[પાછળ] 
કસ્તૂરબાના એ આખરી દિવસો

તા. ૮મી ઑગસ્ટ, ૧૯૪૨ના રોજ ગાંધીજીએ મુંબઈથી ‘ક્વિટ ઇંડિયા’ ચળવળ ઉપાડી અને બીજે જ દિવસે તા. ૯મી ઑગસ્ટે સવારના પાંચ વાગે એમની ધરપકડ કરવામાં આવી. સાથે મહાદેવભાઈ દેસાઈ અને મીરાંબહેનની પણ ધરપકડ થઈ. બા અને પ્યારેલાલને કહેવામાં આવ્યું કે એમની ધરપકડ કરવામાં આવતી ન હતી પણ જો ઇચ્છે તો એ બે જણાં ગાંધીજીની સાથે જઈ શકે, પણ ગાંધીજીએ તુરંત કસ્તૂરબાને કહ્યું, તું રહી ન શકે તેમ હોય તો ભલે સાથે ચાલ, પણ હું ઇચ્છું છું કે તું મારી સાથે આવે તેને બદલે તું મારું કામ કરે. બાએ તુરંત બાપુનું કાર્ય કરવાનું સ્વીકાર્યું.

ગાંધીજી એ દિવસે સાંજના શિવાજી પાર્કમાં ભાષણ કરવાના હતા. બાએ જાહેર કર્યું કે બાપુની અવેજીમાં પોતે ભાષણ આપશે. હવે આખો તખ્તો પલટાઈ ગયો. સરકાર કસ્તૂરબાને ભાષણ કરવા માટે છૂટા રાખે તેમ ન હતું. બાની ધરપકડ થાય તો ડૉ. સુશીલા નય્યરે ભાષણ આપવા જવું એવું નક્કી કર્યું. સુશીલાબહેને સામાન બાંધીને તૈયાર કરી લીધો.

પોણા પાંચ વાગે સભા સ્થળે જવા બા બહાર નીકળ્યાં. દરવાજા પર પોલીસ અધિકારી એમની રાહ જોતો ઊભો હતો. એણે બાને સમજાવતાં કહ્યું, 'બા, તમારી ઉંમર ઘરે બેસીને આરામ કરવાની છે. તમે સભામાં ન જાવ.'

બાએ સભામાં જવાનો નિર્ધાર પ્રગટ કર્યો. અધિકારીએ કહ્યું, 'તો મારે તમારી ધરપકડ કરવી પડશે.' એમની ધરપકડ થઈ. બા જો ભાષણ આપી ન શકે તો સુશીલાબહેન ભાષણ આપશે એવું કહેવામાં આવતાં પોલીસે એમની પણ ધરપકડ કરી તો હવે પ્યારેલાલ ભાષણ આપવા જશે એવું કહેવામાં આવતા અધિકારીએ પ્યારેલાલની પણ ધરપકડ કરી.

ત્રણેયને પોલીસ વાનમાં બેસાડીને આર્થર રોડ જેલમાં લઈ ગયા. તા. ૧0-૮-૧૯૪૨ના રોજ ટ્રેન દ્વારા એમને મુંબઈથી પૂના તરફ લઈ જવામાં આવ્યાં. ચીંચવડ ગામે તેમને ટ્રેનમાંથી ઉતાર્યા. ત્યાંથી તા. ૧૧મીએ કસ્તૂરબાને આગાખાન મહેલમાં લઈ જવામાં આવ્યા કે જ્યાં બાપુને રાખવામાં આવ્યા હતા. બાપુની ઓરડીના ઊંબરે બા આવીને ઊભાં. ૭૩ વર્ષના ગાંધીજી હાથમાં કેટલાક કાગળ લઈને એકાગ્રતા પૂર્વક વાંચી રહ્યા હતા. એમના બીજા હાથમાં પેન્સિલ હતી. મહાદેવભાઈ દેસાઈ તેમની પાછળ ઊભા હતા. બાને ત્યાં આવેલાં જોઈએ બાપુની ભ્રૂકુટી ઊંચી ચડી ગઈ. પૂછ્યું, 'તેં અહીં આવવાની ઇચ્છા બતાવી કે પોલીસ તને પકડી લાવી?'

બા તો સ્તબ્ધ થઈને જોઈ જ રહ્યાં. એક પળ કશું બોલી ન શક્યાં. પછી કહ્યું, 'ના, ના, મેં એવું કહ્યું ન હતું - પોલીસે મારી ધરપકડ કરી છે.'

તા. ૧૧મી ઑગસ્ટ, ૧૯૪૨ના રોજ આગાખાન મહેલમાં લવાયેલાં કસ્તૂરબા પછી ક્યારેય બહાર ન જઈ શક્યાં. આગાખાન મહેલની અટકાયત છાવણીમાં જ તા. ૨૨મી ફેબ્રુઆરી, ૧૯૪૪ના રોજ એમનું દુઃખદ નિધન થયું. ૬૨ વર્ષના પ્રેમાળ દાંપત્યજીવનનો અંત આવ્યો.

આ બધી વિગત જગજાહેર છે. પણ બીમાર કસ્તૂરબાને જરૂરી અને યોગ્ય સારવાર મળે તે માટે ગાંધીજીએ સત્તાધિશોને કેટકેટલા કાગળ લખવા પડ્યા હતા? કેટલી કાકલૂદી કરવી પડી હતી? અને સત્તાધિશોએ દરદીને દાક્તરી સારવાર માટે કેટલા અને કેવી રીતે વંચિત રાખ્યા? તે આપણે કોઈ જાણતા નથી.

જીવલેણ થઈ રહેલી પત્નીની બીમારીમાં દાક્તર મેળવવામાં અક્ષમ્ય ઢીલના મૂક સાક્ષી બનીને બેસી રહેવામાં ગાંધીજીએ કેટલી વેદના ભોગવવી પડી હશે? ચાલો, જરા સમજીએ.

આગાખાન મહેલમાં મહાદેવભાઈનું દુઃખદ નિધન તા. ૧૫ ઑગસ્ટ, ૧૯૪૨ના રોજ થયું, ત્યાર પછી લગભગ બે મહિને કસ્તૂરબાની તબિયત લથડી. એ એમની મોટી બીમારી હતી. તેમાંથી સાજાં થયાં, પણ તબિયત નાદુરસ્ત રહી.

ત્યારબાદ, ૧૯૪૩ના નવેમ્બરના છેલ્લા અઠવાડિયા દરમિયાન એમની તબિયત લથડવા લાગી. જાતે નહાવાની શક્તિ પણ તેમનામાં રહી ન હતી. એમને સ્પંજ કરવામાં આવતું. ડૉ. ગિલ્ડર અને ડૉ. સુશીલા નય્યરે જેલના અધિકારીઓને જાણકારી આપી. તા. ૩જી ડિસેમ્બરે ડૉ. શાહે કહ્યું કે તેમણે બાને અટકાયતમાંથી મુક્ત કરવાની ભલામણ કરી છે.

તા. ૫મી ડિસેમ્બરે એ ખબર મળ્યા કે સરકારે રામદાસભાઈ અને દેવદાસભાઈને આવી જવા માટે તાર કર્યા છે. બીજા દિવસની રાતે દેવદાસભાઈ પૂના આવ્યા અને બાની તબિયત જોઈ ગયા.

સાતમી ડિસેમ્બરે રામદાસભાઈનાં પત્ની નિર્મળાબહેન આવ્યાં. એમણે ગાંધીજીને જણાવ્યું કે એ પોતે હાલમાં ડૉ. દિનશા મહેતાને ત્યાં રહે છે. એમણે કહેવડાવ્યું છે કે જો સરકાર રજા આપે તો ડૉક્ટર મહેતા, કસ્તૂરબા માટે પોતાની સેવા આપવા તૈયાર છે. ગાંધીજીએ કહ્યું કે તું રામદાસને પણ આ જણાવજે. એ જ દિવસે સાંજે દેવદાસભાઈ મળવા આવ્યા.

આ બાજુ બાની તબિયત લથડતી જતી હતી. ચોવીસે કલાક એમની સેવામાં કોઈકની હાજરીની જરૂર પડવા લાગી હતી. કનુ (નારણદાસ) ગાંધી એમની સાથે હળીમળી ગયો હતો. આથી બાની સેવા માટે કનુ ગાંધીને આવવાની મંજૂરી મળે તેવી વિનંતી ગાંધીજીએ તા. ૬ઠ્ઠી જાન્યુઆરી, ૧૯૪૪ના રોજ કરી હતી. અને જો કનુ ગાંધીને મંજૂરી મળી શકે તેમ ન હોય તો પ્રભાવતી જયપ્રકાશ નારાયણને મોકલવામાં આવે તેમ જણાવ્યું. પણ સરકાર તરફથી કોઈ જવાબ આવ્યો નહીં. પણ છેક તા. ૧૨ જાન્યુઆરી, ૧૯૪૪ના રોજ સરકારે પ્રભાવતીબહેનને મોકલ્યાં.

બીમાર કસ્તૂરબાએ સરકારી ડૉ. શાહને કહ્યું કે તેમને આયુર્વેદિક ઉપચારમાં શ્રદ્ધા છે, માટે પૂનાના પ્રાકૃતિક ચિકિત્સાવાલા ડૉ. દિનશા મહેતાને બોલાવવામાં આવે તો સારું. પણ સરકાર તરફથી કોઈ જવાબ આવ્યો નહીં.

આથી તા. ૨૭ જાન્યુઆરી, ૧૯૪૪ના રોજ, ગાંધીજીએ હિંદી સરકારના હોમ ડિપાર્ટમેંટના વધારાના મંત્રીને પત્ર લખીને વિનંતી કરી કે કસ્તૂરબાને ડૉ. દિનશા મહેતાની સારવાર હેઠળ રાખવામાં આવે. પત્રમાં યાદ દેવડાવ્યું કે કનુ ગાંધીને આવવા દેવાની મંજૂરી માટેના પત્રનો પણ હજુ કોઈ ઉત્તર મળ્યો નથી.

સરકાર તરફથી કોઈ રાહત તો મળતી ન હતી, તેટલું ઓછું હોય તેમ અટકાયત છાવણીમાં પણ પ્રતિબંધો વધતા જતા હતા. જેલના અધિકારીઓ અગાઉથી મંજૂરી મેળવીને આવેલા મુલાકાતીઓને છાવણીમાં મળવા દેતા, પણ તે વખતે કસ્તૂરબાની સારવારમાં જે કોઈ હોય તેને બહાર નીકળી જવું પડતું.

ગાંધીજીએ સરકારને લખ્યું, આ મારી 'સતામણીનો સૌથી આકરો દાખલો છે.' એમણે લખાણમાં ઉમેર્યું, 'શ્રીમતી કસ્તૂરબા ગાંધી સરકારનાં દરદી છે. અને તેમના પતિ તરીકે એમને વિશે મારે કશુ કહેવાનું ન હોય, એ હું બરાબર સમજું છું... તે સાજાં થાય એ અથવા ધીમે ધીમે તે મૃત્યુ તરફ જઈ રહ્યા હોય તો તે કાળ દરમિયાન કંઈ નહીં તો તેમને માનસિક શાંતિ મળે એ જોવાનું મારું તેમ જ સરકારનું ઉભયનું કર્તવ્ય છે.' (તા. ૨૯-૧-૧૯૪૪.)

સરકારનું આવું વલણ જોઈને રામદાસભાઈએ બાપુને કહ્યું કે બાને કેદમાં રાખીને સરકાર નકામું જોખમ લે છે. સારવાર આપવા દેવી ન હોય તો બાને અટકાયતમાં શા માટે રાખી છે. ત્યારે જ ગાંધીજીએ જે કહ્યું તે નોંધનીય છે. એમણે કહ્યું કે ‘બાને છોડવામાં સરકારને વધુ જોખમ છે. કેમ કે જો બા બહાર ગુજરી જાય તો સરકારે મને છોડવો પડે, સરકાર આ જોખમ લેવા તૈયાર નથી.’

તા. ૩૧ જાન્યુઆરીએ ગાંધીજીએ સરકારને લખવું પડ્યું કે એમના કોઈ પત્રનો હજુ જવાબ મળ્યો નથી. દરદીની હાલત બિલકુલ સારી નથી. એમની સારવાર કરનારાઓ ભાંગી પડવાની અણી ઉપર છે... દરદીની ધીરજ ખૂટી છે અને 'ડૉ. દિનશા ક્યારે આવશે?' એમ પૂછ્યા કરે છે.

વહેલામાં વહેલી તકે, બની શકે તો આવતી કાલે, મને નીચેની બાબતોનો ખુલાસો મળે એમ ઇચ્છું છું.
  • આખા વખતના બરદાસી તરીકે શ્રી કનુ ગાંધી અહીં આવી શક્શે?

  • અત્યાર પૂરતી ડૉ. દિનશા મહેતાની સેવા મેળવી શકાશે?

  • મુલાકાતો દરમિયાન હાજર રહેનારાઓની સંખ્યા અંગેનો પ્રતિબંધ દૂર કરી શકાશે? રાહત બહુ મોડી આવી એમ કહેવાનો વખત ન આવે એમ ઇચ્છું છું.
ત્રીજી ફેબ્રુઆરીએ ગાંધીજીએ સરકારને ફરીથી પત્ર લખીને પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું કે શ્રીમતી ગાંધીએ મને પૂછ્યું કે ડૉ. મહેતા ક્યારે આવે છે, વૈદ એમને તપાસીને દવા આપશે કે કેમ? ત્યારે મેં કહ્યું કે, "આપણે કેદી છીએ અને મરજી મુજબ આપણે વસ્તુઓ ન મેળવી શકીએ... ". ડૉ. મહેતા તથા લાહોરવાળા વૈદરાજ શર્માની બાબતમાં તાકીદે હુકમ કરવાની હું વિનંતી કરું છું. વૈદરાજને આવતાં થોડી વાર થશે પણ અંદર બોલાવવાની સતા આપવામાં આવે તો ડૉ. મહેતા તો આજે પણ અહીં આવી શકે... દરદીની જિંદગી જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતી હોય અને વખતસરની મદદથી તે બચે એમ હોય ત્યારે, આવી ઢીલ હું સમજી શકતો નથી.

ગાંધીજીએ જેલના ઑફિસરોને વૈદને બોલાવવાનો આગ્રહ કર્યો. જેલના અધિકારીઓએ કહ્યું, "એ અમારા હાથમાં નથી. મુંબઈ સરકારને ફોન કરીને અમે પૂછીએ છીએ." મુંબઈ સરકારે જવાબ આપ્યો," અમારા હાથમાં નથી. દિલ્હી સરકારને અમે ફોન કરીએ છીએ."

આખરે તા. ૩જી ફેબ્રુઆરીએ સરકારે એવો મુજબનો જવાબ આપ્યો કે કનુ ગાંધીને ત્યાં રહેવાની મંજૂરી આપવામાં આવે છે, પણ હવે વધારાની કોઈ માંગણી મંજૂર થશે નહીં. ઉપરાંત, "વૈદકીય કારણોસર બિલકુલ જરૂરી છે એવું સરકારના તબીબી અધિકારીઓને લાગે તે સિવાયના બહારના કોઈ પણ દાક્તરને આવવા દેવામાં નહીં આવે, એવું સરકારે નક્કી કર્યું છે."

(દાક્તરની જરૂરિયાત વિશેની સરકારની આ બાબત સત્યથી વેગળી હતી, કેમ કે તા. ૩૧ જાન્યુઆરી, ૧૯૪૪ના રોજ ડૉ. સુશીલા નય્યર અને ડૉ. ડી. ડી. ગિલ્ડરે સંયુક્ત રીતે પત્ર લખીને જણાવ્યું હતું કે શ્રીમતી કસ્તૂરબા ગાંધીની સ્થિતિ ધીમે ધીમે બગડતી જાય છે... આ સંજોગોમાં ડૉ. જીવરાજ મહેતા (યરવડા સેંટ્રલ જેલ) તથા ડૉ. બિધાનચંદ્ર રોય (કલકત્તા)ની સલાહ લેવા અમે ઇચ્છીએ છીએ.)

કસ્તૂરબા ગાંધી માટે આયુર્વેદના કોઈ વૈદની જરૂર છે કે કેમ એ વિશે ગાંધીજીની જેલના ઇંસ્પેક્ટર જનરલ સાથે તા. ૧૧મી ફેબ્રુઆરીએ ફરીથી વાત થઈ હતી. તેના સમર્થનમાં ગાંધીજીએ લેખિત ચિઠ્ઠી આ મુજબની આપી હતી, 'એલોપથીથી ઇતર પદ્ધતિની વૈદકીય સહાયનો આશરો લેવાની સંપૂર્ણ જવાબદારી મારે શિરે રહેશે, અને એવી જાતના ઉપચારોનું માઠું પરિણામ આવે તો એની જવાબદારીમાંથી સરકાર મુક્ત રહેશે."

સરકારને આ મુજબની લેખિત બાંયધરી આપ્યા છતાંય સારવારમાં કશો ફરક પડ્યો નહીં. કેમ કે વૈદરાજને પ્રવેશ મળ્યો, પણ રાતે અટકાયતની છાવણીમાં રહેવાની એમને મનાઈ હતી. ખરી વાત તો એ છે કે દરદીના હિતમાં જરૂર જણાય ત્યાં સુધી એમને દરદી પાસે રહેવાની છૂટ મળવી જોઈતી હતી. પણ તેવી છૂટ મળી ન હોવાથી ભલા વૈદરાજ આગાખાન મહેલની બહાર મોટરમાં આખી રાત ગુજારી રહ્યા હતા.

તા. ૧૩મી ફેબ્રુઆરીની રાતે કસ્તૂરબાની તબિયત એટલી બગડી ગઈ હતી કે ડૉ. સુશીલા નય્યર ગભરાઈ ગયાં અને ડૉ. ગિલ્ડરને જગાડવા પડ્યા હતા. ગાંધીજીને તો એમ જ લાગ્યું કે બા હવે ગયાં.

વૈદરાજને બોલાવવાની જરૂર લાગતાં પહેલાં તો એક સિપાઈને જગાડવો પડ્યો. સિપાઈએ જમાદારને જગાડ્યો. જમાદાર સુપરિન્ટેન્ડેન્ટ પાસેથી ચાવી લઈને મોટરમાં બેઠેલા વૈદરાજને અંદર લઈ આવ્યો. ત્યાર પછી સુપરિન્ટેન્ડેન્ટ સાહેબ વૈદરાજને બાના ઓરડામાં લઈ આવ્યા. વૈદરાજ બાના ઓરડામાં રહ્યા ત્યાં સુધી સુપરિન્ટેન્ડેન્ટ સાહેબ બેસી રહ્યા.

આથી ગાંધીજીએ પરિસ્થિતિનો સંપૂર્ણ ચિતાર આપતો પત્ર તા. ૧૪-૨-૧૯૪૪ના રોજ લખ્યો. એને ફરીથી વિનંતી કરી કે વૈદરાજને અટકાયત છાવણીમાં રહેવાની છૂટ આપવામાં આવે.

પણ સરકારે એવી છૂટ આપી નહીં અને ન આપવા માટેનું કોઈ કારણ જણાવવાનું પણ સરકારને જરૂરી ન લાગ્યું. વૈદરાજ લાગલગાટ ત્રણ રાત અટકાયતની છાવણી બહાર મોટરમાં બેઠા રહ્યા કે જેથી દરદીને તુરંત સારવાર આપી શકાય.

નિઃસહાય દશામાં, કસ્તૂરબાના બીછાના પાસે બેઠા બેઠા રાત્રે બે વાગે ગાંધીજીએ તા. ૧૬ ફેબ્રુઆરીએ ફરીથી પત્ર લખીને પોતાની વ્યથા પ્રગટ કરી.

પત્રમાં એમણે ત્રણ દરખાસ્ત સરકાર પાસે રજૂ કરીઃ

૧. દરદીના હિતમાં જરૂરી જણાય ત્યાં સુધી વૈદરાજને દિવસ-રાત છાવણીમાં રહેવાની છૂટ આપવામાં આવે.

૨. આ બાબતમાં સરકાર સંમત ન થઈ શકે તો, વૈદરાજની સારવારનો પૂરેપૂરો લાભ લઈ શકે તે માટે, દરદીને પેરોલ પર છોડવામાં આવે.

૩. જો આ બેમાંથી એકે દરખાસ્ત સરકારને મંજૂર ન હોય, તો દરદીની સંભાળમાંથી મને મુક્ત કરવાની હું વિનંતી કરું છું... દરદી જે વેદના ભોગવી રહ્યાં છે તેનો એક અસહાય સાક્ષી મને ન બનાવવો જોઈએ."

બીજે જ દિવસે વૈદરાજ શ્રી શિવશર્માએ ગાંધીજીને સખેદ જણાવ્યું કે પોતાના બધાય ઉપચારો અજમાવ્યા પછી પણ માંદગી મટી જશે એવું લાગતું નથી.

તા. ૧૮મી ફેબ્રુઆરીએ ગાંધીજીએ સરકારને વિનંતીભર્યો પત્ર લખ્યો કે ડૉ. ગિલ્ડર અને ડૉ. સુશીલા નય્યરની જેમ વૈદરાજનું પણ અહીં આવવાનું ચાલુ રાખે. અને પછી જણાવ્યું એક વૈદરાજ અને ડૉ. મહેતાની સેવાઓ માટેની મારી વિનંતી માન્ય કરવામાં સહેલાઈથી ટાળી શકાય એવી ઢીલ ન થઈ હોત તો દરદીની સ્થિતિ આજે છે એટલી હદે જોખમમાં ન હોત, એમ કહ્યા વિના હું રહી શકતો નથી." આખરે, આ સંયોગો વચ્ચે તા. ૨૨મી ફેબ્રુઆરી, ૧૯૪૪ના રોજ સાંજે ૭.૩૫ કલાકે કસ્તૂરબાએ છેલ્લો શ્વાસ લીધો. કસ્તૂરબાની અંતિમક્રિયા વિશે ગાંધીજીની શી ઇચ્છા છે એ જાણવા માટે જેલોના ઇંસ્પેક્ટર જનરલે સરકાર વતી પૂછપરછ કરી. સાંજે ૮ને ૭ મિનિટે ગાંધીજીએ નીચે મુજબ જવાબ આપ્યોઃ

૧. એમનો દેહ મારા પુત્રો તથા સગાંવહાલાંને સોંપવામાં આવે. એનો અર્થ એ થાય કે સરકાર તરફની દખલ વિના જાહેર અંતિમ ક્રિયા થશે.

૨. એ જો શક્ય ન હોય, તો મહાદેવ દેસાઈની રીતે અંતિમક્રિયા થાય. અને જો સરકાર અંતિમ ક્રિયા વખતે માત્ર સગાંસંબંધીઓને જ હાજર રહેવાની છૂટ આપે, ને મારાં સગાંસંબંધીઓ જેવા જ જે બધા મિત્રો તેમનેય ત્યાં હાજર રહેવા ન દેવામાં આવે, તો એ હક હું સ્વીકારી શકું એમ નથી.

૩. જો સરકારને એ પણ માન્ય ન હોય તો સ્વર્ગસ્થને મળવા માટે જેમને અહીં આવવા દેવામાં આવ્યા હતા તેમને પણ હું બહાર મોકલી દઈશ. અને જેઓ અટકાયતીઓ તરીકે છાવણીમાં રહે છે તેઓ જ અંતિમક્રિયા વખતે હાજર રહેશે."

"મારા જીવનસથીની આ ભારે કસોટી કરનારી બીમારીમાંથી કશોય રાજકીય લાભ ન ઉઠાવવાની મારી હંમેશની ચિંતા રહી છે, જે હકીકતની સાક્ષી સરકાર પણ પૂરી શકશે. પરંતુ તે જે કંઈ કરે તે વિવેકની મર્યાદા જાળવીને કરે એમ હું હંમેશા માગતો હતો. પણ મારે કહેવું પડે છે કે, એ વસ્તુનો આજ સુધી તો અભાવ જણાયો છે. પણ હવે દરદીની હયાતી બાદ તેમની અંતિમક્રિયા બાબતમાં સરકાર જે કાંઈ નક્કી કરે તે વિવેક જાળવીને કરવામાં આવે એવી અપેક્ષા રાખવી વધારે પડતી નહીં ગણાય."

અગ્નિસંસ્કાર જાહેરમાં થાય એવું સરકાર ઇચ્છતી ન હતી. સરકારને ડર હતો કે રખેને લોકોમાં જાગૃતિનો જુવાળ પેદા થાય. સરકાર તેની સામેનું કોઈ નવું જોખમ ઉઠાવવા તૈયાર ન હતી. સરકારે ગાંધીજીને સૂચવેલો બીજો પ્રસ્તાવ સ્વીકાર્યો. તા. ૨૩મી ફેબ્રુઆરી ૧૯૪૪ના રોજ આગાખાન મહેલમાં કસ્તૂરબાના અગ્નિસંસ્કાર, જ્યાં મહાદેવભાઈના અગ્નિસંસ્કાર થયા હતા તે જ સ્થળે, કુટુંબીજનો અને મિત્રોની હાજરીમાં કરાયા હતા.

જો કે ત્યાર પછી પણ, સરકારે વિવેક જાળવ્યો નહીં. સરકારે પાર વગરની કિન્નાખોરી અને આડાઈ દર્શાવી. કસ્તૂરબાના અવસાન બદલ અંગ્રેજ સરકાર વતી શોક વ્યક્ત કરતાં એજ્યુકેશન બોર્ડના પ્રમુખ મિ. આર. એ. બટલરે જૂઠો પ્રચાર કર્યોઃ કસ્તૂરબાની માંદગીમાં શક્ય તેટલી બધી જ માવજત અને સંભાળ આપવામાં આવી હતી. ઉપરાંત એમણે એમ કહ્યું કે "અગ્નિસંસ્કાર મિ. ગાંધીની માંગણીથી પૂના, આગાખાન મહેલની ભૂમિ ઉપર કરવામાં આવ્યા હતા."

છાપાંઓમાં પ્રગટ થયેલા આ અહેવાલ વાંચીને ગાંધીજીએ જેલમાંથી તા. ૪ માર્ચ, ૧૯૪૪ના રોજ પત્ર લખીને વિરોધ નોંધાવ્યો, અને સ્પષ્ટતા કરી કે, "મારી પત્નીએ કે મેં માગેલી મદદ જ્યારે આપવામાં આવી ત્યારે પણ લાંબા વિલંબ પછી આપવામાં આવી હતી, અને દરદી માગે તે અથવા તો મને જરૂરી જણાય તે મદદ જો હું એમને માટે મેળવી ન શકું તો મને તેમનાથી છૂટો પાડવામાં આવે, કેમ કે દરદી જે વેદના ભોગવી રહ્યાં છે તેનો એક અસહાય સાક્ષી ન બનાવવો જોઈએ, એમ જ્યારે મેં જેલના સત્તાવાળાઓને કહ્યું, ત્યારે જ આયુર્વેદના જાણકાર વૈદને આવવાની પરવાનગી આપવામાં આવી હતી. અને તા. ૧૮મી ફેબ્રુઆરીએ જેલોના ઇંસ્પેક્ટરને પત્ર લખ્યો ત્યારે જ વૈદરાજની સેવાનો હું પૂરેપૂરો ઉપયોગ કરી શક્યો."

ગાંધીજીના આ પત્રનો હિંદી સરકારના વધારાના સેક્રેટરી મિ. રીચાર્ડ ટૉડનહામે તા. ૨૧ માર્ચ, ૧૯૪૪ના રોજ એક દંભી ખુલાસો આપતાં જણાવ્યું કે "દાક્તરોને બોલાવવાની બાબતમાં હિંદી સરકારે ગેરવાજબી વલણ દાખવ્યું હતું એમ તમને લાગે છે એથી તેને (સરકારને) ખેદ થાય છે... તમે ઇચ્છો તે બધીયે સારવાર અને ઉપચારો તમારાં પત્નીને મળી શકે એ માટે શક્ય એટલું બધું સરકારે કર્યું હતું."

ગાંધીજીએ ફરીથી તા. ૧લી એપ્રિલે વિગતવાર જવાબ આપ્યો કે સરકારે ઓછામાં ઓછો છ અઠવાડિયાં બાદ ડૉ. મહેતાની પરમિશન આપી હતી... વૈદરાજ શર્મા વિશે ગાંધીજીએ કહ્યું કે આઠ કરતાંય વધારે અઠવાડિયાં પછી વૈદરાજની સેવા મળી શકી હતી." દરદીને તથા મારે વેઠવી પડેલી મુશ્કેલીઓ અને ઢીલ સરકારના એક યા બીજા ખાતાને કારણ કે સરકારી દાક્તરોને કારણે પણ થવા પામી હોય તો પણ એની જવાબદારી તો બેશક હિંદી સરકારને માથે જ રહે છે."

આ પછીય સરકારનો જૂઠ્ઠો પ્રચાર તો ચાલતો જ રહ્યો અને ગાંધીજી પત્રો મારફત એનો વિરોધ કરતા રહ્યા. આખરે, તા. ૨૯ એપ્રિલે સરકારને પત્ર લખીને જણાવ્યું કે "આ અંગે પત્રવહેવાર ચાલુ રાખવાનો અર્થ સરે એમ નથી."

આ તવારીખના સંદર્ભ પુસ્તકોની યાદીઃ
૧. ગાંધીજીનો અક્ષરદેહ, ગ્રંથ ૭૭.
૨. ગાંધીજીનો સરકાર સાથેનો પત્રવ્યવહાર (૧૯૪૨-૪૪)
૩. મારું જીવન એ જ મારી વાણી, ચોથો ખંડ, નારાયણ દેસાઈ.
૪. કામણગારા ગાંધીજી, જિતેન્દ્ર દવે.
૫. અમારાં બા - વનમાળા પરીખ, સુશીલા નાયર.
 [પાછળ]     [ટોચ]