[પાછળ] 
ઉષાએ શું જોયું ?
લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મુનશી

(‘વીસમી સદી’ સામાયિકમાં હપ્તાવાર છપાયા બાદ ઈ.સ. ૧૯૧૯માં પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયેલી કનૈયાલાલ માણેકલાલ મુનશીની કૃતિ ‘ગુજરાતનો નાથ’ સમગ્ર ગુજરાતી ભાષાની મુઠ્ઠીભર ચિરંજીવી નવલકથાઓમાં ગૌરવવંતુ સ્થાન ધરાવે છે. એમાં પણ તેના વિભાગ-૪નું આ ૧૪મું પ્રકરણ તો કવિ કાલિદાસના ‘શ્લોક ચતુષ્ટયમ્’ની સ્પર્ધામાં ઉતરે તેવું લખાયું છે. વાંચો અને માણો આ રસપ્રદ પ્રકરણઃ)


વિભાગ-૪નું પ્રકરણ ૧૪ : ઉષાએ શું જોયું ?

સવાર પડી. ભગવાન દિવાકરની આરાધના કરતી ઉષા વ્યોમ માર્ગે સંચાર કરતાં આ જંગલ પર થોભી, અને ઝાડપાનની ઘટામાંથી પ્રકાશની રેખાઓ વર્ષાવવા લાગી.

પ્રકૃતિમાતને નિરંકુશ ખેલવાના આ ક્ષેત્ર પર ઉષા રોજ પલવાર વધારે થોભતી; ઘટામાં લપાયેલાં પંખી જનને જગાડી, કલ્લોલ મંત્રના અર્ધ્ય સ્વીકારતી; ઘટામાંથી તેજસ્વી આંગળીઓ વડે સુતેલાં જગતને લાડથી ઉઠાડતી; હિંસક પ્રાણીને ડારી, નસાડી મુકતી, ને નિર્દોષ મૃગલાંને રમવા આવવા કાંઈ કાંઈ ઈશારા કરતી.

આજે ઉષા વિસ્મિત થઈ ચમકી, વિચારમાં પડી; આ સ્થલે કાંઈ અપરિચિત વસ્તુઓ દેખાઈ.

એક નર હતો, એક નારી હતી. પુરૂષ વેશમાં પુરૂષ માથા નીચે કામળાનું ઉશીકું કરી ચત્તોપાટ ઉંઘતો હતો. તેની છાતી પર માથું ને ખભા ઢાળી સ્ત્રી પણ નિદ્રાવશ થઈ હતી. પુરૂષનો હાથ સ્ત્રીની કેડની આસપાસ વીંટાયો હતો, સ્ત્રીનો હાથ પુરૂષના ગળાની આસપાસ વીંટાવાની વાટ જોતો હતો.

ઉષાના અચંબાને પાર રહ્યો નહિ. તેણે અનેક યુગલને પ્રભાતમાં ઉઠાડ્યાં હતાં–મહેલમાં તેમ ખેતરને ખૂણે બાંધેલી કાચી ઝુપડીમાં; પણ આવું યુગલ તેણે કદી ભાળ્યું નહોતું. બન્ને થાકેલાં હતાં, તેમના હાથ ને પગ છોલાઈ ગયાં હતાં, તેમનાં વસ્ત્રો ફાટી ગયાં હતાં. છતાં સ્ત્રીના અપૂર્વ મુખ પર લક્ષ્મીજી લાજે એવું સૌંદર્ય હતું, તેની શરીરરેખાના લાલિત્યમાં રંભામાં પણ ન જડે એવી ચિત્તભેદક મોહિની હતી, તેના નવયૌવને ખીલાવેલાં મનોહારી અંગોમાં વિજયા ન ચડાવે એવો નશો ચડાવાનો પ્રભાવ હતો. પુરૂષના કપાલ પર બૃહસ્પતિની બુદ્ધિ દીપતી, મીંચેલી આંખો પરથી પણ ચાણક્યનું નૈપુણ્ય યાદ આવતું, નાકના મરોડમાં ધનંજયની મહત્વાકાંક્ષા સમાયેલી લાગતી, ને ધનુષ્ય સમા અડગ પણ રસ ઝરતા હોઠમાં ગોપીવલ્લભ ગોવર્ધનધારીની રસિકતા રહી હોય એમ લાગતું.

ઉષા આ બેને નીહાળી રહી. સ્ત્રીના ઉડતા કુંપળ સમા વાળને સ્પર્શ કર્યો, પુરૂષના તેજસ્વી કપાળને તેજે મઢ્યું. તેણે ઘણાંયે યુગલો જોયાં હતાં—પણ આવું એકે નહોતું જોયું. તે પોતાને લાલિત્યનો અવતાર માનતી હતી, છતાં આ સ્ત્રીની અપૂર્વતા જોઈ તેને અદેખાઈ થઈ અને કરડી નજરે તે જોઈ રહી.

આ કરડી નજરના તાપથી, પોયણીનાં પાન ઉઘડે તેમ, સ્ત્રીએ નેત્રો ધીમેથી ઉઘાડ્યાં. તેણે બીચારી ઉષાનો ગુસ્સો ગણ્યો નહિ, અને એકી ટશે તે પુરૂષ સામું જોઈ રહી–અને દૂરથી, રસાલ હોઠને-જાણે ચુંબન કરતી હોય તેમ વાળ્યા–ઉષાનો કો૫ વધ્યો. તે સખત થઈ; જવાબમાં સુંદરીએ માત્ર કપાળ પર હાથ ફેરવ્યો અને તેની નફટાઈએ માઝા મુકી-તે નીચી વળી ને પુરૂષના ગાલ પર ગાલ મુકી પાછી સુતી. મર્યાદાશીલ અને નિર્દોષતાના અવતાર સરખી ઉષા શરમાઈ ગઈ, ચાલી ગઈ; અને રથ પર ચડેલા રવિરાજને ફરીયાદ કરી.

અનાદિ કાલના અનુભવી, વૃદ્ધાવસ્થા છતાં દિને દિને નવું બાળપણ ધારતા ભગવાન સૂર્યનારાયણ વાત સાંભળી હસ્યા. હસતાં તેનું મ્હોં લાલચોળ થયું અને ધીમે ચાલતા રથને થંભાવી ઝાડોમાંથી એકી ટશે જોઈ રહ્યા; સ્ત્રીનું રૂપ જોઈ તેના અનુભવી હૃદયમાં પણ નવા અંકુર ફુટ્યા; તેને પોતાના અનંત કાર્યચક્રપર તિરસ્કાર આવ્યો. તેને પણ થયું કે એક દિવસની તેને ફુરસદ હોત તો પૃથ્વી પર અવતાર લઈ આ રમણીની સેવા કરત.

રમણીને રવિરાજની હાજરીનું ભાન થયું, અને તેના પ્રફુલ્લ મુખ સામું તે એકી ટશે જોઈ રહી. બીચારા સૂર્યે નિશ્વાસ નાંખ્યો; યુગોના યુગ પહેલાં કરેલા વિહારો યાદ આવ્યા.

“તમે પણ આખરે ઉગ્યા ખરા !” જરા ટોળમાં યુવતી બબડી ને નાનકડા નાકનું ટેરવું ફુલાવી ઠપકો દેવા લાગી. સૂર્યનારાયણ આ રોફ સાંખી રહ્યા-આવી મનોહારી સુંદરીના નિર્દોષ ઠપકો સાંભળતાં તેમનો જીવ પણ આનંદ તરંગે હિંચવા લાગ્યો.

પણ તે સુંદરીના હૃદયમાં સૂર્યદેવને ઠપકો આપવા જેટલી કઠોરતા અત્યારે નહોતી, તેણે ચારે તરફ જોયું ને પાછી બબડી: “શું સરસ તપોવન !” પછી તરત તેણે હસી, હોઠ કરડ્યા; તેની આંખમાં તોફાન ચમક્યું ‘પણ આ તપોધનની સમાધી છુટતી જ નથી!” તે નિશ્ચલ નયને સુતેલા પુરૂષના મોં સામું જોઈ રહી–પલો વહી ગઈ-પણ તેનાં નયનોની તૃષા છીપી નહિ; બે વખત તેણે મોઢું પાસે લીધું;-આઘે લીધું; બે વખત તે મોઢા પાસે આંગળી લઈ ગઈ ને પાછી લાવી. આખરે જીવ ન રહ્યો. તે નીચી વળી ને ધીમેથી મદભર્યા, કોડભર્યા અવાજે બોલી:

“ઋષિરાજ ક્યારે સમાધિ છોડશો ?”

પુરૂષે ધીમેથી આંખો ઉઘાડી -પલવાર તેમાં વિસ્મયતા આવી ને ગઈ– તેણે હાથ સુંદરીની કોટે નાંખ્યા.

“આ સ્વપ્ન, કે સાચું ?”

“ઋષિરાજ ! તમારા જેવાને મન સ્વપ્ન-અમારે તો સાચું. જુઓ ભગવાન સવિતાનો ક્યારનો ઉદય થયો છે !” ટોળમાં મંજરી બોલીઃ ‘‘શિષ્યવૃન્દો ક્યારના દર્ભ વિણવા નીકળી પડ્યા છે. આ તપોવનનાં વૃદ્ધ હરિણો આપના વંદન માટે આ આવીને ઉભાં.”

કાક આ શબ્દોએ ઉભી કરેલી કલ્પના સૃષ્ટિનો અનુભવ કરવા થોડીવાર મુંગે મોઢે પડી રહ્યો ને પછી કહ્યુંઃ

“ને સુંદરી! તમે ઇંદ્રલોક છોડી અહિયાં શા માટે આવ્યાં છો ?”

પહેલાં આંખની એક અદ્‌ભુત ચમકે આ પ્રશ્નનો જવાબ દીધો; અને પછી મીઠું, પથ્થર પીગળાવે એવું હાસ્ય હસીને તે બોલીઃ “મહારાજ, આપની તપશ્ચર્યાએ ઈંદ્રાસનો ડોલાવ્યાં છે- તેથી !”

“મારો તપ ભંગ કરવા આટલી તસ્દી ! ઠીક ત્યારે” કહી બેઠેલી મંજરીની કોટે વળગી કાક બેઠો થઈ ગયો. “મારી તપશ્ચર્યા રહી ઊંચી, તમે છો એટલે બસ છે.” તે અને મંજરી બન્ને ખડખડાટ હસી પડ્યાં.

“હવે શું કરીયે ?”

“હવે કાંઈ વહેળો મળે તે મોઢું ધોઈએ, ને પછી નાસીએ.”

“મારા તો પગ દુઃખે છે.”

“કાંઈ નહિ. સેવક હાજર છે. જ્યારે માનમાં હતાં ત્યારે કેટલી વાર ઉંચકીને લઈ ગયો; તે હવે કાંઈ છુટકારો છે ?”

“ચાલો ત્યારે” કહી મંજરીએ જે ભયંકર રસ્તે તેઓ ઉતરી આવ્યાં હતાં તે તરફ બ્હીતાં બ્હીતાં નજર કરી, અને આગળ ચાલવા માંડ્યું.

નિર્મલ પ્રભાતનો મીઠો આલ્હાદ અનુભવતાં, સ્વચ્છંદે પથરાઈ રહેલી વનની શોભા નીહાળતાં, પ્રબલ પ્રેમના બંધનના ભાનથી મસ્ત બની, તે બન્ને રસ્તો કાપવા લાગ્યાં. નિર્જનતા, થાક, સૂર્યનો સખત થતો તાપ-તેનો તેમને હિસાબ નહોતો. બન્ને અજ્ઞાન હતાં-એક ગર્વથી, બીજો વ્યવસાયથી; એ બન્નેની નવી ઉઘડેલી આંખ આગળ રસસમાધિ સાધેલા વિશ્વામિત્રોજ સર્જાવી શકે એવી દિવ્યરંગે રંગેલી નવી સૃષ્ટિ ખડી થઈ.

તે સૃષ્ટિને નથી ભવિષ્ય, નથી ભૂત- માત્ર વર્તમાન જ છે. ત્યાં સદાયે વસન્ત જ છે-હૃદયની એકતાનતાની; સદાયે શોભે છે–સામા હૃદયનો શીતરશ્મિ; સદાયે વર્ષે છે–આ અમીધારાઓ સામા નયનમાંથી કે અધરમાંથી. આ અદ્‌ભુત સૃષ્ટિનો અનુભવ લુટતાં તે બન્ને ચાલ્યાં.
 [પાછળ]     [ટોચ]