[પાછળ]
વિજ્ઞાનના સોપાન-૨
લેખક: તુષાર જ. અંજારિયા

જીવ વિજ્ઞાનની શોધખોળ

કોષનું અસ્તિત્વ
ઈ.સ. ૧૬૬૫માં રોબર્ટ હુકે શોધ કરી કે કોષ એ તમામ જીવતા જીવના દેહનો આધાર સ્તંભ છે. કોષ એ શરીર રચનાનું એકમ છે. કરોડો કોષ દ્વારા જીવંત વનસ્પતિઓ, જંતુઓ અને પ્રાણીઓની રચના થાય છે. શરીરની કાર્યપદ્ધતિ કોષના અભ્યાસથી સમજી શકાય છે. હુકની આ શોધ જીવ વિજ્ઞાનીઓને પ્રત્યેક જીવની દેહરચના સમજવા ઘણી ઉપયોગી સાબિત થઈ છે. હુકે સૂક્ષ્મદર્શક યંત્ર (માઈક્રોસ્કોપ) પણ બનાવ્યું હતું જેનાથી સૂક્ષ્મ સજીવોની દુનિયા સમજવાના દ્વાર ઉઘડી ગયા.

અશ્મિઓ
ઈ.સ. ૧૬૬૯માં નિકોલસ સ્ટેનોએ શોધ કરી કે અશ્મિઓ એ શરૂઆતના જીવંત સજીવના બાકી બચેલા અવશેષો છે. નિકોલસ સ્ટેનોએ "અશ્મિ"ની સૌપ્રથમ વ્યાખ્યા આપી. એણે અશ્મિઓની ઉત્પત્તિ અને ગુણોની જાણકારી આપી.

અત્યારે નેસ્તનાબૂદ થઈ ગયેલી પ્રાચીન યુગની અનેક વનસ્પતિઓ અને પ્રાણીઓ વિષે અભ્યાસ કરવા માટે એમના અશ્મિઓના અવશેષ જ એક માત્ર કડી બચી છે. એના દ્વારા જ આપણે અગાઉના જીવન અને વાતાવરણને સમજી શકીએ. પ્રાચીન ખડકોમાંથી મળેલા અશ્મિઓના અવશેષોનું સાચી રીતે મૂલ્યાંકન કરીને વૈજ્ઞાનિકો પૃથ્વી પરથી નાશ પામેલા જીવો વિષે જાણી શકે છે.

બેક્ટિરિયા
ઈ.સ. ૧૬૭૪માં એન્તોન વાન લ્યુવેન્હોકે પ્રથમ પાણીના પ્રત્યેક કણમાં બેક્ટિરિયા શોધી કાઢ્યા હતા અને એના દ્વારા એણે મનુષ્યની આંખથી જોઈ નથી શકાતી એવી પણ સર્વત્ર વ્યાપ્ત રહેલી સૂક્ષ્મ જીવસૃષ્ટિ ઈ.સ. ૧૬૮૦માં શોધી કાઢી. ત્યાર બાદ એણે આવા અદ્રશ્ય સૂક્ષ્મ જીવોની શોધ આગળ વધારી અને આવા સૂક્ષ્મ જીવ એને દરેક જગ્યાએ મળ્યા - મનુષ્યની આંખની પાંપણમાં, ચામડીમાં અને ધૂળમાં. એણે સુંદર, સચોટ ચિત્રો દોરીને આ સૂક્ષ્મ જીવોની વિશેષ સમજ આપી.

એના આ સંશોધનથી વિજ્ઞાનની સૂક્ષ્મ જંતુશાસ્ત્ર (માઈક્રો-બાયોલોજી)ની શાખા શરૂ થઈ. કોષપેશીના અભ્યાસની અને વનસ્પતિઓના અભ્યાસની નવી દિશા ઉઘડી.

પ્રકાશ સંશ્લેષણ
ઈ.સ. ૧૭૭૯માં જાન ઇન્જેનહાઉઝે શોધ કરી કે વનસ્પતિઓ સૂર્યપ્રકાશ વડે હવામાંના કાર્બન ડાયોક્સાઈડનું પરિવર્તન કરી તેનું નવા પદાર્થમાં રૂપાંતર કરે છે. પ્રકાશ સંશ્લેષણની આ શોધ વનસ્પતિઓની જીવન પદ્ધતિ સમજવામાં ઘણી ઉપયોગી બની. આના દ્વારા વિજ્ઞાનને વાતાવરણના બે સૌથી મહત્વના વાયુઓ - ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડ વિષે વિશેષ જાણકારી મળી. આધુનિક વનસ્પતિશાસ્ત્ર અને કૃષિવિજ્ઞાનની પ્રગતિના પાયામાં આ શોધ રહેલી છે.

ઉત્ક્રાંતિવાદ
ઈ.સ. ૧૮૫૮માં ચાર્લ્સ ડાર્વિને શોધ કરી કે સજીવોની ઉત્ક્રાંતિ એમની આસપાસના વાતાવરણને અનુરૂપ થાય છે અને જે સજીવો વાતાવરણ સાથે સૌથી વધુ અનુકૂળ બની શકવા સક્ષમ બને છે તેઓ વધારે સારી રીતે જીવી શકે છે. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ અને ‘સર્વાઈવલ ફોર ફિટેસ્ટ’ એટલે કે જે જીવન સૌથી વધુ સક્ષમ બને તે જ ટકી રહે એ સંકલ્પના આધુનિક જીવવિજ્ઞાન અને પરિસ્થિતિ વિજ્ઞાનની અત્યંત મહત્વની પાયાની શોધ છે. ડાર્વિનની આ શોધ ૧૫૦ વર્ષ કરતાં વધારે જૂની હોવા છતાં આજે પણ તે જીવસૃષ્ટિની ઉત્ક્રાંતિ અને ઈતિહાસ સમજવામાં સૌથી મહત્વની કડી ગણાય છે.

આનુવંશિકતા
ઈ.સ. ૧૮૬૫માં ગ્રેગોર મેન્ડેલે શોધ કરી કે મનુષ્યના ખાસિયતો અને લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીને વારસામાં મળે છે. આ શોધ જનીન વિજ્ઞાનના પાયારૂપ છે. જનીન અને વારસાગત લક્ષણો સમજવામાં ઘણી અગત્યની છે. જનીન, રંગસૂત્રો, ડી.એન.એ. અને મનુષ્યના વંશસૂત્ર ઉકેલવા (જે કાર્ય ૨૦૦૩માં પૂરું થયું) - આ તમામના મૂળમાં મેન્ડેલની શોધ છે. મેન્ડેલે શરુ કરેલ કાર્યના ફળ સ્વરૂપે તબીબી વિજ્ઞાન અનેક અસાધ્ય રોગોની સારવાર શોધી શક્યું છે.

કોષ વિભાજન
ઈ.સ. ૧૮૮૨માં વોલ્થર ફ્લેમિંગે એક પ્રક્રિયાની શોધ કરી કે જેમાં રંગસૂત્રો વિભાજીત થાય છે જેથી કોષોનું વિભાજન થઈને નવા કોષો ઉત્પન્ન થાય છે. રંગસૂત્ર એ આપણા શરીરના કોષોના બંધારણ, સંચાલન અને પોષણ માટે કડીરૂપ એવા જનીન ધરાવે છે. જનીનશાસ્ત્ર અને આનુવંશિકતાના સંશોધન માટે પ્રત્યેક કોષના કેન્દ્રમાં રહેલ ભૌતિક બંધારણનો અભ્યાસ અત્યંત મહત્વનો છે જેના માટે કોષ વિભાજનની આ શોધ ઘણી ઉપયોગી થઈ છે.

વાઈરસ
ઈ.સ. ૧૮૯૮માં દ મીત્રી ઇવાનોવ્સકી અને માર્ટીનાઝ બેઈજેરીનીકે બેક્ટિરિયાથી પણ નાના અને સૌથી સૂક્ષ્મ અને અર્ધ-સજીવ વાઈરસની શોધ કરી જે શરદી અને ઘાતક પીળો તાવ જેવા આપણા અનેક રોગોના વાહક છે. વાઈરસ દ્વારા જ મનુષ્યના સૌથી ખતરનાક રોગ ફેલાય છે. આ વાઈરસ જ્યારે બહાર હોય છે ત્યારે તો જડ જેવા અને હાનિરહિત હોય છે પણ જેવા તે કોઈ સજીવ કોષમાં દાખલ થાય કે તુરંત તે એકના અનેક બનવા લાગે છે અને ઝેરી તથા વિનાશકારી બની જાય છે. જ્યાં સુધી વાઈરસની શોધ નહોતી થઇ ત્યાં સુધી તબીબી વિજ્ઞાન આવા અનેક ઘાતક રોગોની સારવાર માટે કોઈ પ્રગતિ સાધી શક્યું નહોતું. વાઈરસની શોધ પછી જ બધી એન્ટિબાયોટિક દવાઓની શોધ શક્ય બની.

રંગસૂત્રોની કાર્ય પદ્ધતિ
ઈ.સ. ૧૯૦૯માં ટી.એચ.મોર્ગને શોધ કરી કે જનીન એવા સમૂહમાં જોડાયેલા હોય છે જે રંગસૂત્રો સાથે બંધાયેલા હોય છે. જનીન અને રંગસૂત્રોની કાર્ય પદ્ધતિ જાણવા માટે મોર્ગનની શોધ ઘણી મહત્વની સાબિત થઈ. તેના દ્વારા ડી.એન.એ. પરમાણુનું બંધારણ સમજવાનું પણ શક્ય બન્યું.

મનુષ્યની ઉત્ક્રાંતિ
ઈ.સ. ૧૯૨૪માં રેમંડ ડાર્ટે શોધ કરી કે મનુષ્ય સૌપ્રથમ આફ્રિકામાં પેદા થયા હતા અને ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ મુજબ વાનરના કુળમાંથી વિકાસ પામ્યા હતા. મનુષ્યને હંમેશાં એ જાણવાની જિજ્ઞાસા રહી છે કે આપણે પૃથ્વીના આ ગ્રહ ઉપર કેવી રીતે આવ્યા? રેમંડની આ શોધ દ્વારા મનુષ્યની ઉત્ક્રાંતિના સંશોધનને એક નવી દિશા મળી. આ શોધ, આપણા મનુષ્યકુળના ઉદ્‌ભવ અને ઈતિહાસ વિષેની વિજ્ઞાનની આધુનિક માન્યતાઓનું સીમા ચિન્હ છે.

પર્યાવરણ - જીવોની પરિસ્થિતિની રચના
ઈ.સ. ૧૯૩૫માં આર્થર ટેન્સ્લીએ શોધ કરી કે વનસ્પતિઓ, પ્રાણીઓ અને વાતાવરણ ત્રણે પરસ્પર આધારિત છે. ટેન્સ્લીએ શોધ્યું કે પ્રત્યેક સજીવ એ પરસ્પર આધારિત રચનાનો જ એક ભાગ છે. આ શોધ જીવ વિજ્ઞાન અને પરિસ્થિતિ વિજ્ઞાનને સમજવા માટે ઘણી ઉપયોગી બની.

પૃથ્વી ઉપર જીવનનો પ્રારંભ
ઈ.સ. ૧૯૫૨માં સ્ટેન્લી મિલરે પૃથ્વી ઉપર જીવનનો ઉદ્‌ભવ થયો એ પ્રક્રિયાનું સૌપ્રથમ વખત પ્રયોગશાળામાં પરીક્ષણ કર્યું. એણે સમુદ્રની શરૂઆતની અવસ્થાનું પ્રયોગશાળામાં નિર્માણ કર્યું અને સાબિત કર્યું કે શરૂઆતની તબક્કાના સમુદ્રમાં થયેલા રસાયણિક મિશ્રણમાંથી એમીનો એસીડ બન્યો હતો. એક એવો તર્ક હતો કે સમુદ્રમાં રહેલા નિર્જીવ પદાર્થોના મિશ્રણમાંથી પૃથ્વી ઉપર સજીવસૃષ્ટિનો ઉદ્‌ભવ થયો હતો. સ્ટેન્લીની આ શોધથી આ તર્કને વૈજ્ઞાનિક માન્યતા મળી. આ શોધ જીવવિજ્ઞાન માટે પાયારૂપ થઈ.

ડી.એન.એ.
૧૯૫૩માં ફ્રાન્સીસ ક્રિક અને જેમ્સ વોટસને સજીવની રચના માટેના વ્યાપક પરમાણુની આકૃતિ અને રચના શોધી. કેટલાય વૈજ્ઞાનિકોએ આ શોધને સદીની સૌથી નોંધપાત્ર શોધ તરીકે ઓળખાવી. ડી.એન.એ. પરમાણુની રચના સમજાવતી આ શોધ તબીબી વિજ્ઞાનને અનેક અસાધ્ય રોગોની સારવાર માટે ઘણી મદદરૂપ થઇ. આ શોધ થકી અબજો જિંદગી બચાવી શકાઈ છે. હવે તો ડી.એન.એ.ના પુરાવા અદાલતોમાં ન્યાય આપવા માટે પણ માન્ય ગણાય છે.

મનુષ્યના વંશસૂત્રો
ઈ.સ. ૨૦૦૩માં જેમ્સ વોટસન અને જે. ક્રેઇગ વેન્ટરે મનુષ્યના ડી.એન.એ. જનીન લિપિનો નકશો તૈયાર કર્યો. મનુષ્યના જનીનની લિપિ - વંશસૂત્રો ઉકેલવાની આ શોધ એ ૨૧મી સદીની સૌ પ્રથમ વૈજ્ઞાનિક શોધ છે જે જીવ વિજ્ઞાન માટે ‘પાયાની શોધ’ ગણાય છે! આ શોધ થકી તબીબી વિજ્ઞાને જનીનની ખામીઓ, રોગોના ઉપચાર અને વારાસાકીય રોગો સમજવા મહત્વની પ્રગતિ સાધી છે. માનવ શરીરરચના સમજવા અને તંદુરસ્તી માટેની ભવિષ્યની શોધો માટે આ શોધ ચાવીરૂપ છે. જનીનને જાણવાથી આપણે એ જાણી શકીએ છીએ કે આપણને શું અદ્વિતીય બનાવે છે અને શું આપણને અન્ય સજીવો સાથે જોડે છે.

તબીબી વિજ્ઞાનની શોધખોળ

માનવ શરીરરચના
ઈ.સ. ૧૫૪૩માં એન્દ્રીસ વેસલીઅસે માનવ શરીરરચનાની સૌપ્રથમ વૈજ્ઞાનિક અને સચોટ માર્ગદર્શિકા આપી. ૧૬મી સદી પહેલાં માનવ શરીરરચના સમજવા માટે તબીબોએ પ્રાણીઓના શરીર પર પ્રયોગ કરવા પડતા હતા. એન્દ્રીસ વેસલીઅસે માનવ શરીરની વાઢકાપ કરીને માનવ શરીરરચનાનો અભ્યાસ કરવાની શરૂઆત કરી. તે પેરીસની ગલીઓમાં મૃતદેહો, (જેમના ખૂન થયા હોય તેવા લોકોના) કંકાલ અને હાડકાં શોધવા ફર્યા કરતો. તેણે માનવ શરીરરચનાનો અભ્યાસ કરવા માટે સૌથી ભરોસાપાત્ર અને સચોટ માહિતી આપતાં પુસ્તકો લખ્યાં. આ શોધ તબીબી વિજ્ઞાન માટે વરદાનરૂપ સાબિત થઈ.

માનવશરીરનું રુધિરાભિસરણ તંત્ર
ઈ.સ. ૧૬૨૮માં વિલિયમ હાર્વેએ માનવશરીરના રુધિરાભિસરણ તંત્રની શોધ કરી. તેણે ધમની, શીરા, હૃદય અને ફેફસાંથી કેવી રીતે રુધિરાભિસરણ તંત્ર બને છે તેની સમજ આપી અને માનવ શરીરમાં રુધિરનું પરિભ્રમણ કેવી રીતે થાય છે તેની સચોટ માહિતી આપી. વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જીવ વિજ્ઞાનનો અભ્યાસ કરનાર તે સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતા. ત્યાર બાદ દરેક વૈજ્ઞાનિક તેણે શોધેલી પદ્ધતિને અનુસરતા આવ્યા છે. હાર્વેએ ઈ.સ. ૧૬૨૮માં લખેલા પુસ્તક દ્વારા આધુનિક શરીરવિજ્ઞાનના અભ્યાસની શરૂઆત થઈ હતી.

રોગ અવરોધક રસી
ઈ.સ. ૧૭૯૮માં લેડી મેરી વર્ટલી મોન્ટાગુ અને એડવર્ડ જેનરે શોધ કરી કે મનુષ્યને કોઈ રોગથી બચાવવા માટે તે રોગના જીવાણુમાંથી જ બનાવેલી રોગવિરોધી રસી આપી શકાય છે. રસીની આ શોધ પછી ઘણા રોગ પ્રસરતા તો અટકાવી જ શકાયા પણ પ્લેગ-કોલેરા જેવા કેટલાંક ઘાતક રોગને સાવ નિર્મૂળ પણ કરી શકાયા છે. આ શોધથી લાખો મનુષ્યોની જિંદગી બચાવી શકાઈ છે અને લોકોને અસહ્ય યાતનાઓ અને પીડામાંથી મુક્ત કરી શકાયા છે.

એનેસ્થેસિયા - શસ્ત્રક્રિયા દરમ્યાન શરીરને નિશ્ચેતન બનાવી દેવાની પ્રક્રિયા
ઈ.સ. ૧૮૦૧માં હમ્ફ્રી ડેવીએ એક ઉપચારની શોધ કરી જેમાં દર્દીને શસ્ત્રક્રિયા દરમ્યાન થોડો સમય નિશ્ચેતન બનાવી દઈને વાઢકાપના દર્દથી મુક્ત કરી શકાતો હતો.

શસ્ત્રક્રિયા દરમ્યાન દર્દીને થતા પીડા, ભય, અસ્વસ્થતા અને દુઃખમાંથી રાહત આપી શકાવાથી તબીબી અને દંત શસ્ત્રક્રિયાઓ વધુ સરળ બની અને તબીબી વિજ્ઞાનને આ શસ્ત્રક્રિયાઓમાં સુધારા કરવાની તક મળી જેના લીધે અસંખ્ય જિંદગીઓ બચાવી શકાઈ છે.

ક્ષ કિરણો (અજ્ઞાત કિરણો)
ઈ.સ. ૧૮૯૫માં વિહેલ્મ રોએન્ટજેને માનવશરીરની માંસપેશીઓમાંથી પસાર થઇ શકે તેવા ઊંચા આવર્તન ધરાવતા વિકિરણોની શોધ કરી હતી. આ વિકિરણો ક્ષ કિરણો તરીકે ઓળખાય છે.

રોગ નિદાન માટે થયેલી શોધોમાં ક્ષ કિરણોની શોધ સૌથી વધુ ઉપયોગી, શક્તિશાળી અને જીવનરક્ષક ગણાય છે. વાઢકાપ કર્યા વિના શરીરની અંદર જોવા માટે તબીબોને આ શોધ ઘણી સહાયરૂપ બની. આધુનિક તબીબી વિજ્ઞાનમાં વપરાતી એમ.આર.આઈ. અને સી.ટી. સ્કેન જેવી પદ્ધતિમાં ક્ષ કિરણોની શોધ જ પાયારૂપ છે.

રુધિરના પ્રકાર-વર્ગ
ઈ.સ. ૧૮૯૭માં કાર્લ લેન્ડસ્ટેનરે શોધ કરી કે મનુષ્યના રુધિરના જુદા જુદા પ્રકાર-વર્ગ હોય છે જે એકબીજા સાથે સુસંગત નથી હોતા. કાર્લે શોધ્યું કે રુધિરના ચાર પ્રકાર હોય છે. કેટલાંક એકબીજા સાથે ભેળવી શકાય છે તો કેટલાંકને નથી ભેળવી શકાતા. આ શોધ દ્વારા લાખો જિંદગીઓ બચાવી શકાઈ છે. આ શોધની મદદથી શસ્ત્રક્રિયા દરમ્યાન લોહી ચઢાવવાનું એકદમ જ સરળ અને સલામત બની ગયું. દર્દીની શસ્ત્રક્રિયા હેમખેમ થવાનું પ્રમાણ વધી ગયું અને તેથી શસ્ત્રક્રિયાની ઘણી નવી પદ્ધતિઓ પણ શોધી શકાઈ છે.

શરીરની ગ્રંથીઓમાંથી ઝરતો પદાર્થ અંત:સ્ત્રાવ (હોર્મોન)
ઈ.સ. ૧૯૦૨માં વિલિયમ બેલિસ અને અર્નેસ્ટ સ્ટર્લીંગે શરીરના વિવિધ અંગોની વૃદ્ધિને ઉત્તેજિત કરતા રસાયણિક વાહકોની શોધ કરી. આ શોધથી એન્ડોક્રીનોલોજી નામની તબીબી વિજ્ઞાનની એક નવી જ શાખાનો જન્મ થયો. આ શોધે શરીરવિજ્ઞાનમાં ક્રાંતિ આણી દીધી. આથી આ શોધને માનવ શરીરને લગતી તમામ શોધોમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. સૌ પ્રથમ એડ્રેલીન નામના હોર્મોનની શોધ થઇ જે મૂત્રપિંડ પાસેની ગ્રંથિમાંથી નીકળે છે અને રુધિરાભિસરણ અને સ્નાયુની ક્રિયાને ઉત્તેજિત કરે છે. ત્યાર પછી બીજા હોર્મોન પણ શોધાયા.

વિટામીન
ઈ.સ. ૧૯૦૬માં ક્રિશ્ચયન એજક્મેન અને ફ્રેડરિક હોપકિન્સે તંદુરસ્ત આરોગ્ય માટે આવશ્યક એવા ખોરાકમાંના જીવનસત્વની શોધ કરી જે વિટામીન તરીકે ઓળખાય છે. વિટામીનની શોધ પોષક આહાર માટેની ક્રાંતિકારી શોધ ગણાય છે. તેનાથી લોકોમાં આરોગ્ય, આહાર અને પોષણ વિષેની જાગરૂકતા આવી. જીવવિજ્ઞાનમાં ઝડપી સુધારા થયા અને મનુષ્ય શરીર કેવી રીતે કાર્ય કરે છે એની સમજ મળી.

એન્ટિબાયોટિક - જીવાણુનાશક દવા
ઈ.સ. ૧૯૧૦માં પોલ એહરલીચે એવા રસાયણિક પદાર્થની શોધ કરી જે શરીરને હાનિ પહોંચાડ્યા વગર ચેપી જીવાણુઓનો નાશ કરી શકે. આ શોધથી તબીબી અને ઔષધવિજ્ઞાનના એક નવા જ યુગની શરૂઆત થઈ અને કેમોથેરપી નામની કેન્સરના દર્દ માટેની ચિકિત્સા પદ્ધતિની શોધ થઈ.

ઇન્સ્યુલિન
ઈ.સ. ૧૯૨૧માં ફ્રેડરિક બેન્ટીંગે શોધ્યું કે ઇન્સ્યુલિન એ સ્વાદુપિંડમાં ઉત્પન્ન થતો એક એવો અંતસ્ત્રાવ - હોર્મોન છે જે લોહીમાંથી શર્કરા શોષી લઇ, એને બાળીને એમાંથી ઊર્જા ઉત્પન્ન કરે છે. અગાઉ મધુપ્રમેહ-ડાયાબીટિસ એક અસાધ્ય રોગ ગણાતો. આ રોગને લીધે સ્વાદુપિંડ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકે નહીં અને આનો કોઈ જ ઉપાય નહોતો જડતો. બેન્ટીંગની આ શોધે આ બધું જ બદલી નાંખ્યું. ઇન્સ્યુલિન એ મધુપ્રમેહના રોગ માટેનો ઉપચાર નથી પરંતુ તેની મદદથી આ રોગ હવે અસાધ્ય ન રહેતાં તેની પર કાબુ મેળવી શકાયો છે અને લાખો દર્દીઓને તંદુરસ્ત આરોગ્ય આપી શકાયું છે.

મજજાતંત્રના વાહકો
ઈ.સ. ૧૯૨૧માં ઓટ્ટો લોએવીએ એવા રસાયણિક પદાર્થની શોધ કરી જે મજ્જા તંતુઓ વચ્ચે લાગણીઓનું પ્રસારણ કરે છે. મજ્જાતંતુઓ મગજને સંવેદના પહોંચાડે છે. મગજ સ્નાયુઓ અને અંગોને મજ્જાતંતુ મારફતે આદેશ આપે છે. ઓટ્ટો લોએવીની મજ્જાતંતુના વાહકોની આ શોધે માનવીના મગજ વિષેના વૈજ્ઞાનિકોના ખ્યાલને બદલી નાંખ્યો. મજ્જાતંતુના આ વાહકો યાદશક્તિ, આપણી શીખવાની, વિચારવાની ક્રિયાઓ, આપણી વર્તણૂક, આપણી ઊંઘ, આપણી ગતિવિધિ અને આવી બધી જ સંવેદનશીલ ક્રિયાઓ પર કાબુ ધરાવે છે. મગજની રચના અને મગજના કાર્યને સમજવા માટે આ શોધ ઘણી જ પાયારૂપ બની.

પ્રથમ એન્ટિબાયોટિક - પેનિસિલિન
ઈ.સ. ૧૯૨૮માં એલેક્ઝાંડર ફ્લેમિંગે પેનિસિલિન નામની વ્યાપારી ધોરણે ઉપયોગમાં લઇ શકાય એવી એન્ટિબાયોટિક દવાની શોધ કરી. પેનિસિલિનની શોધે અસંખ્ય જિંદગીઓ બચાવી. ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધના પાછલા વર્ષોમાં લાખો લોકોને બચાવી શકાયા. ચેપી બેક્ટિરિયા સામે રક્ષણ આપવાની ક્ષમતાને લીધે અને બીજા અનેક અસાધ્ય રોગોનો પણ ઈલાજ કરી શકવાને લીધે પેનિસિલિનને ૨૦મી સદીની શરૂઆતના વર્ષોમાં ચમત્કારિક ઈલાજ ગણવામાં આવતી. તેનાથી એન્ટિબાયોટિક દવાઓનો બહોળો ઉદ્યોગ શરુ થયો અને ઔષધની દુનિયામાં એક નવા યુગની શરૂઆત થઈ.

ચયાપચયની ક્રિયા
ઈ.સ. ૧૯૩૮માં હાન્સ એડોલ્ફ ક્રેબ્સે રસાયણિક પ્રતિક્રિયાઓની એક વર્તુળાકાર શ્રુંખલાની શોધ કરી જે શર્કરાને ઊર્જામાં રૂપાંતરિત કરે છે અને ચયાપચયની ક્રિયામાં મદદરૂપ થાય છે. હાન્સે શોધ્યું કે આપણું શરીર ખોરાકને કેવી રીતે ઊર્જામાં રૂપાંતરિત કરે છે. ચયાપચયની ક્રિયાનો અભ્યાસ માનવ શરીરરચના સમજવા માટે ઘણો જ ઉપયોગી છે. ૨૦મી સદીની આ એક ઘણી જ અગત્યની શોધ હતી.

પ્લેઝમા
ઈ.સ. ૧૯૪૦માં ચાર્લ્સ ડ્રયુએ પ્લેઝમાની શોધ કરી જે માનવ રુધિરનો એક ભાગ છે જે લાલ રક્તકણો છુટા પાડ્યા પછી પણ રહે છે. ડ્રયુએ રુધિરમાંથી લાલ રક્તકણો અને પ્લેઝમાને છુટા પાડી બતાવ્યા. આ શોધની મદદથી રુધિરને ઘણા લાંબા સમય સુધી સાચવી રાખવાનું શક્ય બન્યું જેના લીધે અસંખ્ય જિંદગીઓ બચાવી શકાઈ. ડ્રયુની આ શોધ પછી રુધિર સંગ્રહિત કરવા માટેની બ્લડ બેંકનો યોગ્ય ઉપયોગ થઇ શક્યો. આજે પણ રેડક્રોસ જેવી બ્લડ બેંકમાં રુધિર સંગ્રહિત કરવા અને રક્તદાન કરવામાં આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે.
[પાછળ]     [ટોચ]