈન્દ્રે કહ્યું, “વારું.’

ઈન્દ્ર એ યક્ષ તરફ દોડ્યો, ત્યાં એ યક્ષ અન્તર્ધાન થઈ ગયો અને યક્ષ ઉભો હતો તે સ્થળે એક સ્ત્રી ઉભેલી દેખાઈ. એનું નામ ‘ઉમા’ હતું અને તે બહુ રૂપવતી હતી. ઇન્દ્રે એને પૂછ્યું, ‘અહીં યક્ષ ઉભો હતો એ કોણ હતો?’ એણે કહ્યું, ‘એ પ્રભુ હતા. એ પ્રભુના જયથી જ તમારો જય છે, એના મહિમાથી જ તમારો મહિમા છે.’ ઇન્દ્રે પ્રભુને જાણ્યા, અને દેવોને વાત કહી.

(‘હિન્દુધર્મની બાળપોથી’, ૧૯૧૮)

[પાછળ]     [ટોચ]