કચ્છનો એક મહાન સપૂત શ્યામજી કૃષ્ણ વર્મા
સંકલિત
કચ્છની ધરતીનો મોટો ભાગ રણવિસ્તાર છે. રણ પણ એવું સૂકું રણ કે જ્યાં કશું થાય નહિ. જે ધરતી સૂકી હોય છે અને જ્યાં રોજીઓ નથી હોતી, ત્યાંની પ્રજા આપોઆપ સ્થળાંતર કરતી હોય છે. જે સ્થળાંતર કરે છે તેનો જ વિકાસ થાય છે. કચ્છમાં માંડવી નામનું બંદર, આ બંદરની ૮૦ ટકા પ્રજા એક વખત મનીઓર્ડર ઉપર જીવન જીવતી હતી. તેમના પરિવારના કોઈ સભ્ય દેશ-વિદેશમાં નોકરી-ધંધો કરતા હોય અને બાકીના ઘર સાચવતા હોય. દર મહિને મનીઑર્ડરથી જે પૈસા મળે તેના પર ઘરના સૌનો ગુજારો ચાલતો હોય. મનીઑર્ડર પર નભતા આવા માંડવી ગામમાં ઈ.સ. ૧૮૫૭ના ઓક્ટોબર મહિનાની ૪થી તારીખે પછાત એવી ભણસાળી જ્ઞાતિના એક ગરીબ મજૂર કૃષ્ણદાસ ભણસાળીને ઘેર એક પ્રતાપી બાળકનો જન્મ થયો. એ બાળકને શ્યામજી કૃષ્ણ વર્મા તરીકે આપણે જાણીએ છીએ.
શ્યામજી નાની ઉંમરના હતા ત્યારે પિતા મુંબઈમાં મજૂરી કરી પેટગુજારો કરતા હતા અને થોડું બચાવીને દેશમાં મોકલતા હતા, પણ કિશોરાવસ્થામાં જ તેમના માતા અવસાન પામ્યાં. અને એ બાળક માતા-પિતા વિનાનો અનાથ બની ગયો. ભલે તેમનો પરિવાર સામાન્ય હતો, પણ શ્યામજી બચપણથી જ અસામાન્ય હતો. કિશોર શ્યામજી સંસ્કૃતના શ્લોકો એટલા શુદ્ધ અને મીઠા સ્વરે બોલતો કે લોકો આશ્ચર્યચકિત થઈને સાંભળ્યા કરતા.
કિશોર શ્યામજી થોડો અભ્યાસ માંડવીમાં કર્યા બાદ ભૂજમાં પંડ્યા શિવજીભાઈ વકીલને ઘેર સુસંસ્કૃત વાતાવરણમાં થોડા વખત સુધી રહ્યો અને ત્યાં તેણે સંસ્કૃત સાથે અંગ્રેજીનો ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કર્યો. આ તેજસ્વી કિશોરની આવડતથી પ્રભાવિત થઈને એક શ્રીમંત વેપારી, મથુરાદાસ લવજી ભાટિયા, તેમને પોતાની સાથે ઈ.સ. ૧૮૭૪માં મુંબઈ લઈ ગયા. (કચ્છની સૌ પ્રથમ કન્યાશાળા આ મથુરાદાસ ભાટિયાએ જ શરૂ કરાવી હતી.) મથુરાદાસે મુંબઈની વિલ્સન હાઈસ્કૂલમાં તેમના ભણવાનો, રહેવાનો બધો પ્રબંધ કર્યો. શ્યામજીએ વિલ્સન સ્કૂલમાં ભણવા ઉપરાંત વિશ્વનાથ શાસ્ત્રીની સંસ્કૃત પાઠશાળામાં સવાર-સાંજ સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ શરૂ કર્યો. પહેલા જ વર્ષમાં એટલે કે ઈ.સ. ૧૮૭૪ની સાલમાં જ તેમણે બે સંસ્કૃત ગ્રંથોનું અર્થસહિત સુંદર ભાષાંતર કરીને પોતાના શિક્ષકોને આશ્ચર્યચકિત કરી નાખ્યા. થોડા વર્ષોમાં જ તેમની ખ્યાતિ માત્ર એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે નહિ પણ ‘પંડિત’ તરીકે જામી ગઈ.
એ અરસામાં દેશાટન કરતાં કરતાં મહર્ષિ દયાનંદ સરસ્વતી મુંબઈમાં પધાર્યા. એક વખત આ કિશોર ‘પંડિત’ શ્યામજી મહર્ષિને મળવા ગયા અને બન્ને વચ્ચે તરત મનમેળ થઈ ગયો. મહર્ષિએ મુંબઈમાં તા. ૧૦મી એપ્રિલ, ૧૮૭૫ના રોજ ‘આર્યસમાજ’ની સ્થાપના કરી અને શ્યામજી આ આર્યસમાજના પ્રથમ પ્રમુખ બન્યા. દયાનંદ સરસ્વતી તો જુદા જ પ્રકારના સંન્યાસી હતા. તે પ્રચંડ સુધારક હતા. રૂઢિવાદી ન હતા. તેમણે આ યુવાનના તેજને ઓળખ્યું અને વિદેશ જઈને ભારતીય સંસ્કૃતિનો અને સંસ્કૃત ભાષાનો પ્રચાર કરવાની સલાહ આપી. મહાદેવ ગોવિંદ રાનડેએ પણ આ પ્રસંગે શ્યામજીને સલાહ આપતાં લખ્યું: ‘તમારી નજર સામે વૈદિક શ્રદ્ધા માટેના મહાન કાર્યોનું સેવાવ્રત રાખજો.’ વિવિધ ગુજરાતી-મરાઠી અખબારોએ પણ આ ‘ગુજરાતી પંડિત’નાં વખાણ કરતા અનેક લેખ લખ્યા. તે સમયે સંજોગવશાત્ એક શ્રીમંત વેપારી છબીલદાસ લલ્લુભાઈ શેઠ શ્યામજીના પરિચયમાં આવ્યા અને તેમની પ્રતિભાથી પ્રભાવિત થઈને આ કરોડપતિ શેઠે પોતાની દીકરી ભાનુમતીનું લગ્ન તેમની સાથે કરી દીધું. ઈ.સ. ૧૮૭૭માં કાશીના વિદ્વાન બ્રાહ્મણોએ તેમને વિધિસર ‘પંડિત’ની પદવીથી વિભૂષિત કર્યા. કોઈ બિન-બ્રાહ્મણનો કાશીના પંડિત તરીકે સ્વીકાર થવાનો આ પ્રથમ બનાવ હતો.
સને ૧૮૭૯માં બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટીના સંસ્કૃતના પ્રોફેસર સર મોનિયર વિલિયમ્સ એને પોતાની સાથે લંડન લઈ ગયા. વિલાયતમાં શ્યામજીએ આસિસ્ટન્ટ સંસ્કૃત પ્રોફેસર તરીકે નોકરી કરવાની સાથે યુરોપની ભાષાઓને અભ્યાસ કરીને સને ૧૮૮૨માં બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. મુંબઈના ગર્વનરે કચ્છના રાજવીને શ્યામજીની પ્રતિભા વિશે લખ્યું એટલે ત્યાંથી સો પાઉન્ડની શિષ્યવૃત્તિ મળવા માંડી. આ જ સમયે ‘રોયલ એશિયાટિક સોસાયટી’એ તેમને ભાષણ માટે નિમંત્રણ આપેલું. ‘હિંદમાં લેખનકળાની શરૂઆત’ એ વિષય પરના તેમના વિદ્વત્તાભર્યા ભાષણથી યુરોપિયનો મંત્રમુગ્ધ થઈ ગયા. સને ૧૮૮૪માં જ એમણે એમ.એ.ની ડિગ્રી મેળવી તથા બેરિસ્ટર પણ થયા. પ્રતિષ્ઠિત ટેમ્પલ્સ ઈન્નમાં દાખલ થનારા તેઓ પ્રથમ ભારતીય બાર-એટ-લૉ હતા. બ્રિટનમાં તેઓ સંસ્કૃતના મહાન વિદ્વાન અને વેદભાષ્ય રચનારા મેક્સમૂલરને પણ મળ્યા. તેમની વિદ્વત્તાથી સૌ પ્રભાવિત થતા હતા.
સને ૧૮૮૫ની સાલમાં તેઓ ભારત પાછા આવ્યા અને રતલામ સ્ટેટના દીવાન થયા, રતલામ સ્ટેટની પ્રગતિ સારી થઈ. રાજા તો ધ્યાન રાખે, રોજિંદો વહીવટ તો દીવાન જ કરે. કુશળ દીવાન રાજ્યની કાયાપલટ કરી દેતો હોય છે. પછી ઉદયપુર રાજ્યના મંત્રી થયા. આ બધી નોકરીઓમાં અને ઇંગ્લૅન્ડ નિવાસમાં તેમનો સંપર્ક અંગ્રેજો સાથે થતો રહ્યો. તેમને સતત લાગ્યા કરતું કે આપણે ગુલામ છીએ. આ બધા સાહેબ છે અને તેઓ આપણને તિરસ્કારની નજરે જુએ છે. સ્વમાન અને અપમાન સાથે ના રહી શકે. જૂનાગઢના દીવાનપદ વખતે કેટલાંક કડવા અનુભવો પણ થયા. છેવટે તેઓ લોકમાન્ય ટિળકને મળ્યા અને તેમની સાથે હિંદની મુક્તિ વિષયક ચર્ચા કરી અને ભારત છોડી પાછા લંડન આવી ગયા.
લંડનમાં તેમની વકીલાત ધમધોકાર ચાલવા લાગી અને તે સાથે તેમણે પોતાના ધનનો સદુપયોગ શરૂ કર્યો. તેમણે ઇન્ડિયન હોમરૂલ સોસાયટી સ્થાપી અને એના પ્રમુખ બન્યા. તે સમયે લોકપ્રિય બની રહેલી સમાનતાની વિચારધારાથી પ્રભાવિત થઈ તેમણે ‘ઈન્ડિયન સોશ્યોલોજિસ્ટ’ નામનું અખબાર પણ શરૂ કર્યું, જે હિંદની સ્વતંત્રતા માટે યુરોપમાંથી શરૂ થયેલું સૌથી પહેલું પત્ર હતું. તેમણે ભારતથી લંડન ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે ‘ઇન્ડિયા હાઉસ’ નામની હોસ્ટેલની સ્થાપના કરી જે આગળ જતાં ભારતીય છાત્રો માટે એક ક્રાંતિધામ થઈ ગયું. આ ‘ઈન્ડિયા હાઉસ’ના ઉદ્ઘાટન પ્રસંગે દાદાભાઈ નવરોજી, લાલા લજપતરાય સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.
પત્ની ભાનુમતી અને શ્યામજી બન્ને ભારતની મુક્તિની પ્રવૃત્તિમાં ખૂપી ગયાં. વીર સાવરકર અને તેમના ભાઈ ગણેશ સાવરકર, મદનલાલ ધીંગરા, સરદારસિંહ રાણા, મૅડમ ભીખાઈજી કામા, લાલા હરદયાલ સહિત અનેક સાહસિકો શ્યામજીના અંગત સાથીદારો બન્યા. તેમણે આવા અનેક ક્રાન્તિકારીઓને પેદા કર્યા અને પ્રોત્સાહિત કર્યા.
ભારતમાં ઈ.સ. ૧૯૦૭માં સુરતમાં મળેલા અધિવેશનથી કોન્ગ્રેસના બે ભાગલા પડ્યા. ફિરોઝશાહ મહેતા અને ગોપાળ કૃષ્ણ ગોખલેનો યુગ અસ્ત થયો. બહુમતિ જહાલ પાંખના લાલ-બાલ-પાલની (એટલે કે લાલા લજપતરાય, બાલ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલની) ત્રિપુટીએ વિજયી બની બ્રિટિશ શાસન સામે ઉગ્ર લડત શરૂ કરી. આ જ અરસામાં શ્યામજી કૃષ્ણ વર્મા અને તેમના સાથીદારોએ લંડનમાં રહીને ભારત પરના અંગ્રેજરાજના વિરોધમાં જોરદાર ઝૂંબેશ ચલાવી. આ જૂથના વંદે માતરમ્, તલવાર અને ગદ્દર જેવા સામાયિકોએ ખુલ્લા બળવાનો જોરશોરથી પ્રચાર કર્યો. આ ઉગ્રવાદની અસર નીચે યુવાન મદનલાલ ધીંગરાએ લંડનમાં એક ભરસભામાં ગોળીબાર કરી કર્નલ વાયલી નામના અંગ્રેજની હત્યા કરી. આ હત્યા માટે શ્યામજી કૃષ્ણ વર્મા અને તેમના મિત્રો ખરા જવાબદાર હતા એ વાત બહાર આવશે એવું સ્પષ્ટ થતાં તે બધા લંડન છોડી યુરોપના અન્ય દેશોમાં જતા રહ્યા. વીર સાવરકર બિનજરૂરી જોખમ ઉઠાવી બ્રિટન આવતાં પકડાઈ ગયા અને આકરી સજા ભોગવવા માટે ભારત મોકલી દેવાયા. સરદારસિંહ રાણા તથા મેડમ કામાએ જર્મની જઈને ભારતનો નવો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ જાતે ડિઝાઈન કરી લહેરાવ્યો. આમ ગુલામ ભારત દેશને પોતાનો પ્રથમ આગવો અને સ્વતંત્ર રાષ્ટ્રધ્વજ મળ્યો.
શ્યામજીએ ફ્રાન્સમાં વસવાટ કરી અંગ્રેજ રાજ સામેની લડત ચાલુ રાખી. પણ આંતરરાષ્ટ્રીય રાજકારણના પ્રવાહો પલટાતાં ફ્રાન્સ અને બ્રિટન પ્રતિસ્પર્ધીના બદલે એક બીજાના મિત્ર બની ગયા. બીજા વિશ્વયુદ્ધથી યુરોપ સળગી ઊઠ્યું. હવે ફ્રાન્સમાં રહી શકાય તેમ ન હતું. તેથી પત્ની ભાનુમતીને લઈને શ્યામજી બાજુના સ્વીટ્ઝરલેન્ડના શહેર જીનીવામાં પહોંચી ગયા. સ્વીટ્ઝરલેન્ડ એક અનોખો દેશ છે. તે યુરોપની બરાબર મધ્યમાં છે પરંતુ ત્યાંની પ્રજા શાંતિપ્રિય છે અને તેણે ક્યારે કોઈની સાથે યુદ્ધમાં ન ઉતરવાની કે અન્ય કોઈ પણ દેશ સાથેના કે દેશો વચ્ચેના સંઘર્ષમાં સીધી કે આડકતરી રીતે સામેલ ન થવાની જાહેર, સત્તાવાર, પાકી અને અફર નીતિ અપનાવી છે. સ્વીટ્ઝરલેન્ડમાં રહેતા કોઈ એ નીતિનો ભંગ ન કરી શકે. આમ જીનીવામાં આગમન સાથે શ્યામજી કૃષ્ણ વર્માની બ્રિટિશ સામ્રાજ્ય સામેની સંઘર્ષપૂર્ણ રાજકીય કારકિર્દીનો અચાનક અંત આવ્યો.
એક સમયના અનેક રજવાડાંનો દીવાન, કરોડપતિ સસરાનો જમાઈ જીનીવાના દૂરના પરામાં એક અંધારી ઓરડીમાં રહેવા લાગ્યો. બેરિસ્ટર તરીકેની બધી આવક દેશકાર્યોમાં વાપરી નાખી હતી. હવે કોઈ આવક ન હતી અને અહીં કોઈ સહાયક ન હતું. રાષ્ટ્રભક્તિના માર્ગે સેવા કરવા માગનારને ગરીબી ભોગવતાં પણ આવડવું જોઈએ. કરોડપતિની દીકરી ભાનુમતીએ કદી કચવાટ ન કર્યો. “જ્યાં પતિ ત્યાં હું” એવું કહી તેણે હસતાં હસતાં દરિદ્રતા સ્વીકારી લીધી. દરિદ્રતાની સાથે બીમારી પણ આવી ગઈ. આંતરડાં બગડ્યાં. સતત પ્રતિકૂળ આહાર કરનારને આંતરડાનો રોગ પાછલી અવસ્થામાં થતો હોય છે. બીમારી લાંબી ચાલી. અંધારી ઓરડીમાં એકલાં પતિ-પત્ની, ઓરડીમાં અંધકાર અને જીવનમાં પણ અંધકાર. તા. ૩૧મી માર્ચ, ૧૯૩૦ના રોજ રાત્રે ૧૧.૩૦ વાગ્યે વિલાપ કરતી પત્નીને છોડીને શ્યામજી કૃષ્ણ વર્માએ આ ફાની દુનિયામાંથી વિદાય લઈ લીધી.
જતાં જતાં દાનવીર શ્યામજીએ પોતાની છેલ્લી પૂંજી પણ વસિયતનામું કરી દાનમાં આપી દીધી. જીનિવા યુનિવર્સિટીને સમાજશાસ્ત્રને લગતા વિષય પરના સારા નિબંધ માટે ૧૦,૦૦૦ ફ્રાન્ક, ગરીબ ફ્રેન્ચ બાળકોના દવાદારૂ માટે ૧૦,૦૦૦ ફ્રાન્ક, ભારતીય વિદ્યાર્થીઓને ૨૦ લાખ રૂપિયા, ફ્રાન્સની સોર્બોન્ન યુનિવર્સિટીને પોતાના અંગત સંગ્રહમાંના ૩,૧૦૦ મૂલ્યવાન પુસ્તકો, કચ્છ માંડવીમાં હોસ્પિટલ માટે રૂપિયા એક લાખ વગેરે તેમની અંતિમ ભેટ હતી. ઈ.સ.૧૯૩૨માં તેમના પત્ની ભાનુમતીનું પણ તે જ અંધારી ઓરડીમાં અજ્ઞાતવાસમાં અવસાન થયું. આજે પણ જીનિવા શહેરની જાણીતી સેન્ટ જ્યોર્જ સિમેન્ટરીમાં બે નાનકડી સ્મારિકા બાજુ બાજુમાં છે જેના પરની એક નાનકડી તખ્તી પર વાંચી શકાય તેમ લખ્યું છે
શ્યામ કૃષ્ણ વર્મા ૧૮૫૭-૧૯૩૦
ભાનુમતી કૃષ્ણ વર્મા ૧૮૬૨-૧૯૩૨
|